Rudra ni premkahaani - 2 - 9 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 9

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:9

રાજા અગ્નિરાજનો વિશાળકાય કાફલો એની નિયત ગતિએ રત્નનગરી તરફ આગળ વધી રહ્યો હતો. આ યાત્રાની સંપૂર્ણ જવાબદારી બાહુકના માથે હતી. જેને અડધી યાત્રા સુધી તો બાહુક ઉમદા રીતે નિભાવતો રહ્યો. અડધી યાત્રા સુધી બાહુકે નક્કી કરેલું અંતર ચોક્કસ સમયમાં પૂરું થઈ જતું હતું. જેનાં લીધે જમવાનો અને આરામનો સમય સચવાઈ જતો.

પ્રયાગરાજથી નીકળી વિદર્ભ સુધીની યાત્રા કોઈપણ જાતની અડચણ વીનાં માત્ર પાંચ દિવસમાં કાપીને બાહુકે સાબિત કરી આપ્યું હતું કે એ પોતાનાં પિતાજીનું સ્થાન લેવાં માટે યોગ્ય ઉમેદવાર છે, પણ કહ્યું છે ને કે ધાર્યું તો અલખધણીનું જ થાય! આ વિધાનને યથાર્થ કરતી ઘટના રાજા અગ્નિરાજનો કાફલો વિદર્ભ પહોંચ્યો ત્યારે બની.

જ્યારે વિદર્ભમાં બધાં પહોંચ્યાં અને જમવાની વ્યવસ્થા થઈ રહી હતી ત્યારે અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવ્યાં. આ સમયે આ પ્રકારનાં વાતાવરણનું નિર્માણ થવું સમજ બહારની વસ્તુ હતી. છતાં મધ્ય આર્યાવતમાં ક્યારેક ઠંડીની ઋતુમાં કમોસમી વરસાદ પડતો હોવાનું અગ્નિરાજને ખબર હતી.

"અકિલા, જો વરસાદ પડશે તો એ માટેની કોઈ પૂર્વતૈયારી કરેલી છે?" આકાશે ઘરાયેલાં કાળા ડિબાંગ વાદળોને જોઈ અગ્નિરાજે અકિલાને બોલાવીને પૂછ્યું.

"મહારાજ, તમે ચિંતા ના કરશો. આ વાદળો ખાલી નામનાં જ ભયાવહ લાગે છે. બાકી આ વરસવાના નથી એનો મને પૂરતો વિશ્વાસ છે અને જો ઘડી બે ઘડી વરસાદ આવી પણ જાય તો બહુ તકલીફ નહીં આવે. મારાં પુત્ર બાહુકે આ માટેની પણ પૂરતી વ્યવસ્થા કરી જ રાખી હશે." અકિલાના અવાજમાં પુત્ર માટેનું અભિમાન છલકતું હતું.

"કોઈને કંઈ વાંધો ના હોય તો હું કંઇક જણાવું?" અકિલાની વાત સાંભળી અગ્નિરાજ સમીપ ઊભેલો રુદ્ર બોલ્યો.

રાજા અગ્નિરાજે હાથનાં ઈશારે રુદ્રને પોતાની વાત રાખવાની સંમતિ આપી એટલે રુદ્ર આકાશ ભણી નજર કરી બોલ્યો.

"મહારાજ, આ વાદળો પશ્ચિમી સમુદ્ર તરફથી આવતાં હોય એવું લાગે છે. વાદળોની દિશામાંથી આવતો શીતળ પવન એ તરફ ઈશારો કરે છે કે વાદળો આગળનાં વિસ્તારમાં વરસીને આવેલાં છે. કહેવાય છે કે ગાજયા મેઘ વરસતાં નથી તો એનો બીજો અર્થ એવો પણ નીકળે કે શાંત મેઘ હાહાકાર મચાવી મૂકે છે."

"તારાં કહેવાનો અર્થ એવો છે કે આ સમયે થનારો કમોસમી વરસાદ ખૂબ મોટી તારાજી સર્જવાનો છે?" રુદ્રની વાત વચ્ચેથી કાપતા અકિલા બોલ્યો.

"હું એ બાબતે પૂર્ણતઃ કહી ના શકું કેમકે હું કંઈ ભગવાન નથી. આમ છતાં અનુભવ અને સમજશક્તિને કામે લગાડી એટલું તો કહી શકું કે આપણે તત્કાળ આપણો ઉતારો અહીંથી ખસેડવાની જરૂર છે." રુદ્રના અવાજમાં શાલીનતા હતી.

"ઉતારો અહીંથી ખસેડવાનું કોઈ ઉચિત કારણ?" રુદ્રની વાત સાંભળી ચિંતિત થયેલાં રાણી મૃગનયનીએ પૂછ્યું.

"મહારાણી, આપણે જ્યાં રોકાયા છીએ એ સ્થળ આજુબાજુનાં સ્થળ કરતા નીચાણવાળાં વિસ્તારમાં છે. અહીંથી એક ગાઉ જેટલાં અંતરે ગોદાવરી નદી વહી રહી છે. જો વરસાદનું પ્રમાણ વધુ હશે તો આપણને અવશ્ય નદીનાં પૂરનો સામનો કરવો પડી શકે એમ છે. વળી આ મેદાની વિસ્તાર હોવાથી એવી પરિસ્થિતિમાં અહીંથી છટકવું લગભગ અશક્ય બની જશે." રુદ્રએ ખૂબ જ ઊંડાણપૂર્વક રાણી મૃગનયનીનાં પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું.

"નદીમાં પૂર આવશે જ એવું તમે આટલાં વિશ્વાસથી કઈ રીતે કહી શકો?" અકિલાએ કરડાકીભરી નજરે રુદ્ર ભણી જોતા પૂછ્યું.

"સેનાપતિજી, ગત ચોમાસે પૂરાં આર્યાવતમાં ભારે વરસાદ વરસ્યો હતો. એમાં પણ વિદર્ભ વિસ્તારમાં તો બારે મેઘ ખાંગા થયાં હોવાનું કહેવાય છે. આ ચોમાસામાં જ ગોદાવરી નદીમાં આવેલું પૂર આજુબાજુનાં વિસ્તારમાં ભારે તારાજી સર્જનારું સાબિત થયું હતું. મતલબ કે હજુ ગોદાવરી નદીમાં જળરાશી પુષ્કળ પ્રમાણમાં હશે. જો વરસાદ વધુ પડ્યો તો નક્કી નદીનું વધેલું સ્તર પૂરની સ્થિતિ પેદા કરશે. આપણો ઉતારો નીચાણવાળા વિસ્તારમાં હોવાથી આવી સ્થિતિ આપણાં માટે જોખમી પુરવાર થશે એમાં શંકાને સ્થાન નથી." રુદ્રના આ યથાયોગ્ય તર્ક સામે પણ સેનાપતિ અકિલાએ દલીલ કરવાં મોં ખોલ્યું જ હતું પણ અકિલા કંઈ બોલે એ પહેલાં તો મહારાજ અગ્નિરાજે અકિલાને આદેશ આપતાં કહ્યું.

"સેનાપતિ, તાત્કાલિક કાફલામાં સામેલ દરેક વ્યક્તિ અને પશુઓને ઊંચાઈવાળી જગ્યાએ લઈ જવાનો પ્રબંધ કરવામાં આવે!"

રાજા અગ્નિરાજનો આદેશ માથે ચડાવી સેનાપતિ અકિલા મને-કમને અગ્નિરાજના પૂરાં કાફલાને ઊંચાઈવાળી જગ્યાએ સ્થળાંતર કરવાનાં મુશ્કેલ કામમાં જોતરાઈ ગયો.

"વીરા, તારી યુદ્ધકુશળતાની માફક તારી અવલોકનશક્તિ અને તર્કશક્તિ ગજબનાં છે!" રાજા અગ્નિરાજના આ વિધાનનાં પ્રત્યુત્તરમાં રુદ્ર મીઠું સ્મિત વેરતો ઊભો રહ્યો.

અકિલાએ પોતાનાં પુત્ર બાહુકને જ્યારે વીરા બનેલા રુદ્ર દ્વારા જણાવવામાં આવેલાં સંકટ વિશે જણાવ્યું ત્યારે અકિલાને હતું કે આ વાત સાંભળી બાહુક પણ પોતાની માફક રુદ્ર પર ગુસ્સે ભરાશે પણ થયું એનાંથી ઊલટું!

પોતાનાં પિતાએ જ્યારે વીરા દ્વારા જણાવવામાં આવેલી શક્યતાઓ વિશે જણાવ્યું ત્યારે બાહુકે મનોમન વીરાનો આભાર માન્યો અને ક્ષણનો પણ વિલંબ કર્યાં વિનાં કાફલાનાં લોકો અને એમાં સામેલ અશ્વ તથા ગજરાજને ઊંચાઈ વાળા વિસ્તારમાં લઈ જવાનાં કાર્યમાં લાગી ગયો.

આખરે એક ઘડી (અહીં ઘડી શબ્દ આધુનિક કલાકનાં સંદર્ભમાં લેવો)જેટલો સમય વીત્યાં બાદ અગ્નિરાજના વિશાળ કાફલાનું એક ટેકરી જેવાં ઊંચા ભાગ સુધી સ્થળાંતર કરવામાં બાહુક સફળ થયો. આ મોટી ટેકરી જેવાં ભાગ પર ઊગેલા વૃક્ષોની આડશમાં વરસાદ સામે એમને રક્ષણ મળી શકે એમ હતું.

હજુ એ લોકોને સુરક્ષિત સ્થાને પહોંચે માંડ અડધી ઘડી જેટલો સમય વીત્યો હતો ત્યાં તો મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. વરસાદની સાથે પવનનું જોર પણ પુષ્કળ માલૂમ પડતું હતું. સતત ત્રણ પ્રહર સુધી એકધારો આવો જ વરસાદ ચાલુ રહ્યો.

સતત સાંબેલાધારે પડતો આ વરસાદ રુદ્રના કહ્યાં મુજબ ગોદાવરી નદીમાં પૂરનું કારણ બન્યો. નદીનું જળસ્તર અચાનક થયેલાં વરસાદને પરિણામે ભયાનક સ્તરે વધી ચૂક્યું હતું. આથી ગોદાવરી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું. આ પૂરનાં પાણી રાજા અગ્નિરાજનો ઉતારો પહેલા જ્યાં રાખવામાં આવ્યો હતો એ નીચાણવાળા ખુલ્લા મેદાની વિસ્તારમાં ફરી વળ્યાં.

જો રુદ્રની સલાહની અવગણના કરવામાં આવી હોત તો નક્કી પોતાનાં કાફલાની અંદર મોજૂદ અડધોઅડધ પશુઓ અને મનુષ્યોને માંડ બચાવી શકાય એમ હતું.

આખરે આ ઘટનાએ વીરા પ્રત્યે જોવાનો અગ્નિરાજનો અભિપ્રાય સમૂળગો બદલી દીધો. જે વ્યક્તિને પોતે ફક્ત યુદ્ધકુશળતા અને શક્તિમાં પાવરધો ગણતાં હતા એની બુદ્ધિની ધાર પણ સરાહનીય હતી. પોતાની ગજબની અવલોકનશક્તિ અને કુનેહનાં જોરે વીરા ભવિષ્યમાં પોતાનાં રાજ્ય માટે વિજયનાં નવાં સોપાનો સર કરી શકશે એવી અટકળો અગ્નિરાજે અત્યારથીજ લગાવવાની શરૂ કરી દીધી હતી.

અગ્નિરાજનો વીરા તરફ વધી રહેલો પ્રેમ અને વારંવાર જાહેરમાં કરવામાં આવતી પ્રશંષા સેનાપતિ અકિલાને વગર કારણે રુદ્રનો દુશ્મન બનાવી રહી હતી.

********

કમોસમી વરસાદ હોવાથી સવાર પડતાં જ ઉઘાડ નીકળ્યો અને પૂરનાં પાણી ઓસરવા લાગ્યાં. બપોરનું જમવાનું પૂર્ણ કરી રુદ્રની સલાહથી રાજા અગ્નિરાજે રત્નનગરી તરફ જતી પોતાની યાત્રાનો પુનઃ પ્રારંભ કરાવ્યો.

અગ્નિરાજ દ્વારા હવે ડગલે ને પગલે દરેક નિર્ણયમાં વીરા બનેલા રુદ્રની સલાહ લેવાઈ રહી હતી. રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક તરીકે જોડાયેલો એક દૂર દેશનો વેપારી પોતાની કુશાગ્ર બુધ્ધિનાં જોરે રાજા અગ્નિરાજનો સલાહકાર પણ બની બેઠો હતો એ વાત સેનાપતિનો ઉચ્ચ હોદ્દો ભોગવતાં અકિલા માટે હજમ કરવી અઘરી હતી.

આગળની ત્રણ દિવસની સફર હવે દંડકારણ્યમાંથી પસાર થતી હોવાનાં લીધે રુદ્રના માર્ગદર્શન હેઠળ અકિલાનો પુત્ર બાહુક રાજા અગ્નિરાજના કાફલાને દોરી રહ્યો હતો. પોતાનાં પિતાની રુદ્ર પ્રત્યેની ઈર્ષા અને દાઝની વૃત્તિથી વિપરીત બાહુકને તો રુદ્ર જેટલો ઉત્તમ વ્યક્તિ પોતાની સાથે મળીને કાફલાને દોરીસંચાર કરતો હતો એની પારાવાર ખુશી હતી.

આખરે અગિયાર દિવસ જેટલી લાંબી યાત્રા પૂર્ણ કરીને રાજા અગ્નિરાજ પોતાનાં પરિવાર સાથે રત્નનગરી પધાર્યાં ત્યારે પૂરાં રાજ્યમાં ઉત્સવ જેવું વાતાવરણ જોવાં મળી રહ્યું હતું. આખાં રાજ્યને શણગારવામાં આવ્યું હતું. ચારે તરફ આનંદ અને ઉત્સાહનો માહોલ હતો.

અહીં સુધીની યાત્રા દરમિયાન જે રીતે બાહુક રુદ્રની નજીક આવી રહ્યો હતો એ જોઈ અકિલા અકળામણ અનુભવી રહ્યો હતો.

"આ ચાલાક વેપારી યોદ્ધો પોતાની હોંશિયારીથી મારાં ભલાભોળા પુત્રને ભરમાવી એનું સેનાપતિ બનવાનું સ્વપ્ન તોડીને પોતે સેનાપતિ બની જશે. એ પોતાની જાતને ગમે તેવો ચાલાક સમજતો કેમ ના હોય હું એની આ ચાલને ક્યારેય સફળ નહીં થવા દઉં. આ કાર્યમાં મારી મદદ કરશે મારો ભાઈ આરાન." અકિલાના આ શબ્દો રુદ્ર તરફ ભવિષ્યમાં આવનારી મુસીબતની એંધાણી આપી રહ્યાં હતા.

*******

આખરે રુદ્રના નિશ્ચિત ધ્યેયનું પ્રથમ ચરણ આ સાથે જ પૂરું થઈ ચૂક્યું હતું. એને તો ફક્ત રત્નનગરીમાં પ્રવેશવાની જ ઈચ્છા રાખી હતી પણ એની જગ્યાએ તો રુદ્રને રાજ દરબારમાં ખાસ સ્થાન મળી ચૂક્યું હતું.

આ ખાસ સ્થાન સાથે રુદ્રને રાજમહેલમાં કાયમી રહેવાની જગ્યા પણ મળવાની હતી. રાજમહેલમાં રહેવાની જગ્યા મળવાનો મતલબ હતો નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ શોધવાની ભરપૂર તક!

રુદ્ર જેવો જ રાજા અગ્નિરાજ અને રાજપરિવાર સાથે રાજમહેલમાં પ્રવેશ્યો એ સાથે જ રુદ્રની નજર આમ-તેમ ફરતી દુર્વા અને જરાને શોધવા લાગી. મહાદેવની કૃપાથી અનાયાસે જ મળી ગયેલાં કિલાક્ષ કબીલાના આ બે વીર ભાઈઓ રત્નનગરીમાં આવી અગ્નિરાજના સૈન્યદળમાં સામેલ થઈ ગયાં હતા કે નહીં એ જાણવું જરૂરી હતી.

દુર્વા અને જરા જોડેથી જ રુદ્રને માલૂમ પડવાનું હતું કે આખરે નિમલોકો જોડે થયેલી અન્યાયી સંધિ રાજમહેલમાં છે કે નહીં?

********

વધુ આવતાં ભાગમાં

દુર્વા અને જરા જોડે કોઈ માહિતી હશે કે નહીં? અકિલાનો રુદ્ર પ્રત્યેનો દ્વેષભાવ આખરે રુદ્ર માટે કઈ નવી મુસીબતને નોંતરશે? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED