રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 6 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 6

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:6

રુદ્રએ ત્યાં પહોંચીને જોયું તો એ પાત્રમાં પાણી ભરેલું હતું અને એ પાણીમાં સર્પમિત્રા વનસ્પતિનાં પાન તરી રહ્યાં હતા. રુદ્રએ બારીકાઈથી જોયું તો આ બધાં પાન સૂકાં હતા જેને પાણીનાં પાત્રમાં નાંખવામાં આવ્યાં હતા. આવાં સૂકાં પાનને પાણીમાં ત્રણ પ્રહર જેટલાં સમય સુધી ડુબાડી રાખવામાં આવે તો એ પોતાની સુવાસ પ્રસરાવા લાગે છે.

આ વિષયમાં વિચારતા રુદ્રને યાદ આવ્યું કે પોતે સાંજનાં સમયમાં એક સંગિગ્ધ વ્યક્તિને રાજકુમારી મેઘનાનાં શયનકક્ષની આજુબાજુ ફરતો જોયો હતો. નક્કી એ વ્યક્તિ જ આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર હોવો જોઈએ એવું રુદ્રને લાગ્યું.

"આ પાણીને અહીંથી દૂર એવી જગ્યાએ ઢોળી આવો જ્યાં માનવવસ્તી ના હોય. સાથે-સાથે એ વાતનું ધ્યાન રાખજો કે એ પાણી તમારાં શરીરને ના સ્પર્શે." સર્પમિત્રાની સુવાસથી સર્પો પુનઃ આ તરફ ખેંચાઈ આવશે એ વિચારી રુદ્રએ સૈનિકોને આદેશ આપતા કહ્યું.

રુદ્રનો આદેશ માની બે સૈનિકો એ પાણી ભરેલું પાત્ર લઈને ત્યાંથી નીકળ્યાં એ સાથે જ રુદ્ર ગહન મનોમંથન કરતા બોલ્યો.

"આખરે રાજકુમારી મેઘનાનો જીવ લેવાની કોશિશ કરનાર વ્યક્તિ કોણ છે એની મારે વહેલી તકે તપાસ કરવી પડશે."

આ નિશ્ચય સાથે જ રુદ્ર ભોજનશાળા તરફ અગ્રેસર થયો, જ્યાં ઈશાન અને શતાયુ હાજર હતા.

*******

બીજાં દિવસે રુદ્ર થોડો આરામ કરીને જ્યારે ઉઠ્યો ત્યારે મધ્યાહ્નનનો વખત થઈ ચૂક્યો હતો. વહેલી સવાર સુધી પોતાની ફરજ પર હાજર હોવાથી રુદ્ર છેક પરોઢે સુવા માટે ગયો હતો. પોતે પવિત્ર કુંભમેળામાં હોવાથી ત્રિવેણી સંગમ ઘાટે જઈને સ્નાન કરવાની અમૂલ્ય તક એ ગુમાવવા નહોતો ઈચ્છતો. એટલે આંખ ખૂલતાં જ રુદ્ર સ્નાનર્થે નદી તરફ ચાલી નીકળ્યો.

છાવણીથી નીકળી નદી તરફ જતી વખતે રુદ્રને સતત એવું લાગતું રહ્યું કે કોઈ એનો પીછો કરી રહ્યું હતું. પોતાનો પીછો થઈ રહ્યો છે એની પોતાને કોઈ જાતની ખબર નથી એ રીતે દેખાવ કરતો રુદ્ર નદી સુધી જઈ પહોંચ્યો.

આ દરમિયાન રુદ્રએ સાવચેતીથી એ જોઈ લીધું કે પોતાનો પીછો કરનાર આખરે કોણ હતું. એક મધ્યમ બાંધો ધરાવતો વ્યક્તિ પોતાનો ચહેરો દેખાય નહીં એમ ચહેરા પર કપડું ઢાંકી રુદ્રની તરફ નજર જમાવીને ઊભો હતો. આ વ્યક્તિને રુદ્રએ આજથી પહેલાં ક્યારેય જોયો ન હોવાથી એને જોઈ રુદ્રને પારાવાર નવાઈ લાગી.

રુદ્ર એ સ્નાન કરવા જ્યારે નદીમાં પ્રવેશ કર્યો ત્યારે પણ એ વ્યક્તિનું ધ્યાન રુદ્ર પર હતું. રુદ્રએ એને જોયો જ ના હોય એમ સ્નાન કરવાનું ચાલુ રાખ્યું. સ્નાન કરતા-કરતા રુદ્રએ એ વ્યક્તિ કોણ હતો અને પોતાનો પીછો કેમ કરી રહ્યો હતો એ પ્રશ્નોનાં ઉત્તર જાણવાની એક આબાદ યોજના ઘડી કાઢી.

આ યોજનાનાં ભાગરૂપે રુદ્ર પાણીની અંદર પ્રવેશી ગયો અને કોઈને દેખાય નહીં એ રીતે પાણીમાં જ રહી તરતો-તરતો નદીની બીજી તરફ જ્યાં સેંકડો લોકોની ભીડ હતી એ તરફથી બહાર નીકળ્યો.

રુદ્રનું અનુમાન સાચું પડ્યું અને એની ઉપર નજર રાખતો વ્યક્તિ એનાં છટકામાં આબાદ ફસાઈ ગયો. એ વ્યક્તિની નજરોથી ઓઝલ થઈને રુદ્ર નદીની કિનારીએ ફરીને એની પાછળ આવી પહોંચ્યો હતો એની જાણ એ વ્યક્તિને ના થઈ.

"કોનું કામ છે મહોદય?" રુદ્ર દ્વારા એ વ્યક્તિની પીઠને સ્પર્શ કરી પૂછાયેલો આ પ્રશ્ન સાંભળી એ વ્યક્તિ હચમચી ગયો.

રુદ્રનો આ પ્રશ્ન સાંભળી એ વ્યક્તિ પારાવાર આશ્ચર્યમાં મુકાઈ ગયો. કાપો તો લોહી ના નીકળે એવી સ્થિતિમાં મુકાયેલો એ વ્યક્તિ રુદ્રની તરફ એકીટશે જોઈ રહ્યો હતો.

"મહોદય, મેં તમને પૂછ્યું તમારે કોનું કામ છે? અને આમ મારો પીછો કરવાનું કોઈ ખાસ કારણ?" રુદ્રના આમ પૂછતાની સાથે જ એ વ્યક્તિએ રુદ્રને જોરથી ધક્કો મારી નીચે પાડી દીધો.

નીચે જમીન પર પડેલો રુદ્ર ઊભો થાય એ પહેલા રુદ્રનો પીછો કરનાર એ વ્યક્તિ ભાગવા લાગ્યો. કોઈપણ ભોગે એ વ્યક્તિને પકડવો જરૂરી છે એમ માની રુદ્રએ બેઠાં થતાંની સાથે જ એનો પીછો કરવાનું શરૂ કરી દીધું.

આ સાથે જ શરૂ થઈ ગયો એક એવો પકડદાવ જેનો અંત થતાં નવું જ રહસ્ય બહાર આવવાનું હતું એ નક્કી હતું.

લોકોની ભીડને ચીરતો એ વ્યક્તિ શક્ય એટલી ગતિમાં કિનારાથી દૂર ભાગી રહ્યો હતો. આ દરમિયાન રુદ્રની નજર એ વ્યક્તિએ કમરમાં બાંધેલાં એક લાલ રંગના કપડાં પર સ્થિર થઈ, જેની ઉપર સર્પલિપીમાં કંઈક લખેલું હતું. મેઘનાની છાવણી બહાર જે વ્યક્તિને પોતે જોયો હતો એની કમર પર પણ આવું જ કપડું વીંટાયેલું હતું એ યાદ આવતા જ રુદ્ર સમજી ગયો કે આ બંને વ્યક્તિ એકબીજા સાથે શક્યવત સંબંધ ધરાવતી હતી.

આ વિચાર આવતા જ રુદ્ર માટે હવે એ લોકો મેઘનાનો જીવ કેમ લેવાં માંગતા હતા એ કારણ જાણવાં માટે પોતે જેનો પીછો કરી રહ્યો હતો એ વ્યક્તિને કોઈપણ ભોગે પકડવો જરૂરી હતો.

રુદ્રની આગળ દોડતો વ્યક્તિ રુદ્ર આગળ વધતો અટકી જાય એ માટે કંઈક ને કંઈક વિઘ્ન ઊભું કરી રહ્યો હતો છતાં રુદ્ર પૂરી ચુસ્તી અને સ્ફૂર્તિ સાથે એની પાછળ દોડી રહ્યો હતો. એકવાર તો એ વ્યક્તિ દ્વારા રુદ્ર ઉપર એક કટાર છૂટી ફેંકવામાં આવી પણ અગાઉથી સાવધ હોવાથી રુદ્રએ એનું નિશાન ચૂકવી દીધું.

એ વ્યક્તિ દોડતો-દોડતો કુંભમેળાથી બહાર નીકળી ચુક્યો હતો. આટલું લાંબુ અંતર કાપ્યા બાદ એનાં શ્વાસ ફુલવા લાગ્યાં હતા છતાં એ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કુંભમેળો જ્યાં યોજાતો એ વિશાળ મેદાન વટાવી એ વ્યક્તિ હવે જંગલની તરફ દોડી રહ્યો હતો.

આ વ્યક્તિ નક્કી કંઈક મોટું રહસ્ય જાણતો હોવો જોઈએ એમ વિચારી રુદ્ર એને પકડવા ઉતાવળો બન્યો હોય એમ મોટી ફલાંગો ભરી એની પાછળ ભાગી રહ્યો હતો.

આખરે એ વ્યક્તિ જેમ-તેમ કરી જંગલ સુધી આવી પહોંચ્યો. શરૂઆતમાં તો ખૂબ ઓછાં વૃક્ષો અને ઝાડીઓ હોવાથી રુદ્ર આસાનીથી એ વ્યક્તિની પાછળ દોડી રહ્યો હતો. પણ જેવો જ એ વ્યક્તિ જંગલમાં વધુ આગળ પહોંચ્યો એ સાથે જ રુદ્રની મુશ્કેલીઓ વધવા લાગી. પગમાં વાગતાં કાંટા એનાં પગને રક્તરંજીત કરી રહ્યાં હતા છતાં પાતાળલોકનો એ રાજકુમાર આ બધાંની ચિંતા કર્યા વિના એ વ્યક્તિ સુધી પહોંચવા મથી રહ્યો હતો.

રુદ્રના આશ્ચર્ય વચ્ચે અચાનક એ વ્યક્તિ આગળ વધતો અટકી ગયો. જંગલના એક ખુલ્લા મેદાન જેવા ભાગમાં થોભેલ એ વ્યક્તિ રુદ્રની તરફ ચહેરો કટુ સ્મિત સાથે ઊભો હતો.

નક્કી પોતાની વિરુદ્ધ કોઈ મોટી ચાલ ચાલવામાં આવી હતી એ વાતની ગંધ રુદ્રને આવી ચૂકી હતી. રુદ્ર નદીમાં પ્રવેશી કિનારે-કિનારે ચાલતો એની તરફ આવી રહ્યો હતો એ બધું જ એ વ્યક્તિએ જોઈ લીધું હતું છતાં એ પોતાની જગ્યાએ જ ઊભો રહ્યો. કેમકે એ ઈચ્છતો હતો કે રુદ્ર એનો પીછો કરે.

"કોણ છે તું? અને મારો પીછો કેમ કરી રહ્યો છે?" રુદ્રએ આવેશમાં આવી એ વ્યક્તિને ઉદ્દેશીને કહ્યું.

"આ પ્રશ્નનો ઉત્તર જાણવો હોય તો પહેલા દ્વંદ્વમાં મને હરાવવો પડશે!" પોતાની મૂછોને તાવ આપી એ વ્યક્તિ બોલ્યો.

"હું તૈયાર છું તારો આ પડકાર સ્વીકારવા માટે." પોતાની જમણી જાંઘ પર જમણા હાથ વડે થાપટ મારી રુદ્રએ એ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલો પડકાર સ્વીકારી લીધો.

આ સાથે જ રુદ્ર અને એનો પીછો કરનાર વ્યક્તિ એકબીજાની સામે આવીને ઊભાં રહી ગયાં. વાનુરાનાં મેદાનમાં મહાબળી હારુનને માત આપ્યાં પછી પોતાનાં માટે આ સામાન્ય મનુષ્યને હરાવવો પોતાનાં માટે સામાન્ય વાત હોવાનું રુદ્રનું માનવું હતું. પણ જેવું જ એ વ્યક્તિ સાથે હાથોહાથનું દ્વંદ્વ શરૂ થયું એ સાથે જ રુદ્ર સમજી ચૂક્યો હતો કે પોતાનો પનારો એક કુશળ યોદ્ધા સામે પડ્યો હતો.

"શું થયું, હાર સ્વીકારી લીધી?" રુદ્રને જોરદાર પછળાટ આપી ભોંયભેગો કરી દીધાં બાદ એ વ્યક્તિ ઘમંડભેર બોલ્યો.

એનાં તીરથી વધુ તીક્ષ્ણ આ શબ્દો સાંભળી રુદ્ર કૂદકો મારીને બેઠો થયો અને એ વ્યક્તિનાં પેટનાં ભાગે જોરદાર લાત મારી દીધી. રુદ્રના આશ્ચર્ય વચ્ચે એ વ્યક્તિ ફક્ત બે ડગલાં પાછો હટ્યો એથી વધુ અસર એને ના થઈ.

"બસ આટલી જ તાકાત!" રુદ્રને આમ કહી એ વ્યક્તિ વધુ ઉકસાવી રહ્યો હતો.

"તાકાત જોવી છે." આટલું બોલી રુદ્ર એ વ્યક્તિ તરફ મદમસ્ત ગજરાજની માફક આગળ વધ્યો. રુદ્ર જેવો એ વ્યક્તિની નજીક પહોંચ્યો એ સમયે વિજળીવેગે એ વ્યક્તિ એક તરફ ખસી ગયો અને રુદ્રનો હુમલો વિફળ બનાવી દીધો.

પોતાનો હુમલો વિફળ જતા ગુસ્સેથી રાતોપીળો થયેલો રુદ્ર પુનઃ એ વ્યક્તિ તરફ આગળ ધસ્યો. આ વખતે રુદ્ર અને એ વ્યક્તિ વચ્ચે બરાબરની કુસ્તી જામી. જેમાં ક્યારેક રુદ્ર એ વ્યક્તિ પર ભારે પડતો જણાતો તો ક્યારે એ વ્યક્તિ રુદ્ર પર. એ વ્યક્તિના દાવપેચ જોઈ રુદ્ર સમજી ચુક્યો હતો કે એ તાલીમબદ્ધ યોદ્ધો હતો, જે પોતાનાં દાવપેચનો તોડ આસાનીથી શોધી શકતો હતો.

ગુરુ ગેબીનાથ દ્વારા પોતાને શીખવાડવામાં આવેલા આ દાવપેચ કોઈ સામાન્ય યોદ્ધા દ્વારા સમજવા અને એનો તોડ કાઢવો લગભગ અશક્ય બાબત હતી. આમ છતાં જે રીતે પોતાની સાથે દ્વંદ્વ કરનાર વ્યક્તિ પોતાની ઉપર ભારે પડી રહ્યો હતો એ રુદ્ર માટે ચોંકાવનારી બાબત હતી.

બે-ત્રણ વખત એ વ્યક્તિ જોડે એવી તક આવી કે એ રુદ્રને જમીનદોસ્ત કરી, ગરદન મરોડી એનાં પ્રાણ પણ લઈ શકે પણ એને જાણીજોઈને આમ ના કર્યું. આખરે એ વ્યક્તિનો સાચો ઈરાદો શું હતો એ શોધવાનાં પ્રયત્નમાં લાગેલાં રુદ્રને કામયાબી મળી ગઈ. રુદ્રએ ખૂબજ ઝડપથી એ વ્યક્તિનાં નાકનાં ભાગે પોતાની કોણી મારી દીધી. રુદ્રની આ હરકતથી એ વ્યક્તિનાં આંખે અંધારા આવી ગયાં.

હાથમાં આવેલી આ તક ગુમાવવાનો રુદ્રનો કોઈ ઈરાદો નહોતો. રુદ્રએ વિજળીવેગે એ વ્યક્તિની પાછળ આવી એની ગરદનને પોતાનાં મજબૂત બાહુપાશમાં જકડી દીધી. રુદ્રની મજબૂત પકડમાંથી છૂટવાની એ વ્યક્તિએ ભરચક કોશિશો કરી જોઈ પણ રુદ્રએ આ વખતે એને કોઈ તક ના આપી.

"હવે તું મને જણાવ કે તું કોણ છે અને મારો પીછો કેમ કરી રહ્યો હતો. નહીં તો તારી ગરદન તોડી તારાં પ્રાણ લેતાં મને સહેજ પણ વાર નહીં લાગે." રુદ્રના અવાજમાં રુક્ષતા હતી.

રુદ્રની મજબૂત પકડમાં ફસાયેલો એ વ્યક્તિની બચવાની કોશિશો વચ્ચે એની ગરદનમાંથી ઉંહકરા સંભળાઈ રહ્યાં હતા. રુદ્રએ એની આ દયનીય હાલત તરફ થોડું પણ ધ્યાન આપ્યાં વગર એની ગરદન પરની પકડ વધુ મજબૂત કરી અને પોતાનો પ્રશ્ન પુનરાવર્તિત કરતાં કહ્યું.

"તારી જોડે મારાં પ્રશ્નનો ઉત્તર આપવાની આખરી તક છે. જો તું મારાં સવાલોનો જવાબ નહીં આપે તો હું તને નિષ્પ્રાણ કરી દઈશ."

પોતાની પકડમાં હોવાં છતાં એ વ્યક્તિ પોતાનાં સવાલોનો ઉત્તર નહીં જ આપે એમ વિચારી રુદ્ર એની ગરદન મરોડવા જતો હતો ત્યાં રુદ્રએ કોઈનો ચેતવણીભર્યો અવાજ સાંભળ્યો.

"જો મારાં ભાઈને કંઈ થયું છે તો તમારી ગરદન પણ તમારાં ધડ પર હયાત નહીં હોય રાજકુમાર રુદ્ર!"

**********

વધુ આવતાં ભાગમાં

કોણ હતા એ બંને રહસ્યમય વ્યક્તિઓ? એ રુદ્રને કઈ રીતે ઓળખતા હતા? રુદ્ર સાથે એમને શું દુશ્મની હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)