Rudra ni premkahaani - 2 - 4 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 4

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:4

"વીરા, આજથી એકાદ માસ પહેલા એવી ઘટના પ્રથમ વખત બની જેને મને અને મહારાજને ગુરુવરની વાત માનવા મજબૂત કરી મૂક્યાં. બન્યું એવું કે રાજકુમારી પોતાની સખી વૃંદ સાથે મહેલનાં ઝરૂખે બેઠી વાર્તાલાપ કરી રહી હતી એ સમયે અચાનક મહેલનાં ઝરૂખાનો પાયો હચમચી ઉઠ્યો અને થોડી જ ક્ષણોમાં ઝરૂખો નીચે પડ્યો."

"રાજકુમારીનાં સદનસીબે એ અને એની સખીઓ છેલ્લી ઘડીએ ત્યાંથી ખસી ગઈ અને એમનો જીવ બચી ગયો. ભયાનક વાવાઝોડામાં પણ રત્નનગરીનાં મહેલનો એક કાંકરો હલે એમ નથી ત્યારે આ રીતે ઝરૂખાનાં પાયાનું આમ ધ્વસ્ત થઈ ગયું ઘણી વિસ્મયની વાત હતી.!"

"આ પછી અહીં આવવાં નીકળ્યાં એનાં દસ દિવસ પહેલાં રાજકુમારી જ્યારે પૂર્ણા નદીમાં નૌકાવીહાર કરી રહી હતી ત્યારે અચાનક એની નૌકામાં છિદ્ર થયું અને નાવ ડૂબી ગઈ. રાજકુમારીને તરતાં આવડતું હોવાથી એ તરીને કિનારે આવી ગઈ પણ એની બે સખીઓ અને બે સેવકોને નદીનાં ગતિવાન વહેણનાં લીધે જીવ ગુમાવવાનો વારો આવ્યો."

મહારાણી મૃગનયનીએ રાજકુમારી પર થોડાં સમય પહેલા આવેલી બે ભયાનક આફતો વિશે જેવું જ વીરા બનેલાં રુદ્રને જણાવ્યું એ સાથે જ મહારાજ અગ્નિરાજે ભાવવાહી સુરમાં કહ્યું.

"મેં એટલે જ મેઘનાને લગ્ન સુધી પોતાની જાતને સાચવવા કહ્યું છે પણ રાજકુમારી સરિતાની માફક ચંચળ છે એટલે એમને મહેલની ચાર દીવાલો વચ્ચે બેસી રહેવું માફક નથી લાગતું. મેઘનાનું કહેવું છે કે જો નસીબમાં મૃત્યુ લખ્યું જ હશે તો મહેલની દીવાલો વચ્ચે પણ એ આવીને જ રહેશે."

"મેઘના મારું એક માત્ર સંતાન છે તો એની દરેક ઈચ્છાને માન આપવું અમારી ફરજ બને છે છતાં ક્યાંકને ક્યાંક મેઘના સાથે કંઈક ખોટું થઈ જશે એનો ભય સતત સતાવતો રહે છે." આ શબ્દો બોલતી વખતે મહારાજ અગ્નિરાજની આંખોમાં પોતાની પુત્રી મેઘના માટે જગતભરનો સ્નેહ જણાતો હતો. પૃથ્વીલોકનાં સૌથી ચક્રવર્તી રાજાને પણ પોતાની દીકરીની જિંદગીની ચિંતા પરેશાન કરી રહી હતી એ કેવી નવાઈની વાત હતી!

"મહારાજ તમારી અને મહારાણીની ચિંતા એના સ્થાને ઉચિત છે છતાં રાજકુમારીજીની વાતને પણ અવગણી ના શકાય. જો મનુષ્યનો સમય આવી ગયો હોય તો એનો કાળ એને શોધીને જ રહે છે. તો મૃત્યુનાં ભય માત્રથી મહેલની દીવાલો વચ્ચે ભરાઈ રહેવું એ કાયરતાની સાથે મુર્ખતા પણ છે. અને આમ પણ રાજકુમારી એક ક્ષત્રીયાણી છે તો એમને મૃત્યુની બીક કેવી?" રુદ્ર પોતાનાં દરેક શબ્દોને તોલીને રજૂ કરતા બોલ્યો.

"અમે તારી વાત સાથે સહમત છીએ એટલે જ અમે ક્યારેય મેઘનાને ક્યાંય જતાં રોકી નથી. એની દરેક ઈચ્છાને પૂર્ણ કરવા બધી જ કોશિશો કરી છે. જ્યાં સુધી મેઘનાનાં વિવાહ રાજકુમાર સાત્યકી સાથે ના થઇ જાય ત્યાં સુધી તું રાજકુમારી પર આવતી દરેક આફતનો ઢાલ બની સામનો કરીશ. આ માટે હું તમને દર માસ બે હજાર સુવર્ણ મુદ્રાઓ આપીશ." રાજા અગ્નિરાજ દ્વારા વીરા બનેલાં રુદ્રને બે હજાર સુવર્ણમુદ્રા આપવાની વાત સાંભળી સેનાપતિ અકિલાની આંખો ફાટી ગઈ. કેમકે સર સેનાપતિ હોવા છતાં અકિલાના આખા વર્ષની મહેનત પેટે એને માંડ બે હજાર સુવર્ણમુદ્રાઓ મળતી હતી.

"આ સુવર્ણમુદ્રાઓ પર હકીકતમાં હક મારો જ છે." મનોમન આટલું બોલતા રુદ્રએ અગ્નિરાજ સમક્ષ શીશ ઝુકાવ્યું અને નમ્રતાથી બોલ્યો.

"મહારાજ તમારી ઉદારતા માટે હું આપનો આભારી છું. આજથી રાજકુમારીજી પર આવતી દરેક આપત્તીને મારી સામે મુકાબલો કરવો પડશે. એ ભલેને કાળ કેમ ના હોય એને વીરા નામની ચટ્ટાન સામે ટકરાવવું પડશે." રુદ્રના અવાજમાં તલવાર જેવી ધાર હતી.

"યુવક, અમારી વ્હાલસોયી દીકરીનું જીવન અમે તારાં હાથમાં સોંપી રહ્યાં છીએ. અમને હજુ તારો વધુ પરિચય નથી છતાં તારાં ચહેરાનું તેજ અને વણીની શાલીનતા એ વાતની સાબિતી છે કે તું સામાન્ય મનુષ્ય નથી. રાજકુમારી તારાં રક્ષા કવચ હેઠળ સુરક્ષિત રહેશે એનો મને અને મહારાજને વિશ્વાસ છે." રાણી મૃગનયનીનાં શબ્દો સાંભળી મેઘના અને રુદ્ર બંનેનાં મુખ પર સ્મિત ફરી વળ્યું. પણ એ બંને હાસ્યમાં ભિન્નતા હતી. રાજકુમારીનું સ્મિત જ્યાં માસુમ માલૂમ પડતું હતું ત્યાં રુદ્રના સ્મિત પાછળ ભેદ હતો.

"મહારાજ અને મહારાણી તમને તમારો આ દાસ શીશ ઝુકાવી વિનંતી કરે છે કે તમે હવે રાજકુમારીજીનાં જીવનની રક્ષા અંગે નિશ્ચિન્ત થઈ જાઓ." રુદ્રએ કમરેથી ઝૂકી વિનયસભર અવાજે કહ્યું.

"અકિલા, તું વીરાને એનું કાર્ય સરખી રીતે સમજાવી દે. રાત્રિભોજ પછી જેવાં જ રાજકુમારી પોતાનાં શયનકક્ષમાં પધારે પછી વીરા એને સોંપવામાં આવેલા કામે લાગી જવો જોઈએ." સેનાપતિ અકિલાએ રાજા અગ્નિરાજની આ આજ્ઞાને અનુસરતા રુદ્રની સાથે મુખ્ય છાવણી બહાર જવાં પ્રસ્થાન કર્યું.

ત્યાંથી જતી વખતે રાજકુમારી મેઘનાની તરફ રુદ્રની નજર પડતા જ મેઘનાની આંખો નીચે ઢળી ગઈ અને એનાં પ્રતિભાવમાં રુદ્રનું હૃદય ધબકારો ચૂકી ગયું!

*********

સર સેનાપતિ અકિલાએ રુદ્રને એનું કામ વ્યવસ્થિત રીતે સમજાવી દીધું હતું. રાજકુમારી મેઘના રાતે જ્યાં આરામ ફરમાવતી એ તંબુની બહાર રુદ્રએ કડકડતી ઠંડીમાં રાતભર સજાગ બનીને ચોકીપહેરો ભરવાનો હતો. સાવ એવું એ નહોતું કે ત્યાં ફક્ત એકલો રુદ્ર જ આ કામ કરવાનો હતો. રુદ્ર સિવાય ત્યાં વિસથી પચ્ચીસ જેટલાં હથિયારબંધ સૈનિકો પણ હાજર હતા. આખરે મેઘના પૃથ્વીલોકનાં સૌથી વિશાળ પ્રદેશ ધરાવતાં રત્નનગરીની રાજકુમારી હતી.

અકિલા જ્યારે રુદ્રને એનું કાર્ય કેમ કરવું એ સમજાવી રહ્યો હતો ત્યારે એક ખડતલ દેહાકાર ધરાવતો યુવાન ત્યાં આવીને અકિલાના ચરણસ્પર્શ કરતાં બોલ્યો.

"પિતાજી બે દિવસ પછી રત્નનગરી જવાં આપણી જે યાત્રા નીકળવાની છે એની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. અશ્વ, હાથી અને રથની સાથે રસ્તામાં જમવા માટેનાં ભોજન અને પીવા માટેનાં પાણીની પણ પૂરતી ગોઠવણ થઈ ચૂકી છે. આ ઉપરાંત માર્ગમાં આવનારી સંભવિત વિષમ પરિસ્થિતિઓ સામે પહોંચી વળવાની પણ તમામ વ્યવસ્થા થઈ ચૂકી છે." આ એજ યુવક હતો જેને સૈનિક ઉતારામાંથી મુખ્ય છાવણી તરફ આવતી વખતે રુદ્રએ જોયો હતો. અકિલાને એને પિતાજી તરીકે કરેલું સંબોધન એ વાત સ્પષ્ટ કરી રહ્યું હતું કે એ અકિલાનો પુત્ર હતો.

"ખૂબ સરસ પુત્ર બાહુક!" અકિલાએ પોતાનાં પુત્ર બાહુકને ગળે લગાવતા કહ્યું.

ચહેરા પરથી રુદ્રની ઉંમરનો લાગતો બાહુક સાચેમાં પોતાનાં નામને સાર્થક કરે એમ શોભી હતો. એનું માંસલ શરીર અને સાત હાથ ઊંચી સ્નાયુબદ્ધ કાયા એને સાચેમાં બાહુબલી કહેવા લાયક બનાવતા હતા.

"બાહુક, આ છે વીરા. રાજકુમારી મેઘનાનાં નવા નિમાયેલા અંગરક્ષક. મહારાજ અને મહારાણીએ ગુરુવર સુધાચાર્યની ભવિષ્યવાણીને પડકાર આપવા આ યુવકને રાજકુમારીનાં અંગની રક્ષા કરવાનું કામ સોંપ્યું છે. અને રુદ્ર આ છે મારો પુત્ર બાહુક. રત્નનગરીનાં સેનાપતિ પદનો ભાવિ ઉત્તરાધિકારી." એકતરફ જ્યાં અકિલાએ રુદ્રનો પરિચય આપ્યો હતો એમાં રુદ્રની શક્તિ પરનો સંશય સ્પષ્ટ થતો હતો તો બીજી તરફ એનાં પુત્રની ઓળખાણ રુદ્રને આપતી વખતે અકિલાના શબ્દોમાં હતી ભારોભાર ગર્વની લાગણી.

"ઓહ, તો આ છે એ વીર યોદ્ધો જેને વાનુરાનાં મેદાનમાં ગજબની વીરતા અને યુદ્ધ કૌશલ બતાવી પોતાનાં સર્વ પ્રતિદ્વંદીઓને પરાજિત કર્યાં છે. મળીને આનંદ થયો વીરા." વીરા તરફ મૈત્રીનો હાથ લંબાવતાં બાહુક ઉત્સાહિત સુરે બોલ્યો.

"મને પણ આનંદ થયો વીર અકિલાના મહાબળી પુત્ર બાહુકને મળીને." બાહુક દ્વારા મૈત્રી માટે લંબાવવામાં આવેલાં હાથમાં પોતાનો હાથ મુકતા રુદ્રએ ઉષ્માપૂર્વક કહ્યું.

"ચલો તો પછી ભોજન શાળા તરફ. રાત્રિભોજનો સમય થઈ ચૂક્યો છે." વીરા અને બાહુક તરફ જોઈ અકિલા બોલ્યો.

અકિલાના આમ બોલતા જ વીરા અને બાહુક બંને અકિલા પાછળ ભોજનશાળા તરફ ચાલી નીકળ્યાં.

*********

ભોજનશાળામાં પોતાનાં બંને મિત્રો ઈશાન અને શતાયુ પોતાની નવી ઓળખ કિશન અને હરિને અપનાવી ચૂક્યા હોય એમ મુખ્ય રસોઈયા જયમલ સાથે સૈનિકોને રાત્રિભોજ કરાવી રહ્યાં હતા. અંગરક્ષકનાં પરિધાનમાં સજ્જ રુદ્રને ત્યાં આવેલો જોઈ એ બંનેનાં ચહેરા પર આછેરું સ્મિત ફરકી ઉઠ્યું. વીરા બનેલા રુદ્રએ પણ એ બંનેનાં સ્મિતનાં પ્રતિભાવમાં સામું સ્મિત વેર્યું.

બાહુક શરીરથી ભલે પાષાણ સમો લાગતો હતો પણ એનું હૃદય નાના બાળક જેવું માસુમ હતો. બાહુક જોડે થોડો સમય વિતાવ્યા બાદ રુદ્રને પોતે કુંભમેળામાં આવીને પ્રથમ વખત જોયેલાં શ્રીફળની યાદ આવી. શ્રીફળની માફક બાહુક પણ બહારથી જેટલો સખત હતો એટલો જ હૃદયથી ઋજુ!

આખરે રાત્રિભોજની પુર્ણાહુતી બાદ રુદ્ર આવીને રાજકુમારી મેઘના જ્યાં રાત્રી દરમિયાન આરામ ફરમાવતી એ તંબુ આગળ આવીને ઉભો રહી ગયો હતો.

રાત્રીનો પ્રથમ પહોર શરૂ થઈ ચૂક્યો હતો. હજુ રાજકુમાર મુખ્ય છાવણીમાંથી પોતાને અલગ ફાળવાવમાં આવેલાં તંબુમાં આવી નહોતી છતાં રુદ્ર પોતાની ફરજ પર આવીને સાવચેત મુદ્રામાં ઊભો હતો. રુદ્રની માફક રાત્રી દરમિયાન જે સૈનિકોને ફરજ ઉપર હાજર રહેવાનું હતું એ પણ પોતપોતાનાં સ્થાને ગોઠવાઈ ગયાં હતા.

મુખ્ય છાવણીમાંથી આવતો સંગીતનો અવાજ એ તરફ ઈશારો કરી રહ્યો હતો કે રાજ પરિવાર અત્યારે નૃત્ય અને સંગીતની મજા લઈ રહ્યો હતો. રાત્રીનો પ્રથમ પહોર પૂર્ણ થવાં આવ્યો હતો ત્યાં રાજકુમારી મેઘના મુખ્ય છાવણીની બહાર આવતી જણાઈ.

મેઘનાની સાથે છ સૈનિકો ચાલીને રુદ્ર જ્યાં ઉભો હતો એ તંબુ તરફ આવ્યાં. રુદ્રની તરફ જોઈ એક એક મીઠું સ્મિત વેરી મેઘના પોતાનાં શયનકક્ષમાં પ્રવેશી ગઈ.

સૈનિકો જોડે ચાલીને આવેલી બે દાસીઓએ શયનકક્ષનો પડદો પાડી દીધો અને એ બંને પણ રાજકુમારીની સેવામાં તંબુની અંદર પ્રવેશી ગઈ.

પોતાનાં દેશની પ્રજાને રંઝાડવામાં જેનો મુખ્ય ભાગ હતો એવાં રત્નનગરીનાં રાજા અગ્નિરાજની એક માત્ર દીકરીની જીવનરક્ષા માટે પોતે એનાં શયનકક્ષનાં બારણે ઉભો હતો એ વાત રુદ્ર માટે આમ જોઈએ તો લજ્જિત કરી મુકનારી હતી.

આમ છતાં પોતાનાં હૃદયમાં વસી ચૂકેલી મેઘનાની પ્રેમાળ છબીનાં કારણે રુદ્ર મેઘનાની નજીક રહેવાની કોઈ તક ગુમાવવા નહોતો માંગતો. આ ઉપરાંત મેઘનાની સુરક્ષાની જવાબદારી પૂર્ણતઃ નિભાવીને મહારાજ અગ્નિરાજનો વિશ્વાસ જીતવાની આ ઉત્તમ તક હતી. અગ્નિરાજનો જીતેલો વિશ્વાસ પોતાને નિમલોકો વિરુદ્ધ થયેલી અન્યાયી સંધિ સુધી પહોંચવામાં કારગર નીવડશે એવું રુદ્રનું દ્રઢપણે માનવું હતું.

આ રીતે રુદ્ર જે કંઈપણ કરી રહ્યો હતો એ એક કાંકરે બે પક્ષી મારવા જેવી બાબત હતી. એક તરફ મેઘનાનું દિલ અને બીજી તરફ રાજા અગ્નિરાજનો વિશ્વાસ બંને આમ કરી સરળતાથી જીતી શકાય એમ હતું.

રાતનાં બે પહોર વીતી ચુક્યાં હતા અને અંધકારની ચાદર ઓઢી ચૂકેલી રાત પોતાની ચરમ પર હતી. વચ્ચે-વચ્ચે આવતાં નિશાચર પક્ષીઓનાં અવાજ અને શિયાળવાની લવારીઓ સિવાય વાતાવરણમાં પૂર્ણતઃ શાંતિ હતી.

વાનુરાનાં મેદાનમાં પુરી શક્તિથી લડવાના લીધે રુદ્રનું શરીર થાકી ચૂક્યું હતું. વધારામાં બહુ દિવસે જમવા મળેલાં ઉત્તમ ભોજનનું ધેન પણ રુદ્રની આંખોને ભારે કરી રહ્યું હતું. ઠંડીની ઋતુમાં આવતો શીતળ પવન નિંદ્રાદેવીની આગોશમાં જવા રુદ્રને મજબુર કરી રહ્યો હતો.

પોતાની આંખ ના લાગી જાય એની ઘણી કોશિશો કરવાં છતાં રુદ્રની આંખ લાગી ગઈ અને એને ઝોકું આવી ગયું. હજુ તો રુદ્રની આંખો લાગે થોડી જ ક્ષણો વીતી હતી ત્યાં એનાં નાકમાં કંઈક વિચિત્ર ગંધ પ્રસરી ગઈ.

આ ગંધથી જાણે પોતે પરિચિત હોય એમ રુદ્ર ઝબકીને જાગી ગયો અને આંખો ખોલતા જ નર્યા વિસ્મય સાથે એ બોલી પડ્યો.

"સર્પમિત્રા!"

********

વધુ આવતાં ભાગમાં

સર્પમિત્રા શું હતું ? આખરે મેઘના પર કોઈ આફત આવી ચૂકી હતી? રુદ્ર મેઘનાને બચાવવામાં સફળ થશે કે નહીં? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે.?આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED