Rudra ni premkahaani - 2 - 1 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 1

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અઘોરી સિરીઝ દ્વિતીય ચરણ

સૌપ્રથમ તો સર્વે વાંચકોની માફી માંગી રહ્યો છું કેમકે રુદ્રની પ્રેમકહાનીનો પ્રથમ ખંડ પૂરો થયાંનાં બે મહિના પછી મને હવે આગળનો ભાગ લખવાનો સમય મળ્યો. પણ મિત્રો હું પણ એક માણસ છું એટલે અમુક જવાબદારી અને તકલીફોનાં લીધે સમય નહોતો મળી રહ્યો આપની પસંદગીની આ રચનાને આગળ ધપાવવાનો.

અત્યાર સુધી સેંકડોની સંખ્યામાં લોકોનાં મેસેજ અને કોલ માત્ર એ પૂછવા આવતાં રહ્યાં કે જતીનભાઈ તમે આગળ નવો ભાગ કયારે લખો છો. એ લોકોનો આ પ્રેમ એ દર્શાવવા કાફી હતો કે માયથોલોજીકલ ફિક્શન લખવાનો મારો આ પ્રથમ પ્રયાસ વાચકોને કેટલી હદે પસંદ આવ્યો છે.

હોરર, સસ્પેન્સ, લવસ્ટોરી લખીને જ્વલંત સફળતા મળી હોવાં છતાં નવી વિષયવસ્તુ પર લખાયેલી આ નવલકથા આત્માને સંતુષ્ટિ આપનારી સાબિત થઈ છે. તો અત્રે રજૂ કરી રહ્યો છું અઘોરી સિરીઝનાં પ્રથમ અવતરણ એવી રુદ્રની પ્રેમ કહાનીનો બીજો ખંડ.

આ નવલકથા લખવાની પ્રેરણા પુરી પાડવા માટે મારી જીવન સંગીની સીમરન, નાની બહેન દિશા અને મારાં સર્વે વાચકોનો અંતઃકરણથી આભારી છું.

-જતીન.આર.પટેલ (શિવાય)

આ નવલકથા શરૂ કરતાં પહેલા પ્રથમ ખંડમાં શું બન્યું એની ટૂંકમાં જાણકારી મેળવી લઈએ.

દેવલોકોનાં અન્યાયી વલણનાં લીધે મહાદેવની ભસ્મમાંથી અવતરણ થયેલો બકાર નામનો યક્ષનું મહાદેવના હાથે જ વધ થાય છે. બકારના શરીરનાં ટુકડા પાતાળલોકમાં અલગ-અલગ સ્થાને પડે છે જેનાં લીધે ત્યાં વસતા લોકો વિવિધ શક્તિઓનાં માલિક બને છે.

મનુષ્યલોક પર વસતાં રાજાઓ રાજા રત્નરાજની આગેવાનીમાં પોતાની સુવર્ણ પ્રત્યેની લાલચનાં લીધે પાતાળલોક પર હુમલો કરીને એમની જોડે અન્યાયી સંધિ કરે છે. જેનાં લીધે પાતાળવાસીઓનાં અમુક મૂળભૂત હકો છીનવાઈ જાય છે. આમ થતાં બધાં જ પાતાળવાસીઓ ગુરુ ગેબીનાથની સલાહથી પોતાની ભલાઈ માટે હવે એક થઈને રહેવાનું નક્કી કરે છે.

ગુરુ ગેબીનાથ આ માટે પાતાળલોકમાં વસતાં રાજવીઓનાં દીકરા-દીકરીઓના વિવાહ કરવાનો પ્રસ્તાવ મૂકે છે, જેને દરેક રાજા સહર્ષ વધાવી લે છે. આ વિવાહનાં પરિણામે નિમલોકને એક તેજસ્વી રાજકુમાર મળે છે જેનું નામ રાખવામાં આવે છે રુદ્ર.

હિમાલ દેશના રાજા હીમાન દ્વારા સૂર્યદંડની ચોરી કરવાનું સાચું કારણ જાણી એનું સચોટ નિવારણ કરી રુદ્ર પોતાનાં પિતા દેવદત્ત અને ગુરુ ગેબીનાથની નજરોમાં ઊંચુ સ્થાન મેળવે છે. રુદ્રને ગેબીનાથના આશ્રમમાં બે મિત્રો બને છે એમાં એકનું નામ હોય છે ઈશાન અને બીજાનું શતાયુ.

પાતાળવાસીઓ જોડે મનુષ્યો થયેલાં અન્યાયનો બદલો લેવાં રાજા દેવદત્તનો પુત્ર અને નિમલોકનો રાજકુમાર રુદ્ર કુંભમેળામાં જવાનું બહાનું કરી પૃથ્વીલોક તરફ પ્રયાણ કરે છે. નિમલોકો માટે આત્મસમ્માનને ઠેસ પહોંચાડનારી સંધિને શોધીને એનો નાશ કરવાની રુદ્રની આ સફરમાં એનાં મિત્રો શતાયુ અને ઈશાન પણ જોડાય છે.

કુંભમેળામાં પહોંચેલો રુદ્ર અકસ્માતે પૃથ્વીલોકનાં સૌથી શક્તિશાળી રાજા અગ્નિરાજની પુત્રી રાજકુમારી મેઘનાને મળે છે. મેઘનાની અકસ્માતે હાથમાં આવેલી રત્નજડિત અંગૂઠી પાછી આપીને રુદ્ર મેઘનાનાં પિતાજી રાજા અગ્નિરાજની નજરોમાં આવે છે. અગ્નિરાજ રાજા રત્નરાજના પુત્ર હોવાના નાતે હવે આ પૃથ્વીલોકનાં સૌથી મોટા રાજવી છે.

દર વખતે પ્રયાગનાં કુંભમેળા દરમિયાન વાનુરાનાં મેદાનમાં થતી ભયંકર સ્પર્ધા જોવાં પહોંચેલો રુદ્ર પોતાનાં અપ્રિતમ સાહસ અને શોર્યનો પરચો બતાવી પોતાનાં પ્રતિસ્પર્ધીઓને હરાવવામાં સફળ થાય છે. આમ કરી રુદ્ર રાજા અગ્નિરાજ સમેત ત્યાં પહોંચેલા અન્ય રાજવીઓનું ધ્યાન ખેંચવામાં સફળ રહે છે.

રુદ્ર પોતાની સાચી ઓળખ છુપાવી પોતાની ઓળખાણ વીરા નામનાં એક સાધારણ મનુષ્ય તરીકે આપે છે. મહારાજ અગ્નિરાજ વાનુરાની સ્પર્ધાની પુર્ણાહુતી સાથે જ પોતાની દીકરી મેઘનાનાં વિવાહની ઘોષણા કરે છે.

હવે વાંચો આગળ.

******

રુદ્રની પ્રેમકહાની ખંડ-2

અધ્યાય:1

"અહીંયા ઉપસ્થિત સર્વે રાજાઓ અને કુંભમેળામાં આવેલા શ્રધ્ધાળુઓની હાજરીમાં હું આ શુભ પ્રસંગે એક ખુશ ખબર આપ સૌ સાથે વહેંચવા માંગુ છું અને એ ખુશ ખબર છે મારી દીકરી રાજકુમારી મેઘનાનાં વિવાહ અંગેની!"

"મેઘનાનાં થનારાં જીવનસાથી માટે મેં જેની ઉપર પસંદગી ઉતારી છે એનું નામ છે સાત્યકી. ઈન્દ્રપુરનાં રાજા મહેન્દ્રસિંહનો તેજસ્વી અને શૂરવીર પુત્ર સાત્યકી રાજકુમારી મેઘના માટે યોગ્ય વર સાબિત થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. "રાજા મહેન્દ્રસિંહના પુત્ર સાત્યકી તરફ હાથ કરી રાજા અગ્નિરાજે કહ્યું.

રાજા અગ્નિરાજના આમ બોલતા જ રાજા મહેન્દ્રસિંહ અને રાજકુમાર સાત્યકી પોતાનાં સ્થાનેથી ઉભાં થઈને વાનુરાનાં એ ઝરૂખા તરફ અગ્રેસર થયાં જ્યાં રાજા અગ્નિરાજ સપરિવાર બેઠાં હતા. રાજા મહેન્દ્રસિંહે રાજા અગ્નિરાજને સહર્ષ ગળે લગાવીને એમની આ જાહેરાત પર પોતાની ખુશી પ્રગટ કરી.

સાત્યકી દ્વારા પણ રાજા અગ્નિરાજ અને રાણી મૃગનયનીનાં ચરણસ્પર્શ કરી એમનાં આશીર્વાદ લેવાનું કાર્ય કરવામાં આવ્યું. રાજા અગ્નિરાજની બાજુમાં ઉભાં રહી રાજકુમાર સાત્યકીએ ત્રાંસી નજરે રાજકુમારી મેઘના તરફ જોયું. રાજકુમાર સાત્યકીનાં પોતાની તરફ જોતા જ મેઘનાએ પોતાની નજર બીજી તરફ ફેરવી લીધી. હકીકતમાં મેઘનાનું આમ કરવાનું કારણ એનાં પિતાજીએ એની જાણ બહાર લીધેલો એનાં વિવાહનો આ નિર્ણય હતો. મેઘનાએ પોતાની નજર બીજી દિશામાં અણગમાનાં લીધે ફેરવી હતી પણ સાત્યકી એનો અર્થ સ્ત્રીસહજ લજ્જા સમજી બેઠો.

રાજા મહેન્દ્રસિંહ અને રાજકુમાર સાત્યકી જ્યારે પોતાનાં ઝરૂખામાં આવી ચુક્યાં હતા ત્યારે રાજા અગ્નિરાજે મેઘના અને સાત્યકીનાં વિવાહ અંગેની ઘોષણાને આગળ વધારતા કહ્યું.

"આજથી ત્રણ મહિના પછી ચૈત્ર સુદ પૂનમનાં દિવસે રાજકુમારી મેઘના અને રાજકુમાર સાત્યકીનાં વિવાહની શુભ વિધિ રત્નનગરીમાં આયોજવામાં આવશે. આપ સૌ લોકોને આ શુભ પ્રસંગમાં આવવાનું ભાવભીનું આમંત્રણ છે."

"મેઘનાને તો પૂછો કે એને તમારો આ વિવાહ પ્રસ્તાવ મંજુર છે કે નહીં?" રાણી મૃગનયનીએ ધીરેથી રાજા અગ્નિરાજના કાનમાં કહ્યું.

"હું જે કંઈપણ વિચારું છું એ મેઘનાનાં સારાં માટે જ વિચારું છું. મહેન્દ્રસિંહનાં પુત્ર સાત્યકી સમો બળવાન અને તેજસ્વી રાજકુમાર આખી અવની ઉપર ક્યાંય નથી! મને વિશ્વાસ છે મેઘના પર કે એ મારી ઈચ્છાનો ક્યારેય વિરોધ નહીં કરે." રાણી મૃગનયની અને રાજા અગ્નિરાજ વચ્ચે થતો આ વાર્તાલાપ સાંભળી રહેલી મેઘનાએ મને-કમને રાજા અગ્નિરાજ તરફ સ્મિત વેરી પોતે આ વિવાહ માટે તૈયાર હોવાની સહમતી જાહેર કરી.

રાજા અગ્નિરાજની આ જાહેરાત રુદ્ર માટે વજ્રાધાત સમાન સાબિત થઈ હોય એમ એનું શરીર સુન્ન થઈ ગયું. મહાકાય હારુનને ધૂળ ચાટતો કરી મુકનાર રુદ્ર એક એવી યુવતીનાં વિવાહની જાહેરાત સાંભળી મનથી ભાંગી ચુક્યો હતો જેનાં મનમાં શું ચાલે છે એની પણ એને ખબર પણ નહોતી.

રાજા અગ્નિરાજની આ જાહેરાત થતાં જ રાજા મહેન્દ્રસિંહ પુનઃ અગ્નિરાજના ગળે વળગ્યા. પૃથ્વી પરનાં બે મહાન રાજાઓ હવે એકબીજાનાં સંબંધી બનવાનાં હતા એની જાહેરાત પુનઃ ઉદઘોષક ભરત દ્વારા કરવામાં આવી. ભરતની આ જાહેરાત સાથે વાનુરામાં ઉપસ્થિત સવા લાખ લોકોની વિશાળકાય જનમેદનીએ રાજકુમારી મેઘના અને રાજકુમાર સાત્યકીના જયકારથી વાતાવરણને ભરી દીધું.

રુદ્રના ચહેરાનાં બદલાયેલાં ભાવ એની મનોસ્થિતિનું તાદર્શ ચિત્રણ કરતાં હોવાથી ઈશાન અને શતાયુ પણ પોતાનાં મિત્રનાં મનમાં આખરે શું ચાલી રહ્યું છે એ સમજી ચુક્યાં હતા. રાજકુમારી મેઘના પ્રત્યે રુદ્રનો પ્રેમ એનાં મુખનાં બદલાયેલાં ભાવ થકી સમજાઈ રહ્યો હતો.

રાજા અગ્નિરાજની આ પ્રકારની પહેલથી પૃથ્વીલોક પરનાં રાજવીઓ વચ્ચે સુમેળભર્યો સંબંધ પ્રસ્થાપિત રહેશે એ સમજતાં અન્ય રાજવીઓએ પણ રાજા અગ્નિરાજ અને રાજા મહેન્દ્રસિંહ સાથે રાજકુમાર સાત્યકી તથા રાજકુમારી મેઘનાને શુભેચ્છાઓ પાઠવી. થોડો સમય પહેલાં જે રણમેદાનમાં પોતાનાં નામનો ડંકો વાગી રહ્યો હતો એ જ રણમેદાનમાં રુદ્ર અત્યારે એક હારેલા યોદ્ધાની માફક નતમસ્તક થઈને ઉભો હતો.

મનુષ્યોની જે સંધિનાં લીધે નિમલોકોને વર્ષોથી જે પીડાઓ ભોગવવી પડી રહી હતી એ સંધિને શોધીને એનો નાશ કરવાની મુહિમ સાથે પાતાળલોકમાંથી પૃથ્વીલોક પર આવેલો રુદ્ર પોતાનો અસલી મકસદ પૂર્ણતઃ ભૂલી ચુક્યો હતો. જે રાજકુમારી મેઘના સાથે રુદ્ર જીવન જીવવાના કોડ જોવા લાગ્યો હતો એ રાજકુમારી મેઘનાની કોઈ અન્ય વ્યક્તિ સાથે થનારાં વિવાહની વાતે રુદ્રને માનસિક રીતે ભાંગી નાંખ્યો હતો.

પોતાને શુભેચ્છા પાઠવવા આવનાર લોકોનો મેઘના મને-કમને સસ્મિત આભાર માની રહી હતી. એવું નહોતું કે રાજકુમાર સાત્યકીમાં કોઈ ખામી હતી કે કોઈ અવગુણ હતો. રાજા અગ્નિરાજના કહ્યાં મુજબ આખી અવની ઉપર રાજકુમાર સાત્યકી જેવો યોગ્ય મુરતિયો રાજકુમારી મેઘના માટે શોધવો અશક્ય હતો, છતાં પોતાનાં પિતાજીએ પોતાને પૂછ્યા વગર જ પોતાની જીંદગી સાથે જોડાયેલો આટલો મોટો નિર્ણય લીધો હતો એ વાત મેઘના માટે કષ્ટદાયક હતી.

રુદ્રએ પોતાને શુભેચ્છા પાઠવવા આવનાર લોકોનો સસ્મિત આભાર માનતી મેઘનાને જોઈ એટલે એને લાગ્યું કે મેઘના પોતાનાં પિતાનાં આ નિર્ણયથી ખુશ પણ છે. જો મેઘનાને આ નિર્ણય સ્વીકાર્ય હોય તો પોતાને મેઘના વિશે વધુ વિચારવાનો કોઈ અર્થ નથી એવું વિચારી રુદ્ર સમરાંગણ મૂકીને પોતે જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધ્યો.

વાનુરાનાં મેદાનમાં મહાબળી યોદ્ધાઓ વચ્ચેની સ્પર્ધાનાં અંતે જે રુદ્ર પોતાનાં અપ્રિતમ સાહસ અને શૌર્યનો પરચો બતાવી વિજેતા બન્યો હતો એ જ મેદાનની મધ્યમાં અત્યારે ઉભું રહેવું રુદ્ર માટે શક્ય નહોતું. કોઈએ અચાનક હૃદય ઉપર મણનો ભાર રાખી દીધો હોય એવો ભાર રુદ્ર પોતાનાં હૃદય પર મહેસુસ કરી રહ્યો હતો. આ બધું કેમ થવાં લાગ્યું હતું એ રુદ્ર નહોતો સમજી રહ્યો છતાં મેઘનાને કોઈ અન્યની થતાં જોવાની હિંમત એનામાં રહી નહોતી.

પોતાનાં મિત્રનાં મનમાં ચાલી રહેલાં વલોપાતનું કારણ સમજતાં ઈશાન અને શતાયુ રુદ્રને આમ વિચલિત થયેલો જોઈ દુઃખી હતાં. પણ બીજી તરફ રાજા અગ્નિરાજની જાહેરાતથી એ લોકોને એ વાતની ખુશી પણ હતી કે આમ થવાથી હવે રુદ્રનું ધ્યાન પોતાનાં ધ્યેય પર જ રહેશે અને એ કાર્યને એ યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે જે કાર્ય માટે એ પાતાળલોકમાંથી અહીં પૃથ્વીલોક પર આવ્યો હતો.

રુદ્ર ઘીમા ડગલે હવે મેદાનને વટાવી વાનુરાનાં મેદાનમાં આવેલ દાદર તરફ જઈ પહોંચ્યો હતો. શતાયુ અને ઈશાન જે સ્થાને બેઠાં હતા એ તરફ રુદ્ર આગળ વધી રહ્યો હતો ત્યાં એનાં કાને રાજા અગ્નિરાજનો સાદ સાંભળ્યો.

"વીરા, ત્યાં જ ઊભો રહી જા!"

રાજા અગ્નિરાજ દ્વારા અચાનક પોતાને કેમ ઊભો રહેવાનું કહેવામાં આવ્યું એ પ્રશ્ન સાથે રુદ્ર આગળ વધતા અટકી ગયો.

રુદ્રએ પાછા ફરી રાજા અગ્નિરાજ તરફ જોયું અને શીશ ઝુકાવી એમને માન આપતાં બોલ્યો.

"બોલો મહારાજ, શું હુકમ છે.?"

"તું તારાં નામને સાર્થક કરે છે. તારી વિરતા અદમ્ય છે. તારું સાહસ અપ્રિતમ છે. આજે તે મહાબલી હારુનને હરાવી તારાં શોર્યનો પરચો આપ્યો છું. આજે જ્યારે મેં મારી દીકરીનાં વિવાહની જાહેરાત કરી છે ત્યારે આ શુભ અવસર પર હું તારી વીરતાથી ખુશ થઈ તને મનમાંગી વસ્તુ આપવાં માંગુ છું. બોલ તારે શું જોઈએ છે?" રાજા અગ્નિરાજના આ પ્રશ્નનાં જવાબમાં પોતે રાજકુમારી મેઘનાને માંગી લે એવું એકવાર તો રુદ્રને થયું. પણ પછી પોતાની ઇચ્છાઓને વશમાં કરી સમજી વિચારી રુદ્રએ કહ્યું.

"રાજન, હું એક સામાન્ય વેપારી છું. અત્યારે અમારાં કામ-ધંધા સાવ પડી ભાંગ્યા છે, ત્યારે હું ઈચ્છું છું કે તમે મને અને મારાં બે સખા જે ભીડમાં બેઠાં છે એમને તમારાં રાજ્યમાં આશ્રય આપો અને યથાયોગ્ય કામ આપો." રુદ્રના આમ બોલતા જ શતાયુ અને ઈશાને પોતાની જગ્યાએથી ઊભા થઈ રાજા અગ્નિરાજ સમક્ષ માનભેર મસ્તક ઝુકાવ્યું.

રુદ્રની આ માંગણી સાંભળી રાજા અગ્નિરાજ ક્યારેક રુદ્રને તો ક્યારેક ઈશાન અને શતાયુને જોઈ ગહન મનોમંથન કરતા રહ્યાં. રુદ્ર તરફ જ્યારે પણ એમની નજર પડતી ત્યારે રુદ્રમાં એમને એક એવાં યોદ્ધાનાં દર્શન થતાં જે સમય આવે યમ ને પણ હંફાવવાનું સામર્થ્ય ધરાવતો હતો.

"વીરા, તારાં આ બંને સખાને હું મારી ભોજનશાળામાં સ્થાન આપું છું. અમારાં મુખ્ય રસોઈયા જયમલના સહાયક તરીકે એ બંને ફરજ નિભાવશે." ઈશાન અને શતાયુ તરફ ઈશારો કરતા અગ્નિરાજે કહ્યું.

"ધન્યવાદ રાજન. એ બંને આ કાર્ય ઉત્તમ રીતે કરી શકશે એનું તમને એમના વતી હું વચન આપું છું. મહેરબાની કરીને મને જણાવશો કે મને તમે તમારાં રાજ્યમાં શું કામ મળી શકશે?" રુદ્ર વિનયભેર બોલ્યો.

રુદ્રના આમ બોલતા જ રાજા અગ્નિરાજે પ્રથમ રાજકુમારી મેઘના તરફ જોયું અને ત્યારબાદ રુદ્ર તરફ. અગ્નિરાજનું આમ પહેલા મેઘના અને પછી પોતાની તરફ જોવાની વાતનું વિસ્મય રુદ્રને થઈ રહ્યું હતું. રાજા અગ્નિરાજ આખરે પોતાને કયું કાર્ય સોંપવાનાં હતા એ વિચારી રુદ્રનું હૃદય બમણી ગતિએ ધબકવા લાગ્યું.

થોડી ક્ષણોની ચુપ્પી બાદ રાજા અગ્નિરાજે રુદ્રને પોતે જે કામ સોંપવાનાં હતા એ જણાવતા કહ્યું.

"વીરા, તારી બહાદુરી અને યુદ્ધ કુશળતા ખરેખર સરાહનીય છે. હું ઈચ્છું છું કે તું રાજકુમારી મેઘનાનાં જ્યાં સુધી વિવાહ સંપન્ન ના થાય ત્યાં સુધી એમનાં અંગરક્ષક તરીકે સેવા આપે. આ ઉપરાંત એક રાજકુમારીને છાજે એ રીતે યુદ્ધકળા અને યુદ્ધ કૌશલ્યમાં મેઘના નિપુણ બને એ માટે એને તૈયાર કરવાની જવાબદારી હવે તારી છે."

રાજા અગ્નિરાજના આમ બોલતા તો રુદ્રનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. વર્ષોથી જ્યાં પાણીનું એક ટીપું પણ ના પડ્યું હોય એ મરુસ્થળમાં અચાનક સાંબેલાધાર મેઘ વરસે એમ રુદ્રનું મન રાજા અગ્નિરાજની આ વાત સાંભળી આનંદિત થઈ ઉઠ્યું હતું.

આમ છતાં પોતાનાં મન અને હૃદયનાં ભાવો ચહેરા પરથી ના સમજાય એવી ઉત્તમ અદાથી રુદ્ર રાજા અગ્નિરાજ દ્વારા પોતાને જે કાર્ય સોંપાયું એનો પ્રતિભાવ આપતાં બોલ્યો.

"મહારાજ, તમે મને આ લાયક સમજ્યો એ બદલ તમારો આભારી છું. તમે મને આ કાર્ય કરવા યોગ્ય સમજ્યો એ મારાં મન બહુ મોટી વાત છે, છતાં રાજકુમારીજીને એકવાર તમે પૂછી લો કે તમારાં આ પ્રસ્તાવથી એમને કોઈ વાંધો તો નથી ને?"

રુદ્રની આ વિનમ્રતાએ રાજા અગ્નિરાજ અને રાણી મૃગનયનીને ખુશ કરવાનું કાર્ય કર્યું. રુદ્રની વાત સાંભળી રાજા અગ્નિરાજે રાજકુમારી મેઘના તરફ જોઈ ઈશારાથી જ એનો પ્રતિભાવ પૂછ્યો. જેનાં જવાબનાં મેઘનાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યાં વીનાં પોતાનાં પિતાજીએ રુદ્રને પોતાનો અંગરક્ષક અને યુદ્ધશિક્ષક નિયુક્ત કર્યો હતો એમાં પોતાને કોઈ આપત્તી નથી એમ ગરદન હકારમાં હલાવી જણાવી દીધું.

"વીરા, તો રાજકુમારીની પણ આમાં સહમતી છે..તો આજથી જ તમે અને તમારાં બંને સખા પોતપોતાનાં કાર્યમાં લાગી જાઓ એવો મારો આદેશ છે."

રાજા અગ્નિરાજના આમ બોલતાં જ રુદ્રએ રાજકુમારી મેઘના તરફ ત્રાંસી નજરે જોતાં સસ્મિત કહ્યું.

"અવશ્ય."

*********

વધુ આવતાં ભાગમાં

આખરે રુદ્રને રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બનાવી અગ્નિરાજે કોઈ ભૂલ તો નહોતી કરી ને.? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED