Rudra ni premkahaani - 2 - 2 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 2

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2

અધ્યાય:2

રુદ્રને મેઘનાનો અંગરક્ષક નિયુક્ત કરીને અગ્નિરાજે પોતાનાં પગ ઉપર જાણીજોઈને કુહાડી મારી હતી એ વાત પ્રેક્ષકોમાં બેસેલાં રુદ્રના બંને ભેરુ ઈશાન અને શતાયુ સમજી ચૂક્યા હતા.

"ભાઈ, આજે તો તે યુદ્ધમેદાનમાં સાબિત કરી દીધું છે એ જગતમાં તારાં સમોવડીયો બીજો કોઈ યોદ્ધા નથી!" રુદ્ર જ્યારે શતાયુ અને ઈશાન જોડે આવ્યો ત્યારે શતાયુએ રુદ્રના વખાણ કરતાં કહ્યું.

"મિત્ર, આપણે જે કાર્ય સિદ્ધ કરવા આવ્યાં છે એને જો સાચી દિશામાં આગળ ધપાવવું હોય તો હવે તમારે બંનેએ તમારી બુદ્ધિનો ઉપયોગ કર્યાં વીનાં મારું કહેલું જ કરવાનું છે." રુદ્રના અવાજમાં સ્પષ્ટતા માલુમ પડતી હતી.

"અમે હંમેશા તારાં પડછાયાની જેમ તારી સાથે જ છીએ." શતાયુ બોલ્યો.

"પડછાયો તો રાતે સાથ છોડી પણ દે, પણ અમે તો દર ક્ષણ તારી સાથે જ છીએ મિત્ર." શતાયુની વાતને ટેકો આપતા ઈશાન બોલ્યો.

"તો પછી હવે આજથી તમારે એ ભૂલી જવાનું કે તમારાં નામ ઈશાન અને શતાયુ છે. આજથી શતાયુ તારું નામ છે હરિ અને ઈશાનનું નામ છે કિશન. તમે બંનેએ ગુરુ ગેબીનાથના આશ્રમની ભોજનશાળામાં ઘણો સમય સેવા આપેલી છે એટલે અગ્નિરાજે જે કાર્ય તમને સોંપ્યું એ કરવામાં તમને ઝાઝી તકલીફ નહીં પડે." પોતાની યોજનામાં ક્યાંક છીંડું ના રહી જાય એની તકેદારી રૂપે રુદ્ર પોતાનાં બંને મિત્રોને સમજાવતા બોલ્યો.

રુદ્રનું આ કથન સાંભળી શતાયુ અને ઈશાને હકારમાં પોતાની ગરદન ઉપર-નીચે કરી.

"રુદ્ર, અમે તો અમારું કામ કરી લઈશું પણ રાજકુમારી મેઘનાનાં અંગરક્ષકનું કાર્ય કરવામાં તારે ઘણી તકલીફોનો સામનો કરવો પડશે." ઈશાને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું.

"એવી નાહકની ચિંતા ના કરો. નિમલોકોનાં ઉદ્ધાર માટે કરવું પડતું દરેક કાર્ય મારી માટે સામાન્ય છે. પણ તમારે પોતાની સાચી ઓળખાણની સાથે મારી સાચી ઓળખાણ પણ ભૂલી જવાનું. આજથી હું તમારો રાજકુમાર રુદ્ર નહીં પણ વીરા છું." રુદ્રએ કહ્યું.

રુદ્ર પોતાનાં મિત્રો સાથે ચર્ચા કરતો જ હતો ત્યાં એની નજર પોતાની તરફ આગળ વધતાં અગ્નિરાજના બે સૈનિકો પર પડી. એ લોકોને પોતાની તરફ આવતાં જોઈ રુદ્રએ ઈશારાથી જ ઈશાન અને શતાયુને મૌન રહેવા કહ્યું.

"ચલો, અમારી સાથે. મહારાજે તમને લોકોને સોંપેલું કાર્ય આજથી જ શરૂ કરવાનું છે તો હું તમને ત્રણેયને તમારું કામ સમજાવી દઉં." રુદ્રની જોડે આવેલાં બે સૈનિકમાંથી એક રુદ્ર અને એનાં મિત્રોને ઉદ્દેશીને બોલ્યો.

રુદ્રએ પોતાનાં મિત્રો તરફ જોયું અને ચૂપચાપ એ બે સૈનિકોની પાછળ ચાલતી પકડી. રુદ્ર જ્યારે સૈનિકોની સાથે જઈ રહ્યો હતો એ દરમિયાન પૃથ્વીલોકનાં બધાં રાજાઓ એકબીજા સાથે વાર્તાલાપ કરવામાં વ્યસ્ત હતા.

મહારાજ અગ્નિરાજ દ્વારા રુદ્રને મેઘનાનો અંગરક્ષક નિયુક્ત કરવાથી સાત્યકી ઝાઝો ખુશ નહોતો જણાતો. સાત્યકી દ્વારા પોતાની તરફ તિરસ્કાર ભરી નજરે જોવું રુદ્રને ખૂંચી રહ્યું હતું પણ રુદ્રને એની કોઈ પરવાહ નહોતી. રુદ્ર માટે તો રાજકુમારી મેઘનાનાં ચહેરા પર પોતાને એનો અંગરક્ષક ઘોષિત કરતાં જ આવેલી રોનક સૌથી વધુ મહત્વની હતી.

પોતાનાં માતા-પિતા સાથે ઊભેલી મેઘનાની નજર અનાયાસે જ સૈનિકોની પાછળ જતાં રુદ્ર અને એનાં મિત્રો તરફ પડી. રુદ્રની નજર પણ એ સમયે મેઘના તરફ થઈ. બંનેની નજરોનું આમ એકબીજા સાથે મળવું ના જાણે કેમ બંનેનાં ચહેરાને પરફુલ્લિત કરી ગયું.

રુદ્ર મેઘનાનાં ચહેરાનાં ભાવ અને લાગણીઓને સમજતો હોય એમ સ્વગત બબડ્યો.

"મારી સ્વપ્ન સુંદરી, મારી પ્રેયસી અને મારી ભાવિ અર્ધાંગિની તરીકે હું જેવી યુવતીની કામના કરતો હતો એવી યુવતી આ જગતમાં ફક્ત એક જ છે, એ છે રાજકુમારી મેઘના! હું જાણું છું એનાં મનનાં ખૂણે મારાં માટે પ્રેમનાં બીજ અવશ્ય રોપાઈ ચૂક્યા હશે."

વાનુરાનાં મેદાનની બહાર નીકળ્યો ત્યાં સુધી રુદ્ર મેઘનાને વળી-વળીને નિરખતો રહ્યો. ઈશાન અને શતાયુ પોતાનાં મિત્રની આ હરકતને જોઈ મનોમન ભગવાન શિવને એક જ પ્રાર્થના કરી રહ્યાં હતા કે.

"પોતાનો મિત્ર રાજકુમારી મેઘનાનાં પ્રેમમાં પામર બની પોતાનો સાચો ધ્યેય ભૂલી ના જાય"

આખરે રુદ્રનું ભાગ્ય એને કઈ તરફ દોરી જવાનું હતું એ વાતની જાણ ફક્ત વિધાતાને જ હતી!

***********

મહારાજ અગ્નિરાજના સૈનિકો રુદ્ર અને એનાં બંને મિત્રો શતાયુ અને ઈશાનને લઈને રાજા અગ્નિરાજની છાવણી સુધી આવી પહોંચ્યાં. એ ત્રણેયને લઈને એ સૈનિકો સૌપ્રથમ છાવણીની જમણી તરફ આવેલી ભોજનશાળામાં આવ્યાં.

ભોજનશાળામાં ભોજન બનાવવા માટેની તૈયારી કરી રહેલા લોકોમાંથી એક મેદસ્વી શરીર ધરાવતા વ્યક્તિને જોઈ એક સૈનિક શતાયુ અને ઈશાન ભણી આંગળી કરતાં બોલ્યો.

"જયમલ ભાઈ, મહારાજ અગ્નિરાજે તમારી મદદ માટે બે સહાયકો મોકલ્યા છે."

"મારે સહાયકોની ક્યાં જરૂર છે, આમ પણ આ ભોજનશાળામાં મારી મદદ અર્થે દસેક લોકો હોય જ છે." ભોજનશાળાનો મુખ્ય રસોઈયો જયમલ ખાંડણીમાં કંઈક ખાંડતા-ખાંડતા બોલ્યો.

પાંચ હાથ લાંબો અને શરીરે છ મણથી પણ વધુ વજન ધરાવતો જયમલ એક મજાનું પાત્ર લાગતો હતો. એનાં ચહેરા પરનું સ્મિત હંમેશા એની જગ્યાએ કાયમ જ હતું. શક્યવત એનાં સ્મિતની મીઠાશ એનાં ભોજનને ચાર ચાંદ લગાડતી હોવાથી છેલ્લાં દસ વર્ષથી પૃથ્વીનાં સૌથી મોટાં રાજ્યનાં અધિપતિ અગ્નિરાજે એને જ પોતાનાં મુખ્ય રસોઈયા તરીકે રાખ્યો હતો.

"હવે જયમલ ભાઈ, મહારાજે કહ્યું છે તો કરવું તો પડશે. આ લોકોને ભોજનશાળામાં એમની લાયક કંઈક નાનું મોટું કામ આપી દો." બીજો સૈનિક જયમલને ઉદ્દેશીને બોલ્યો.

"સારું, મહારાજની આજ્ઞા એટલે માનવી તો પડે જ. યુવાનો લાગી જાઓ કામે. પણ એ પહેલાં તમારાં નામ તો મને જણાવો."જયમલે ઈશાન અને શતાયુ તરફ જોતા કહ્યું.

"મારું નામ કિશન છે અને આ મારો સખો હરિ છે." ઈશાન જયમલને ઉદ્દેશીને બોલ્યો.

"હા તો કિશન, તું જઈને દૂધપાક બરાબર ઉકળે નહીં ત્યાં સુધી તાપમાં બળતણ ખૂટે નહીં એનું ધ્યાન રાખીશ અને હરિ તું આ રસોઈનાં જે પાત્રો સાફ નથી એને ઘસીને સાફ કરીશ." જયમલ હરિ અને કિશન બનેલા શતાયુ અને ઈશાનને આદેશ આપતા બોલ્યો.

"ક્યાં સેનાપતિ બનવાનાં સપના જોયાં હતા અને ક્યાં આ કામ કરવાનાં દિવસો આવ્યાં." રુદ્રની તરફ જોઈ નકલી સ્મિત વેરતાં ઈશાન અને શતાયુ માત્ર રુદ્રને સંભળાય એમ ધીરેથી બોલ્યા. એમનાં સ્મિતનાં પ્રતિભાવમાં રુદ્રએ સ્મિત કર્યું એટલે એ બંને ચૂપચાપ જયમલે સોંપેલું કાર્ય કરવામાં જોતરાઈ ગયાં.

પોતાનાં બંને મિત્રોને ભોજનશાળાનાં મુખ્ય રસોઈયા જયમલના હાથ નીચે કામમાં મશગુલ જોઈ રુદ્ર પોતાને લઈને આવેલા સૈનિકોને ઉદ્દેશીને કહ્યું.

"ચલો ત્યારે હવે જઈએ અહીંથી? મારે શું કરવાનું છે એ પણ જણાવો."

"હા ભાઈ, ચાલ અમારી સાથે." આટલું કહી એ બંને સૈનિકોએ ભોજનશાળામાંથી મુખ્ય છાવણી તરફ પ્રસ્થાન કર્યું.

ભોજનશાળામાંથી મુખ્ય છાવણી તરફ આગળ વધતા સમયે રુદ્રનું મન સતત રાજકુમારી મેઘનાનાં વિચારોમાં ખોવાયેલું હતું. હવે તો પોતે દરેક ક્ષણ રાજકુમારી સાથે એનો પડછાયો બનીને રહેશે એ વાત રુદ્રને ભીતર સુધી રોમાંચિત કરી રહી હતી.

જ્યારે મહારાજ અગ્નિરાજના સૈનિકોની પાછળ-પાછળ રુદ્ર છેક મુખ્ય છાવણી સુધી પહોંચવા આવ્યો ત્યારે એની નજર છાવણીથી થોડે દુર ઉભેલાં એક વ્યક્તિ પર પડી. આમ તો એ વ્યક્તિ ઉપર ધ્યાન જવાં જેવું કોઈ કારણ નહોતું છતાં જે રીતે એનાં ચહેરા પર કંઈક ઉચાટ હતો એ રુદ્રને એની તરફ ધ્યાન આપવા મજબુર કરી રહ્યો હતો.

રુદ્ર આ વિષયમાં પોતાની આગળ જતાં સૈનિકોને જણાવે એ પહેલા એ વ્યક્તિ ત્યાંથી ગાયબ થઈ ગયો. એનું અચાનક આમ ગાયબ થઈ જવું રુદ્ર માટે નવાઈ પમાડનારું હતું. રુદ્રને એ વ્યક્તિ કંઈક તો ખોટું કરવાં આવ્યો હતો એવો શક થયો પણ રુદ્ર એ વિષયમાં વધુ વિચારે એ પહેલાં એને મુખ્ય છાવણી સુધી લઈને આવેલાં બે સૈનિકોમાંથી એક સૈનિક બોલ્યો.

"વીરા, તો આજથી તારે અહીંયા ચોકીપહેરો ભરવાનો છે. આમ તો દિવસ ભર રાજકુમારીજી મહારાજ અને મહારાણી સાથે જ મહારાજના ખાસ તંબુમાં હોય છે પણ રાત્રી દરમિયાન રાજકુમારી મુખ્ય છાવણીને અડીને બનેલા આ તંબુમાં આરામ ફરમાવે છે."

"તારી બહાદુરી અને યુદ્ધ કુશળતા અમે વાનુરાનાં મેદાનમાં જોઈ ચૂક્યા છીએ આથી અમને વિશ્વાસ છે કે તું રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક તરીકેની પોતાની ફરજ પુરી નિષ્ઠા અને લગનથી નિભાવીશ." બીજો સૈનિક રુદ્રને ઉદ્દેશીને બોલ્યો.

"રાજકુમારીની રક્ષા માટે મારે મારાં પ્રાણ આપવા પડે તો પણ હું એમ કરવામાં પાછીપાની નહીં કરું." રુદ્ર મક્કમ સ્વરે એ સૈનિકની વાતનાં પ્રતિભાવમાં બોલ્યો.

"શાબાશ વીરા, હજુ મહારાજ, મહારાણી અને રાજકુમારીને આવતા સમય લાગશે. ત્યાં સુધી તું અમારી સાથે આવ. મહારાજ અગ્નિરાજના રાજ્યના સૈનિકો માટેનો પોશાક અને અંગરક્ષક માટેનાં ખાસ શસ્ત્રો પણ તને આપવાનાં છે." એક સૈનિકે કહ્યું.

"ચોક્કસ, પણ તમને તકલીફ ના હોય તો હું તમારાં નામ જાણી શકું?" રુદ્રએ પોતાને અહીં સુધી લઈને આવેલાં બંને સૈનિકો ભણી જોતાં સવાલ કર્યો.

"મારું નામ છે દોલત અને આ છે લોલાક." એ બે સૈનિકોમાંથી ઊંચાઈમાં છ ફૂટ લાંબો અને સુકલકડી બાંધો ધરાવતો એક સૈનિક પોતાનો અને પોતાનાં ઢીંગણા સાથી સૈનિકનો પરિચય આપતા બોલ્યો.

"સારું તો પછી નીકળીએ, મહારાજ આવે એ પહેલાં મારે એક અંગરક્ષકને સાજે એવાં પહેરવેશમાં અહીં પરત આવી જવાનું છે." રુદ્રના આમ બોલતા જ દોલત અને લોલાક છાવણીની સમાંતર પાછળની તરફ આવેલા ખુલ્લા ભાગ તરફ ચાલી નીકળ્યાં.

આ ખુલ્લાં ભાગની બીજી તરફ એક વિશાળકાય તંબુ આવેલો હતો. રુદ્ર દૂરથી જોતાં જ સમજી ગયો કે રત્નનગરીનાં સૈનિકોનો ઉતારો અવશ્ય ત્યાં હોવો જોઈએ.

રુદ્રના લોલાક અને દોલત સાથે મુખ્ય છાવણીથી છેટે જતા જ રુદ્રએ જોયેલો સંદિગ્ધ વ્યક્તિ મુખ્ય છાવણીની નજીક બાંધેલા અશ્વ પાછળથી બહાર આવ્યો. રુદ્રની નજર પોતાની તરફ કેન્દ્રિત થઈ ચૂકી હતી એ જાણતા એ વ્યક્તિએ વિજળીવેગે પોતાની જાતને અશ્વોની પાછળ છુપાવી લીધી હતી.

"મહારાજ અગ્નિરાજ દ્વારા નિયુક્ત કરવામાં આવેલો આ અંગરક્ષક હજુ પોતાનું કામ સમજે એ પહેલા તો રાજકુમારી મેઘના સ્વધામ પહોંચી ચુકી હશે." પોતાની જાત સાથે વાતો કરતો-કરતો એ વ્યક્તિ ખૂબ સાવધાની સાથે રાજકુમારી મેઘનાનાં શયનકક્ષ તરફ આગળ વધી રહ્યો હતો.

એ વ્યક્તિની આંખોમાં મોજુદ ચમક અને ચહેરા પર રેલાતું ભેદી સ્મિત એક વાત સ્પષ્ટ કરી રહ્યું હતું કે રાજકુમારી મેઘનાનો જીવ સંકટમાં છે.

********

વધુ આવતાં ભાગમાં

એ વ્યક્તિ કોણ હતો અને કેમ એ રાજકુમારી મેઘનાને મારવા આવ્યો હતો? રુદ્ર મેઘનાને બચાવવામાં સફળ થશે કે નહીં? આખરે રુદ્રને રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બનાવી અગ્નિરાજે કોઈ ભૂલ તો નહોતી કરી ને..?રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે.?શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે.?આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED