ઉનાનાની કાળજાળ ગરમીમાં આકાશમાંથી આગ વરસતી હતી અને તે આગ ઝીલવા ધરતી નીચે હતી. રસ્તા પર જાણે કર્ફ્યું ના હોય તેવું લાગી રહ્યું હતું .એવામાં હું બપોરે બે વાગ્યે ઓફિસથી ઘરે જવા નીકળ્યો સરદાર નગર પહોચ્યો ત્યારે મેં જોયું તો મારી ગાડીના પાછળના વ્હીલમાં હવા નહોતી મેં ગાડી સાઇડમાં ઉભી રાખી અને આજુ બાજુ જોયું તો એક પણ પંચરની દુકાન ખુલ્લી ના હતી એટલે હું ગાડી દોરીને ત્યાંથી આગળ લઈ ગયો ત્યાંજ એકાદ કિલોમીટર ગાડી દોરીને હું પહોચ્યો ત્યારે નર્મદા ભવન સામે એક પંચરની દુકાન હતી તે જોઇને મને આનંદ આવ્યો કે હાશ હવે પરસેવે નીતરવું નહિ પડે અને અને ગાડી દુકાન સુધી પહોચી ત્યાં તો હું તડકાનો બે બાકળો થઈ ગયો હતો.
કાકા ત્યાં બેઠા હતા એટલે મને જોતાં જ તરત ઉભા થયા અને કહ્યું કે આ બાજુ ગાડી લઈ લેજો. અને પછી તેણે મારા હાથમાંથી ગાડી લઈ લીધી અને કહ્યું નિરાંતે બેસો. પાણી આપું..?મેં કહ્યું ના ના થોડી વાર પછી હું પાણી જાતે પી લઈશ તમે મને કાકા ફટાફટ પંચર કરી આપો એટલે મને નિરાત થાય અને મારે જમીને ઓફિસ પણ પહોંચવાનું છે. કાકા એ કહ્યું "અરે તમે પાણી પીવો એટલીવાર લાગશે ભાઈ."
૧૫ મીનીટમાં પંચર થઈ ગયું. હું ફટાફટ ઉભો થયો અને કાકાને કહયું "કાકા કેટલા પૈસા દેવાના છે?" કાકાએ કહયું, "૪૦ થયા." મેં પાકીટ કાઢીને ૫૦ રૂપિયા આપ્યા. કાકાએ પોતાના ખીસામાં જોયું તો તેમની પાસે છુટ્ટા ના હતા એટલે મને કહ્યું,"ભાઈ છુટ્ટા આપોને મારી પાસે નથી." એટલે મેં પણ મારા ખીસામાં અને બેગમાં ફાફા માર્યા પણ છુટ્ટા ના મળ્યા એટલે કાકાને કહયું કે, "તમે રાખો ૧૦ રૂપિયા." ત્યારે કાકાએ કહયું કે ના ના તે મારાથી ના રખાય તે મારી મહેનતના નથી અને જો હું તે વધારાના ૧૦ રૂપિયા લઉં તો મારા પર ભાર રહે. મેં કહયું કાકા,"એવું હોય તો પછી લઈ જઈશ તેણે કહયું "ના-ના એક કામ કરો તમારે ઓફિસ જવાનું મોડું થતું હોય તો તમે જાવ પછી ગમે ત્યારે આપી દેજો.” એટલે મારા મનમાં પણ થયું કે જો કાકા આટલું રાખી શકતા હોય તો મારે પણ કાકાને અત્યારે જ પૈસા દેવા જોઈએ એટલે હું તરત જ કઈ પણ બોલ્યા વગર ભરતનગર ચોકડીએ ગયો અને ત્યાં જઈને સોડા પીધી અને ફરીએ દુકાને આવ્યો અને કાકાને કહયું,"કાકા, આ તમારા પૈસા અને કહયું કાકા કદાચ હું પૈસા દેવા ના આવ્યો હોત તો?"ત્યારે કાકાએ જવાબ આપ્યો તે જોરદાર હતો કે “તમારી મહેનતનું કોઈ ના લઈ જઈ શકે.“ એક નાની અમથી દુકાનના માલિક એટલે રાજા નામ પ્રમાણે ગુણ અને દિલના રાજા જ છે. મળવા અને માણવા જેવા વ્યક્તિ એટલે રાજા હાલ પણ ત્યાં નર્મદા ભવન સામે કોર્નર પર એમની દુકાન છે ભાવનગરમાં રહેતા વ્યક્તિએ સમય થોડો હોય તો મળવા જવાય તેવા વ્યક્તિ માંના એક એટલે રાજા.કોઈ શિક્ષિત વ્યક્તિ પણ કદાચ ના સમજાવી શકે તેવી રીતે મને સમજાવી દિધું.
એક કાકાને મહેનત કર્યા પછી અને સામેથી કહેવા છતા વધારાના માત્ર ૧૦ રૂપિયાનો ભાર લાગી રહયો હતો.તો આજે દેશમાં જે કોઈ અધિકારી કે પદાધિકારી નાની મોટી રકમ નહિ પણ કરોડોનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને દેશના પાયામા ઉધીનું કામ કરીને દેશને કંગાળ બનાવી રહયા છે તેમને શું ભાર નહિ લાગતો હોય? તેમને એવું નહિ થતું હોય કે આ મારી મહેનતના નથી મારે આ પૈસા ને હાથ પણ ના અડાવવો જોઈએ..‼ કેમ તેને રાજાની જેમ ભાર નહિ લાગતો હોય??
આપના પ્રતિભાવ મારા માટે અતિ મહત્વના અને સદૈવ આવકાર્ય રહશે ..તો આપ સર્વેને આપના પ્રતિભાવ આપવા. હું અનુરોધ કરુ છું.🙏🙏🙏
મિલન મહેતા - બુ ઢ ણા
૯૮૨૪૩૫૦૯૪૨