Rudra ni premkahaani - 2 - 35 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 35

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૫

અગ્નિરાજ રાજદરબારમાં પોતાનાં સંત્રીઓ સાથે બેસીને મેઘનાનાં વિવાહની વ્યવસ્થા સંબંધી ચર્ચાઓ કરી રહ્યો હતો. આ સમયે રાજા મહેન્દ્રસિંહ અને સાત્યકી પણ ત્યાં હાજર હતાં. બે દિવસ બાદ થનારાં વિવાહને લઈને બધાં ખૂબ ઉત્સાહિત જણાતાં હતાં. આ સમયે અચાનક ત્યાં આવેલાં એક વ્યક્તિને જોઈને બધાં અચરજભરી નજરે જોઈ રહ્યાં. અકીલા એ વ્યક્તિને જોતાં જ ઓળખી ગયો કે આ વ્યક્તિ તો પહેલા રત્નનગરીનાં સૈન્ય દળમાં સામેલ હતો.

"મહારાજ અગ્નિરાજ માટે હું એક સંદેશો લઈને આવ્યો છું." આટલું કહી દુર્વાએ રુદ્રનો સંદેશો અગ્નિરાજને કહેવાનું શરૂ કર્યું.

"પાતાળલોકનાં મહાન ચક્રવર્તી રાજા રુદ્રએ તમને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે. પોતાનાં સૈન્ય સાથે મહારાજ રુદ્ર રત્નનગરીની સરહદે આવેલાં મેદાન જોડે આવી પહોંચ્યાં છે. એમને તમને એક દિવસમાં યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું છે અન્યથા મહારાજ રુદ્ર તમારાં નગર ઉપર આક્રમણ કરી મુકશે."

"એ તારી આટલી હિંમત કે તું એ નિમલોકો તરફથી અમને યુદ્ધ માટે લલકારે!" અગ્નિરાજ કંઈ બોલે એ પહેલાં અકીલા ઊંચા સ્વરે ચિલ્લાયો.

"સેનાપતિજી હું તો એક દૂત છું અને હું તો મારી ફરજ નિભાવી રહ્યો છું. બાકી તમારે આ સંદેશાને ધ્યાનમાં લેવો કે નહીં એનો આધાર ફક્ત તમારાં ઉપર છે." દુર્વા શાલીનતાથી બોલ્યો.

"લાગે છે નિમલોકોનો અંત નજીક આવી ગયો છે. પણ મને એ જણાવ કે એ રુદ્ર ક્યાંથી રાજા બની ગયો. શું એ પોતાનાં પિતાને પદભ્રષ્ટ કરીને ગાદી પર બેસી ગયો.?" અગ્નિરાજે દુર્વાને ઉદ્દેશીને કહ્યું.

"રાજન, હવે જાણીજોઈને અસત્ય બોલવાનું રહેવા દો. તમે જ મહારાજ દેવદત્તની હત્યા કરી છે એટલે જ પોતાનાં પિતાની હત્યાનો પ્રતિશોધ લેવા રુદ્ર અહીં આવ્યાં છે. બાકી નિમલોકોને મનુષ્યોની માફક કોઈ માટે મનમાં દ્વેષ કે અહીંની કોઈ ભૌતિક વસ્તુની લાલચ નથી હોતી." દુર્વા અગ્નિરાજની આંખોમાં આંખો નાંખીને બોલ્યો.

"દેવદત્તની કોઈએ હત્યા કરી દીધી છે?" અગ્નિરાજ આ વાત સાંભળી અચરજ સાથે બોલ્યો. "પણ હું દેવદત્તની હત્યા કેમ કરું? જે વ્યક્તિની હત્યાથી મને કોઈ લાભ ના મળે કે જેનાં હોવાં ના હોવાથી મને ફરક ના પડે એની હત્યા હું શું કામ કરૂં? આમ પણ વર્ષો પહેલાં નિમલોકો જોડે જે ભીષણ યુદ્ધ થયું એ બાદ લોહી રેડવાનું બંધ કરી દીધું છે."

"માની લઉં કે તમે રાજા દેવદત્તની હત્યા નહીં કરી હોય પણ તમે લોહી રેડવાનું બંધ કર્યું છે એ વાત ગળે નથી ઉતરતી રાજા અગ્નિરાજ.!" ક્રોધમા હોવાં છતાં દુર્વાએ એક દૂતની ગરિમાનું માન રાખતાં પોતાનાં અવાજ નીચો રાખ્યો હતો.

"આ કહેવા પાછળનું તાત્પર્ય?"

"તમે આજથી થોડાં વર્ષો પહેલાં કિલાક્ષ કબીલાનાં નિર્દોષ લોકો પર આક્રમણ કરીને કબીલાનાં હજારો નિર્દોષ લોકો સાથે મારાં પિતા ગામાની હત્યા કરી હતી એ વાત તમે ભૂલી ગયાં.?" દુર્વાનાં હૃદયનો ક્રોધ એની આંખોમાં વંચાતો હતો.

"તું ગામાનો દીકરો છે?" વિસ્મયભરી નજરે દુર્વાને જોતાં અગ્નિરાજે કહ્યું. "મને ખબર હતી કે ગામા દેવદત્ત સાથે મિત્રતા ધરાવે છે, પણ એનાંથી મને કોઈ નુકશાન નહોતું તો હું એની હત્યા કેમ કરું? તારી કોઈ ભૂલ થતી હોય એવું લાગે છે યુવાન!"

"મારી કોઈ ભૂલ નથી થતી રાજા અગ્નિરાજ, હું ત્યાં હાજર હતો જ્યારે સેનાપતિ અકીલાની આગેવાનીમાં તમારાં નિર્દયી સૈનિકો કિલાક્ષ કબીલા પર ત્રાટકયાં હતાં!"

"મને આ વિષયમાં કંઈ જ્ઞાન નથી યુવાન." આટલું કહી અગ્નિરાજે અકીલા તરફ ક્રુદ્ધ નજરે જોતાં કહ્યું.

"અકીલા શું આ યુવાન સાચું કહે છે?"

અકીલા નીચું મોં રાખી પોતાનાં સ્થાનેથી ઊભો થયો અને અગ્નિરાજના પ્રશ્નનો ઉત્તર આપતાં બોલ્યો.

"મહારાજ, આ યુવાન સત્ય કહે છે. મેં જ કિલાક્ષ કબીલા પર આક્રમણ કર્યું હતું. તમે જ્યારે સોમનાથની યાત્રાએ હતાં ત્યારે મને ખબર મળી કે દેવદત્ત સાથે મળીને ગામા આપણી વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરી રહ્યો છે એટલે મેં તમને જાણ કર્યાં વિનાં કિલાક્ષ કબીલા પર હુમલો કરી દીધો, જેમાં ગામા માર્યો ગયો."

"સેનાપતિજી તમે આ યોગ્ય નથી કર્યું? આ વિષયમાં હું તમારી જોડે સમય મળે અવશ્ય ચર્ચા કરીશ કે મને જણાવ્યાં વિનાં તમારે આવું અનુચિત કાર્ય કરવાની નોબત આવી." અગ્નિરાજના અવાજ પરથી દુર્વા સમજી ગયો કે એનાં પિતાનો હત્યારો અકીલા છે, અગ્નિરાજ નહીં.

"રુદ્રએ પોતાની ઓળખ છુપાવી મારી દીકરીને પોતાનાં પ્રેમજાળમાં ફસાવવાનું જે ઉદ્ધત વર્તન કર્યું છે એ બદલ હું એને માફ કરી દઈશ પણ એકવાર એને મારી માફી માંગવી પડશે. હું મન મોટું રાખીને રુદ્ર અને તમામ નિમલોકોને માફ કરી દઈશ, બાકી મારે જાણીજોઈને કોઈપણ નિર્દોષની હત્યાનું આળ માથે નથી લેવું." અગ્નિરાજના શબ્દો સાંભળી દુર્વાને એવું લાગી રહ્યું હતું કે રાજા દેવદત્તની હત્યા અગ્નિરાજે નહોતી કરાવી.

"મહારાજ, મારી વિનંતી છે કે આપની પુત્રી જ્યાં ઈચ્છે ત્યાં જ એનાં વિવાહ કરાવવા જોઈએ. બાકી જગતમાં પોતાનાં દીકરીનું મન દુભાવવા જેટલું મહાપાપ બીજું કોઈ નથી. વર્ષોથી ચાલી આવતાં નિમલોકો અને મનુષ્યો વચ્ચેનાં વેરનો અંત કરવાનો સુવર્ણ અવસર પરમકૃપાળુ પરમાત્માએ તમને આપ્યો છે તો તમે આ અવસરને વધાવી લો એવો અનુરોધ છે. પોતાનાં પિતાની હત્યાનો પ્રતિશોધ તમારી જોડે લેવાની મંછા સાથે રુદ્ર અહીં આવ્યો છે પણ હું એને સમજાવીશ કે તમે રાજા દેવદત્તની હત્યા નથી કરી. હકીકતમાં મને તો એવું લાગે છે કે રાજા દેવદત્તની હત્યા કરાવનાર વ્યક્તિએ જાણીજોઈને તમારાં નામનો ઉપયોગ કર્યો છે." દુર્વા સમજાવટનાં સુરમાં બોલ્યો.

દુર્વાની વાત સાંભળી અગ્નિરાજે થોડો સમય મનોમન કંઈક વિચાર્યા બાદ કહ્યું.

"જઈને રુદ્રને જણાવજે કે મહારાજ અગ્નિરાજ આ યુદ્ધ કરવા નથી ઈચ્છતા. જો એને એવું લાગતું હોય કે મેં રાજા દેવદત્તની હત્યા કરી છે તો એ અવશ્ય મને મારીને પોતાનો પ્રતિશોધ પૂર્ણ કરી શકે છે બાકી લાખો લોકોનું લોહી રેડીને કોઈને કંઈ લાભ નથી."

"મને આપના જોડેથી આજ આશા હતી મહારાજ અગ્નિરાજ.. હું હમણાં જ રુદ્રને જઈને બધું વ્યવસ્થિત સમજાવું છું." પોતાનાં પિતાની મોત માટે અગ્નિરાજ જવાબદાર નથી એ જાણ્યાં બાદ રાજા અગ્નિરાજ તરફનો દુર્વાનો વ્યવહાર બદલાઈ ચૂક્યો હતો.

અગ્નિરાજની રજા લઈ જેવો જ દુર્વા ત્યાંથી ગયો એ સાથે જ અગ્નિરાજે સભા બરખાસ્ત કરી અને ઉતાવળાં ડગલે મેઘનાનાં કક્ષ તરફ પ્રયાણ કર્યું.

********

દુર્વા જ્યારે રુદ્રનો દૂત બની રાજદરબારમાં પહોંચ્યો હતો એ જ સમયે ઈશાન અદ્રશ્ય વેશ ધારણ કરી મેઘનાનાં કક્ષમાં પ્રવેશ્યો. રુદ્રએ મોકલાવેલો સંદેશો જ્યારે ઈશાને મેઘનાને આપ્યો ત્યારે રુદ્રના માતા-પિતાની મૃત્યુનો જોરદાર આઘાત મેઘનાને લાગ્યો. પણ જ્યારે એને સાંભળ્યું કે રુદ્ર પોતાનાં પિતાની હત્યા માટે અગ્નિરાજને જવાબદાર ગણે છે ત્યારે મેઘનાએ આ વાતનો સ્વીકાર કરવાનો નનૈયો ભણી દીધો.

અગ્નિરાજે ભલે પોતાને નજરકેદ કરાવી હોય પણ એ કોઈની હત્યા કરે એ વાત મેઘના માટે પચાવવી અઘરી હતી. જો શક્ય હોય તો આ બાબતની ખરાઈ કર્યાં વિનાં રુદ્ર યુદ્ધ ના કરે એવો સંદેશો મેઘનાએ ઈશાન જોડે રુદ્ર માટે મોકલાવ્યો. સાથે એ પણ કહ્યું કે જો એનાં પિતાજીએ આવું નિમ્ન કક્ષાનું કાર્ય કર્યું હોય તો અવશ્ય એ રુદ્રના અપરાધી છે પણ આવું ના કર્યું હોય તો રુદ્રએ એમનાં માટે મનમાં જે ક્રોધ ભર્યો છે એ થૂંકી દેવો પડશે.

મેઘનાને મળીને ઈશાન જેવો ત્યાંથી નીકળ્યો એ જ સમયે અગ્નિરાજ અને મૃગનયની મેઘનાનાં કક્ષમાં પ્રવેશ્યાં.

"પિતાજી, તમે રુદ્રના પિતાજીની હત્યા કેમ કરાવી?" અગ્નિરાજના ત્યાં આવતાં જ મેઘનાએ સીધો સવાલ કર્યો.

"મેઘના, મેં આ હત્યા નથી કરાવી. હું તારાં સોગંધ ખાઉં છું કે મેં આવું કોઈ કાર્ય નથી કર્યું." અગ્નિરાજના સ્વરમાં સચ્ચાઈનો રણકાર હતો. "હું તો તને એ જણાવવા આવ્યો હતો કે મેં અત્યારે એવો નિર્ણય લીધો છે કે હું તારાં અને રુદ્રના વિવાહ કરાવીશ. મને હમણાં જ એ વાતનું ભાન થયું કે ઊંચ-નીચ અને સમાજમાં મારું સમ્માન જળવાય એ બે વાતોનાં લીધે હું તારી ઈચ્છા વિરુદ્ધ જઈને તારો હાથ કોઈ અન્યનાં હાથમાં નહીં મુકું." અગ્નિરાજના આમ બોલતાં જ મેઘનાએ દોડીને પોતાનાં પિતાને ભેટી પડી અને ઉત્સાહિત સ્વરે બોલી.

"તો પિતાજી, અત્યારે જ આપણે જઈને રુદ્રને મળીએ અને દરેક બાબતની સ્પષ્ટતા કરી દઈએ જેથી ભીષણ યુદ્ધ થતું અટકી જાય."

"અવશ્ય એવું જ થશે, પણ મને એ નથી સમજાતું કે રાજા દેવદત્તની હત્યા કરાવવાનો આરોપ મારાં માથે નાંખીને આખરે કોને ફાયદો થવાનો હતો.?" અગ્નિરાજ હજુ આટલું બોલ્યાં જ હતાં ત્યાં મેઘનાનાં કક્ષનાં દ્વાર ધડાકાભેર ખૂલી ગયાં અને ડઝનભેર સૈનિકો કક્ષમાં દોડી આવ્યાં.

"અકીલા, આ બધું શું માંડ્યું છે?" સૈનિકોની જોડે અંદર પ્રવેશેલા અકીલાની તરફ જોઈ ક્રોધિત સ્વરે અગ્નિરાજે પૂછ્યું.

"હું જે કરી રહ્યો છું એ ઉચિત જ છે અગ્નિરાજ. પુત્રીનાં પ્રેમમાં અંધ બનીને તું તારી દીકરીને એક એવાં વ્યક્તિ જોડે પરણાવવા માંગે છે જેનું સ્થાન મનુષ્યોનાં પગમાં છે. મને લાગે છે હવે તારાં શાસન કરવાનાં દિવસો પૂરાં થઈ ચૂક્યાં છે. આમ પણ મેઘનાનાં વિવાહ પછી રત્નનગરીને એક ઉત્તરાધિકારીની જરૂર હતી. મારાંથી સારો ઉત્તરાધિકારી આ રાજ્યને મળી શકે એમ નહોતો એટલે મેં નક્કી કર્યું કે હવે હું આજથી રત્નનગરીનો રાજા છું." અકીલાનાં વાણીપ્રયોગ પરથી અગ્નિરાજ સમજી ગયો કે અકીલા રૂપે એને વર્ષોથી એક સર્પને દૂધ પીવડાવ્યું હતું, જે સમય આવે આજે ફેણ ચડાવી ઊભો પોતાની વિરુદ્ધ જ ઊભો રહી ગયો.

"અકીલા..!" સંયમ ગુમાવી બેસેલાં અગ્નિરાજે અકીલાને સ્વધામ પહોંચાડી દેવાની મંછા સાથે મ્યાનમાંથી પોતાની તલવાર બહાર નીકાળી જ હતી ત્યાં એક કટાર એમનાં હાથમાં ઉતરી ગઈ અને એનાં લીધે એમને પકડેલી તલવાર પણ છટકી ગઈ.

"શ્વસુરજી હવે તમારે આરામ કરવાનો સમય આવી ગયો છે. જો તમારે જીવિત રહેવું હોય તો કોઈ હરકત ના કરશો અન્યથા.." ચહેરા પર કટુ સ્મિત સાથે સાત્યકીએ ત્યાં પ્રવેશ કર્યો.

"તું, તારી હિંમત કઈ રીતે થઈ પીતાજી જોડે આ રીતે વાત કરવાની?" અગ્નિરાજના હાથમાંથી કટાર ખેંચીને નીચે ફેંક્યા બાદ સાત્યકીને જોતા જ ક્રુદ્ધ થઈ ચૂકેલી મેઘનાએ કહ્યું.

"રાજકુમારી, તમે ગુસ્સો કરો ત્યારે પણ કેટલાં સુંદર લાગો છો." મેઘનાની તરફ જોતા સાત્યકીએ બોલવાનું ચાલુ રાખ્યું.

"મેં કેટલી સરસ યોજના બનાવી હતી જેનાં પર તારાં પિતાજી પાણી ફેરવવા માંગે છે. રુદ્રના પિતાજીની હત્યાનો આરોપ હું રાજા અગ્નિરાજ પર નાંખી રુદ્ર અને એમની વચ્ચે એક એવી શત્રુતાની ખાઈ ઊભી કરવા ઈચ્છતો હતો જે ક્યારેય પુરાય જ નહીં. એમાં હું સફળ રહ્યો અને રુદ્ર મારી ચાલમાં ફસાઈને પોતાનાં પિતાજીની હત્યાનો પ્રતિશોધ લેવા રત્નનગરી પર આક્રમણ કરવા અહીં આવી પણ પહોંચ્યો."

"આ પછી મને વિશ્વાસ હતો કે યુદ્ધમાં રુદ્રની હાર થશે અને એ કૂતરાંની મોત માર્યો જશે. ત્યારબાદ તારી સાથે લગ્ન કરી હું સમગ્ર આર્યાવતનાં સમ્રાટ બનવાનું મારું સપનું પૂર્ણ કરી શકીશ. પણ, આ ઘરડા થઈ ચૂકેલાં તારાં પિતાજીએ તારાં રુદ્ર સાથે વિવાહ કરાવવાનું મન બનાવી લીધું હતું એ હું રાજદરબારમાં જ સમજી ચુક્યો હતો. આથી જ મારે ના છૂટકે સેનાપતિ અકીલા જોડે એક સંધિ કરવી પડી. જે મુજબ હું રત્નનગરીનું રાજ્ય અકીલાને સોંપી દઈશ અને એનાં બદલે એ મને સમગ્ર આર્યાવતનો સમ્રાટ બનાવવામાં સહાય કરશે."

સાત્યકીની વાત સાંભળી મેઘના, અગ્નિરાજ અને મૃગનયનીને ભારે આંચકો લાગ્યો. સાત્યકી આ હદે નીચે ઉતરી શકે છે એની તો એમને કલ્પના પણ નહોતી કરી.

"સૈનિકો, બંદી બનાવી લો આ બધાંને. હવે તો રુદ્રને સ્વધામ પહોંચાડું પછી જ રાજકુમારી સાથે વિવાહ કરીશ." આટલું કહી સાત્યકી ત્યાંથી નીકળી ગયો. અકીલા પણ રાજપરિવારને સાંકળોમાં કેદ કર્યાં બાદ ત્યાંથી રવાના થઈ ગયો.

"પિતાજી, હવે શું કરીશું?" મેઘનાનાં આ પ્રશ્નનો હાલપુરતો તો અગ્નિરાજ જોડે કોઈ જવાબ નહોતો. જે ઝડપથી સંજોગો પોતાની વિરુદ્ધ ગયાં હતાં એ જોઈ પૃથ્વીલોકનાં સૌથી વિશાળ રાજ્યનો રાજા એવો અગ્નિરાજ અત્યારે દિગ્મૂઢ અવસ્થામાં ફસડાઈ પડ્યો.

*********

વધુ આવતાં ભાગમાં

રાજપરિવાર કેદમાંથી છૂટી શકશે? યુદ્ધ થશે કે નહીં? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરાવી હતી? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED