VEDH BHARAM - 11 books and stories free download online pdf in Gujarati

વેધ ભરમ - 11

દુઃખ અને દુશ્મન તમારા શ્રેષ્ઠ મિત્ર છે કેમકે આ બંને એવી પરિસ્થિતિ ઊભી કરી દે છે કે જેમા તમારે તમારી બધી જ શક્તિ કામે લગાડી દેવી પડે છે. અને જ્યારે તમારી બધી શક્તિ કામે લાગે છે, ત્યારે કોઇ પણ પરિસ્થિતિમાંથી તમે રસ્તો શોધી કાઢો છો. શરત માત્ર એટલી છે કે તમારે જે પણ પરિસ્થિતિ છે તેની સામે લડવા તૈયાર રહેવુ જોઇએ.

અત્યારે હેમલને પણ આવુ જ લાગી રહ્યુ હતું કે આ કેસ તેને ઘણું બધુ શીખવીને જવાનો હતો. જ્યારે હેમલે રિષભ પાસે પ્રશ્ન પુછવાની અનુમતિ માગી ત્યારે રિષભે સામેથી જ તેનો પ્રશ્ન કહી દીધો આ સાંભળી હેમલને નવાઇ લાગી એટલે રિષભે હેમલને કહ્યું “એક ઓફિસરે હંમેશા ફેસ રીડીંગ કરતા શીખવું જોઇએ. જ્યારે મે અભયને દર્શનના ફેમીલી મેમ્બરના સેમ્પલ કલેક્ટ કરવાનું કહ્યું ત્યારે, તારા ચહેરા પર હું મુંઝવણના ભાવ સ્પષ્ટ જોઇ શકતો હતો. તેના લીધે જ મે તારો પ્રશ્ન જાણી લીધો હતો.”

આ સાંભળી હેમલે કહ્યું “તમારી પાસેથી મને ઘણું શીખવા મળશે.” રિષભ હસી પડ્યો અને બોલ્યો “હા તો હવે તને એ કહું કે તેના ફેમિલી મેમ્બર્સના સેમ્પલ શુ કામ લેવા જોઇએ. તેના બે કારણો છે એક કારણ એ કે દર્શનના ફાર્મહાઉસમાં તેના ફેમિલી મેમ્બરના ફીંગર પ્રિન્ટ્સ તો હોય જ એટલે તેમાથી કોઇની સાથે મેચીંગ થઇ જાય તો આપણે બીજા લોકોના સેમ્પલ લેવાની માથાકુટમાથી બચી શકીએ. બીજુ કારણ એ પણ છે કે હું કોઇને પણ શકના દાયરામાંથી બાકાત રાખવા માંગતો નથી.”

આ સાંભળી હેમલે કહ્યું “સર, મને પણ એવુ જ લાગે છે કે આમા કોઇ નજીકનું જ સંકળાયેલુ છે. મે દર્શનના ડ્રાઇવર કમ તેના બોડીગાર્ડની પૂછપરછ કરી હતી તો તેણે પણ મને કહ્યું હતુ કે દર્શનસર ભાગ્યે જ જાતે ડ્રાઇવ કરતો. તે દિવસે દર્શન તેના ડ્રાઇવરને પણ સાથે નહોતો લઇ ગયો તેનો મતલબ એ થયો કે તે જે વ્યક્તિ સાથે હતો તે તેની એકદમ નજીક્ની વ્યક્તિ હોવી જોઇએ.”

આ સાંભળી રિષભે કહ્યું “ના, આમા મારુ મંતવ્ય જુદુ છે. જો દર્શન તેના કોઇ ઘરના અથવા જાણીતા વ્યક્તિ પાસે જવાનો હોય તો ડ્રાઇવરને સાથે લઇને જ જાય. કેમકે ડ્રાઇવર પણ તેનો ખાસ માણસ જ હશે એટલે તેમા તેને કોઇ પ્રોબ્લેમ ન નડે. જો દર્શન એવી કોઇ વ્યક્તિને મળવાનો હોય કે જેના વિશે તે છુપાવવા માંગતો હોય તો જ તે ડ્રાઇવરને લીધા વિના જાય. આ વાતને આપણે ફાર્મહાઉસના ચોકીદારે કરેલી વાત સાથે જોડીએ કે દર્શને તેને પણ જતુ રહેવાનુ કહ્યું હતુ. તેનો મતલબ સાફ છે કે તે જે વ્યક્તિને મળવાનો હતો તેના વિશે તે કોઇને ખબર પડવા દેવા નહોતો માંગતો.” આ સાંભળી હેમલને પણ લાગ્યુ કે રિષભ કહે છે તે સાચુ છે. તે હજુ કંઇ કહેવા જતો હતો ત્યાં રિષભે કહ્યું

“ઓકે ચાલ, આ ડીવીડીને એક પેન ડ્રાઇવમાં નાખી મને આપી દે. તુ પણ આજે રાત્રે આ રેકોર્ડીંગ જોઇ લેજે. તેના વિશે કાલે ચર્ચા કરીશું. અને આ કામ પતાવી દે એટલે આપણે ફોરેન્સીક લેબ જવુ છે.” આ સાંભળી હેમલ ડીવીડી લઇને બહાર નીકળ્યો.

હેમલના ગયા પછી રિષભે કમિશ્નરને ફોન કરી કેસના પ્રોગ્રેસ વિશે માહિતી આપી. ત્યારબાદ રિષભ આખો બંધ કરીને કેસ વિશે વિચારવા લાગ્યો “એક મોટા બિઝનેસમેનનુ ખૂન થાય છે. તેને ઘણા લોકો સાથે દુશ્મની હતી પણ તેનો એક કટ્ટર દુશ્મન હતો. તેનો જુનો બિઝનેસ પાર્ટનર અશ્વિન. આ અશ્વિન દર્શનના દરેક દુશ્મનને પોતાની કંપનીમાં નોકરી આપે છે. આ દુશ્મન એટલે નવ્યા અને નિખિલ. બંને અશ્વિન સાથે જોડાયેલા છે. દર્શનના ખૂન થવાની રાતથી નિખિલ ગાયબ છે.” આમ વિચાર કરતો રિષભ બેઠો હતો ત્યાં અચાનક તેને એક વિચાર સુજ્યો એટલે ટેબલ પર રહેલ બેલની સ્વીચ દબાવી. બેલ સાંભળી પ્યુન અંદર આવ્યો એટલે રિષભે તેને કહ્યું “મારે એક વ્હાઇટ બોર્ડ અને પેન જોઇએ છે. આપણી પાસે છે?” આ સાંભળી પ્યુને કહ્યું “હા સર છે પણ ઉપયોગ નહોતો એટલે ક્યાંક મૂકી દીધુ હશે.”

“તેને શોધીને ઝડપથી લાવો.”

આ સાંભળી પ્યુન બહાર ગયો અને દસેક મિનિટ પછી પ્યુન અને હેમલ વ્હાઇટ બોર્ડ અને તેના સ્ટેન્ડ સાથે દાખલ થયા. તેને જોઇને રિષભે કહ્યું “ઓકે તેને અહી દિવાલ પાસે મૂકી દો. પ્યુને સ્ટેન્ડને દિવાલ પાસે વ્યવસ્થિત ગોઠવ્યુ અને પેનને ટેબલ પર મૂકી અને જતો રહ્યો. પ્યુન ગયો એટલે હેમલે પેન ડ્રાઇવ રિષભને આપતા કહ્યું “લો સર આ પેન ડ્રાઇવ.”

“તે અહીં મૂકી દે અને ચાલ હવે જો” એમ કહી રિષભ ઊભો થયો અને બોર્ડ પાસે જઇને પેન હાથમા લઇ બોલ્યો “જો દર્શનનુ ખૂન ફાર્મહાઉસમાં થાય છે.” એમ કહી તેણે ફાર્મહાઉસ અને ખૂન બોર્ડ પર લખી તેના પર રાઉન્ડ કર્યું. અને પછી તેણે તેની સામે તીર મારીને અશ્વિનનું નામ લખ્યુ અને તેના પર રાઉન્ડ કર્યુ અને બોલ્યો “આ અશ્વિન જે પણ દર્શનના દુશ્મન છે તેને નોકરી પર રાખી લે છે” આટલુ બોલી રિષભે બોર્ડ પર અશ્વીનની નીચે બે નામ લખ્યા. નિખિલ અને નવ્યા. અને પછી બોલ્યો “હવે સવાલ એ છે કે આ નિખિલ અને નવ્યાને અશ્વિને શું કામ નોકરી પર રાખી લીધા?” આટલુ બોલી તે હેમલ તરફ ફર્યો એટલે હેમલે કહ્યું “સાહેબ અહી હજુ એક વસ્તુ આપણે લખવી જોઇએ” એમ કહી હેમલે રિષભ પાસેથી પેન લઇ બોર્ડ પાસે ગયો અને બોર્ડ પર તેણે દર્શનની પાસે નીચે ત્રણ નામ લખ્યા શિવાની, કિરીટ અને કબીર. અને પછી બોલ્યો “સર, અત્યાર સુધી આપણી પાસે આટલા કેરેક્ટર છે આપણે આમાથી જ આગળ વધવાનું છે.” આ સાંભળી રિષભે કહ્યું “ના, હજુ તુ એક કેરેક્ટર ભૂલી જાય છે. શ્રેયા” આ સાંભળી હેમલે દર્શનની નીચે શ્રેયાનું નામ લખી દીધુ. રિષભ થોડીવાર બોર્ડ પર જોતો ઊભો રહ્યો અને પછી બોલ્યો “આપણી પાસે બે અનનોન વ્યક્તિ છે એક ટેલીફોન બુથમાંથી ફોન કરનાર અને બીજુ જેને તે મળવા જતો હતો.” આટલુ બોલી રિષભે બે અનનોન પર્સન પર વર્તુળ કર્યુ અને બોલ્યો “આ બંને કદાચ એકજ વ્યક્તિ હોય અને કદાચ આ જાણીતા વ્યક્તિમાંથી જ કોઇ હોઇ શકે.” આટલુ બોલી રિષભ થોડીવાર રોકાયો અને પછી બોલ્યો “એની વે, હજુ આટલા પરથી કાંઇ ક્લીયર થતુ નથી પણ જેમ જેમ માહિતી મળશે તેમ તેમ આખુ ચિત્ર સ્પષ્ટ થતુ જશે.” એમ કહી રિષભ ટેબલ પર પડેલી પેન ડ્રાઇવ અને મોબાઇલ લેતા બોલ્યો “ચાલ એક કામ કરીએ આ પેન ડ્રાઇવ જોઇએ પછી જ ફોરેન્સીક લેબ જઇશુ.” એમ કહી રિષભે તેનું લેપટૉપ મંગાવ્યુ અને પેન ડ્રાઇવમાં રહેલ અશ્વિનની ઓફિસના કોમ્પ્લેક્ષના ગેટ પાસે રહેલ સી.સી ટીવી કેમેરાનુ રેકોર્ડીંગ જોવા લાગ્યા. થોડીવાર રેકોર્ડીગ જોયા બાદ એક દ્રશ્ય આગળ રિષભે રેકોર્ડીંગ ઊભુ રાખી દીધુ અને ઇમેઝને ઝૂમ કરી. ઇમેઝ ઝૂમ થતા જ સ્ક્રીન પર જે દેખાયુ તેને જોઇને હેમલ બોલી ઊઠ્યો “ઓહ તે આપણાથી આ છુપાવતો હતો.”

આ સાંભળી રિષભે કહ્યું “હા, મને લાગતુ જ હતુ કે તે આપણાથી કંઇક છુપાવે છે. કાલે ફરીથી તેની મુલાકાત લેવી પડશે. પહેલા તુ એક કામ કર એક માણસ તેની પાછળ લગાવી દે. ક્યાંક નિખિલની જેમ તે પણ ગાયબ ન થઇ જાય.” આ સાંભળી હેમલ બહાર જવા લાગ્યો એટલે રિષભે કહ્યું “ચાલ દશેક મિનિટમાં તૈયાર રહેજે આપણે ફોરેન્સીક લેબ જવા માટે નીકળવુ છે.” આ સાંભળી હેમલે કહ્યું “ઓકે સર.” અને તે બહાર નિકળી ગયો.

તેના ગયા પછી રિષભે થોડીવાર ફરીથી પેલુ રેકોર્ડીગ જોયુ અને પછી લેપટોપ બંધ કરી દીધુ. રિષભ ઓફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે હેમલ એક માણસને સુચના આપી રહ્યો હતો. રિષભને જોઇને તેણે પેલા માણસને ઝડપથી બધુ સમજાવી દીધુ અને દોડીને રિષભની સાથે થઇ ગયો. બંને બહાર નીકળી જીપમાં બેઠા. દશેક મિનિટ પછી હેમલ અને રિષભ દિલ્લી ગેટ પાસે આવેલ રિઝનલ ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના હેડ ડૉ.બિનીત રાયની ઓફિસમાં બેઠા હતા. થોડી ઔપચારીક વાતો બાદ ડૉ.રાય સીધા જ મુદ્દા પર આવતા બોલ્યા “તમે આ તરફ આવો મારે તમને આ કેસ વિશે થોડી માહિતી આપવાની છે.” એમ કહી ડો. રાય ઓફીસ સાથે જોડેલી એક બીજી ઓફિસમાં રિષભ અને હેમલને લઇ ગયાં. ત્યાં એક સ્કૂલમાં હોય એવુ નોટીસ બોર્ડ હતુ જેના પર જુદા જુદા ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. તેમાથી એક ફોટોગ્રાફ્સ બતાવતા ડો.રાયે કહ્યું “આ ફોટોગ્રાફ્સમાં વિક્ટીમના હાથ દેખાય છે તે જુઓ. તેના પર આ લાલ ડાધ દેખાય છે. તેનો મતલબ છે કે વિક્ટીમના હાથ કોઇ દોરડાથી બાંધવામાં આવેલા હતા.” આ સાંભળી રિષભે કહ્યું “પણ અમને તો ત્યાં એવા કોઇ સબૂત નથી મળ્યા. ઉલટૂ વિક્ટીમ તો બાથટબમાં પડેલો હતો.”

આ સાંભળી ડૉ.રાય હસ્યા અને બોલ્યા “મે તમને એટલા માટે જ રુબરુ બોલાવ્યા છે. તમને બધી જ વાત હું સમજાવુ છું.” એમ કહી ડૉ. રાયે રિષભને બીજો એક ફોટો બતાવતા કહ્યું “આ ફોટો જુઓ વિક્ટીમના હાથમાં એક મોટો કાપો પાડવામાં આવ્યો છે. આટલા મોટા કાપામાંથી સવાર સુધીમાં તો ઘણું બધુ લોહી વહી જવુ જોઇએ. પણ એવુ થયુ નથી.” આટલુ બોલી તે રિષભનો પ્રતિભાવ જોવા રોકાયા પણ રિષભના ચહેરા પરના હાવભાવ જોઇને ડૉક્ટરને લાગ્યુ કે તેની વાત રિષભને બરાબર સમજાઇ નથી. એટલે તેણે કહ્યું “ઓકે ચાલો હું તમને એકદમ સરળ રીતે સમજાવુ છું.” એમ કહી ડોક્ટરે તે ફોટોગ્રાફ્સ નોટીસ બોર્ડ પરથી લીધા અને બધા ફરીથી આગળની ઓફિસમાં આવી બેઠા. ડૉ.રાયે સમજાવતા કહ્યું “જો એક સામાન્ય પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં સરેરાશ ચાર થી છ લીટર જેટલુ લોહી હોય છે. જો તેને શરીરમાં કોઇ ઇજા થાય, જેમકે વિક્ટીમની નસ કપાઇ છે. તો તેના શરીરમાંથી લોહી બહાર નીકળે છે. જો ઇજાને કારણે શરીરનુ અડધુ કે તેથી વધુ લોહી બહાર નીકળી જાય તો, તેને લીધે તે વ્યક્તિનુ મોત થઇ શકે છે. એટલે કે વ્યક્તિનું મોત થવા માટે તેનુ અડધાથી વધુ લોહી બહાર નીકળી જવુ જોઇએ. પણ આ કેસમાં વિક્ટીમનું 0.10 ટકા એટલે કે દશમા ભાગ કરતા પણ ઓછુ લોહી બહાર નીકળ્યું છે. આટલા ઓછા લોહી વહેવાથી ક્યારેય મૃત્યુ થઇ શકે નહીં. આવુ ત્યારે જ બની શકે જ્યારે વ્યક્તિ મૃત્યુ પામ્યો હોય પછી તેની નસ કાપવામાં આવી હોય.”

આ સાંભળી રિષભે કહ્યું “એટલે તમે એમ કહેવા માંગો છો કે દર્શનનુ મોત આ નસ કપાવાથી નથી થયું?”

આ સાંભળી ડો.રાયના ચહેરા પર સ્મિત આવી ગયું અને તે બોલ્યા “એક્ઝેટલી, હું તમને એજ કહેવા માગુ છું."

“તો પછી દર્શનનું મૃત્યુ કઇ રીતે થયુ છે?” રિષભે ઉતેજનાથી પુછ્યું.

“તેનું મૃત્યુ શ્વાસ રુંધાવાથી થયું છે.” ડો.રાયે કહ્યું.

“તમે સ્યોર છો કે મૃત્યુ શ્વાસ રુંધાવાથી જ થયુ છે?” રિષભે પુછ્યું.

“હા જ્યારે માણસ શ્વાસ રુંધાવાથી મૃત્યું પામે છે ત્યારે તેની આખો પહોળી અને લાલ થઇ થઇ જાય છે. સૌથી અગત્યનુ ચિહ્ન એ છે કે તેના લોહીમાં કાર્બન ડાયોક્સાઇડનુ પ્રમાણ ખૂબ વધુ હોય છે. આ સિવાય પણ બીજા ચિહ્ન હોય છે. જે બધાજ અમને વિક્ટીમની બોડીમાંથી મળેલા છે. એટલે હું સો ટકાની ખાતરી સાથે કહી શકુ એમ છુ કે વિક્ટીમનું મૃત્યું શ્વાસ રુંધાવાથી જ થયેલુ છે.”

આ સાંભળી રિષભે કહ્યું “શું તમે એ કહી શકશો કે શ્વાસ કઈ રીતે રુંધવામાં આવ્યો છે?” આ સાંભળી ડો.રાયે જે કહ્યું તે સાંભળી રિષભ અને હેમલ ચોકી ગયાં.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED