વેધ ભરમ - 5 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વેધ ભરમ - 5

રિષભ, કિરીટભાઇ આવે તે પહેલા ગૌરવ પાસેથી માહિતી કઢાવવા માંગતો હતો. ગૌરવની ઉંમર ત્રીસેક વર્ષની આસપાસ હતી એટલે તેનો અનુભવ જોતા રિષભને લાગ્યુ કે ગૌરવ પાસેથી માહિતી કઢાવવી સહેલી પડશે. ગૌરવે બધા માટે ચાનો ઓર્ડર આપ્યો કે તરતજ રિષભે સમય બગાડ્યા વિના સિધા જ મુદ્દાની વાત પર આવતા કહ્યું “ ગૌરવભાઇ તમારુ પુરુ નામ કહેશો?”

“ગૌરવ ગોસ્વામી.” ગૌરવે જવાબ આપતા કહ્યું.

“હા, તો ગૌરવભાઇ તમે અહીં કેટલા સમયથી નોકરી કરો છો? અને તમારી અહી ડ્યુટી શું છે?” રિષભે પુછ્યું.

“હું અહીં પાચેક વર્ષથી નોકરી કરુ છું. હું દર્શન સરની ફાઇનાન્સીયલ મેટર હેન્ડલ કરુ છું.” ગૌરવે થોડા કચવાતા અવાજે કહ્યું. ગૌરવ મનોમન પ્રાર્થના કરતો હતો કે કિરીટ સર વહેલા આવી જાય તો સારુ.

“એમ નહીં ડીટેલ્સમાં કહો કે તમે એક્ઝેટ અહીં શુ કામ કરો છો?” આ સાંભળી ગૌરવને ડર લાગ્યો. તે હવે ખરેખરનો ફસાયો હતો. બરાબર એજ સમયે એક માણસ ચા લઇને આવ્યો એટલે ગૌરવને થોડી રાહત થઇ અને તેને જવાબ માટે વિચારવાનો સમય મળી ગયો. ગૌરવ હવે વિચારતો હતો કે કેટલુ કહેવુ અને કેટલુ છુપાવવુ? પેલો માણસ ચા મૂકીને ગયો એટલે તરતજ રિષભે વાતનો દોર પકડ્યો અને કહ્યું “જો ગૌરવભાઇ અમે કંઇ ઇન્કમટેક્ષનો દરોડો પાડવાના નથી એટલે જે હોય તે સાચુ કહેજો કેમકે પોલીસને ખોટી અથવા અધુરી માહિતી આપવી એ પણ એક ગુનો છે. એટલે જે પણ કહો તે સાચુ હોવુ જોઇએ.” રિષભે ગૌરવને સાવચેત કરતા કહ્યું.

આ સાંભળી ગૌરવના ચહેરા પર ડર છવાઇ ગયો અને તે બોલ્યો “હું અહીં દર્શન સરના બધા એકાઉન્ટનુ મોનીટરીંગ કરુ છું. પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? તે મારે જોવાનુ હોય છે. આ ઉપરાંત દર્શન સરના નવા પ્રોજેક્ટનું બજેટ પણ મારે ચેક કરવાનું હોય છે. અને બધાજ પૈસાની લેવડ દેવડ મારી નજર નીચે થાય છે. કર્મચારીનો પગાર ઓફિસ અને કારખાનાનો ખર્ચ અને બીજા બધાજ ખર્ચ અને આવકનુ આયોજન હું કરુ છું.” ગૌરવે ડરને લીધે બધી જ માહિતી આપી દીધી.

“ઓકે, તો તમે દર્શન જરીવાલના ઓફિસીયલ અને અનઓફિસીયલ બધા જ પૈસાનો હિસાબ રાખો છો એમ જ ને?” રિષભે હળવેથી દાણો દબાવ્યો.

“ના સર, બધુ જ ઓફિસીયલ છે. અમે કંઇ અનઓફિસીયલ કરતા જ નથી.” ગૌરવે તરત જ બચાવ કરતા કહ્યું.

આ સાંભળી રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “ઓહ, કમઓન ગૌરવભાઇ તમે મને એમ કહેવા માંગો છો કે આટલા મોટા બિઝનેસ એમ્પાયર અને કરોડોના ટર્ન ઓવરમાં ક્યાંય કશું અનઓફિસીયલ નથી. શું તમે મને નાનો છોકરો સમજો છો?” આટલુ બોલી રિષભ થોડો રોકાયો અને પછી થોડી કડકાઇથી બોલ્યો “ ગૌરવભાઇ અમે જ્યાં સુધી વાતચીતથી માહિતી કઢાવીએ છીએ ત્યાં સુધી સારુ છે. જો અમે બીજી મેથડ ઉપર આવશુ તો પછી તકલીફ થશે. એટલે કોઇ પણ જાતની ચાલાકી વિના અમારા પ્રશ્નોના સાચા જવાબ આપજો.અને અમે માત્ર તમારી એકની જ પૂછપરછ કરવાના નથી. તમારા સ્ટાફના દરેક સભ્યની પૂછપરછ થવાની છે એટલે તમે જે છુપાવશો તે બીજો કહી દેશે. પછી તમારા માટે મોટી મુશ્કેલી ઊભી થશે. એટલે જે પણ જવાબ આપો તે બરાબર વિચારીને આપજો.” પછી રિષભે ગૌરવના હાવભાવ સામે જોઇને છેલ્લો ફટકો મારતા કહ્યું “અને તમે એક બાબતે નિશ્ચિંત રહેજો કે તમે જે પણ માહિતી આપશો તે બીજા કોઇને ખબર નહીં પડે. આમ પણ આખા સ્ટાફમાંથી કોણે કંઇ માહિતી આપી છે તે કોઇને ખબર પડશે નહીં.”

રિષભની વાત અને તેમા રહેલ ધમકી સાંભળી ગૌરવ સમજી ગયો કે હવે આ ઓફિસરને બધુ સાચુ કહી દેવામાં જ ભલાઇ છે એટલે ગૌરવે કહ્યું “હા, અનઓફિસીયલ વહેવાર પણ હું સંભાળું છું પણ તેનો વહીવટ મારા હસ્તક નથી. મારે તો ખાલી તેનો હિસાબ જ રાખવાનો હોય છે. તે બધા નિર્ણય અને વહીવટ કિરીટસર કરે છે.” ગૌરવે ચોખવટ કરતા કહ્યું.

“ઓકે, તો તમે મને એ કહો કે આવા કોઇ વહીવટમાં ક્યારેય કોઇ પ્રોબ્લેમ થયો હોય અને તેને લીધે કોઇ સાથે ઝગડો અથવા પ્રોબ્લેમ ઊભો થયો હોય તેવી ઘટના ક્યારેય બની છે?” રિષભે કહ્યું.

“હમણા તો કંઇ નથી બન્યુ પણ એકાદ વર્ષ પહેલા થયેલો. દર્શનસરનો એક ખાસ માણસ નિખિલ જેઠવા અહી કામ કરતો હતો. જે દર્શનસરના બધા જ બે નંબરી કામ સંભાળતો હતો. તેણે થોડા રુપીયાની ઉચાપત કરી હતી એટલે તેને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવ્યો હતો.” ગૌરવે કહ્યું.

આ સાંભળી રિષભની આંખમાં ચમક આવી અને તેણે પુછ્યું “આ નિખિલ જેઠવા ત્યારબાદ અહીંથી નિકળીને શુ કરે છે?”

“તે દર્શનસરના કટ્ટર હરીફ અશ્વિન સાથે જોડાઇ ગયો.” ગૌરવે કહ્યું.

આ સાંભળી રિષભ આગળ પુછવાં જતો હતો ત્યાં કેબીનમાં એક માણસ દાખલ થયો તેને જોઇને ગૌરવ ખુરશી પરથી ઊભો થઇ ગયો અને બોલ્યો “આવો કિરીટ સર અમે તમારી જ રાહ જોતા હતા.” અને પછી ગૌરવ સામે જોઇને આગળ બોલ્યો “આ કિરીટ સર છે અહીનુ બધુ તે જ સંભાળે છે.” આ સાંભળી રિષભે ઊભા થઇ કિરીટ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું “મારુ નામ રિષભ ત્રિવેદી છે. હું સુરત શહેરમાં એસ.પી છું અને દર્શનના મોતની તપાસ માટે અહીં આવ્યો છું.” આ સાંભળી કિરીટે કહ્યું “ હુ અત્યારે દર્શનસરના ઘરેથી જ આવુ છું. ચાલો મારી ઓફિસમાં બેસીને વાતો કરીએ.” આ સાંભળી રિષભે કહ્યું. “તમે તમારી ઓફિસમાં બેસો અમે અમે ગૌરવભાઇ સાથે થોડી વાત કરીને પછી આવીએ છીએ.” આ સાંભળી કિરીટના ચહેરાના થોડા હાવભાવ બદલાઇ ગયાં. તેણે ગૌરવ સામે જોયુ અને પછી કંઇ કહેવા જતો હતો ત્યાં રિષભે કહ્યું “કિરીટભાઇ અમારે તમારા બધા જ સ્ટાફ મેમ્બરની પૂછપરછ કરવાની છે એટલે તમે તેના માટેની વ્યવસ્થા કરાવો. વસાવાસાહેબ તમારી સાથે આવે છે. ત્યા સુધીમાં હું ગૌરવભાઇ સાથે વાત કરી લઉ છું” રિષભે વસાવાને ઇશારો કર્યો એટલે વસાવા ઊભા થયા અને કિરીટ સાથે ઓફિસની બહાર નીકળી ગયાં. તેના ગયા પછી રિષભે ફરીથી વાતની શરુઆત કરતા કહ્યું “હા ગૌરવભાઇ તો પછી તે નિખિલ ત્યારબાદ કયારેય અહીં આવ્યો છે?”

“ના મે તો ક્યારેય તેને પછી જોયો નથી.” ગૌરવે કહ્યું.

“ઓકે તો હવે તમે કહો કે શું એવુ કોઇ કારણ હતુ કે જેને લીધે દર્શન આત્મહત્યા કરી શકે?”

“ના, દર્શનસર જેવો હિંમતવાળો માણસ ક્યારેય આત્મહત્યા ન કરી શકે. બિઝનેસમાં તો ઘણા ઉતાર ચઢાવ આવ્યા પણ દર્શનસરે ક્યારેય હિંમત હારી નથી. અને હવે તો બિઝનેસ ખૂબ સારો ચાલતો હતો. એટલે મને તો નથી લાગતુ કે દર્શનસર આત્મહત્યા કરી શકે.” ગૌરવે કહ્યું.

“દર્શનનો કોઇ એવો દુશ્મન હતો કે જે દર્શનની હત્યા કરી શકે?” રિષભે છેલ્લો સવાલ પૂછી લીધો.

“દર્શનસરના બિઝનેસને લીધે અશ્વિનભાઇ સાથે દુશ્મની હતી. બાકી તો કોઇની મને ખબર નથી.” ગૌરવે કહ્યું.

“ઓકે ગૌરવભાઇ હવે છેલ્લો સવાલ પરમ દિવસે રાત્રે તમે રાત્રે તમે ક્યાં હતા?”

આ સાંભળી ગૌરવા થોડુ વિચારવા રોકાયો અને પછી બોલ્યો “પરમ દિવસે રાત્રે તો દર્શન સરે મને એક પ્રોજેક્ટનુ એસ્ટીમેટ કાઢવાનુ કામ સોપ્યુ હતુ એટલે હું લગભગ દશેક વાગ્યા સુધી ઓફિસમાં જ હતો અને ત્યારબાદ મારા ઘરે ગયો હતો. અને પછી હું ઘરે જ હતો આખી રાત.”

આ સાંભળી રિષભ ઊભો થયો એટલે હેમલ પણ તેની સાથે ઊભો થયો. રિષભે ગૌરવ સાથે હાથ મિલાવ્યા અને કહ્યું “ઓકે ગૌરવભાઇ આ સિવાય પણ તમને કોઇ માહિતી મળે તો મારા મોબાઇલ નંબર જોષી સાહેબ તમને લખાવશે તેના પર કોન્ટેક્ટ કરજો. અને એક વાત યાદ રાખજો કે તમે જેટલી મદદ કરશો એટલી ઝડપથી અમે દર્શનના ખૂની સુધી પહોંચી શકીશું.” અને પછી રિષભ ગૌરવની ઓફિસમાંથી બહાર નીકળ્યો. રિષભ ગૌરવની બાજુમાં આવેલી કિરીટભાઇની ઓફીસમાં દાખલ થયો એટલે કિરીટભાઇએ ઊભા થઇ રિષભ સાથે હાથ મિલાવ્યા. કિરીટભાઇની ઉંમર આશરે પચાસની આસપાસ હસે પણ તેનુ બોડી એકદમ ફીટ હતુ. તેના દેખાવ અને હાવભાવ પરથી જ તેની આવડતનો ખ્યાલ આવી જતો હતો. આવડા મોટા બીઝનેસ હબનો સેક્ન્ડ બોસ કંઇ સાવ મામુલીતો ના જ હોય ને. રિષભ બેઠો એટલે કિરીટભાઇએ પૂછ્યું “બોલો સાહેબ, શું લેશો? ચા , કોફી કે પછી કંઇ ઠંડુ પીવુ છે?”

“ના, બસ હમણા જ ગૌરવભાઇની ઓફિસમાં ચા પીધી છે એટલે તેની કોઇ જરુર નથી. તમે પેલી વ્યવસ્થા કરી આપો જેથી અમારે તમારા સ્ટાફને છેક ઉમરા પોલીસ સ્ટેશન સુધી બોલાવવા પડે.

“હા, હુ અમારી એક ખાલી ઓફિસ જ તમને આપી દઉ છું. મે ત્યાં વ્યવસ્થા કરવા માટે કહી દીધુ છે.” એમ કહી કિરીટભાઇએ તેના ટેબલ પર રહેલ ફોનનુ રિસીવર ઉઠાવી એક નંબર ડાયલ કર્યો અને કહ્યું “રમેશ, પેલી ઓફિસની વ્યવસ્થા ઝડપથી કર.”

કિરીટભાઇએ ફોન પૂરો કર્યો એટલે રિષભે કહ્યું “ઓકે ચાલો તેની વ્યવસ્થા થાય ત્યાં સુધીમાં હું તમારી સાથે થોડી વાત કરી લઉ.” આટલુ બોલી તે કિરીટભાઇના હાવભાવ જોવા રોકાયો. પણ કિરીટભાઇ જમાનાનો ખાધેલ માણસ હતો. તેના ચહેરા પરની એક પણ રેખા બદલાઇ નહીં એ જોઇ રિષભે સીધુ જ પુછ્યું “તમે એક્ઝેટ અહીં શુ કામ કરો છો તે જણાવશો.” આ સાંભળી કિરીટભાઇના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યા “ મારુ કંઇ કામ નથી પણ બધા કામ ચાલે તે જોવાનું જ મારુ કામ છે.”

આ જવાબ સાંભળી રિષભને સમજાઇ ગયુ કે આ કિરીટભાઇ એમ સીધી રીતે જવાબ નહી આપે એટલે તેણે પુછ્યું “તમે એમ કહેવા માગો છો કે દર્શનભાઇના બધા જ કામ તમે સંભાળતા હતા?” આ પ્રશ્ન પાછળ રહેલ ગર્ભીત ચેતવણી ના સમજે એટલો ભોળો કિરીટભાઇ નહોતો. તેણે સ્મિત સાથે કહ્યું “ના પણ દર્શનભાઇ જે નક્કી કરે તે કામ વ્યવસ્થિત થાય તે જોવાની જવાબદારી મારી છે.”

“શુ તમને એવુ લાગે છે કે દર્શનભાઇ આત્મહત્યા કરી શકે?” આ પ્રશ્ન સાંભળી કિરીટભાઇ પણ ચોંકી ગયા અને અત્યાર સુધી પહેરેલુ સ્મિત એક જ ક્ષણમાં ગાયબ થઇ ગયુ અને તે બોલ્યા “શુ તમે એમ સાબિત કરવા માગો છો કે દર્શનભાઇએ આત્મહત્યા કરી છે?” આ સાંભળી હવે રિષભના ચહેરા પર સ્મિત આવી ગયુ અને તે બોલ્યો “અમે કંઇ સાબીત કરવા નથી માંગતા. અમે તો સત્ય છે તે જ શોધવા માટે મહેનત કરીએ છીએ. તેમાં આ પણ એક શક્યતા અમારા ધ્યાનમાં આવી છે એટલે જ તમને પુછ્યુ કે તમને લાગે છે કે દર્શન આત્મહત્યા કરી શકે?” પછી થોડુ રોકાઇને બોલ્યો “આ પ્રશ્નને બીજી રીતે પૂછું તો દર્શનને આત્મહત્યા કરવી પડે એવી કોઇ વાત કે પ્રોબ્લેમ હતો?”

આ સાંભળીને કિરીટભાઇનો પીતો ગયો અને તે બોલ્યા “સાહેબ મને તો એ જ નથી સમજાતુ કે તમે આ મુદ્દા વિશે કેમ વિચારો છો? તમે એમ કેમ નથી વિચારતા કે કોઇએ તેનું ખૂન કર્યુ હોઇ શકે?”

આ સાંભળીને રિષભ બોલ્યો “કેમ કે હજુ સુધી અમને એવુ કોઇ કારણ નથી મળ્યુ કે દર્શનનું કોઇ ખૂન કરે. ખૂન કરવા માટે મોટીવ જોઇએ અને તમે કે તમારા સ્ટાફે કોઇને આવો મોટીવ હોય તેવુ કહ્યું નથી.” આ સાંભળી કિરીટભાઇના ચહેરા પર અસમંજસના ભાવ જોઇને રિષભે સ્પષ્ટતા કરતા કહ્યું “જો તમને સરળ ભાષામાં કહું તો ખૂન થવા માટે બે બાબત મહત્વની છે એક તો તેના ખૂનથી કોઇને ફાયદો થતો હોવો જોઇએ અથવા કોઇને દર્શન સાથે બહુ મોટી દુશ્મની હોવી જોઇએ. આ બંને બાબતમાં હજુ અમે કંઇ જાણતા નથી અને તમે જણાવતા નથી. એટલે એ બાબત સામે ન આવે ત્યાં સુધી અમારે આ આત્મહત્યાની થીયરી પર જ આગળ વધવુ પડે.” આ સાંભળીને કિરીટભાઇ એકદમ ડઘાઇ ગયાં અને બોલ્યાં “સાહેબ, એ કારણ અને માણસ તમારે શોધવાના છે પણ, હું તમને એવુ છાતી ઠોકીને કહી દઉં કે દર્શનભાઇ આત્મહત્યા ક્યારેય કરી શકે નહીં. એતો મર્દ માણસ હતો. આખી દુનિયા સામે હોય તો પણ લડે.” આટલુ બોલી કિરીટભાઇ ચૂપ થઇ ગયાં એટલે રિષભે કહ્યું “તમારી વાત હું માની લઉ પણ કાનુન નહીં માને તેના માટે સબૂત જોઇએ. આ સબૂત શોધવા માટે તમારે અમને મદદ કરવી પડે.” રિષભે એકદમ ધીમેથી કહ્યું. આટલુ બોલી રિષભ થોડુ રોકાયો અને પછી આગળ બોલ્યો “તમે એક વાત સમજી લો. તમારા દર્શનસરના ખૂનીને શોધવા માટે તમારે મારા પ્રશ્નના એકદમ સાચા જવાબ આપવા પડશે. આ જવાબ આપી તમે દર્શનની જ મદદ કરી રહ્યા છો અને તમે મને જે પણ માહિતી આપશો તે ક્યારેય બીજા કોઇને ખબર નહીં પડે, તેની હું તમને ખાતરી આપુ છું.” આ સાંભળી કિરીટભાઇએ કહ્યું “ઓકે, હું તમને બધી જ મદદ કરવા તૈયાર છું પણ જેણે પણ દર્શનભાઇનું ખૂન કર્યુ છે તે છટકવો ન જોઇએ.” આ સાંભળી રિષભે કહ્યું “તમે મારા વિષે તપાસ કરી લે જો. અત્યાર સુધીમાં મે કોઇ ગુનેગારને છટકવા દીધો નથી.” આટલુ બોલી રિષભે પ્રશ્ન પુછવાની શરુઆત કરી.

-----------***************------------------****************-----------------------------

મિત્રો આ મારી ત્રિજી સસ્પેન્સ થ્રિલર નોવેલ છે. આ પહેલાની મારી બે નોવેલ “21મી સદીનું વેર” અને “વિષાદ યોગ” પણ સસ્પેન્સ થ્રિલર નોવેલ હતી. જો તમે આ નોવેલ હજુ સુધી ના વાંચી હોય તો તે તમે માતૃભારતી પરથી વાંચી શકો છો.

મિત્રો આ નોવેલ તમને કેવી લાગી છે તેનો પ્રતિભાવ મને મારા નીચે આપેલા વોટ્સએપ નંબર જરુરથી મોકલી આપશો. તમારા પ્રતિભાવ અને સલાહ સૂચન મારી નોવેલને વધુ સારી બનાવવા માટેની પ્રેરણા પુરી પાડે છે. જો તમને આ નોવેલ ગમી હોય તો તમારા સ્નેહી મિત્રોને તે વાંચવા માટે ભલામણ કરજો.

--------------------*****************------------***************---------------------

HIREN K BHATT

MOBILE NO:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

.