DEVALI - 17 books and stories free download online pdf in Gujarati

દેવલી - 17

....સૂરજ પોતાની લાલીમાના છેલ્લા શેરડા નીલા અંબર પર વેરી રહ્યો હતો,મંદિરોમાં ઘંટારવનો નાદ અસ્ત થઈ રહ્યો હતો ને પંખીઓનો કલરવ માળામાં પુરાઈને શાંત થઈ ગયો હતો.ડોક્ટર પારુલ સોનીના બંગલા આગળ ત્રણ કાર આવીને ઉભી રહી.ડૉકટર મારું,ડિરેકટર પરમાર અને સોહન-કામિની આમ ત્રણ અલગ-અલગ કારમાંથી ઉતરીને ડૉકટર સોનીના બંગલાના પગથિયા ચડવા લાગ્યા.
છૂટા મૂકેલા બ્રાઉન વાળ સાંજની મીઠી વાયરીમાં ફર ફર લ્હેરી રહ્યા હતા,સ્ટ્રીટ લાઈટના આછા પ્રકાશમાં ચહેરા પર ઝળહળ ઝળહળ થતું તેજ,આગંતુકો આવકારવા હોઠ પર રેલાતું ખુશહાલ સ્મિત,ફેશનમાં ભરપૂર માનતા હોવાનું ડોક્ટરની ચાડી ખાતો નાઈટ મેકઅપ; સફેદ સુતરાઉ ગાઉનમાં શોભી રહેલા ડોક્ટર પારુલ સોનીએ 'વેલકમ ઓલ ફ્રેન્ડસ્' કહીને મીઠો આવકાર આપ્યો.
રોશનીથી ઝગમગ થતો બંગલો ડોક્ટર પારુલ સોનીના ધનાઢ્યપણાને ઉજાગર કરતો હતો.પાંચ કોફી અને નાસ્તો મહેમાન રૂમમાં પહોંચાડવાનું નોકરાણી સરિતાને કહીને તેઓ બધા સાથે બેઠકમાં ગયા.
હંસા અને પરમાર સરને તો હાઉસ શોધવામાં તકલીફ નહીં પડી હોય ! પણ, કામિની-સોહન પહેલીવાર આવ્યા હોવાથી કદાચ તકલીફ પડી હોય તો માફ કરશો.!
અરે ના..ના ના પારૂલબેન.સોહને સોસાયટીના નાકેજ ઉભા રહેવા હંસાબેનને વેળાસર ફોન કરીને કહી દીધું હતું.આથી તેમની સાથે સાથેજ આવ્યા.અને રસ્તામાં પરમાર સર પણ મળી ગયા.
બધાનું મીઠું આછેરું હાસ્ય ચહેરા પરથી હવામાં તાજગી આપતુ પ્રસરી રહ્યું.આડીઅવળી થોડી વાતો ને ખબર અંતર પૂછ્યા એટલામાં સરિતા કોફી અને નાસ્તો ટેબલ પર રાખી ગઈ.
ઓકે તો હવે,કોફી અને હળવો નાસ્તો કરતા કરતા સમયને ખોયા વગર આપણે આગળની યોજનાના મૂળ સુધી પહોંચવાની ચર્ચા કરવી જોઈએ.(ફોન પર ડોક્ટર મારુએ જે વાત કરી હતી તેની ચર્ચા શરૂ કરવા માટે પહેલ કરતા પરમાર સરે પોતાની વાત રાખી.)
હા,સર કામિની અને સોહન પણ આપણી જેમજ રોમિલના મોત પર શંકા ઉપજતાં તેના મૂળ સુધી જવા તૈયાર છે અને પુરતો સાથ-સહકાર પણ આપવાના છે.
હા,હંસાબેન ઘરે પણ મેં અને સોહને બધાને આ વાતની જાણ કરી દીધી છે અને તેઓએ પણ સહમતિ આપી છે.
કામિની સોહન મારા અને હંસના ધ્યાનમાં એક અઘોરી છે.જે તાંત્રિક વિદ્યા ના બળે આપણને સત્યના માર્ગ સુધી સો ટકા પહોંચાડી શકે તેમ છે.
તો પારુલ બેન તમે તેને આપણી વાતનો કંઈપણ અણસાર આપ્યો છે.
હા, સોહન મેં તમે આવ્યા તે પહેલાંજ તે બાબા સાથે વાત કરીને રૂબરુ મળવા માટે સમય માંગી લીધો છે અને તેઓએ રવિવારની સાંજે 7:00 વાગે શહેરથી દૂર આવેલા તેમના આશ્રમે બોલાવ્યા છે.
ઓકે, પારુલબેન હું ને કામિની અહીંયા આવીશું ને આપણે સાથેજ જઈશું.
હા તમે અહીંજ આવજો આજની જેમ રવિવારે.પણ સૌ થોડા વહેલા ભેગા થઈને સાથે જઈશું.
હા હંસાબેન પણ તમે રોમિલના રિપોર્ટની થોડી તો કંઈક વાત કરો.
કામિની મેં અને પારુલે જ્યારે રિપોર્ટ માટે સેમ્પલ લીધા ત્યારે બહુજ દર્દનાક રીતે શ્વાસ રૂંધીને મોત અાપ્યું હોય તેવો અંદાજ લગાવ્યો હતો.
ને હા, કામિની હું જ્યારે લેબમાં હતી ત્યારે હંસાનું ધ્યાન દોર્યું હતું કે રોમિલનો જીવ જતો રહ્યાના કલાક બાદ પણ તેની નસોમાંથી પાણી વહેતું હતું.જાણે લોહીનું બાષ્પીભવન થઇ ગયા બાદ તેમાંથી શેષ વધતું પાણી જોઈ લો ! મૃત્યુના કલાક બાદ પણ પરસેવો વળતી બોડીનું કદાચ દુનિયામાં પહેલીવાર પોસ્ટમોર્ટમ થયુ હશે.!
હા પરુલબેન મેં પણ તેનું બોડી જોયું ત્યારે સાવ સૂકાયેલું વર્ષો જૂનું હાડપિંજર લાગતું હતું.ને મારા મનમાં કામિનીની પહેલાંજ રોમિલના અવસનમાં કંઈક કરતૂત થયાની શંકા ઉપજી હતી.
સોહન સામે જોઈને કામિનીની આંખો રડવા લાગી.અત્યાર સુધી મૌન બની સાંભળી રહેલા પરમાર સરનું કામિની પર ધ્યાન જતાંજ તેમના પણ લાગણી ઊભરાણી અને કામિનીનું ધ્યાન ભટકાવા તેઓએ કહ્યું; "ઓકે તો હવે આપણે બધા રવિવારે મળીશું અને હું પણ અહીં સમયસર આવી જઈશ.મારે એક કોન્ફરન્સમાં દસ વાગ્યા સુધીમાં જવાનું હોવાથી આપણે હવે છુટા પડીએ.તમારે ચર્ચા કરવી હોય તો કરી શકો છો હું રજા લઉં.
અમારે પણ હવે નીકળવુંજ છે.ઘરે બધા રાહ જોતા હશે.
અને કામિનીની સાથે સાથે સોહન અને હંસાબેન ડૉકટરે પણ હા કહીને પરમાર સરની વાતમાં ટેકો આપ્યો.સૌ છુટા પડ્યા.
પારુલ સોની બધાને વિદાય આપીને બેઠક રૂમમાં આવીને રવિવારના આયોજન વિશે વિચારવા લાગ્યા.

* * * * *

અલખ નિરંજન....અલખ નિરંજન...
દરવાજે અવાજ આવતાજ પુરુષોતમે બહાર આવીને આંગણે આવેલા ભિક્ષુકને નમન કરી આવકાર આપતા કહ્યું...
પધારો સાધુ મહારાજ...શી સેવા કરી શકું આપના સત્કારમાં ?
ઓહ.... પુરુષોત્તમનું લલાટ વાંચીને જાણે અચાનક કંઈક ફટકો પડ્યો હોય તેમ સાધુ મહરાજ બોલ્યા...ઓહ...મારે કંઈ સેવા નથી જોઈતી.મારી ભૂલ થઈ ગઈ જો તારા આંગણે ભૂલો પડ્યો.હું નિઃસંતાનના ઘરેથી કંઈપણ સેવા નથી લેતો.
નિઃસંતાન...? એય હું...?.બાપજી મારે તો હર્યોભર્યો પરિવાર ને વસ્તાર છે.
છે નહીં હતો....હતો એમ કેહ...!
ના બાપજી તમારી કંઈક ભૂલ થાય છે હો.હું ત્રણ સંતાનોનો પિતા છું. એમાં બે હાલ હયાત છે.
ત્રણ સંતાન... હે માનવ... ભૂલ મારી નહીં તારી થાય છે.આ સિદ્ધ યોગી અથર્વનાથની દ્રષ્ટિ ક્યારેય અસત્યનો પડછાયો પણ નથી લેતી તો પછી, અસત્ય ભાંખી તો કઈ રીતે શકે ?(!)
બાપજી તમે તો અંતરયામી છો.આ ભવથી માંડીને પરભવના લેખા-જોખા કહી શકો.તમારી દ્રષ્ટિ,વાણી કે વિચાર ક્યારેય અસત્ય ન હોય; પણ, મારા ત્રણેય સંતાનમાંથી એક સંતાનનું અવસાન થયેલ છે તો,એક સંતાન જવાથી હું નિઃસંતાન કંઈ રીતે થઈ જાઉં ?આ પર આપજ વિગતે મને તેનાથી દ્રષ્ટિમાન કરો.
અવસ્ય.આ બાબતે હું તારી આંખો પર પડેલો પડદો જરૂર હટાવીશ...
હા બાપજી,આપ જે કહો તે શિરોમાન્ય...
તારે સંતાનમાં ફક્ત એક દીકરીજ હતી.અને તેય નવ વર્ષ પહેલાં મૃત્યુ પામેલ છે.સાધુ કોઈ દિવસ પર-ભવના લેખ ના ભાખી શકે.પરંતુ એક અઘોરી કે નાગાબાવા માટે તે રમતની વાત છે.ને હું કંઈ સાધુ નથી.આતો ગુરુના શ્રપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાધારી સાધુનો ભેખ લેવો પડયો છે.નહીંતર જેના માટે ચાર દિશાઓજ વસ્ત્ર હોય તેવા દિગંબર ધારીને આવા ભેખની શી જરૂર પડે ? અને એટલેજ તેને જોતાજ તારા લલાટ પરની નિઃસંતાનની રેખાઓ મારી દૃષ્ટિ સામે તરવરવા લાગી.સત્યથી તું સાવ અજાણ છે.તારી પીઠ પાછળ વર્ષોથી રમત રમાય છે.તારા ભોળપણનો તારા પોતાનાજ લોકો ભરપૂર લાભ લ્યેશ.બસ હું તો તને ફક્ત સત્યની એકાદ કડી આપી શકું.તેના મૂળ સુધી પહોંચવા તો તારે જાતેજ પરિશ્રમ કરવો પડશે.હે માનવ મેં તારી આંખો પર પડેલો છળ,કપટ ને અસત્યનો પડદો હટાવી દીધો છે.હવે આગળનો મારંગ તારે ક્યાં,કેમ ને કંઈ રીતે કંડારવો તે તારા પર નિર્ભર રાખે છે.પરંતુ તું એકવાર બાપ બનેલો હોવાથી નિઃસંતાન તો નાજ કહેવાય એટલે તારી મઢુલીનો ચપટીક દાણો મને પોષ્ય છે.તું ફક્ત એક વાટકી કોઈપણ અન્નના દાણા લાવ અને જ્યારે તું સત્ય સુધી પહોંચી જાય ત્યારે શું કરવું તેનો એક રસ્તો આપતો જાઉં છું.સૌ પ્રથમ તું દાણા લઈ આવ...


પુરુષોત્તમ દોડતોક જઈને દાણા લઈ આવ્યો.બાપજીએ તેમાંથી નવ દાણા અલગ કાઢીને પરત આપતા કહ્યું; 'હે માનવ આ તારા માટે કોઈ સાધારણ દાણા નથી.પરંતુ નિઃસંતાનપણુ દૂર કરવાની જડીબુટ્ટી છે.આજથી આના પર તારા સિવાય કોઈની નજર ન પડે એ રીતે મૂકી દેજે.અને આજથી નવ વર્ષ બાદ હું પરત આવીશ ત્યારે તારું નિઃસંતાનપણું અવશ્ય દૂર કરીશ.પણ હા, ત્યાં લગીમાં તારે સત્ય શોધવું જરૂરી છે.એ સત્ય કે, જે તારી આંખ આગળ અત્યાર લગી રોજ રમતું આવ્યું છે છતાં તારા પોતીકાઓએ તેણી ભનક પણ તને નથી આવવા દીધી.તું બાપ હોવાથી તારી આંખો સામેથી તમામ ભ્રમ ને છળ-કપટ દૂર થયેલા હોવા જોઈએ.તોજ તું એજ સંતાનનો ફરીથી પિતા બની શકે.
અવશ્ય.... બાપજી અવશ્ય...
તથાસ્તુ.... અલખ નિરંજન... અલખ નિરંજન....કરતા અથર્વનાથે આગળનો મારગ ટૂંકો કરવા ડગ ભર્યા....તેની આંખોમાંથી અશ્રુ લાવા બની ઉમટવા લાગ્યા.પોતે હાલ મજબૂર હોવાથી પુરુષોત્તમને સાવ સત્ય સુધી પહોંચાડવા મજબૂર હતો.મૌસમી અને સંગીતા એની આંખોમાં લાવા બની ઉમટવા લાગી.સિદ્ધ અઘોરી બાવામાંથી એક સામાન્ય સાધુના ભેખમાં પરત પહોંચાડનાર તેના માટે કોઈ કારણ હોય તો એક... નહીં. બે.. હતા.એક હતી મૌસમી અને બીજી હતી સંગીતા....
અર્થવનાથના જીવનમાં સોળે કળાએ ખીલેલા ચંદ્રને પળવારમાં કરમાવી દીધો હતો.સાધનામાં પારંગત થઈને તેનો તપતો સૂરજ ઘડીભરમાં અસ્ત કરનાર કોઈ હોય તો,તે હતી સંગીતા અને મૌસમી...
હરિ.... હરિ... મનમાં ઉદ્ભવેલા અતીતને ફક્ત હરિ....હરિ....બે વાર બોલીને ખંખેરી નાંખ્યો.અને સીમ આવતાજ અથર્વનાથ અદૃશ્ય થઈ ગયો.

* * * * *

પુરુષોત્તમના મનમાં શંકાના વાદળો ગોરંભાવા લાગ્યા.આંખેથી નવ વર્ષ બાદ ફરી હેલી ઉમટી.પોતીકાઓજ હશે દેવલીના મોત માટે જવાબદાર; બાકી પરિચયથી પણ અજાણ એવા પારકા ક્યાંથી વેરી બને ? પણ, કોણ હશે ? નરોતમને એક પળ માની લઉં તો, હવે તેજ નથી રહ્યો તો સત્ય સુધી પહોંચવાનો માર્ગ કેવો ? સત્ય સુધી ત્યારેજ પહોંચાય કે જ્યારે તે કડીને જોડતો કૈંક અણસાર હોય.! અને કંઈક રહસ્ય હજુએ એમજ ઉભું હશે તોજ સાધુ મહારાજ સત્ય શોધવાનો સંકેત આપે.ત્રિકાળજ્ઞાની કંઈપણ વાતથી અજ્ઞાત નથી હોતા.એકલો નરોત્તમજ મોત માટે જવાબદાર હોય તો, સત્ય સુધી હું પહોંચી ગયો હોવાની જાણ તે સાધુ મહારાજને પણ આપોઆપ થઈજ જાય ને !
અને....અને નરોત્તમ દેવલીના ખૂન માટે જવાબદાર હોવાનું જાણતો હોવા છતાં,સાધુ મહારાજ આગળ ના તે વાત રાખવાનો વિચાર આવ્યો કે, ના તો બીજી કોઈ વિધિનો ખ્યાલ મનમાં આવ્યો ! નક્કી કુદરત પણ મારી પડખેજ છે.એટલેજ અધકચરું સર્વ જાણતો હોવા છતાં મારા હોઠ તે વેળાએ સિવાઈ ગયા.પણ, હવે...હવે તો નક્કી થઈ ગઈ કે નરોતમ એકલો આ માટે જવાબદાર નથી.અરે કદાચ તે સાવ પણ જવાબદાર ના હોય એવુંએ હોય ! કદાચ તે વિધિ દેવલીના મોતનો અણસાર તેને આવી જતાં દેવલીને બચાવવાના પ્રયત્નો રૂપે પહેલેથી મારી હા ના મળવાની બીકે પહેલા ના માંગી શક્યો હોય એટલે મરણ પછી તરત તેને મારી રજા માંગીને વિધિ કરવા બેઠયો હોય ! અને બની શકે કે દેવલીને મારવા લોકોએ નરોત્તમને પણ ખતમ કરી નાખ્યો હોય ! ........(પુરુષોત્તમ આવનારી સુખદ પળને છોડવા ના માગતો હોય તેમ બધા વિચારો ફૂંકી ફૂંકીને જોખી રહ્યો હતો.અને હવે તો તે દૂધનો દાઝેલો હતો એટલે છાસ પણ ફૂંકી ફૂંકીનેજ પિએ ને !)
...તો શું હું મારા નાનેરા વ્હાલસોયા ભાઈને હત્યારો માનીને વેરના વાદળનો ભાર નવ નવ વરહ લગી વેઠતો રહ્યો ? દીકરાથીએ અધિક વહાલ કરેલો મારો ભાઈ એટલો બધો તો ક્રૂર નાજ હોય ? આજ ઠાકરે મારી આંખો આગળ પડેલા શંકાના થોડા પડળો હટાવીને મારા જીવતરમાં સોનેરી સત્યનો પ્રકાશ પાથર્યો છે.
પણ,...શા માટે કોઈએ દેવલી સાથે આમ આટલો ક્રૂર વ્યવહાર કર્યો હશે ? મારે દીકરીને પરત લાવવા સત્ય શોધીનેજ રહેવું પડશે ? લાવ હું દેવલીની માંને આ સાધુમહારાજવાળી સઘળી હકીકત કહું....ના..હાલ, તો તેને પણ નથી કહેવું.નાહકની તેને ચિંતામાં નાખવી.અને માંડ માંડ દીકરીના અવસાનનો ઘાવ તેના હૈયેથી હોલવાયો છે ને વળી પાછું બધું તાજુ કરવું.વળી પાછું નરોત્તમ સિવાય કોઈ બીજુંજ દેવલીના મોત માટે જવાબદાર છે તેવું જાણશે તો ફરીથી જ્યાં સુધી સત્ય આંખ સામે નહીં આવે ત્યાં લાગી દુઃખી રહેશે.હુંતો મરદનું મન; કાળજે પથ્થર મૂકીને થોડો સમય હસતા મુખે કાઢી લઈશ પણ, તેતો અબળાનું હૈયું...! અને એમાંય પાછું મમતાનો દરિયો....એ નહીં જીરવી શકે કે નહી સહી શકે એટલે તેનાથી છાનાછૂપૂજ મારે સત્ય સુધી પહોંચવું પડશે....અને...
લો,હવે જમી લો કે નહીં (?) ! પરોપકારનું પુણ્ય થઈ ગયું હોય ને તમારા સાધુ મહારાજ ગયા હોય તો હાલો જમવા હાલો..
હા, લે આવ્યો... દાણા લેવા ગયો ત્યારે "સાધુ મહારાજ ચપટી દાણા માંગે છે દેતો આવું" એમ કહીને પરષોત્તમ આવ્યો હોવાથી કંકાવતીએ મીઠો ટોન મારીને સાદ કર્યો... અને...કંકાવતીનો અવાજ કાને અથડાતાજ તેના હોઠ મલકાઈ ઉઠયા.સ્વગતજ ઉપરવાળાને હાથ જોડતા વંદી રહ્યો.
.....ધન્ય છે હો ઠાકર તને..ધન્ય છે...હું હમણાં કંકાવતીને બધું કહી દેત અને હું જાતેજ મારા સત્યની રાહ પર કુહાડી મારત..... હવે યાદ આવ્યું કે.....જો હું હવે નિઃસંતાન હોવ તો દેવાયત અને રાધિકા મારું લોહી નહીં એમ ને ?(!) કંકાવતી શું આવી સાવ લજ્જા વગરની છે ? મારી જાણ બહાર તે કુલટાના કુકર્મો આટલા વરહ લગી મારી આંખો સામેજ ભજવાતા ગયા ને, હું....હું મૂરખ તેનો અણસાર સુદ્ધા ના પામી શકયો ? મારી આંખ સામે રોજ રમાતા ખેલનું એક કિરદાર તો હું હવે પારખી ગયો ! મારી પોતાનીજ અર્ધાગિની કંકાવતી....! તો શું દેવલીને ખુદ તેની માં કંકાવતીજ ભરખી....?
હવે, હાલોને ઝટ...ઠરીને ઠીકરું થઈ જશે ત્યારે આવશો ?(!)
આ આવ્યોજ જો...(અને પોતાનો ચહેરો ને ચાલ કંકાવતી પારખી ના જાય એટલે સહજ,સરળ અને મુખ પર હાસ્યનો આછેરો ખડખડાટ કરીને તે પીરસાયેલા પાટલે ભોજન ગ્રહણ કરવા બેઠો.)
હોઠ પર મુસ્કાન,આંખોમાં વિચાર ને ભીતર ફોરાં જેવ-જેવડા અશ્રુ વહાવતો પરસોતમ તબિયત ઠીક ન હોવાનું કહીને ઝટઝટ જમીને ઉભો થઈ ગયો.
ક્યારેક આવું ઘણીવાર થતું હોવાથી તે કંકાવતીને પણ સહજ લાગતા તેનેય કંઈ ખાસ નવાઈ પામ્યા વિના 'સારું તો હમણાં ફરી જમજો' કહીને પોતે સહજ બિન્દાસ જમવા લાગી.
ઝૂલતી પાટ પર આડા પડ્યા પડ્યા પુરુષોત્તમના મન,હૃદય ને વિચારો તેનેજ કોરી ખાતા હતા.આંખો બંધ હતી પણ, તે બંધ પોપચા હેઠે કંકાવતીની અલગ-અલગ અવતાર-રૂપની કેટલીએ છબીઓ રમતી હતી.પણ, શરૂઆત ક્યાંથી કરવી ? કોણ એવું હશે જેનાથી આ રહસ્યની એકાદી કડી પણ મળી શકે ? અને.....અને અચાનક તેની આંખો ચમકી.એકલી કંકાવતીનો હાથ ના હોય ! તે માં મટી સાવ આવી તો નાજ બની શકે....! અને તેને તો ખ્યાલ પણ નથી કે દેવાયત અને રાધિકા મારુ સંતાન નથી ! (પરષોતમ હજુયે પોતાનું ભોળપણ પોતાનેજ જતાવી રહ્યો હતો.) ...ભલે તેને બીજે આડા સંબંધ હશે પણ,દેવલીએ હતી તો તેનુંજ બાળને ! (?)...એટલે તેતો આવું નાજ કરી શકે.અને તેમાંય એકલી તો નાજ કરે.પોતાની દીકરીને આંખ સામે પિંખાવતા જનેતા ઉઠીને તેનુંય હૈયું તો ઝાલ્યું નાજ રહે.નક્કી કંઈક ઊંડું,ગહેરુ ને અકળ રહસ્ય છુપાયેલું છે.
હંમ....રખે ને.... તે ભણવા બહાર ગઈ હતી ત્યાંથીજ કંઈકને કંઈક રહસ્યનું કોકડું હાથ લાગી આવે ! મારે કાલેજ.. તપાસ શરૂ કરવી પડશે. પણ, તેમાં સાથ કોણ આપશે ? કંકાવતી દેવલીના બધા મિત્રોને જાણે છે પન, તેની પાસે હાલ કંઈપણ પૃચ્છા આ બાબતે કરવી ઉચિત નથી જણાતી.રખે ને તેને કૈક ગંધ આવી જાય અને મારા અરમાનો ને સાધુ મહારાજની યોજના પર પાણી ફરી વળે તો ? હા,થોડા દિવસ પહેલાંજ દેવલીનો એક મિત્ર ગુજરી ગયો હતો ને કંકાવતી આભડવા પણ ગઈ હતી.કદાચ તેનું નામ મારા ખ્યાલ મુજબ રોમિલ હતું..હા રોમિલજ.... પણ,....
......પણ પછી પરત આવીને હજુ લગી મને કોઈ વાત તેના મૃત્યુ વિશે તેને નથી કરી.તો .તો તેમાં પણ કંઈ રહસ્ય હશે કે શું ? મને તે દિવસે તેને સામેથીજ તબિયત સારી ના હોવાનું કારણ ધરીને સાથે આવવાની મના કરી હતી.. અને બીજા કોઈને હું ખાસ તો શું ; સાવ નથી ઓળખતો ! મારે કાલેજ સુદાનજી પાસે જઈને વિગતે બધી માહિતી મેળવવી પડશે.
...અને સત્યતાની પહેલી કેડી પર ડગ માંડવા પરસોતમે સુદાનજીને ફોન જોડ્યો....

(વ્હાલા વાચક મિત્રો હવે ફરી એકવાર આપના માટે એક ઓફર લઈને આવ્યો છું...બસ તમે જાણો છો તે મુજબ દેવલીના 7 હત્યારામાંથી 6 ને તો આપ સર્વે ઓળખોજ છો.હવે રહી વાત સાતમા હત્યારાની...તો આપ સર્વે પાસેથી હું જાણવા માગું છું કે તમારા મત મુજબ તે સાતમો હત્યારો કોણ હશે ? અને તે માટે એક હીન્ટ પણ આપને આપું છું કે દેવલી નોવેલના પ્રથમ ચાર ભગમાંજ એ નામ છુપાયેલું છે...આપ કોમેન્ટમાં આપના શકનાં દાયરામાં આવતું નામ જણાવી શકો છો...અને જેનો શક સત્ય હશે તેને આ ઓફર મુજબ તેઓ કહેશે તો તેમના જીવનના કોઈ પ્રસંગ પર હું એક નવલિકા તેમના ખુદના માટે આવી રસબોળ ને ભાવવાહી શૈલીમાંજ લખી આપીશ...તમારે બે નામ દેવાના ...અને જેનો જવાબ સત્ય કે ખોટો હશે તેમને હું કૉમેન્ટમાંજ ગુરુવારે હા કે ના કહીશ... આ ઓફર ગુરુવાર રાતના 9 વાગ્યા સુધીજ માન્ય છે ત્યારબાદ જવાબ આપનારના જવાબ ધ્યાને નહિ લેવાય...તો તમારા મગજને કસો અને તૈયાર થઈ જાવ ...અને હા બીજું એ કે આવતા ભાગથી વાંચો કોણ જીતે છે ...કામિની.. ..પરષોત્તમ...કંકાવતી ને જીવણ.... અમિતનો પ્યાર કે તલપનો પ્યાર....કાનજી ને માહીનો જીવ....દેવલીની દયા ભાવના કે તેનો બદલો.... અને શું છે અથર્વનાથને અઘોરીમાંથી સાધુ બનાવતું સંગીતા અને મૌસમીનું રહસ્ય....ખૂબ ખૂબ આભાર...આપ સર્વેના સ્નેહ થકી મારી 6 વાર્તા અને આ દેવલી સાથેની બે નોવેલ એફ.એમ. ઓડિયો રેકોર્ડિંગ માટે પસંદ થઈ છે...ખૂબ ખૂબ આભાર...મિત્રો...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED