DEVALI - 16 books and stories free download online pdf in Gujarati

દેવલી - 16

(આ ભાગમાં કેટલાક વાચકોના કિરદારને મે રંગ આપ્યો છે.બાકી રહેલા વાચકોના કિરદારને આવતા ભાગમાં રંગ આપીશ આભાર)

પોતાનાથી નાના વીરાનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.ઋતુલ સામે દ્રષ્ટિ ફેંક્તાજ આંખો સામે બાળપણનો હરપળ ઝઘડતો ને ચોટલો ઝાલીને હકથી નાનો હોવાને લીધે ગમતી વસ્તુ છીનવી લેતો રોમિલ રમવા લાગતો.
મેળામાં તો સૌ તેનાજ ઢગલો સપના ખરીદીને લઇ આવતા.અને ભાઈનો ખીલખીલાટ ચહેરો જોઈને તે પોતે પણ પોતાના અરમાનો ત્યજી દેતી.કોઈનું મરણ થાય તો તે પણ દિલાસો આપતી કે "આતો કુદરતનો નિયમ છે,સર્જાયું તેનો નાશ નક્કી છે" પણ,આજે તેનો વીરો ખુદ સ્વધામ સીધાવતા તે ઉપદેશ તેનેજ માઠો લાગતો હતો.ઉપદેશ દેવો સહેલો છે પણ,ખુદનેજ પચાવવો ઘણો અઘરો થઈ પડે છે.આજ તેને સમજાયું કે લોહીનો છેડો ફાડીને કોઈ દૂર થાય તો તે ઘા ઝીરવવો કેટલો વહમો હોય છે.
...બસ ભગવાન આમજ અચાનક વેર વિખેર કરી દેવાના ? એક સરસ મજાની શીતળ છાંયમાં તું નાનેરા કુટુંબનો માળો બાંધીને જતો રહે છે.પછી તે માળાનાં પંખીડાં તારા આપેલા સંબંધોના નામને આધારે મોહ-માયાથી જોડાઈને સાથે રાજી-ખુશીથી જીવતા શીખે છે ને તારો આભાર માનવા તને રાત દિવસ ભજે છે.અને એક દિવસ...એક દિવસ અચાનક વર્ષો બાદ તારે કંઈક ખોટ પડી હોય તેમ તું એ હસતા ખેલતા માળામાં ખાતર પાડીને હંમેશને માટે એક દેહ ચોરીને વિલીન થઇ જાય છે.બસ તું ધારે ત્યારે દે અને ધારે ત્યારે લઇ જાય ? અમારો તો તેના પર વહાલ-વેરના સંબંધો સિવાય નાવા-નિચોડવાનોય કઈ સંબંધ નહી ? તું તારી મરજીથી દઈ જાય તેનો કઈ વાંધો નથી પણ, તેને પરત લઇ જાય ત્યારે અમને એકવાર પૂછવાનો તો હક આપી શકે ને ? સાવ કાચી ઉમરે અને ભર્યો ભાદર્યો બે-ત્રણ સાંઠીકડાથી માંડ ઉભરું ઉભરું થતાં માળાને ઘડીના સોમા ભાગમાં છિન્ન-ભિન્ન કરતા તારા કાળજે લ્હાય પણ નથી ઉઠતી ? મને પણ કાંધ દેવાને હજુ જેના વર્ષોના કેટલાય વાયરા બાકી હતા તેવા મારા એકના એક વીરાને તારી કને લઇ જતા તારી આંખો પણ ના લજવાણી ?
વીરાનો ખીલેલો પરિવાર સાવ તૂટીને ભુક્કો થઈને આંખો સામે સળગેલો જોઈને કામિની ભગવાનને કાકલુદી કરી કરી ને પૂછી રહી હતી.તેનાથી દૂર બેઠેલો સોહન તેના ચહેરાના હાવભાવ બહુ સારી પેઠે દૂરથીએ વાંચી શકતો હતો.હૃદય તો તેનું પણ ભાંગી પડયું હતું.અને કેમ ના ભાંગી પડે ? સાસરિયામાં તેનો સાળો રોમિલ હોય તોજ તેને ગમતું હતું.સાળો કમ ને સખા જ્યાદા થઈનેજ રોમિલ રહેતો હતો.કામિની કે બીજા કોઈને ના કહી શકે તે તમામ વાતો,પ્રસંગો કે સુખ-દુઃખના હાલ સોહન રોમિલ આગળ મોકળા મને ઠાલવી શકતો હતો.અને મિત્રથીએ અદકેરો એકના એક સાળો આમ અચાનક છોડીને ચાલી જતા સોહન પણ તન,મન ને હૃદયથી ભાંગી ગયો હતો.પણ,તેની સામે કામિનીનો ચહેરો આવતાજ પોતાના આંસુને વિચાર વાટે હવામાંજ અદ્રશ્ય સારી દેતો.એકવાર રોમિલેજ હસતા-હસતા કહ્યું હતુંને; "જુઓ સોહન જીજુ મારી બહેનની કંઈપણ ભૂલ હોય તો સાડી સત્તરવાર માફ કરવાની હિંમત આ વાલા સારા હાટુ થઈને જીગરમાં રાખજો.તેની જે પણ દાદ હોય તે મને કહેજો હું તેને સમજાવીશ અને તે સમજી પણ જશે.પરંતુ મારી વહાલી બહેનના આંખેથી એક બુંદ પણ દુઃખનું ન વહેવા દેતાં.મા-બાપ પછી દેવાંશી કે ઋતુલ કરતાં પણ,જો કોઈ મને પહેલું વ્હાલું હોય તો તે કામિની છે.અને આજે....
.....આજે એ ખુદજ તેની બહેનને દુઃખ,વિયોગ ને મરણના આંસુડા ચોધાર રડાવી ક્યાંય અદ્રશ્ય થઇ ગયો હતો.રોમિલ મેં પતિ થઈને વચન નિભાવ્યું અને તું ભાઈ થઈને કામિનીને દુઃખના અશ્રુ ના આપવાનું વચન ના નિભાવી શક્યો ? કંઈ વાંધો નહીં; કુદરત આગળ લાચાર થઈને તે તારા વચન,સંબંધો ને જીવનને છેહ દીધો છે પણ,હું તેમાં તારી દુનિયાને નહીં અભડાવું ત્યાં લગી છેહ નહીં દઉં ! અને કામિનીને હિંમત આપવા ભીનુ-ભીનુ થઇ રહેલા સુકાયેલા આંસુ લૂછતાં સોહન ઉભો થઈને કામિની કને આવ્યો.
કામિની હવે આપણે ક્યારે જવું છે ? રોકાવાની ઈચ્છા હોય તો હું મમ્મી-પપ્પાને ગાડી લઈને વેળાસર મોકલી દઉં !
જાણે આંસુડાંને ક્યાંય દબાવીને કંઈક નવોજ ખ્યાલ મનમાં ઉભરતો હોય તેવા અંદાજમાં કામિની બોલી..."સોહન તમે મારો સાથ આપશોને ? મારે મારા ભાઈના ના કળી શકાય એવા અકાળ ને કરતૂતોથી ભરેલા લાગતા મોતના રહસ્યનો પડદો ઉચકવો છે.(!)
હા,કામિની હું તારી સાથે રહીનેજ નહીં પણ ,તારા હૈયામાં ધબકાર બનીને સાથ આપવા તૈયાર છું.રોમિલના મોતનું એક-એક રહસ્ય તે ના કહ્યું હોત તો પણ, ઉકેલવાનો મેં નિર્ણય કરી લીધો હતો.
થેન્ક યું હો સોહન ! તમે તેને હંમેશા સાળો નહીં પણ મિત્ર માનીને સાથ આપ્યો છે તો; તેના ગયા બાદ પણ એમજ સાથ આપજો.મમ્મી-પપ્પાને જવા કહો.આપણે હજુ દવાખાને જઈને ડોક્ટર પાસેથી ઝીણામાં ઝીણી વિગત મેળવવી છે.
કંઈ વાંધો નહીં કામિની.હું મમ્મી-પપ્પાને જવા કહું છું.તું પણ તેમને મળી લે અને અહીં કલ્પેશ-બાદલને હાલ સાથે રાખવા યોગ્ય ન હોવાથી ને તેમની શાળા પણ ના બગડે એટલે મમ્મી પપ્પા સાથે જવા તું તેમને સમજાવી દે.
હા,સોહન મારો પણ એજ વિચાર છે.લો હું તે બંનેને લઈને આવું ત્યાં સુધી તમે મમ્મી-પપ્પાને મળી લો.
કલ્પેશ-બાદલને પણ મામાને ઘરે આવી વેળાએ ના રોકાવાય એટલી સમજ સારી રીતે હોવાથી ; હંમેશના સામાન્ય દિવસોની જેમ જીદ ના કરી અને તૈયાર થઈ ગયા.
મમ્મી-પપ્પાને વળાવીને સોહન-કામિની સીધા દસ્તૂર-હોસ્પિટલ આવ્યા.ડોક્ટર હંસા મારું ફેમીલી ડોક્ટરથીએ વધુ મિત્ર બરાબર હોવાથી ને રોમિલ શહેરની જે ક્લબનો મેમ્બર હતો તેના મેમ્બર હોવાથી કામિની અને સોહન સીધાજ તેમના કેબિનમાં ગયા.
આવો આવો કામિની અને સોહન.અમે બંને તમારીજ વાત કરી રહ્યા છીએ !
કામિની અને સોહન ગયા ત્યારે ડોક્ટર હંસા મારું અને ડોક્ટર પારુલ સોની રોમિલના રિપોર્ટનીજ ચર્ચા કરી રહ્યા હતા.રડમસ ચહેરે કામિની-સોહને બંનેએ ડોક્ટરની સામે બેઠક લીધી.
ડોક્ટર હંસા મારુ......વડોદરા શહેરનેજ પોતાનું વતન કરી ચૂકેલા ડૉ. મારું મૂળ તો રાજસ્થાનના કોટા વિસ્તારના હતા.ત્રણેક પેઢી પહેલા તેમનું ફૅમિલી ધંધાની સારી ફાવટ માટે અમદાવાદ આવી ચડેલું.પ્રાથમિક શિક્ષણ અમદાવાદમાંજ એચ.એન.વિદ્યાલયમાં મેળવ્યું.ભણવામાં ને ગુણોમાં તેજસ્વી હોવાનો ખ્યાલ પિતાને આવી જતાં દીકરીની સારી કારકિર્દી ઘડાય તે માટે હૃદય પર પથ્થર રાખીને એકના-એક દિકરી હંસાને વડોદરાની ખ્યાતનામ મહિલા વિદ્યાલય "અથર્વ"માં મૂકી.અને પિતાનું અનુમાન સત્ય સાબિત થઈને રહ્યું.એજ વિદ્યાલયમાં હંસાએ એમ.બી.બી.એસ. કરીને ડોક્ટરની ડીગ્રી મેળવી.અભ્યાસમાં તેજસ્વી મારુંએ પોતાની હોસ્પીટલ પોતાના બળ પર ઊભી કરવાનો નિર્ણય લીધો અને તેમાં સાથ સાંપડ્યો તેમનીજ સહાધ્યાયી ને રૂમ-પાર્ટનર પારુલનો.રાજકોટના ધનાઢય પરિવારનું વચલું સંતાન એટલે પારુલ...પારુલે પણ હંસાની સાથેજ એમ.બી.બી.એસ.ની ડિગ્રી મેળવીને પોતાના નામ આગળ ડૉ. લગાવીને ડૉ. પારુલ સોની ક્લિનિકનું સપનું પદવી મેળવતાજ જોઈ લીધું હતું.પછી તો બંનેએ સાથે મળીને પહેલા નાનું ક્લિનિક ખોલ્યું.પોતાની આવડત,સૂઝબૂઝ ને સફળ ટ્રીટમેન્ટ કરવાની અલગ પદ્ધતિને લીધે જોતજોતામાં વડોદરાના પ્રખ્યાત ડોક્ટરોમાં તેમનું નામ સામેલ થઈ ગયું.કેટલાય પ્રશસ્તિ-પત્રો ને એવોર્ડોના ઢગલાથી તેમની ઓફિસ ભરચક થઈ ગઈ હતી.બંને કોઈપણ પેશન્ટને સાથેજ તપાસતા અને સારવાર આપતા.ગમે તે જેવું ઓપરેશન હોય પણ બંને પોતાની સૂઝબૂઝ અને આવડતથી સફળતા મેળવીનેજ રહેતાં.તેમની ખ્યાતિ જોઈનેજ દિનેશ વડોદરિયાએ પોતાની પત્ની રીંકલ વડોદરિયા પ્રેગ્નેટ થઈ ત્યારે પહેલેથીજ અહી ટ્રીટમેન્ટ શરૂ કરી હતી.અને કામિની તથા રોમિલનો જન્મ સાવ નોર્મલ ડિલેવરીમાં કરાવીને ડૉ. હંસા મારું અને ડૉ. પારુલ સોનીએ વડોદરિયા પરિવારનું દિલ જીતી લીધું હતું.પછી તો વર્ષો જતા ગયા તેમ ડોક્ટર-પેશન્ટનો નાતો મટીને તેઓની વચ્ચે મિત્રતાનો સંબંધ ગહેરો થતો ગયો.ને તે બંને ડોક્ટર શહેરના ટોપ ફાઈવમાં આવતા જે "હસ્તી કલબ"ના મેમ્બર હતા તેનો સભ્ય રોમિલ પણ હતો.રોમિલના હાઈ-ફાઈ કરતા સાદા ને સદાચારી ગુણોથી ડૉ. મારું ને ડૉ. સોની પણ પ્રભાવિત હતા.તેઓ સારી રીતે જાણતા હતા કે ગરીબ-અનાથ લોકોને મદદ કરવાના ઉચ્ચ વિચારો સાથેજ રોમિલ "હસ્તી" ક્લબમાં જોઈન્ટ થયો હતો.હસ્તી કલબના ડિરેક્ટર ચતુર પરમાર પણ રોમિલના સેવા કાર્યથી ખૂબ પ્રભાવિત અને ખુશ હતા.
ડિરેકટર ચતુર પરમાર એક સભ્ય કુટુંબમાંથી આવતા હતા.વાચનનો શોખ હોવાથી બાળપણમાં ઘણું બધું વાંચન કરેલ અને તેનો પ્રભાવ તેમના જીવન પર ઊંડી અસર કરી ગયો.સાહિત્ય ને ધર્મગ્રંથોમાં વાંચેલા ઉચ્ચ વિચારોએ તેમની જીવનશૈલીમાં ગરીબ અનાથો માટે ભાવના પેદા કરી અને તે માટે તેમને પણ સારી એવી નામના,ડિગ્રી અને આવકની જરૂર હોવાનો સારી રીતે ખ્યાલ હતો.આથી પ્રોફેસર તરીકે જોડાઈને પોતાની આવડત ને ઉચ્ચ વિચારોથી વડોદરાની "દસ્તૂર ચૌધરી કોલેજ"ના પ્રોફેસર,પ્રિન્સિપાલથી લઈને મેઈન ટ્રસ્ટી સુધી નામના હાંસલ કરી અને ; સમય જતા એક સંગઠન ઉભુ કરીને અનાથ-ગરીબોના કલ્યાણ માટે "હસ્તી કલબ"નું નિર્માણ કર્યું.ડોક્ટર મારું,ડૉ. સોની તથા મિસ્ટર રોમિલ જેવા વિચારોથી સમવડીયા લોકોનો સાથ-સહકાર મળતા ને ઉમદા કામગીરી થતા બે વર્ષની કડી મહેનત બાદ એવોર્ડોથી સન્માનિત થઈને શહેરની ટોપ ફાઈવ કલબોમાં સ્થાન મેળવી લીધું.ને તેમનાજ થોડા આર્થિક સાથ-સહયોગથી ડૉ. હંસા મારું અને ડૉ. પારુલ સોનીનું ક્લિનિકનું સપનું સાકાર થતા ક્લિનિકમાંથી દવાખાનામાં ફેરવાયેલી હોસ્પિટલનું નામ "દસ્તૂર હોસ્પિટલ" રાખવામાં આવ્યું હતું.દસ્તૂર કોલેજે ચતુર પરમારને માન, મોભો ને મરતબો આપતા તેમને આજીવન આ નામ વ્હાલું થઈ ગયું હતું.ચતુર પરમારનો ચહેરો સમય જતાં વૃદ્ધ થયો હતો પણ, તેમના વિચારો તો યુવાનજ હતા.અને તેમાંય વળી રોમિલ જેવા સેવાભાવી યુવાનના તરો-તાજા નવ વિચારો ભળતા તેમનામાં જોર,જોમ ને જુસ્સો અદ્ભુત રીતે ખીલ્યા હતા.પણ,આમ અચાનક પોતાના વિચારો ને કાર્યોનો એક યુગ સમો યુવાન ખરી પડતા તેઓ પણ સાવ ઉદાસ થઈ ગયા હતા.તેઓએ પણ રોમિલના આવા ક્રૂર ને અમાનવીય મોતના રહસ્યના જડ-મૂળ સુધી જવા માટે ડૉ. મારું અને ડૉ. સોનીને તમામ મદદ ને સહકાર કરવા હા ભણી હતી.

************

કામિની અમે પણ સાવ હતભ્રમ થઈ ગયા છીએ.રોમિલનો રિપોર્ટ સાવ કોરો છે છતાં,તેમાં ઘણું બધું અદૃશ્યપણે હોવાનું સો ટકા નક્કી છે.
કામિનીને ડોક્ટર હંસા મારૂની વાત સાંભળી કઈ નવાઈ ના લાગી.કેમ તેને આ વાત વિચારોમાં પહેલા આવી ગઈ હોવાથી તે અહીં આવ્યા હતા.ડોક્ટર હંસાના વિચારો ને તારણ સાંભળવા વધુ સચેત બની.
આંખો પર પહેરેલાં સનગ્લાસ ડૉ.મારુંના ભરાવદાર ચહેરા પર કાબેલ ડોકટર હોવાની ચાડી ખાતા હતા.મોટાભાગની સ્ત્રી ડૉકટરને હોય છે તેવા ગળા સુધી કટ કરેલા વાળ,ભરાવદાર ચહેરો,ઉંમરની ચાડી ખાતું કપાળ હતું પણ,તેમનું હેલ્ધી શરીર તેમાં ઘટાડો કરતું હતું.સાડા પાંચ ફૂટનું કદ ને હાથમાં આર્ય નારીને ઉજાગર કરતો બંગડી,ઘડિયાળને વીંટીનો શણગાર.પેશન્ટને આજ રીતે તપાસતા પણ,જ્યારે ઓપરેશન રૂમમાં હોય ત્યારે એક પણ આભૂષણ ના રાખે.આદત મુજબ હોઠોની અંદરજ જીભને મામરાવતા તેમણે આગળ કહ્યું "કામિની અને સોહન તમારી હા હોય તો અમે મોતના રહસ્ય સુધી પહોંચવા માંગીએ છીએ અને તેમાં જો તમે સાથ-સહકાર આપશો તો...
ઑફકોર્સ ડોક્ટર હંસાબેન તમે હું જે કહેવા ને જાણવા આવી હતી તેજ વાત સામેથી મૂકી.
અને હા, આ માટે ડિરેક્ટર ચતુર પરમારે પણ પૂરતો તમામ સહકાર આપવાની હા કહી છે.
પરંતુ હંસાબેન તમારો રિપોર્ટ કોરો છે તો તેના મોતનું રહસ્ય આપણે અર્ધસત્ય સાબિત કરી શકીશું ને ? (પોતાના મનમાં રહેલો પ્રશ્ન મૂકતા સોહને કહ્યું)
હા , તમારી વાત સાચી છે.પરંતુ આપણે ફક્ત આ રિપોર્ટનોજ આધાર નથી લેવાનો.આમાં હું ખુદ ડૉકટર હોવા છતાં કઈક અગોચર કરતૂત કૃત્ય થયું હોવાનું લાગતાં તે મુજબજ રહસ્ય સુધી પહોંચવાનું મેં વિચાર્યું છે.
અને હા, સોહન-કામિની તમને કંઈ વાંધો ના હોય તો ડોક્ટર હોવાની સાથે સાથે આવી વિદ્યાઓ અને તેના જાણકારો વિશે સારું જાણું છું તો તેમને સહારો પણ આપણે લઈશું ! (ડૉ. પારુલ સોનીએ પોતાની વાત રાખતાં કહ્યું )
હા, તો મને,કામિની કે ફેમિલીના કોઈપણ વ્યક્તિને કંઈપણ વાંધો નથી.તમે કંઈપણ કહશો તે કરવા તૈયાર છીએ.બસ અમારે તો રોમિલના ક્રૂર મોત પરથી રહસ્યનો પડદો ઉચકવો છે.
હા,તો મિસ્ટર સોહન હવે આપણે આજ રાતેજ ડૉકટર પરુલના ત્યાં સાંજે મળીશું અને ત્યાં આગળની યોજના નક્કી કરીશું.
ઓકે ડોક્ટર હંસાબેન અને ડોક્ટર પારૂલબેન અમે હવે વિદાય લઈએ.સાંજે હું ને સોહન પારૂલબેનના હાઉસ પર પહોંચી જઈશું.

*************

બધા સાથીઓએ ખાસ નિરીક્ષણ કરીને નોંધ્યું હતું કે દેવલી ક્યાંકથી પરત ફરી ત્યારથી સાવ ઉદાસ છે.આંખો તેની રૂદન સાથે હસી રહી હતી.ચહેરા પર કંઈક મેળવ્યાની ખુશી તો હતી પણ, સાથે-સાથે નમ આંખોમાં કંઈક દુઃખ થયાના ભાવ પણ સાફ સાફ વરતાતા હતા.
કુમારી દેવલ કેમ આમ, સાવ ઉદાસ થઈને બેઠયા છો ? હું ક્યારનોય જોઉં છું કે,તું છે તો અહીં પણ વિચારોથી તો પરભવમાં હોય તે તારા ચહેરા પરથી સ્પષ્ટ કળાય છે.
અચાનક કોઈનો રવ સંભળાતા દેવલી સદમામાંથી બહાર આવી હોય તેમ હં...હં... હું ના ઉંકારા કરવા લાગી.સામે અમિત ઉભો હતો અને સાચેજ અમિતની વાત સાચી હતી.તે હતી તો અહીં પણ,મન,વિચાર ને અરમાનોથી તો છૂટી ગયેલા ભવમાં વિહરતી હતી.અને કહેવાય છે ને કે જયાં પોતીકો લાગતો કાંધ મળે ત્યાં માથું મૂકીને દર્દ,હળવું કરી નાખવું જોઇએ.બસ દેવલીએ પણ તે પોતીકા લાગતા મિત્ર અમિતના ખભે મસ્તક ઢાળી દઈને કઈ પણ બોલ્યા વિના પોતાના હૈયાને હળવું કરવા આંખો વહેવા દીધી.અમિત પણ તેનો ઉભરો ઠલવવા માગતો હતો આથી એમજ દેવલીનો વાંહો પંપાળતો જડ બની ઊભો રહ્યો.
કેવું અદભૂત દ્રશ્ય હતું.આ લોક કે પરલોકને દુર્લભ એવું દ્રશ્ય હતું આ અપૂર્ણલોકનું.હા અપૂર્ણલોક હો ! જ્યાં માનવ વસે છે તે લોક,જ્યાં દેવ વસે છે તે પરલોક અને જ્યાં માનવ કે દેવ ના બની શકીને અધૂરા અરમાનો સાથે મુક્તિ મેળવ્યા વિના ભટકે છે તે આ અપૂર્ણલોકનો સભ્ય બને છે.એવું નહોતું કે ફક્ત અપૂર્ણ ઇચ્છાઓ સાથે અકાળે મોતને ભેટેલા માનવોજ અહીં હતા ! અપૂર્ણ ઈચ્છાઓ સાથે કોઈના શ્રાપથી તડપતા દૈવી અવતાર પણ આ અપૂર્ણલોકમાં રહેતા હતા.અને કેવા અદ્ભુત, અલૌકિક ને સયુજયના સ્નેહ-તાંતણેથી ભરપૂર બંધાઈને એકબીજા સંગ તેઓ રહેતા હતા.તેમનીએ પ્રકૃતિ હતી,તેમનાએ રહેણાંક હતા ને તેમનીએ અલગ દુનિયા હતી.
પહેલી વાર પૃથ્વીલોકથી સવર્ગલોકનો વિહાર કરીને દેવલી જ્યારે પરત ફરી ત્યારે તેને જોયું કે તે હવે આત્મામાં પરિવર્તિત થઈ ગઈ છે.એય પાછી ભટકતી આત્મામાં ! ત્યારે પૃથ્વી ને સ્વર્ગ-નરક બધાયનાએ દરવાજા બંધ થયેલા તેને જોયા હતા.ક્યાંય બે ઘડી બેસીને હૈયું હળવું કરવાનું સ્થાન ન મળતા તડપતી, ફફડતી ને રોતી-કકળતી આમથી તેમ નિર્જન અંબરમાં સાવ એકલી ભટકતી હતી ત્યારે તેની નજરે અચાનક આ અદ્ભૂત પાકૃતિક નગરી આંખ સામે ઊગી નીકળી હતી.અને એક તારાલિયાની જેમ ટમ ટમ કરતા પાંદડાવાળી વેલનાં પાતળાં છતાં મજબૂત થડે લાગણીઓના ભારથી ઉભરાયેલો દેહ લઈને ઘડી હળવા થવા માથું ઢાળી દઈને તે ફસડાઈ પડી હતી.
અચાનક ત્યાં દેવદૂતના રૂપ સરીખો તેનોજ સમ-વયસ્ક જણ આવીને ઉભો રહ્યો હતો.અને તેને ફૂલ ઝરતું સ્મિત કરીને દેવલીને આવકાર આપતાં કહ્યું હતું...
....હેલ્લો મીસ અંજાન આગંતુક.હું મિસ્ટર અમિત અપૂર્ણલોકમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું.
દેવલી તો જોતીજ રહી.કેટલું ભર્યુ હતું.ટમ-ટમ આંખો કરતો કોઈ ફરિશ્તો જોઈ લો ! નમણો ને ખડતલ કોઈ અવતારી યુવાન જોઈ લો.ખડતલ-પહોળા ખભા,વિશાળ સપાટ બરડો ને એકવડિયા બાંધાનું સમતળ શરીર.જાણે સ્વયં સર્જનહારે પોતેજ અમૂલ્ય પિંડ લઇને પોતાનાજ દેહમાંથી ઘડી કાઢેલો કોઈ દિવ્ય-પુરુષ જોઈ લો !...
.....અને દેવલી જાણે તેના અદ્ભુત આવકાર થી પ્રભાવિત થઈ ગઈ.એક પળમાં તેના પર વિશ્વાસ મૂકીને દઈને જાણે તેનો સુખ દુઃખનો સાચો મિત્ર હોય તેમ તેને મળેલા અવગતિયા જીવનો ભાર તેના ખભે માથું મૂકીને પોક મૂકી-મૂકીને હળવો કરી નાખેલો.અને તે વખતે પણ અમિતે એને આમજ આજની જેમ ધરાઈને રડવા દીધેલી.તે વખતે તેનું ખમીશ આખું ભીનું થઈ ગયું હતું એમ આજે પણ થઈ ગયું.
હૈયાને થોડી શાંતા વળતાજ અમિતે અપૂર્ણલોકનું વર્ણન કરીને ઉડતી શેર કરાવી હતી.સ્વર્ગ,નરક ને પૃથ્વી લોકની જેમ અપૂર્ણલોકના પણ અધિસ્ઠાપતિ હતા.ખૂબ પ્રેમાળ અને દયાળુ.દર દસ વર્ષે અપૂર્ણલોકના અધિષ્ઠાપતિની વરણી થતી.દરેક આત્મા પોતાના મનગમતા અધિષ્ઠાપતિનું મનમાં નામ ઉચ્ચારે અને હવામાં તેમનું નામ દેખાય.એ નામ નીચે તેમને આપવામાં આવેલ રંગનું ચિહ્ન જેમ જેમ મત વધે તેમ વધતું જાય.અને છેલ્લે જેના રંગનું ચિહ્ન ઉચ્ચ સ્થાને હોય તે અધિસ્ઠાપતિ બને.અપૂર્ણલોકમાં જેમને ત્રણ વર્ષ આગમનના થયેલા હોય તે એમાં ભાગ લઈ શકે.ત્રણ વર્ષ દરમિયાનના તેમના વ્યવહાર,વર્તણૂક ને વિચારોની મહાનતાના આધારે ઉમેદવારી માં; નહીં આકાશ કે નહી પૃથ્વી...તેવા ભાગના વાતાવરણમાં આપોઆપ પાંચ વ્યક્તિના નામ આવી જતા.ત્યારબાદ અન્ય આત્માઓ વડે તેમાંથી એક પર અધિષ્ઠાપતિનો કળશ ઢોળાતો.અમિતે હાલના અધિસ્ઠાપતિ "અલગોરી" વિશે થોડો પરિચય આપીને સૌ પ્રથમ તેમનું મુખારવિંદ કરવા માટે આહવાન કર્યું.
દેવલી તો અચરજભરી નજરે જોઈજ રહી.કેવી અદભુત ને અલૌકિક દુનિયા હતી.તેને તો અમિતનો સ્વભાવ પહેલી મુલાકાતેજ બહુ ગમી ગયો.જાણે વર્ષોથી તેનો સુખ-દુઃખનો સાથી હોય તેવો અહેસાસ થયો.અમિત દેવલીને આ દુનિયાનો નઝારો દેખાડવા લાગ્યો.કેટલી અદભૂત હતી આ દુનિયા.ના ત્યાં સૂરજનું અજવાળું હતું કે ના ચંદ્ર ની મીઠી રોશની હતી.છતાં તે રોશનીથી ઝગમગાટ થતો હતો.ઝાડવાઓના પાંદડાઓમાંથી પ્રકાશ રેલાતો હતો.કોઈ બોલે તો હવામાં તેમનો જે શ્વાસ નીકળતો તે પણ પ્રકાશિત બની જતો.જમીન નહોતી છતાં પગલાં જમીન ઉપર ભરતા હોય તેમજ મંડાતા.આકાશ નહોતું છતાં રૂથી ભરેલા વાદળ હવામાં લહેરાતા હતા.જાણે પરીલોકની દુનિયા જોઈ લો ! હવે દેવલીને સમજાવ્યું કે 'મોક્ષ કે નવો અવતાર લેવો તેના કરતાં તો ભટકવું સારું.તે પલક પલક આ નઝારો જોતી હતી ત્યાં કેટલાક સ્ત્રી-પુરુષો તેની સામે આવીને ઊભા રહ્યા.આ દરમિયાન દેવલીએ પોતાના તલપને ગમતું પોતાનું દેવલ નામ અમિતને કહી દીધું હતું.
ઓહ... અમિતબાબુ આજે તો તમારા મુખ પર સ્મિત નથી વિલાતું ને કઈ (!) (?) શું વાત છે ? આ આગંતુકની ચાકરીમાં પડ્યા લાગ્યાં છો.એટલે આટલા બધા હોઠ મલકાય છે એમ ને !(?)
નવા નવેલા દુલ્હાને કોઈ પ્રિયતમ સંગ થનારી મુલાકાતો વિશે ચિડવે અને જેવા શરમના શેરડા તે દુલ્હા પર પડે એવા શેરડા અમિતના ચહેરા પર ખેંચાઈ આવ્યા.અને વાતને જેમ વાળવા માંગતો હોય તેમ...
.....અરે....અરે... પાગલો એવું કંઈ નથી.પણ તમને તો ખબર છે ને કે આગંતુકોને આવકારવાનું મને બહુ ગમે છે ! અને આ છે આપણાજ તરોતાજા સભ્ય દેવલકુમારી.હવે કુમારી લગાવ્યું એટલે સમજી જવાનું કે તેઓ કુંવારા હશે કે નહીં તેતો નથી ખબર પણ, મારા અને આપણા સૌના માટે આ દુનિયામાં કુંવારાજ કહેવાય ને હવે ?(!)
કુંવારી કુમારી સાંભળીને દેવલીના ચહેરા પર આસપાસ ફરતા બધાજ વાદળોની કાળાશ જાણે ઉદાસી બની છવાઇ ગઇ હોય તેમ ભારેખમ લીસોટા ઉપસી આવ્યા.તેનાથી એજ પળે રડી પડાત પણ,અમિતની વાતથી બધાં હસ્યા એટલે તેની ઉદાસીનતા પ્રકાશિત પાંદડાઓમાં ક્યાંય ઓઝલ થઈ ગઈ.
હાય,હું મિસિસ પંડ્યા...ઉર્ફે અનસૂયા અનારકલી...આટલું કહીને દેવલી સાથે હાથ મિલાવીને તે પ્રોઢ લાગતી સ્ત્રી નટખટ,ચૂલબુલી ને તરંગી યૌવના જેમ પોતાના દાડમકળીસા દાંત દેખાડી ખિલખિલાટ હસે તેમ જાણે,યુવાનીના ઉંબરે ફરી ડગ માંડવા માંગતી હોય તેમ તે પોતાનું હાસ્ય વેરવા લાગી.
હાય....હું રીન.....રીન સરવૈયા....આમ તો બીજું નામ છે પણ, મને કોઈ હાય... મિસ રીન સરવૈયા....કહી બોલાવે તો,તેના પર સાત જન્મોની ખુશી પણ ન્યોછાવર કરી દઉં.!
હેલ્લો મિસ દેવલ હું કેશવ પરમાર ! ના ઓળખ્યો મને ? ઓહ તો વાંધો નહીં...હું પણ અઠવાડિયા પહેલાંજ વસેલો છું.હવે ઓળખી જશો.નો ટેન્શન.
દેવલી તો આભી બની જોતીજ રહી.એક પછી એક તેને મળવા આતુર હતા.કેટલા સંપથી લોકો નાત-જાત,ઉંમર,લીંગ ને રૂપ ભૂલીને એકબીજા સાથે હળી-મળીને રહેતા હોય તેવું તેમના મુખ પર સ્પષ્ટ વંચાતું હતું.જિંદગી તો અહીં પણ છે.આત્મા અજર-અમર છે તેની તેને સાબિત થઈ ગઈ.
હેલ્લો... મિસ...હું મીત હો ! મીત બોલે તો મીત કરપડા...પૃથ્વીલોકમાં બહુ મીત કર્યા અને ફુગાવો થઈ જતાં આ લોકમાં ધકેલી દીધો..નવા નવા મીત માટે.
દેવલીનું દર્દ ક્યાંય ગાયબ થઇ ગયું હતું ને તે આ બધાને આટલા ખુશ-મિજાજ જોઈને ખડખડાટ સ્મિત કરીને હસી પડી હતી.
....અને દેવલ આ છે ઉંમરમાં આપણા હંધાયથીએ નાની ને વિચાર-વાણીથી વયોવૃદ્ધ સમી હેમાંગિની...
બધાએ એકસાથે એ કિશોરીનો પરિચય આપ્યો.દેવલી તેને જોતીજ રહી.હુંતો યુવાનીના ડગ ભરીને ધરા પરથી ઓઝલ થઇ છું પણ, આતો...આતો...કિશોરીનો પડછાયો પણ માંડ-માંડ આભડયો છે ત્યાંજ અહીં આવી ગઈ....અને તેનાથી બોલાઈ જવાયું...
અરે...તું તો સાવ...
અરે તે એમ તો સાવ નાની નથી હો ! અહીં તો તે અમારા બધાયનાએ પહેલા આવી છે.પણ એમાં એવું છે ને; કે અહીં જે, જે ઉંમરે પગરણ માંડે તેજ ઉંમરમાં યથાવસ્ત રહે છે.કેમકે અહી તો તે નિયમનું જડબેસલાક પાલન થાય છે કે "આત્મા અજર-અમર,ને ઉંમરની બાંધ વિનાનો છે...હા... હા...હા.... (દેવલીને અધવચ્ચેજ રીન સરવૈયાએ અપૂર્ણલોકની સૌથી મોટા રહસ્યથી ભરેલી ખાસિયતની વાત ખડખડાટ હસતા કહી.)

************

.....અને આજે પણ તેને ઉદાસ જોઈને અમિતે..."અહીં આવો દેવલને કંઈક થયું છે" કહેતાજ બધા દોડી આવ્યા હતા.તેના ફરતે બધાય કીડીયાળું ઊભરાય તેમ વીંટળાઈ વળ્યા હતા.અમિત તેનો સાચો દોસ્ત બની ગયો હતો ને...થોડા દિવસોના સથવારામાંજ દેવલીએ હંધાયનું દિલ જીતી લીધું હતું.બધા કરતાં ચપળ અને ચાલાક પણ હતી.બધા તેના મિત્રો જેમ પોત-પોતાનો બદલો લેવા જતાં હતા તે જોઈ દેવલીએ પણ બદલાની ભાવના દર્શાવી ત્યારે કોઈને નવાઈ ન્હોતી લાગી અને ઉપરથી ગમે તે સંજોગોમાં સાથ-સહકાર આપવાની વાત કરી હતી.ત્રણ દિવસમાં તે આત્માઓનાં અધિસ્ઠાપતિ અલગોરીની પણ પ્રિય દોસ્ત બની ગઈ હતી.આટલા દિવસમાં બદલો લેવાની સાધનાની સાથે-સાથે અમિતે તેને અપૂર્ણલોકના કાયદા-કાનૂન અને રસમોની પણ સારી એવી સમજ આપી હતી.અહીં આત્મા બદલો લેવા જઈ શકતી હતી પણ શ્રાપિત દૈવીય વ્યક્તિને બદલો લેવાનો કોઈ અધિકાર કે હક નહોતા.અને બદલો લેવા ગયેલી આત્મા જો ૯૦ દિવસમાં પરત ન આવે તો તેની સાવ નજીકના દોસ્તને તેના હાલ-સંજોગો કે અન્ય મુશ્કેલીમાંથી છોડાવીને લાવવાની જવાબદારી સોંપાતી.અને એટલેજ નેવું દિવસ થવા છતાં દેવલી પરત ના આવતા અધિસ્ઠાપતિ અલગોરીએ "જીવંત દ્રશ્ય ગોળા" વડે કેદ થયેલી દેવલીને જોઈને તેના નજદીકી સખા અમિતને થોડીક ઓર શક્તિઓ આપીને લઈ આવવા મોકલ્યો હતો.
સ્થળ-હાલાત ને દેવલી કેદ હતી તે પાત્રની સ્થિતિ વિશે અલગોરીએ કહ્યું હોવાથી અમિત બોટલ સહિત દેવલીને લઈ આવ્યો હતો.બોટલની કેદમાંથી છોડાવી શકવાની શક્તિઓ અમિતને પ્રાપ્ત ના થઈ હોવાથી તે બોટલનેજ લઈ આવ્યો હતો.અને અધિસ્ઠાપતિ અલગોરીએ એક પળનોય વિલંબ કર્યા વિના પોતાની "કેદ આત્મીય મુક્તિ"ની વિદ્યાથી દેવલીને બોટલમાંથી આઝાદ કરી હતી.
દેવલીને બદલો તો લેવો હતો પણ,અપૂર્ણલોક અને આત્માઓના નિયમ મુજબ ૯૦ દિવસ સુધી કોઈ બદલા માટે આવેલી આત્માને કેદ કરે તો પછી તેજ લોકોનો બદલો તે નવ વર્ષ સુધી ના લઇ શકે.આથીજ દેવલી નવ વર્ષ બાદ બદલો લેવા ગઈ હતી.અને વેરની વસુલાતનું રક્ત ચાખતાજ તેનામાં શક્તિ પ્રબળ બની હતી.આ નવ વર્ષો દરમિયાન તેને અપૂર્ણલોકમાં પોતાના સાથીઓને બદલો લેવા કેટલીયવાર મદદ કરી હતી.પોતે બદલો લેવામાં એકદમ કાબિલ ને પરિપક્વ બનવા માગતી હોવાથી જેમ યોદ્ધો વધુ બળવાન બનવા વધારે જંગ ખેડે છે તેમ દેવલીએ પણ સાથીઓના બદલામાં રસ રેડીને ભાગ ભજવ્યો હતો.પણ,અહીં તે લાચાર થઈ ગઈ હતી.
તેને ખ્યાલ આવ્યો કે પોતાના શું છે ? ને પારકા શું છે ? (!) સાથીઓને બદલો લેવા મદદ કરતી ત્યારે તેનામાં કરૂણા,દયા કે લાગણીઓ નહોતી ઉદ્દભવતી. કેમ કે તે પારકા-પરાયા હતા.જ્યારે અહીં તો પોતીકાઓ કે પોતીકાઓથીએ અધિક માનીને જેની સાથે તેના આયખાના કેટલાંક અણમોલ વર્ષો ગાળ્યા હતા તેમનોજ બદલો લેવાનો હતો;અને ત્યાં તે લાગણીઓમાં ઓગળી જતી.પોતાના તે જિંદગીના અરમાનો ફરી જાગી ઉઠતા લાચાર થઇ જતી.ભાવનાઓમાં વહીને "મુવું જે થઇ ગયું તે થઈ ગયું"નો ભાવ ઉભરાતાજ પોતાના મકસદમાં બે ડગલાં માંડ ભરે ત્યાંજ હારી જતી.કદાચ અપૂર્ણલોકમાં પણ એટલોજ પ્રેમ,સહકાર ને લાગણી ના મળ્યા હોત તો,તે પોતે પોતાનો બદલો લઈ શકત ! પણ,અહીં તો ઊલટાનું તેનામાં જે લાગણી,પ્રેમ ને ભાવના હતી તેમાં ઓર વધારો કરે તેવી દુનિયા ને તેવા લોક મળ્યા હતા.અને એટલેજ લાગણીઓમાં ભિંજાઈને બદલો લેવાનો વિચાર રડાવી દેતાં બાપુને પણ જોયા વિના તે અપૂર્ણલોકમાં પરત ફરી હતી.ત્યાં જ તેની સામે અમિત આવી ચડતા તેની દોસ્તી માટે આટલા વર્ષ લગી તેની સાથે પડછાયા પેઠે ચાલનારા અમિત પ્રત્યે કૂણી લાગણીના ભાવ જાગ્યા પણ,.....

(વધુ આવતા ભાગમાં વાંચો શું દેવલીને અમિત પ્રત્યે કઈ ભાવ જાગે છે...?....અને તેના અપૂર્ણલોકના સાથીઓ કેમ અવગતે ભટકે છે તેની પણ હરેકના મોઢે પોતાની ગાથા....ખૂબ ખૂબ આભાર...અહીં બાકી રહેલા કિરદારને આવતા ભાગમાં સમાવીશ અને અહીં આ ભાગમાં જેને કિરદાર મળી ગયું હોય તેઓ જરૂર જણાવજો કે તેમનું કિરદારનું વર્ણન કેવું છે ...)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED