આરુદ્ધ an eternal love - ભાગ-૩૭ - છેલ્લો ભાગ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

આરુદ્ધ an eternal love - ભાગ-૩૭ - છેલ્લો ભાગ

અચાનક બંદૂક ચાલી અને અવાજ આવ્યો ધડામ.....

આર્યા લોહીમાં લથબથ પડી.... પેલા આતંકીની ગોળી એને વાગી હતી.... તુરંત અનિરુદ્ધની પણ ગોળી ચાલી અને એ આતંકી પણ ઢળી પડ્યો.... જે બની ગયું હતું એને અનિરુદ્ધ નિવારી શકે એમ ન હતો..... આર્યા પડી હતી.... અનિરુદ્ધના માટે એના વગર જીવવું અશક્ય હતું.... એણે પોતાના લમણે ગોળી તાકી અને ફરી અવાજ આવ્યો ધડામ...

માધવીથી ચીસ નખાઈ ગઈ અને એણે આંખ ખોલી.ઓહ.... આ તો પોતાનું દુઃસ્વપ્ન હતું. આર્યાને કશું થયું નથી. હકીકતે હજુ સુધી કોઈ ની ગોળી ચાલી ન હતી, એ માધવીની કલ્પના હતી.

માધવીની ચીસનો લાભ ઉઠાવીને અનિરુદ્ધે એક ગોળી પેલા આતંકીના બંદૂકવાળા હાથ પર મારી અને એક પળ પણ ગુમાવ્યા વગર બીજી ગોળી પગ પર મારી દીધી.

આટલું વાગવા છતાં એ આતંકીની હિંમત તૂટી ન હતી, એણે લોહી નીકળતા હાથથી બંદૂક કોઈપણ ભોગે છોડી નહીં, એણે બંદૂક ઊંચી કરી નિશાન લીધું, એ મારવા જતો હતો વસીમ અને અખિલેશને, પરંતુ વાગેલા હાથ વડે તેનું નિશાન ચૂકાઈ ગયું અને ગોળી સીધી આર્યા ને વાગી.

આર્યાનું નાજુક શરીર ગોળી નો ઘા સહન ન કરી શકે એ સ્વાભાવિક હતું, એનું લોહી વહેવા લાગ્યું. ધબ કરતી તે ત્યાં જ પડી ગઈ.

પેલાને કોઈ પણ ભોગે જીવતો રાખવાનો હતો એથી અનિરુદ્ધ હવે એને વધારે ઇજા કરી શકે એમ ન હતો. અનિરુદ્ધ સામે આવ્યો, હજુ પણ બંદૂક લઇને ઊભા થવા જઈ રહેલા એ આતંકીને એણે પોતાના મજબુત હાથ વડે ફરી ભોંય ભેગો કર્યો અને ઉતાવળે વસીમના હાથ ખોલી નાખ્યા. બાકીનું બધું કામ વસીમ અને અખિલેશે પૂરું કર્યું.

અનિરુદ્ધ માટે તો જાણે હવા સ્થિર થઈ ગઈ હતી, હ્રદયના ધબકારા ઝડપી બની ગયા હતા. સામે જ પોતાની પ્રાણપ્રિયા બેશુદ્ધ થઈને પડી હતી.

***

એની આંગળીઓ હલી, પછી હાથ હલ્યો. આખા શરીરમાં સંચાર થયો. એનો હાથ આંખો સુધી પહોંચ્યો અને એણે આંખો મસળી, જાણે લાંબી ઊંઘ લઇ ને ઉઠી હોય એમ એ એકદમ તરોતાજા લાગતી હતી. એણે આંખો ખોલી તો જોયું કે એ રંગબેરંગી અને તાજા ફૂલોથી ઘેરાયેલી હતી. આખું વાતાવરણ મઘમઘી રહ્યું હતું. એની પાસે જાણે આખો બગીચો પોતે આવી ગયો હતો.

ફૂલો જોઇને એણે સ્મિત આપ્યું અને આર્યાને ભાન આવી ગયું..... આર્યા ભાનમાં આવી ગઈ.... એવી ઉત્સાહથી ભરેલી બૂમો નખાવા લાગી.

"ગુડ મોર્નિંગ મેમ...." અમે બધા ક્યારના રાહ જોતા કે ક્યારે તમે આંખો ખોલો.

આર્યાએ હળવું સ્મિત આપ્યું અને નર્સ બહાર ચાલી ગઈ, એ બહાર ગઈ ત્યાં જ અનિરુદ્ધ ના ઘરના સભ્યો અંદર આવ્યા.

દાદાજી, પપ્પાજી અને અનિરુદ્ધના કાકા અને બીજા બધાએ બધાએ આર્યાના માથે હાથ મૂક્યો. દાદીજી એ બધાની હાજરીમાં હાથ જોડ્યા,

"મને માફ કરજે દીકરી, હું મારા અહમમાં આંધળી થઈ હતી. તારી અને અનિરુદ્ધ ની સાથે જે કંઈ પણ થયું એમાં મારો પણ હિસ્સો છે, મને માફ કરી દેજે બેટા!"

"દાદીજી, આવું કહીને મને શરમાવશો નહીં. તમે વડીલ છો, વડીલોએ આશીર્વાદ આપવાના હોય બાળકોની માફી ના માંગવાની હોય."આટલી લાંબી માંદગીમાંથી ઊઠ્યા પછી પણ આર્યા એવી જ સમજદારીની વાતો કરી રહી હતી.

થોડો સમય આર્યા સાથે વિતાવીને બધા વિદાય થયા. એકસાથે વધારે માણસોને મળવાની છૂટ ન હતી તેથી એ લોકો ગયા પછી માયાબહેન અને વિલાસ બહેન આવ્યા. આર્યાએ હિંમત એકઠી કરી અને બેઠી થઇ અને પોતાની બંને માતાઓને વારાફરતી ભેટી પડી. બંને માતાઓએ આર્યાને પ્રેમથી નવડાવી દીધી.

ડોક્ટર આવીને આર્યાનું ચેક અપ કરી ગયા અને જણાવ્યું કે આર્યાની તબિયત એકદમ સારી છે, ટૂંક સમયમાં એને રજા આપવામાં આવશે. ડોક્ટર ગયા પછી આર્યાએ પૂછ્યું,

"હું અહીં કેવી રીતે આવી? કશું યાદ આવતું નથી."

"તને ગોળી વાગી હતી. જે જગ્યાએ પહાડોમાં આ બન્યું હતું એ જગ્યાએ કોઈ જ હોસ્પિટલ ન હતી. અનિરુદ્ધે હેલીકોપ્ટર બોલાવીને તને હોસ્પિટલ પહોંચાડી હતી, છતા પણ જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ખૂબ મોડું થઇ ચુક્યું હતું. તારુ ઘણું લોહી વહી ચૂકયું હતું અને મગજ પર પણ અસર થઈ ગઈ હતી. ડોક્ટરના કહેવા મુજબ કદાચ તને દિવસો સુધી ભાન ન પણ આવે. આજે બરાબર પુરા વીસ દિવસે તું ભાનમાં આવી છે."

"અમે બધા વીસ દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે અમારી વહાલી દીકરી સાજી થાય અને અમે એને ઘેર લઈ જઈએ. બસ... હવે કંઈ જ મુશ્કેલી નહીં આવે. તે ઘણું સહન કર્યું છે. હવે માત્ર ખુશીઓ જ હશે તારા માટે." આર્યાની બંને માતાઓની આંખમાં આંસુ હતા.

" જ્યાં સુધી તમે બંને રડશો ત્યાં સુધી તો હું ઘેર નહીં જ આવું. મેં ઘણા દિવસોથી તમારા બંનેના હાથનું ભોજન ખાધું નથી, જો તમે બંને પ્રોમિસ કરતા હોય કે મને નવી નવી વાનગીઓ બનાવીને ખવડાવશો તો હું આવીશ." આર્યાએ કહ્યું અને બંને માતાઓ હસીને એને ફરી ભેટી પડી.

અવની, રેખા અને માધવી ત્રણેય આર્યાના રૂમની બહાર ઊભી હતી. એ વારંવાર ડોકાઈ જતી હતી.

"જ્યાં સુધી અમે બહાર નહીં જઈએ અને એ ત્રણેય અંદર નહીં આવે ત્યાં સુધી એમને શાંતિ નહીં થાય. વીસ દિવસથી એ ત્રણે રાહ જોઈને બહાર ઉભી રહે છે, ક્યારે તું ભાનમાં આવે અને ક્યારેય તારી સાથે વાતો કરે." એમ કહીને- હસીને માયાબહેન અને વિલાસબહેન ચાલતા થયા.

જેવા એ બંને બહાર ગયા એવી તુરંત આર્યાની ત્રણેય સખીઓ ઊછળતી કૂદતી અંદર આવી. એમના આનંદ અને ઉત્સાહનો પાર ન હતો.

આર્યા વારંવાર દરવાજા તરફ જોઈ રહી હતી.

"તુ જેને શોધે છે તે અત્યારે અહીં નથી. પરંતુ હમણાં આવશે, તને ખબર છે, એ રોજ નવા ફૂલોથી આ આખો રૂમ શણગારે છે. એકીટસે તારી સામે જોઈ રહે છે, મોટે ભાગે તો એમનું લેપટોપ લઈને અહીં જ કામ કરે છે. તું આ હોસ્પિટલની સ્પેશિયલ પેશન્ટ છે. જેટલો સમય પણ અનિરુદ્ધ અહીં હાજર હોય એટલો સમય નર્સની અહીં ખૂબ અવરજવર રહે છે.

તને ખબર છે, એમની સૂચના હતી કે તને ભાન આવે એટલે મીઠાઈ તરીકે બધાને ખાંડના લાડવા આપવા!" હસતાં હસતાં અવનીએ બધી માહિતી આપી દીધી.

"તને ગોળી વાગી હતી એ સમયે એમની હાલત બહુ ખરાબ હતી. રોજ છાપાઓમાં એમના વખાણ આવે છે, એમની બહાદુરીની કથા આવે છે, પણ તને ગોળી વાગી ત્યારે તો એ એકદમ સામાન્ય માણસ હતા જાણે! એમના દુઃખનો પાર ન હતો. ત્યાંની હોસ્પિટલના ડોક્ટરે તને અહીંની હોસ્પિટલમાં લાવવાની છૂટ ન આપી ત્યાં સુધી એમણે મોંમાં કશું નાખ્યું પણ ન હતું."માધવીએ કહ્યું.

"તમારી માંદગીના લીધે એ અમો સાથે વાતો કરે છે. એ વીસ દિવસમાં હસ્યા નથી, પરંતુ તમો ની બેભાનાવસ્થામાં અમોએ એમની ખૂબ કાળજી લીધી છે, કારણ કે અમોની ફરજ બને છે. સાળી આખરે અડધી ઘરવાળી હોય છે." રેખાની વાતથી આર્યા હસી પડી.

એ રૂમના કાચમાં બહારથી અંદર દેખાતું ન હતું પરંતુ અંદરથી બહાર દેખાતું હતું, બહાર અનિરુદ્ધ આવી ગયો હતો. હંમેશની જેમ એ આજે પણ આકર્ષક દેખાતો હતો, પોતાના બંને હાથ ખિસ્સામાં નાખીને એ આંટા મારતો બહાર રાહ જોઈ રહ્યો હતો.

"આપણે તો અહીંથી જવું જ નથી, ભલે રાહ જોતાં!"અનિરુદ્ધ ને જોઈને રેખા અને માધવીએ એક સ્વરે કહ્યું.

અવની એ બંનેને ખેંચીને પરાણે બહાર લઈ ગઈ, અનિરુદ્ધ બધાને બારણામાં જ મળ્યો.

"આપની આજ્ઞા હોય તો હું થોડી વાર માટે આપની સખી ને મળી લ‌ઉં?" અનિરુદ્ધે હાથ જોડીને કહ્યું, "આપ લોકો ઈચ્છો તો આ ધન રાશિ પણ રાખી શકો છો."કહીને અનિરુદ્ધે પેલી ખોટી પાંચસોની નોટ માધવીને પકડાવી. માધવી તો શરમાઈ ગઈ, જીવનમાં પહેલીવાર.

"જી, બિલકુલ આપ મળી શકો છો."

" ધન્યવાદ."

અનિરુદ્ધ અંદર ગયો, જાણે સદીઓનો સમય જતો રહ્યો હતો! આર્યા સાથે વાતો કરવા અનિરુદ્ધ અત્યાર સુધી વિહ્વળ હતો, પણ હવે જ્યારે એ ઘડી આવી પહોંચી હતી ત્યારે એને બોલવા માટે શબ્દો શોધવા પડતા હતા.

"હાઉ ડુ યુ ફીલ નાઉ?"

"મને એકદમ સારું છે." કહીને આર્યાએ અનિરુદ્ધની આંખોમાં જોયું અને પૂછ્યું, "તમે?"

"મને સારું છે, હવે તારે આરામ કરવો જોઈએ." કહીને અનિરુદ્ધ સડસડાટ ચાલ્યો ગયો. એની ચૂપકીદી કંઈ કેટલાય સવાલ કરી ગ‌ઈ. મોંએથી ન બોલવા છતાં કેટલીય ફરિયાદ કરી ગ‌ઈ.

અનિરુદ્ધ ગયો અને તરત રીવા આવી. એની પાછળ પાછળ માધવી, અવની અને રેખા પણ આવી. રીવા તો સીધી આર્યાને ભેટી પડી.

"તને જોઈને એટલો આનંદ થાય છે કે વાત ન પૂછીશ. આજે આવવાનું મોડું થયું, સોરી. પહેલા તારી પાછા આવવાની રાહ જોતી હતી અને હવે તારી ભાનમાં આવવાની રાહ જોતી હતી. મેં દાદાજીને ચોખ્ખું કહી દીધું હતું કે ભાઈ અને આર્યા વગર હું લગ્ન નહીં કરું. પણ ભાઈ અત્યારે આમ કેમ જતા રહ્યા?

રોજ તો કલાકો તારી સામે બેસી રહેતા અને હવે તો તું ઊભી થઈ છે તો જતાં રહ્યાં?"

રેખા, અવની અને માધવીનો પણ આ જ પ્રશ્ન હતો.

"એમને શું થયું એ હું જાણું છું. હવે મારો વારો છે. એ રીસાયા હોય તો હું એમને મનાવીશ. પણ એના માટે તમારે બધાએ મને મદદ કરવી પડશે."

"અમે તૈયાર છીએ..."ચારે એકી સાથે કહ્યું.

***

"આર્યા તૈયાર થઈ જા, તને રજા મળી ગઈ છે.બધા બહાર તારી રાહ જૂએ છે.તને લેવા માટે ઘરના બધા જ આવ્યા છે."

"પણ હું નહીં આવું."

"કેમ?"

"જ્યાં સુધી તમારા ભાઈ મને નહીં લઈ જાય ત્યાં સુધી નહીં આવું. એ હાજર હોય તો એમને કહો, ન હોય તો ફોન કરો, નણંદ બા." કહીને આર્યાએ આંખ મિચકારી.

"તું પણ નાટકબાજ થતી જાય છે." કહીને રીવાએ ફોન લગાવ્યો.

બધુ એ પાંચે છોકરીઓની યોજના મુજબ થ‌ઈ રહ્યું હતું. અનિરુદ્ધ આર્યાને લેવા માટે આવ્યો, અનિરુદ્ધ બોલતો ન હતો, પરંતુ આર્યાની કાળજી તો ખૂબ કરતો હતો. એણે પોતાની જાતે આર્યાને પોતાની બાજુની સીટ પર બેસાડી. આખા રસ્તે એ કશું બોલ્યો નહીં.

ઘેર પહોંચતા જ આર્યાનું રજવાડી ઠાઠથી સ્વાગત કરવામાં આવ્યું. બધા ખુશખુશાલ હતા અને બધાના ચહેરા પર સ્મિત હતું. મહેલના મુખ્ય હોલમાં બધા એકઠા થયા હતા, થોડી વાર વાતો કર્યા પછી આર્યાને આરામ કરવા દેવાના ઈરાદે બધા વિખરાયા. બધી છોકરીઓ, આર્યા, માયાબહેન અને વિલાસબહેન બાકી રહ્યા. એજ વખતે ત્યાંથી ફૂલોની ટોકરીઓ અને બીજો બધો ડેકોરેશનનો સામાન લ‌ઈને માણસો પસાર થયા, ઊપરના માળે ગયા. એમની સાથે છોકરીઓ પણ ગઈ. માત્ર આર્યા અને રીવા બાકી રહી.

"માયાબહેન, આર્યા ખૂબ અશક્ત જણાય છે, એના માટે સરસ મજાનો શીરો બનાવીશું?" બધું સમજી ગયેલા વિલાસબહેન અને માયાબહેન ચાલતા થયા.

થોડીવાર પછી અનિરુદ્ધ ત્યાંથી નીકળ્યો અને રીવાએ ચલાવ્યું,

"ભાઈ, લિફ્ટ ખરાબ થઈ ગઈ છે, આર્યાને છેક અમારા રુમમાં જવું છે. હું તો કહું છું કે અહીં આરામ કર પણ એ માનતી નથી. એટલા પગથિયાં ચડશે તો ચક્કર ખાઈને પડી જશે."

અનિરુદ્ધે કશું કહ્યા વગર આર્યાને ઊંચકી લીધી, પગથિયાં ચડવા લાગ્યો. આર્યાએ એના બંને હાથ એના ખભે વીંટાળી દીધા. આર્યા આંખો બંધ કરીને એ ક્ષણો માણી રહી.

"આર્યા...."

"હં....."

"આપણે પહોંચી ગયા છીએ."

"મને ગાર્ડન સુધી લઈ જાઓ પ્લીઝ..."

ત્યાં પહોંચીને અનિરુદ્ધ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો, એણે પહેલા કર્યું હતું એથી પણ સુંદર રીતે બગીચાનું ડેકોરેશન કરવામાં આવ્યું હતું. એને પૂછવાની જરૂર ન હતી કે આ બધું કોણે કરાવ્યું હતું. બધા માણસો અને આર્યાની સખીઓ નીચે ચાલ્યા ગયા અને એ બંને એકલા પડ્યા.

આર્યા અનિરુદ્ધની સામે ઉભી રહી અને એકદમ પ્રેમાળ સ્વરે પૂછ્યું,

"હું જાણું છું કે તમે મારાથી નારાજ છો, તમને હક પણ છે આવું કરવાનો. પણ હવે માની જશો ને!"

અનિરુદ્ધ આર્યાની નજીક પહોંચ્યો, પોતાના હાથ વડે એનું મોં પકડીને એની આંખોમાં આંખો નાંખીને કહ્યું,

"હું તારાથી નારાજ તો કોઈ કાળે ના થઈ શકું, પણ દુઃખી છું. તું અહીંથી ગઈ, તો તને એક વાર પણ મને મળવાની જરૂર ન લાગી? તને આપણા પરિવારની આબરૂનો વિચાર હતો, પણ મારો વિચાર એકવાર પણ ના આવ્યો? એ અનન્યાને તો હું પહોંચી વળેત. બધું સંભાળી લેત. તને તારા અનિરુદ્ધ પર વિશ્વાસ નહોતો? તને ખબર છે તારા વગર આ છ મહિનાની એક એક ક્ષણ મારા માટે કેટલી મુશ્કેલ હતી?"

પહાડથી પણ સખત અને મજબૂત મન ધરાવનાર અનિરુદ્ધની આંખો માં આજે આંસુ ડોકાયા હતા. એ દૂર જઇને અવળું ફરીને ઊભો રહ્યો. આર્યા એને પાછળથી વળગી પડી.

"મારા માટે પણ સરળ ન હતું અનિરુદ્ધ. પરંતુ એ સમયે હું ખૂબ ડરી ગઈ હતી, મારું પ્રથમ ધ્યેય અનન્યાને એ કામ કરતી રોકવાનું હતું. મને લાગતું હતું કે આપણે બંને જ્યાં સુધી સાથે હોઈશું ત્યાં સુધી તમે માત્ર દુઃખી જ થશો. હું તમને દુઃખી જોઇ શકતી નથી. પરંતુ હિમાલયમાં મળેલા મારા પિતાએ મને સમજાવ્યું કે જે થવાનું હોય એ થઈને જ રહે છે. હવે હું સ્પષ્ટ છું."

આર્યા થોડી દુર ખસી, ઢીંચણ પર બેઠી. એક રીંગ કાઢી,

"મારી સાથે લગ્ન કરશો, કલેક્ટર સાહેબ?"

અનિરુદ્ધ પાછળ ફરીને જોયું તો આર્યા પોતાને લગ્નનો પ્રસ્તાવ આપી રહી હતી, હાથમાં વીંટી સાથે.

અનિરુદ્ધે એને ઊભી કરીને ગળે વળગાડી દીધી. ઊંચકી જ લીધી. બંને ભેટી પડ્યા, એક બીજાથી કદી જુદાં ન થવા માટે. ફરિયાદો ઓગળી ગઈ, માત્ર નિસ્વાર્થ પ્રેમ છલકાઈ રહ્યો. ઘૂઘવતા દરિયો પોતાના હાથ પહોળા કરીને ઊભો હતો અને ધસમસતી આવતી નદી એનામાં એકાકાર થઈ ગઈ હતી.

તારે મઢેલું આકાશ આરુદ્ધના એ ભવ્ય મિલનનું સાક્ષી બની રહ્યું. એ જ વખતે મહેલના પ્રાંગણમાં પણ આતશબાજી શરૂ થઈ અને બે હ્રદયો હંમેશા માટે એક થયાં.

***

થોડા દિવસો પછી આખા એ વિસ્તારે ભવ્ય લગ્ન માણ્યા, આરુદ્ધના લગ્નમાં આખો એ વિસ્તાર સહભાગી થયો. આર્યાને સાથે રાખીને અનિરુદ્ધે દેશસેવા માટે સન્માન પણ મેળવ્યું. જય મળી ગયો હતો. એણે પોતાની ન્યુઝ ચેનલો વડે અનિરુદ્ધે કરેલી દેશસેવાના કામને ખૂબ પ્રખ્યાત બનાવી દીધું હતું. આખો દેશ એના કામની નોંધ લઇને અભિનંદન વરસાવી રહ્યો .

આર્યા અને અનિરુદ્ધે પ્રેમની સંકીર્ણ સંકલ્પનાઓમાંથી નીકળીને વિશાળ અર્થ શોધ્યો હતો. નવા સંબંધો મળ્યા હતા અને જીવનના ભવ્ય અર્થ સમજાયા હતા. જીવન તો નિરંતર છે, ગતિશીલ છે, અંહી આપણી આ કથા પૂર્ણ થાય છે. કહેવાતા પ્રેમને ખાતર પોતાનું જીવન બરબાદ કરી દેનાર માટે આપણા આરુદ્ધનું જીવન પ્રેરણાદાયી છે. આશા છે કે કોઈ ને કોઈ પળે કે સંજોગોમાં આ કથા વાચકને ઉપયોગી નીવડશે.

સમાપ્ત

પ્રતિલિપિ પર ભાગ્યે જ કોઈ નવલકથાને આરુદ્ધ જેટલી સફળતા મળી હશે, એ બદલ સર્વેનો હ્રદયથી આભાર. નવલકથા જ્યારે લખાઈ રહી હતી ત્યારે જે અનુભવો થયા એ ખરેખર અવિસ્મરણીય છે. ઘણા વાચકોએ તો વાંચન જ આ નવલકથાથી શરૂ કર્યું છે, એ સર્વેની વાંચનયાત્રા નિરંતર અને પ્રેરણાલક્ષી રહે તેવી શુભેચ્છા. સતત ૩૭ દિવસ સુધી રોજ એક ભાગ લખવા માટે જિદ અને આગ્રહ કરનાર દરેક વાચકમિત્રો થકી આ નવલકથા ઉજ્જવળ છે. આપ સૌનું આગળના ભાગની રાહ જોવું એ જ મને પ્રેરણા આપતું હતું. તમારા સૌના રીવ્યુ ના જવાબ આપી શકાયા નથી, એ બદલ દિલગીર છું પરંતુ આપ સૌની પ્રેરણા આમ જ મળતી રહે....

આ નવલકથાની યાત્રા કેવી રહી એ જરૂરથી કહેજો. ફરી કોઈ નવા વિષય અને નવી કથા સાથે મળીશું જરૂર.

ખૂબ ખૂબ ધન્યવાદ 🙏