Aaruddh an eternal love - 36 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૩૬

માધવી બહાર જ ઊભી રહી અને આર્યા નવાઈ પામતી, વિચારતી ફરી અંદર ગઈ.

"મારા ગુરુજીએ કહ્યું હતું બેટા, કે ભૂતકાળ એક દિવસ તારી સામે આવીને ઉભો રહેશે! આજે આ કથન સત્ય થયું છે. એમણે બરાબર આજ સમય કહ્યો હતો તારા આવવા માટે. તને જોતાં જ મને અનુભૂતિ થઈ ગઈ હતી."

"હું કશું સમજી નહીં ગુરુજી."

"હું તારો પિતા છું બેટા!"

આર્યા માટે ફરી નવું આશ્ચર્ય આવી પડ્યું. છેલ્લા એક વર્ષથી એની જિંદગી જાણે આશ્ચર્યોની હારમાળા બની ગઈ હતી. આર્યાની ધીરજ અને સમજશક્તિ અપ્રતિમ હતી પરંતુ વારંવાર એને નવા સંબંધો અને નવી ઓળખાણો મળી રહી હતી, એનું જીવન જાણે આશ્ચર્યોની પ્રયોગશાળા બની ગયું હતું!

"કાશ! તમે મને આ વાત ન કરી હોત! હજુ સુધી કોઈ સંબંધમાં મને સુખ મળ્યું નથી, ત્યાં આ નવો સંબંધ!"

"મેં પણ નક્કી કર્યું હતું કે, ભૂતકાળમાં પડવું નહીં, હું સંન્યાસી નથી, માત્ર અહીં તપસ્યા જ કરું છું! હું હવે સંસારમાં પાછો ફરવાનો નથી, પરંતુ થોડે અંશે હું તારી માતાનો ગુનેગાર છું! મેં તેની સાથે લગ્ન કર્યા હતા એટલે મારે એમનું રક્ષણ કરવું જોઈતું હતું, પણ હું નિર્બળ હતો. એના લગ્ન અન્યત્ર થયા છતાં પણ હું માફી પણ માંગી શક્યો નહીં. બસ... ત્યારથી જ અહીં હું તપશ્ચર્યા કરું છું! પરંતુ એની અને તારી માફી વગર મારી તપશ્ચર્યા અધુરી છે દીકરી!

મારા ગુરુજી ખૂબ સિદ્ધ છે, એમણે જેવું તારું વર્ણન કર્યું હતું તો એવી જ છે અદ્દલ. "

"જે ભૂતકાળ છે એને હવે ફરી ઉખાડવા નો કોઈ અર્થ નથી! બધા એકબીજાને માફ કરી ચૂક્યા છે. મારી માતા તો જ્યાં પણ છે ત્યાં તમને માફ કરી ચૂકી છે, રહી વાત મારી તો હું મારી જ તકલીફમાંથી મુક્ત થઈ નથી ત્યાં બીજાનો દોષ વિચારવાનો તો અવકાશ જ નથી!"

"આવનાર થોડા કલાકો તારા માટે ખૂબ મહત્ત્વના છે, શું થશે એ કહીશ નહીં પરંતુ તારા જીવનની સૌથી મોટી ઘટના બનનાર છે! જેમ તું હંમેશા ધીરજ અને સમજપૂર્વક કામ લે છે એવી જ રીતે આવનાર ક્ષણોમાં પણ લેજે."

"જી.... હું આપની વાત યાદ રાખીશ. આપ કશો અપરાધભાવ કે મન પર બોજ રાખશો નહીં." આર્યાએ હંમેશની જેમ સમજણ દાખવી.

"ગુરુજીએ કહ્યું હતું કે તારી પુત્રી એક દિવસ અહીં આવશે, એ દિવસ તારા માટે આશ્રમ નો છેલ્લો દિવસ હશે! હવે હું નિશ્ચિંત થઈને ઉપર પહાડોમાં તપશ્ચર્યા માટે જઈ શકું છું. પ્રભુ તારું જીવન સુખી અને આનંદી બનાવે."

એ જ ક્ષણે ગુરુજી ઉભા થયા અને તેમના આસનને ઊંચું કર્યું, એ આસન નીચે રહેલ દ્વાર પોતાના હાથ થી ખોલી અને એમાં પ્રવેશી ગયા, અંદર જઇને એ દ્વાર બંધ કર્યું અને અદ્રશ્ય થઈ ગયા. તુરંત જ કોઈ માણસ અંદર આવ્યો અને એ આસન પર બેસી ગયો..

ઘડીભર માટે તો આર્યાને પણ થયું કે એ પણ ગુરુજી પાછળ જતી રહે પહાડોમાં, એ આગળ વધી પણ ખરી!

"એ આપનો વિષય નથી! તમે અહીંથી જઈ શકો છો." રુક્ષ સ્વરે બોલનાર એ માણસ આર્યા ને વિચિત્ર લાગ્યો. એ માણસનો ચહેરો અને આંખો એના સંન્યાસીના કપડા સાથે મેળ ખાતી ન હતી. ક્રૂરતા એના ચહેરા પર ઉભરી આવી હતી. આંખો ખુન્નસ ભરેલી હતી. આર્યા એક ક્ષણ માટે પણ એ રૂમમાં ન રહે એવા એના હાવભાવ હતાં.

તુરંત એણે એની જાતને સંભાળી લીધી અને એ કક્ષમાંથી બહાર નીકળી.

હજુ એ બહાર નીકળી જ હતી ત્યાં તો ધડબડ કરતા સૈનિકોનું એક આખું જૂથ આવ્યું અને આખા આશ્રમમાં ફરી વળ્યું!

બધા નવાઈથી એ લોકોને જોઈ રહ્યાં, સૈનિકો આખા આશ્રમની તલાશી રહ્યા હતા અને એમના શક મુજબ એમને એક બોમ્બ મળ્યો પણ ખરો.

"એક્સક્યુઝ મી... તમે પેલા હીરો સાથે સફરજનના બગીચા જોવા આવ્યા હતા એ જ છો કે!" માધવી એની હંમેશની ટેવ મુજબ બોલ્યા વગર રહી શકી નહિ.

"હા એ જ છું. તમે ક્યારથી અહીં આવ્યા છો?"અખિલેશે પૂછ્યું.

"બસ થોડી કલાકો પહેલા જ!"

"અહીં બોમ્બ મળ્યો છે, અમે એક માણસને પણ શોધીએ છીએ, અહીં આશ્રમમાં જ છુપાયો છે. કોઇ શંકાસ્પદ માણસ તમે અહીં જોયો છે?"

માધવી ના પાડવા જતી જ હતી ત્યાં આર્યાએ કહ્યું, "અત્યારે જ મેં એક એવો માણસ જોયો છે, એના ઈરાદાઓ મને કંઈક વિચિત્ર લાગ્યા. ચાલો મારી સાથે."કહીને આર્યા અખિલેશને ગુરુજીના કક્ષમાં લઈ ગઈ.

એ કક્ષમાંમા જોયું તો આર્યાની નવાઈ વચ્ચે કોઈ ન હતું!

"એ અત્યારે જ અહીં બેઠો હતો! અને આશ્રમ બહાર તો તમે સૈનિકો ઊભા રાખ્યા છે!"

"તો એ ક્યાં છટકી ગયો?"

"હં... હું જાણું છું કે એ ક્યાં ગયો હશે! ચાલો મારી સાથે."

આર્યાએ આસન ઊંચું કરીને પેલું ગુપ્ત દ્વાર ખોલ્યું, અખિલેશે એમાં પ્રવેશ્યો. માધવી અને આર્યા પણ ગ‌ઈ.

ટોપ સિક્રેટ મિશન હતું પરંતુ આર્યા અને માધવીની મદદ લેવી પડે એમ હતું, કારણ કે અનિરુદ્ધ સિવાય હવે આર્યાએ જ એ માણસને જોયો હતો.

એ ગુપ્ત રસ્તો એકદમ સાંકડો હતો. પહેલા ૫૦૦ મીટર જેટલા પગથિયા આવ્યા અને ત્યારબાદ રસ્તો પહોળો થયો. પહોળો થતાં જ બાજુમાં ઘાસ દેખાવા લાગ્યું, રસ્તો ધીમે ધીમે એક કેડી બની ગયો અને જંગલ સુધી પહોંચી ગયો. એ રસ્તો કયા વિસ્તારમાં હતો એ આર્યા માધવી કે સૈનિકો કોઈ સમજી શક્યું નહીં. એ લોકો એકાદ કલાક જેટલું ચાલ્યા હશે, એ કેડી સિવાય જંગલમાં બીજો કોઈ રસ્તો ન હતો એટલે પેલો માણસ આ જ રસ્તે ગયો હોવો જોઈએ એવું એ લોકોએ વિચાર્યું.

રસ્તામાં ક્યાંય ગુરુજી દેખાયા નહીં. આર્યાની નજરો સતત એમને પણ શોધી રહી હતી. આર્યાએ બાજુ પર દેખાતા ઊંચા પર્વતો સામે જોયું. દૂર-દૂર ઘણે ઊંચે એને એક માનવ આકૃતિ દેખાઈ, ગુરુજી જ હતા. સફેદ બરફથી શોભાયમાન એ પર્વત પર એના પિતા ભગવાં વસ્ત્રોમાં શોભતા હતા. આર્યા માટે એના પિતાના અંતિમ દર્શન હતા, કારણ કે હિમાલયમાં લીન થવા માટે જનાર એના પિતા હવે કદી એને મળવાના ન હતા. એ નિસ્પૃહ હતાં પરંતુ આર્યા તો સંવેધનોથી ભરપૂર હતી, એની આંખોમાં આંસુ આવી ગયા.

એ રસ્તો આખરે મંજિલે પહોંચ્યો, સામે બે મોટા મોટા બંકર દેખાતા હતા, એને જોતાં જ વસીમ બોલી ઊઠ્યો, "આતો અમારા આર્મીના બંકર છે! એનો અર્થ એમ કે પેલો અહીં છેક પહોંચી ગયો છે!"

વસીમ અને અખિલેશે પોતાના હથિયારો સજ્જ કરી લીધા, એ બંને લપાતા છુપાતા પાછળના ભાગે ગયા. બારીમાંથી ડોકાતી હોય તો એમનો શક સાચો પડ્યો. એ બંકરમાં રહેલા કંટ્રોલરૂમનો હવાલો પેલા આતંકીએ લઈ લીધો હતો. પણ એ એકલો જ હતો, પાસે બે જવાનોની લાશ પડી હતી અને ત્રણ જવાનોને બંદી બનાવેલા હતા. બાંધેલા એ ત્રણે જવાનોને ટોર્ચર કરીને એ બધું પૂછી રહ્યો હતો. એને જોઈને વસીમ અને અખિલેશ માટે નવી પરિસ્થિતિ ઉભી થઈ હતી, અનિરુદ્ધને કશી જાણ કરવાનો સમય ન હતો. એ લોકોએ આર્યા અને માધવીને આવ્યા હતા એ જ રસ્તે પાછા જવા કહ્યું અને બન્ને ચાલતા થયા.

"એટલી બધી શી ઉતાવળ છે?"કહેતા બે બીજા આતંકીઓ આવ્યા અને એમણે આર્યા અને માધવીને પણ પકડી લીધા.

વસીમ અને અખિલેશને પણ સરેન્ડર કરીને એમની સાથે અંદર જવું પડ્યું. કંટ્રોલરૂમમાં જે ખુરશી પર બેઠો હતો અને જે આશ્રમમાંથી અહીં આવ્યો હતો એ મુખ્ય આતંકી હતો. એ કોઈને ફોન લગાવવા પ્રયત્ન કરી રહ્યો હતો પરંતુ સામેના છેડે કોઈ જવાબ આપતું ન હતું.

"શું થયું? એકલો થઈ ગયો કે શું?"અખિલેશે પૂછ્યું.

"તારું મોઢું બંધ રાખ. આ ફોનનો ઉપડે એટલી વાર છે. કેદારનાથના રસ્તે અંધાધૂંધ ગોળીબાર થશે. લાશો પડી જશે. તારા દેશમાં કોઈ દિવસ નહીં થયો હોય એટલો મોટો આતંકવાદી હુમલો થશે."કહીને પહેલો અટ્ટ હાસ્ય કરવા લાગ્યો.

"તારા માણસો ફોન ઉપાડવા માટે જીવતા હશે તો ફોન ઉપાડશે અને તો ગોળીબાર કરશે ને?"કહીને વસીમ પણ હસ્યો.

"એટલે તું કહેવા શું માંગે છે?"

"અમારા સરે એ રસ્તે બેસીને બધાને શોધી કાઢ્યા છે અને બધાને ભોંય ભેગા કરી દીધા છે. હવે તારો ફોન એમાંથી કોઈ નહીં ઉપાડે."

‌. આ સાંભળીને પેલો બરાબરનો ખિજાયો. થોડીવાર પગ પછાડ્યા અને પછી શાંતિથી બેસી ગયો.

"આજકાલ તો ચકલીઓ પણ બહુ ઉડવા લાગી છે!"કહીને એ ઊભો થયો અને છેક આર્યા પાસે પહોંચીને એના વાળ જોરથી ખેંચ્યા. આર્યાથી ચીસ નખાઈ ગઈ. એનો દેખાવ ભયંકર હતો, એનો અંદાજ તો આર્યાને આશ્રમમાં જ આવી ગયેલો. એને જોતા જ માધવી ખૂબ ડરી ગઈ.

"હવે મોટો સોદો થશે. આટલા માણસો અને કંટ્રોલ રૂમ એ બધું છોડાવવા માટે તમારી સેનાએ અમને ઘણું આપવું પડશે. વિચાર થાય છે કે બધાને છોડું કે કોઈને નહીં. "કહીને એ અટ્ટહાસ્ય કરવા લાગ્યો. એનું અટ્ટહાસ્ય ઘૃણા પણ ઉત્પન્ન કરતું હતું અને ડર પણ લગાડતું હતું.

પેલા માણસે બે-ચાર આંટા માર્યા અને ફરીવાર આર્યા પાસે જઈ પહોંચ્યો.

એણે આર્યાનું મોં પોતાના સખત હાથ વડે પકડ્યું, આર્યાનું મોં લાલઘૂમ થઈ ગયું. "તને તો હું કોઈ કાળે નહીં છોડુ, મારી સાથે લઈ જઈશ! આઈ વિલ હેવ ફન." એની સખત પકડ અને એના ઘૃણા આવે એવા દેખાવથી આર્યા ફફડી ઊઠી. એ બીજા હાથ વડે આર્યાને પકડવા જતો જ હતો ત્યાં એના બે આતંકી સાથીઓ ઢળી પડ્યા, એમના પર બંદુક વડે વાર થયો હતો, બે ધડાકા થયા અને એ બંનેનું કામ તમામ થઈ ચૂક્યું હતું. એ સાબદો થયો અને એણે પોતાની બંદૂક ખિસ્સામાંથી કાઢી અને તુરંત આર્યાના માથે ધરી દીધી.

"જે કોઈ પણ હોય સામે આવી જાય.... તુરંત... બિલકુલ સમય નથી. આ છોકરી ના માથામાં ગોળી પહોંચતા વાર નહિ લાગે. તમારી સેના તો બહુ દયાળુ છે, આ છોકરીનો જીવ જવા દ‌ઈશ?"

"અનિરુદ્ધ સર, આ માણસે છેલ્લા છ મહિનામાં ઘણા લોકોના જીવ લઈ લીધા છે. તમે ખૂબ મહેનતે આને પકડ્યો છે, હવે જીવતો જવા ન દેતા. આ લોકો ખૂબ કાયર હોય છે. મોત માથે ઝળુંબતું હોય ત્યારે એ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે." વસીમે જ અનિરુદ્ધને સિગ્નલ મોકલ્યા હતા અને અનિરુદ્ધ આવી પહોંચ્યો હતો.

અનિરુદ્ધનું નામ સાંભળીને આર્યાને જોર જોરથી ધકધક થઈ રહ્યું. પોતે જે ક્ષણથી ભાગતી હતી એ આજે આવીને ઊભી હતી, પણ કેવા સંજોગો.... કેવી જગ્યા.... કેવી પરિસ્થિતિ.... અનિરુદ્ધ પણ એ બંકરની બહાર ઉભો હતો, બંને વચ્ચે માત્ર એક પાતળી દીવાલ હતી.
કોઈ પણ ક્ષણે હવે બંને સામ સામે આવનાર હતા અથવા જો પેલાની બંદુક ચાલી જાય તો કદી ભેગા થવાના ન હતા. અનિરુદ્ધના હાથમાં નિર્ણય હતો.

"અનિરુદ્ધ.... જો તમે મને સાચો પ્રેમ કર્યો હોય તો આ માણસની વાત બિલકુલ માનતા નહીં, જે આપણા દેશ માટે યોગ્ય હોય એ જ કરજો. આખા દેશ સામે મારો જીવ બિલકુલ મહત્વનો નથી. એક આર્યાના મરણથી જો આવા નરાધમ પકડાતા હોય તો આ મરણ જ જીવનને સાર્થક બનાવશે. મને મરવાનો ડર નથી, કલેકટર સાહેબ..."

કલેકટર સાહેબ.... પોતાનું પ્રિય સંબોધન પોતાની પ્રાણપ્રિયાના મોં એ.... આટલા સમયે.... પણ કેવા સંજોગોમાં..... ત્યાં ઉભેલા વસીમ, અખિલેશ અને માધવી એ બધાના હૃદયના ધબકારા વધી ગયા કારણકે એકબીજાને જીવથી પણ વધારે પ્રેમ કરનાર બન્ને સામસામે આવી ગયા હતા પણ કેવી પરિસ્થિતિમાં? આર્યા બિલકુલ મક્કમ હતી, દિવાલ ની પેલે પાર એટલો જ મક્કમ અનિરુદ્ધ હતો. વધુ સમય ન હતો....

અચાનક બંદૂક ચાલી અને અવાજ આવ્યો ધડામ......

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED