રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 34 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 34

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૪

અચાનક ધૂળની ડમરીઓ શાંત થઈ, ઘોડાનાં અવાજ ધીમા થયાં. દ્રશ્યક્ષમતા પુનઃ પહેલાં જેવી થતાં જ રુદ્રએ જોયું તો ત્યાં પોતાનાં ઘોડેસવારો સાથે હિમાન મોજુદ હતો, હિમાલ દેશનો રાજા હિમાન.

પોતાનાં અશ્વ પરથી ઉતરી હિમાન અને હિમાલ દેશનો સેનાપતિ વારંગા રુદ્રની તરફ અગ્રેસર થયાં.

"રાજકુમાર રુદ્રને હિમાલ નરેશ હિમાનનાં નમસ્કાર." રુદ્રની સામે વિનયપૂર્વક હાથ જોડી હિમાન બોલ્યો.

"મહારાજ હિમાનનું હું રાજકુમાર રુદ્ર અંતઃકરણથી સ્વાગત કરું છું."

"રાજકુમાર, મને કાલે રાતે જ મહારાજ દેવદત્ત અને મહારાણીનાં અપમૃત્યુનાં દુઃખદ સમાચાર પ્રાપ્ત થયાં. મહાદેવ એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના." રુદ્રને આશ્વાસન આપતાં હિમાન બોલ્યો.

"આપની હમદર્દી માટે આભાર રાજન. તો આપનાં અહીં આવવાનું પ્રયોજન બસ આટલું જ હતું?" હિમાનની જોડે આવેલાં હજારો સૈનિકો અને ઘોડેસવારો તરફ જોતાં રુદ્રએ પૂછ્યું.

"રાજકુમાર, જો ફક્ત દિલાસો આપવાં જ આવવું હોત તો હું એકલો જ આવ્યો હોત. પણ મને જાણવા મળ્યું કે તમે દુષ્ટ અગ્નિરાજ સામે યુદ્ધ કરવા જઈ રહ્યાં છો એટલે હું રાતે જ મારાં પાંચ હજાર ઘોડેસવાર અને દસ હજાર હિમાલ યોદ્ધાઓ સાથે તમારી મદદે આવવા હિમાલ દેશથી નીકળી ચૂક્યો હતો."

"મને આશા છે કે તમે અમારી મદદનો સ્વીકાર કરશો?"

"તમારાં આગમનથી અમારાં સૈન્યનો જુસ્સો અને તાકાત બધું જ બમણું થઈ ગયું. હવે કોઈની તાકાત નથી કે આપણો મુકાબલો કરી શકે." હિમાલને ગળે લગાવી રુદ્ર ઉત્સાહિત સ્વરે બોલ્યો.

"તો પછી ચલો નીકળીએ આપણાં ઉપર થયેલાં અત્યાચારોનો હિસાબ ચૂકતે કરવાં." હિમાલની આ હાકને અનુસરતા શતાયુએ મહાદેવની જયનાદ સાથે વાતાવરણને ઘમરોળી મુક્યું.

ગુરુ ગેબીનાથ દ્વારા પ્રાપ્ત અગનપક્ષીઓની તાકાત અને હિમાલ લોકોનો સાથ આ બે કારણોથી ઉત્સાહિત રુદ્રએ પોતાનાં અશ્વની લગામ ખેંચી અને ત્રિદેવ માર્ગ તરફ અશ્વને હંકારી મૂક્યો.

**********

મેઘનાને પોતાનાં કક્ષની ચાર દીવાલો વચ્ચે કેદ કરવામાં આવી હતી. કોઈ પક્ષી પણ એનાં કક્ષમાં પ્રવેશ ના કરી શકે એવી ચાંપતી વ્યવસ્થા અકીલા દ્વારા કરવામાં આવી હતી. મેઘનાની મરજી વિનાં જ એનાં લગ્ન સાત્યકી સાથે કરાવવાનું અગ્નિરાજે વિચારી લીધું હતું. જે દીકરીની ઈચ્છા વગર જેને એક નાનું અમથું ડગલું પણ નહોતું ભર્યું એ અગ્નિરાજ આજે દીકરીની ઈચ્છા વિનાં એનાં વિવાહ બીજાં સાથે કરાવવા જઈ રહ્યો હતો એ વિધિની વક્રતા નહીં તો બીજું શું હતું?

પોતાની એકનાં એક દીકરીનાં લગ્નની તૈયારીઓમાં નાની અમથી પણ કચાશ ના રહી જાય એનું અગ્નિરાજ બરાબર ધ્યાન રાખી રહ્યો હતો. સમગ્ર રત્નનગરીને સજાવવામાં આવી રહી હતી. આમ તો અગ્નિરાજ પૃથ્વીલોકનાં દરેક રાજ પરિવારને આ વિવાહ માટે નિમંત્રીત કરવાનો હતો પણ મેઘનાની અનિચ્છા હોવાં છતાં પોતે એનાં લગ્ન બીજે કરાવે છે એવું બીજાં કોઈને જાણ તો અહીંતહીંની વાતો કરીને પોતાની ઈજ્જત ઓછી કરશે એમ વિચારી અગ્નિરાજે અન્ય કોઈ રાજવીને મેઘના અને સાત્યકીના વિવાહ માટે આમંત્રણ નહોતું પાઠવ્યું.

અગ્નિરાજના કહેવાથી સાત્યકીએ ઈન્દ્રપુર સંદેશો મોકલાવી પોતાનાં પિતા મહેન્દ્રસિંહને આ સુંદર પ્રસંગમાં આવવા આમંત્રણ પાઠવી દીધું હતું. વિવાહનો અવસર કુલ ત્રણ દિવસ ચાલશે એવું આયોજન રાખવમાં આવ્યું હતું. જેમાં મહેંદી, નૃત્ય અને ગીત-સંગીતનાં કાર્યક્રમો રાખવામાં આવ્યાં હતાં. મેઘનાનાં માટે ઉત્તમમાં ઉત્તમ પરિધાન બનાવવામાં આવ્યો જેની ઉપર સુવર્ણનાં બારીક તારનું ભરતકામ હતું.

પોતાની દીકરીને ભેટરૂપે આપવાં અગ્નિરાજે સો મણ સોનાનાં આભૂષણો અને કિંમતી રત્નો તૈયાર રાખ્યાં હતાં. આ બધાં વચ્ચે રુદ્ર ત્યાં પ્રવેશે નહીં એનું ધ્યાન રાખવા પૂરતો પ્રબંધ કરવામાં આવ્યો હતો. રાજા દેવદત્તની હત્યા પોતે કરી ચૂક્યો છે અને જાણીજોઈને ત્યાંથી નીકળતી વખતે અગ્નિરાજનું નામ લઈને એમને ફસાવતો આવ્યો છે એવું ભોજરંગે સાત્યકીને સંદેશો મોકલાવી જણાવી દીધું હતું.

સાત્યકીને તો હતું કે રુદ્ર જ્યાંસુધી પોતાનાં પિતાનાં અવસાનનાં દુઃખમાંથી બહાર આવશે એ પહેલા તો મેઘના પોતાની થઈ ચૂકી હશે એ વિચારી સાત્યકી હરખભેર ઝૂમી રહ્યો હતો. પણ વધુ પડતાં અભિમાનમાં રાચતો સાત્યકી એ ભૂલી ગયો હતો કે પોતાનાં માતા-પિતાનાં અવસાન પછી એક આંસુ પણ જેની આંખમાંથી ના વહયું હોય એ માણસ કોઈનો રોક્યો રોકાતો હશે?

પાતાળલોકમાંથી નીકળી રત્નનગરી સુધી પહોંચતાં રુદ્રનાં દળને માત્ર ત્રણ દિવસનો સમય થયો. પોતાની સેનાનું નેતૃત્વ સારી રીતે થઈ શકે એ હેતુથી રુદ્રએ સૈનિકોને કુલ દસ ટુકડીઓમાં વહેંચી દીધાં. આ દરેક દળની આગેવાની રુદ્રએ પાતાળલોકનાં કુશળ સંત્રીઓને સોંપી. દુર્વા, જરા, શતાયુ, ઈશાન, વીરસેન આ પાંચ લોકોને બે-બે ટુકડી પર ધ્યાન રાખવા કહ્યું. આ ઉપરાંત હિમાનને એનાં સૈનિકોનું નેતૃત્વ કરવાની જવાવદારી સોંપી.

રુદ્રએ નક્કી કર્યું કે આ બધાં લોકો પોતપોતાની ટુકડીની ગતિવિધિઓ અને તકલીફો અંગે આગળ પોતાને જ દરેક ખબરથી વાકેફ કરશે એવો રુદ્રનો આદેશ હતો. સૈનિકોને અલગ-અલગ ટુકડીઓમાં વહેંચી દેવાની રુદ્રની પ્રભાવશાળી યોજનાના લીધે જ એમનું દળ ખુબજ સરળતાથી ત્રણ દિવસમાં રત્નનગરીની સીમાએ પહોંચી ગયું.

રત્નનગરીની સીમા નજીક આવેલાં વિશાળ મેદાનમાં રુદ્રએ પોતાની સૈનિક છાવણીની સ્થાપના કરી. પોતાનાં સૈનિકો આજનો દિવસ આરામ કરે એવો આદેશ આપી રુદ્ર પોતાનાં પ્રમુખ યોદ્ધાઓ સાથે આગળ શું કરવું એ અંગે પરામર્શ કરવા લાગ્યો.

"રાજકુમાર, મને લાગે છે આપણે આજે જ અગ્નિરાજને સંદેશો મોકલાવી દેવો જોઈએ કે આપણે એમની વિરુદ્ધ યુદ્ધનું આહવાન કર્યું છે." વીરસેને કહ્યું.

"હું પણ એવું જ વિચારતો હતો સેનપતિજી." રુદ્ર રણમેદાન તરફ જોતાં બોલી રહ્યો હતો. "દુર્વા, તું દૂત બનીને રત્નનગરી જઈશ અને અગ્નિરાજને જણાવીશ કે પાતાળલોકનો રાજા રુદ્ર એમને યુદ્ધ માટે પડકારે છે. જો એક દિવસની અંદર એ મારો આ પડકાર નહીં સ્વીકારે તો હું બધાં જ નિયમો નેવે મૂકીને એમનાં નગર ઉપર આક્રમણ કરી દઈશ."

રુદ્રની વાત સાંભળી દુર્વાએ હકારમાં ગરદન હલાવી એટલે રુદ્રએ પોતાની વાત આગળ ધપાવી.

"ઈશાન, તારે પણ દુર્વાની સાથે રાજમહેલમાં જવાનું છે પણ અદ્રશ્ય વેશે. તારે રાજકુમારી મેઘનાને મળીને એ સંદેશ પહોંચાડવાનો છે કે હું યુદ્ધ પૂર્ણ થયાં બાદ એમને લેવા આવીશ. જો હું એમને લેવા ના આવી શકું તો એ સમજી લે કે હું યુદ્ધમેદાનમાં વીરગતિ પામ્યો છું. અન્યથા એવું બીજું કોઈ કારણ નથી કે હું ત્યાં ના આવું. સાથે રાજકુમારીને જણાવજે કે મને સંધિ મળી ગઈ છે અને આ યુદ્ધ એ અગ્નિરાજ દ્વારા કરવામાં આવેલી મારાં પિતાનો પ્રતિશોધ લેવા કરવામાં આવ્યું છે."

"આ કાર્ય હું યોગ્ય રીતે કરીશ રુદ્ર." ઈશાને રુદ્રના ખભે હાથ મૂકીને કહ્યું.

"તો પછી ચલો અત્યારે જ તમે નગર તરફ પ્રસ્થાન કરો." રુદ્રના આમ બોલતાં જ ઈશાન અને દુર્વા પોતપોતાનાં અશ્વ પર સવાર થઈને રત્નનગરી તરફ આગળ વધ્યાં. જ્યાં એકસાથે કેટલાંય નવા રહસ્યો ઉજાગર થવાનાં હતાં.

*********

વધુ આવતાં ભાગમાં

યુદ્ધ થશે કે નહીં? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરાવી હતી? રુદ્ર મેઘનાને રત્નનગરીમાંથી બહાર નીકળવામાં સફળ થઈ શકશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)