સમજણનો સેતુ Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

સમજણનો સેતુ

' સમજણનો સેતુ '

🍁🍁🍁🍁

હું સાવ નાની હતી કદાચ ચારથી પાંચ વર્ષની ...એ સમયનું મારી સામે સર્જાય ગયેલું દ્રશ્ય હજુ પણ યાદ છે .

ઘરના બધા સભ્યો ભેગા મળી માઁ ને શણગારી રહ્યા હતા . કબાટમાંથી કાઢેલી તાજી જ નવી સાડી ... ના પણ એ સાડી નહિ સેલુ હતુ . ગળા અને કાનને સુંદર દેખાડવા માટે ઘરેણાં સાવ નકલી લીધા હતા . પણ લાગે અસલી જેવા ... એ પછી તો ફૂલોના હારના ઢગલા , અગરબત્તીની સુગંધ વચ્ચે દટાઈ ગયેલો મારી માઁ નો સુંદર ચહેરો , ... ચારે તરફ રડમસ ચહેરા

હા...બધાના કહેવા મુજબ મારી માઁ મને છોડીને બીજી દુનિયામાં ટહુકો કરવા નીકળી ગઈ હતી . મારી માઁ 'દિશા' એ પોતાની દીશા બદલી નાખી હતી .

પપ્પા , દાદા-દાદી બધા જ તૂટી ચુક્યા હતા . બાકી સગાવ્હાલા મર્યા પછી વખાણોના પુલ બાંધી રહ્યા હતા . દિશા ખૂબ સારા સ્વભાવની હો... કોઈદિવસ ઊંચી અવાજે વાત કરવા વાળી નહિ ,
પણ ' હવે આ નાની બાળનું કોણ ? '
નાની બાળ એટલે હું ... , હું અદિતિ ...
થોડો સમય નીકળતા જ મારા નાના હોવા પર મને સાચવવા કોઈ જોઈએ જ ...એટલે બીજા લગ્ન માટે પરિવાર વાળાનો દબાવ પપ્પા ઉપર ચાલતો રહ્યો .
મારા પપ્પાનું નામ દિવ્યાંશ . હજુ તો વરસ પૂરું પણ થયું ન્હોતું ને પપ્પાના લગ્નની શરણાઈ વાગી જ ગઈ .

પપ્પાના જીવનમાં નવા પાત્રનું આગમન થતા જ પૂરું ઘર ખુશખુશાલ ...
બસ એક હું જ હતી કે મારી આંખોને એ ખટકતી હતી . એના માટે મારા દિલમાં ફ્ક્ત નફરત હતી . મને તો જોવી પણ ગમતી ન્હોતી .
મારા પપ્પાની અડોઅડ ઉભી રહે ,
મારી મમ્મીના રૂમ ઉપર પણ રાજ કરી બેઠી . રસોડામાં , રૂમમાં બહાર ફરવા જવામાં દરેક જગ્યાએ સ્થાન જમાવી બેઠી .
દાદા-દાદી અને બાકી બધાના દિલ પર રાજ કરવા લાગી . મારા પપ્પા અને બાકીના લોકોનો એની પ્રત્યે વધતો જતો પ્રેમ ... અને એનાથી વિરુદ્ધ મારા મનમાં એના માટે નફરત વધતી જતી હતી .
મારી તરફ વ્હાલ દર્શાવવાની ઘણી કોશિશ કરી પરંતુ એમાં એ સફળ ના રહી . મને ખોળામાં બેસાડતી , મને પ્રેમથી પુચકારતી પણ બધુ વ્યર્થ હતું . કેમ કે મારી માટે તો એ મારી દુશ્મન જ હતી .
સમય વ્હેવા લાગ્યો . અને નવી માઁ પ્રત્યે મારુ ઉદ્ધતાયભર્યું વર્તન વધતું રહ્યું . કોઈને કોઈ હિસાબે દરેક બાબતમાં બધાની વચ્ચે માઁ ને હલ્કી પાડવાની કોશિશ કરતી રહેતી . મારા વ્યવહારથી પપ્પાનું મન અશાંત રહેવા લાગ્યું . મને કાંઈ કહી શકતા નહિ પરંતુ એમની આંખોમાં મારા પ્રત્યે થોડી થોડી નફરત દેખાવા લાગી . હા પણ પેલી નવી આવેલીની આંખોનો હાવભાવ મારા માટે એવો જ હતો લાગણીભર્યો... પરંતુ એની લાગણી મને નકલી જ લાગતી ...
ધીરે ધીરે બધાના નિર્ણય મુજબ મને મારા વર્તનના હિસાબે બીજા શહેરની હોસ્ટેલમાં મુકવામાં આવી .

🍁🍁🍁🍁

મારા ઘરમાંથી નીકળ્યા બાદ પપ્પાની તબિયત વધુ લથડવા લાગી . બંને તરફના પ્રેમની નૈયા હાલકડોલક થવા લાગી . મારી પ્રત્યે લાગણી હોવા છતાં મારા જ ખડૂસ વર્તનને કારણે મને ઘરથી દુર મોકલવી પડી ..

મારા હોસ્ટેલ ગયા બાદ વેકેશનમાં પણ હું ઘેર જવાનું ટાળતી . મને ઘેર જવાની લેશ માત્ર ઈચ્છા થતી ન્હોતી .
ઘણો લાંબો સમય નીકળી ગયો મેં મારા શહેરના દર્શન કર્યા જ નહોતા .

એ શહેરમાં રહેતી મારી ફ્રેંડની સાથે વેકેશન દરમ્યાન ચાલતા હોબી કલાસમાં જઈને કંઈ ને કંઈ નવું શીખતી રહેતી .
સમયના પ્રવાહમાં મારી સાથે જ ભણતી મારી કલાસમેટના પોતાના માતા-પિતા સાથેનો આદર ભર્યો વ્યવહાર અને વર્તન જોય મને મારી જાત પ્રત્યે સુગ ચડવા લાગી .
નવી માઁ પ્રત્યેની મારા મનમાં રહેલી શંકાઓ સમય રહેતા દૂર થવા લાગી . એની સાથે વાતચીત કરવાની ઈચ્છા થતી પણ વાત કરવા જીભ ઉપડે એવી સ્થિતિ નહોતી .
રોજ રાતે ફોન ઉપર દાદા-દાદી સાથે જરૂર વાત કરી લેતી . એકદિવસ વાત કરતા ખબર પડી કે પપ્પાને પેરેલીસિસનો એટેક આવ્યો છે . અડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયું છે .
પપ્પાની તબિયતના ખબર પૂછવા જવાની ઈચ્છા થઈ હતી .પરંતુ છ માસિકની પરીક્ષાઓ નજીક આવી રહી હતી . એટલે મહેનત જરૂરી હતી .

દાદાની સાથે વાત થયા બાદ રાતભર વિચારતી રહી . પ્રાઇવેટ નોકરી હોવાથી કોઈ પેંશન સુવિધા પણ નહોતી . પપ્પાની બીમારીનો ખર્ચ , દાદા દાદીની રુટીન દવાઓ બધુ કેમ ચાલતું હશે . એમ તો આ વરસ પૂરું થવામાં હજુ છ મહિના બાકી હતા .
બે ચાર રજાઓમાં પણ ઘેર જવા મારો પગ ઉપડ્યો નહિ . હા , મારા ખાતામાં નિયમિત રૂપે પૈસા આવી જતા હતા .

છ મહિના પછી પરીક્ષા પુરી થતા જ હિંમત કરી થોડા દિવસ માટે ઘર તરફ જવા પ્રયાણ કર્યું .

ઘેર પહોંચી ત્યારે રાત પડી ગઈ હતી . મને જોતા જ દાદા-દાદી અચંભિત થઈ ગયા . વ્હીલચેર પર બેઠેલા પપ્પાના ચહેરો જોઈ ન શકી . કોઈની સાથે ખાસ વાર્તાલાપ કર્યા વગર હું મારા કહેવાતા રૂમમાં ગઈ .પુરા રૂમની રોનક કૈક અલગ જ હતી . સાવ સિમ્પલ પણ એક સુઘડ અને સ્વચ્છ , અને દિવારો પર ઠેકઠેકાણે લાગેલા મારા નાનપણના ફોટા...

જમીને વ્હેલા સુઈ જવાનો પ્રયત્ન કર્યો . પરંતુ નિંદર ન આવી .
કોઈ સાથે વાત કરવાની હિંમત મારામાં ન્હોતી . દાદા , દાદી , પપ્પા બધા સાથે ઔપચારિકતા પૂરતી વાત કરી લીધી .
પરંતુ આટલા વર્ષોથી જેણે ઘરને એક જ ઢાંચામાં બાંધીને રાખ્યું હતું એની સાથે નજર મિલાવીને વાત કરવાનો હક્ક હું ખોઈ બેઠી હતી .

પપ્પાની બીમારી દરમ્યાન એમની એક એક બાબતોનું ધ્યાન રાખવું , નાના બાળકની જેમ એમને સાચવવા પડતા હશે .
મને નીંદર આવતી ન હોવાથી બહારના રૂમમાં ગઈ અને ન્યૂઝપેપર કે મેગેઝીન હોયતો વાંચુ ... પણ ત્યાં મારી નજર એક ડાયરી પર પડી . ડાયરીના પાના ઉથલાવતા એના પહેલા જ પાના પર મોટા અક્ષરે મારુ પોતાનું નામ હતું .
' સ્વાતિ ટિફિન સર્વિસ '
એક એક પાના પર વ્યવસ્થિત હિસાબ , દરમહિને કોને , કેટલા ચૂકવ્યાનો સુંદર અક્ષરોમાં સચોટ હિસાબ .રોજના પંદર ટિફિન ઘેરથી જતા હતા . જમા થયેલી રકમમાંથી મને હોસ્ટેલમાં મોકલાતી રકમનો હિસાબ કૈક વધારે જ હતો . છતાં કોઈદિવસ ફરિયાદનું એકપણ ઉચ્ચારણ કર્યા વગર ચૂપચાપ મારુ ભરણપોષણ કરતી રહી . કોઈપણ જાતના બંધન વગર મારી સાથે બાંધેલું ઋણાનુબંધ , પોતાની કોખે જન્મ આપ્યો નહોતો છતાં એની મમતાને હું સમજી જ ના શકી .રાતભર ઓશિકાની સાથે મારા આસું ભળતા રહ્યા ...મારા શરીર રહેલા અહંકારના પડ ધીરે ધીરે ઓગળવા લાગ્યા .

વ્હેલી સવારનો રસોડામાં વાસણોનો ખડભડાટ આજે કૈક અલગ જ આવ્યો હતો . રસોડામાંથી ચા ની સુગંધ અને કુકરની સિટીઓના અવાજ બહાર સુધી ફેલાતા જ રસોડાના દરવાજે પૂરો સમૂહ એકસાથે ઉભો હતો .
દાદા ,દાદી વ્હીલચેર પર પપ્પા અને અને આંખમાં આસું સારતી માઁ ...
પપ્પાના આંખોમાં આસું અને લકવાના હિસાબે વાંકા થયેલા હોઠ ઉપર હાસ્યની છોળો ઉભરાઈ આવી

મારા અહંકારને અગ્નિમાં ઓગાળી માઁ ના બે હાથ વચ્ચે છુપાયને વર્ષોથી દબાયેલા ડુસ્કાઓએ માઁ ના સાડલાનો છેડો ભીનો કરી નાખ્યો .

મારુ બાકીનું ભણતર ફરીથી અહીં શરૂ કરીને રોજ વ્હેલી સવારે માઁ અને હું બધુ જ કામ સાથે કરી લેતા .
હવે તો રોજ સવાર-સાંજ લાગણીભર્યા સંવાદોની લહેરોથી મારુ ઘર હર્યુભર્યું રહેવા લાગ્યું .