રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 33 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 33

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૩

પોતાનાં માતા પિતાનાં અંતિમ સંસ્કાર બાદ રુદ્રએ રડવામાં અને દુઃખ વ્યક્ત કરવામાં એક ઘડીનો પણ સમય વ્યર્થ ના કર્યો. દેવદત્તની ચિતાની સાથે જ રુદ્રએ નિમલોકો જોડે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી સંધિને સળગાવી દીધી. પોતાનાં મહારાજ અને મહારાણીની અંતિમ સંસ્કાર વિધિમાં આવેલાં તમામ નિમલોકો ઉપસ્થિત હતાં. વિધિ પૂર્ણ થતાં જ રુદ્ર એમની સામે આવ્યો અને દરેકને એનો અવાજ પહોંચે એમ મોટેથી બોલ્યો.

"મહારાજ અને મહારાણીનાં આ અંતિમ સમયે તમે અહીં આવ્યાં એ બદલ હું રુદ્ર, તમારો ભાવિ રાજા અંતઃકરણથી તમારો આભારી છું."

"પિતાજીને સદાયથી આપ સૌની ખૂબ જ ચિંતા હતી. એમનાં માટે પાતાળલોકમાં વસતાં દરેક સજીવ એમનાં સ્નેહીજન હતાં. આટલાં વર્ષોથી આપણે સૌ મનુષ્યો દ્વારા જે અન્યાયનો સામનો કરી રહ્યાં છે એનો ઉકેલ શોધવા પિતાજી સદાય પ્રયત્નશીલ રહેતાં. હમણાં મેં મહારાજ દેવદત્તની ચિતા સાથે જે કપડું સળગાવ્યું એ કોઈ સામાન્ય કપડું નહોતું પણ એ સંધિ હતી. એ જ સંધિ જેનાં લીધે પાતાળલોકમાં આવતાં સૂર્યપ્રકાશને રોકી દેવાયો, એ જ સંધિ જેનાં લીધે આપને વર્ષોથી પવિત્ર કુંભમાં જવાથી વંચિત રહી ગયાં."

રુદ્રના આમ બોલતાં જ ત્યાં એકત્રિત લાખો નિમલોકોને સુખદ આંચકો લાગ્યો. જાણે હૃદય પરથી મણભારનો પથ્થર ઊંચકી લેવામાં આવ્યો હોય એવી ખુશી એમનાં ચહેરા પર જોવા મળી. થોડો સમય મૌન રહ્યાં બાદ રુદ્ર પુનઃ પડછંદ અવાજે ગરજયો.

"મેં આજે પિતાજીનું સ્વપ્ન પૂરું કર્યું પણ દુઃખની વાત એ છે કે આ ખુશીની ઘડીમાં એ આપણી વચ્ચે હાજર નથી. તમને લોકોને ખબર છે તમારાં મહારાજની હત્યા કોને કરી?" રુદ્રનો આ પ્રશ્ન સાંભળી નિમલોકોની ભીડ ગુસ્સે ભરાઈ. પોતાનાં રાજાની હત્યાની વાત સાંભળી એમનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી ગયો. રુદ્રએ હાથનાં ઈશારાથી એ લોકોને શાંત કરાવી પોતાની વાત આગળ ધપાવી.

"મહારાજ દેવદત્તની હત્યા કરાવનાર વ્યક્તિનું નામ છે અગ્નિરાજ.. એ જ અગ્નિરાજ જેને પોતાનાં પિતાની સાથે મળીને વર્ષો પહેલાં હજારો નિર્દોષ નિમલોકોની હત્યા કરી હતી. આજે એને પુનઃ એ સાબિત કર્યું છે કે એ મનુષ્ય નહીં પણ ખરાં અર્થમાં રાક્ષસ છે."

"તો હું આપ સૌ ને એ પૂછવા માંગુ છું કે તમારે બધાં એ શું જોઈએ છે. ગઈ વખતની માફક પોતાની ઉપર થયેલાં અન્યાયનો ઘૂંટ પી જવો કે પછી અન્યાયનો પ્રતિશોધ લેવો." રુદ્ર એક ગજબના વક્તાની માફક પોતાનાં દરેક શબ્દોને તોલીને ઉપયોગ કરી રહ્યો હતો.

"બોલો તમારે શું જોઈએ છે, મૂંગા મોંઢે અપમાન સહન કરવું કે પછી પ્રતિશોધ લેવો?"

"પ્રતિશોધ...પ્રતિશોધ, પ્રતિશોધ...પ્રતિશોધ.!!" એકસાથે લાખો નિમલોકોનો ધ્વનિ આખા પાતાળલોકને ધ્રુજવવા લાગ્યો.

"તો એ માટે આપણે અગ્નિરાજ સામે યુદ્ધ કરવું પડશે. અને આમ કરવામાં ક્યાંક એવું પણ બને કે સમગ્ર મનુષ્યજાતિ વિરુદ્ધ યુદ્ધ કરવાની નોબત આવે. શું તમે તૈયાર છો?" રુદ્રએ પુનઃ સવાલ કર્યો.

"હા અમે તૈયાર છીએ રાજકુમાર.." ટોળાંમાંથી એક વ્યક્તિનાં આમ બોલતાં જ અન્ય નિમલોકો પણ એક અવાજમાં બોલી પડ્યાં.

"અમે તૈયાર છીએ યુદ્ધ માટે.!"

"મને ખબર છે એમની સંખ્યા આપણાંથી ક્યાંય વધુ છે. પણ હું જાણું છું કે યુદ્ધ સંખ્યાબળથી નહીં પણ સાહસથી જીતાય. તમારાંમાં એટલું સાહસ છે.?" આ સવાલનો જવાબ પુનઃ નિમલોકોએ હકારમાં આપ્યો.

"તો એક દિવસ પછી જેટલાં પણ લોકો પોતાની જાતને પુરવાર કરવા ઈચ્છતા હોય, જેટલાં પણ લોકો મનુષ્યો દ્વારા વર્ષોથી થતાં અપમાનનો બદલો લેવા ઈચ્છતા હોય એ બધાં મારી સાથે આવશે. હું કોઈને જબરજસ્તી નથી કરતો કેમકે સામે મોત ઉભું હોય ત્યારે આમ કરવું એક રાજા તરીકે શોભનીય નથી. એટલે જ જે લોકો પોતાનાં મનથી આ યુદ્ધમાં જોડાવવા ઈચ્છતા હોય એ બધાંજ પરમદિવસે વહેલી સવારે ત્રિદેવ માર્ગ આગળ પહોંચી જશે."

"હર હર મહાદેવ..હર હર મહાદેવ." રુદ્રના આ જયનાદનો પ્રત્યુત્તર કંઈક એવો હતો કે ત્રણેય લોક એની શક્તિથી ક્ષણ ભર માટે ધ્રુજી ઊઠ્યાં.

********

બીજાં દિવસે રુદ્ર પોતાનાં ચારેય મિત્રો, નિમલોકના સેનાપતિ વીરસેન, સમગ્ર સંત્રીઓ અને ગુરુ ગેબીનાથ સાથે રાજ દરબારમાં હાજર હતો. રુદ્રએ અગ્નિરાજ વિરુદ્ધ યુદ્ધનું આહવાન તો કરી દીધું હતું પણ શું સાચેમાં એ લોકો જોડે એટલું સૈન્યબળ હતું કે એ યુદ્ધમાં અગ્નિરાજનાં સૈન્યનો મુકાબલો કરવાં સમક્ષ છે એ બાબતની ચર્ચાઓ અત્યારે રાજદરબારમાં થઈ રહી હતી. દેવદત્તની આવી દુઃખદાયી વિદાય પછી બધાંએ રુદ્રને પોતાનો રાજા સ્વીકારી લીધો હતો.

"રુદ્ર, તને સાચેમાં લાગે છે આપણાં પચાસ હજારથી પણ ઓછાં સૈનિકો અગ્નિરાજનાં બે થી અઢી લાખ લોકોનાં વિશાળ સૈન્યનો મુકાબલો કરવા સક્ષમ છે. આ ઉપરાંત પૃથ્વીલોકનાં અન્ય રાજાઓનો જો અગ્નિરાજને સાથ મળશે તો નક્કી એમનું સૈન્ય દળ પાંચ થી સાત લાખનું થઈ જશે. આ સંજોગોમાં આ યુદ્ધ નહીં આત્મહત્યા સાબિત થશે!" ઈશાને પોતાનો તર્ક રાખતાં કહ્યું.

"વાત ખોટી નથી કે અગ્નિરાજનાં અઢી લાખનાં સૈન્યની સામે આપણાં પચાસ હજારનાં સૈન્યની કોઈ વિસાત નથી અને એમાં પણ અન્ય રાજાઓનો એને સાથ મળશે તો નક્કી આપણું આવી જ બન્યું!" રુદ્રએ ઈશાનની વાતમાં સહમતી દર્શાવતાં કહ્યું.

"રાજકુમાર, તો પછી તમારી જોડે આ યુદ્ધમાં જીત મેળવવાનો કોઈ અન્ય ઉપાય?" વીરસેને રુદ્રની તરફ આશાભરી નજરે જોતાં કહ્યું.

"મને મારી સમસ્ત પ્રજા ઉપર વિશ્વાસ છે કાલે એ લોકો અવશ્ય આપણી સાથે જોડાઈને આપણી સૈન્ય શક્તિ મજબૂત કરશે."

"રુદ્ર, વધુમાં વધુ દસ કે પંદર હજાર લોકો આપણી સાથે જોડાશે જે પૂરતું નથી." દુર્વા રુદ્રને ટોકતાં બોલ્યો.

"કોને કહ્યું કે ફક્ત દસ કે પંદર હજાર લોકો જ આવશે? મને વિશ્વાસ છે કે જેટલાં આપણાં તાલીમ પામેલાં સૈનિકો છે એટલાં જ નિમલોકો આપણાં જોડે જોડાશે, ઓછામાં ઓછાં પચાસ હજાર. માટે એ લોકો માટે જરૂરી શસ્ત્રોની વ્યવસ્થા કરવાની જવાબદારી દુર્વા અને જરાની છે." રુદ્રના અવાજમાં મોજુદ આત્મવિશ્વાસ જોઈને કોઈએ આગળ આ વિષયમાં પ્રશ્ન કરવાનું ટાળ્યું.

"તો પણ રુદ્ર આપણાં અકુશળ યોદ્ધાઓ અગ્નિરાજનાં તાલીમ પામેલાં સૈન્યનો મુકાબલો કરી શકશે?" શતાયુનાં આ પ્રશ્નનો જવાબ આપતાં રુદ્રએ કહ્યું.

"અગ્નિરાજનાં સૈનિકો એમના રાજાનાં સમ્માન માટે લડશે જ્યારે આપણાં સૈનિકો પોતાનાં રાજાની હત્યા અને પોતાની સાથે થતાં આવેલાં અન્યાયનો પ્રતિશોધ લેવાં. આ પ્રતિશોધની આગ ગમે તેવાં તાલીમબદ્ધ યોદ્ધાને ભસ્મીભૂત કરી મુકવાની તાકાત ધરાવે છે દોસ્ત.!" રુદ્ર શું કરવા જઈ રહ્યો હતો એનું એને પૂરેપૂરું ભાન હતું એવું એની વાતો પરથી પ્રતીત થતું હતું.

"રુદ્ર, આ યુદ્ધમાં અગ્નિરાજને અન્ય રાજાઓની મદદ મળી ગઈ તો શું કરીશું એનું કંઈ વિચાર્યું છે?" પોતાનાં સ્થાન ઉપર મૌન ધારણ કરીને સમગ્ર વાર્તાલાપ સાંભળી રહેલાં ગેબીનાથે ચર્ચામાં ઝુકાવ્યું.

"ગુરુવર, મારી યોજના મુજબ આપણે કાલે સવારે જ રત્નનગરી તરફ પ્રયાણ કરીશું. એકધાર્યું આગળ વધીશું તો ચાર દિવસમાં રત્નનગરી પહોંચી જઈશું. આપણે ત્યાં પહોંચ્યાં પછી જ દૂતને મોકલીને અગ્નિરાજને યુદ્ધ માટે પડકાર ફેંકીશું. અગ્નિરાજને આપણે તૈયારી માટે એક દિવસનો સમય આપીશું જેથી લાંબી મુસાફરી બાદ થાકેલાં આપણાં સૈન્યને આરામ મળી શકે."

"જો આપણે આ યુદ્ધ પાંચ દિવસની અંદર પૂર્ણ કરી લઈશું તો આપણાં જીતવાની શક્યતાઓ કાયમ રહેશે..બાકી પાંચ દિવસથી વધુ સમય લાગશે તો ઈન્દ્રપુરનાં રાજવી મહેન્દ્રસિંહ અને જંગલરાજ હુબાલીનું સૈન્ય એમની મદદે અવશ્ય આવી પહોંચશે અને જો એવું થયું તો આપણી હાર નિશ્ચિત છે." રુદ્ર દરેક બાબતે ચોક્કસ હતો એ એનાં જવાબ પરથી નક્કી હતું.

"રુદ્ર, હું આશા રાખું છું કે આ યુદ્ધમાં તારી દરેક યોજના સફળ રહે. મેં ક્યારેય કોઈ યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉપડવાનું મારાં ગુરુ અને જન્મદાતા એવાં ભગવાન પરશુરામને વચન આપેલું છે. આથી હું પોતે તો તારી પ્રત્યક્ષ રીતે કોઈ સહાયતા કરી શકું એમ નથી નહીંતો અગ્નિરાજના સો સહસ્ત્ર સૈનિકોને તો હું એકલાં હાથે પરલોક પહોંચાડી દઉં. "

"આમ છતાં હું તારી સહાયતા માટે એક એવી વસ્તુ આપું છું જે ઓછામાં ઓછાં પચાસ સહસ્ત્ર સૈનિકોની બરાબર છે." આટલું કહી ગેબીનાથે પોતાની આંખો બંધ કરી અને મનોમન કોઈ શ્લોનું રટણ કર્યું. થોડી જ ક્ષણોમાં એમનાં હાથમાં એક ગોળાકાર મોતી હતું. એ મોતી રુદ્રને આપતાં ગેબીનાથે કહ્યું.

"રુદ્ર, આ મોતીની અંદર ત્રણ અગનપક્ષીઓ કેદ છે..એ પક્ષીઓનું કદ બે હાથીઓ સમાન છે અને પાંખોનો ઘેરાવો કોઈ બે માળની ઈમારત સમાન. આ પક્ષીઓનાં મુખમાંથી નીકળતી પ્રચંડ અગ્નિની જ્વાળા એકસાથે સેંકડો લોકોને ભસ્મીભૂત કરવાં સમર્થ છે."

"ધન્યવાદ ગુરુવર!" પોતાનું શીશ ઝુકાવી ગેબીનાથનો આભાર માનતા રુદ્રએ કહ્યું.

"તો હવે આવતીકાલે સવારે આપણે બધાં રત્નનગરી તરફ પ્રસ્થાન કરીશું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો જણાવી શકે છે?

રાજદરબારમાં હાજર દરેક વ્યક્તિએ નકારમાં ગરદન હલાવી એટલે રુદ્રએ હર મહાદેવનાં નારા સાથે કાલે રત્નનગરી તરફ પ્રસ્થાન કરવાની પોતાની યોજનાને આખરી મહોર મારી દીધી.

બીજાં દિવસે રુદ્રની આગેવાનીમાં જ્યારે પચાસ હજાર નિમ સૈનિકો ત્રિદેવ માર્ગે પહોંચ્યાં ત્યારે એમને જે દ્રશ્ય જોયું એ જોઈ એ દરેકની આંખો ફાટીને ફાટી રહી ગઈ. રુદ્રના વિશ્વાસને સાચો સાબિત કરતી લગભગ પચાસ હજાર જેટલી સામાન્ય જનતા ત્યાં પહેલેથી જ મોજુદ હતી.

"મને વિશ્વાસ હતો તમે બધાં મારો સાથ અવશ્ય આપશો!" વિશાળ જનમેદનીને જોઈ સ્વગત બોલ્યાં બાદ રુદ્રએ જરા અને દુર્વાને ત્યાં આવેલાં દરેક નિમને એમની કુશળતા મુજબ શસ્ત્ર પૂરાં પાડવાનું કાર્ય સોંપ્યું.

પાતાળલોકની સામાન્ય જનતાને જ્યારે શસ્ત્રો આપવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યાં ઉત્તર દિશામાંથી કોઈ ચક્રવાત આવતું હોય એવો ધ્વનિ ગુંજવા લાગ્યો. આખરે આ નવી મુસીબત શું હતી? દૂરથી ઊડતી ધૂળની ડમરીઓ જોઈ મનોમન આવું રટણ કરતાં- કરતાં રુદ્ર અને એનાં સાથી મિત્રોએ પોતપોતાની તલવારને આગમચેતી રૂપે મ્યાનમાંથી બહાર નીકાળી.

*********

વધુ આવતાં ભાગમાં

રુદ્ર સમક્ષ આવેલી આ નવી મુસીબત શું હતી? યુદ્ધ થશે કે નહીં? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરી હતી? રુદ્ર મેઘનાને રત્નનગરીમાંથી બહાર નીકળવામાં સફળ થઈ શકશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)