shaapit haweli books and stories free download online pdf in Gujarati

શાપિત હવેલી.



શાપિત હવેલી.

જૂનાગઢમાં આવેલી એક જર્જરીત હવેલીને રીનોવેશન કરી નવી નવેલી દુલ્હનની જેમ શણગારી છે. આ હવેલી આમતો ચારેક દાયકા પહેલાં બની હતી. કહેવાય છે કે એમાં એક નવાબ કુટુંબ રહેતું હતું, પણ પછી કોઈ અગમ્ય કારણોસર એ હવેલી વેચીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા. આ હવેલી એક દીનુભા નામના દરબારે ખરીદી લીધી. અને જર્જરીત થયેલી આ હવેલીનું સમારકામ કરાવ્યુ. સમારકામ દરમ્યાન ઘણી અઘટિત ઘટનાઓ ઘટી. હવેલીના ત્રીજા માળેથી પટકાતાં બે વ્યક્તિના મૃત્યુ પણ થયાં. કારીગરો અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યાં નક્કી આ હવેલી શાપિત છે. કાં તો પછી કોઈ આત્મા અહીં ભટકે છે. સાંજનું આછું અંધારું થતાંજ બધાના મનમાં ભય પેસી જતો. બધાં ફટાફટ પોતાનું કામ પૂરું કરી ઘર તરફ ભાગતાં.
હેવેલીમાં કામ કરતાં માણસો ડરી ગયાં હતાં. પણ કામ પૂર્ણ કર્યા વગર છૂટકો ન હતો. કેમ કે દીનુભા સાથે શરતથી બંધાયેલાં હતાં. કામ પૂર્ણ કરે તોજ પૂરા પૈસા મળે. આથી ડરતાં-ડરતાં કામ પૂર્ણ તો કર્યું. પણ મનમાં ડર બેસી ગયો હતો. અને દીનુભાની ચિંતા પણ હતી. તેઓ અંદરોઅદર વાત પણ કરતાં આપણે આ અંગે હવેલીના માલીકને વાત કરવી જોઇએ અહીં રહેવા આવવું રહેવા દો. પણ કોઈની જીભ ઉપડતી ન હતી. દીનુભા ક્યાંક આપણીજ ધુલાઈ કરી નાખશે. દરબારની જાત કોઈથી ડરે નહિ. એમાંય આ ભૂતપ્રેતને આત્માની વાત ક્યાંથી માનવાના? પણ આ હવેલીમાં કોઈ આત્મા ભટકે છે એ વાત તો નક્કીજ છે. કડિયા કામ કરતો અરજણ બોલ્યો, હા મેં પણ ચિત્ર-વિચિત્ર અવાજો સાંભળ્યા છે. એક વખત તો બપોરના સમયે હું આ આલીશાન દીવાનખંડમાં જમીને જરા લાંબો થયો. જરા આંખ મીંચાણી એવામાં કોઈ બાઈનો રડવાનો અવાજ સંભળાયો. હું એકદમ ઝબકી ગયો. પહેલાં તો મને એ મારો વહેમ લાગ્યો, પણ હું ઊભો થઈને અવાજની દિશામાં ગયો તો એક સ્ત્રી ખૂણામાં બેસીને રડતી હતી. જેવો હું નજીક ગયો કે તરત એ જોરજોરથી અટહાસ્ય કરી અદ્રશ્ય થઈ ગઈ. હું અવાક બનીને જોતો રહી ગયો. મારા હાથ-પગ અને શરીર ધ્રુજવા લાગ્યું. મોઢામાંથી એક તીણી ચીસ નીકળી ગઈ. પછી તો દોટ મૂકીને બહાર નીકળી ગયો. એ ઘડીને આજનો દી હું બપોર વચ્ચે અંદર ગયોજ નથી. એક અઠવાડિયું શરીર તાવથી ધીકતું રહ્યું. ત્યાં રંગ-રોગાણ કરવા વાળો મનજી બોલ્યો! હા, મને પણ કંઈક અજુગતું જ લાગ્યા કરે છે. કોઈના પગલાનો અવાજ તો ક્યારેક કોઈના હસવાના ભણકારા વાગ્યા કરે છે. અમે તો ત્રણ-ચાર જણ સાથેજ રહીને કામ કરીએ છીએ. હવે તો આ કામ પૂરું થઈ ગયું છે. પણ આ દીનુભા હવે તેના કુટુંબને લઈને રહેવા આવશે. એને કોણ સમજાવે. હે, ઈશ્વર એની રક્ષા કરજો.
આજે દીનુભાએ બધાં કારીગરોને પ્રેમથી જમાડ્યાં અને બક્ષીસ પણ આપી. અને હવેલીને રંગબેરંગી લાઈટોથી શણગારી હતી. અને કુટુંબ સહિત બધાં અહીં સારું મુહુર્ત જોઇને થોડી વિધિ કરાવીને રહેવા પણ આવી ગયા. ચંડીના પાઠ બોલતી વખતે બ્રાહ્મણને પણ કોઇ છાયાં દેખાતી હતી. જે મંત્રોચ્ચાર વખતે ભાગી રહી હોય એવું લાગતું હતું. તેને કોઈ વિઘ્ન જેવું લાગતું હતુ. તેણે દીનુભાને વાત પણ કરી, આ હવેલીની જગ્યા મને અપવિત્ર અને શાપિત લાગે છે. મેં વિધિ તો કરી છે પણ હજુયે મારું મન માનતું નથી. દીનુભા હસવા લાગ્યા, અરે ગોરદાદા સાવ આમ મોળા કાં પડો છો. આ હવેલી તો મને જાનથીયે વહાલી છે. મારું જીવનભરનું સપનું આજે પૂરું થયું છે. અને તમે આવી નબળી વાત કરો છો. ને વળી આત્મા-બાત્મા કે ભૂત-પ્રેતમાં હું જરાય માનતો નથી. ગોરદાદાએ બહુ દલીલ કર્યા વગર દક્ષિણા લઈને ચાલતી પકડી.
આ બાજુ હવેલીમાં દીનુભાનું કુટુંબ સામાન ગોઠવવા લાગ્યું. મહેમાનો પણ બધાં સાંજ સુધીમાં નીકળી ગયાં. દીનુભા તેની પત્ની અને તેની બે દીકરીઓ અને એક દીકરો એમ પાંચ જણે પોતપોતાના રૂમમાં સામાન ગોઠવી દીધો,
દીનુભા અને તેની પત્ની બીજા માળે વિશાળ બેડરૂમમાં રજવાડી કોતરણી વાળા પલંગમાં સુતા. આખા દિવસની દોડધામથી થાકી પણ ગયાં હતાં. તેની સામે બંને બહેનોનો રૂમ હતો. અને ત્રીજા માળે તેમના સોળ વર્ષના પુત્ર રાજભાનો રૂમ હતો. બધાનો આ હવેલીમાં પહેલો દિવસ હતો. અપાર ખુશી સાથે સૌ પોત-પોતાના રૂમમાં સૂવા ગયા.
રાતનો માંડ એક વાગ્યો હશે ત્યાં રાજભાની ચીસ સંભળાઈ. દીનુભા અને તેની પત્ની તેમજ બંને બહેનો ઊઠી બહાર નીકળ્યાં. દોડીને બધાં ઉપરના માળે ગયાં તો રાજભાનું શરીર ડરના માર્યું ધ્રુજતું હતું. અને બેભાન જેવાં પડ્યા હતાં. મોઢામાંથી અવાજ પણ નીકળતો ન હતો. દીનુભાએ તેને તેડીને પલંગ માં સુવડાવ્યો અને મોઢા પર પાણી છાંટ્યું અને પૂછવા લાગ્યા, શું થયું બેટા? કોઈ ખરાબ સ્વપ્ન જોયું? રાજભા ચકળ-વકળ આંખે બધાં સામે જોવા લાગ્યો, અને માંડ ત્રૂટક-ત્રૂટક બોલ્યો..ભૂત..ભૂત. અને પાછો બેભાન થઈ ગયો, દીનુભા તેને નીચે પોતાના રૂમમાં લઈ ગયા. અને તેના માથે હાથ ફેરવી બાજુમાં સુવડાવી દીધો. બંને બહેનો અને દીનુભાના પત્ની પણ ડરી ગયા. બધાં સવાર સુધી જાગ્યા. રાજભાને ખૂબ તાવ ચડ્યો હતો. તેના કપાળ પર પોતા મૂક્યા, સવાર થતાંજ રાજભાએ આંખ ખોલી અને સામે બધાને જોતાં થોડી રાહત થઈ. તેણે માંડીને વાત કરી. હું મારા રુમમાં રેડિયો પર ગીત સાંભળતો હતો. પછી બાર વાગ્યા એટલે રૂમની ગેલેરીમાં ગયો, અને પછી સૂવા માટે પલંગમાં લાંબો થયો. મારી આંખ ઘેરાવા માંડી એટલામાં મને ઝાંઝરીનો અને કોઈના ચાલવાનો અવાજ સંભળાયો, મને થોડી બીક લાગી. એટલામાં અવાજ સાવ મારી બાજુમાં આવ્યો, મેં આંખ ખોલી તો એક સુંદર સ્ત્રી મારી સામે જોઈને હસી રહી હતી. અને મને કહે, ચાલ મારી સાથે. હું ડરથી ધ્રુજવા લાગ્યો. એ જોરજોરથી હસવા લાગી. અને બોલી, હું તને મારી સાથે લઈ જવા આવી છું. ચાલ ઊભો થા. એ મને પકડવા આવી અને મારા મોં માંથી ચીસ નીકળી ગઈ. પછી મને કશુંજ યાદ નથી.
ઘરમાં બધાં ડરી ગયાં. પણ દીનુભા આ વાત માનવા તૈયાર ન હતા. તેણે બધાંને કહ્યું, આ રાજભાનો વહેમ છે, કદાચ ભૂતપ્રેતની વાતો સાંભળી હોય તો અજાગ્રત મનમાં આવી વાતો ભરેલી હોય છે. એટલે એવું દેખાયું હોય. ચલો હું ડોક્ટરને ફોન કરું છું. એ તપાસીને દવા આપશે એટલે સારું થઈ જશે. કોઇને ડરવાની જરૂર નથી.
બધાં સવારની ક્રિયામાં લાગી ગયા. હજુ થોડો સામાન ગોઠવવાનો બાકી હતો એ ગોઠવવા લાગ્યા. આ હવેલીમાં એક સુંદર પોસ્ટર હતું એ દીનુભાને બહુ ગમતું હતું. એને દીવાનખંડની દીવાલમ લટકાવ્યું.આ પોસ્ટર એક નૃત્યાંગનાનું હતું. થોડીવારમાં ડોક્ટર આવી ગયા. તેણે રાજુભાને તપાસી દવા દીધી. અને થોડાં ડરી ગયા છે સારું થઈ જશે એમ કહીને રજા લીધી. દીનુભાના પત્નીએ રાજભાને નાસ્તો કરાવી દવા પીવડાવી સુવડાવી દીધા. અને કહ્યું, હું તારી પાસેજ છું. અને વહાલથી માથે હાથ ફેરવ્યો. બંને બહેનો પોતાના રૂમમાં નાહી-ધોઈ નાસ્તો કરી સામાન ગોઠવવા લાગ્યા. બંને અલક-મલકની વાતો કરતાં હતાં અને પોત-પોતાની ભવ્ય અલમારીમાં સામાન ગોઠવવા લાગ્યા. બંનેના મનમાં થોડો ભય પણ પેસી ગયો હતો. પણ બોલતા ન હતા.
આમજ ફરી સાંજ થવા આવી. હવેલીના આગળના ભાગમાં સુંદર રંગીન ફુવારો હતો. અને સુંદર બગીચો પણ હતો. બધા ત્યાં ખુરશી લઈને ફ્રેશ થવા બેઠાં. ફુવારામાં સરસ સંગીત પણ વાગતું હતું. રાજભા તેના બાપુની બાજુમાં લપાઈને બેઠા હતાં. બધાં થોડી વાર માટે બધું ભૂલી ગયા. અને ખુશખુશાલ થઈ ઠંડા પવનની લહેરોની મજા લેતા હતા. અગિયાર થવાં આવ્યાં એટલે સૂવા માટે બધાં હવેલીમાં પોતાના રૂમમાં ગયાં. રાજભા તો તેના બા- અને બાપુ સાથેજ રૂમમાં સૂઈ ગયા. બંને બહેનો પોતાના રૂમમાં ગયા. મન ફ્રેશ થઈ ગયું હતું. ઠંડા વાતાવરણમાં ખુલ્લી હવામાં બેસવાને લીધે સરસ ઊંઘ આવવા માંડી હતી. મોટી બહેનને તો તરતજ ઊંઘ આવી ગઈ. નાની હજુ જાગતી હતી. હવે બાર થવા આવ્યા હતાં. ધીમે ધીમે તેની આંખો પણ ઘેરાવા લાગી. એટલામાં ત્રીજા માળેથી કોઈ પગથિયાં ઉતરતું હોય એવું લાગ્યું. ધીમે ધીમે પાયલનો અવાજ નજીક આવતો લાગ્યો. નાની એની બહેનને ઊઠાડવા જાય છે. ત્યાંજ પેલી સ્ત્રી તેની બાજુમાં આવી ગઈ. અને જોરથી હસવા લાગી. અને બોલી, ચાલ મારી સાથે હું તને મારી દુનિયામાં લઈ જઉં. તારી આ દુનિયા તો ફરેબની દુનિયા છે. અહીં તો દગો જ દગો છે. નાની ભયથી કાંપવા લાગી. તેનો અવાજ ગળામાંજ રૂંધાઈ ગયો. પેલી સ્ત્રી હવે જોરજોરથી રડવાં લાગી. અને અજીબ વર્તન કરવા લાગી. અને બોલવા લાગી, આ હવેલી મારી છે. અહીં હું કોઈને નહિ રહેવા દઉં. તને હવેલીની માલિક બનાવીશ એમ કહીને સાલો એ દગાખોર નવાબ મને અહીં લાવ્યો હતો. હું તો મારું નૃત્ય કરી બધાંને ખુશ કરતી હતી, એક નૃત્યાંગનાને સ્વર્ગના સ્વપ્ના બતાવી થોડાં દિવસ રાણીની જેમ રાખી. અને પછી મેં જ્યારે એને મારી સાથે નિકાહ પઢવાનું કહ્યું અને જીદ કરી તો એક રાતે મારો ઉપભોગ કરી પછી છરી હુલાવીને મને મારી નાખી. બસ ત્યારથી મારો આત્મા અહીં ભટકે છે. હું અહીંથી ક્યાંય નથી જવાની. હું હવેલીની માલકિન છું. એ નવાબની પત્ની અને એના દીકરાને તો મેં મારી દુનિયામાં ખેંચી લીધા, પણ એ કાયર આ હવેલી છોડીને ભાગી ગયો. હા..હા.. હા.. કહીને એ અટહાસ્ય કરવા લાગી. અને બોલી ભાગી જા અહીંથી.. બધાં ભાગો અહીંથી નહિ તો કોઈ જીવતા નહિ રહો. કહીને એ ફરી ઉપર જવા લાગી. નાની બહેન તો અવાચક બની બહાર એ સ્ત્રીને જતી જોઈ રહી. અને અચાનક ચીસ પાડી ઊઠી. પેલી સ્ત્રીની પીઠમાંથી ખૂન ટપકી રહ્યું હતું. એનો અવાજ સાંભળી મોટી બહેન જાગી ગઈ અને જોયું તો નાની બહાર પગથિયાં પર નજર ખોડીને ધ્રુજી રહી હતી. અમે ખૂન..ખૂન બોલી રહી હતી. એણે નાનીને ઢંઢોળી અને પૂછ્યું ક્યાં ખૂન છે? તું કેમ આટલી ધ્રુજે છે? નાનીએ બધી વાત કરી. મોટી બહેન પણ ડરવા લાગી. બંને બહેનોએ લાઈટ કરી અને સવાર સુધી જાગતી રહી. સવાર પડતાંજ દોડીને તેના બા-બાપુ પાસે ગયાં અને બધી વાત કરી. અને નાનીની નજર પેલાં નૃત્યાંગનાનાં પોસ્ટર પડી અને જોરથી બોલી ઊઠી," આ,.,એજ સ્ત્રી છે જેને મેં જોઈ હતી. હવે તો દીનુભાને પણ કંઈક તો અજુગતું છે એવું લાગવા માંડ્યું . તેને પેલા કારિગરોની વાત યાદ આવી. અને બ્રાહ્મણે કરેલી વાત પણ યાદ આવી. હવે તેનું મન આ હવેલીમાંથી ઊઠી ગયું. તેની પત્ની પણ કહેવા લાગી. જાન બચી સો લાખો પાયે. આપણે આજે જ આપણા જૂના મકાનમાં જતાં રહીએ.
દીનુભાને પણ એજ યોગ્ય લાગ્યું. એ જ દિવસે તેઓ હવેલી છોડી પોતાના જૂના ઘરે આવી ગયા. ફરી આ હવેલી અવાવરું થઈ ગઈ. હવે તો આખા નગરમાં વાત ફેલાઈ ગઈ, આ શાપિત હવેલીમાં કોઈ મફત જવા પણ તૈયાર ન હતું. સાંજના સમયે કોઈ ત્યાંથી પસાર થતું તો તેને એ સ્ત્રીનો ક્યારેક રડવાનો તો ક્યારેક અટહાસ્યનો અવાજ આવતો. લોકો સાંજના સમયે એ બાજુ જવાનું જ ટાળતા. બે-ત્રણ વર્ષ આમજ નીકળી ગયા,
એક દિવસ કોઈ વૈષ્ણવ ધર્મના બાવાશ્રી આ નગરમાં આવ્યા. તેને કૃષ્ણની સેવા માટે પુષ્ટિય ધર્મના પુજા પાઠ માટે મકાનની જરૂર હતી. તેણે આ હવેલી વિશે વાતો સાંભળી હતી. પણ એ તો દેવ પુરુષ હતાં. એ આવી વાતથી ડરતાં ન હતાં અને ઠાકોરજી પર પૂરો વિશ્વાસ હતો. આથી તેઓ દીનુભા પાસે ગયા અને કહ્યું, જો તમને વાંધો ન હોય તો મને આ હવેલી ઠાકોરજીની સ્થાપના અને સેવા માટે આપો. દીનુભા બોલ્યા, મહારાજશ્રી પણ આ હવેલીતો.. મહારાજશ્રી વચ્ચેજ બોલ્યાં, તમે ચિંતા ન કરો. મારી સાથે મારો કાળિયો ઠાકોર છે મને કશુંજ નહિ થવા દે. દીનુભા એ હસતાં-હસતાં હવેલીની ચાવી એ સંતને આપી અને ખ્યાલ રાખવાનું પણ કહ્યું.
આ સંતે હવેલીમા સાફસુફી કરાવી નીચેના વિશાળ ખંડમાં ઠાકોરજીની મૂર્તિનું સ્થાપન કર્યું. હવન પણ કર્યો. પેલું પોસ્ટર ત્યાંથી હટાવી દીધું, અને લોકોને આમંત્રણ પણ આપ્યું. લોકો દિવસના તો આવ્યા. દર્શન કર્યાં અને સાંજની આરતી પુરી થતાંજ ઘરે ચાલ્યાં ગયાં. ધીમે ધીમે આ હવેલીમાં લોકોની અવર-જવર વધવા માંડી. લોકોનો ભય ઓછો થવાં લાગ્યો. હવે તો ઘણા બીજા સેવકો પણ ત્યાં રોકાવા લાગ્યાં. હવે તો ભૂતપ્રેતની વાતો લોકો ભૂલવા લાગ્યાં. સાંજ-સવાર આરતીમાં લોકોની ભીડ વધવા લાગી. બ્રહ્મસંબંધ પણ ત્યાં સંત દ્વારા લોકો લેવા લાગ્યા, એકદમ પવિત્ર જગ્યા તરીકે આજ એ હવેલીની નામના થવા લાગી.
આ હવેલીનાં એ સંતના મુખિયાના કહેવા પ્રમાણે પહેલાં દિવસે રાત્રે એ મહારાજશ્રીને પણ પેલી સ્ત્રી દેખાઈ હતી. તેણે પોતાની કહાની આ સંતને કહી હતી. અને કેટલાંના જીવ લીધાં હતાં એ પણ કહ્યું હતું. આ સંતની પવિત્રતા અને તેજ આગળ તે નમી ગઈ હતી. સંતે એ બધાં જીવોનાં મોક્ષ માટે વિધિ કરી હતી. અને એ બધાં આત્માને મોક્ષ આપ્યો હતો.

કુસુમ કુંડારિયા. જૂનાગઢ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED