મેઘના અને રાજવર્ધન ની ફલાઇટ મોડી રાત્રે લેન્ડ થઈ. પણ આટલા સમય પછી મેઘનાને તરત ઘરે જવું યોગ્ય લાગ્યું નહીં એટલે તેમણે એરપોર્ટની નજીક આવેલી એક હોટેલમાં જ રાત રોકાઈ ગયાં.
બીજા દિવસે સવારે મેઘના અને રાજવર્ધન તેમના એપાર્ટમેન્ટના 5 મા માળ પર આવેલા તેમના ફ્લેટ પર પહોંચી ગયા ત્યારે દરવાજો ખુલ્લો હતો. એટલે મેઘના થોડો ડર લાગ્યો. તેણે રાજવર્ધનને થોડી સાવધાની રાખવા માટે ઈશારો કર્યો. તે બંને એકસાથે ફ્લેટની અંદર દાખલ થયા પણ તેમને કોઈ દેખાયું નહીં.
એટલે મેઘના તેમના બેડરૂમમાં ગઈ તો ત્યાં તેણે જોયું અનુજ અને વીરા ત્યાં કેક લઈને ઉભા હતા. મેઘના રૂમ માં આવી એટલે તે બંને એકસાથે 'સરપ્રાઈઝ' જોરથી બોલ્યા. આ સાંભળીને રાજવર્ધન પણ રૂમમાં આવ્યો. એટલે અનુજ બોલ્યો, “હેપ્પી મેરેજ એનિવર્સરી, જીજુ અને મેઘના.”
આ સાંભળીને મેઘના અને રાજવર્ધને એકબીજા સામે જોઇને હસ્યાં. પછી એકબીજાને ગળે મળ્યા. રિધ્ધી અને આર્યવર્ધન સાથે બનેલી ઘટનાઓમાં તે બંને પણ સામેલ હતા. જે કઈ બન્યુ પછી તેઓ પોતાની એનિવર્સરી ભૂલી ગયા હતા.
મેઘનાએ અનુજ અને વીરાને Thanks કહીને બેડ પર શાંતિથી બેસી ગઈ. તેણે આસપાસ નજર કરી તો આખો બેડરૂમ એકદમ ચોખ્ખો હતો. કોઈ પણ જગ્યાએ ધૂળના નિશાન કે ગંદકી જોવા મળી નહીં.
મેઘનાને આ રીતે જોતાં વીરા બોલી, “ભાભી, મને યાદ છે કે તમને સ્વચ્છતા ગમે છે એટલે અમે બે દિવસ પહેલાં જ આવીને આખા ફ્લેટની સફાઈ કરી નાખી હતી. તમને કોઈ પણ જગ્યાએ જરાય ગંદકી જોવા મળશે નહીં.”
વીરાએ કહેલી વાત સાંભળીને મેઘના ખડખડાટ હસી પડી. રાજવર્ધન પણ મેઘનાને આ રીતે હસતા જોઈને ખુશ થયો. રિધ્ધી અને આર્યવર્ધનના અવસાન પછી તેણે ક્યારેય મેઘના ખુશ જોઈ નહોતી.
અનુજ મેઘના પાસે આવીને બોલ્યો, “મેઘના, હવે તું અને જીજુ કેક કાપો. ” મેઘના બેડ પરથી ઉભી થઈને રાજવર્ધન પાસે ગઈ. વીરાએ એક ટેબલ પર કેક મૂકીને તેના પર કેંડલ સળગાવીને મૂકી. પછી મેઘના અને રાજવર્ધને એકસાથે કેંડલ બુઝાવીને કેક કાપીને એકબીજાને ખવડાવી.
પછી વીરા કિચનમાં જઈને ચાર પ્લેટમાં મેઘનાની મનપસંદ પરોઠા લઈને આવી. બધાએ એક એક ડિશ લઈને પોતાની ભૂખને ન્યાય આપ્યો. મેઘના વીરાની સાથે તેની કારમાં શોપિંગ માટે ગયાં અને અનુજ રાજવર્ધન સાથે રોકાયો.
મેઘના અને વીરા ના ગયાં પછી અનુજ તથા રાજવર્ધન ગેલેરીમાં મૂકેલી ખુરશીમાં પગ લંબાવીને આરામથી બેઠાં. અહી મુંબઈનો દરિયો સાફસાફ જોઈ શકાતો હતો. અનુજે વાત કરવાની શરૂઆત કરી. તેણે રાજવર્ધનને સવાલ કર્યો, “જીજુ તમારા મોટા ભાઈ આર્યવર્ધન હજી સુધી પાછા કેમ આવ્યા નથી ?”
અનુજનો આ પ્રશ્ન સાંભળીને રાજવર્ધન સીધો થઈ ગયો. તેના કપાળ પર પસીનો થઈ ગયો. તેણે નેપકિન વડે પોતાનું કપાળ લૂછયું પછી બોલ્યો, “અનુજ, હવે ફરી ક્યારેય આ વાત વીરા હોય ત્યારે ના કહેતો નહીં.” આ સાંભળીને અનુજને કઇ ખોટું થયું હોવાનો અણસાર આવી ગયો.
એટલે તેણે રાજવર્ધનને આમ થવાનું કારણ પૂછ્યું ત્યારે રાજવર્ધને અનુજને તેના લંડન ગયાં પછી ત્યાં બનેલી બધી ઘટનાઓ ટૂંકમાં જણાવી દીધી. સાથે આર્યવર્ધન અને રિદ્ધિના અવસાનની પણ વાત કહી દીધી. આર્યવર્ધનના અવસાનની વાત જાણીને અનુજને જાણે આંચકો લાગ્યો તેમ થયું.
વીરા માટે આર્યવર્ધન તેના પિતા સમાન હતો. જ્યારે તેને આ વાતની જાણ થશે ત્યારે તેના પર વિતશે તેના વિચાર માત્રથી અનુજ ધ્રુજી ગયો. થોડીવાર પછી તેણે રાજવર્ધનને પ્રોમિશ કર્યું કે તે ક્યારેય પણ આ વાત વીરાને નહીં કહે.
બીજી બાજુ મરીન સી ડ્રાઈવ પર વીરા ડ્રાઈવ કરી રહી હતી અને મેઘના તેની બાજુમાં બહારનો નજારો જોતી હતી. ઘણી વાર મેઘના કઇ બોલી નહીં એટલે વીરા હસીને બોલી, “ભાભી, કોના વિચારોમાં ખોવાયેલા છો ?”
આ સાંભળીને મેઘનાએ થોડા નકલી ગુસ્સા સાથે વીરા સામે જોયું અને બોલી, “તને શું લાગે છે, હું કોના વિષે વિચારતી હોઈશ ?” મેઘનાની આ રીતે વાત કરવાની રીતથી વીરા જોરથી હસી પડી. હસતાં હસતાં તેણે કહ્યું, “એ વાત તો હું કઇ રીતે કહી શકું, મારી પાસે લોકાનું મન વાંચવાની શક્તિ નથી ?”
“હું રાજવર્ધન સિવાય બીજા કોઈ પણ વ્યક્તિ વિષે વિચારી પણ ના શકું. હું તેની પત્ની અને જીવનસાથી છું. હંમેશા તેનો સાથ આપવો એ મારી ફરજ છે.” મેઘના જાણે છંછેડાઈ ગઈ હોય તેમ બોલી. એટલે વીરાએ થોડું હસીને કહ્યું, “ભાભી શાંતિ રાખો, મારા કહેવાનો એ અર્થ નહોતો. મને લાગ્યું કે તમે મારા મોટા ભાઈ આર્યવર્ધન અને તમારી બહેન રિદ્ધિ વિષે વિચારતાં હશો. તેમનાં ગયાંનું તમને અને મારા ભાઈને ખૂબ દુઃખ થયું હશે ને ?”
વીરાની આ વાત સાંભળીને મેઘનાને જાણે કરંટ લાગ્યો હોય તેમ તે સ્થિર થઈ ગઈ. તેને સમજાયું નહીં કે વીરા આર્યવર્ધન અને રિદ્ધિના અવસાન વિષે કઇ રીતે જાણે છે?