સમાંતર ભાગ - ૧૧
આગળના ભાગમાં આપણે નૈનેશના એના પરિવાર જોડેના સંબંધની એક નાનકડી ઝલક જોઈ. સાથે નમ્રતાની કરાયેલી એક મજાકથી નૈનેશ કેટલો વ્યગ્ર થઈ જાય છે અને એના અને નમ્રતાના સ્વસ્થ સંબંધને માણ્યો. તો બીજી બાજુ રાજ આબુ ફરવા જવાનો છે અને એના પેકિંગ જેવી સામાન્ય વાતમાં પણ આપણે ઝલક દ્વારા દેખડાયેલો પ્રેમ અને કાળજી જોઈ હવે આગળ...
*****
"કેમ આપણે શાંત જળમાં કાંકરીચાળો કરીએ છીએ.?
વમળ ઊભા કરી એની સાથે જાતને જોડીએ છીએ.!
શું આ કંઇક સતત નવું મેળવવાની આપણી ઝંખના છે.!?
જેને માનવ સ્વભાવની નબળાઈ કહીને અવગણીએ છીએ.!"
અડધી રાતે ત્રણ વાગે મોબાઈલના એલાર્મથી ઝલક સફાળી બેઠી થઈ ગઈ. એણે ફટ દઈને એલાર્મ બંધ કર્યું જેથી રાજને સૂવા માટે થોડો વધુ સમય મળી રહે. રસોડામાં જઈને રાજને લઈ જવા માટે પાણી જગમાં ભર્યું, ચા ગેસ પર ચડાવી અને ફરી એક વાર રાજનો સામાન ચેક કર્યો. જેવી ચા થવા આવી એવી જ એ રાજને ઉઠાડવા ગઈ ને બાથરૂમમાં જઈને ગીઝરની સ્વીચ ચાલુ કરી. પોણા ચારે તો રાજ લગભગ તૈયાર હતો.
"રાજ એસિડિટીની ગોળી ભૂલ્યા વિના લઈ લેજે તને બહારનું ખાવાનું બધું સદતુ નથી તો, અને હા પહોંચીને ફોન કરી દેજે." ઝલકનું સૂચના આપવાનું ચાલુ જ હતું જે સાંભળીને રાજ સ્મિત કરે જતો હતો. અને એટલામાં રાજના ફ્રેન્ડનો ફોન આવ્યો કે એ નીચે આવી ગયો છે ને રાજ એની જોડે આબુ જવા નીકળી ગયો.
લગભગ પરોઢના ચાર વાગ્યા હતા ને હવે ઝલકની ઊંઘ ઉડી ગઈ હતી. આગલા દિવસે સારો એવો વરસાદ પડ્યો હતો એટલે વાતાવરણમાં ઠંડક હતી ને હવામાં માટીની મહેંક. પક્ષીઓએ જાગીને કલરવ ચાલુ કરી દીધો હતો જેનું મધુર સંગીત એને કોઈ બીજી દુનિયામાં લઈ જવા મજબુર કરી રહ્યું હતુ. અને એ પહોંચી જાય છે એ દિવસમાં જે દિવસે એની જિંદગીમાં બદલાવ આવવાની શરૂઆત થઈ.
હજી પણ એ દિવસની યાદ આવતા એના ચહેરા પર ખુશી અને ગર્વ બંને સાથે ઝળકી જાય છે. એ દિવસે દેવને પ્રમોશન મળ્યું હતું. એકદમ નાની ઉંમર અને ટૂંકા ગાળામાં જ મળેલા પ્રમોશનની ઘરમાં બધા ખુશી મનાવતા હતા. દેવ માટે એ સૌથી મોટો દિવસ હતો અને એ આ ખુશી એની સફળતાના હકદાર એવા એના પરિવાર જોડે મનાવવા ઈચ્છતો હતો. એ ઘરના દરેક સભ્યો માટે નાની મોટી ગિફ્ટ લાવ્યો હતો. દાદા માટે પૂજાની જોડ, દાદી માટે ચાંદીની માળા, પપ્પા માટે વૉલેટ અને મમ્મી માટે એક સ્માર્ટ ફોન..
"અરે.! મારી જોડે ઓલરેડી સ્માર્ટ ફોન છે જ, નવાની ક્યાં જરૂર હતી બેટા.!?" ઝલક સહસા બોલી ઉઠી...
"હા, તો... લાવ આપ એ મને. આજે જ બધો ડેટા નવા ફોનમાં ટ્રાન્સફર કરી આપુ. બહુ વાપર્યો એ ફોન તેં.! અને આ જો એની સ્ક્રીન, ફોનમાં ભૂકંપ આવ્યો હોય એવી થઈ ગઈ છે.!" ઝલકના હાથમાંથી ફોન લેતા દેવ બોલ્યો...
"એતો બદલાઈ પણ જાય. આટલો બધો ખર્ચો હમણાં કરવાની ક્યાં જરૂર હતી.!? તારા માટે કંઇક લઈ લેવું હતું બેટા.!" ઝલક બોલી...
"મારે આની જ જરૂર હતી મમ્મી, મારી ખુશી માટે.!" નવો ફોનમાં એની અને ઝલકની સેલ્ફી પાડતા દેવ બોલ્યો...
એ પછી તો લગભગ બે કલાક બધાએ ફોન જોવામાં અને ફોટા પાડવામાં કાઢ્યા. પણ ઝલક હજી ફોનના ફીચર વિશે મુંઝવણમાં હતી. ઘરના દરેક સભ્ય એક પછી એક ઊંઘવા જતા રહ્યા હતા અને દેવ હજી પણ ઝલકને નવા મોબાઈલમાં જરૂરી માહિતી સમજાવી રહ્યો હતો. ઝલકને પણ હવે ફોન વિશે જાણવાની ઈચ્છા વધવા લાગી હતી અને એની મમ્મીને રસ લેતા જોઈને દેવ એકદમ બોલ્યો કે, "મમ્મી ચલ તારું ફેસબુક એકાઉન્ટ બનાવીએ."
"ના મારા માટે તો વોટ્સઅપ જ બહુ છે. તને ખબર છે ને હું તો એ પણ ઓછું જ વાપરું છું.!" ઝલક બોલી...
"મમ્મી આ ફેસબુક એક અલગ દુનિયા છે. નિત્યા માસી અને પાર્શ્વ મામુ પણ છે જ ને, કેટલું બધું પોસ્ટ કરે છે એ ફેસબુકમાં અને પછી તારે એ બધું જોવા માટે પપ્પાની રાહ જોવી પડે. બસ આ વખતે તો હું તારી એક પણ વાત નથી માનવાનો.." અને દેવ ઝલકના જવાબની રાહ જોયા વિના એનું ફેસબુક એકાઉન્ટ બનાવી દે છે.
"જો મમ્મી તારી પ્રોફાઈલ, ઝલક શાહ.." અને ઝલકનો એક સુંદર ફોટો શોધીને એ પ્રોફાઈલ ફોટો તરીકે સેવ કરી દે છે. જ્યારે કવર ફોટોમાં ઝલક અને રાજનો એક સુંદર ફોટો સેટ કરી દે છે. દેવ ઝલકને ફ્રેન્ડ રિકવેસ્ટ કેવી રીતે કરાય એ પણ શીખવાડે છે અને પછી મજાક સૂઝતાં પૂછે છે કે, "બોલ મમ્મી, પહેલી ફ્રેન્ડ રિકવેસ્ટ કોને કરવી છે.? તારી સ્કૂલ કે કોલેજમાં કોઈ તારો ખાસ ફ્રેન્ડ રહ્યો હોય અને એને કરવી હોય તો એને કરીએ, હું પપ્પાને કંઈ નહીં કહું બસ."
"ઓય.. એવું કંઈ નહતું હો ચાંપલા...તારા પપ્પાને મોકલ સૌથી પહેલા.." કહેતા ઝલક રીતસર દેવનો કાન ખેંચે છે.
"ઓકે, ઓકે... સોરી માતે, કાન છોડ પહેલા." દેવ હસતા હસતા બોલે છે અને રાજ શાહને શોધીને ફ્રેન્ડ રિકવેસ્ટ કરે છે. બંનેના આશ્ચર્ય સાથે એ તરત જ સ્વીકારાઈ જાય છે અને રાજનો મેસેન્જરમાં મેસેજ આવે છે..."હાય..."
ઝલક માટે આ એક નવો જ અનુભવ હતો. એ જિજ્ઞાસાથી દેવની સામે જુવે છે. દેવ એને સમજાવે છે કે આમાં વોટ્સઅપની જેમ ચેટ, વોઈસ કોલ અને વિડિયો કોલ પણ કરી શકાય, અને એ રાજને વિડિયો કોલ કરે છે. જેવો રાજ ફોન ઉપાડીને હેલો કરે છે ઝલક તરત જ બોલી ઉઠે છે, "લે હજી ઊંઘ્યો નથી.! મને એમ કે ક્યારનો અંદર ગયો છે તો ઊંઘી ગયો હશે."
આ સાંભળીને દેવ અને રાજ પહેલા તો ખડખડાટ હસી પડે છે ને પછી રાજ થોડી રોમેન્ટિક અદામાં કહે છે કે, "તારા વિના ઊંઘ જ નથી આવતી, શું કરું.!!" આ સાંભળીને ઝલક થોડી શરમાઈ જાય છે અને વધુ શીખવાનું બીજા દિવસ પર છોડીને રૂમમાં જવા ઊભી થાય છે. હસતા હસતા દેવ તરત બોલી ઊઠે છે, "પણ તારો ફોન તો લઈ જા માતે." દેવ ઘણી વાર પ્રેમથી મમ્મીની જગ્યાએ ઝલકને માતે કહેતો...
ફોન લઈને ઝલક રૂમમાં જાય છે ત્યારે રાજ એની રાહ જ જોતો હતો. ઝલકને જોતા જ એ મજાકના સ્વરમાં બોલી ઊઠે છે કે, "આખરે દીકરા અને ફોનમાંથી ટાઈમ મળ્યો ખરો પતિ માટે.!"
"દેવે જાતે જ ખોલ્યું છે ફેસબુક એકાઉન્ટ, મેં તો ના જ પાડી હતી એને કે હું વોટ્સઅપના મેસેજ પણ કેટલા મોડા જોવું છું તો આનો તો ક્યારે મેળ પડે." ઝલક બોલી...
"તો પાડવાનો મેળ... સોશિયલ મીડિયાનો સમજદારી પૂર્વક ઉપયોગ કરીએ તો ઘણું નવું જાણવા મળે, અને આજના જમાનામાં બધાએ થોડું અપડેટેડ હોવું જોઈએ. તું જેમ જેમ એને વાપરતી જઈશ એમ એમ તને એમાં તારા રસના વિષયની ઘણી નવી જાણકારી મળશે. ક્યાંય અટકે તો હું ને દેવ તો છીએ જ ને મદદમાં..." ઝલકને પ્રોત્સાહિત કરતા રાજ બોલ્યો...
અને પછી રાજે એને ઘણા મોડા સુધી ફેસબુકને લગતી જરૂરી માહિતી આપી, બધાને કેવી રીતે સર્ચ કરાય એ શીખવાડ્યું અને ઘણા બધા ઓળખીતાને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ કરાવી. રાતના એક વાગે પણ ઘણા લોકોએ એની રિકવેસ્ટ સ્વીકારી એ જોઈને ઝલકને ખૂબ જ નવાઈ લાગી ને એ તરત બોલી ઉઠી, "આટલા મોડા સુધી પણ બધા આમાં ઓનલાઇન રહેતા હોય, એવું તો શું વળગણ હોય લોકોને.!?"
આ સાંભળીને રાજે ખાલી સ્મિત કર્યું અને કહ્યું કે, "હા, સોશીયલ મિડીયા વસ્તુ જ એવી છે. એક વાર તમને એમાં રસ પડે, આદત પડે પછી તમે એમાં જ તમારો રસ શોધો." અને રાજે ઝલકને કુકિંગને લાગતા થોડા પેજ બતાવ્યા. ઝલકને બરાબર ખબર ના પડી કે રાજ શું કહેવા માંગે છે પણ એ વિચારને હમણાં બાજુમાં મૂકી એ કુકિંગના પેજ જોવામાં પડી અને એમાંથી એને જે યોગ્ય લાગ્યા એ લાઈક કર્યા.
"બસ મેડમ હવે તો તમારા ગમતા પેજ પણ લાઈક થઈ ગયા તો હવે ફોન સાઈડમાં મૂકીને ઊંઘીએ.?" રાજ બગાસું ખાતા બોલ્યો...
રાજની આ છેલ્લી વાત સાંભળીને ઝલક કંઇક વિચારે ચડી ગઈ હતી, એની આંખમાં પળવાર માટે ચમક આવી એ સહેજ મર્માળુ હસી ને પછી ફોન સાઈડમાં મુકી લાઈટ બંધ કરી.
દેવનું પ્રમોશન, નવો ફોન અને ફેસબુક કેટકેટલું બની ગયું આજના દિવસે ને એની ખુશીમાં ઝલકને ઊંઘ જ નહતી આવી રહી. મનમાં રાજના ગમતા પેજ વાળી વાત ઘૂમરાયા કરતી હતી. બાળપણમાં આર્થિક મજબૂરી અને ભાઈ બહેનમાં સૌથી મોટા હોવાના લીધે ઘણું બધું એવું હતું જે એને ગમતું હતું અને એ નહતી કરી શકી ને પછી જે પણ કંઈ મળ્યું એને જ ગમતું કરતી આવી હતી એ. એવું નહતું કે એ અત્યારે ખુશ નહતી, તો પણ એના મનમાં એક ઉદાસી ઘેરી વળી.! એના નાના નાના સપનાના બાળમરણની ઉદાસી... બધું જ હોવા છતાં કંઇક છૂટી ગયાની ઉદાસી... રાજ એને ખૂબ જ પ્રેમ કરતો હતો, એનાથી બનતું બધું કરી છૂટતો એ, તો પણ ક્યાંક કશુંક ચૂકાઈ ગયાની ઉદાસી...
દિવસો પસાર થતા ગયા ને ઝલક પણ હવે રોજિંદા જીવનમાં ફેસબુકનો ઉપયોગ કરવા લાગી. એ એના જૂના મિત્રો અને પરિવારની ખુશીમાં પણ એ માધ્યમથી જોડાવા લાગી. ફેમિલી, ફ્રેન્ડ, ફેશન, ફૂડ અને બીજા ઘણા બધા વિશે નવી જાણકારી મળવાથી એનામાં પણ એક બદલાવ આવ્યો હતો. એને ગમવા લાગી હતી આ દુનિયા અને હવે એ રાજે ફેસબુકને લગતી કહેલી વાત સહેજ સમજી રહી હતી. તો પણ હજી સુધી એ એનો સરખો અમલ નહતી કરી શકી. અને એક દિવસ એની કોલેજ ફ્રેન્ડે ફેસબુકમાં એક વીડિયો શેર કર્યો...
*****
ઝલકના ભૂતકાળમાં એવી તો કઈ ઈચ્છાઓ હશે જે એના ભીતર દબાઈને બેઠી છે.?
બધી રીતે ખુશ ઝલકના જીવનમાં રાજથી શું ખરેખર કંઇક ચૂકાઈ ગયું છે કે બીજું જ કોઈ કારણ છે જેના લીધે ઝલક એવું અનુભવી રહી છે.
ઝલકની કોલેજ ફ્રેન્ડે જે વિડિયો શેર કર્યો એમાં શું હશે.? અને એ વિડિયો ઝલકના જીવનમા શું બદલાવ લાવશે એ જાણવા વાંચતા રહો સમાંતર...
©શેફાલી શાહ
તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_
જય જીનેન્દ્ર...
શેફાલી શાહ