" અલ્યા રઘલા ,આપડા શેઠની આવરદા ગોમમાં પાસા લાયા ચેડી બ્હુ વધી જઈ હેં ને" ?? સવજી એ બીડી પેટાવતા કીધું.
"હા,હો સવજીડા હાવ હાચી વાત સે ભ'ઈ તારી, શેઠને ઓય લાયા તે હારૂં થ્યું....સેવટે તો ઓયનો જીવ તે ઓય જ જપ્યો હોં..." રધુએ પીઠ ઉપર ખાલી બારદાન નાંખતા હસીને ઉત્તર વાળ્યો.
આ રઘુ ને સવજી બેય પાનાચંદ શેઠની દુકાન નાં નોકર હતાં. ને આ સંવાદ એમનાં ભગવાન સમા શેઠ ને નવજીવન મળ્યું હતું ને એનાં હરખમાં હતો.
ચાલો , તમને આખીયે વાત માંડી ને કરૂં.
મેઘપુર .......આહા ...!!જેવું સુંદર નામ એવું જ રળિયામણું ગામ . કુદરતનાં ખોળે વસેલું ગામ... ચારેબાજુ લીલોતરી જ લીલોતરી...બે બાજુ પહાડો....ગામને પાદરે થી અડીને નાની વહેતી નદી....નદીને ને પણ ત્રણ ઘાટની માયા....એનાં એક ઘાટ પર અજોડ એવું પૌરાણિક શિવાલય....ને એ શિવાલય ની શિવરંજની...!!!!એ શિવરંજની ની ધૂન તમને એક અલૌકિક જગતમાં લઈ જાય ને તમે એને કલાકો સુધી અનુભવ્યાં કરો ....!!!મને તો આજે ય એનો સાક્ષાત્કાર થાય છે...
છેવાડાનું ગામ એટલે એ હંમેશાં સરકારનાં ઓરમાન સંતાન ની જેમ એ સગવડો અને સરકારી લાભોથી વંચિત જ રહ્યું....પણ છતાંય એ ગામનાં લોકોની ખુમારી અને જીવંતતા એ બધાંય ને વળોટીને વેપાર-ધંધા-શિક્ષણ માં આપબળે જ આગળ વધતું રહ્યું હતું...મેઘપુરમાં દરેક જાતિના લોકો ભેદભાવ વગર સંપીને રહેતા....૧૦૦૦ એકની વસ્તી વાળા ગામમાં પાનાચંદ પણ 'શેઠ' તરીકે નો ઘણોજ માન-મોભો ધરાવતા. હા, એમની કરિયાણાની દુકાન હતી... નાનાં ગામડાંમાં દુકાન નાની હતી પણ પાનાચંદ ની આગળ ની બે પેઢી અહીં જ રહી હતી એટલે એ ગામની બહુ માયા..!!
બાપદાદાની આબરૂ - યાદો - અને ધરોહર ને એમણે જીવની જેમ જતન કરીને સાચવી હતી....આખું ગામ એમનો પડ્યો બોલ ઝીલે... કોઈ પણ વાદ-વિવાદ, ઝઘડો હોય તો 'શેઠ'ની ડેલીએ આવે.... કોઈ મુંઝવણ કે સલાહ લેવી હોય તો પણ શેઠ જ યાદ આવે સૌને ને શેઠ પણ વાણિયા બુદ્ધિ થી બધાંય નો ઉકેલ લાવી આપે....!!
સાંજ પડે વાળું પતાવીને ગામના પુરૂષો શેઠનાં ઓટલે બેસીને શેઠનાં જ્ઞાનનો લાભ લેતાં ને સુખદુઃખ વહેંચતા, એ નિત્યક્રમ હતો સૌ ગ્રામજનો નો.
એકવાર પાનાચંદ ને મેલેરિયા થયો હતો તો આખું ગામ ૪ દિવસ એમની ડેલીએ બેસી રહ્યું હતું ને શેઠને તાવ ઉતર્યો પછી જ બધાં નાં જીવ હેઠે બેઠા હતા...આટલો બધો ગામના લોકો નો પ્રેમ જોઈને શેઠ અભીભૂત થઈ જતાં...!!
ને ઓલા ૧૯૮૫ નાં ભમરાળા દુકાળમાં શેઠેય પણ ક્યાં પાછું વળીને જોયું હતું..!! આખી દુકાન ખુલ્લી મુકી દીધી હતી પોતાના ગામનાં માણસો માટે.... જેને જે કરિયાણું લેવું હોય એ દિવસ-રાત લઈ જાય .પણ ગામમાં કોઈ ભૂખ્યું ના સુવું જોઈએ એ શેઠની નેમ હતી. વહમા દુકાળમાં શેઠની દુકાન ગામ માટે 'અક્ષયપાત્ર' બની ગઈ..
શેઠાણી પણ એવો જ જીવદયા નો અવતાર જોઈ લો..!! માણસ હોય કે પ્રાણી , નામ માત્ર માટે હૈયે લાગણી સદાય વહેતી રહેતી...ને એમના બેય દિકરાઓ પણ ક્યાંય પાછાં ના પડે દયા ધર્મ કરવામાં કે એમાં મા-બાપ નો પડ્યો બોલ ઝીલવામાં...!!
પાનાચંદ દિવસ-રાત એક કરતાં ધંધાને વધારવા માટે.ગામનાં કેટલાય ગરીબ માણસો ને એમણે નાનકડી દુકાન આસપાસ નાં ગામોમાં કરી આપી હતી.
સમય રેતીની જેમ સરકી ગયો.ને શેઠનાં બંને દિકરા કરિયાણાનાં ધંધામાં વળોટાઈને જુવાન થઈ ગ્યાં.
એક દિ' શેઠે સૌ નિરાંતે બેઠા હતા ત્યારે વાતનો મમરો વહેતો મૂક્યો..
"અલ્યા, મનિયા હવે તો આ હોળકા ઠરે પછી ઓણ સાલ અમરાપુર માં તારી જુદી દુકાન ચાલુ કરી દેવી છે. એટલે તારૂં ઠેકાણું પડતું થાય". પાનાચંદ જાણે મોટાં દિકરા મનીષના હાથમાં ભવિષ્યની દોરી થમાવતાં હોય એમ કહ્યું.....
પણ શેઠને ક્યાં અણસાર હતો કે , ભ'ઈ આ તો નવી પેઢી ઉછરી ને સામે ઉભી છે ને પરિવર્તનનો પવન તો અહીં પણ ફૂંકાયો હતો...એટલે મનીષે વળતો જવાબ આપ્યો ,
" બાપા, ભલે મેં આ બાપદાદાનો ધંધો શીખી લીધો પણ મને આમાં કોઈ જ રસ નથી.
મારે તો મોટા શહેરમાં જઈને કોઈ મોટો ને નવો જ ધંધો કરવો છે. ક્યાં સુધી આપણે આ ગામડાં ગામમાં પડ્યા રહીશું??અમે તો ઓછું ભણ્યાં તો ચાલ્યું પણ અમારા છોકરાઓ નાં ભણતર નું શું? જુઓ બાપા, સમય સાથે બદલાવું જ પડશે , નહીંતર આ રેતી જ ફાકીને મારે અહીં નથી રહેવું."
ને બાપા તો જાણે વાઢો તો લોહી ના નીકળે એવા પથરા થઈ મનિયા સામું જોઈ જ રહ્યાં...આ સાંભળીને સૂનમૂન બની ફસડાઈ પડ્યા..આ જોઈ ને શેઠાણીએ તો મનિયા ને સટ્ટાક તમાચો મારી દીધો...બીજો દિકરો જગો પાણી લઈ આવ્યો ને કલાકેક પછી શેઠને કળ વળી...ત્યારે મનિયો જતો રહ્યો હતો..
એ રાતે શેઠ-શેઠાણી બહુ રડ્યા.એમને મનિયા પાસેથી ઘણીયે આશાઓ હતી જેની પર આજે ખુદ એણે જ પાણી ફેરવી દીધું હતું.
"તમે એને શહેરમાં કોઈ કાળે જવા ના'દેતા.આ અઠવાડિયામાં એને નવી દુકાન કરી આપો, એટલે બેટો આફોડો ધંધે ગોઠવાઈ જસે."શેઠાણીએ શેઠને
મફત પણ અમૂલ્ય સલાહ આપી.
પણ આ તો પાનાચંદ હતાં...!!
જમાનાનાં ખાધેલ શેઠે પત્ની સામે જોઈને કહ્યું , " ના, હવે કોઈ મનિયાને જતાં રસ્તે આડું નહીં આવે.એને જાવા દ્યો.હવે એનું મન નથી તો બળજબરીથી કોઈ કાઠા નથી નીકળવાના.ઉલ્ટાનું "બાવાના બેય બગડયા"જેવો ઘાટ થાહે..જવાન લોહી છે , ભરવા દો થોડાં બાથોડા જિંદગી સામે, જો તરી ગ્યોતો નસીબ ને ના તર્યો તો આપણે તો છીએ જ ને એની પડખે સદાય."બોલી ને શેઠ ગામમાં ફરવા નીકળી પડ્યા.
ને એકાદ અઠવાડિયામાં જ શેઠે મનીષને એક લાખ રૂપિયા અને એમના જીવનની મૂડી જેવી પાંચેક સારા વેપારીઓની ઓળખાણ ગાંઠે બાંધી આપી ને આખા ઘર અને ગામે ભારે હૈયે મનિયાને શહેર જવા વિદાય આપી.
અહીં શેઠ આ ઘટના પછી થોડા તૂટી ગયા હતાં.પણ એમને તો હવે જગો જ આશ્વાસન હતો.એટલે હૈયે થોડી ધરપત થઈ.આ બાજુ શેઠ અને જગો બંને ધંધો કરતા ને પેલી તરફ મનિયો પણ શહેરમાં ખૂબ જ ધગશથી કાળી મહેનત કરી ને એનો કાપડનો ધંધો જમાવવાની કોશિશ કરી રહ્યો હતો.
આંખનાં પલકારામાં ચાર વરસ વીતી ગયા ને મનિયો તો પાવરધા વેપારીઓમાં સામેલ થઈ ગયો.પછી તો એણે જગાને પણ શહેર બોલાવી લીધો ને એનેય ધંધા માં ભાગીદાર બનાવ્યો.
શેઠ-શેઠાણી તો એમની આ પ્રગતિ જોઈને ગદગદ ફૂલાતા રહ્યા. શેઠાણી તો શેઠની પેલી દીર્ઘદ્રષ્ટિ ને હિંમત ભર્યો નિર્ણય યાદ કરીને આખા ગામને જણાવતાં.
પછી તો પાનાચંદે એકજ વરસે બેય દિકરાના લગ્ન કરાવ્યાં ને શહેરમાં સરસ ઘર પણ લઈ આપ્યાં.
હવે દિવસે દિવસે મા-બાપ ની ઉંમર ઘડપણમાં ફેરવાઈ રહી છે એ વાત બંને દિકરાઓ નાં ધ્યાન માં જ હતી એટલે એમને પણ શહેરમાં લઈ આવવા એવું નક્કી કરીને તેઓ દિવાળી કરવા મેઘપુર આવ્યાં.
બંને દિકરાઓએ એમની સાથે શહેરમાં રહેવા આવવા માટે નો પ્રસ્તાવ મૂક્યો.અનિચ્છનીય પ્રસ્તાવ સાંભળતા વેંત જ શેઠે અમાન્ય કર્યો.
"હું મારી આ ધરતી ને ધંધો છોડીને ક્યાંય નહીં આવું.પ્રસંગોપાત આવવાનું ચૂકીશ નહીં. ને તમેય આવતા રહેજો..પણ છોકરા ને વહુઓની જીદ સામે એમણે નમતું જોખવું જ પડ્યું ને એમણે સાથે જવાનું નક્કી કર્યું.
બીજા દિવસે સવારે આગ ફેલાય એટલી ઝડપે આ વાવડ ગામ આખામાં ફેલાઈ ગયાં ને તમે માનશો નહીં પણ આખુંય માયાળું ગામ કામકાજ છોડીને શેઠની ડેલીએ આવીને બેસી ગયું.બધાનાં મોઢે એક જ રટણ હતું કે શેઠ અમે તમને ગામ છોડીને નહીં જવા દઈએ..પણ શેઠે બધાને ધીરજથી સમજાવ્યાં.
એટલે સહુ માની ગયા.જેટલું દુઃખ કાન્હાને મથુરા છોડીને જવામાં થયું હતું એટલું દુઃખ શેઠને ગામ છોડ્યાં નું થયું.
પાનાચંદ ને શેઠાણી નવા નવા શહેરમાં આવ્યાં.અહીંના વાતાવરણથી અપરિચિત, શહેરી જીવનથી અસહજ .એમને બહુ અતડું લાગતુ હતું.કોઈ સગા કે ઓળખીતા નહીં. થોડાં વેપારીઓથી પરિચય હતો ઈ હવે રહ્યા નથી.આખી જિંદગી કામમાં ગળાડૂબ રહેલા શેઠને ઘરમાં કંટાળો જાણે ખાવા લાગ્યો.
એ વિચારતા કે ક્યાં ગામડાંની નિરાંતની પળો ને ક્યાં અહીંની હાડમારી?
સવાર સાંજ કેટલું માણસ ઉમટતું મને મળવા??
ત્યાંનાં માણસ કેટલાં માયાળું ને અહીંના કેટલાં આછકલા?
એટલે એમણે દિકરાની કાપડની દુકાને જવાનું શરૂ કર્યું.ગયા તો ખરાં પણ આ ધંધો એમની માટે સાવ અજાણ્યો.તેથી એ દિકરાઓ કંઈ મદદરૂપ ન બનતાં.શરૂ શરૂમાં તો સૌને ગમતું.પણ જેવા પાનાચંદ ધંધાની નાણાંકીય કે હિસાબની બાબતો મુનીમ કે દિકરાઓને કંઈક સલાહસૂચન આપવા જાયને તો એમને ખટકતું. તોછડાઈથી એમની સાથે વર્તન થવા લાગ્યું.
એકવાર તો દિકરાઓ ની હાજરી માં જ મુનીમે હળહળતું અપમાન કર્યું કે , " ક્યાંથી આવા ડહાપણ કરવા અહીં આવે છે, ઘરે જ પડ્યા રહેતા હોય તો"...
ને મનિયો ને જગો બેય ચૂપચાપ બેસી રહ્યા.એક શબ્દ મુનીમ ને ના કહ્યો..
ઉલ્ટાનું મનિયો ગુસ્સા થી બોલ્યો, "બાપા , અમે તમને અહીં આરામ કરવા ત્યાંથી નિવૃત્ત કરીને લાવ્યા હતા તો ઘરે હવે આરામ કરોને છાનાં માનાં." બસ , ખલ્લાસસસસ આ શબ્દ સાંભળતા વેંત જ પાનાચંદ ને હ્રદયનો જોરદાર હુમલો આવ્યો ને ત્યાં જ ઢળી પડ્યા.કોઈને કંઈ સમજાયું નહીં..જગો તત્કાળ રીક્ષામાં લઈને હોસ્પિટલ ગયો... પાછળથી આખું ઘર આવ્યું. શેઠને ICU માં જોઈને શેઠાણી તો અવાચક થઈ ગયા.
"હે ભગવાન, આ શું થઈ ગયું?કયા પાપનો બદલો લીધો" ?કપાળ કૂટયું એમણે...શેઠ બચી ગયા...
એક અઠવાડિયા પછી એમને રજા આપવામાં આવી..
મનિયાને ભારોભાર પસ્તાવો થતો હતો એનાં એ બોલાયેલા ખરાબ શબ્દો માટે.. એણે બાપા ની માફી પણ માગી લીધી, પણ પેલા છૂટેલાં તીર જેવાં શબ્દોથી પાનાચંદનું હ્રદય વિંધાણું હતું...એ ઘા એમ થોડાં રૂઝાય??
ત્રણ મહિનાની સારવાર ને સેવા પછી યે શેઠને સહેજે દવા કામ નહોતી આવતી..એ ખાટલામાંથી ઊભા પણ નહોતા થઈ શકતાં.
એવામાં એક દિવસ ગામડે થી શેઠની ખબર જોવા પશાકાકા ને માધોકાકા આવ્યાં. એમની આંખો તો ફાટી જ રહી ગઈ..!!! ક્યાં છ મહિના પહેલાનાં અમારા અડીખમ શેઠ ને ક્યાં આ મુઓ ખાટલો જેને ખઈ ગ્યો એ શેઠ?? બંનેથી મોટો નિસાસો નંખાઈ ગયો...
માધોકાકા શેઠાણી સામે સૂચક નજરે જોઈને બોલ્યાં ," શેઠાણીબા , નાના મોઢે મોટી વાત કઉં છું પણ હાલો , આપડે ગામડે પાછાં.એક વાર શેઠ સારા નસીબે બચી ગયા છે.આપણે એમને આમ ને આમ પથારીમાં ગુમાવી ના શકીએ.."
ઘરનાં બધાં જ શાંત થઈને સાંભળી રહ્યા.થોડીકવાર નિરવતા છવાઈ ગઈ.શેઠાણી શેઠની તરફ જોઈ ને રડી રહ્યા હતાં.
મનિયો જાણે પોતાની ભૂલની ભરપાઈ કરવા માંગતો હોય એમ બોલ્યો," કાકા,તમારી વાતમાં કંઈ દમ નથી લાગતો મને તો. ત્યાં કોઈ સારાં દવાખાના કે ડોકટર પણ નથી કે બાપાને સાજા કરી શકે. ને વળી એમની ચાકરી કરવા અમે અહીંનો કારોબાર છોડીને ના આવી શકીએ એમની સાથે હોં. એટલે એ અહીં જ ભલે રહ્યાં.પણ......"
" હવે મૂકને પણ ને બણ " મનિષ ની વાત અધવચ્ચે થી એક જ ઘાએ કાપતાં પશાકાકા તાડૂકયા.
"જો મનિયા, અતારે શેઠની આ હાલત અમારાથી જોવાતી નથી.એમને કદાચ હવા પાણી બદલવા થી ફેર પડી ય જાય ને સાજાં થયાં પછી તમતમારે અહીં તેડી લાવજો ને...!!ને તમે કોઈ ધંધો બગાડી એમની સાથે આવવાની જરૂર નથી.
અરે... ત્યાં આખું ગામ એમની વાટ જોઈ ને બેઠું છે.સૌ સેવા-ચાકરી કરશે.
શેઠાણી બા, હાલો ઝાઝું વિચારશો નહીં.શેઠનાં આ ધરતી માથેથી અંજળપાણી ખૂટી ગયા છે.ને પેલી પોતાની ધરતી નાં પોકારી રહ્યાં છે.મને તો એટલી ખબર પડે બસ....."પશાકાકાએ પવનવેગે બોલી ને મૌન ધારણ કરી બેસી ગયા.
ને શેઠાણી આખીયે વાતનો તાગ પામી ગયા ને મનિષ ને રડતાં અવાજે કીધું, " મનિયા બેટા, મારો આતમા પણ આ જ કહે છે કે તારા બાપાને ગામ લઈ જઈએ.એમને ત્યાં કળ વળી જ જશે..આપડે કોશિશ કરવાની બાકી નસીબ.."એમનાથી ડુંસકુ મૂકાઈ ગયું.
"અમારી જવાની વ્યવસ્થા કરી દે. વેળાસર પોકી જઈએ." માં એ દિકરાને હુકમ કર્યો. મનિષે સૌની ગામ જવાની વ્યવસ્થા કરી આપી.બાપાને ભારે હૈયે મોકલ્યાં.
લાંબી મુસાફરી પછી બધાં સમી સાંજે મેઘપુર આવ્યાં..પણ આ શું ?? શેઠાણી તો એ દ્રશ્ય જોઈને ખૂબ જ ભાવવિભોર બની ને ધ્રુસકે ધ્રુસકે રડતી પડ્યા.
આખુંય ગામ હકડેઠઠ એમની ડેલીએ એમની રાહ જોઈને ઉભું હતું. "શેઠ આઈ ગયા , શેઠ આઈ ગયા.."કરીને બધાં લોકો ગાડીને ઘેરી વળ્યા.
પશાકાકાએ માંડ માંડ બધાને દૂર કર્યા ને શેઠને ચાદરમાં ઉંચકીને ઘરમાં લઈ ગયા..
શેઠાણી ઘરની બારસાખે માથું ટેકવીને વિચારમાં ગરકાવ થઈ ગયા ... કે અહીંથી ગયા ત્યારે જીવન કેટલું સરસ હતું..!!! ને આજે??
ગામના લોકોએ ઘર ચોક્ખું ચણાક કરી ને પાણી પણ ભરી રાખ્યું હતું.એમણે મનોમન આ ધરતી નો આભાર માન્યો. આજે એમના મનને ખૂબજ શાતા (શાંતિ) વળી હતી.છેલ્લા છ મહિના
નો અજંપો આજે અચાનક ગાયબ થઈ ગયો...
માધોકાકાની વહુ આવી ને સાંજનું જમવાનું આપી ગઈ ને કામકાજનું પુછતી ગઈ.
વાળું પતાવીને ગામના માયાળું લોકો પાછાં ડેલીએ આવીને બેસી ગયા. ડેલીની વચોવચ શેઠને સુનમુન સુતાં જોઈને કોઈ રાજી નહોતું.સૌ ચૂપચાપ હતાં.
શેઠ કંઈક બોલે એની રાહમાં હતાં.મોડીરાતે સૌ ઘરે ગયા.
બીજા દિવસે સવારે ગામનાં સરપંચે શિવજીનાં મંદિરે શેઠ સાજા થાય એ માટે ધૂન બેસાડી.અને રમણકાકા કચ્છથી એક જાણકાર ઘરડા વૈદ્યને તેડી લાવ્યા.ને એમણે શેઠની બરાબર તપાસ કરી.
એમના અનુભવ ને જ્ઞાન ઉપર ભરોસો રાખીને કહ્યું," હવે કોઈ ફિકર કરશો મા. શેઠને હું મહિના'દિ માં ઘોડા જેવાં દોડતાં કરી દઈશ. બા, લો તમે આટલાં ઓહડીયાં કીધાં મુજબ શેઠને પાતાં રહેજો ને એમનું મન કરે ને ઈ કરવાં દેજો..રાજી રાખજો બસ. હું આવતો રહીશ."
દસ-પંદર માણસો સતત શેઠની ડેલીએ એમની ચાકરી માટે ખડેપગે રહેતું.શેઠાણીને પણ કોઈ કામ કરવા નાં દેતાં. માધોકાકા ને પશાકાકા દવા આપતા, નવડાવતા , માલિશ કરતાં ને બેસાડતા પણ ખરાં. ને ક્રમ પ્રમાણે ગામ તો આવી ને સાંજે ગોઠવાઈ જતું.
પરસ કરીને શેઠનું મન લાગે એવી વાત કરતા.
સૌનાં એકધારા પ્રયત્નો પછી ૧૮મે દિવસે શેઠે હલનચલન કર્યું ને આખુંય ગામ સજીવન થઈ ગયું...!! બધાએ શિવજી નો પ્હાડ માન્યો ને
શેઠાણી તો શેઠનાં માથે ખૂબ જ રોઈ પડ્યાં. ઈશ્વર નો જાણે ચમત્કાર થયો એમ બધાંજ વૈદ્યનો આભાર માન્યો.
દોઢ મહિનામાં તો પાનાચંદ બોલતાં - ચાલતાં થઈ ગયા.શેઠાણી આખાયે ગામમાં મોહનથાળ વહેંચ્યો.ને પૂનમની રાતે ડેલીએ બેઠક બોલાવી ને શેઠે ગદગદિત સ્વરે કહ્યું," તમારો આ ઉપકાર કયે જનમે પાછો વાળીશ. મને તમે મડદાં માંથી બેઠો કર્યો.નવો પ્રાણ પુર્યો....મારા વ્હાલીડાં , હવે મારે તમને છોડીને ક્યાંય નથી જવું.મારે તો આજ ગોકુળ ને વનરાવન...માધા,પશા ,રમણીક તમે તો ભાંડેરૂ થી પણ ચડિયાતા સાબિત થ્યાં હો બાપા "..ને બધાને ભેટી પડ્યા....
રમણીકભાઈ બોલ્યા, "ના ના ,શેઠ અમે તો નિમિત્ત માત્ર બન્યાં. જીવાડે તો ઉપરવાળો. ને આ બાપદાદાની ધરતીનાં અંજળપાણી નો પ્રતાપ છે. શેઠ, તમારો જીવ ત્યાં ન્હોતો જ લાગવાનો અમને ખબર હતી,પણ આ ધરતીને તમારો આટલો બધો લગાવ હશે ને તમને પાછાં બોલાવશે ઈ સપનેય નહોતું વિચાર્યું. અમને ને આ જમીનનેય તમારી જરૂર છે હોં...ઘણી ખમ્મા તમને શેઠ.."બોલી ને રમણીક કાકા પગે પડ્યા....
પછી સૌ ચા પીને છૂટા પડ્યા.રાત્રે શેઠે કાગળ લખીને દિકરાઓને એમનાં સમાચાર જણાવ્યા ને હવે એ ગામમાં જ રહેશે એ પણ લખી દીધું.તમે સૌ શહેરમાં સુખી રહો એવાં આશિર્વાદ આપ્યા.
બીજે દિવસે સવારે પાનાચંદે પોતાની જીવાદોરી તરફ પ્રયાણ કર્યું ને દુકાને આવ્યાં. સાફસફાઈ ને પૂજા કરી ને ધંધો ચાલુ કર્યો.....ને એમનાં ડાબા-જમણાં હાથ જેવાં રઘલો ને સવજી પાછાં કામે આવી ગયા.એ બે ય શેઠને નવજીવન મળ્યું એનાથી બહુ રાજી થયાં હતાં.ને વાર્તાની શરૂઆત નાં હરખનાં સંવાદો અહીં થી જ શરૂ થયાં હતાં..!!
-ફાલ્ગુની શાહ ©