Featured Books
શ્રેણી
શેયર કરો

ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી - 9

બધા જ વિદ્યાર્થીઓ વેકેશનનો તહેવાર સારી રીતે માણી રહ્યા હતા. ક્યારેક ક્રિકેટ, ક્યારેક ફૂટ બોલ, ક્યારેક કબડ્ડી તો ક્યારેક આટીયા પાટીયા. આવી રમતો રમતા રમતા વેકેશન વીતી રહ્યું હતું. એમાં પણ સ્કૂલના ગ્રાઉન્ડમાં છુપી છુપીને જઈને આંબાના ઝાડ પરથી કેરીઓ તોડવી.

વેકેશન દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ સ્કૂલના સ્ટાફ સાથે પણ સમય વિતાવતા.

કિશન, અક્ષર અને નયનની ગેંગ સાથે ક્રિકેટ રમતા, પાર્થ સરને પણ તેઓ ક્રિકેટ રમવા બોલાવતા, પાર્થ સરને ક્રિકેટ રમવું ખુબ જ ગમતું હતું. એક દિવસ વીરેન સર, પાર્થ સર અને નયન એન્ડ ટીમ અચાનક પાર્કમાં ભેગા થઇ ગયા.

“ઓહો, શું વાત છે, આજ તો બધા સ્ટુડન્ટસ પાર્કમાં ફરવા આવ્યા છે.” પાર્થ સરે વીરેન સરને હળવા હાસ્ય સાથે કહ્યું.

“હા પાર્થ સર, જોવા જેવું તો એ છે કે કિશન અને નયન પણ હવે તો સારા મિત્રો બની ગયા છે.”

“એ તો સાચું, હવે જોવાનું એ છે કે નવા ધોરણમાં આ લોકો કેવો ધમાલ કરે છે.”

“કેમ છો સર, આજ તો તમે બંને સાથે પાર્કમાં!” અક્ષર બોલ્યો.

“અમે તો મજામાં. તમે કહો.” પાર્થ સરે કહ્યું.

આમ બધાએ ઘણી વાતો કરી, થોડી વાતો, થોડી નિખાલસ મસ્તી અને એ જ પાર્કમાં વિતાવેલી યાદો તાજી કરી. વાતો વાતોમાં ક્રિકેટ એ રસપ્રદ ચર્ચાનો વિષય બન્યો. ચર્ચાએ પોતાનો કબજો જમાવ્યો હતો ત્યારે વાત એ આવી કે કોણ સારું ક્રિકેટ રમી શકે છે, બધા લોકો પોતાની જ પ્રસંશા કરી રહ્યા હતા.

“ના પાર્થ સર, જ્યારે હું બેટિંગ કરતોને ત્યારે મને કોઈ આઉટ જ ના કરી શકતું, તમે મારું બેટિંગ હજુ જોયું જ નથી.” વીરેન સરે કોલર ઊંચા કરતા કહ્યું.

“અરે વિરેન સર, એમ તો મારી બોલિંગ પણ કંઈ નબળી નથી, એક ઓવરમાં ઓછામાં ઓછી બે વિકેટ તો લઈને જ રહું.” પાર્થ સરે હવામાં ફેંકતા કહ્યું.

“હશે, તમારી બોલિંગ સારી હશે, પણ મારા બેટિંગ સામે ફિક્કી પડે, એક ઓવરમાં એક છગ્ગો તો મારીને જ મને સંતોષ થાય.”

“એવી વાત છે, તો આવો ક્યારેક મેદાનમાં, એક મેચ થઇ જાય?”

“હા, હા, ચાલો, હું તો તૈયાર જ છું. આવતા રવિવારે જ મેચ કરીએ.”

“જે ટીમ હારશે એ ટીમ બધા જ સ્ટુડન્ટસને નાસ્તો કરાવશે.”
“હા, મંજુર છે.”

આમ બંનેએ પોતાનું ક્રિકેટ સારું હોવાનો દાવો કર્યો. ક્રિકેટ તો સૌને ગમે, કોઈ ખતરનાક ગેંદબાજ, તો કોઈ ધુરંધર બેટ્સમેન, વેકેશનનો માહોલ હોવાથી બધા જ રિલેક્ષ હતા, વિદ્યાર્થીઓને પણ ભણવાનું પ્રેશર ના હોય માટે આ ક્રિકેટ મેચમાં બધા છોકરાઓને રમાડવાનું નક્કી થયું. બે અલગ અલગ ટીમના લીસ્ટ બન્યા અને ત્યારે જ સવારે સિલેકશન થયું. બંને ટીમમાં 11-11 ખેલાડીઓ પસંદગી પામ્યા. આ મેચ એસ.વી.પી. એકેડમીના જ ગ્રાઉન્ડમાં યોજાવાનો હતો. સ્કૂલ દ્વારા વિજેતા બનનાર ટીમ માટે એક સુંદર ટ્રોફી પણ રાખવામાં આવેલી હતી. વિકાસ સર અમ્પયારની ફરજ બજાવશે તેમજ તન્વી મેમ અને ભૂમી મેમ કોમેન્ટ્રી આપશે એ નક્કી થયું. બંને ટીમો જોર શોરથી તૈયારીઓ કરી રહી હતી, બંને ટીમોનું નેતૃત્વ કરનાર કેપ્ટન બંને શિક્ષક હતા.

વીરેન સરની ટીમને કર્ણ ઈલેવન્સ અને પાર્થ સરની ટીમને અર્જુન ઈલેવન્સ નામ આપવામાં આવ્યા હતા. આ મેચ ખુબ જ રોમાંચક બનવાનો હતો.બધા લોકો મેચની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા. આખરે મેચનો દિવસ આવ્યો, સ્કૂલનું મેદાન સ્ટેડીયમમાં તબદીલ થયું હતું.

“નમસ્કાર મિત્રો, હું અનુપ (એસ.વી.પી. એકેડમીનો ભૂતપૂર્વ વિદ્યાર્થી) આજના આ મહા ક્રિકેટ મેચમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, મારી સાથે કોમેન્ટ્રી બોક્સમાં ઉપલબ્ધ છે તન્વી મેમ એન્ડ ભૂમી મેમ.”

“થેન્ક-યુ અનુપ, આજનો આ મેચ ખુબ જ વધારે ટશન વાળો બનવાનો છે એવું લાગી રહ્યું છે, બંને ટીમો ખુબ જ ઉત્સાહિત છે આ ટ્રોફી મેળવવા માટે, તો શું લાગે છે ભૂમી મેમ, કોણ જીતશે?” તન્વી મેડમ બોલ્યા.

“કોણ જીતશે એ કહેવું તો ખુબ જ મુશ્કેલ છે કારણકે, બંને ટીમો ખુબ જ વધારે ઉત્સાહમાં છે અને બંને ટીમોના પ્લેયર્સ પણ પોતાની પ્રતિસ્પર્ધી ટીમને હરાવવા તત્પર છે.” ભૂમી મેમ માઇક મેજ પર મુક્ત બોલ્યા.

“તો વધારે સમય વેડફ્યા વિના શરુ કરીએ આજનો મહા મેચ. એસ.વી.પી. સ્ટેડીયમમાં બંને ટીમો આવી ચુકી છે. ત્રણેય લોબી ઓડીયન્સથી ભરપુર છે, આપ નિહાળી શકો છો પીળા રંગમાં અર્જુન ઈલેવન્સને અને લાલ રંગમાં કર્ણ ઈલેવન્સને.” અનુપ પોતાની બોલવાની કળા દ્વારા બધા લોકોનો ઉત્સાહ વધારી રહ્યો હતો.

અમ્પાયર વિકાસ સર મેદાનમાં આવી ગયા હતા, અર્જુન ઈલેવન્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો, કર્ણ ઈલેવન્સમાંથી ઓપનીંગ કરવા માટે અક્ષર અને અમિત આવ્યા હતા, સામે પ્રથમ ઓવરમાં બોલિંગ કરવા નયન આવ્યો હતો.

મેચ ખુબ જ સારી રીતે ચાલી રહી હતી, પ્રથમ ઓવરનો સ્કોર 8 રન વિના વિકેટે, બીજી ઓવરમાં પણ વિના વિકેટે સ્કોર હતો 14 રન. ત્રીજી ઓવર કરવા માટે પાર્થ સર પોતે આવ્યા અને તેમને બે વિકેટ મળી. એક તરફ બેટિંગ ટીમમાંથી વીરેન સર ઉતર્યા હતા તો બીજી તરફ પાર્થ સરની ઓવરની છેલ્લી બોલ, અને છેલ્લી બોલ પર સિક્સ. આમ મેચ આગળ વધતો રહ્યો, કિશને પણ સારી બોલિંગ કરીને કુલ ત્રણ વિકેટ ઝડપી હતી, પાર્થ સરે બે વિકેટ, અક્ષરે પોતાની અડધી સદી છગ્ગા દ્વારા પૂર્ણ કરી. મેચ વધુને વધુ રોમાંચક બની રહી હતી. છગ્ગા અને ચોગ્ગાની વરસાદ થઇ રહી હતી. ત્યારે બીજી તરફ દીપે હેટ્રિક લીધી. બાર ઓવરના અંતે કર્ણ ઈલેવન્સનો સ્કોર 117 રન 8 વિકેટના નુકસાને. હવે અર્જુન ઈલેવન્સને મેચ જીતવા માટે બાર ઓવરમાં 118 રન કરવાના હતા.

વીસ મીનીટના બ્રેક પછી ફરી વખત બંને ટીમો મેદાન પર આવી અને લાલ રંગ સમગ્ર સ્ટેડીયમમાં ક્ષેત્ર રક્ષણ કરવા માટે છવાઈ ગયો. અર્જુન ઈલેવન્સની શરૂઆત કર્ણ ઈલેવન્સ ટીમના મુકાબલે થોડી નબળી રહી હતી. શરૂઆતની ચાર ઓવર્સમાં અર્જુન ઈલેવન્સ માત્ર 32 રન જ કરી શકી હતી અને ત્રણ વિકેટ પણ ગુમાવી ચુકી હતી. પાર્થ સર 21 રન પર નોટ આઉટ રમી રહ્યા હતા. નવો બેટ્સમેન ઓમ સ્ટ્રાઈક પર આવી ચુક્યો હતો. મેચમાં હવે રંગ જામી રહ્યો હતો, ફરી વખત છગ્ગા અને ચોગ્ગાની વરસાદ જોવા મળી. ઓમ અને પાર્થ સરની ભાગીદારી 60 રન પર પહોંચી અને પાર્થ સરે બે રન લઈને પોતાના 50 રન પુરા કર્યા.
બોલિંગ કરવા વીરેન સર પોતે આવ્યા હતા, બંને કેપ્ટન સામે હતા, ઓમે એક રન લઈને પાર્થ સરને સ્ટ્રાઈક સોંપી હતી. આ ઓવરના બીજા જ બોલ પર પાર્થ સરે બેટથી જે ફટકો માર્યો કે બોલ બાઉન્ડ્રી પાસે ઉભેલા જીતના હાથમાં, અને આ કેચ દ્વારા કર્ણ ઈલેવન્સને મોટી સફળતા મળી. એક તરફ વિકેટ મળી એ ઉત્સાહ અને બીજી તરફ ઉદાસી છવાયેલી હતી. મેચ ધીરે ધીરે આગળ વધી રહ્યો હતો અને વિકેટો પણ પડવા માંડી હતી. અંતે નવમી વિકેટ અગિયારમી ઓવરના છેલ્લા બોલ પર પડી. છેલ્લી ઓવર કરવા માટે વીરેન સરે મીતને કહ્યું.

હવે કિશન જ બચ્યો હતો. કિશને શરૂઆતના બે બોલ તો વેડફી નાંખ્યા હતા. ચાર બોલ માં 10 રનની જરૂર હતી. સ્ટ્રાઈક હજુ કિશન પાસે હતી અને ત્રીજી બોલ પર કિશને ચોગ્ગો માર્યો. ત્રણ બોલમાં છ રનની આવશ્યકતા હતી. ફરી ચોથા બોલ પર કોઈ જ રન ના મળતાં બંને ટીમો ટેન્શનમાં આવી ગઈ હતી. પાંચમાં બોલ પર બે રન મળ્યા અને છેલ્લા બોલ પર કિશને આંખો બંધ કરીને બેટ ફેરવ્યું અને જ્યારે આંખો ખોલી ત્યારે બોલ બાઉન્ડ્રીની બહાર હતો.

આમ, છેલ્લા બોલ પર છગ્ગો મારીને અર્જુન ઈલેવન્સ ટીમ વિજેતા બની હતી. આ મેચ ખુબ જ રોમાંચક રહ્યો હતો. સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરવામાં આવી, મેન ઓફ ધ મેચ તરીકે ઓમને જાહેર કરાયો, અને તાળીઓના ગડગડાટ સંભળાયા. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા અમ્પાયરનો આભાર માનવામાં આવ્યો. વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલનો અને ટ્રસ્ટીઓનો આભાર માનવામાં આવ્યો. આભાર વિધિ પૂર્ણ થયા બાદ બધાએ નાસ્તો કર્યો અને વેકેશનનો આ દિવસ બધા માટે યાદગાર બની ગયો હતો. પાર્થ સરની બેટિંગના પણ વખાણ થયા, આ ક્રિકેટ મેચ દ્વારા બધા લોકો એક બીજાને વધુ જાણતા થયા. વિદ્યાર્થીઓને ખેલદિલીનું મહત્વ પણ સમજાયું. અંતે કિશને લખેલી કવિતા એને રજુ કરી. એ કવિતાના શબ્દો કંઈક આ રીતે હતા,

શિક્ષક

“ક્યારેક એ મોટા ભાઈ/બહેન બની જતા,
ક્યારેક આપણા ગુરુ કહેવાયા,
સ્કૂલમાં ભલે ખીજાતા હોય,
કેમ્પસની બહાર તો એ મિત્ર બનીને નીખર્યા.
કદાચ શોધું તો શબ્દો પણ ઓછા પડે,
એમની પાસેથી હિંમતનો મહા ડોઝ પણ મળે,
અંધકારમાં એ બન્યા દીપક,
તો અજવાશ માણવા સાથે પણ રહ્યા,
એક અલગ જ વ્યક્તિત્વ જેમનું,
એ મારા શિક્ષક કહેવાયા.”

આ કવિતા બધા લોકોને ખુબ જ ગમી. બધાએ કિશનના વખાણ કર્યા,

મિત્રો, શિક્ષક એટલે માત્ર આપણને ભણાવવા માટે જ કે આપણને ગૃહ કાર્ય ન કરવા બદલ ખીજવવા માટે જ હોય છે આવી માન્યતા બિલકુલ ખોટી છે, શિક્ષકની અંદર પણ એક સામાન્ય મનુષ્ય જ રહેલો છે, દરેક શિક્ષક એક સારો મિત્ર હોય છે, એમને પણ વિદ્યાર્થીઓ સાથે રમવાનું મન થાય, એમનું હૃદય પણ વેકેશનના તહેવારમાં રમવા માટે થનગનતું હોય છે, જે વસ્તુ આપણને ગમે એ શિક્ષકોને પણ ગમતી હોય શકે.

સ્કૂલની અંદર એ ફક્ત એક શિક્ષક સ્વરૂપે હોય છે જ્યારે સ્કૂલની બહાર એ પણ આપણો મિત્ર હોય શકે. શિક્ષકનું કામ માત્ર ખીજાવું જ કે ભણાવવું જ એવું તો એક પણ ગ્રંથમાં નથી લખ્યું, સ્કૂલની બહાર શિક્ષક એક મોટા ભાઈ સ્વરૂપે, શ્રેષ્ઠ મિત્ર સ્વરૂપે, મોટી બહેન સ્વરૂપે પણ હોઈ જ શકે. બસ જરૂર છે તો એમને ઓળખવાની.

અહીં વીરેન સર અને પાર્થ સર પણ સ્કૂલમાં તો ટીચર તરીકે જ પોતાની ભૂમિકા બજાવતા હતા પણ બાહ્ય જીવનમાં એ પણ વિદ્યાર્થીઓ સાથે આવી હળવાશની પળો માણી લેતાં. ક્યારેક બાળક સાથે બાળક બની જતા, તો ક્યારેક એમના અંદર રહેલા ક્રિકેટર બહાર આવતા. બાહ્ય વિશ્વમાં કોઈ પણ માનવ શિક્ષકની ભૂમિકામાં ના જ હોય.

"પ્રેમ, મિત્રતા, સમજણ અને ધૈર્ય તેમજ પ્રભાવિત મન, આવા લક્ષણો ધરાવતો વ્યક્તિ જ શ્રેષ્ઠ શિક્ષક બની શકે."

આપણા ઘણા ટીચર્સ સાથે આપણું અટેચ્મેન્ટ ખુબ જ સારું હોય છે, આપણી ઘણી સિક્રેટ વાતો એમને ખબર હોય, અને એમની આપણને. બસ, આ જ તો છે સાચો શિક્ષક.

હવે નવું ધોરણ શરૂ થવાનું હતું અને સાથે એક વ્યક્તિની અનોખી લડાઈ પણ.

શું હશે આ લડાઈ?

આપ કલ્પી શકો સૌ થી અલગ? કૉમેન્ટમા જણાવો.

આ ભાગ કેવો લાગ્યો એ પણ ચોક્કસ જણાવો.

આગળ જાણવા માટે વાંચતા રહો....

*ટીચર - સ્ટુડન્ટ્સની ખાટી મીઠી કેમિસ્ટ્રી*

ig:- @author.dk15

FB:- Davda Kishan

eMail:- kishandavda91868@gmail.com