Aaruddh an eternal love - 34 books and stories free download online pdf in Gujarati

આરુદ્ધ an eternal love - ભાગ-૩૪

"અનુષ્કા, ક્યાં ખોવાઈ ગઈ?"

"કંઈ નહીં, પેલા બહેન ક્યાં ગયા?"

"એ તો ગયા! ક્યારના! તું કઈ ઊંડા વિચારમાં પડી ગઈ લાગે છે! કંઈ ચિંતા હોય, તો મને કહી શકે છે."

"કંઈ નહીં બસ! અમસ્તા જ વિચાર કરતી હતી"

"આજકાલ તો તારા બગીચાઓના સફરજન ની બહુ ચર્ચા છે ને કાંઈ! તને ખબર છે, આ બહેન આવ્યા એ પહેલા કોઈ ફિલ્મનો હીરો આવ્યો હતો. અરે રે!! હું એમને નામ પુછતાં તો ભૂલી જ ગઈ!"

"બરાબર! તું કાયમ આવું જ કરે છે! જે કામ કરવાનું હોય એ તો તને યાદ આવતું જ નથી!"કહીને એ હસી.

"એવું નથી, પણ તને ખબર છે? એ હીરોને જોયા પછી કંઈ યાદ રહેતું જ ન હતું. પણ એની નજર તો બહુ ચકોર હતી. ટેબલ પર પડેલા ખાંડના લાડવા જોઇને એ જાણે અચરજ પામ્યો, એણે એ વિષે પૂછ્યું પણ ખરું. એને કદાચ એ ખાંડના લાડવા ભાવતા હશે."

"શું પૂછ્યું?"

"એમ કે આ પ્રદેશમાં ખાંડના લાડવા ક્યાંથી?"

"પછી?" અનિરુદ્ધની જેમ એના પણ હૃદયના ધબકારા વધી રહ્યા હતા.

"પછી શું? પેલો હીરો તો તારી જેમ વિચારોમાં જ પડી ગયો હતો. અને પછી એ ચાલતા થઈ ગયા."

એ હજુ પણ વિચારમાં જ હતી. જાણે ગઇ કાલે જ બધું બન્યું હતું! જાણે છ મહિના ઓગળીને છ મિનીટ બની ગયા હતા!

"સારુ, તને એક વાત કહું? કહું નહીં, બતાવું. જો..." કહીને માધવીએ એની વિચારાવસ્થા તોડી અને ફોટા બતાવ્યા.

માધવીના મંગેતરે એના માટે એના જ ઘરના ગાર્ડનમાં સરપ્રાઈઝ ગોઠવ્યું હતું. ફોટાઓ જોઈને એને એ રાત યાદ આવી ગઈ અને એની આંખોમાંથી ટપ ટપ આંસુઓ પડવા લાગ્યા.

પોતાના ફોટાઓ જોઇને ખુશ થવાને બદલે અનુષ્કાની આંખોમાં આંસુ? માધવી એને ખૂબ આગ્રહ કર્યો, અને આખરે એનાથી એનું દુઃખ કહેવાઈ ગયું. એણે આ છ મહિનામાં પોતાની વ્યથા કોઈને કહી ન હતી, કાલકીદાદીને પણ નહીં, પરંતુ એનાથી માધવીને બધું કહેવાઇ ગયું. એની કથા સાંભળીને માધવીનું હૃદય પણ વલોવાઈ ઉઠ્યું.

"અરેરે.. તું તારા હૃદયમાં આટલું દુઃખ છુપાવીને બેઠી છે! અને છતાં કશી ફરિયાદ નથી!" કહેતી માધવી એને ભેટી પડી. માધવીએ એને પાણી પીવડાવ્યું અને એના આંસુઓ લૂછ્યા.

"અહીં આવીને નામ પણ બદલ્યું કે જેથી મને કોઈ શોધી ન શકે અને જૂની યાદો મારો પીછો છોડી દે, પણ મનને કોણ સમજાવી શકે છે? જેટલું કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરું એટલું જ દોડી જાય છે."

"મન તો ચંચળ જ છે ને! જ્યાં જવાની એને મનાઈ કરીએ ત્યાં તો એ તુરંત દોડી જાય! પરંતુ અમારા ગુરુજી કહે છે કે મનને કાબુમાં રાખવું એ આપણા હાથની વાત છે. જે મનને કાબુમાં કરી લે છે એ દુનિયા જીતી શકે છે.

એ બધું તો ઠીક અનુષ્કા, પણ મારા મનમાં એક પ્રશ્ન થાય છે. આ છ મહિનામાં ત્યાં જે થવાનું હતું તે થઈ ગયું હશે! તું એકવાર તો ત્યાં જઈને જોઈ શકે. એવું પણ બને કે તે વિચાર્યું હોય એના કરતા અલગ પરિસ્થિતિ હોય. અનિરુદ્ધ તારી રાહ જોતો બેઠો હોય!

તે વચન લીધું હતું કે એ તને કદી શોધે નહીં, તો તારે એની ખબર તો લેવી જોઈએ ને! એ કઈ પરિસ્થિતિમાં છે એ જાણવું જોઈએ."

"ના, અનિરુદ્ધ મારી સાથે હોય છે એના કરતા એકલો હોય ત્યારે વધારે સુખી હશે! કદાચ સંજોગો, કુદરત અને પરિસ્થિતિ એવું જ ઈચ્છે છે કે અમે અલગ રહીએ. અમે બંને સાથે હોઈએ છીએ ત્યારે અનિરુદ્ધ દુઃખી હોય છે. તો મારી ફરજ બને છે કે એને દુઃખી ના થવા દઉં. અમે સાથે હોઈએ અને ફરી કોઈ ષડયંત્ર રચાઈ જાય અને ફરી અનિરુદ્ધ દુઃખી થાય એવું હું ઈચ્છતી નથી."

"તને એક વાત કહું, અનુષ્કા? આપણે બાબા કેદારનાથના ધામ જઈએ! ત્યાં નજીકમાં અમારા ગુરુજી છે, મારે એમની પાસે જવાનું છે તો તું પણ સાથે ચાલ! તને શાંતિ અનુભવાશે! ત્યાં જઈને ગમે તેવું ઉદ્વિગ્ન મન શાંત થઈ જાય છે."

એ આંસુ ભરેલી આંખોએ એ એને સંમતિ આપી રહી. એને ખબર ન હતી કે જે અનિરુદ્ધ વિશે તે આટલું બધું વિચારી રહી છે, એ આસપાસ જ છે.

***

. "અનિરુદ્ધ.... તમે કહી રહ્યા છો એ કેટલી જોખમી બાબત છે એનો તમને ખ્યાલ છે? અમે તમને તમારી સાથે એટલું બધું જોખમ લેવા દઈ શકીએ નહીં! સાથે-સાથે યાત્રાળુઓને પણ જોખમ તો છે જ ને!"

"સર, મેં મારું જીવન રાષ્ટ્રને હવાલે કરી દીધું છે. અને મારા જીવન સાથે રાષ્ટ્રને કોઈ પણ જોખમ લેવાનો અધિકાર છે. મેં આઈએએસ ઓફિસર તરીકે શપથ લીધા હતા ત્યારે જ મારી જાતને રાષ્ટ્રને સેવા માટે સોંપી દીધી છે.

વળી, એ લોકોના પ્લાનીંગ પ્રમાણે જેટલું જોખમ યાત્રાળુઓને છે એના કરતા મારા બચાવના પ્લાનમાં નહિવત જેવું જોખમ છે. જો હું કશું નહીં કરું તો એ લોકો એમનું કામ કરી નાખશે."

"જિદ્દી તો તમે છો જ ને અનિરુદ્ધ! તમે ધાર્યું હોય તે કરીને જ રહો છો. તમે રાત્રે આવો એટલે હું આખો પ્લાન જોઈ લ‌ઉં! હવે જે પણ કરીએ એ ઝડપથી કરવું પડશે કારણ કે હમણાંથી હુમલાઓ ખૂબ વધી ગયા છે. એ લોકોને પકડવાનું અથવા મારવાનું પ્રેશર આવી રહ્યું છે. તકલીફ એ છે કે આપણે લોકોનો જીવ બચાવવા રહીએ ત્યાં એ લોકો પોતાનું કામ કરી જાય છે."

"એકવાર, આ પ્લાન સક્સેસ જાય એટલે એ લોકોમાંથી મોટા ભાગનાને હું પકડી કાઢીશ."

"ખરી વાત છે, મારા હાથ પણ બંધાયેલા છે, તેથી જ અમે તમને અહીં બોલાવ્યા છે, ઓફિસીયલી હું કશું આવું કરવાની છૂટ આપી શકું નહીં પરંતુ તમે ધારો એમ કરી શકો છો, કારણકે તમે અંડર કવર એજન્ટ છો અને તમને છેક ઉપર થી છૂટ મળી છે. પરંતુ તમારી જાતનો જરૂર ખ્યાલ રાખજો."

અનિરુદ્ધે ત્યાં હાજર લેફ્ટનન્ટ જનરલ અને મેજર જનરલ સાથે હસ્તધૂનન કર્યું અને ત્યાંથી જતો રહ્યો.

"ખરેખર બહાદુર માણસ છે. માત્ર છ મહિનામાં જ એ આખો વિસ્તાર ખુંદી વળ્યો છે. અહીંના રહીશો પણ નથી જાણતા એટલું એ અહીંની ભૂગોળ વિશે જાણે છે."

"અંડર કવર એજન્ટ તરીકેની એની પસંદગી એકદમ યોગ્ય છે. કહેવાય છે કે જિલ્લા કલેકટર તરીકે એનો ગુસ્સો ખૂબ પ્રખ્યાત હતો, અને હવે એના ગુસ્સાને અહીં યોગ્ય દિશા મળી છે. વધુમાં એની પાસે ત્વરિત નિર્ણયશક્તિ અને સુદૃઢ શરીર સૌષ્ઠવ પણ છે. સાત આતંકવાદીઓને એણે મારી કાઢ્યા છે, જે ત્રણ ને જીવતા પકડ્યા છે એમની પૂછપરછ ચાલુ છે."

લેફ્ટનન્ટ જનરલ અને મેજર જનરલ બંને અનિરુદ્ધની નોંધ લેતા હતા, એ બંને જ કેમ, જેટલા પણ જાણતા હતા કે આ મિશનમાં અનિરુદ્ધની શી ભૂમિકા છે એ બધા જ એના વખાણ કરતા હતા. છેલ્લા કેટલાક સમયથી આતંકીઓનો ખૂબ ત્રાસ વધ્યો હતો, સામાન્ય પહેરવેશમાં નીકળતા આતંકીઓ લોકોની આડમાં રહીને સેનાના જવાનોને ખૂબ કનડતા હતા.

કોઈ એવી વ્યક્તિની જરૂર હતી કે જે પોતાની બુદ્ધિ, તાકાત અને સાહસ- બધું જ વાપરી ને એમને પહોંચી વળી શકે. અને એ વ્યક્તિ તરીકે અનિરુદ્ધ ની પસંદગી થઈ હતી.

***

"અહીં ચાલતા ત્રાસવાદનું કેન્દ્ર અનિરુદ્ધસરે શોધી કાઢ્યું છે, એ કેદારનાથ મંદિરની નજીકમાં જ ક્યાંક છે. માત્ર આપણે બંનેએ જ એમની સાથે જવાનું છે. બહાદુર માણસો સાથે કામ કરવાની મજા જ કંઈક ઓર હોય છે!"

"એકદમ સાચું અખિલેશ, પેલા ત્રણને જીવતા પકડ્યા ત્યારે કેટલી મજા આવી હતી! એ ત્રણને પકડતી વખતે લાગ્યું હતું કે આજે જ સાચી રાષ્ટ્ર સેવા કરી છે." વસીમ કહેતો હતો ત્યાં જ અનિરુદ્ધ આવતો દેખાયો અને એ બંને સૈનિકોએ એને આવકાર્યો.

"તૈયાર છો?"

"જી સર."

"ખબર છે ને કે જીવનું જોખમ છે?"

"જી સર. ડરતા નથી. કટાઈને બેસી રહીએ અને રિટાયર્ડ કહેવાઈએ એના કરતા લડીને શહીદ કહેવાઈએ એ વધારે પસંદ છે." વસીમ એ કહ્યું.

એ પછી પ્લાન મુજબ ત્રણેય કેદારનાથના રસ્તે ઉપડી ગયા હતા.

***

"સર તમે કહો છો એ પ્લાન થોડો હાસ્યાસ્પદ લાગે, પરંતુ એના સિવાય કોઈ રસ્તો પણ નથી."

"શટ અપ અખિલેશ, આ ગંભીર બાબત છે. મને મળતી માહિતી મુજબ એ લોકો ત્રીસેક જણાં છે. અત્યારે બધા જ અહીં મંદિરે જતા માર્ગમાં છૂટા છૂટા હાજર જ છે. એ લોકો રોજ આવતા જતા હોય છે, રાહદારીઓ ભેગા ભળીને."

"પણ સર, એ લોકોને ઓળખીશું કઈ રીતે?"

"વસીમ, એના માટે જ આ પ્લાન છે, હું રોજ ત્યાં બેસી અને નિરીક્ષણ કરતો રહીશ. એ લોકો કંઈ પણ કરે એ પહેલા એમની ઓળખાણ મેળવી લેવી જરૂરી છે. મળતી માહિતી મુજબ એ લોકો દસેક દિવસ બાદ કંઈ મોટું કરવાના છે."

"પણ તમે સર... એટલી ઠંડી માં... એ રીતે..."

"ચિંતા કરીશ નહીં વસીમ, કદાચ મને કંઈ થાય પણ તો મેં જે રીતે સૂચના આપી છે એ રીતે તમારે બંનેએ કામ કરવાનું છે."

અનિરુદ્ધ ની દેશભક્તિ ને એ બે સૈનિકો મનોમન વંદન કરી રહ્યા. એક આઇએએસ ઓફિસર આ રીતે જમીન પર બેસીને સુરક્ષાની ચિંતા કરે એ બહુ મોટી વાત હતી. એ પછી અનિરુદ્ધ બેસી ગયો એ રસ્તે, કેદારનાથ જતાં એ રસ્તે. પગપાળા ચાલતા સહુ એની સામે જોતા હતા. પણ અનિરુદ્ધ તો એનું કામ કરતો હતો.

***

"આર્યા, ઝડપથી પગ ઉપાડ ને! સોરી અનુષ્કા.."

"જે કહેવું હોય એ કહે, તારે બોલ્યા વગર ચાલે નહીં, ખરું ને!"

"આપણે પહેલા કેદારનાથ મંદિરમાં દર્શન કરી આવીએ. પછી આપણે આશ્રમે જઈશું અને ત્યાં થોડો થાક પણ ઉતારીશું."

"જેવી આજ્ઞા, માધવી."

કહીને આર્યાએ માધવીના ખભે ટપલી મારી અને દોડવા લાગી. અનુષ્કા.... આર્યા.... કહેતી માધવી એની પાછળ પડી અને માધવીનો અવાજ હવાઓમાં ગુંજી રહ્યો.

***

કેદારનાથના એ દુર્ગમ રસ્તે જઈ રહેલા તીર્થયાત્રીઓનું ધ્યાન એના તરફ ખેંચાયા વગર રહેતું નહીં. એના ગૂંચવાઈ ગયેલા લાંબા વાળ વડે તેનો મોટાભાગનો ચહેરો ઢંકાયેલો રહેતો. વાળમાંથી દેખાતી તેની આંખો કોઈકવાર ઊંચે તાકતી તો કોઈક વાર નીચે નમેલી રહેતી. એના કપડાં પણ ધૂળ ખાઈ ગયેલા અને જર્જરિત હતાં. એ કોણ હતો, ક્યાંથી આવ્યો હતો એ કોઈ જાણતું ન હતું.

આ રસ્તે પ્રાણીઓ પણ ટકવાની હિંમત કરતા નહીં, એટલે અટૂલા એવા આ માણસને જોઈને બધાને ખૂબ નવાઈ લાગતી. કોઈ દયાથી એની પાસે પૈસા મૂકી જતું તો કોઈ ઠંડી સામે રક્ષણ આપે એવા વસ્ત્રો. વળી કોઈ એને બોલાવવાનો પ્રયત્ન કરતું પરંતુ એ કોઈને પ્રત્યુતર આપતો નહીં.

એના ચીંથરેહાલ વસ્ત્રો ઉપર ઓઢેલી ચાદરમાંથી પણ એનું શરીરસૌષ્ઠવ બધાનું ધ્યાન ખેંચતું. એના વિશે વિચારવા માટે દરેક રાહદારી મજબૂર બની જતો.

એ કોઈ વિચારમાં રહેતો. એની ખુલ્લી આંખો કોઈ ને જાણે જોયા કરતી. એ સુંવાળા રેશમી વાળ એના મોં પરથી પસાર થતા, એ આંખો એની સામે જાણે ખડખડાટ હસતી. લાલચટ્ટક ગુલાબ જેવા એ હોઠ વચ્ચેથી દેખાતી સુંદર દંત પંક્તિ પોતાને આહ્વાન આપી રહી હતી જાણે! એ હોઠમાંથી જ પોતાનું નામ એણે પહેલીવાર સાંભળ્યું હતું. આહ!!! એનાથી આંખો બંધ થઈ ગઈ.

પોતાનું ધ્યેય કેમ નબળું પડી રહ્યું હતું? કેમ એ વારંવાર યાદ આવી જતી હતી? જ્યારથી એ એકાંતમાં અહીં બેઠો હતો ત્યારથી મન વારંવાર એની પાસે પહોંચી જતું હતું. લાગ્યા કરતું હતું કે એ આસપાસ જ છે.

અચાનક.... એનું હ્રદય જોરથી ધડકવા લાગ્યું. એનાથી ઊંચું જોવાઈ ગયું. એ જાણે આસપાસ જ હતી. જોરથી કોઈ યુવતીનો અવાજ આવ્યો અનુષ્કા.... આર્યા.... અને એ સફાળો ઉભો થઇ ગયો.

ક્રમશઃ


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED