આરુદ્ધ an eternal love - ભાગ-૩૩ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આરુદ્ધ an eternal love - ભાગ-૩૩

"સફરજન લેશો, સર?'

"અખિલેશ, આ સફરજન ખૂબ જ સ્વાદવાળા છે! સામાન્ય રીતે રોજ આવા હોતા નથી."

"તમારું ધ્યાન આટલું બધું હોય છે! તમે માત્ર છ મહિનાથી છો અહીં, પરંતુ તમારી અવલોકન શક્તિ ગજબ છે. હકીકતમાં આજે સફરજન અલગ જગ્યાએથી આવ્યા છે. હમણાં હમણાં થોડા સમયથી ત્યાંના સફરજન ખૂબ વખણાય છે, એટલે ત્યાંથી મગાવ્યા."

"કઈ જગ્યા કહી?"

"મંડી."

"ચાલો ત્યાં જઈએ."

"મને ખબર જ હતી, સર, કે તમે ત્યાં જવાનું કહેશો. તમને સફરજનની ખેતી માં ખૂબ રસ છે, ખરું ને!"

"હા, રિટાયર્ડ થઈને મારે એ જ કરવાનું છે. હવે જઈશું?"

હસતા હસતા એ બન્ને ચાલતા થયા.

***

"આ કાલકી ફાર્મના માલિક નું ઘર છે કે?"

માધવી આગંતુક બંને માણસો ને જોઈ રહી. એક માણસ સામાન્ય દેખાવનો હતો અને એણે સૈનિકના કપડા પહેર્યા હતા. બીજા માણસના દેખાવ પરથી તો માધવીની નજર હટતી જ ન હતી.

એણે પોતાના જીવનમાં આટલો સુંદર બાંધા વાળો, શારીરિક સૌષ્ઠવથી ભરપુર અને બધી જ રીતે યોગ્ય પુરુષ પહેલી વાર જોયો હતો કદાચ! એ મીલેટરી માં હશે? નહિ હોય, જો મીલેટરી માં હોત તો આની જેમ ડ્રેસ ન પહેર્યો હોત?

"કોઈ પિક્ચરનું શૂટિંગ કરો છો તમે?"

"ના જી, સર તો....." અખિલેશ બોલવા ગયો પરંતુ વચ્ચેથી એણે એને અટકાવ્યો.

"હા, બસ એમ જ સમજો! હજુ શૂટિંગ શરૂ થવાનું બાકી છે. આ તો અહીંના બગીચાના સફરજન નો સ્વાદ ચાખ્યો એટલે થયું કે એના માલિક ને મળી ને પૂછીએ કે એ કઈ રીતે વૃક્ષો નો ખ્યાલ રાખે છે?"

"હેં ને! વાહ.. તમને જોઈને લાગતું જ હતું કે તમે કોઈ પિક્ચરના હીરો છો! મારી પાસે પેન અને પેપર હાજર નથી નહીં તો તમારો ફોટોગ્રાફ જરૂર લઈ લેત, તમને જોઈને જ લાગે છે કે તમારું પિક્ચર સુપરડુપર હિટ જશે.

આબધા બગીચાઓ તો અનુષ્કાના છે. અનુષ્કા શર્મા નહીં હો! અમારી અનુષ્કા. પરંતુ અત્યારે તે બહાર ગઈ છે. તમે ફરી વાર આવજો."એક પિક્ચરના હીરો ને મળ્યાની ખુશી માધવીના ચહેરા પર જણાઇ આવતી હતી.

"પિક્ચર તો સુપરડુપર હિટ જ જવાનું છે, બસ હિરોઈન મળે એટલી વાર છે!" એવું ધીમે ધીમે બબડીને એણે આજુબાજુ નજર ફેરવી, એક ટેબલ પર ખાંડના લાડવાનું બોક્સ પડેલું જોયું. એ જોઈને એની આંખો ચમકી. હૃદયમાં તો જાણે મોટો શેરડો પડ્યો!

"અહીં આ પ્રદેશમાં ખાંડના લાડવા ક્યાંથી?"

"એ તો મારી સખી અનુષ્કા છે ને! એને ખૂબ પ્રિય છે અને એ જાતે જ બનાવે છે. એમાં થયું એવું કે એક દિવસ એ કંઈક વાતે પરેશાન હતી ને મંડી પડી લાડવા બનાવવા. ને તમને ખબર છે? એણે ત્રણ બકડીયા ભરીને લાડવા બનાવ્યા!"

સાત આતંકવાદીઓને મારીને અને ત્રણને જીવતા પકડીને પણ એનું હૃદય જેટલી ઝડપથી ધડકી રહ્યું ન હતું એટલી ઝડપથી ધડકવા લાગ્યું.

"સર, આ બગીચાઓની માલિકની તો મુલાકાત ન થઈ અને બગીચાઓ આપણે જોઈ લીધા, હવે જઈશું?" અખિલેશે એની તંદ્રા તોડી અને બન્ને ચાલતા થયા.

"અનિરુદ્ધ સર, તમે તો એ ઘર જોઈને કંઈક ઊંડા વિચારોમાં પડી ગયા!" બહાર નીકળીને અખિલેશે કહ્યું.

"કંઈ નહીં!"કહીને અનિરુદ્ધ ગાડીમાં બેસી ગયો.

***

"એ આખો દિવસ શું કરે છે?"આગંતુક બહેનને પણ એના વિશે જાણવાની ઉત્કંઠા હતી, જેવી સામાન્ય રીતે બધાને રહેતી.

"સવારે ઉઠીને સફરજન ઉતરાવે છે, બપોરે એનું પેકિંગ કરાવે છે અને સાંજે હરરાજીમાં જાય છે."એની પાડોશી અને સખી માધવીએ માહિતી આપી.

"એવડા મોટા બગીચાઓની સંભાળ તે એકલી રાખે છે?"

"હા, ચોક્કસ, એ અહીં આવી ત્યારે તો કાલકી દાદી જીવતા હતા, એમને આગળ પાછળ કોઈ હતું નહીં એટલે મૃત્યુ પામતા પહેલા બધું આને હવાલે કરતા ગયા. એને અને કાલકીદાદી ને ખૂબ મનમેળ હતો. એના મનમાં કોણ જાણે શું ભૂત છે, આખો દિવસ કામ કરતી હોય છે, જે કમાય છે એમાંનો મોટો ભાગ ગરીબોને આપી દે છે. બધું કામ તે માણસો પાસે કરાવે છે પરંતુ એનામાં શું જાદુ છે ખબર નહીં કે, કામદાર માણસો એનો પડ્યો બોલ ઝીલી લે છે."

"હા, કાલે હું બજારમાં ગઈ ત્યાં પણ લોકો વાતો કરતા હતા કે એના બગીચાના સફરજનની બહુ ડિમાન્ડ છે. બીજા રાજ્યોમાં પણ એના બગીચાના સફરજન ની માંગ વેપારીઓ કરતા હોય છે. એ બગીચાની ખૂબ માવજત કરે છે. એટલે જ તો આવી પહોંચી એને પૂછવા કે એના બગીચાના સફરજન આટલા પ્રખ્યાત કેમ છે? એ છે ક્યાંની? એનું કોઈ સગું વહાલું પણ નથી?"

"હજુ છ મહિના પહેલા જ આવી છે, પણ લાગે છે કે જાણે વર્ષોથી અહીં રહેતી હોય, અહીંના વાતાવરણમાં એકદમ ભળી ગઈ છે. એનો સ્વભાવ ખૂબ સારો છે. ઘણા પૈસાદાર અને મોટા માણસો એ એને લગ્ન માટે પૂછી જોયું છે, પરંતુ એ કોઈને હા કહેતી નથી. મારી તો ખાસ સખી છે એટલે મને બધી ખબર છે."

એના વિશે વાતો ખૂબ થતી હતી. જેટલું એનું સૌંદર્ય ચર્ચિત હતું એટલી જ એની કાર્યનિષ્ઠા પણ ચર્ચિત હતી. એ કોઇથી ડરતી ન હતી, એ મક્કમ હતી, મજબૂત હતી. એ અનુષ્કા હતી. એ એકલી રહેતી હતી પરંતુ પોતાનું રક્ષણ કરી જાણતી હતી. સાથે જ એની વિનમ્રતા પણ ધ્યાન ખેંચી લે તેવી હતી.

નવરાશના સમયમાં તે કુદરતનો આનંદ માણવા નીકળી પડતી હતી. એ જ્યાં રહેતી હતી ત્યાં આસપાસમાં ખૂબ જ સુંદર જંગલો હતા, જે બરફ વર્ષાના સમયમાં સફેદ બની જતા હતા. એને આ વિસ્તારનું કંઈ કુદરતી આકર્ષણ હતું. ભૂખ અને તરસ ભૂલીને એ કલાકો સુધી પહાડો સાથે વાતો કરતી.

એ આસપાસના વિસ્તારની કુદરત જ હતી કે એને ભૂતકાળ ભૂલવામાં મદદ કરતી. એ આસપાસના વિસ્તારોમાં ફરીને જાણે પોતાની જાતને જ શોધતી રહેતી. તે મક્કમ બની હતી પરંતુ એને જીવનનો અર્થ શોધવો હતો.

"અરે વાહ, અનુષ્કા, તું આવી ગઈ? આ બહેન તને મળવા માટે આવ્યા છે." અનુષ્કા ને જોતા જ પડોશી માધવી બોલી ઊઠી.

પેલા મળવા આવનાર બહેન એકીટસે અનુષ્કા સામે જોઈ રહ્યા. ભગવાન આને બનાવવા બેઠા હશે ત્યારે આજુબાજુનું બધું જ ભૂલી ગયા હશે એમ એ વિચારી રહ્યા. આખા શરીરમાં ક્યાંય કશી ખામી જ નહીં. સ્મિત પણ કેવું મોહક! જીન્સ, ટી શર્ટ અને ઉપર ઓવરકોટ પહેરેલી એ સફરજનના બગીચા ની ખેડૂત હોય એવું લાગતું જ ન હતું! સફરજનના બગીચાઓમાં રહીને એની ચામડી પણ સફરજન જેવી ગુલાબી હતી, એ હસતી ત્યારે ખુબ સુંદર લાગતી.

"તમારા બગીચાઓ ના સફરજનના ખૂબ વખાણ સાંભળ્યા છે, તો થયું કે એક વાર તમને મળી આવું. મને પણ ઈચ્છા છે કે મારા બગીચાના સફરજન પણ સારા થાય."

"હા કેમ નહીં, તમે ઇચ્છો ત્યારે મારી સાથે બગીચાઓની મુલાકાતે આવી શકો છો. તમારે જે પણ મદદની જરૂર હોય એ મને કહેજો."

"તમે આટલી બધી મહેનત કરો છો, તમે ઇચ્છો તો માણસો પાસે બધું જ કરાવી શકો. તમે થાકી જતા નથી?"

‌"મહેનત કરવી તો મને ખૂબ જ પ્રિય છે, ઉપરાંત કાલકીદાદી બધા બગીચાઓને બાળકોની જેમ સાચવતા હતા. એ તો મને છોડીને અને બધું સોંપીને જતા રહ્યા, પણ મારી ફરજ છે કે હું એમનું કામ આગળ ધપાવું."

"માફ કરજો અનુષ્કા, પ્રશ્ન તમારો અંગત છે પરંતુ પૂછ્યા વગર રહેવાતું નથી કે તમે ક્યાંથી આવ્યા છો? તમારા કોઈ સગાવ્હાલા નથી? માત્ર મારો જ નહિ પરંતુ આ ઘાટીમાં રહેતા મોટાભાગના લોકોનો આ પ્રશ્ન છે."

જવાબમાં અનુષ્કા કશું બોલી શકી નહીં, એ ખોવાઈ ગઈ, જુની યાદોમાં. તોફાન આવ્યું હતું એ પહેલાની શાંતિમાં. એ ઘણું મનને રોકતી હતી પરંતુ આગંતુક બહેને એના મનની બધી લગામો છોડાવી દીધી, અને એનું મન આખરે ત્યાં પહોંચીને જ રહ્યું.

***

"આર્યા, આપણે ક્યાં ફરવા જ‌ઈશું?" અનિરુદ્ધે પોતાના હાથમાં રહેલ આર્યાનો હાથ વધારે જોરથી પકડ્યો.

"ગુજરાત."

"હટ્.... ગુજરાત તે કંઈ ફરવાનું સ્થળ છે? વેપાર કરવો હોય તો ત્યાં જવાય બાકી ફરવા જેવું તો ત્યાં કંઈ નથી. માત્ર ઢેફાં."

"અનિરુદ્ધ..." આર્યાએ એની છાતીમાં મુક્કો માર્યો, "એ ગુજરાતે તમને તમારી પસંદગીની છોકરી આપી અને તમે આવું બોલો છો?"

"હું તો મજાક કરું છું." અનિરુદ્ધે કહ્યું અને એ બંને મૂક થઈને એકબીજા સાથે સંવાદ કરી રહ્યા. અનિરુદ્ધે આર્યા માટે મહેલના ચોથા માળે બગીચામાં ડેકોરેશન કર્યું હતું. આર્યા અનિરુદ્ધના ખભે માથું રાખી ને બેઠી હતી.

"આર્યા...."

"હં...."

"કહેને, આપણે ફરવા ક્યાં જઈશું?"

"હું તો કહીશ કલેકટર સાહેબ, પણ તમારી પાસે સમય છે?"

"તારી પાસે આ સંબોધન સાંભળવા મળતું હોય તો તું કહે એટલો સમય કાઢું."

"હું કોઈ દિવસ હિમાચલ પ્રદેશ ગઈ નથી પરંતુ ત્યાંના કુદરતી સૌંદર્ય વિશે અને બીજું ઘણું બધું સાંભળ્યું છે. એ સિવાય ઉત્તરાંચલમાં પણ બાબા કેદારનાથ મને બોલાવ્યા કરતા હોય એવું લાગ્યા કરે છે. તમને થશે કે તીર્થયાત્રા તો ઘરડા થઇ ને કરવાની હોય પરંતુ મને ત્યાં જવાની ખૂબ જ ઈચ્છા છે. ખબર નહીં કેમ, એ વિસ્તાર જોયો નથી છતાં એના પ્રત્યે મને ખૂબ લગાવ છે."

"બરાબર છે, બાબા કેદારનાથ તો ઘરડા અને યુવાન બધાને બોલાવે! તું કહેતી હોય તો અત્યારે જ જતા રહીએ! વળી, તને ખબર છે? હિમાચલ પ્રદેશ તો ખૂબ રોમેન્ટિક જગ્યા છે. ચાલ ને, અત્યારે જ જઈએ!"

અનિરુદ્ધના હાવભાવ જોઈને આર્યાને હસવું પણ આવ્યું અને શરમ પણ આવી.

***

"અનુષ્કા, ક્યાં ખોવાઈ ગઈ?"

"કંઈ નહીં, પેલા બહેન ક્યાં ગયા?"


ક્રમશઃ