રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2
અધ્યાય-૩૨
અગ્નિરાજ જેવાં જ રત્નનગરી પધાર્યા એ સાથે જ તેઓ સીધા જ પોતાની દીકરી મેઘનાને મળવા એનાં કક્ષમાં જઈ પહોંચ્યાં. છેલ્લાં ચાર દિવસથી અગ્નિરાજના બદલાયેલાં વ્યવહારને લીધે રાણી મૃગનયની પણ ચિંતિત જણાતાં હતાં. એમને આ બદલાયેલાં વ્યવહારનું કારણ પણ અગ્નિરાજને પૂછ્યું પણ એનાં પ્રત્યુત્તરમાં અગ્નિરાજે એક શબ્દ પણ કહેવાનું કષ્ટ ના લીધું.
"પિતાજી..!" અગ્નિરાજને પોતાનાં કક્ષમાં આવેલાં જોઈ મેઘના દોડીને એમને ભેટી પડી અને બોલી.
"કેવી છે તમારી અને માંની તબિયત? કાલે તમારાં આગમન વિશે જાણ્યું તો મને ભારે આશ્ચર્ય થયું કે તમે તમારી માનસરોવર યાત્રા અડધે રસ્તે જ ટૂંકાવી પાછા આવી રહ્યાં છો."
"એ તો બેટા, માં ગંગા શાંત જ નહોતાં થઈ રહ્યાં એટલે ના છૂટકે પાછા આવવું પડ્યું." મૃગનયનીએ કહ્યું.
"અકીલા, દ્વાર બંધ કર.!" અકીલાને અગ્નિરાજનો આદેશ મળતાં જ એને મેઘનાનાં કક્ષનું દ્વાર બંધ કરી દીધું. અગ્નિરાજની જોડે સાત્યકી અને અકીલાને જોઈ મેઘનાને વધુ નવાઈ ના થઈ કેમકે એ જાણતી હતી કે આવું જ કંઈક થશે.
"મેઘના, હું તને કંઈક પૂછવા માંગુ છું. આશા રાખું છું કે તું તારાં પિતાજી આગળ અસત્ય નહીં બોલે!"
"અવશ્ય..હું બધું સત્ય જ કહીશ."
"વીરાની સાચી ઓળખ વિશે તું જાણે છે?"
"હા, મને ખબર છે કે વીરા કોણ છે. હકીકતમાં એનું નામ વીરા નહીં પણ રુદ્ર છે. રુદ્ર પાતાળલોકનો ભાવિ ઉત્તરાધિકારી છે."
"તો પછી તે આ અંગે કોઈને જણાવ્યું કેમ નહીં?"
"કેમકે હું એને પ્રેમ કરું છું અને હું તમારાં સિવાય અન્ય કોઈને શું કરવા કંઈ જણાવું." મેઘનાની વાત હજુ અધૂરી જ હતી ત્યાં તો અગ્નિરાજે એનાં ગાલ ઉપર સણસણતો તમાચો લગાવી ક્રુદ્ધ સ્વરે કહ્યું.
"એ એક સામાન્ય નિમ છે એ જાણતી હોવા છતાં તું એમ કહે છે કે તું એને પ્રેમ કરે છે. તને ખબર છે કે એ લોકો મનુષ્યોને પોતાનાં શત્રુ સમજે છે."
"એ લોકો મનુષ્યોને પોતાનાં શત્રુ નથી ગણતાં પણ મનુષ્યો નિમલોકોને પોતાનાં શત્રુ ગણે છે. મનુષ્યોની એમાં પણ ખાસ તમારી અને દાદાજીની લાલચના લીધે પાતાળલોકમાં વસતાં નિમલોકોને વર્ષોથી જે યાતનાઓ સહન કરવી પડી છે એ અંગે હું જાણી ચૂકી છું."
"આ બધી વાતો તને એ તુચ્છ નિમે જ કહી છે ને?"
"એ તુચ્છ નથી.. હું એને પ્રેમ કરું છું અને લગ્ન પણ એની જોડે જ કરીશ." મેઘનાનો અવાજ હવે ઊંચો થઈ ચૂક્યો હતો.
"બેટા, આ તું શું કહી રહી છો એનું તને ભાન છે. મને લાગે છે કોઈએ તને વશીભૂત કરી છે." રાણી મૃગનયનીએ મેઘનાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું.
"તું મને સ્પષ્ટ જણાવ કે આખરે તું કરવા શું માંગે છે?" રોષ સાથે અગ્નિરાજે કહ્યું.
"જો તમે મારી ખુશીઓને તમારાં આ જૂઠા અભિમાનથી વધુ મહત્વ આપતાં હોવ તો તમે મારાં અને રુદ્ર વચ્ચેના સંબંધને મંજૂરી આપશો. અને જો તમે એવું નહીં કરો તો મારે નાછૂટકે તમારી ઈચ્છા વિરુદ્ધ જઈને રુદ્ર સાથે વિવાહ કરવા પડશે."
"એ માટે તારે મારાં મૃતદેહ પરથી પસાર થવું પડશે. હું પણ જોઉં છું કે તારાં અને સાત્યકીનાં વિવાહ થતાં કોણ રોકી શકે છે." સાત્યકી તરફ જોતાં અગ્નિરાજે સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું.
"મને કોઈકાળે એ મંજુર નથી કે મારાં વિવાહ બીજે થાય. જો રુદ્ર મને લેવા નહીં આવે તો હું મારાં પ્રાણનો ત્યાગ કરી દઈશ પણ અન્ય કોઈ સાથે ફેરા તો નહીં જ ફરું." મેઘનાનાં સ્વરમાં મક્કમતા હતી.
"અકીલા, અત્યારે અને અત્યારે રાજકુમારી પર દિવસ-રાત ધ્યાન રાખવા માટેની વ્યવસ્થા કરો. રાજકુમાર સાત્યકી, તમે તત્કાળ તમારાં પિતાજીને સંદેશો મોકલાવી અહીં આવવા જણાવી દો. આજથી બરાબર સાત દિવસ પછી તમારાં અને રાજકુમારી મેઘનાનાં વિવાહ કરવામાં આવશે. હું પણ જોઉં છું કે એ નિમ કઈ રીતે રાજમહેલમાં પગ મૂકે છે." આટલું કહી અગ્નિરાજ ઉતાવળા ડગલે મેઘનાનાં કક્ષમાંથી બહાર નીકળવા અગ્રેસર થયાં. સાત્યકી અને અકીલા પણ એમને અનુસર્યા.
"હું બીજાં કોઈ સાથે વિવાહ નહીં જ કરું..મને વિશ્વાસ છે મારો રુદ્ર મને લેવા અવશ્ય આવશે." અશ્રુભરી આંખે આટલું કહી મેઘના પલંગ પર ફસડાઈ પડી.
**********
ચાર દિવસની યાત્રા બે દિવસમાં પૂર્ણ કરી જ્યારે રુદ્ર પાતાળલોકમાં આવ્યો ત્યારે ત્યાં કાયમ સ્મશાનવત શાંતિ જોઈ રુદ્રનું હૃદય જોરજોરથી ધબકવા લાગ્યું. રુદ્ર પાતાળલોકમાં પ્રવેશ્યો એ સાથે જ ગુરુ ગેબીનાથના આશ્રમે ગયો તો ત્યાં એને જાણવા મળ્યું કે ગેબીનાથ અત્યારે રાજમહેલ છે. આ જાણ્યાં બાદ રુદ્ર અને એનાં મિત્રોએ પોતપોતાનાં અશ્વ રાજમહેલ તરફ હંકાવી મૂક્યાં.
રુદ્ર જ્યારે રાજમહેલ પહોંચ્યો ત્યારે ત્યાં પણ નીરવ શાંતિ હતી. રુદ્રએ રાજમહેલમાં પ્રવેશ મેળવ્યો એ સાથે જ એ તુરંત રાજદરબાર તરફ આગળ વધ્યો. પોતે નિમલોકો માટે અન્યાયી બની ચૂકેલી સંધિને લઈને આવ્યો છે એ પોતાનાં પિતાજીને જણાવવા રુદ્ર અતિ ઉત્સાહિત હતો.
રુદ્ર જ્યારે રાજદરબારમાં પ્રવેશ્યો ત્યારે એની નજર ત્યાં ઊભેલા ગેબીનાથ અને રાજ્યનાં સંત્રીઓ પર પડી.
"પ્રણામ ગુરુવર." રુદ્રએ ગેબીનાથના ચરણસ્પર્શ કરી કહ્યું.
"ચિરંજીવ ભવ."
"ગુરુવર, હું એ કાર્ય પૂર્ણ કરીને આવ્યો જે કરવા માટે હું પૃથ્વીલોક ગયો હતો." પોતાનાં કમરબંધમાં રાખેલી સંધિને નીકાળી ગેબીનાથને બતાવતાં રુદ્રએ કહ્યું. આટલી મોટી ખુશખબર હોવાં છતાં ગેબીનાથ અને સંત્રીઓનાં ચહેરા પર સહેજ પણ ખુશી નહોતી દેખાતી એ જોઈ રુદ્રની છઠ્ઠી ઈન્દ્રિય એને કંઈક ના બનવાનું બન્યાંનું સુચવી રહી હતી.
"ગુરુજી, તમે આમ વ્યથિત કેમ છો? મને અહીં તત્કાળ બોલાવવાનું પ્રયોજન? અને પિતાજી કે માં કેમ દેખાતાં નથી.? રુદ્રએ મનમાં હતાં એ બધાં પ્રશ્નો એકસાથે પૂછી લીધાં.
આ પ્રશ્નોનો ઉત્તર આપવાનાં બદલે ગેબીનાથે રુદ્રને પોતાની પાછળ આવવા કહ્યું. ગેબીનાથ રુદ્રને મહેલમાં આવેલા શીતકક્ષ તરફ દોરી ગયાં. શીતળતાં પેદા કરતી વનસ્પતિ અને જળનાં પ્રયોગ વડે બનાવાયેલો આ કક્ષ ખૂબજ ઠંડકભર્યો હતો.
રુદ્રએ જેવો એ કક્ષમાં પગ મૂક્યો એ સાથે જ એની નજર કક્ષની મધ્યમાં પડેલ બે મૃતદેહ પર પડી, જેને સફેદ વસ્ત્રથી ઢાંકવામાં આવ્યાં હતાં. એ બંને મૃતદેહોની ચોતરફ મોગરા અને ગુલાબનાં પુષ્પો વિખરાયેલાં હતાં અને પાંચ-છ સેવિકાઓ ત્યાં હાજર હતી. આ દ્રશ્ય જોતાં જ રુદ્રનું હૃદય બમણી ગતિએ ધડકવા લાગ્યું. પોતે જે વિચારી રહ્યો હતો એ ખોટું સાબિત થાય એવી આશા સાથે એને ગેબીનાથનો ચહેરો જોયો. રુદ્રના આમ કરતાં જ ગેબીનાથે પોતાનો ચહેરો બીજી દિશામાં ફેરવી લીધો. આમ કરી એ પોતાની આંખમાં આવેલાં આંસુને છુપાવવાની કોશિશ કરતાં હોય એવું રુદ્રને લાગ્યું.
અચાનક પવનની એક લહેરખી આવી અને બંને મૃતદેહો પરથી વસ્ત્ર ખસી ગયું. આમ થતાં જ રુદ્રએ એ દ્રશ્ય જોયું જે અંગેની કલ્પના એ સ્વપ્નમાં પણ નહોતો કરી શકતો. એ મૃતદેહ રાજા દેવદત્ત અને રાણી નિર્વાનાં હતાં. દુર્વા, ઈશાન, શતાયુ અને જરા પણ આ દ્રશ્ય જોઈ ચોધાર આંસુએ રડી પડ્યાં. પણ રુદ્ર મૌન હતો, એનું હૈયું ફાટફાટ થઈ રહ્યું હતું છતાં એનો ચહેરો ભાવશૂન્ય હતો.
"ગુરુવર, આ ક્યારે અને કઈ રીતે થયું?" કોઈ જાતનું દુઃખ દર્શાવ્યા વિના રુદ્રએ ગેબીનાથને ઉદ્દેશીને કહ્યું.
"પરમદિવસે સવારે મને આ વિશે જણાવવામાં આવ્યું એટલે હું તુરંત આશ્રમથી અહીં આવ્યો. અહીં આવીને જોયું તો રાજા દેવદત્ત એમની શૈયા પર મૃત અવસ્થામાં હતાં. એમનું જાંબલી પડી ગયેલું શરીર એ દર્શાવતું હતું કે એમને ઝેર આપવામાં આવ્યું છે. મેં ધ્યાનથી એમનો મૃતદેહ તપાસ્યો તો જણાયું કે એમને કોઈ સર્પ દ્વારા દંશ દેવામાં આવ્યો છે. એમનાં જોડે મહારાણીનો નિશ્ચેતન દેહ હતો, જે જોઈ એવું લાગતું હતું કે એમને મહારાજનાં વિયોગમાં પ્રાણ ત્યાગ કર્યો છે."
"કોઈએ કંઈ જોયું કે સાંભળ્યું ખરું કે આવું કોને કર્યું? કેમકે પાતાળલોકમાં જેટલાં પણ સર્પ છે એ પોતાનાં રાજાને કે પ્રજાને વિષ આપી જ ના શકે?" રુદ્રએ ગેબીનાથની વાત સાંભળીને નવો સવાલ પૂછતાં કહ્યું.
"મહારાણી જ્યારે આક્રંદ કરી રહ્યાં હતાં ત્યારે એમના કક્ષની બહાર ચોકીપહેરો કરતાં સૈનિકો કક્ષની અંદર ગયાં. ત્યાં શું થઈ ગયું છે એ અંગે કોઈ પ્રત્યાઘાત આપે એ પહેલાં જ મહારાણીએ અંતિમ શ્વાસ લઈ લીધાં. એમનાં અંતિમ શ્વાસ લીધાં પહેલાં એમને કંઈક કહ્યું જે અંદર ગયેલાં સૈનિકોએ સાંભળ્યું."
"ગુરુજી મને જણાવો કે માંનાં અંતિમ શબ્દો શું હતાં.?"
"અગ્નિરાજ..અગ્નિરાજ..! મહારાણીએ અંતિમ શબ્દો આજ કહ્યાં હતાં."
"એનો અર્થ એ કે આ બધું અગ્નિરાજે જ કર્યું છે?"
"એ હું નથી જાણતો રુદ્ર પણ એવું હોવાની શક્યતા પ્રબળ છે, નહીંતર મહારાણી અંતિમ સમયે અગ્નિરાજના નામનો ઉલ્લેખ કેમ કરે. મને એવું લાગે છે કે મહારાણી એવું જણાવવા માંગતા હતાં કે મહારાજ દેવદત્તનું મૃત્યુ અગ્નિરાજના લીધે થયું છે."
"હું જીવિત નહીં મુકું અગ્નિરાજને. યુદ્ધ થશે..હા યુદ્ધ થશે, એવું યુદ્ધ જેમાં હું સમગ્ર મનુષ્યજાતિનો સફાયો કરી મુકીશ." રુદ્રની આંખોમાં લોહી ઉતરી આવ્યું હોય એમ એની આંખો રક્તસમી લાલ થઈ ચૂકી હતી. એનો અવાજ એટલો પ્રચંડ હતો કે રાજમહેલની દીવાલો હચમચી ઊઠી.
"રુદ્ર, પહેલાં મહારાજ અને મહારાણીનાં અંતિમસંસ્કાર કરવાનું કાર્ય પૂર્ણ કરીએ પછી આપણે સાથે મળીને એ દુષ્ટ અગ્નિરાજની સાથે સમસ્ત મનુષ્યજાતિનો નાશ કરી દઈશું." શતાયુનાં અવાજમાં પણ હવે ક્રોધ હતો.
" હા પુત્ર, શતાયુ સત્ય કહે છે. પહેલાં તું શાંતિથી મહારાજ અને મહારાણીનાં અંતિમસંસ્કારનું કાર્ય પૂર્ણ કર અને પછી જ એમની હત્યાનો પ્રતિશોધ લે." ગેબીનાથે રુદ્રને શાંત કરાવતાં કહ્યું.
રુદ્રએ હકારમાં ગરદન હલાવી પોતાનાં મૃત માતા-પિતાનાં અંતિમસંસ્કારની તૈયારીઓ આરંભવાનું જણાવ્યું. આ અંતિમસંસ્કારની વિધિ પૂર્ણ થયાં બાદ રુદ્ર અવશ્ય અગ્નિરાજ સામે યુદ્ધનો પડકાર ફેંકશે એ મનુષ્યલોક અને પાતાળલોકમાં વસતાં લોકોની નિયતીમાં લખાઈ ચૂક્યું હતું.!
*********
વધુ આવતાં ભાગમાં
યુદ્ધ થશે કે નહીં? રુદ્ર જાણી શકશે કે એનાં માતા-પિતાની હત્યા અગ્નિરાજે નહીં પણ સાત્યકીએ કરી હતી? રુદ્ર મેઘનાને રત્નનગરીમાંથી બહાર નીકળવામાં સફળ થઈ શકશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.
દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ
સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.
હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન
અને મર્ડર@રિવરફ્રન્ટ
~જતીન.આર.પટેલ (શિવાય)