આરુદ્ધ an eternal love - ભાગ-૩૨ Dipikaba Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

આરુદ્ધ an eternal love - ભાગ-૩૨

અનન્યા નામનું એક વાવાઝોડું આવ્યું હતું, જીવનભર માટે એક થવાને જ‌ઈ રહેલા આર્યા અને અનિરુદ્ધને છૂટા થવું પડ્યું હતું. બધું વિખરાઈ ગયું હતું જાણે! આખા મહેલે જાણે ગમગીનીની ચાદર ઓઢી લીધી હતી. ઘરના સભ્યો તો શોકમાં ગરકાવ હતા પરંતુ સાથે સાથે મહેલમાં કામ કરનાર તમામ માણસો પણ એવી જ વ્યથા અનુભવતા હતા.

ત્રણેક કલાક વીતી ગયા હોવા છતાં પણ અનિરુદ્ધ આવ્યો ન હતો, આર્યા જ ન હતી એટલે હવે લગ્નસમારંભનો કશો અર્થ ન હતો. લગ્નસમારંભ રદ કરાયો, વડીલોએ દીલગીરી વ્યક્ત કરીને મહેમાનોને વિદાય કર્યા.

દીકરીને વિદાય કર્યા પછી ઘરમાં જે સૂનકાર છવાય તે મીઠો હોય છે કારણ કે એમાં એક બાપનો કર્તવ્ય બજાવ્યાનો સંતોષ અને એક માતાના ઊજાગરાઓને મુકામ મળ્યું હોય છે, કિન્તુ અનિરુદ્ધના મહેલમાં વ્યાપેલા સૂનકારની વ્યાખ્યા જ કંઇક અલગ હતી. કોઈ આવ્યું હતું થોડા સમય માટે અને બધાને માયા લગાડીને ચાલ્યું ગયું હતું.

"સમજદાર માણસોને જીવનમાં ખૂબ તકલીફ પડે છે. સમજદાર માણસોનું દરેક કાર્ય અન્ય પર થતી અસરોને ધ્યાનમાં રાખીને હોય છે. જે કોઈની લાગણીઓ કે ઇચ્છાઓ સમજતા નથી એમને માત્ર પોતાનું ધાર્યું જ કરવાનું રહે છે, પરંતુ આર્યા દીકરી જેવું કોઈક જ હોય છે જે બીજાઓને ખાતર પોતાનું જીવન સમર્પી દે છે."

"હા મોટા મમ્મી, કોઈ પણ સોદા કે કોઈ પણ પ્રતિકાર વગર એણે અનન્યાની વાત સ્વીકારી લીધી કારણ કે આપણા પરિવારની આબરૂ એના માટે પ્રાથમિકતા હતી. એ જતી હતી ત્યારે એના મોં પર અફસોસ ન હતો, કારણ કે એ પરિવાર માટે જઈ રહી હતી. પરંતુ એની આંખોમાં એક પરિવાર અને એક જીવનસાથી ગુમાવ્યાનું દુઃખ ભરપૂર હતું. તમને ખબર છે, મેં એને કહ્યું કે હું મોટા મમ્મી ને શું જવાબ આપીશ ત્યારે એણે કહ્યું કે એ માં છે એટલે સમજી જશે. "

રીવાની વાત સાંભળીને માયાબહેન અને અનિરુદ્ધના મમ્મી(વિલાસ)ના આંખમાંથી અસ્ખલિત આંસુ વહેવા લાગ્યા.

***

"જૂઓ, તમે આ ઘરના વડીલ છો, અને વડીલ તરીકેની મોટાભાગની જવાબદારીઓ તમે બજાવી પણ છે, હવે આટલા વર્ષે તમને કહેવું પણ શું? તમે કોઈ દિવસ અનિરુદ્ધને અને વિલાસને નજીક આવવા દીધા જ નથી. વિલાસ તો બિચારી તત્પર હતી અનિરુદ્ધની માતા બનવા માટે."

"મેં કોઈને કશું કહ્યું નથી, કોઈએ મને પૂછ્યું પણ નથી. બળવંત મારો દીકરો છે, એના લગ્ન મારે મારી મરજીથી કરવા હતા, કોઈએ મને પૂછ્યું પણ નહીં. સીધી વિલાસને લઈ આવ્યા, એક તરછોડાયેલી સ્ત્રી અને એક બાળકીની માતા. હું કઈ રીતે એને સ્વીકારી શકું? હું કઈ રીતે એને મારા ભાણેજની માતા બનવા દઈ શકું?

"જોયું?? તમે તમારો અહમ છોડી શક્યા નહીં. બળવંત અનિરુદ્ધનો પિતા ન હોવા છતાં અનિરુદ્ધને કદી એવું લાગ્યું ના હતું કે એ એનો પિતા નથી. એનો પડ્યો બોલ ઉપાડે છે અનિરુદ્ધ. વિલાસ પણ બિચારી અનિરુદ્ધના એક બોલ માટે તરસે છે. પણ તમે? સાચું ને ખોટું અનિરુદ્ધના મગજમાં ઝેર રેડ્યા જ કર્યું. એ બિચારી પોતાના બાળકની છબી અનિરુદ્ધ માં શોધતી રહી અને તમે અનિરુદ્ધને કહ્યે જ રાખ્યું કે વિલાસ તારી સાવકી માં છે. અનિરુદ્ધના ગુસ્સાનો તમે ખૂબ લાભ ઉઠાવ્યો છે. તમે તો કદી જોઈ જ નહીં હોય અનિરુદ્ધને વાત્સલ્યથી નવડાવવા માટે તરસતી વિલાસની આંખો!

બળવંત અને વિલાસની સમજદારીને ધન્યવાદ છે, ખરો ભોગ તો વિલાસ એ આપ્યો છે. અનિરુદ્ધ માટે થઇને જ એણે કદી પોતાનું સંતાન થવા દીધું નહીં અને તમે અનિરુદ્ધને એની નજીક કદી આવવા દીધો નહીં.

‌ અનન્યાએ જે કંઇ પણ કર્યું એમાં હું તમને દોષ આપતો નથી. પરંતુ પહેલી જ વખતે જો તમે એને પ્રોત્સાહન ન આપ્યું હોત તો આ દિવસ કદાચ ન પણ આવ્યો હોત. એ કુમળા ફૂલ જેવી છોકરી ન જાણે ક્યાં ભટકતી હશે?"

દાદાજીએ દાદીજીને ખૂબ ઠપકો આપ્યો હતો, એક વડીલ તરીકેની બધી ફરજો દાદીજી ચૂકી ગયા હતા. આખા ઘરને એક તાંતણે બાંધી રાખવાનું કામ જેના શિરે હતું એમણે જ એ તાંતણો તોડવાનું કામ કર્યું હતું.

***

અનન્યાને એની ખરાબ માનસિક પરિસ્થિતિ જોતા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. વડીલોએ આર્યાની સાથે અનિરુદ્ધના મિત્ર જયને શોધવાનો પ્રયત્ન આદર્યો, એ બંનેમાંથી એકનો પણ પત્તો લાગ્યો નહીં. જયને દૂર ફેંકી આવવાનું કામ અનન્યાએ જે માણસોને સોંપેલું એ પકડાઈ ગયા હતા અને તેમના જણાવ્યા મુજબ એ લોકો બેભાન અવસ્થામાં રહેલા જયને છેક જંગલની પેલે પાર એક ખાલી ટ્રકમાં મૂકી આવ્યા હતા. એ ટ્રકનું શું થયું અને ક્યાં ગઈ એ કોઈ જાણતું ન હતું.

નવી સવાર ઊગી હતી. તોફાન જતું રહ્યા બાદની નીરવ શાંતિ જેવું શાંત વાતાવરણ મહેલમાં પથરાઈ ગયું હતું. નવી સવારના કિરણો એ પોતાના સોનેરી પ્રકાશ વડે મહેલને નવડાવ્યો હતો, કારણ કે કુદરતને સુખ-દુઃખના કોઈ નિયમો લાગુ પડતા નથી. કુદરત તો ગરીબ કે અમીર, સુખી કે દુઃખી, સૌની ઉપર એનું ઐશ્વર્ય સરખે ભાગે વહેંચે છે. આપણે આપણી માનસિક પરિસ્થિતિ મુજબ એ બધાની વ્યાખ્યા અલગ અલગ કરીએ છીએ.

સવારના નાસ્તા માટે ટેબલ પર સૌ ભેગા થયા હતા, પરંતુ કોઈની આંગળીઓ અને હાથ મોં તરફ વળી રહ્યા ન હતા. નિયમ મુજબ આવવું જરૂરી હતું એટલે બધા આવ્યા હતા. અનિરુદ્ધની ખુરશી ખાલી હતી. કામની વ્યસ્તતાને કારણે અનિરુદ્ધ ઘણી વખત ગેરહાજર રહેતો પરંતુ આજે એની ગેરહાજરી ચિંતા કરાવતી હતી.

"જૂઓ... જે થવાનું હતું એ થઈ ગયું છે. અને જે થઈ ગયું છે એમાં આપણે કશો બદલાવ કરી શકતા નથી પરંતુ આર્યાને જેમ બને એમ ઝડપથી આપણે પાછી લઈ આવીશું. આપણે જો ઝડપથી સ્વસ્થ થઇ જશું તો અનિરુદ્ધને પણ સરળતા થશે સ્વસ્થ થવા માટે. રીવા બેટા, ભાઈને બોલાવી આવો."

"પપ્પા, મેં ફોન કર્યો હતો, એ રાત્રે બાર વાગ્યા સુધી ઓફિસમાં હતો એટલે ઊઠવામાં મોડું થયું હશે." અનિરુદ્ધના પિતાએ કહ્યું.

"દાદાજી, ભાઈ રૂમમા નથી. હકીકતમાં એ ગઈ કાલે અહીંથી ગયા પછી આવ્યા જ નથી."

રીવાની વાત સાંભળીને કોઈનાથી ખુરશી પર બેસી શકાયું નહીં. માંડ શાંત પડેલા બધાના ધબકારા ફરી વધી ગયા.

"સાહેબ, નાના સાહેબ ની ઓફિસે થી કોઈ આવ્યું છે."કહીને વોચમેન એક યુવાનને અંદર લઈ આવ્યો.

તે યુવાને અનિરુદ્ધના પિતાના હાથમાં એક ચિઠ્ઠી અને ફોન પકડાવ્યો. એ ફોન અનિરુદ્ધનો હતો.

ચિઠ્ઠી ખોલીને વાંચી,
"પૂજ્ય વડીલો,
મારી કશી ચિંતા કરશો નહીં. હું મારા કોઈ કામ સબબ અમુક દિવસો માટે અથવા અમુક મહિનાઓ માટે બહાર જાઉં છું. ક્યારે આવીશ નક્કી નથી. મન પણ અશાંત છે. આશા છે કે ત્યાં શાંતિ મળી રહેશે. શોધવાનો પ્રયત્ન કરશો નહીં કારણકે હું મારી ફરજ અંતર્ગત જ જાઉં છું.
તમારા મનમાં કશો બોજ રાખશો નહીં, કારણકે સંબંધોનું મહત્વ નથી, હું તમારું લોહી છું કે નહીં એ મહત્વનું નથી, મહત્વ છે તમે લોકોએ મને આપેલા પ્રેમનું, મહત્વ છે તમે લોકોએ કરેલા મારા જીવન ઘડતરનું, એથી જ હું કોઇ વાતથી નાસીપાસ થતો નથી, જલ્દીથી આવી જઈશ.

તમારો વ્હાલો,
અનિરુદ્ધ."

અનિરુદ્ધ ગયો હતો, ક્યાં ગયો હતો એ ખબર ન હતી, એ જ્યાં ગયો હતો ત્યાં એને પ્રેમનો વિશાળ અર્થ મળવાનો હતો. પ્રેમ એટલે સ્ત્રી પુરુષો વચ્ચે રચાતા સંબંધો -એવી સાંકડી સંકલ્પનાને વિશાળ કરતો અર્થ મળવાનો હતો.

***

"ના દાદાજી, ભાઈ આવે ત્યાં સુધી મને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી. એ આવે ત્યાં સુધી થોભી જાઓ, પ્લીઝ..."

"એ આવવાનો છે, પરંતુ ક્યાં સુધી રાહ જોવી? આપણે તારા સસરાજીને છ મહિનાનું કહ્યું હતું, પરંતુ હજુ વધારે કેટલી રાહ જોવડાવીશું?"

"થોડો સમય, દાદાજી.... પ્લીઝ... મને વિશ્વાસ છે કે ભાઈ જરૂર આવશે." અને આર્યા પણ... આ છેલ્લું વાક્ય રીવા મનમાં બોલી.

"સારું ત્યારે, હવે ખુશ?"

"પપ્પાજી..." અચાનક અનિરુદ્ધના પપ્પા ધસી આવ્યા, "આપણી જમ્મુવાળી ફેક્ટરીની નજીક જ વિસ્ફોટ થયો છે. ફોન આવ્યો હતો કે ફેક્ટરી માં ઘણું નુકસાન છે."

"આ વિસ્ફોટ એ તો હદ કરી છે, છેલ્લા કેટલાય સમયથી આતંકવાદીઓનો ત્રાસ વધી ગયો છે. આપણી ફેક્ટરીને તો આજે જ નુકસાન થયું પરંતુ ત્યાંના માણસો તો કેટલાય સમયથી જાનમાલનું નુકસાન વેઠી રહ્યા છે. એમને હવે કોઈ તારણહાર મળી જાય તો સારું."

***

આર્યા અને અનિરુદ્ધ ની વાતો છ મહિનામાં જાણે દંતકથાઓ જેવી બની ગઈ હતી. એટલા વિસ્તારમાં સૌકોઈ એમના વિષે જાણતા હતા. એ બંનેની વાતો ઘણા યુવા હૃદયોમાં સોંસરી ઉતરી જતી હતી, તો કોઈની આંખોમાં આંસુ લાવી દેતી હતી. માત્ર મહેલના માણસો જ નહીં પરંતુ એ વિસ્તારના બધા જ લોકો આતુર હતા કે આર્યા અને અનિરુદ્ધ ક્યારે પાછા આવશે, એ બંને મળશે કે નહીં?

ક્રમશઃ