શાપ
પ્રકરણ : 5
“બેટા, તુ હવે તારા ઘરે જતી રહે. અહીંની ચિંતા ન કર. અમે બધા અહીં છીએ. તારી મદદની જરૂર હશે ત્યારે બોલાવી લઇશુ. વિજય અને તારા ઘરના બધા દુ:ખી થતા હશે.” રક્ષાને મોડે સુધી સુવા દઇને તે ઉઠી એટલે તેના મમ્મી દેવ્યાની બહેને કહ્યુ. “કેમ મમ્મી અચાનક આમ કહો છો?” દેવ્યાની બહેન મુઝંવણમાં મુકાઇ ગયા કે રક્ષા આમ કેમ બોલે છે? શું તેને રાતની કોઇ ઘટના યાદ નથી? “રૂપલ તો જતી રહી હવે તે કયારે પરત આવશે? તેની ખબર મળશે કે નહિ? હજુ કાંઇ ખબર નથી. હવે ઘણો સમય થઇ ગયો. તારુ ઘર પરિવાર સાચવવાની તો તારી જવાબદારી છે જ. તું અહીના ખોટા ટેન્શનમાં રહીશ તો તારી તબિયત પર અસર થશે. જે થવાનુ હતુ તે થઇ ગયુ. હવે તુ તારે ચિંતામુક્ત થઇને તારુ ઘર સંભાળ.”
રક્ષા સુનમુન થઇ ગઇ. તેને શુ જવાબ આપવો ખબર નહોતિ પડતી. તે ક્યાં ખાલી રૂપલની ચિંતાથી રોકાઇ હતી? લગ્નના ત્રણ વર્ષમાં કયારેય બે દિવસથી વધારે વિજયે તેને અહીં રોકાવા દીધી ન હતી. લગ્નના થોડા જ સમયમાં બાળકની મોકાણ અને દવાનો મારો શરૂ થઇ ગયો હતો. વિજય અહીં પણ ઘણી દવા મુકી ગયો હતો. તે સાસરીમાં કંટાળી ગઇ હતી. તેને થોડા ચેન્જની જરૂર હતી. મોકો મળી ગયો હતો એટલે તે હવે થોડા દિવસ પરત જવા માંગતી જ ન હતી. પરંતુ હવે મમ્મીને કેમ સમજાવવા? એવુ કોઇ દેખીતુ દુ:ખ પણ ન હતુ.
“મમ્મી એકાદ બે દિવસ રોકાઇ જાઉ પછી રૂપલના કોઇ સમાચાર ન મળે તો જતી રહીશ. ત્યાં મમ્મી છે એટલે વાંધો નથી.” રાત્રે જ રક્ષાની હાલત જોઇને મુકેશભાઇ અને દેવ્યાની બહેન ચિંતામાં મુકાઇ ગયા હતા. માંડ રક્ષાને સમજાવીને દેવ્યાની બહેને પોતાની પાસે તેને સુવડાવી હતી. તેઓ બંન્નેને તો ઉંઘ જ આવી ન હતી. રાત્રે જ મુકેશભાઇએ કહી દીધુ હતુ કે રક્ષાને આ માહોલમાંથી દુર તેની સાસરીમાં સમજાવીને મોકલી દેવી જેથી તેના મગજ પર વધારે અસર ના પહોંચે. પરંતુ રક્ષાને તો કાંઇ યાદ નથી અને તે હજુ ય રોકાવા માંગે છે. પોતાની દીકરી ત્રણ વર્ષ બાદ રોકાવા આવી હોય અને તેને કંઇ રીતે પરત સાસરીમાં મોકલી દેવી? દેવ્યાની બહેનને પણ કંઇ સમજાતુ ન હતુ. કિસ્મત તેની સાથે કેવા ખેલ રચી રહી છે? ખરેખર આ બધા કિસ્મતના ખેલ છે કે કોઇનુ રચેલુ ષડયંત્ર? **************** દહેરાદુનનુ જ એડ્રેસ હતુ. જયેશે પોતાના મગજ પર જોર લગાવવાની કોશિષ કરી. અરે આ તો તેના માતા પિતાનુ જ એડ્રેસ છે. ચિઠ્ઠી ખોવાઇ ગઇ તેમાં આ જ એડ્ર્રેસ હતુ. જયેશે તુરંત જ મેસેજ આવ્યો તે નંબર પર ફોન લગાવવાની કોશિષ કરી પરંતુ કોમ્પ્યુટરમાંથી મોકલેલ મેસેજ હતો. આથી કાંઇ વળ્યુ નહિ. “રૂપલ, આ જો મને કોઇએ એડ્રેસ મેસેજ કર્યો છે.” “થેન્ક ગોડ એડ્રેસ તો મળી ગયુ. નંબર પર કોંટેક તો કર કોણ છે આ? મને લાગે છે કોઇ આપણો પીછો કરી રહ્યુ છે.” “રૂપલ, મે ટ્રાય કરી લીધી પરંતુ કોમ્પ્યુટરમાંથી જ મેસેજ સેન્ટ કરવામાં આવેલ છે. આથી કોણ છે તે જાણવુ લગભગ અશક્ય છે. તારી વાત સાવ સાચી છે. જરૂર આપણો કોઇ પીછો કરી રહ્યુ છે અને તેને ખબર પડી ગઇ છે કે આપણી પાસે એડ્રેસ ખોવાઇ ગયુ છે.” “એ ય રોનિત આપણી મદદ જરૂર કરી શકશે. આ મેસેજ પરથી કોણે કયાંથી મોક્લ્યો.” રૂપલે એકાએક યાદ આવતા કહ્યુ. “હા, રોનિત જરૂરથી આપણી મદદ કરી શકશે પરંતુ અત્યારે તેને આરામ કરવા દે અને આપણે પણ લંચ લઇને આરામ કરી લઇએ. સાંજે હવે આ દિશામાં આગળ વધીશુ.” “કોઇ આપણો પીછો કરી રહ્યુ છે એ વિચારે મને તો જરાય ચેન નથી પડતુ.” “રૂપલ મારી હાલત પણ એવી જ છે પરંતુ આમ આરામ કર્યા વિના દોડાદોડી કરીશુ તો શરીર સાથ આપવાનુ છોડી દેશે. નાહક બિમારીના ચક્કરમાં ફસાઇ જઇશુ અને અત્યારે આપણાથી કાંઇ થઇ શકે એમ નથી. રોનિત આરામ કરી લે ત્યાર બાદ જ બધુ આગળ વધશે. ત્યાં સુધી તુ ફ્ર્રેશ થઇ જા હું લંચ અહીં જ મંગાવી લઉ છુ.” જયેશે લંચ રૂમમાં જ મંગાવી લીધુ અને તેઓ લંચ લઇને પોતપોતાના બેડ પર સુઇ ગયા થાકના કારણે બેલ ન વાગી ત્યાં સુધી તેઓ સુતા જ રહ્યા. *************
“વાહ, તમે લોકોએ મસ્ત આરામ કરી લીધો.” જયેશે દરવાજો ખોલ્યો એટલે રોનિતે અંદર આવતા કહ્યુ.
“હા ઉંઘ ચડી ગઇ તો કાંઇ ખબર જ ન પડી.” “હું નાસ્તો કરી આવ્યો છુ અને તમારા માટે પણ થોડાક ફ્રુટસ લાવ્યો છુ તમે લોકો ફ્રેશ થઇ જાઓ અને ચા કોફી જે જોઇએ તે મંગાવી નાસ્તો કરી લેજો મારો દોસ્ત અડધો કલાકમાં આવે છે ત્યારે હું આવીશ પાછો.” “જયુ તે રોનિતને મેસેજ વાળી વાત ન કહી?” જયેશે બપોરે રૂપલને સમજાવી ત્યારથી તેનુ મન શાંત થઇ ગયુ હતુ અને તેને નક્કી કરી લીધુ હતુ કે હવે અહીં આવી ગઇ છે તો ડામાડોળ પરિસ્થિતિમાં રહેવુ નથી. હવે તે છેક સુધી જયેશનો સાથ આપશે.
“અરે બાપ રે ઉંઘમાંથી અચાનક ઉઠવાથી તે વાત કરતા તો ભુલી જ ગયો. હું મો ધોઇને તેની પાસે જાઉં છુ. તુ ફ્રેશ થઇને ચા નાસ્તો કરી લેજે મારી ઇચ્છા નથી.” “ઇચ્છા તો મારી પણ નથી. તુ જઇ આવ હુ ફ્રેશ થઇ જાઉ છુ.” **************
“અરે આવ દોસ્ત” જયેશ આવ્યો એટલે રોનિતે દરવાજો ખોલતા કહ્યુ. જયેશે અંદર આવીને મેસેજ બતાવ્યો અને પોતાના મનની બધી વાત કરી. “સાચી વાત છે તારી. જરૂર કોઇ આપણો પીછો કરી રહ્યુ છે. હું હમણાં જ તેને શોધવાનો પ્રયાસ કરુ.” રોનિતે પોતાનુ લેપટોપ કાઢીને તેમાં સર્ચ કરવાનો પ્રયાસ કર્યો. “આ તો અહીંના કોઇ સાયબર કાફેમાંથી મેસેજ કરવામાં આવ્યો છે. મેસેજ મોકલનાર ખુબ જ ચાલાક છે.” *************
રુદ્ર દેખાવે જ સ્માર્ટ અને ચાલાક બ્રાંડેડ ટી શર્ટ અને લેટેસ્ટ જીન્સ પહેરીને પોતાની ડસ્ટર કારમાંથી “હોટેલ કનૈયા” આગળ ઉતર્યો ત્યારે જોનારને ખબર જ પડી જાય છે કે એક કરોડપતિ નબીરો છે. પરંતુ દેખાવથી સાવ અલગ જ તેની પર્સાનાલીટિ હતી. તે પણ રોનિતની જેમ વેબ ટેકનિશિયન અને ખુબ જ હોશિયાર હતો. પિતાની મેળવેલ લાખોની સંપત્તિને કરોડો સુધી પોતાની આવડત અને હોશિયારીથી પહોંચાડી હતી. “હાય રુદ્ર” દરવાજો ખોલતા જ રુદ્રને સામે જોતા રોનિતે કહ્યુ. રોનિત પણ જયેશ અને રૂપલના રૂમમાં આવી ગયો હતો અને રુદ્રને પણ ત્યાં જ બોલાવી લીધો હતો.
“હાય, રોનિત” હાય ફાઇ કરીને રુદ્ર રોનિતને વળગી પડ્યો અને પછી તેઓ બધા રૂમમાં આવ્યા. રોનિતે રુદ્રને જયેશની બધી વાત આજ આવેલા મેસેજ સહિત જણાવી દીધી. રુદ્ર શાંતિથી બધી વાત સાંભળી રહ્યો હતો. તે વર્ષોથી દહેરાદુનમાં જ રહેતો હતો. આથી તેને એડ્રેસ જોયા બાદ તુરંત આઇડિયા આવી ગયો કે તે ક્યો એરિયા છે. “આ એક જુની હવેલીનુ એડ્રેસ છે. તમારે ત્યાં જવુ હોય તો હમણાં જ લઇ જાઉ.” “વાહ” રુદ્રની વાત સાંભળી જયેશ ખુશ થઇ ગયો.
“હા, અત્યારે જ અમને ત્યાં લઇ જા. રોનિત આપણે અત્યારે મારા માતાપિતાને મળી લઇએ પછી સાંજે જ પરત નીકળી જઇશુ.” જયેશે ઉત્સાહથી કહ્યુ. “ઓ.કે. જેવી તારી મરજી. આપણે સાંજે જ નીકળી જવુ હોય તો રુદ્ર બધી વ્યવસ્થા કરી આપશે.” “હા, હા જયારે જવુ હોય ત્યારે કહેજો તરત જ વ્યવસ્થા થઇ જશે.” “હા તો તુ બે ત્રણ કલાક બાદ ગાડીની વ્યવસ્થા કરી આપ એટલી વારમાં તો આપણે પરત આવી જઇશુ.” “ઓ.કે.” રુદ્રએ ગાડી વાળાને ફોન કરી દીધો. શું દુનિયામાં દરેક વખતે આપણુ ધાર્યુ થાય છે? જયેશ જેમ વિચારે છે તેમ તે બે ત્રણ કલાકમાં અહીંથી નીકળી જઇ શકશે કે................ ************ “ભાઇ, પ્લીઝ આવુ ન કરો” ફરી બહેન આરતીના શબ્દો મુકેશભાઇના કાનમાં ગુંજવા લાગ્યા તેને બે હાથથી પોતાના કાન બંધ કરી લીધા. જેમ ત્રીસ વર્ષ પહેલા બંધ રાખ્યા હતા. માણસને તેના કર્મોના ફળ આ જન્મમાં જ મળી રહે છે. બંન્ને દીકરી વિશે વિચારીને આ શબ્દો સાચા લાગવા લાગ્યા. પરંતુ તેને ક્યાં કંઇ ખરાબ ઇરાદાથી કર્યુ હતુ. તેને તો હમેંશા તેની નાનકડી લાડકી બહેનનુ ભલુ જ ઇચ્છ્યુ હતુ. માતા પિતાના મૃત્યુ બાદ આરતીને પોતાના હાથ પર રાખીને મોટી કરી હતી. તેનો જીવ હતી આરતી અને પોતે જ તેના મોતનુ કારણ બની ગયા હતા. તે વસવસો દિલમાંથી હજુ ગયો જ ન હતો. “બિચારી આરતીની શુ ભુલ હતી. ખાલી લવ મેરેજ જ કરવા માંગતી હતી ને. પરંતુ ત્રીસ વર્ષ પહેલા લવ મેરેજ!” મુકેશભાઇના દિલમાં દ્રંદ્ર ઉઠ્યુ. ત્યારે તે મોટુ મન ન રાખી શક્યા અને ચડસાચડસીમાં આરતીના પ્રેમી અરવિંદનુ ગુસ્સામાં ખુન કરી બેસ્યા. તેનો કયાં ઇરાદો હતો અરવિંદના ખુનનો. તે અને તેનો મિત્ર આશિષ જેમ તેમ બોલી રહ્યા હતા. આથી ગુસ્સામાં જરાક વધારે વાગી ગયુ અને તે ત્યાં જ... પછી તો ખુબ જ પસ્તાવો થયો પરંતુ અરવિંદ જેવા વ્યક્તિના હાથમાં લાડલી આરતીનો હાથ દેતા જરાય જીવ ચાલતો ન હતો. અરવિંદ કોણ હતો? અરવિંદ રસ્તા પર રહેતો સાવ અનાથ હતો અને ખેતરે મજુરી કરીને ગુજરાન ચલાવતો હતો. આવા ફટીચરના હાથમાં કયો ભાઇ તેની બહેનનો હાથ આપી શકે? આરતીને પણ તેનુ કેવુ ઘેલુ હતુ. એવા ફટીચરની યાદમાં વખ ઘોળી લીધુ. અરવિંદનુ કોઇ ન હતુ. બસ એક દુરના કાકા વિદેશ રહેતા હતા. આથી આશિષને સમજાવી લીધો હતો. તેથી ભીનુ સંકેલાઇ ગયુ હતુ. પરંતુ આજે કેમ મન એ બધુ યાદ કરી રહ્યુ હતુ અને અરવિંદનો પરિવાર બદલો લેવા માટે રૂપલ અને જયેશને પકડી ગયા હોય એવા વિચારે મન ચડી ગયુ હતુ. “ના ના અરવિંદના પરિવારનુ કામ નથી. ખાલી નાદાનીમાં જયેશ અને રૂપલ આવુ પગલુ ભરી ગયા છે.” અનેક વિધ વિચારો કરતા કરતા મુકેશભાઇ હિંચકાને ઠેસ ઠેસ પર ઠેસ મારી રહ્યા હતા. તેને વિચારમાં ભાન પણ ન રહ્યુ કે દેવ્યાની બહેન આવી ગયા. અને દેવ્યાની બહેનને હિંચકો વાગ્યો તેમાં મુકેશભાઇ વર્તમાન આવી ગયા. “દેવ્યાની જરા ધ્યાન રાખ.” “તમે કેવો હિંચકો ચલાવીને ધ્યાન મગ્ન થઇ ગયા છો. કયારની રસોડાની બારીથી બોલાવી રહી છુ. કાંઇ જવાબ જ નથી આપતા.” “અરે જરા આરતીના વિચારો...” “બસ હવે ભુલી જાઓ તે બધુ. હવે સમયના પડછ નીચે તે બધુ કયારનુ દબાઇ ગયુ છે. તેને વખોડી વખોડીને ખોતરવાથી દુ:ખ જ મળશે. જીંદગી આગળ ચાલી ગઇ છે તો વારંવાર પરત જવાથી કાંઇ ફાયદો નથી.” “હા, દેવ્યાની હું પણ ભુલવા માંગુ છુ પરંતુ કયારે ભુલી શકતો નથી.” “લાગણીના બંધ તોડી શકાતા નથી. આરતીબહેનનુ લોહી અને તમારુ લોહી એક જ છે. તે જયાં સુધી શરીરમાં દોડી રહ્યુ છે ત્યાં સુધી તેને ભુલવી શક્ય નથી.” “હા, એ વાત 100% ની છે. પણ તારે શુ કામ હતુ શેના માટે તુ મને બોલાવી રહી હતી?” “ઓહ, આરતી બહેનની તિથિ આવી રહી છે. રૂપલ અને રક્ષાની પ્રોબ્લેમ જોઇ પંડિતજીએ આરતીબહેનની તિથિ પર એક વિધિ અને બાહ્મણ જમાડવાનુ કહ્યુ છે તો જરાક તેઓને મળીને બધુ જાણી લેજો.” “ઓ.કે. હુ હમણાં જ મળી આવુ છુ.” ************ દસેક મિનિટમાં જુની હવેલી પાસે બધા પહોંચી ગયા. રુદ્ર તેની ગાડીમાં બેસાડીને તેને અહીં લાવ્યો હતો. જુનો કાટ ખાઇ ગયેલો દરવાજો માંડ ખોલ્યો અને અંદર એક સુંદર બગીચો હતો. અને આગળ હવેલીનો મેઇન ગેઇટ હતો રૂપલ લેડીસ સ્વભાવ ગત આસપાસ બધે નજર કરીને ચાલી રહી હતી અને સાંજ ઢળવા લાગી હતી. સુરજ આકાશમાં ઢળવાની તૈયારી કરી રહ્યો હતો. બધા બગીચામાંથી મેઇન ગેઇટ પાસે આવ્યા પરંતુ ત્યાં આવીને જોયુ તો શું? તાળુ લટકી રહ્યુ હતુ.
અરેરે આ શુ? કોણે જયેશને અહીં બોલાવ્યો હશે? શું ખરેખર તેના માતા પિતા જ છે કે કોઇ બીજુ? અને તાળુ લગાવેલ પુરાણી હવેલી પર તેને શા માટે બોલાવ્યો? જાણવા માટે આગળનો ભાગ વાંચવો જ રહ્યો.