બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 5 Sachin Sagathiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બ્રેકઅપ - બિગિનિંગ ઓફ સેલ્ફ લવ - 5

ઘણો સમય વીતી ગયો હતો. બંને મિત્રો બાંકડા પર બેઠા બેઠા હોસ્પિટલ સામે ચૂપચાપ જોઈ રહ્યા હતા એવામાં કમ્પાઉન્ડર આવ્યો અને કલ્પેશને હાથથી ઈશારો કરી બ્લડ ટેસ્ટનો રીપોર્ટ લઇ જવા કહ્યું. કલ્પેશ ઉભો થયો અને લેબોરેટરીના બાજુના રૂમમાંથી રીપોર્ટ લઇ વિજય પાસે આવી ગયો. તેણે વિજય સામે જોયું અને કહ્યું,

“થેંક ગોડ. વિજય ચિંતા જેવું નથી તારો રીપોર્ટ નોર્મલ આવ્યો છે પણ થોડો ટાઈમ દવા ચાલુ રાખવી પડશે.”

વિજય જાણે કોઈ વિચારોમાં ખોવાઈ ગયો હોય તેમ તે બસ હોસ્પિટલ સામે જોઈ રહ્યો. તેણે કલ્પેશને કોઈ જવાબ ન આપ્યો. એ જોઈ કલ્પેશે વિજયના પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું,

“ચિંતા ન કર બધું જ ઠીક થઈ જશે. સોરી મેં તને એ બધું કીધું. યાર મારી લાઈફમાં જો મેં કોઈને પ્રેમ કર્યો છે તો એ ફક્ત મારી માં છે અને હું એ સિવાય બીજા કોઈ પ્રેમને જાણતો પણ નથી. મને આવા છોકરા-છોકરીના પ્રેમમાં કંઈપણ ખબર નથી પડતી અને મારે જાણવું પણ નથી એટલે જે હું નજરે અત્યાર સુધી જોતો આવ્યો છું એ ઘટનાઓ પરથી કીધું કે પ્રેમમાં મરવાની વાતો માત્ર મન રાખવા માટે હોય છે. કદાચ હું ખોટો પણ હોવ. કદાચ નહિ પણ હું તો ચાહું છું કે આ બાબતમાં હું ખોટો સાબિત થાવ. બસ એટલું ચાહું છું કે તુ હંમેશા ખુશ રહે. આ બધું વિચારવાનું છોડ અને ચાલ હવે ઘરે જઈએ. મારે કામ પર જવાનો ટાઈમ થઇ ગયો છે. ચાલ હવે ઉભો થા.”

વિજય ઉભો થયો અને હોસ્પિટલના પાર્કિંગ ગેટથી સામેની બાજુ બાઈક તરફ ચાલવા લાગ્યો. કલ્પેશ દવાબારી પાસે ગયો અને ડોક્ટરે લખી આપેલી દવાઓ લઇ વિજય પાસે ગયો. તેણે વિજયને દવાઓ આપી અને બાઈક સ્ટાર્ટ કરી. વિજય પાછળ બેસી ગયો એટલે કલ્પેશે બાઈક હંકારી મૂકી અને બંને ઘરે આવી ગયા. કલ્પેશે ગેટ ખોલી બાઈક ફળીયામાં રાખી દીધી. વિજય પોતાના રૂમમાં ગયો અને કલ્પેશ રસોડામાં ગયો. કલ્પેશે પ્લેટફોર્મ પરથી ટીફીન લીધું અને ઘરની બહાર નીકળતા કહ્યું,

“ખોટા વિચારો કરતો નહિ અને હમણાં જમીને દવા લઇ લેજે. હું જાવ છું. સાંજે મામી સાથે વાત કરાવું એટલે સોરી કહી દેજે.”

કલ્પેશ ધીમે ધીમે રોડ તરફ ચાલવા લાગ્યો અને રોડ પર પહોંચી રિક્ષાની રાહ જોવા લાગ્યો. તે રિક્ષાની રાહ જોતો હતો એવામાં એસ.ટી. બસ આવી અને તેમાંથી સંજય ઉતર્યો. સંજય કલ્પેશને જોઈ ગયો. તે રોડ ક્રોસ કરી કલ્પેશ પાસે આવી ગયો અને કહ્યું,

“આજ કેમ મોડા?”

“વિજયને હોસ્પિટલ લઇ ગયો હતો એટલે મોડો જાવ છું.”

“કેમ વિજયને શું થયું? કંઈ આડુંઅવળું નથી કરી નાખ્યું ને? મને આ જ વાતની ચિંતા હતી કે વિજય કંઈ કરી ન બેસે. તે ઠીક તો છે ને?”

“ચિંતા ન કર. બસ થોડો તાવ આવી ગયો છે. આરામ કરશે અને નિયમિત દવા લેશે એટલે ઠીક થઇ જશે. સંજય શું વિજયનું બ્રેકઅપ થઇ ગયું છે?”

“હું ચોક્કસ તો ન કહી શકું પણ જ્યાં સુધી મને યાદ છે વિજય અને નિશા છેલ્લે સાતમ-આઠમની રજાઓ પહેલા મળ્યા હતા. ત્યારે હું પણ બસમાં તેમની સાથે હતો પછી તો એ કદી મળ્યા જ નથી. દસેક દિવસ જેવું થઇ ગયું હશે. સવારે પણ આપણી બસ જામનગર મોડી પહોંચે છે એટલે નિશા ત્યાં પણ ભેગી નથી થતી. યાર હમણાથી વિજય ઉદાસ રહે છે. મારી વાતનું ખોટું ન લગાવતો પણ વિજયને નિશા મળી જ ન હોત તો જ સારું હતું. એટલીસ્ટ એ ભણવામાં ધ્યાન તો આપતો હતો! હમણાથી તો કોલેજ પણ ઓછો આવે છે. મારા આઈ.ટી.આઈનો સમય એવો છે કે હું બપોર સિવાય તેને નથી મળી શકતો.”

“મને પણ હવે એમ જ લાગે છે કે આ સિંગલ જ બરાબર હતો. તારો લવ પણ વિજય જેમ નથીને? નહિતર તને પણ હોસ્પિટલ લઇ જવો પડશે.” કલ્પેશ હસવા લાગ્યો.

“ના ભાઈ ના. આપણું આજકાલથી થોડી ચાલી રહ્યું છે? છેલ્લા ચાર વર્ષથી રિલેશનશિપમાં છું!”

“ઠીક છે. વિજયનું ધ્યાન રાખજે. આજ થોડો વધારે અપસેટ છે. ચાલ હવે રિક્ષા આવી ગઈ. હું નીકળું છું.”

રિક્ષા કલ્પેશ પાસે આવી ઉભી રહી અને કલ્પેશ તેમાં બેસી ગયો. રિક્ષા ત્યાંથી ગઈ એટલે સંજય ત્યાંથી સીધો વિજયના ઘરે આવી ગયો. તે વિજયના રૂમમાં ગયો તો વિજય બેડ પર બેઠો હતો. તેની પાસે આવી સંજયે કહ્યું,

“શું તાવ આવ્યો છે? હમણાં કલ્પેશ ભેગો થયો હતો તેણે કહ્યું.”

“નિશા ભેગી થઇ?”

“યાર હજી તારી ગાડી નિશામાં જ કેમ અટકી છે? કાલ તુ જાતે જામનગર આવી તેને મળી લેજે. યાર તારી સીસ સાથે મારે ક્યારેક મહિના સુધી વાત નથી થતી તો શું એનો મતલબ અમારું બ્રેકઅપ થઇ ગયું? અમારી વચ્ચે ઘણી વખત બ્રેક આવ્યા છે પણ જો અમે સાથે છીએ. તો ખોટું ટેન્સન ન લે. આ બ્રેકઅપ જેવી વસ્તુ માત્ર ફિલ્મોમાં હોય છે.”

“સાચી વાત છે એ માત્ર ફિલ્મોમાં જ હોય છે પણ મારા આ પ્રશ્નનો જવાબ આપ કે આ ફિલ્મ મેકર્સ ફિલ્મો શેના પર બનાવે છે? આપણા જેવા માણસોના જીવન અને અનુભવો પર જ ને? તો શું આ ફિલ્મ મેકર્સ બ્રેકઅપનો કોન્સેપ્ટ મંગળ પરથી લાવ્યા છે?” વિજય ગુસ્સે થઇ ગયો.

“યાર આટલી નાની વાતમાં ગુસ્સે કેમ થાય છે? યાર હું સમજી શકું છું તુ અત્યારે કેવું ફિલ કરે છે?”

“ના તુ નહી સમજી શકે મને કેવું ફિલ થાય છે? ફક્ત તુ નહિ પણ કોઈ નહી સમજી શકે કે મને કેવું ફિલ થાય છે? મને કેવું ફિલ થાય છે એ માત્ર હું જાણું છું. ઇગ્નોર થવુ અને વાત ન થવી એ બંને જુદી બાબતો છે. તુ કદી ઇગ્નોર નથી થયો એટલે તને નહી સમજાય કે મને કેવું ફિલ થાય છે?” વિજય ગુસ્સામાં જોરજોરથી બોલવા લાગ્યો.

“હું આવ્યો તેનાથી તને પ્રોબ્લેમ હોય તો હું ચાલ્યો જઈશ પણ પ્લીઝ આમ ગુસ્સો કરીને પોતાને દુખી ન કર.”

“ઓકે પ્લીઝ... સોરી હું થોડો વધારે...” વિજય તેના ચહેરા પર હાથ રાખી રડવા લાગ્યો.

વિજયને રડતો જોઈ સંજય તેને ભેટી પડ્યો અને તેની પીઠ પર હાથ ફેરવા લાગ્યો,

“વિજય પ્લીઝ યાર રડ નહી. યાર શું દર વખતે આ બાળકની જેમ રડવા માંડે છે? હવે તુ નાનો નથી કે આ તારા પર સારું લાગે. હવે રડવાનું બંધ કરી દે.”

“યાર નિશુ કેમ આમ કરે છે? તે કેમ સમજતી નથી કે તેની વગર મારી કોઈ દુનિયા નથી? તે કેમ સમજતી નથી કે તેની વગર હું નથી રહી શકતો? તે મને કઈ વાતની સજા આપી રહી છે?”

“યાર તુ ખોટું ટેન્સન લઇ રહ્યો છે. તુ જેવું વિચારી રહ્યો છે એવું નથી. નિશા જાણતી જ હશે કે તે તારા માટે શું છે? જો તેના પર સ્ટડીનું પ્રેસર હશે જ કેમ કે તેને તારી સાથે કોલેજ કરવી છે. હવે તુ જ મને કહે કે નિશા જો અત્યારે તને ટાઈમ આપે તો સ્ટડીમાં ક્યારે ટાઈમ આપે? યાર તારે તો બસ કોલેજથી આવીને ઘરે ઊંઘી જવાનું કે નિશા સાથે વાત કરવાનું હોય છે જ્યારે નિશાને તો સ્કૂલેથી આવી સ્કૂલનું હોમવર્ક કરવાનું અને પછી ટ્યુશન જવાનું ઉપરથી ટ્યુશનમાંથી આવી ઘરનું કામ પણ કરવાનું. આ બધાથી શું માણસને સ્ટ્રેસ ન થાય? યાદ કર જ્યારે આઠ મહિના પહેલા તુ એચ.એસ.સીમાં હતો ત્યારે તુ કેટલો સ્ટ્રેસમાં રહેતો? મને મળવાનો પણ ટાઈમ હતો ત્યારે તારી પાસે? જ્યારે પણ મળવાનું કહું એટલે એક જ વાત કરતો કે મારે ઘણું હોમવર્ક બાકી છે હું નહી આવી શકું. તો આવા પ્રોબ્લેમ્સ તેને પણ હશે જ. તો તેની બોર્ડની એક્ઝામ આવે ત્યાં સુધી તુ તેને ટાઈમ આપ પછી જો બધું જ નોર્મલ થઇ જશે.”

“સંજય હું એમ નથી કહેતો કે તે આખો દિવસ મારી સાથે વાતો કરે. આખા દિવસમાં માણસ પાંચ મિનીટ તો વાત કરી શકે ને? હું બસ એ પાંચ મિનીટ જ માંગું છું પણ નિશા એ પણ જરૂરી નથી સમજતી. યાર હું બસ તેની એક સ્માઈલ જોવા માટે કોલેજ જતા પહેલા સ્ટેશન પર તેનો વેઇટ કરું છું કે ક્યારે મારી બેબી આવે અને હું તેને આંખો ભરીને જોઈ શકું. દુખ એ વાતનું છે કે જ્યારે તે તેના ગામની બસમાંથી ઉતરે છે અને મને જુએ છે તો તેના ચહેરા પરના બધા જ રંગો ઉડી જાય છે. સંજય ક્યારેક તો એવું લાગે છે જાણે એ મારા ઈમોશનને હર્ટ કરવા જાણી જોઇને એ બધું કરે છે. દરરોજ બપોરે હું કોલેજથી સ્ટેશન આવી તેની રાહ જોવ છું. જ્યારે તે સ્કુલથી છૂટીને સાડા બાર વાગ્યે ત્યાં આવે છે તો તેનો ચહેરો મને ન દેખાય તે રીતે મારી સામે પીઠ કરી તેની ફ્રેન્ડસ સાથે વાતો કરવા લાગે છે. યાર શરૂઆતમાં આ બધું ન હતું. આ જન્માષ્ટમીની રજાઓ ગઈ ત્યારથી શરૂ થયું છે. મેં કદી સપનમાં પણ ન હતું વિચાર્યું કે મારી બેબી મારાથી આમ અચાનક દૂર થઇ જશે.” વિજય ફરી રડવા લાગ્યો.

“યાર ફરી રડવા લાગ્યો. કોઈ તારાથી દૂર નથી થયુ. બસ થોડા દિવસથી નિશાને મળ્યો નથી એટલે તને એવું લાગે છે. તુ થોડો ટાઈમ રેસ્ટ કર. તારી તબિયત બરાબર નથી એટલે વધારે આ વિશે ન વિચાર. હું એક-બે દિવસમાં નિશા સાથે આ વિશે વાત કરું છુ. તુ ચિંતા ન કર બધું જ ઠીક થઇ જશે.”

“જ્યાં સુધી હું નિશાને મળીશ નહી ત્યાં સુધી મને ચેન નથી પડવાનો. હું કાલ જ આવું છું છની બસમાં.”

“વિજય ઉતાવળ ન કર. તારી તબિયત બરાબર નથી તુ રેસ્ટ કર. ચિંતા ન કર બધું મારા પર છોડી દે.”

“સંજય મારી હાલત જોઇને તને લાગે છે કે હું રેસ્ટ કરી શકીશ? હું કાલ આવું છું. કાલ બધું જ સ્પષ્ટ થઇ જશે કે અમારી વચ્ચે અંતર કેમ વધી રહ્યું છે.”

“ઠીક છે તારી જેવી ઈચ્છા પણ હું તારી સાથે આવીશ ઓકે? બપોર સુધી મારો વેઇટ કરજે, એકલો ન ચાલ્યો જતો.”

“ના, તુ ચિંતા ન કર હું કંઈપણ એવું નહિ કરું જેથી વાત બગડે. મારે બસ જાણવું છે કે નિશા મને ઇગ્નોર કેમ કરે છે?”

“પણ યાર તુ બધું નોર્મલ થાય ત્યાં સુધી વેઇટ કર તો તને શું પ્રોબ્લેમ છે?”

“નોર્મલ થવાનો વેઇટ કરીશ તો મારી બેબીને હું કદી નહિ મળી શકું. મારે તેની સાથે વાત કરવી જ પડશે.”

To be continued…..