પરિવર્તનનો પવન Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરિવર્તનનો પવન



ઇ.સ. 2100 ની સાલ હવે આવી પહોંચી હતી. ફરી એક નવી સદી ની શરૂઆત થઈ ગઈ હતી. 22 મી સદી ની આ શરૂઆત હતી અને આજે આ સદી નો પહેલો જ દિવસ હતો. સીરી એની પાર્ટી માં મશગુલ હતી. બીજા અનેક લોકો પણ નાચી રહ્યા હતા. નાચી રહ્યા હતા એમ કહેવા કરતાં એકબીજા જોડે અથડાઈ રહ્યા એમ કહેવું વધુ યોગ્ય રહેશે. 31 ડિસેમ્બર 2099 ની રાત થી શરૂ થયેલી પાર્ટી 1 જાન્યુઆરી 2100 ની સવાર સુધી ચાલી જ રહી હતી.

સીરી જોડે હંમેશા એનો એક આસિસ્ટન્ટ રહેતો જે એને હંમેશા મદદ કરતો. એનું નામ ગૂગલ હતું. સવારના 6 વાગ્યા હતા એટલે ગૂગલ આસિસ્ટન્ટ એ એને યાદ કરાવ્યું કે, હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે અને પાર્ટી પુરી થઈ ગઈ છે.
****
સીરી જ્યાં પાર્ટી ચાલી રહી હતી એ હોટલમાંથી બહાર નીકળી. એણે પોતાના મોબાઈલ ની મદદથી કાર નો દરવાજો ખોલ્યો. એ કી લેસ કાર હતી. એમાં સ્ટિયરિંગ નહોતું પણ એના સ્થાને એક ડિજિટલ ડિસ્પ્લે હતું જે આખું પારદર્શક કાચ નું બનેલું હતું. જેના પર 4 દિશામાં ચાર એરો હતા જેમાં બંને સાઈડના એરો ની મદદથી કાર ને ડાબી કે જમણી બાજુ વાળી શકાતી હતી. અને ઉપર અને નીચેના એરો ની મદદથી કારને આગળ પાછળ લઈ જઈ શકાતી હતી. એણે ઓન નું બટન દબાવી કાર ચાલુ કરી. કાર ચાલુ થઈ અને એ એના ઘર તરફ ચાલવા લાગી. કારમાં એના ઘરનો રસ્તો સ્ટોર કરેલો હતો એટલે કાર એની જાતે જ એ દિશામાં દોડવા લાગી.
****
સીરી હવે ઘરમાં આવી. એણે એના ઘરના દરવાજા પર જે ડિજિટલ લોક હતું એમાં પાસવર્ડ નાખ્યો અને લોક ખોલીને એ ઘરમાં પ્રવેશી. ઘરની બહાર હવે ડોરબેલ નહોતી. ઘરના બધાં સદસ્યો હવે પોતાની જાતે જ પાસવર્ડ થી ઘર નું લોક ખોલી લેતા હતા. એનું આખું ઘર પારદર્શક કાચ નું બનેલું હતું. એને હવે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી એટલે એણે એક નાનકડું મશીન કાઢ્યું અને એમાં થોડું પાણી નાખ્યું. મશીન ને પ્લગમાં જોડયું અને સ્વીચ ચાલુ કરી. મશીન ચાલુ થતાં જ પાણીમાંથી ઓક્સિજન છૂટો પાડવા લાગ્યો. ઘરમાં ઑક્સિજનનું પ્રમાણ વધવાથી સીરી એ હવે શ્વાસ લેવામાં રાહત અનુભવી. 22 મી સદીમાં પ્રદુષણ નું પ્રમાણ ખૂબ વધી ગયું હતું એટલે દરેક લોકો પોતાના ઘરે આવું ઓક્સિજન નું મશીન રાખતા કે જે પાણીમાં રહેલા ઓક્સિજન ને વાયુ માં પરિવર્તિત કરી ને મુશ્કેલી ના સમયે લોકોની મદદ કરતું.
****
સીરી અને એના માતા પિતા એમ ત્રણ જણાનો એમનો પરિવાર હતો. એના માતા પિતા બંને એના ઘરમાં રહેતા જરૂર હતા પણ કોઈ એકબીજા સાથે વાત નહોતા કરી રહ્યા. બધાની પોતાની એક આગવી દુનિયા હતી. સીરી ઘરમાં આવી ત્યારે એની મમ્મી ત્યાં જ બેઠી હતી પણ એણે સીરી ની સામે પણ ન જોયું અને એને એમ પણ ન પુછ્યું, "કેવી રહી તારી પાર્ટી?"
જાણે એની મમ્મી ને તો દીકરી ના જીવનમાં બિલકુલ રસ જ નહોતો. હા, એના પપ્પા ક્યારેક સીરી જોડે ભૂલમાં વાત કરી લેતા. સીરી ને ક્યારેક મન થતું કે, એ એના મમ્મી પપ્પા જોડે વાત કરે પણ એના માં બાપ! એમને સમય જ ક્યાં હતો સીરી જોડે વાત કરવાનો? એટલે સીરી એ હવે પોતાનો રસ્તો ગોતી લીધો હતો. એને જ્યારે પણ કોઈ સાથે વાત કરવાનું મન થતું ત્યારે એ ગૂગલ આસિસ્ટન્ટ જોડે વાત કરી લેતી અને પોતાનું દિલ બહલાવતી.
****
અને એક દિવસ સીરી ગંભીર રીતે બીમાર પડી ત્યારે પણ એ જાતે એકલી જ હોસ્પિટલ પહોંચી સારવાર કરાવવા. એ બીમાર હતી ત્યારે પણ એના માતાપિતા એની સાથે નહોતા. સીરી એ બીમારી માંથી પણ બચી ગઈ હતી કારણ કે, મેડિકલ ટેકનોલોજી એ હવે હરણફાળ ભરી હતી એટલે હવે મરવાનું પણ આસાન નહોતું. લેટેસ્ટ ટેકનોલોજી આવી ગઈ હોવાને કારણે દુનિયામાં વસ્તીવધારાનો દર ખૂબ વધી ગયો હતો. જન્મદર કરતાં મૃત્યુદર ઘટી ગયો હતો. હોસ્પિટલ નું બિલ એણે બીટકોઈન થી ચૂકવ્યું.
****
સમય વીતતો ચાલ્યો. અને એક દિવસ સીરી ને ખૂબ ગુસ્સો આવ્યો. એણે પોતાની લડત લડવાની શરૂ કરી. એ હવે આ ડિજિટલ દુનિયાથી કંટાળી હતી. એના ઘરમાં જેટલા પણ ડિજિટલ સાધનો હતા એ બધા એણે ફેંકી દીધા. એનું કાચનું ઘર એણે તોડી નાખ્યું. એણે મોબાઈલ નો પણ ઘા કરી દીધો. એના માતા પિતાના મોબાઈલ નો પણ ઘા કર્યો. સીરી એ પોતાના માતાપિતા ની સામે જોઈને જોરથી ચીસ પાડી. "મારે શાંતિ જોઈએ છે આ ઘરમાં. મારે મોબાઈલ નથી જોઈતો. મારે ગૂગલ આસિસ્ટન્ટ નથી જોઈતો. મારે મારા માતા પિતા જોઈએ છે જે મારી જોડે સંવાદ કરે. મારે એકલતા ભરી દુનિયા નથી જોઈતી." એટલું બોલી સીરી ત્યાં જ બેસી ગઈ. ચારે બાજુ કાચના ટુકડા વેરાયેલા પડ્યા હતા. સીરી નું કાચ નું ઘર હવે તૂટી ગયું હતું. સીરી ની આ વાતે એના માતા પિતાને પણ વિચારતાં કરી દીધાં. એમને પણ સમજાયું કે, સીરી ની વાત સાચી છે.
****
થોડા સમય પછી સીરી નું કાચનું ઘર હતું ત્યાં હવે પાકું મકાન બની ગયું હતું. હવે એના ઘરમાં મોબાઈલ ની દુનિયા નહોતી. હવે એના માતા પિતા એની જોડે સંવાદ કરવા લાગ્યા હતાં. ફરી એકવાર લાગણી ના સંબંધ હવે બંધાવા લાગ્યાં હતાં. સીરી ની આ લડત ની ચર્ચા આખા દેશમાં થઈ રહી હતી. અને સીરી ના પગલે હવે અનેક લોકો ફરી પ્રકૃતિ તરફ વળવા લાગ્યા હતા. કહેવાય છે ને કે, અતિ સર્વત્ર વર્જયેત. લોકો પણ હવે ડિજીટલ દુનિયાના અતિરેક થી કંટાળ્યા હતા. અને આમ પણ કહેવાય છે ને કે, પરિવર્તન સંસારનો નિયમ છે. ફરી એક વખત પરિવર્તનનો પવન ફૂંકાયો હતો. અને આ પવન હવે ખૂબ પાવન સાબિત થવાનો હતો.
****