ચોક્ડ: પૈસા બોલતા હૈ Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોક્ડ: પૈસા બોલતા હૈ

'ચોક્ડ: પૈસા બોલતા હૈ'

-રાકેશ ઠક્કર

'નેટફ્લિક્સ' જેવું લોકપ્રિય પ્લેટફોર્મ અને ડાર્ક વિષયમાં જેમની મહારત છે એવા નિર્દેશક અનુરાગ કશ્યપની ફિલ્મ હોય ત્યારે દર્શકોની અપેક્ષા કંઇક ઔર વધી જાય છે. ૫ મી જૂને ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી 'ચોક્ડ: પૈસા બોલતા હૈ' માં અનુરાગનો મનપસંદ વિષય છે. છતાં 'ગેંગ્સ ઓફ વાસેપુર' કે 'દેવ ડી' જેટલા આ વખતે પ્રભાવિત કરી શક્યા નથી. લગભગ બે કલાકની આ ફિલ્મને સાડા ત્રણથી વધુ સ્ટાર આપી શકાય એમ નથી. છતાં એક વખત જોઇ શકાય એવી જરૂર છે. બોલિવુડમાં અનુરાગ જેવા ગણતરીના જ કેટલાક નિર્દેશકો છે જે વિવાદાસ્પદ ફિલ્મ બનાવતા ખચકાતા નથી. વર્ષો પહેલાના નોટબંધીના વિષય પરની આ ફિલ્મ અત્યારે પ્રાસંગિક ગણી શકાય નહીં. તેમણે વિષય પસંદ કરવામાં મોડું કરી દીધું છે. તેમાં નોટબંધી, ભ્રષ્ટાચાર, મધ્યમવર્ગીય પરિવારની સમસ્યાઓ, પતિ-પત્નીનો સંબંધ જેવા અનેક મુદ્દા છે, પણ ઊંડાણથી સ્ક્રિપ્ટ પર કામ થયું નથી. તેથી અપેક્ષિત અસર મૂકતી નથી. તેમની અત્યાર સુધીની ફિલ્મોમાં આ સરળ અને સીધી છે. એવું લાગે છે કે કોઇ મહત્વાકાંક્ષા વગર આ ફિલ્મ બનાવી છે. નોટબંધી અંગે કોઇ ચોક્કસ અભિપ્રાય છેલ્લે સુધી આપ્યો નથી. ધીમે ધીમે ઉપર જતી વાર્તા છેલ્લે ફસડાઇ પડે છે. અંત અપેક્ષા પ્રમાણે આવે છે. ક્લાઇમેક્સ પર હજુ મહેનત કરવાની જરૂર હતી. વાનગી તો બરાબર બનાવી પણ મીઠું ઓછું પડ્યા જેવું થયું છે.

એક ગૃહિણીને રસોડાના સિંકમાંથી ચલણી નોટોની થપ્પીઓ મળવાનો પ્લોટ રોચક હતો. એના પર નોટબંધીનો તડકો માર્યો છતાં કસર તો રહી જ ગઇ. 'વો અપના ઉપરવાલા હૈના? વો લોમડી કી તરહ આતા હૈ ઔર ખરગોશ કી તરહ ભાગ કે ચલા જાતા હૈ' જેવા સંવાદ સાથે ટ્રેલર જોયું ત્યારે ઘણાને એમાં રસ પડ્યો હતો. વાર્તા એવી છે કે સરિતા (સૈયામિ ખેર) નામની એક મધ્યમવર્ગીય મહિલા બેંકમાં કંટાળાજનક કામ કરીને જીવે છે. તેનું સપનું ગાયિકા બનવાનું હતું. તો તેનો પતિ સુશાંત (રોશન મેથ્યુ) સંગીતકાર બનવા સંઘર્ષ કરતો હોય છે. તે દેવા તળે દબાયેલો હોય છે. પતિ-પત્ની આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે ત્યારે સરિતાને રસોડાના સિંકમાંથી નોટોની થપ્પીઓ મળે છે અને તેની જિંદગી બદલાવા લાગે છે. તે નોટો મળે છે એની વાત પતિને કરતી નથી. નસીબ બદલાવા સાથે પડકારો આવે છે. પીએમ દ્વારા નોટબંધીનું એલાન થતાં સરિતાના જીવનમાં યુ-ટર્ન આવે છે. અનુરાગ પોતાના બધા જ કલાકારો પાસે સારું કામ લેવામાં સફળ થયા છે. 'મિર્ઝયા' થી અભિનેત્રી તરીકે કારર્કિર્દી શરૂ કરનારી સૈયામિની ચાર વર્ષ બાદ આ બીજી ફિલ્મ છે એવું લાગતું નથી. માની ભૂમિકા નિભાવવાનું તેણે જોખમ લઇને એ રોલ સાથે પૂરો ન્યાય કર્યો છે. તેણે ઇચ્છયું હોત તો આટલા વર્ષોમાં ઘણી ફિલ્મો કરી શકી હોત. પણ બે-ચાર સીનવાળી અને ટૂંકા કપડામાં એકાદ ગીત કરવાવાળી ભૂમિકાઓ તેણે સ્વીકારી નથી. અનેક સમસ્યાઓ વચ્ચે ઝૂલતી પણ કોઇ ફરિયાદ વગર પોતાના કામમાં મસ્ત રહેતી સરિતાના પાત્રને તેણે કેમેરા સામે જીવી બતાવ્યું છે. સારી સ્ક્રીન પ્રસ્તુતિ તેના સોનેરી ભવિષ્યનો ઇશારો કરે છે. સૈયામિના પતિના પાત્રમાં દેખાયેલા રોશનની આ પહેલી જ ફિલ્મ હોવા છતાં પ્રભાવિત કરે છે. મલયાલમ ફિલ્મોમાં કામ કરતા રોશનને હવે હિન્દી ફિલ્મો મળી શકે છે. સરિતાના પડોશીઓ તરીકે અમૃતા સુભાષ અને રાજશ્રી દેશપાંડેએ દમદાર અભિનય આપ્યો છે. ફિલ્મનું નબળું પાસું તેનું ગીત-સંગીત છે. એકપણ ગીત યાદ રહે એવું નથી અને એ આવે છે ત્યારે વાર્તાની ગતિને રોકે છે. રાકેશ રોશનની 'કાલા બાઝાર' નું ગીત '..કે પૈસા બોલતા હૈ' બંધ બેસતું હોવાથી અસલ વર્ઝન જ રાખ્યું છે. સૌથી સારી વાત એ છે કે અનુરાગ કશ્યપે સેક્સ,ગાળો અને હિંસા વગર એક મધ્યમવર્ગીય પરિવારના જીવનની વાતોને સહજ અને વાસ્તવિક રીતે નિરૂપી છે. ઘણાને આ ફિલ્મ જોઇને નિર્દેશક બાસુ ચેટર્જીની ફિલ્મો યાદ આવી ગઇ છે એ વાત અનુરાગ માટે કોઇ એવોર્ડથી કમ નહિ હોય. ઉદાહરણ તરીકે ફિલ્મના એક દ્રશ્યમાં સરિતા શાકવાળાને પૂછે છે કે,'ઇસમેં કીડે તો નહીં નિકલેંગે ના?' ત્યારે જવાબ મળે છે,'ભાબીજી, પૂછકર નહીં ઘૂસતે કીડે ઉસમેં, અપને આપ ઘૂસ જાતે હૈં.'