Rudra ni premkahaani - 2 - 30 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 30

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૩૦

બીજાં દિવસે સવાર થતાં જ ભોજરંગ વીંધ્યાચલની પહાડીઓમાં આવેલાં ત્રિદેવ માર્ગે થઈને પાતાળલોકમાં જઈ પહોંચ્યો. ત્યાં પહોંચી ભોજરંગે પોતાનું રૂપ બદલ્યું અને સર્પ રૂપ ધારણ કરી લીધું.

સાત્યકીને સમગ્ર આર્યાવતનો સમ્રાટ બનવું હતું અને આ માટેનું પ્રથમ ચરણ હતું રત્નનગરીની રાજકુમારી મેઘના સાથે વિવાહ કરવા. જો આવું થાય તો એ ઈન્દ્રપુરની સાથે રત્નનગરીનો પણ ઉત્તરાધિકારી બનવાનો હતો, જેનો મતલબ હતો આર્યાવતના સૌથી મોટાં બે સમૃદ્ધ વિસ્તારોનો રાજા બનવું. આ સાથે જ એનાં આર્યાવતનાં સમ્રાટ બનવાનાં કોડ પૂરાં થઈ જવાનાં હતાં.

આ બધી વાતમાં રુદ્ર એનાં માટે એક મોટું વિઘ્ન બનીને આવ્યો હતો. રુદ્ર અને અગ્નિરાજ વચ્ચે વેર ઘાલવાની એક યોજના સાત્યકીએ તૈયાર કરી. આ મુજબ એ પોતાનાં મિત્ર ભોજરંગની સહાયતાથી પાતાળલોકનાં રાજા દેવદત્તની હત્યા કરવાનો હતો અને આનો આળ અગ્નિરાજના શિરે નાંખી દેવાનો હતો. બસ આટલું કરવાથી અગ્નિરાજ અને રુદ્ર એકબીજાના દુશ્મન બની જશે જેનાં લીધે ક્યારેય રુદ્ર અને મેઘના એક નહીં થઈ શકે.

સાત્યકી દ્વારા પોતાની બચાવવામાં આવેલી જીંદગીનું ઋણ ઉતારવા વચનથી બંધાયેલો ભોજરંગ સર્પવેશ ધારણ કરી રાજા દેવદત્તના મહેલમાં જઈને છુપાઈ ગયો. ભોજરંગનો એક દંશ એક સાથે સેંકડો લોકોને યમલોક પહોંચાડવાની તાકાત ધરાવતો હતો. આમ તો ભોજરંગે ક્યારેય કોઈની જાણીજોઈને હત્યા નહોતી કરી પણ અત્યારે સંજોગો એવાં નિર્મિત થયાં હતાં કે એને ના છૂટકે આ કાર્ય કરવું પડે એમ હતું. ભોજરંગે હવે દેવદત્તને દંશ દઈ સ્વધામ પહોંચાડી દેવાનું નક્કી કરી લીધું હતું તો પછી રાજા દેવદત્તનો અંતિમ સમય નજીક હતો એમાં કોઈ મીનમેખ નહોતો.!

*********

ઈશાન જ્યારે ભાનમાં આવ્યો ત્યારે એને અંદાજો નહોતો કે એ કેટલાં સમયથી બેભાન અવસ્થામાં હતો. પણ હવે વહેલીતકે અહીં જે કંઈપણ ઘટિત થયું હતું એ અંગે પોતાનાં તમામ મિત્ર અને ખાસ તો રુદ્રને જણાવવું જરૂરી હતી. આ માટે અહીંથી નીકળવું જરૂરી હતી. ઈશાન પોતાની ચમત્કારી શક્તિની મદદથી અદ્રશ્ય થઈ ગયો અને પોતાની જાતને બંધનમાંથી મુક્ત કરી.

મુક્ત થતાં જ ઈશાન એને જ્યાં કેદ કરવામાં આવ્યો હતો એ ઓરડામાંથી બહાર નીકળ્યો. ઈશાને જોયું તો એને રાજમહેલમાં જ ક્યાંક કેદ કરાયો હતો. થોડી ઘણી મહેનત બાદ એ ભોજનકક્ષ સુધી પહોંચવમાં સફળ રહ્યો. ત્યાં પહોંચીને એને જોયું તો શતાયુ શાકભાજી કાપવામાં વ્યસ્ત હતો અને બે સૈનિકો ચોરીછુપીથી એની ઉપર નજર રાખે હતાં.

"શતાયુ, હું ઈશાન છું. કંઈપણ બોલ્યાં વગર મારી વાત સાંભળ." ઈશાને અદ્રશ્ય અવસ્થામાં શતાયુની નજીક જઈ એનાં કાનમાં ધીરેથી કહ્યું.

ઈશાન તો ડફેરોનો મુકાબલો કરતાં દળ જોડે ગયો હતો તો આટલી વહેલાં એ કેમ ત્યાં આવ્યો એ વિચારી શતાયુને નવાઈ થઈ. પણ ઈશાને અહીં અદ્રશ્ય વેશે આવવું પડ્યું હોય તો કંઈક તો અજુગતું બન્યું હોવાનું પૂર્વાનુમાન શતાયુને આવી ચૂક્યું હતું. શતાયુએ પોતાનાં ચહેરાનાં ભાવોને સ્થિર રાખી પોતાનાં મિત્ર ઈશાનની બધી જ વાત સાંભળી.

ઈશાને ત્રાંસી આંખે પોતાની ઉપર નજર રાખી રહેલાં બે સૈનિકોને પણ જોયાં. જો ઈશાન જે કહી રહ્યો હતો એ સત્ય હતું તો નક્કી રુદ્ર અને એ બધાંની જીંદગી માથે મોટું સંકટ આવી ચૂક્યું હતું. શતાયુ જાણતો હતો કે રુદ્ર દુર્વા અને જરા સાથે મંદાકિની ગુફા તરફ ગયો છે. એને આ વિષયમાં ઈશાનને જણાવી આગળ એ લોકોએ શું કરવું જોઈએ એ અંગે સવાલ કર્યો.

ઈશાને શતાયુને તક મળતાં જ સ્ત્રીરૂપ લઈ ત્યાંથી છટકી જવાનું જણાવ્યું. શતાયુ જોડે સ્ત્રીરૂપ ધારણ કરવાની શક્તિ હતી એ ઈશાન જાણતો હતો. રત્નનગરીની બહાર પોતે શતાયુની રાહ જોવે છે એમ કહી ઈશાન આવ્યો હતો એ જ રીતે ત્યાંથી નીકળી ગયો. અદ્રશ્ય વેશે જ એ અશ્વશાળામાં આવ્યો અને ત્યાંથી બે અશ્વોને લઈ ચૂપચાપ નીકળી ગયો.

જમવાનું બનવાનો સમય થવા આવ્યો હતો એટલે ભોજનકક્ષની અંદર લોકોની ભીડ થવા આવી હતી. આ ભીડનો ફાયદો ઉઠાવી શતાયુ સ્ત્રીવેશ ધારણ કરીને ત્યાંથી નીકળી ગયો. રાજમહેલમાંથી નીકળ્યાં પહેલાં શતાયુ મેઘનાનાં કક્ષમાં ગયો અને એને બધી હકીકતથી વાકેફ કરી.

મેઘનાએ શતાયુને વહેલી તકે રુદ્રને મળી આ અંગે જણાવવાની સલાહ આપી. સાથે એ પણ જણાવ્યું કે એ પોતાનાં પિતાજીને સમજાવવાનો પૂર્ણ પ્રયાસ કરશે. જો એવું થયું તો ઠીક છે નહીં તો રુદ્ર પોતાને અહીંયાંથી ભગાડીને લઈ જાય એવો સંદેશો રુદ્રને આપવા કહ્યું. મેઘના સાથેની મુલાકાત બાદ શતાયુ જ્યારે મહેલમાંથી બહાર નીકળવા જતો હતો ત્યારે એને જાણવા મળ્યું કે રાજકુમાર સાત્યકી પુનઃ રત્નનગરી આવી રહ્યો હતો અને આવતીકાલે મહારાજ અગ્નિરાજ પણ પધારવાના છે.

પરિસ્થિતિ કાબુ બહાર જાય એ પહેલાં રુદ્રને ચેતવવો જરૂરી હતો એટલે રાજમહેલમાંથી નીકળી શતાયુ ઉતાવળા ડગલે ઈશાને જણાવેલી જગ્યાએ પહોંચ્યો. ઈશાન ત્યાં બે અશ્વો સાથે હાજર હતો. ઈશાનના ચહેરા પર દેખાતાં ઘાને જોઈ શતાયુ સમજી ગયો કે પોતાનાં મિત્ર જોડેથી સત્ય કઢાવવા કેટલી યાતનાઓ આપવામાં આવી હતી.

"શતાયુ, હવે જલ્દી નીકળીએ. અહીંથી મંદાકિની ગુફાઓ સુધીનું અંતર પણ વધુ છે અને માર્ગ પણ અજાણ્યો છે."

"હા મિત્ર, આમ પણ અત્યાર સુધી તારાં મુક્ત થઈ જવાની વાત વાયુવેગે મહેલમાં પ્રસરી જઈ હશે અને તને શોધતાં રત્નનગરીનાં સૈનિકો આ તરફ આવતાં જ હશે. કોઈ અહીં આવે એ પહેલાં ચાલ આપણે નીકળી જઈએ."

આ સાથે જ બંને મિત્રોએ પોતાનાં અશ્વની લગામ ખેંચી અને અશ્વોને મંદાકિની ગુફાઓ તરફ દોડાવી મૂક્યાં.

*******

પોતાનાં અશ્વોને વધુ ત્વરાથી ભગાવીને રુદ્ર આખરે જરા અને દુર્વા સાથે મંદાકિની ગુફાઓ સુધી આવી પહોંચ્યો હતો. રાત્રીનો છેલ્લો પ્રહર ચાલુ હતો એટલે ગુફામાં પ્રવેશવા માટે એ લોકોએ હાથમાં મશાલ લીધી અને ગુફામાં આગળ વધ્યાં. આ ગુફામાં વર્ષોથી કોઈ આવ્યું નહીં હોય એવું અંદર પગ મૂકતાં જ રુદ્રને સમજાઈ ગયું. ઠેર-ઠેર ઊગી નીકળેલાં ઝાડી-ઝાંખરા વચ્ચે ઘણાં ઝેરી સર્પો પણ દ્રશ્યમાન થઈ રહ્યાં હતાં.

આ ગુફામાં એ હદે અંધકાર હતો કે કોઈ ભૂલથી પણ અહીં પગ મુકવાનું વિચારી ના શકે, એટલે જ અહીં નિમલોકો માટે અન્યાયી સાબિત થયેલી સંધિ છુપાવાઈ હોવાનો રુદ્રને અંદાજો આવી ગયો. દોઢેક ઘડી સુધી ચાલ્યાં બાદ ગુફાનો રસ્તો ખૂબ જ સાંકડો થઈ જતો હતો. રુદ્ર અને એનાં બંને મિત્રો જરા અને દુર્વા ખૂબ જ સાવચેતી સાથે આગળ વધી રહ્યાં હતાં.

જરા અને દુર્વા બંને જંગલમાં જ જન્મ્યા અને મોટાં થયાં હોવાથી આવાં દુર્ગમ સ્થાનોએ કઈ રીતે આગળ વધવું એનું એ બંનેને જ્ઞાન હતું. આથી વચ્ચે આવતી મુશ્કેલીઓને સરળતાથી પોતાનાં માર્ગમાંથી હટાવી એ લોકો ગુફાનાં છેડા સુધી પહોંચી ગયાં. ત્યાં એક જલકુંડ હતો જેની ઉપર રાજા રત્નરાજની કાંસાની પ્રતિમા હતી. એ પ્રતિમાનાં એક હાથમાં ચાંદીની તલવાર તો બીજા હાથમાં એક ગળી કરેલું કાપડ હતું.

એ કાપડ નક્કી એ જ સંધિ હતી જેને લીધે નિમલોકોને વર્ષોથી સૂર્યપ્રકાશથી વંચિત રહેવું પડયું હતું. જરા અને દુર્વા તત્કાળ એ સંધિનો નાશ કરવા ઉતાવળા બન્યાં હતાં. ત્યાં પહોંચતાં જ રુદ્રએ અનુભવ્યું કે આ જગ્યાએ નક્કી કોઈ એવી જાળ પાથરવામાં આવી છે જેનાં લીધે કોઈ સંધિ સુધી પહોંચી ના શકે એટલે એને જરા અને દુર્વાને આગળ વધવાની સાફ મનાઈ ફરમાવી.

"મિત્રો, આ જગ્યાએ નક્કી કંઈક તો એવું છે જે મને ખટકે છે. આટલી મહત્વની વસ્તુ આટલી સરળતાથી મળી જાય એ શક્ય નથી!" આટલું કહી રુદ્રએ એક પથ્થર લઈને રત્નરાજની પ્રતિમા સુધી જતાં માર્ગમાં ફેંક્યો. આમ કરતાં જ માર્ગની બંને તરફની દિવાલોમાંથી બે તીર એ દિશા તરફ આવ્યાં જ્યાં રુદ્રએ પથ્થર ફેંક્યો હતો.

આ દ્રશ્ય જોઈ જરા અને દુર્વાની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.

"રુદ્ર, હવે આગળ શું કરીશું?" જરાના આ પ્રશ્નનો જવાબ આપવાનાં બદલે રુદ્રએ જરા અને દુર્વા જોડેથી એમની તલવારની માંગણી કરી. એ બંનેએ ચૂપચાપ પોતપોતાની તલવાર રુદ્રના હાથમાં મૂકી દીધી.

રુદ્રએ પહેલાં જરાની તલવારનો બળપૂર્વક ઘા કરીને એને પ્રતિમાથી ત્રણ ડગલાંનાં અંતરે જમીનમાં ગડાવી દીધી. ત્યારબાદ એનાંથી ત્રણ-ચાર ડગલાં દૂર દુર્વાની તલવારને. છેલ્લે પોતે જ્યાં ઉભો હતો ત્યાંથી પાંચેક ડગલાં દૂર રુદ્રએ પોતાની તલવારને જમીનમાં ગડાવી દીધી. આટલું કરી રુદ્ર થોડો પાછળ હટ્યો અને ખુબજ ત્વરાથી દોડીને એક પછી એક ત્રણેય તલવારોનો મુઠ પર પગ મૂકી જલકુંડ સુધી પહોંચી ગયો.

જે કુશળતાથી રુદ્રએ આ કાર્ય કર્યું હતું એ જોઈ જરા અને દુર્વાને પોતાની આંખો પર ઘડીભર તો વિશ્વાસ ના બેઠો. રુદ્રએ સમય વ્યય કર્યાં વિના રત્નનરાજની પ્રતિમાનાં હાથમાંથી ગળી કરેલ કાપડનો ટુકડો નીકાળી એની ઉપર બાંધેલી રેશમની દોર ખોલીને એ ખાતરી કરી કે હકીકતમાં આ એ જ સંધિ હતી જેની શોધ એ કરી રહ્યો હતો.

આખરે રુદ્ર જે કાર્ય કરવા પૃથ્વીલોક પર આવ્યો હતો એ થઈ ચૂક્યું હતું. આ એ જ સંધિ હતી જેનાં લીધે નિમલોકોએ વર્ષો સુધી અન્યાયનાં ઘૂંટ પીવા પડ્યાં હતાં. રુદ્રએ એ સંધિને પોતાનાં કમરબંધમાં ભરાવી અને જે ત્વરાથી પ્રતિમા સુધી ગયો હતો એ જ ત્વરાથી પાછો એ જગ્યાએ આવી ગયો જ્યાં જરા અને દુર્વા ઊભાં હતાં.

"રુદ્ર, તે કમાલ કરી દીધો મિત્ર! આખરે એ સાબિત થઈ ગયું કે તું જ નિમલોકોનો ઉદ્ધારક છે." જરાએ રુદ્રને ગળે લગાવતાં કહ્યું.

"આ કાર્ય હું એટલે કરી શક્યો કેમકે તમે લોકો મારી પડખે હતાં.!" જરા અને દુર્વા તરફ કૃતજ્ઞ ભાવ બતાવતાં રુદ્ર બોલ્યો.

"રાજકુમાર, હવે અહીંથી ફટાફટ નીકળી જઈએ." દુર્વાના આમ બોલતાં જ રુદ્રએ ગુફાની બહાર જવા પ્રસ્થાન કર્યું. જરા અને દુર્વા પણ એને અનુસર્યા.

આખરે પોતે પોતાનું ઈચ્છિત કાર્ય કરવામાં સફળ રહ્યો હતો એ વાતની ખુશી રુદ્રના મુખ પર દેખાઈ રહી હતી. આ સંધિનો પોતાનાં લોકોની સામે પાતાળલોકમાં જઈ પોતાનાં પિતાજીનાં હાથે જ નાશ કરાવશે એવું રુદ્ર નક્કી કરી ચૂક્યો હતો એટલે જ એને એ સંધિનો જાતે નાશ ના કર્યો.

આ ખુશીની ખબર વિશે પોતાનાં બે મિત્રો ઈશાન અને શતાયુ તથા પોતાની જીવનસાથી મેઘનાને જણાવવા રુદ્રએ પોતાનાં અશ્વને રત્નનગરી તરફ ભગાવી મૂક્યો. પોતે ધારેલું બધું જ કાર્ય આખરે પૂર્ણ થઈ ચૂક્યો છે એમ વિચારી રત્નનગરી તરફ આગળ વધી રહેલાં રુદ્રને એ વાતની ખબર જ નહોતી કે નિયતી એનાં માટે કંઈક અલગ જ વિચારી રહી હતી!

*********

વધુ આવતાં ભાગમાં

સાત્યકીએ સોંપેલું કાર્ય કરવામાં ભોજરંગને સફળતા મળશે? જો ભોજરંગ દેવદત્તની હત્યા કરવામાં સફળ થશે તો એનું શું પરિણામ આવશે? સાત્યકી પોતાની ચાલમાં સફળ રહેશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED