રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 29 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 29

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૯

અગ્નિરાજના કક્ષમાં રહેલાં દર્પણની પાછળથી મળેલાં ચર્મપત્રમાં બનેલો નકશો રુદ્ર અને મેઘનાએ જેવો જ જોયો એ સાથે જ એમનો ચહેરો ખુશીથી ખીલી ઉઠ્યો. આ નકશો નિમલોકો સાથે કરવામાં આવેલી સંધિનું સ્થાન દર્શાવતો હતો, જે હતું રત્નનગરીની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલી મંદાકિની ગુફા.

"રુદ્ર, તું વહેલીતકે આ ગુફામાં જઈને એ સંધિ શોધી કાઢ જેનાં લીધે નિર્દોષ નિમલોકો આટઆટલા વર્ષોથી અન્યાયનો સામનો કરી રહ્યાં છે. એ સંધિનો તું એકવાર નાશ કરી દે એટલે એ લોકો પર લાદવામાં આવેલાં નિયમોનો તત્કાળ અંત આવી જશે." મેઘના રુદ્રને ઉદ્દેશીને બોલી.

"મેઘના, હું અત્યારે જ જરા અને દુર્વાને લઈને મંદાકિની ગુફાઓ તરફ જવા નીકળું છું. મારે ત્યાં પહોંચતાં બે દિવસ લાગી જશે, તો ત્યાં સુધી અહીં બધું તું સાચવી લેજે."

"તું અહીંની ચિંતા ના કર. જ્યાં સુધી પિતાજી અહીં નથી ત્યાં સુધી અન્ય કોઈની પણ હિંમત નથી કે મને એક પ્રશ્ન પણ કરી શકે. તું તારે નિશ્ચિન્ત થઈને જા અને તું જે કાર્ય કરવા આવ્યો છે એને સિદ્ધ કર."

"મેઘના, જો તું ના હોત તો હું ક્યારેય મારાં ઈચ્છિત કાર્યને સિદ્ધ કરી ના શક્યો હોત!" આટલું કહી રુદ્રએ મેઘનાનો મનોરમ્ય ચહેરો પોતાનાં હાથની હથેળીઓ વચ્ચે લઈ એનાં કપાળને ચૂમી લીધું.

"બસ હવે તું તુરંત અહીંથી પ્રસ્થાન કર..અને ધ્યાન રાખજે તારું."

નિમલોકો જોડે કરવામાં આવેલી અન્યાયી સંધિ ક્યાં આવેલી છે એની જાણ થયાંની એક ઘડીની અંદર રુદ્ર પોતાનાં બે મિત્રો જરા અને દુર્વા સાથે મંદાકિની ગુફાઓ તરફ જવા નીકળી પડ્યો હતો.

********

ઈશાનની આંખે પટ્ટી બાંધી એને એક બંધ ઓરડામાં બંદી બનાવીને રાખવામાં આવ્યો હતો જેનાં દ્વારા આગળ ચાર સૈનિકો ખડેપગે ચોકી કરી રહ્યાં હતાં. ઈશાન ઈચ્છત તો પોતાની ચમત્કારિક શક્તિની મદદથી ક્ષણમાં ત્યાંથી ગાયબ થઈ જાત પણ એને જાણવું હતું કે પોતાને અચાનક આમ કેદ કરવાનો મતલબ શું હતો?

એક પ્રહર સુધી અંધકારમાં રહ્યાં બાદ ઈશાનને પ્રથમ વખત રોશનીનાં દર્શન થયાં. એ જે જગ્યાએ કેદ હતો ત્યાંનો દરવાજો હળવેકથી ખુલ્યો અને એક માનવાકૃતિ અંદર દાખલ થઈ. એની પાછળ ફાનસ પકડીને બે સૈનિકો પણ ત્યાં આવ્યાં. ફાનસનાં પ્રકાશમાં ઈશાને જોયું કે એ માનવાકૃતિ અકીલાની હતી. સર સેનાપતિ અકીલાની. પોતાને કેદ કરવા જ આ ડફેરોને પકડવાનું દળ રત્નનગરીથી બહાર મોકલ્યું હતું એનો આછોપાતળો અંદાજો અકીલાને જોતાં જ ઈશાનને આવી ગયો.

"નિમલોકનાં રાજકુમાર રુદ્રના પરમમિત્ર, તારાં આતિથ્યમાં કોઈ ઉણપ તો નથી રહી ગઈને?" અકીલાએ જાણીજોઈને રુદ્રના નામનો પ્રયોગ કર્યો.

"કોણ રુદ્ર? હું કોઈ રુદ્રને ઓળખતો નથી. તમારે કોઈ ગેરસમજ થઈ ગઈ હોય એવું લાગે છે." રુદ્રની ઓળખ છતી થઈ ગઈ હોવાનું જાણી ગયાં પછી પણ પોતાની જાતને શક્ય એટલી સ્વસ્થ રાખવાની કોશિશ કરતા ઈશાને કહ્યું.

"મને ખબર છે કે તું જાણે છે કે રાજકુમારીનાં અંગરક્ષક તરીકે મહારાજે નિયુક્ત કરેલા તારા મિત્રનું નામ વીરા નથી પણ રુદ્ર છે. અને એ નિમલોકનો ભાવિ ઉત્તરાધિકારી છે." અકીલાએ કરડાકીભર્યા સુરમાં કીધું.

"સેનાપતિજી લાગે છે તમને કોઈએ ખોટી માહિતી આપી છે. મારાં મિત્રનું નામ વીરા જ છે. જ્યારે અમે તો નિમ લોકો વિશે ક્યારેય વધુ સાંભળ્યું પણ નથી ત્યારે તમે અમારી ઉપર નિમ હોવાનો આક્ષેપ લગાવો એ ઉચિત નથી સેનાપતિજી." ઈશાન પણ હવે થોડાં ઊંચા અવાજે બોલ્યો.

"તું અને તારો એ મિત્ર એવું વિચારો છો કે તમે અમને બધાંને મૂર્ખ બનાવી શકશો.." ઈશાનના માથાના વાળને ખેંચીને અકીલાએ એને થોડી પીડા આપવાની કોશિશ કરી અને કહ્યું.

"આ મહેલમાં થતી દરેક વાત મારાં ગુપ્તચરોનાં કાને પહોંચે છે. રુદ્ર, તું અને તમારાં અન્ય ત્રણ મિત્રો વચ્ચે થયેલી વાતચીત મારાં એક ગુપ્તચરે સાંભળી હતી. એને સ્પષ્ટ સાંભળ્યું હતું કે તમે પાતાળલોકથી આવેલાં છો અને અહીં આવવા પાછળ તમારું એક પ્રયોજન છે."

"તો પછી એ પ્રયોજન અંગે તમને અવશ્ય જાણ હશે!"

"હું એ જણાવવા નથી માંગતો કે અમે શું જાણીએ છીએ."

"જો તમને બધી જ ખબર હોય તો વીરાને કેદ કેમ નથી કરતાં?"

"એ મહારાજ અગ્નિરાજનો પ્રિય માણસ છે અને હમણાંથી તો મેઘનાનો પણ. ત્રણ-ચાર દિવસમાં મહારાજ અગ્નિરાજ રત્નનગરી આવી જશે એ સાથે જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે." ક્રોધ ઝરતાં અવાજે અકીલા બોલ્યો.

"એ તો ખૂબ સરસ કહેવાય!" સ્મિત સાથે ઈશાન બોલ્યો.

"જો એ પુરવાર થઈ જશે કે તારો મિત્ર નિમ રાજકુમાર છે તો એને એવી સજા મળશે કે મોત પણ ધ્રુજી જશે."

"બોલો હું તમારી શું સહાયતા કરી શકું?" ઈશાને પોતાને કેદ કરવાનું કારણ જાણવા હેતુ પૂછ્યું.

"તું જે હોય એ સત્ય જણાવી દે, હું તને વચન આપું છું કે હું તને જીવિત છોડી દઈશ."

"હું સત્ય જ કહું છું પણ તમે માનતા જ નથી.!" ઈશાન જાણીજોઈને અકીલાને ખીજવવા બોલ્યો.

ઈશાનનો આ વ્યવહાર જોઈ અકીલાને ખીજ ચડી અને એને ઈશાન પર સણસણતો તમાચો ઝીંકી દીધો. અકીલાના આમ કરતાં જ ઈશાનના હોઠનો જમણો ખૂણો ચિરાઈ ગયો અને એમાંથી લોહીની ટશર ફૂટી નીકળી. પોતાને થયેલી ઈજા છતાં પણ ઈશાન હસી રહ્યો હતો એ જોઈ અકીલાનું મગજ ક્રોધથી ભભૂકી ઉઠ્યું.

ગુસ્સામાં ને ગુસ્સામાં અકીલાએ ઈશાનને જનાવરની માફક મારવાનું શરૂ કરી દીધું. પોતાની ઉપર થયેલાં આવા શારીરિક અત્યાચાર છતાં એનાં મોંઢેથી એક ઉંહકારો પણ ના નીકળ્યો એ જોઈ અકીલા ઈશાનને વધુને વધુ પીડાઓ આપવા પ્રેરાયો. આખરે અડધી ઘડી સુધી શારીરિક યાતનાઓ ભોગવ્યાં પછી ઈશાન બેહોશ થઈને ઢળી પડ્યો.

ઈશાન જોડેથી સત્ય કબૂલ કરાવવામાં અસફળ ગયેલો અકીલા ક્રોધિત થઈને ત્યાંથી નીકળી ગયો. અકીલાના જતાં જ ઈશાન હતો એ સ્થાને પૂર્વવત અંધકાર છવાઈ ગયો.

*********

અગ્નિરાજે મનોમન વિચાર્યું કે પોતે મેઘનાને સવાલ કરે ત્યારે સાત્યકી ત્યાં હાજર હોવો જોઈએ એ પોતાનાં રાજા મહેન્દ્રસિંહ સાથેનાં સંબંધોને અકબંધ રાખવા આવશ્યક હતું. આથી રાજા અગ્નિરાજે પોતાની ઉપર આવેલાં સાત્યકીનાં સંદેશાનાં પ્રત્યુત્તરમાં સાત્યકીને વહેલી તકે રત્નનગરી આવી જવા જણાવ્યું. આ સંદેશામાં રુદ્ર નિમલોકોનો રાજકુમાર હોવાની શક્યતાઓ અંગે પણ જણાવવામાં આવ્યું.

રાજા અગ્નિરાજનો સંદેશો પ્રાપ્ત થતાં જ સાત્યકીએ ઈન્દ્રપુર તરફ જતાં પોતાનાં દળને પુનઃ રત્નનગરી તરફ જવા આદેશ આપ્યો. સાત્યકી એ વાતથી ખુશ હતો કે જ્યારે સચ્ચાઈ સામે આવશે ત્યારે એ રૂબરૂ ત્યાં હાજર હશે. અગ્નિરાજે વીરાના નિમ રાજકુમાર હોવાની જે શંકા સેવી હતી એ ઉપર સાત્યકીને શંકા નહીં પણ વિશ્વાસ હતો. એને માલુમ હતું કે પાતાળલોકનાં રાજકુમારનું નામ રુદ્ર જ છે. આ ઉપરાંત મેઘનાએ જે યુદ્ધ કુશળતાનું પ્રદર્શન કર્યું એ કોઈ પૃથ્વીવાસીએ આજસુધી ક્યારેય ઉપયોગ નહોતી કરી જે દર્શાવતું હતું કે મેઘનાને તાલીમ આપનારો વીરા પૃથ્વીલોકનો નિવાસી નથી.

રત્નનગરી તરફ પ્રયાણ કર્યાં પહેલાં સાત્યકીએ એક ભેદી સંદેશ તૈયાર કર્યો અને એ સંદેશો પોતાનાં ગગન નામક બાજની ગરદનમાં બાંધી દીધો. આ બાજ પોતાને ક્યાં જવાનું હતું એ જાણતું હતું કેમકે આ પક્ષી ઘણીવાર આવાં ભેદી સંદેશાઓ એ જગ્યાએ પહોંચાડી ચૂક્યું હતું. એ બાજ પવનની ગતિએ સીધું જ વિંધ્યાચલ પર્વતની નજીક આવેલાં જંગલ તરફ અગ્રેસર થયું. આટલી લાંબી યાત્રા પૂર્ણ કરતાં ગગનને માત્ર સાત-આઠ ઘડી જ લાગી હતી એ બાબત એની અવિરત ગતિએ ઉડાણની કાબેલિયત દર્શાવતી હતી.

ગગન નામનું બાજ જે સ્થળે પહોંચ્યું એ સ્થળનું નામ હતું વ્યાલદેશ. વ્યાલ એટલે સર્પ અને વ્યાલ દેશ એટલે સર્પોનો દેશ. આ જગ્યા સમગ્ર આર્યાવતનાં ઈચ્છાધારી સર્પોનું મુખ્ય સ્થાન હતી. આ પ્રદેશ પર ભોજરંગ નામક ઈચ્છાધારી સર્પનું આધિપત્ય હતું.

એકવાર જ્યારે ભોજરંગ નર્મદા કાંઠે ઉત્તમ માદાની શોધમાં ભ્રમણ કરતો હતો ત્યારે મયુરનાં ટોળા એ એની ઉપર હુમલો કરી દીધો. સંજોગો એવાં હતાં કે ભોજરંગને મનુષ્યરૂપ ધરવાનો અવસર ના મળ્યો અને એ મૃતપાય અવસ્થામાં પહોંચી ગયો. એ સમયે ત્યાં આવી પહોંચેલા સાત્યકીએ જ્યારે મણિધારી સર્પને મુશ્કેલ પરિસ્થિતિમાં જોયો તો એને તાત્કાલિક એ સર્પને બચાવવાની કોશિશ કરી. સાત્યકીની કોશિશ સફળ રહી અને એની તલવારથી ડરીને મયુરનું ટોળું વિખેરાઈ ગયું.

પોતાનો જીવ બચાવવા બદલ ભોજરંગે સાત્યકીનો આભાર માન્યો અને પોતાનાં લાયક કોઈ કાર્ય હોય તો બેજીજક જણાવવા કહ્યું. સાત્યકીએ એ સમયે તો એવું કહ્યું કે પોતાને અત્યારે કોઈ કામ નથી પણ સમય આવે ભવિષ્યમાં કોઈ કામ હશે તો અવશ્ય ભોજરંગનો સંપર્ક સાધશે. ભોજરંગે પણ પોતે જીવનાં જોખમે પણ સાત્યકીની સહાયતા કરશે એવું વચન આપ્યું.

ગગન નામક બાજનાં ગળામાંથી સંદેશો નીકાળી ભોજરંગે એ સંદેશો વાંચી લીધો. આ સંદેશો પોતાનાં મિત્ર સાત્યકીનો હતો એ જોતાં જ ભોજરંગ સમજી ગયો. ભોજરંગે આ સંદેશ વાંચવાનું પૂર્ણ કર્યો એ સાથે જ એનાં ભવાં સંકોચાયા. પોતે પોતાનો જીવ બચાવનારા સાત્યકીની મદદ અવશ્ય કરશે એવો દૃઢ નીર્ધાર કરતાં ભોજરંગ બોલ્યો.

"આવતીકાલે જ હું મારાં મિત્રનું કામ કરવા પાતાળલોક પ્રયાણ કરીશ.!"

*******

વધુ આવતાં ભાગમાં

સાત્યકીએ ભોજરંગને શું કાર્ય સોંપ્યું હતું? ઈશાન કેદમાંથી છટકવામાં સફળ રહેશે? રુદ્ર એ સંધિ મેળવી શકશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)