Rudra ni premkahaani - 2 - 28 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 28

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૮

બીજાં દિવસે સવારે જ વિશ્વાનાં કહ્યાં મુજબનો એક સંદેશો અકીલાએ અગ્નિરાજને મોકલાવી દીધો. જેમાં સાફ-સાફ લખ્યું હતું કે અકીલાને ગુપ્તચરો જોડેથી માહિતી મળી છે કે મેઘનાનાં અંગરક્ષક તરીકે નિયુકય વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી રહ્યો છે અને એ શક્યવત પાતાળલોકનો રાજકુમાર રુદ્ર છે. આ ઉપરાંત એ સંદેશામાં મેઘના અને રુદ્રની વધી રહેલી નિકટતાનો પણ ઉલ્લેખ હતો.

એકતરફ અકીલાએ અગ્નિરાજને આ સંદેશો મોકલાવ્યો તો બીજી તરફ સાત્યકીએ પણ રત્નનગરીથી નીકળતાં જ મેઘના અને રુદ્ર વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોવાની જાણ કરતો સંદેશો અગ્નિરાજને મોકલાવી દીધો. જેમાં ભવિષ્યમાં આ કારણથી રત્નનગરી અને ઈન્દ્રપુરનાં મૈત્રીપૂર્ણ સંબંધોનો અંત આવવાની પણ વાત કરી હતી.

અગ્નિરાજને રત્નનગરીથી નીકળે આમ તો એક મહિના ઉપર વીતી ચુક્યો હતો અને તેઓ પોતાનાં દળ સાથે માનસરોવર પહોંચી જવા જોઈતા હતાં. આવું બન્યું હોત તો સંદેશો મળ્યાં પછી પણ અગ્નિરાજને રત્નનગરી પહોંચતાં વીસેક દિવસ તો લઘુત્તમ લાગી જાય એમ હતું. પણ નસીબની બલિહારી હતી કે ગંગા નદીમાં આવેલાં ભીષણ પૂરનાં લીધે એમનું દળ મગધથી આગળ વધી જ નહોતું શક્યું.

મગધ રાજ્યની સરહદે વીસ દિવસ રાહ જોયાં પછી અગ્નિરાજની ધીરજ ખૂટી અને એમને રત્નનગરી પાછા આવવાનો નિર્ણય કર્યો. એ રત્નનગરીથી ચાર દિવસનાં અંતરે હતાં ત્યાં એમની જોડે ખાસ તાલીમ આપેલ એક કબૂતર દ્વારા લાવવામાં આવેલાં સંદેશને લઈને એક સૈનિલ આવ્યો. આ કબૂતર ખાસ તાલીમ પામેલાં હતાં, જે રાજધ્વજ જોઈને પોતાનું સંદેશો પહોંચાડવાનું સ્થળ નક્કી કરી લેવામાં સક્ષમ હતાં.

આ સંદેશો સાત્યકી દ્વારા મોકલવામાં આવ્યો હતો. મેઘના અને વીરા વચ્ચે વધી રહેલી નિકટતા અંગે આ સંદેશામાં લખ્યું હતું. અગ્નિરાજ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતાં હતાં એટલે એમને આ સંદેશો વાંચીને નક્કી કર્યું કે એ રત્નનગરી જઈને મેઘનાને આ વિષયમાં પૂછશે, જો એ આ વાતનો સ્વીકાર કરશે તો પોતે ખુશીખુશી એની સગાઈ સાત્યકી જોડે તોડીને વીરા જોડે કરી દેશે. સાત્યકીનો આ સંદેશ ઉલટાનો એનાં માટે આત્મઘાતી જ સાબિત થવાનો હતો જો અકીલાનો સંદેશો લઈને બીજું કબૂતર ત્યાં આવી ના પહોંચ્યું હતું.

અકીલાએ મોકલાવેલાં સંદેશને વાંચી અગ્નિરાજનાં ભવાં સંકોચાયા. પહેલાં તો એમને આ સંદેશાની સતાત્યા વિશે જ સંદેહ થયો કેમકે એમનાં મનમાં વીર બનેલાં રુદ્રની ખૂબ ઉચ્ચ પ્રકારની છાપ કાયમ હતી. આમ છતાં કોઈ વેપારી આટલું અદમ્ય સાહસ અને બુદ્ધિચાતુર્ય ધરાવતો હોય એ વાત અંગે મંથન કરતાં અગ્નિરાજને અકીલાના સંદેશામાં કંઈક તો વજન લાગ્યું.

નિમ રાજકુમાર જો પોતાની પુત્રીને મોહજાળમાં ફસાવીને એની સાથે કંઈક ના કર્યાંનું કરી મૂકશે તો? આ પ્રશ્ન થતાં જ અગ્નિરાજનો ક્રોધ સાતમા આસમાને પહોંચી ગયો. આખરે સત્ય શું છે? એ સવાલનો જવાબ મેળવવા રત્નનગરી પહોંચવું જરૂરી હતું. અગ્નિરાજે પોતાનાં ત્રણેક દિવસમાં થનારાં આગમનનો સંદેશો અકીલાને મોકલાવી પોતાનાં દળની આગેવાની કરી રહેલાં અકીલાના ભાઈ આરાનને વધુ ત્વરાથી રત્નનગરી તરફ આગળ વધવા હુકમ કર્યો.

*********

પોતાનો સંદેશો લઈને ગયેલું કબૂતર સાંજે જ્યારે પાછું રત્નનગરી અગ્નિરાજનો સંદેશો લઈને આવ્યું છે એવું અકીલાને જ્યારે અગ્નિરાજનો સંદેશો લઈને આવેલાં સૈનિકે જણાવ્યું ત્યારે અકીલા અચરજમાં મુકાઈ ગયો. એને તુરંત એ સંદેશો ખોલીને એ વાતની ખરાઈ કરી કે એ સંદેશો અગ્નિરાજ દ્વારા જ મોકલવામાં આવ્યો હતો.

સંદેશા પરનું લખાણ અને રત્નનગરીની રાજમુદ્રા જોઈને અકીલા સમજી ગયો કે એ મહારાજ અગ્નિરાજનો જ સંદેશો હતો. પોતાની માનસરોવર યાત્રાને અમુક કારણોસર ટૂંકાવી અગ્નિરાજ ત્રણ દિવસ બાદ રત્નનગરી આવી રહ્યાં છે એવું જ્યારે અકીલાએ વાંચ્યું તો એને પારાવાર આશ્ચર્ય થયું.

જો અગ્નિરાજ ત્રણ દિવસમાં આવવાનાં હતાં તો એ પહેલાં રુદ્રના બે મિત્રોમાંથી એકને બંદી બનાવવો જરૂરી હતો. આ માટે આવતીકાલે જ સૈનિકોની એકાદ ટુકડીને ખોટાખોટા આયોજનનું બહાનું બનાવીને અન્ય સ્થળે મોકલવાની વ્યવસ્થા કરવાની હતી. આવતીકાલે પોતે આગળનું કામ કઈ રીતે કરશે એની મનોમન યોજના બનાવતો અકીલા પોતાનાં કક્ષમાં જઈને શાંતિથી સુઈ ગયો.

બીજાં દિવસની સવાર થતાં જ પોતાની આગળની યોજનાને યોગ્ય અંજામ સુધી પહોંચાડવા અકીલાએ પચાસ સૈનિકોનું એક દળ બનાવ્યું અને એ દળને રત્નનગરીની સરહદે આવેલાં ગામોમાં આવતાં ડફેરોનો ખાતમો કરવા જવાનું છે એવી અફવા ફેલાવી. આ સૈનિકોનાં આગેવાન તરીકે અકીલાએ વિશ્વાને મોકલવાનું નક્કી કર્યું. સાથે આટલાં બધાં સૈનિકોની સહાયતા માટે એ લોકોની સાથે બે રસોઈયા અને બે સહાયકો જશે એવી અકીલાએ જાહેરાત કરી.

સૈનિકો જોડે જનારાં બે રસોઈયામાં એક ઈશાન હતો. ઈશાન રુદ્રનો મિત્ર હતો અને એને બંદી રુદ્રની જાણ બહાર બનાવી લેવાની અકીલાની ભાવિ યોજના હતી. આખરે નક્કી સમયે વિશ્વાની આગેવાનીમાં આ દળ રત્નનગરીથી સરહદનાં ગામો તરફ જવા નીકળી પડ્યું.

હજુ તો એ લોકો માંડ રત્નનગરીથી ત્રણ ગાઉ દૂર ગયાં હતાં ત્યાં તો વિશ્વાએ ખૂબ જ ચાલાકીથી ઈશાનને બંદી બનાવી લીધો. પોતાને બંદી બનાવવાનું કારણ ઈશાને પૂછ્યું તો એને આ વિષયમાં કોઈપણ જાતની જાણકારી આપવામાં ના આવી. ઈશાન જોડે અદ્રશ્ય થવાની જન્મજાત શક્તિ હતી છતાં એ જાણીજોઈને એ લોકોની પકડમાંથી આઝાદ ના થયો, કેમકે પોતાને બંદી બનાવવા પાછળનું કારણ એને જાણવું હતું.

********

રત્નનગરીથી દુર અને રત્નનગરીની અંદર બધે જ પોતાની માટે જાળ પાથરવામાં આવી રહી હતી એ વાતથી બેખબર રુદ્ર મહેલમાં આરામથી મેઘનાની સાથે વાતો કરતાં-કરતાં પોતાનો સમય પસાર કરી રહ્યો હતો.

"મેઘના, તું એટલી બધી સુંદર છે કે સુંદરતા શબ્દની રચના તને જોયાં પછી જ થઈ હશે." મેઘનાનાં ચહેરા પર આવેલી લટને એનાં કાન પાછળ રાખતાં રુદ્ર બોલ્યો.

"હવે વધારે પડતાં મસકા ના મારીશ. તું મસકા નહીં મારે તો હું તને મૂકીને બીજે નહીં ચાલી જાઉં." હસીને મેઘના બોલી.

મેઘના જેવી જ હસી એ સાથે એનાં ગાલ પર ખંજન ઊભરી આવ્યાં. આ ખંજનને જોતાં જ રુદ્રનું હૈયું ધબકાર ચૂકી ગયું. ગાલમાં પડતાં આ ખંજન મેઘનાની ખૂબસૂરતીમાં એક નવો જ ઓપ આપી રહ્યાં હતાં.

"મેઘના, તું સવારે જ્યારે દર્પણ સામે ઊભી રહે છે ત્યારે દર્પણ તારી સુંદરતાની ચમક આગળ પીગળી નથી જતું?" રુદ્ર આજે કોઈ અલગ જ મૂડમાં નજર આવી રહ્યો હતો.

"લાગે છે આજે કંઈક માદક દ્રવ્ય પીને આવ્યો છે?"

"જેની પ્રેમિકાની આંખો આટલી કેફી હોય એ ભલા કોઈ નશો કરતો હશે.?" સ્મિત સાથે રુદ્ર બોલ્યો. પણ રુદ્રની આ વાત સાંભળી મેઘનાના ચહેરા પર હાસ્યની જગ્યાએ ઉચાટનાં ભાવ દેખાઈ આવ્યાં.

"એ શું થયું? કેમ આમ ચૂપ થઈ ગઈ.?" મેઘનાનાં બદલાયેલાં હાવભાવ જોઈને રુદ્રએ મેઘનાને ઉદ્દેશતાં કહ્યું.

"મને ખબર છે કે એ સંધિ સુધી પહોંચવાના રસ્તો ક્યાંથી મળશે!"

"શું કહ્યું? તને ખબર છે કે એ સંધિ ક્યાં છે?"

"સંધિની તો ખબર નથી. પણ સંધિ ક્યાં હોવી જોઈએ એ સાથે જોડાયેલી માહિતી ક્યાં હશે એની શક્યવત જાણ થઈ ગઈ છે."

"ચાલ મારી સાથે મહારાજ અને મહારાણીનાં કક્ષમાં." રુદ્રની તરફ ઉદ્દેશીને મેઘના બોલી.

આખરે મેઘના શું કહી રહી હતી એની કંઈપણ ગતાગમ ના પડવા છતાં રુદ્ર એની પાછળ-પાછળ અગ્નિરાજના કક્ષ તરફ અગ્રેસર થયો. મેઘનાએ કોઈ જાતની રોકટોક વગર અગ્નિરાજનાં કક્ષમાં પ્રવેશ લીધો અને કક્ષમાં લાગેલાં ભવ્ય અરીસા સામે જઈને ઊભી રહી ગઈ.

"રુદ્ર, પિતાજી ઘણીવાર કહેતાં કે દર્પણની સામે ઊભાં રહીએ તો તન જ દેખાય મન નહીં. આ દર્પણને પિતાજી હંમેશા આપણો એવો મિત્ર કહેતાં જે કહ્યાં વગર જ આપણાં એ ભેદ છૂપાવતો જેને આખી દુનિયા શોધવાની કોશિશ કરી રહી હોય."

"તાત્પર્ય.!"

"રુદ્ર, દાદાજી પણ જ્યારે આ કક્ષ એમનો હતો ત્યારે આ દર્પણ સમક્ષ ઊભાં રહી આ શબ્દપ્રયોગ કરતાં અને પિતાજી પણ આ શબ્દપ્રયોગ ત્યારે જ કરતાં જ્યારે આ કક્ષમાં મોજુદ દર્પણ સામે ઊભાં હોય."

મેઘના શું કહી રહી હતી એ રુદ્ર સમજી ચૂક્યો હતો. રુદ્રએ પહેલાં તો અગ્નિરાજના કક્ષનો દરવાજો અંદરથી બંધ કર્યો અને પછી કક્ષમાં લાગેલાં દર્પણને એનાં સ્થાન પરથી ખસેડવાની કોશિશ કરી. આમ કરતાં જ દર્પણની પાછળ છૂપાયેલું એક ચર્મપત્ર નીચે પડ્યું. રુદ્રએ એ ચર્મપત્ર પોતાનાં હાથમાં લીધું અને એમાં શું હતું એ રુદ્ર અને મેઘનાએ ધ્યાનથી જોયું.

"નિમલોકો જોડે થયેલી સંધિ ક્યાં રાખવામાં આવી છે એ દર્શાવતો નકશો.!" રુદ્ર અને મેઘના આનંદિત સ્વરે આટલું કહી એકબીજાને ભેટી પડ્યાં.

આખરે ખરાં સમયે રુદ્રના હાથમાં એ વસ્તુ સુધી પહોંચવાની કૂંચી લાગી ચૂકી હતી જેનાં માટે એ પૃથ્વીલોક પર આવ્યો હતો. પણ જે સંજોગોનું નિર્માણ થયું છે એને ધ્યાને લઈએ તો હજુ એની મંજીલ ઘણી દૂર હતી એની રુદ્રને ખબર નહોતી.

*******

વધુ આવતાં ભાગમાં

નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? રુદ્ર એ સંધિ મેળવી શકશે? રુદ્ર અને મેઘનાની પ્રેમકહાનીનો શું અંજામ આવશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED