નારી તુ ના હારી Het Bhatt Mahek દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નારી તુ ના હારી

એક સુંદર રળિયામણું રામપર ગામ હતું. તેમાં એક સોમાભાઇ પટેલ પરિવાર રહે. આ પરિવાર દરેક પ્રકારે સુખી સંપન્ન પણ ભગવાને ખાટલે મોટી ખોટ આપી હતી.
સોમાભાઈ અને તેની પત્ની સુશીલા પથ્થર એટલા દેવની પૂજા કરે, બાધા આખડીઓ કરે પણ ખોળાનો ખૂંદનારની ખોટ. સોમાભાઈની પત્ની ખુબ સંસ્કારી, વિવેકી અને ઘર ડાઇ હતી. પારકી પંચાતમાં જરાય રસના લેતી. કામકાજ પતાવી નવરી પડે એટલે બાકીનો દિવસ પ્રભુ ભજન કરે. ઈશ્વર પર ખુબ જ આસ્થા રાખતી કે રાણી રાંદલમાં એક દિવસ મારી આશ જરૂર પુરી કરશે અને મારાં ઘર પારણું બંધાશે.
એક દિવસ સુશીલા બાજુમાં રાંદલમાંના દર્શન કરવા ગઈ. મા નો પ્રસાદ ખાયને ઘરે આવી. પોતાના પતિ સાથે રહેલી પવિત્ર મનની સુશીલા ગર્ભવતી થઈ. પરિવારમાં ખુશી અને આનંદ છવાઈ ગયો. સુશીલાનું વધારે ધ્યાન રાખવામાં આવતું. જમીન પર પગ મુકવા ના દેતા. સોમાભાઇ ખુબ સુશીલાની કાળજી રાખતા. આજુબાજુ વાળા પણ સુશીલાની સંભાળ રાખતા.
નવ મહિના પૂર્ણ થયાં છતાં સુશીલા ને કઈ દુખાવો શરૂ નો થયો. આથી બધા ચિંતા કરવા લાગ્યા. સોમાભાઈ ખુબ સુખી હોવાથી રૂપિયા સામે જોતા ન હતાં. તેથી તે સુશીલાને શહેરની મોટી હોસ્પિટલમાં એડમિટ કરી. ડોકટરી તપાસ બાદ રિપોર્ટ કરાવ્યા. ડોકટરે સોમાભાઈને કીધું કે બાળક ઊંધુ છે આથી તમારી પત્નીનું ઑપરેશન કરવું પડશે. સોમાભાઈએ મંજૂરી આપી દીધી અને સુશીલાનું ઑપરેશન કરવામાં આવ્યું. સુશીલાએ દીકરીને જન્મ આપ્યો. બંન્ને પતિ પત્ની ખુબ ખુશ થયાં કારણકે લક્ષ્મીજી પધાર્યા હતાં.
વાજતે ગાજતે બેન્ટવાજા સાથે ફટાકડાની આતશબાજી કરી અને પોતાના બંગલામાં લક્ષ્મીજીના પગલા કરી આખા ગામને જમાડી લાણી આપી રાજીખુશીથી વિદાય કર્યા.
સુશીલાએ લક્ષ્મીજીની છઠીના દિવસે નામકરણ સંસ્કારની વધી કરીને દીકરીનું નામ રન્ના રાખ્યું. પા પા પગલીઓ ભરતી, ગોઠણિયાભર ચાલતી, પગમાં જાંજરનો છમછમ અવાજ કરતી રન્ના દિવસે દિવસે મોટી થતી ગઈ અને એક દિવસ સ્કૂલે બેસાડવાનો સમય આવી ગયો. સોમાભાઈ સુશીલા ને કહે છે કે આપડી રન્નાને મારે ડોક્ટર બનાવી છે. ગામડાના ભણતર કરતા શહેરમાં ભણતર સારું હોય છે તો આપડે શહેર રહેવા માટે જતાં રહીએ તો?.... ખુબ વિચારીને બંન્ને પતિ પત્નીએ શહેર જવાનુ નક્કી કર્યું.
કરોડોની જમીન વહેંચીને દિકરીમાટે મોટા શહેરમાં જાય છે. ત્યાં ઈંગ્લીશ મિડિયમમાં રન્નાનું એડમિશન કરાવ્યું. પરી જેવી લગતી રન્ના સ્કૂલે જવા લાગી અને ધીમે ધીમે ભણતર આગળ વધતું ગયું.આમને આમે ધોરણ-10 માં 99% સાથે પ્રથમ આવી. સુશીલાની જેમજ રન્ના ખુબ ડાહી, હોશિયાર, સંસ્કારી દિકરી.ક્યારેય કોઈ સાથે ઉંચા અવાજે નહિં બોલવાનું, કોઈની સામે ઉંચી નજર કરીને નહિં જોવાનું. રન્નાનું 11સાયન્સમાં બીજી ઉંચી ગણાતી સ્કૂલમાં એડમિશન કારવ્યું. દિવસો પુરા થતા ગાય ને ધોરણ -12 સાયન્સની પરીક્ષા આપે છે. પરીક્ષા દરમિયાન એક છોકરો સતત રન્ના સામે જોવે છે. છોકરાનું નામ દેવ છે. આથી તેની બહેનપણીઓ રન્નાની મજાક કરે છે. રન્નાએ દેવ સામે જોતી પણ નથી.
રન્નાને અભ્યાસની સાથે અન્ય પ્રવૃતિઓમાં વધારે રસ એટલે વેકેશનમાં તે ડાન્સીંગ, કુકીંગ અને યોગના ક્લાસીસ જોઈન્ટ કરે છે. મિત્રવર્તુળમાંથી દેવને ખબર પડે છે એટલે તે રોજ રન્નાની પાછળ જાય છે પણ રન્ના સામે જોતી પણ નથી. એક દિવસ રન્નાની મિત્ર અર્ચનાએ કહ્યું, રન્ના દેવ તને પસંદ કરે છે તારી સાથે દોસ્તી કરવા માંગે છે તો શા માટે એને તું ઈંગનોર કરે છે. એની સાથે એકવાર વાતતો કર. એક ચિઠ્ઠીમાં દેવનો નંબર અર્ચનાએ લખીને રન્નાને આપે છે. રન્ના ચિઠ્ઠી પર્સમાં મુકીને ઘરે જતી રહે છે.
એક દિવસ રન્નાને વિચાર આવ્યો કે દેવની સાથે વાત કરું. આથી દેવને ફોન લગાડ્યો. હાય.. હેલો.. કેમ છો.. બસ એટલી વારમાં રન્નાએ ફોન કાપી નાખ્યો. યુવાન હૈયું ઝાલ્યું કેમ રહે. આમ બંન્ને વચ્ચે દોસ્તી બંધાણી અને રોજ વાતોનો દોર શરૂ થઈ ગયો. થોડાં દિવસો પછી સાથે ચા - કોફી, બહાર ફરવાનું શરૂ થયું. દોસ્તી ગાઢ પ્રેમમાં પરિણમી. પણ રન્નાએ પોતાના સંસ્કારોને જાળવી રાખ્યા.
રન્નાનું ધોરણ -12 નું પરિણામ આવી ગયું. સ્કૂલમાં પ્રથમ નંબરે પાસ થઈ અને આગળ અભ્યાસ અર્થે વિદેશમાં ગઈ. પણ દેવ સાથેનો પ્રેમતે સાથે લઈને ગઈ. દેવ સાથે રોજ વાતો કરે, સારી વસ્તુઓ મોકલે. આમને આમ 5 વર્ષ પુરા કરી શહેર પાછી ફરી. દેવ સાથે મળી અને દેવે રન્ના સાથે લગ્નની વાત મૂકી. રન્નાએ મોકો જોઈને મમ્મી પપ્પાને દેવ વિશેની વાત કરી. સોમાભાઈએ કહ્યું, આપણે એના ઘરે જઈ વાતચીત કરીશું. થોડાં દિવસ પછી દેવના ઘરે જોવા જવાનું આયોજન કર્યું. તે પહેલા સોમાભાઈએ દેવ વિશેની તમામ પુછપરછ કરાવી લીધી હતી. દેવના ધરે જતાં સોમાભાઈ અને સુશીલાબેન ના પગ ભારે થઈ ગયા. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તેલી. કઈ બોલ્યા વગર રન્ના સાથે ઘરે આવ્યા. માબાપે રન્નાને ખુબ સમજાવી, બેટા તું આટલી બધી ભણેલ છો. તને ડૉક્ટર બનાવવાનું મારું સપનું છે. તું અહીં ખુબ સુખ સાઇબી અને અઢળક સંપત્તિમાં રહેલી છો. બેટા તારા લાયક સારો છોકરો ગોતીશું અને ધામેઘુમે તારા લગ્ન કરીશું. ખુબ મનાવા છતાં રન્ના માનતી જ નથી. પપ્પા દેવ સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન નહિં કરું.
દીકરીની જીદ પાસે લાચાર બની ગયેલા સોમાભાઈએ રન્નાનું ખુશીમાં પોતાની ખુશી માની લીધી અને માંગુ લઇ સગાઇનું મુર્હત જોવડાવી રન્ના અને દેવની સગાઇ કરી. દેવની નીતિ અને વિચારો રન્ના જાણતી ન હતી. ફક્ત દેવનો બાહ્યગત મીઠો પ્રેમ જોતી હતી. દેવના સુંદર ચેહેરાના વધારે પસંદ કર્યો હતો.
સોમાભાઈએ દેવના માતાપિતા પાસે બોલી રાખી હતી કે રન્નાનું ભણતર સંપૂણ પૂરું નઈ થાય ત્યાં સુધી લગ્ન નહિં કરીએ. ત્યારે સામે પક્ષ વાળા વાત સાથે સહમતી આપી હતી, પરંતુ 2-3 મહિના પછી દેવના માતાપિતા સોમાભાઈને ફોર્સ પાડવા લાગ્યા.
અને લગ્નની ઉતાવર કરવા લાગ્યા.
રન્નાના પિતાજીએ કહ્યું કે મારી રન્નાને ડૉક્ટર બનાવવાની છે એનું ભણતર અધૂરું રહી જાય છે, આપ મહેરબાની કરી લગ્નની ઉતાવર ના કરો. પરંતુ દેવના માતાપિતા એકના બે ના થયાં અને વારંવાર લગ્નનો પ્રસ્તાવ લઈને રન્નાના ઘરે જાય. સોમાભાઈ રન્નાને ફરી સમજાવે છે કે બેટા..! તું સગાઇ તોડી નાખ. તારું ભવિષ્ય બગડે છે. અમારા બન્નેનું સપનું તને ડૉક્ટર બનાવવાનું છે. બેટા આ સપનું પૂરું કર. પણ રન્ના પોતાના પિતાજીને સમજાવે છે કે, લગ્ન પછી મારું ભણવાનું શરૂ રાખીશ. દેવે મને કહ્યું છે કે તારા તમામ સપના હું પુરા કરીશ. બાપુ દેવ પર ભરોસોતો રાખો. ફરી પાછા સોમાભાઈ દિકરી સામે લાચાર બની ગયા.
દેવ તેના માતાપિતાનો એક જ દિકરો હતો. એમના માત-પિતા અત્યંત લોભી હતાં. દેવના પિતા અન્ય લોકો ને બુચ મારવાનું કરતા હતાં, આથી મોરના ઈંડા ચીતરવા ના પડે. પિતાના દરેક ગુણો દેવમાં પ્રવેશ્યા હતાં. દેવ રન્નાને નહિં પરંતુ તેની સંપત્તિને પ્રેમ કરતો હતો. દેવ ગરીબ પરિવારનો હોવાથી ખુબ ખર્ચા પુરા કરવા માટે રન્ના સાથે પ્રેમનું નાટક કર્યું હતું. રન્ના જેવી કેટલી છોકરીઓને તેને ફેરવી લીધી હતી. પરંતુ રન્ના દેવનો સાચો ચહેરો પારખી શકતી નો'તી. રન્નાના ઘરે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી પણ સોમાભાઈ અને તેની પત્ની સુશીલાનું દિલ ઉદાસ હતું. જાણી જોઈને દીકરીને કુવામાં નાખવા જેવી વાત હતી.
સુદ પખવાડિયામાં સારો દિવસ જોઈ રન્ના અને દેવના ધામેધૂમે લગ્ન કરવામાં આવ્યાં. સોમાભાઈએ રન્નાના લગ્નમાં કોઈ જ ખોટ રાખી ન હતી. રન્નાની સાથે ગાડીઓ ભરાઈને કરિયાવર આપ્યો. રન્નાએ સાસરીમાં પગ મુક્યો અને જે લગ્ન પછીની વિધિઓ હતી તે પુરી કરી. રન્ના અને દેવે માબાપના આશીર્વાદ લીધા. થોડા સમયમાં જ દેવનું સાચું રૂપ જોવા મળ્યુ. ખુબ નશામાં તરબોળ દેવ બેડરૂમમાં આવે છે. તેને જોતા જ રન્નાની આંખો ચાર થઈ જાય છે.
રન્ના ખુબ સંસ્કારી દિકરી હોવાથી કોઈપણ જાતની વાતચીત કર્યા વગર શાંતિથી સૂઈ ગઈ. બીજે દિવસે રન્ના વહેલી જાગીને પૂજા પાઠ કરી ભગવાનની પ્રસાદી પરિવારને આપે છે પણ તેના સાસુ મોઢું ચડાવીને જોરજોરથી રન્નાને ખિજાઈ છે. અને મેણાં મારે છે. દેવે તારા શરીરના રૂપ સામુ જોઈને લગ્ન નથી કર્યા પણ તારા બાપની સંપત્તિ સાથે લગ્ન કર્યા છે. તારા બાપે શુ આપ્યું તને?. રન્ના હાથ જોડીને કહે છે મમ્મીજી મારા બાપુએ ઘણું આપ્યું છે. તમારે જો વધારે સંપત્તિ જોતી હસે તો એ પણ આપીશ, પરંતુ મારા બાપુ વિશે કંઈ ના બોલતા.
દેવે રન્નાનો હાથ પકડીને ગાલ પર એક લાફો મારે છે અને કહે છે મારી મા સામે ઉંચા અવાજે વાત નહીં કરવાની. મારા માબાપ જે કહે એમ જ કરવાનું છે. રન્ના દેવ કરતા ઉંધી ખોપડીની હતી. લોઢા સામે લોઢું ના થતા એકદમ શાંત ચિતે કહે છે કે હું સામુ નથી બોલતી. પણ કહું છું કે મારા બાપુએ ઘણું આપ્યું છે વધારે જોતું હોય તો કહેજો..
રન્ના દેવને જીવ કરતા વધારે પ્રેમ કરતી હોવાથી એના અવગુણ દેખાતા ન હતાં. પણ તેને સુધારવા માટેના પ્રયત્ન શરૂ કર્યા. દેવ અને તેના માતાપિતા રન્નાને હેરાન પરેશાન કરે, અને જમવા મા વધ્યું ઘટ્યું આપે, એને શારીરિક, માનસિક દરેક રીતે હેરાન કરે પણ રન્ના બધું હસતા હસતા સહન કરતી એક જ આશા સાથે કે આ પરિવારને સુધારવો છે. એના માટે તે દેવનો સ્વાભાવ શાંત હોય ત્યારે સમજાવતી કે, દેવ હું આટલુ ભણેલી છું તો નોકરી કરું. આપણી બધી ઈચ્છા પુરી કરી શકાય. દેવ મૂડમાં હોય તો વ્યવસ્થિત જવાબ આપે બાકી વડકુભરીને અપમાન જાહેરમાં કરી નાખે.
રન્ના હિંમત હારતી નથી અને હોસ્પિટલમાં નોકરી કરે છે. દેવ જે માંગે તે રન્ના લઈને આપતી. ધીમે ધીમે કરીને રન્નાએ મહા મહેનતે દેવને સુધારી નાખ્યો. પણ તેના સાસુ-સસરાને સુધારવા માટે વધારે જહમત કરવી પડે એમ હતી. આ માટે તેને દેવનો સહારો લેવાનું નક્કી કર્યું. પણ દેવમાટે તેના માબાપ ભગવાન કરતા વધારે હતાં. રન્નાએ દેવને સુધાર્યો પણ માબાપ જે કહે એમ જ દેવ કરે.
રન્નાએ દેવને કીધું કે મમ્મી પપ્પાને જાત્રા કરવા મોકલીએ જેથી કરીને એને બહારનું નવું વાતાવરણ મળે. આના માટેનો તમામ ખર્ચ રન્ના ભોગવે છે અને સાસુ સસરાને જાત્રા કરાવે છે. દિકરી કરતા વધારે સાર સંભાળ રાખે છે. આમ આખા પરિવારને પોતાની બુદ્ધિ પ્રમાણે પોતાનો બનાવવા નવતર પ્રયોગ કરે છે.
રખડતો રઝળતો નશામાં તરબોર દેવ એક સીધો છોકરો બની ગયો. પોતાની કાબિલિયત મુજબની નોકરી કરવા લાગ્યો. રન્નાને પત્ની તરીકે સ્વીકારીને એનું ધ્યાન રાખવા લાગ્યો. દેવના માતા પિતાએ પણ રન્ના તરફ વાણી વર્તનમાં સકારાત્મક વલણ રાખવા લાગ્યા. હવે રન્ના વહુ નથી પણ દિકરી છે એમ માનીએ એને ખુબ સારી રીતે સાચવવા લાગ્યા. દેવ અને તેના માતાપિતા રન્નાને ખુબ પ્રેમ કરવા લાગ્યા..
દેવ અને તેના પરિવારને રન્નાના માતાપિતાના સંસ્કારોના કારણે પરિવર્તન લાવી શકાયું. ખુબ લાડકોડ અને અઢળક સંપત્તિમાં ઉછળેલી દીકરીના સંસ્કારો અને કોઠા સુઝને કારણે એક આવારા, લોભી, હલકા વિચારો ધરાવતા લોકોને સુધારવાનું બીડું રન્નાએ હાથમા લીધું. રન્નાએ સાબિત કરીને બતાવ્યું કે નારી ધારે એ કરી શકે છે.
હકીકત એ હતી કે રન્નાએ જયારે દેવને પસંદ કર્યો અને તેને પ્રેમ થઈ ગયા પછી તેના મિત્રો દ્વારા દેવ અને તેના પરિવારની તમામ વાસ્તવિકતાની જાણકારી મળી ગઈ હતી. રન્નાએ એની માતા સુશીલાબેનને બધી વાત જણાવી દીધી હતી. સુશીલાબેનને પોતાની રન્ના પર જાત કરતા વધારે ભરોશો હતો, કે મારી રન્ના પોતાની સૂઝબૂજથી દેવના પરિવારને સુધારી ને પારકા માણસને પોતાના બનાવી દેશે. જયારે સોમાભાઈ દેવ સાથે રન્નાના લગ્નની ના પડતા હતાં ત્યારે સુશીલાબેનને સોમાભાઈને સમજાવીને દીકરીની ખુશીમાટે આ પગલું ભરીને આવારા છોકરા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નના દિવસે રન્નાએ માતાપિતાને વચન આપ્યું હતું કે આપે મારું કન્યાદાન કરી બીજાને સોંપી દીધી છે એટલે હવે આજથી દેવના માતાપિતા મારા માતાપિતા છે અને સાસરીમાં ગમે એવુ સુખદુઃખ કે હેરાન પરેશાન થાવ એની સંપૂર્ણ જવાબદારી હવે મારી છે. બાપુ જાત કરતા વધારે ભરોસો તમારી દિકરી રન્નાપર રાખજો તમારા આપેલા સંસ્કારોથી આજ નવા ઘરને રોશની આપીશ. આમેય કહેવત છે ને કે દિકરી બે કુળ તારે.
રન્નાએ ખુબ આત્મવિશ્વાસ સાથે ગૃહ પ્રવેશ કર્યો હતો. સ્ત્રી પાસે ખુબ તાકાત હોય છે. તે ધારે તો નર્કને સ્વર્ગ બનાવી શકે અને સ્વર્ગને નર્ક. સ્ત્રી શક્તિ અવર્ણીય અને અલૌકિક છે.
✍️હેત