ક્લિનચીટ - 11 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

ક્લિનચીટ - 11

પ્રકરણ – અગિયાર

શેખર એ ટૂંકમાં પોતાના પરિવાર, સગા સંબધી, મિત્રો, વ્યવસાય અને પોતાના મોજ શોખ અને મનગમતી પ્રવૃત્તિ વિશે ટૂંકમાં માહિતી આપ્યા પછી અદિતી એ પૂછ્યું,

‘હવે તારી લાઈફમાં આલોકની ક્યારે, ક્યાં અને કેવી રીતે એન્ટ્રી થઇ એ કહીશ ?’

શેખર એ આલોક સાથેની પ્રથમ મુલાકાતથી વાતનો પ્રારંભ કર્યો.
આલોકના વાણી, વર્તન સ્વભાવ, પારદર્શક વ્યક્તિત્વ, કામ પ્રત્યેની નિષ્ઠા,
સમય પાલનનું પરફેક્શન, કાબેલિયત આ તમામ પાસાઓનું શેખર એ વિસ્તારથી અદિતી સામે વર્ણન કર્યું.
ત્યારબાદ શેખર બોલ્યો,

‘અદિતી, આલોકમાં કોઈ માઈનસ પોઈન્ટ નહતો. આલોકનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ હતો, નરી આંખે ઉડીને દેખાઈ આવતી તેની નિર્દોષ નરી નિખાલસતા. મારી ૨૭ વર્ષની લાઈફમાં આલોક સાથે મારું જે એક અનન્ય મિત્રતાનું જે સમીકરણ રચાયું તે બન્નેના ફેમીલી અને મારાં બાકીના મિત્રવર્તુળ માટે આજ પણ એક આશ્ચર્યનો વિષય છે. અમારાં બન્ને વચ્ચેના વાણી, વર્તન જોઇને કોઈ અજાણી વ્યક્તિ અમને બન્નેને સગા ભાઈ જ સમજી બેસે. અને એવા કિસ્સા પણ અનેકવાર બન્યા છે. અને આ બન્યું છે એ પણ ખુબ જ ટૂંકા સમયગાળામાં.’

એકીટશે સપૂર્ણ ધ્યાનથી અદિતી શેખરનો એક એક શબ્દ સાંભળીતી રહી.

ત્યાં વચ્ચે આલોક એ અદિતીને પૂછ્યું,
‘તમે બન્ને કોની વાતો કરો છો. મારી જોડે કેમ કોઈ વાત નથી કરતુ ?’

અદિતી એ કહ્યું, ‘એ તો એમના કોઈ ફ્રેન્ડની વાત કરે છે. ચાલ હવે તારો વારો બસ, તું બોલ.’
‘ના હવે મારે તમારી જોડે વાત નથી કરવી. મારે સુઈ જવું છે. હું અહીં તારી પાસે સુઈ જાઉં છું’
એમ બોલીને અદિતીના ખોળામાં માથું નાખીને આલોક સુઈ ગયો.

થોડીવાર પછી અદિતી એ પૂછ્યું, ‘શેખર મને એક વાત કહીશ કે મારા વિશે આલોક એ તને શું શું જણાવ્યું ? કઈ કઈ વાતો ? અને અમે બન્ને વિખૂટા પડ્યા પછી એવું તે શું બની ગયું કે આજે આલોકને હું આ પરિસ્થિતિમાં જોઈ રહી છું ? પ્લીઝ’

‘અદિતી, આ પરિસ્થિતિ તો કંઈ જ નથી. ઈશ્વરનો પાડ માનો કે આજે આલોક જીવિત છે. તને શોધવાની જીદમાં એ મોતના દરવાજે થી પાછો ફર્યો છે. એ દ્રશ્ય યાદ કરું છું તો આજે પણ મારા રૂંવાડા ઊભા થઇ જાય છે. તે દિવસે જો હું ખરા સમયે ન પહોંચ્યો હતો તો કદાચ આજે આલોક...’ આટલું બોલતા શેખરની આંખમા ઝળઝળિયાં આવતાં ગળગળો થઇ ગયો.
અદિતી એ શેખરને પાણીનો ગ્લાસ આપતાં કહ્યું, ‘પ્લીઝ રીલેક્સ.’
થોડા સમય માટેની છવાયેલી ચુપકીદી તોડતા અદિતી બોલી,
‘શેખર આર યુ ઓ.કે. ?’
‘યા અદિતી, આઈ એમ ઓ.કે.’
‘શેખર તને જો આરામ કરવો હોય તો આપણે આવતીકાલે વાત કરીશું.’
‘જી નહી હું ઠીક છું. તમે ચાઈ યા કોફી કઈ લેશો ?’
‘ચાઈ પીવાની ઈચ્છા તો છે, જો પોસિબલ હોય તો.’
‘અરે.. શ્યોર કેમ નહી.. હું પણ તને કંપની આપીશ.’
કઝીન બ્રધરને બોલાવીને શેખર એ એક ચાઈ અને એક કોફી બનાવી લાવવાનું કહ્યા પછી શેખર બોલ્યો, ‘હું ચેન્જ કરીને આવું પછી આપણે નિરાંતે વાતો કરીએ.’
શેખર આવે ત્યાં સુધીમાં અદિતી એ સંજનાને કોલ કરીને કહ્યું કે.. ‘આપણે આવતીકાલે વાત કરીશું.’
શેખર આવ્યો ત્યાં સુધીમાં ચાઈ, કોફી પણ આવી ગઈ. ચાઈનો મગ અદિતીને આપ્યા પછી શેખર કોફીની ચૂસકી ભરીને વાર્તાલાપનો દૌર શરુ કરે એ પહેલાં અદિતી એ પૂછ્યું,
‘આલોક એ અમારી મુલાકાતની વાત તને કયારે કરી ?’

‘એક મહિના પછી, એ પણ ત્યારે કે જયારે તેની માનસિક પીડા તેની સહનશીલતાની સીમા પાર કરીને અસહ્ય મુકામ પર આવી.’ શેખર જવાબ આપ્યો

“અને એ પહેલાં ? અદિતી એ પૂછ્યું

‘એ જયારે બેન્ગ્લુરુ આવ્યો ત્યારે ખુબ જ ખુશ હતો, નવી નવી જોબ અને તારી ખુલ્લી આંખોમાં જોયેલાં સપનાઓ સાથે. અદિતી, આલોક કાયમ હરેક આહટ, હરેક પડછાયામાં તને શોધતો રહ્યો. ધીરે ધીરે એક પછી એક એવી એવી ઘટનાઓ તેની સાથે ઘટતી ગઈ કે તારા વ્યક્તિત્વ એ તેના મન, મસ્તિસ્ક પર એવો તે કબજો જમાવ્યો કે એ બીજું કઈ વિચારવા, સમજવા કે કોઈને સમજાવવા સક્ષમ જ ન રહ્યો. તારી શરતોના શબ્દો જાણે કે તેની જિંદગીનું અંતિમ સત્ય બની ગયા. માં, બાપ, સગાં, સંબંધી, પ્રતિષ્ઠા, જોબ, ખાવું, પીવું, સુવું, દિવસ, રાત બધું જ ભૂલી ગયો. બસ યાદ રહી તો માત્ર એક ... અદિતી.. અદિતી..અને અદિતી.
એક નાના અંકુર રૂપે ફૂંટેલી વેદનાની વેલ ધીમે ધીમે એક સમયે એક વિરાટ વટવૃક્ષનું સ્વરૂપ લઈને આલોકને ભરડો લઇ બેઠી. અને એ મૂક અદ્રશ્ય અસહ્ય વેદનાનું નિરૂપણ મારાં સિવાય કોની આગળ જઈ ને કરે ? અને તેને એ વાતનો પણ ડર સતાવતો હતો કે જો હું પણ તેની આ વેદનાની વાચા ઉકેલવામાં નિષ્ફળ રહીશ તો ? '

પછી શેખર એ આલોકની બર્થ ડે પાર્ટીના રાત્રીની ઘટના બાદ આલોકનો માનસિક ઉદ્દવેગ અને અકળામણ જયારે તેની પરાકાષ્ઠા પર આવ્યો હતો, ત્યાર પછી
આલોક એ શેખરને જે ૨૯ એપ્રિલની ઘટનાનું શબ્દશઃ વર્ણન શેખરને કહી સંભળાવ્યું એ વર્ણન શેખર એ અદિતીને કહી સંભળાવ્યું. અદિતીની શરતોના એક એક શબ્દ આલોક એ તેના દિમાગમાં એટલા ઘૂંટ્યા’તા કે જે એક મહિના પછી પણ આલોકને કડકડાટ મોઢે હતા.
મેરી ગોલ્ડ ફ્લાવરનું બૂકે. રેડ બૂલ ડ્રીંક્સ અને “આગે ભી જાને ના તું, પીછે ભી ...” સોંગ..
‘અદિતી, બસ આ બધું યાદ રાખવામાં એ જીવવાનું ભૂલી ગયો. ૨૯ એપ્રિલનો એ દિવસ તારા જીવનનો એક કિસ્સો રહ્યો અને આલોકની જિંદગીનો એક હિસ્સો બની ગયો. તું વિચાર અદિતી, એક એ આલોક હતો અને એક આ આલોક છે ... અદિતી તું અંદાજો લગાવી શકે છે આલોકની ભીતર ફક્ત ને ફક્ત તારા માટે જ તેને પળે પળે દઝાડતી એ અનંત અવિરત પીડાને ? જે પીડામાં એ પળ પળ મરતો રહ્યો, કણસતો રહ્યો માત્ર તેની અદિતીને ફક્ત એક ઝલક જોવા અને સાંભળવા માટે અને, તું .... એક પળ માટે પણ...’
શેખર હજુ આગળ બોલવા જાય ત્યાં...
અદિતી તેના મોઢા પર ઓશીકું દબાવીને ધૂસકે ધ્રુસકે રડતા રડતા માંડ માંડ બોલી...
‘પ્લીઝ પ્લીઝ પ્લીઝ શેખર સ્ટોપ ઈટ.મારા મગજની નસો ફાટી જશે.’
અદિતી તને ફક્ત સાંભળીને જો આટલી પીડા થાય છે, જયારે આલોક તો એકલો રોજ ચોતરફ થી વિષાદની રણભુમિમાં નિરાશાથી ઘેરાયેલા એક નિહત્થા અને નિસહાય યોદ્ધાની માફક અનેક મોરચે તન, મન અને ધન થી ખુંવાર થઇ ને હજુયે લડી રહ્યો છે તેની અદિતી માટે. તેના નિસ્વાર્થ પ્રેમના વિજય માટે. ત્યારે તેની માનસિક હાલત શું હશે ?
અદિતી જાણે કે એક રડતું પુતળું બની ને અશ્રુ સારતી ચુપચાપ એકીટસે તેના ખોળામાં માથું મુકીને સૂતેલાં આલોકને જોતી રહી.
થોડા સમય માટે રૂમમાં એક દીર્ધ ચુપકીદી છવાઈ ગઇ.
એ પછી શેખર બોલ્યો,
‘અદિતી જો તમને ખરાબ ન લાગે તો એક વાત કહું ? ’
‘શેખર, આલોકને આજે જે હાલતમાં જોઈ રહી છું, આથી વધારે તો ખરાબ શું હોય શકે ? તું બોલ .’
‘માફ કરજે, પણ એટલું તો તને જરૂર કહીશ અદિતી કે, એક સીધા સાદા સાવ નિર્દોષ સાચા દિલના વ્યક્તિને આજે તું જે હાલતમાં જોઈ છે, તેના માટે માત્ર ને માત્ર તું એક જ સંપૂર્ણપણે જવાબદાર છે, સોરી.’

બે હાથ જોડીને અદિતિ બોલી,

‘શેખર, હું કબૂલ કરું છું. અને તેના માટે મને કોઈ પણ સજા મંજુર છે.’

‘સજા.... સજા નહીં અદિતી હું તને ફક્ત એટલી જ ગુઝારીશ કરીશ કે, શક્ય હોય તો અમને અમારો એ પહેલાં જેવો સૌ ને હસતો હસાવતો આલોક પાછો આપી દે બસ.’
રડતા રડતા અદિતી ત્રુટક ત્રુટક સ્વરમાં આલોકના માથા પર હાથ ફેરવતા ફેરવતા બોલી...
‘શેખર ... આલોક માટે હું મારું અસ્તિત્વ પણ ભૂંસવા તૈયાર છું. તેના એક એક શ્વાસની હું ઋણી છું. હું એ જ આલોક સાથે સૌ ને રૂબરૂ કરાવીશ. પણ...

એ ફક્ત મારો જ હશે.’

થોડીવાર માટે બન્ને ચુપ થઇ ગયા.

‘અદિતી મને એવું લાગે છે કે હવે કાફી મોડું થઇ ચુક્યું છે. આપણે આરામ કરીએ ?’
‘જી શેખર.;
‘જી હું તારાં મમ્મીના રૂમમાં સુવા જઈ રહી છું,’
‘ઠીક છે.’
‘ગુડ નાઈટ અદિતી.’
‘ગૂડ નાઈટ શેખર.’

બન્ને મોડે સુધી જાગતા અને વિચારતા રહ્યા.. શેખરને થયું કે પ્રથમ મુલાકાતમાં જ તેણે અદિતીને આ હદે મેન્ટલી ડીસટર્બ કરી તે યોગ્ય નહતું. પણ આલોકની પરેશાનીથી તે અંદર ને અંદર એકલો પીડાતો હતો. તો હવે અદિતી સિવાય કોની પાસે વ્યક્ત કરે ? પણ આટલાં ટૂંકા પરિચયમાં જ અદિતી સાથેની ચર્ચા બાદ હવે શેખરને તેના માનસ પટલ પર અણધણ અનુમાનથી આંકેલું અદિતીનું ધૂંધળું શંકાસ્પદ ચિત્ર હવે ક્રિસ્ટલ કલીઅર દ્રશ્યમાન થતું હતું. આલોકની પીડાના સંચારનો પ્રસાર અદિતીના પંડમાં થતો હોય તેવો અહેસાસ શેખરને થતાં હવે તેને અદિતી પ્રત્યે ઉઠતાં નકારાત્મક વિચારોના વાયરાને તેણે ડામી દીધા.

આ તરફ અદિતી વિચારતી રહી કે માત્ર બે લીટીના શરતના શબ્દોને પોતાના જીવનમંત્રનું સ્વરૂપ આપવા કોઈ પુરુષ છેક સ્વના અસ્તિત્વની આહુતિ આપવાની ચરમસીમાના અંતિમ સુધી પહોંચી જશે એ કલ્પના માત્ર જ અદિતીના સ્ત્રીતત્વને ધ્રુજાવી ગઈ.

વિચારોની સાથે સાથે અદિતીની આંખમાંથી અશ્રુઓ પણ વહેતાં રહ્યા. મનોમન બોલી,
આલોક, અદિતીને જીવે છે શ્વસે છે. આવી વ્યક્તિને પ્રેમ તો સહુ કોઈ કરે. પણ પ્રેમ ઉણો પડે ઓછો પડે. તેની પ્રેમ નહી પણ પૂજા કરાય.

સવારમાં પહોરમાં આલોકની આંખ ઉઘડતા વ્હેત જ સૌ પહેલો વિચાર સ્ફૂર્યો અદિતીનો. આલોકનું માત્ર તન જ સુવે છે. મન, મસ્તિસ્ક તો સતત જાગૃત અને કાર્યરત રહ્યા કરે છે, અદિતીના વિચારોમાં જ. અદિતી નજરે ન પડતા શોધવા લાગ્યો. રૂમ, રૂમની બહાર, બાલ્કનીમાં બધેજ ફરી વળ્યો. માથું ખંજવાળતા વિચારવા લાગ્યો કે કોને પૂછવું ?. શેખર હજુ સૂતો હતો. છતાં તેને ઊંઘ માંથી ઉઠાડ્યો. આંખો ચોળતાં શેખરે ઘડિયાળમાં જોયું સમય ૭: ૨૫. પછી પૂછ્યું.

‘અલ્યા શું થયું તને સવાર સવારમાં ?’

‘અદિતી ક્યાં છે ?’ આલોક એ પૂછ્યું

કાચી ઊંઘમાંથી ઉઠાડ્યો એટલે અકળાઈ જતા શેખરને થયું કે આ બન્ને ને સાંકળેથી બાંધી જ દઉં એટલે આ મજનુ મહારાજ તેની માળા જપતો બંધ થાય.

‘એ હમણાં આવે છે તારા માટે કૈક લેવા ગઈ છે માર્કેટમાં.’
શેખરને જે સુજ્યું એ જવાબ આપી દીધો

‘ક્યારે ગઈ ? ક્યારે આવશે ? મને કીધા વગર કેમ ગઈ ? મને સાથે કેમ ન લઇ ગઈ ? ફરી પછી કયાંક ચાલી જશે તો ? અરે પણ તે એને એકલી જવા જ કેમ દીધી ? કેટલો બેદરકાર છો તું .’
એ.કે. ૪૭ માંથી ધાણીની જેમ બુલેટ્સ છુટે એમ એકીસાથે પ્રશ્નોનો પ્રહાર થયો.

‘મારા સાહેબ, અરે એ કહીને ગઈ છે કે તું ફ્રેશ થઇ જઈશ ત્યાં સુધીમાં આવી જશે મારા બાપ.’
‘હે.. હું ફ્રેશ થઇ જાઉં તો એ આવી જશે ?’
‘હા.’
ફટાફટ ઉપડ્યો બાથરૂમ તરફ.
સમય થયો ૯: ૩૫. એ પહેલાં ડાઈનીંગ ટેબલ પરથી સૌ પોતપોતાના અનુકુળ સમયે એ બ્રેકફાસ્ટ લઈને નીકળી ગયા હતા. છેવટે રહ્યા શેખર તેમના મમ્મી તેમના આંટી,અદિતી અને આલોક.

નીકળતાં નીકળતાં શેખર એ અદિતીને આલોકનો મોબાઈલ બતાવતા કહ્યું. ‘આલોકના પેરેન્ટ્સ એક મહીના માટે ચારધામની જાત્રા પર નીકળ્યા છે, આ બન્ને નંબર આલોકની મોમ, ડેડના છે. તો જયારે પણ કોલ આવે ત્યારે જરા તારી રીતે સંભાળી લે જે. ઠીક છે. હું નીકળું છું કઈ કામ હોય તો કોલ કરી શકે છે, એની ટાઈમ ઓ.કે.’

શેખરના ગયા પછી શેખરની મમ્મી એ અદિતીને કહ્યું,
‘બેટા ક્યારેક અમને પણ સંભળાવજો તમારાં બન્નેની પ્રેમ કહાની.’
એ સાથે સૌ હસ્યા. આલોક સૌને જોતો રહ્યો.
અદિતી એ કહ્યું, ‘જી આંટી જરૂર, પણ એ પહેલાં મારાં હીરોને ઠીક તો થઈ જવા દો પછી બન્ને સાથે સંભળાવીશું તમને.’
‘અરે..બેટા હું તો ફક્ત બે ઘડી મજાક કરું છું.’
‘આંટી હું આલોકની જોડે થોડો સમય રૂમમાં બેસું છું. કંઈપણ કામ હોય તો મને બોલાવજો હો.’
‘ઠીક છે બેટા, અને તને કઈ જોઈતું હોય તો કહેજે .”
‘જી આંટી’
એ પછી અદિતી અને આલોક રૂમમાં આવ્યા.
અદિતી, આલોકને કયાંય સુધી જોતી જ રહી. આલોક તેની મસ્તીમાં હતો.
‘આલોક, ચલ તારે ઓફિસે જવાનું મોડું નથી થઇ રહ્યું ?’
‘ઓફીસ ? કઈ ઓફીસ ? ના, મારે કશે જ નથી જવું, હું જઈશ તો તું ફરીથી જતી રહીશ. હું તને પણ ક્યાંય નહી જવા દઉં ?’
‘હું ક્યાં ગઈ હતી ?’
‘તું.. તું.. છે ને મને ..એકવાર ત્યાં મુકીને ક્યાંક...’
‘આલોક ચાલ આપણે બન્ને ચેસ રમીએ.’
‘તું રમીશ મારી જોડે ?’
અદિતી ચેસબોર્ડ ગોઠવીને બોલી, ‘ચલ આલોક’
આલોક થોડીવાર ચેસબોર્ડ સામે ચુપચાપ તાકીને જોઈ રહ્યો. પછી બોલ્યો
‘આ શું છે ?’
એટલે અદિતિ એ ટોપિક ચેન્જ કરતા પૂછ્યું,
‘આલોક, તારે મમ્મી પપ્પા જોડે વાત નથી કરવી ? એ બન્ને તને કેટલો યાદ કરે છે તને ખબર છે ? રોજ પૂછે છે કે આલોક કોલ કેમ નથી કરતો ?’
‘એ.. એ..લોકો તો ... હમણાં આવશે તો વાત કરીશ હું. હમણાં આપણે બન્ને વાતો કરીએ.’
‘તું ક્યાં કશી મારી જોડે વાત કરે છે. જો તું આવું જ કરતો રહીશ તો હું ફરીથી જતી રહીશ જો જે હો.’
આવું સાંભળીને આલોક રિસાઈ ગયો એટલે મોઢું ફુલાવીને બીજી તરફ ચહેરો ફેરવીને બેસી ગયો.
અદિતી મનોમન હસ્યા પછી આલોકની સામે જઈને બોલી, ‘ઓ મારા દેવાધિદેવ આ ત્રીજું નેત્ર ખોલવાનું પ્રયોજન હાલ થોડા દિવસો પુરતું મુલત્વી રાખો તો સારું રહેશે.’
‘આલોક ચાલને આપણે બન્ને ક્યાંય બહાર ફરવા જઈએ’
‘ઓઓઓ.... સાચે ? તું આવીશ મારી સાથે ?’
‘હા, બોલ ક્યાં લઇ જઈશ મને ?’
‘એ... હું.. હું ..છે ને તને.. હું ... આપણે’
અદિતી બોલી, ‘બરોડા ?’
‘કેમ, બરોડા ?’ આલોક એ પૂછ્યું
‘ત્યાં આપણે બન્ને તારી કોલેજમાં જઈશું. તારા મિત્રોને મળીશું. ફૂટબોલ રમીશું. ધમાલ કરીશું.’ અદિતી એ જવાબ આપ્યો
‘હા.. પણ એ બધા ક્યાં છે ?’ ફરી આલોકે એ પૂછ્યું
‘કોણ,તારા મિત્રો ?’ અદિતી એ સામે પ્રશ્ન પૂછ્યો
‘હા.’
‘શું નામ હતું તારા મિત્રનું પેલો તારો બેસ્ટ ફ્રેન્ડ છે એ ... શું નામ ?’
અદિતી એ પૂછ્યું. અદિતી એ આ રીતે અંધારામાં જ તીર મારીને આલોકને ધીમે ધીમે ટ્રેક પર લાવવાનો હતો.
‘એનું નામ તો હું... કહું .. એ પેલો જાડિયો હતો એ ?’ યાદ કરતા આલોકે પૂછ્યું
‘હા.. હા .. એ જાડિયો હતો એ .. શું નામ છે એ જાડિયાનું ?’ સામે અદિતી એ પૂછ્યું
‘એ જાડિયા.. નું નામ તો .. મને હા... હે... હેમંત ... હેમંત. હા .. હેમંત નામ હતું
એ જાડિયો સાલો.’ આલોક બોલ્યો
અદિતી એ ફટાફટ આલોકના મોબાઈલના કોન્ટેક્ટ નંબરમાં સર્ચ કર્યું .. “હેમંત” ...
ઓહ માય ગોડ.. અદિતિની આંખો ભીની થઇ ગઈ .. સ્ક્રીન પર “હેમંત ઉપાધ્યાય” નામ વાંચીને. અદિતી એ આ રીતે છુટ્ટી પડીને વેરવિખેર થઇ ગયેલી સ્મૃતિની એક એક કડી જોડવાની હતી.
અદિતી એ તેના મોબાઈલ માંથી હેમંતના નંબર પર કોલ જોડ્યો.
‘હેલ્લો.. ગૂડ મોર્નિંગ, હું હેમંત ઉપાધ્યાય સાથે વાત કરી શકું ?’
‘ગૂડ મોર્નિંગ, આપ હેમંત ઉપાધ્યાય સાથે જ વાત કરી રહ્યા છો. આપનો પરિચય આપશો ?’
‘હું આલોક દેસાઈની રીલેટીવ બોલી રહી છું. અદિતી મજુમદાર. આપનો નંબર મને આલોક એ જ આપ્યો.’
‘ઓહ.ઓહ ઓહ આલોક એ તો અમારા કોલેજનો હીરો હતો મેડમ, એ બેન્ગ્લુરુ
હતો કે છે ? નો આઈડિયા, પણ આજ કાલ ક્યાં છે એ ? મારા કોલ પણ રીસીવ નથી કરતો અને કરે છે તો સરખી વાત પણ નથી કરતો. સોરી મેડમ, બોલો હું આપની શું સેવા કરી શકું ?’
‘હા, મારે પણ ઘણાં સમયથી તેની જોડે વાત નથી થઇ. આપ હાલમાં ક્યાં છો ?’
‘જી મેડમ હું બરોડા જ સ્થાયી છું. આઈ એમ એ ચાર્ટર્ડ એકાઉંટન્ટ.’
‘હા, મારે એકાઉંટન્ટને લાગતું જ કામ હતું એટલે આલોક એ તમારો નંબર મને આપેલો.’
‘છેલ્લે અમે મળ્યાં ત્યારે તમારા વિશે ઘણી વાતો કરી હતી આલોક એ’
‘શું કહતો હતો એ, જીનીયસ ?’
‘સોરી સર, પણ એ તમારા નામ ને બદલે જાડિયા તરીકે ઉલ્લેખ કરતો હતો’
‘હા.. હા .. હા .. એ મારો જીગરી છે મને કોલેજમાં જાડિયા તરીકે બોલવાના કોપીરાઈટ ફક્ત આલોક પાસે જ હતાં. આપની જોડે કોન્ટેક્ટ થાય તો પ્લીઝ એક વાર મારી જોડે વાત કરાવ જો પ્લીઝ.’
‘હું આપને ફરી નિરાંતે કોલ કરીશ, થેન્કયુ મિ. હેમંત. બાય.’
‘ઇટ્સ માય પ્લેઝર, બાય.’
અદિતી એ આંખો બંધ કરી એક ઊંડો શ્વાસ લીધા પછી મસ્તીમાં આવીને બન્ને હાથથી આલોકની હેર સ્ટાઈલ વીખી નાંખી,
‘અરે..આ તે શું કર્યું અદિતી.. જો મારા વાળ..’
‘અરે.. અરે .. એક મિનીટ આલોક..
આટલું બોલીને અદિતી એ તેના મોબાઈલમાં આલોકના ડીફરનટ્સ લૂકસના ફોટોસ ક્લિક કર્યા.
‘આવું તો હું કરીશ જ જા જે થાય એ કરી લે’ એમ બોલીને ફરી વાળ વીંખી નાખ્યા.. પછી..

અદિતી એ શેખરનો નંબર ડાયલ કર્યો.
‘હેલ્લો.. શેખર, હું અદિતી, હમણાં વાત થઇ શકશે કે થોડીવાર રહીને કોલ કરું ?’
‘અરે હા, બિલકુલ અદિતી, બોલ બધું બરાબર છે ? કે પછી મજનું ને ફિર કોઈ હંગામા કિયા ?’
‘જી, નહી’ કહીને પછી આલોક સાથેના કન્વરસેશનની સઘળી વાત કરી.
‘ઓહ..ધેટ્સ ગૂડ, હજુ તો આજે પહેલો જ દિવસ છે. તારો જાદુ એટલો જલ્દી કામયાબ નીવડશે એ તો કદાચ અવિનાશ એ પણ નહીં વિચાર્યું હોય. થેન્ક્સ અદિતી.બીજું કઈ કામ છે ?’
‘જી નહી. બાય’
‘બાય.’ કહ્યા પછી શેખર એકદમ હેપ્પી મૂડમાં આવી ગયો.

આમ ને આમ ધીમે ધીમે રોજબરોજ અદિતી ખુબ જ ધીરજ અને દિમાગ શાંત રાખીને આલોકને કોઈ ને કોઈ બહાને કઈ ને કઈ કલૂ આપીને તેને તેના ભૂતકાળની માનસિક અને ભૌગોલિક સફેર લઇ જતી અને તેમાં કયારેક અચાનક સફળતા પણ મળી જતી. અદિતી આલોકને ચીડવતી મસ્તી કરતી તો ક્યારેક એક નાના બાળકની માફક પ્રેમ થી પંપાળતા પંપાળતા ખુદ પોતે પણ આલોક જેવી બની જતી આ બધી જ ક્ષ્રણોને અદિતી કેમેરામાં કૈદ કરતી ગઈ.

એક અઠવાડિયા પછી એક દિવસ સુર્યાસ્તના સમયે બાલ્કનીમાં સાવ શાંત ચિતે ફ્રેશ મૂડમાં જે ચેરમાં બેસીને આલોક કોફીની પી રહ્યો હતો તે જ ચેરનો ટેકો લઈને આલોકના કેશમાં ધીમે ધીમે આંગળીઓ ફેરવતી ફેરવતી કોફીનો ઘૂંટડો ભરતાં અદિતી બોલી...
‘આલોક, તેં મને ગઈકાલે કહ્યું હતું કે તું મને એક વાત કરવાનો છે ? શું છે એ વાત જરા કહેતો મને ?’ અદિતી એ અમથો જ તુક્કો લગાવ્યો.
‘કઈ વાત અદિતી ?’
‘તે કહ્યું’તુ કે એક ખાસ વાત છે, જે હું તને કરીશ.’
‘એ તો હું ભૂલી ગયો.’
‘અચ્છા આલોક, જો તું મારી જોડે હવે કોઈ વાત શેર નહી કરે તો હવે હું મારા ઘરે જતી રહીશ.’
‘ના.. ના ...અદિતી પણ તું એવું ન કર ને. તો હું પણ તારી જોડે આવીશ.’

‘અચ્છા ઠીક છે, હું તને મારી જોડે લઇ જઈશ પણ, મારી એક શરત છે.’

વધુ આવતીકાલે....

© વિજય રાવલ

'ક્લિનચીટ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે.
આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં
ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે.