Rudra ni premkahaani - 2 - 27 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 27

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૭

સાત્યકીને દ્વંદ્વમાં પરાજય આપી સ્ત્રીઓની ગરિમાનું સમ્માન જાળવાવમાં સફળ રહેલી મેઘના જ્યારે પોતાનાં કક્ષમાં પ્રવેશી ત્યારે એનું સમસ્ત સખીવૃંદ એને અભિનંદન પાઠવવા ત્યાં આવી પહોંચ્યું. મેઘનાને શાંતિથી એકાંતમાં મળશે એમ વિચારી રુદ્ર મેઘનાને મળ્યાં વગર પોતાનાં કક્ષમાં જઈને નિંદ્રાધીન થઈ ગયો.

એકતરફ જ્યાં મેઘના જોડેથી મળેલાં પરાજયથી લજ્જિત અને રુદ્ર તથા મેઘના વચ્ચેનાં પ્રેમસંબંધ વિશે જાણ્યાં બાદ ક્રોધિત થયેલો સાત્યકી રત્નનગરીથી ઈન્દ્રપુર જવા પ્રસ્થાન કરી ચૂક્યો હતો તો બીજીતરફ રાજમહેલનાં એક ગુપ્તકક્ષમાં અકીલા પોતાનાં ખાસ ગુપ્તચરો સાથે મંત્રણા કરી રહ્યો હતો.

"વિશ્વા, આ ગુપ્ત મેળાપ માટે એકત્રિત થવાનું કોઈ ખાસ કારણ?" પોતાની જમણી તરફ બેસેલાં સંત્રીને ઉદ્દેશીને અકીલાએ પૂછ્યું.

"કારણ છે અને એ પણ ખૂબ જ મહત્વનું. હવે મહારાજ અગ્નિરાજ અહીં છે નહીં તો આ વિશે મારે તમને જણાવવું જરૂરી હતું." અકીલાને ઉદ્દેશીને વિશ્વા બોલ્યો.

"સેનાપતિજી, વાત ગતરાતની છે. હું ગઈકાલે મહેલમાં ઘૂમી રહ્યો હતો ત્યાં મને ભોજનકક્ષની જોડે બનેલાં સંગ્રહકક્ષમાં થતો વાર્તાલાપ કાને પડ્યો." આટલું કહી વિશ્વાએ પોતાની વાત આગળ વધારી.

"મેં ખૂબ સાવચેતીથી સંગ્રહકક્ષનાં દરવાજે ઊભાં રહી અંદર થઈ રહેલી વાતચીતનાં અમુક અંશ સાંભળ્યાં હતાં. એ વાતચીત અંગરક્ષક વીરા અને એમનાં ચાર અન્ય મિત્રો વચ્ચે થઈ રહી હતી."

"પણ આ મહેલમાં તો વીરાના બે જ મિત્રો છે અને બંને મુખ્ય રસોઈયાનાં સહાયક તરીકે સેવા આપે છે તો બાકીનાં બે મિત્રો કોણ હતાં.?" વિશ્વાની સામે બેસેલો એક અન્ય સંત્રી બોલ્યો.

"એ મને નથી ખબર કે અન્ય બે વ્યક્તિ કોણ હતાં પણ એ પાંચ લોકો હતાં એ બાબતે હું ચોક્કસ છું." વિશ્વાનાં અવાજ પરથી એ જે કહી રહ્યો છે એ પૂર્ણતઃ વિશ્વાસથી કહી રહ્યો હતો એ જણાઈ આવતું હતું.

"એ લોકો વચ્ચે શું વાતચીત થઈ રહી હતી એ જણાવી શકશો?" અકીલાએ જિજ્ઞાસા સાથે વિશ્વાને પૂછ્યું.

"એ લોકો પાતાળલોક વિશે કંઈક ચર્ચા કરી રહ્યાં હતાં. સાથે-સાથે વીરાએ બનાવેલી કોઈ યોજનાની પણ ચર્ચા થઈ રહી હતી. એ લોકો ખૂબ નીચા સુરમાં વાતો કરી રહ્યાં હતાં એટલે હું એમની વાતો સ્પષ્ટ રીતે નહોતો સાંભળી શક્યો." નતમસ્તક થઈને વિશ્વાએ કહ્યું.

"પાતાળલોકની ચર્ચા અને કોઈ ખાસ યોજના! આ બધું કંઈક વધુ પડતું વિચિત્ર લાગી રહ્યું છે." મનોમન ગહન મનોમંથન કરતા અકીલા સ્વગત બબડ્યો.

"આ વીરા નક્કી કોઈ બહુરૂપિયો લાગે છે. એની સાચી ઓળખ વિશે શક્ય એટલી ઝડપે તપાસ કરવી જ પડશે." અકીલાએ પોતાનાં તમામ ગુપ્તચરોને રુદ્ર પર ધ્યાન રાખવાનું કામ સોંપતા કહ્યું.

*********

અકીલાના આદેશ મુજબ તમામ ગુપ્તચરો રુદ્ર અને એનાં બંને મિત્રો ઈશાન અને શતાયુ પર નજર રાખવા લાગ્યાં. બીજાં દિવસે જ્યારે રુદ્ર અને મેઘના જ્યારે એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં હતાં ત્યારે મેઘના દ્વારા રુદ્રને એનાં સાચા નામથી સંબોધાયો. આ વાત એક ગુપ્તચર સાંભળી ગયો.

રુદ્રનું સાચું નામ કાને પડતાં જ એ ગુપ્તચર સીધો જ સેનાપતિ અકીલાને મળવા જઈ પહોંચ્યો. એ જ્યારે અકીલાને મળવા ગયો ત્યારે અકીલા રત્નનગરીનાં અન્ય સંત્રીઓ સાથે કંઈક મંત્રણા કરી રહ્યો હતો. પોતાનાં ગુપ્તચરને જોતાં જ અકીલાએ મંત્રણાને તુરંત બરખાસ્ત કરી દીધી. અકીલા એકલો પડતાં જ એ ગુપ્તચર અકીલા સમક્ષ આવીને ઊભો રહ્યો.

"સેનાપતિજીની જય!" અકીલાની સમક્ષ શીશ ઝુકાવી એ ગુપ્તચરે કહ્યું.

"બોલો શું ખબર છે?" અકીલાએ પૂછ્યું.

"સેનાપતિ મેં આજે રાજકુમારી મેઘના અને અંગરક્ષક વચ્ચેની વાતચીત સાંભળી."

"તો એમાં મોટી વાત શું છે?"

"વાતમાં તો કંઈ મોટું નથી પણ રાજકુમારીએ જે નામે અંગરક્ષક વીરાને સંબોધ્યો એ મોટી વાત છે!"

"શું કહીને સંબોધન કર્યું રાજકુમારીએ એને?"

"રુદ્ર! રાજકુમારીએ અંગરક્ષકને વીરાનાં બદલે રુદ્ર કહ્યું."

ગુપ્તચરનાં મુખેથી રુદ્ર સાંભળતાં જ અકીલાને મોટો આંચકો લાગ્યો. વિશ્વા દ્વારા થયેલો પાતાળલોકનો ઉલ્લેખ અને હવે વીરાનું સાચું નામ રુદ્ર. અકીલા જણાતો હતો કે પાતાળલોકનાં રાજા દેવદત્તના પુત્રનું નામ રુદ્ર છે. જો સાચેમાં જ મેઘનાનો અંગરક્ષક બનીને આવેલો વીરા નામનો યુવક પાતાળલોકનો ભાવિ ઉત્તરાધિકારી હોય તો આ ખરેખર ખૂબ ચોંકાવનારી બાબત હતી.

અકીલાને એ તો સમજાઈ ગયું હતું કે પાતાળલોકનો રાજકુમાર પોતાની સાચી ઓળખ છુપાવી અહીં હાજર હતો. પણ જોડે આશ્ચર્યની વાત એ હતી કે રુદ્રની સાચી ઓળખ જાણતી હોવા છતાં મેઘનાએ આ વિષયમાં કોઈને કંઈ કહ્યું કેમ નહોતું? આનો અર્થ એ નીકળતો હતો કે મેઘના અને રુદ્ર વચ્ચે મિત્રતા કરતાં વધુ ઘનિષ્ઠ સંબંધ સ્થાપિત થઈ ચૂક્યો હતો.

પોતે કોઈપણ રીતે રુદ્રની ઉપર આંગળી ચીંધી નહીં શકે કેમકે જો મેઘના એની તરફેણમાં હોય તો એ સાબિત કરવું અશક્ય હતું કે રુદ્ર પાતાળલોકનો રાજકુમાર હતો. અગ્નિરાજને મનાવવામાં મેઘના સફળ થઈ જશે તો એક નિમ રાજકુમાર રત્નનગરીનો ભાવિ ઉત્તરાધિકારી બનશે અને એ સાથે જ નિમલોકો મનુષ્યોની સમકક્ષ આવી પહોંચશે.

"તો શું આ જ રુદ્રની ભાવિ યોજના હતી કે રાજકુમારી મેઘનાને પોતાની પ્રેમજાળમાં ફસાવી એની સાથે લગ્ન કરવા અને રત્નનગરીની ગાદી પર બેસવું." આ વિચાર આવતા જ અકીલાનું મગજ ચિત્તાની ઝડપે દોડવા લાગ્યું. રાજમહેલની અંદર રુદ્રની હત્યા કરવાનું પગલું ભરવું પોતાનાં માટે હિતાવહ નહોતું એ અકીલા વર્ષોનાં અનુભવ પરથી સારી રીતે સમજતો હતો.

"અત્યારે જ એક ગુપ્ત મંત્રણાનું આયોજન કરવામાં આવે!" પોતાને રુદ્ર વિશેની જાણકારી આપવા આવેલ ગુપ્તચરને ઉદ્દેશીને સત્તાધારી સુરમાં અકીલા બોલ્યો.

અકીલાનો આદેશ માથે ચડાવી એ ગુપ્તચર તાત્કાલિક અન્ય ગુપ્તચરોને એકઠાં કરવાં નીકળી પડ્યો.

*********

રાતનો પ્રથમ પહોર શરૂ થઈ ગયો હતો અને અકીલાની આગેવાનીમાં ગુપ્તમંત્રણા શરૂ થઈ ચૂકી હતી. અકીલાએ પોતાનાં તમામ ખાસ ગુપ્તચરોને રુદ્રની સાચી ઓળખ વિશે માહિતગાર કરી આગળ શું કરવું જોઈએ એ અંગે એ દરેકનો પરામર્શ માંગ્યો. આમ તો બધાંનો એક જ અભિપ્રાય હતો કે રુદ્રને તત્કાળ બંદી બનાવી લેવામાં આવે પણ મેઘના અને રુદ્ર વિશેનાં સંબંધ વિશે જાણ્યાં બાદ એમાંથી કોઈએ આ ઉપાય અમલમાં મુકવો યોગ્ય ના સમજ્યો.

"સેનાપતિ, તમે કહો છો એમ કે રાજકુમારી એ નિમ રાજકુમારની સાચી ઓળખ જાણવા છતાં આ વિષયમાં મૌન ધારણ કરી રહી છે એનો અર્થ એ છે કે આપણે એને બંદી બનાવવા તો અસમર્થ છીએ. આમ કરવામાં એ જોખમ મોટું છે કે જો એ નિમ રાજકુમાર નહીં હોય તો શું થશે?" એક સંત્રીએ સભાને ઉદ્દેશીને કહ્યું.

"જો એવું થશે તો નક્કી રાજકુમારી આવું કરનારને આકરામાં આકરી સજા કરાવવાનો હુકમ આપશે.!" એક અન્ય સંત્રી બોલ્યો.

"સેનાપતિજી, મારી જોડે એક ઉપાય છે જો એમ કરવામાં આવે તો નક્કી એ નિમ રાજકુમારની સાચી ઓળખ પણ બધાંની સામે આવશે અને સાથે-સાથે એનાં અને રાજકુમારી વચ્ચેનાં સંબંધ ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ જશે." અકીલાને ઉદ્દેશી વિશ્વાએ કહ્યું.

"આપનો ઉપાય જણાવવાનો કષ્ટ લેશો સંત્રી મહોદય." અકીલાના આમ બોલતા જ વિશ્વાએ પોતાનો ઉપાય જણાવતાં કહ્યું.

"સૌપ્રથમ તમે મહારાજ અગ્નિરાજને એવો સંદેશો મોકલાવો કે રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક પદે નીમવામાં આવેલો વ્યક્તિ પોતાની સાચી ઓળખ છુપાવી રહ્યો છે. સાથે એમાં મેઘના અને રુદ્ર વચ્ચે વધી રહેલી નિકટતાનો પણ ઉલ્લેખ કરો. વધુમાં આપણને અત્યાર સુધી જે માહિતી મળી છે એ વિશે પણ એ સંદેશામાં લખો."

"આનાથી શું થશે? આ પરથી એ તો સાબિત નથી જ થતું કે એ રુદ્ર નિમ રાજકુમાર છે." અકીલાએ સવાલસૂચક નજરે વિશ્વા તરફ જોતાં પૂછ્યું.

"મને ખબર છે કે આપણાં જોડે અન્ય કોઈ સાબિતી નથી અને બીજી વાત કે મહારાજ વખત આવે પોતાની પુત્રીની વાત માનશે, આપણી નહીં. માટે આપણે એ પહેલાં એક મજબૂત સાબિતી ઊભી કરવી પડશે."

"એ જ તો નથી ને આપણી જોડે!" વિશ્વા હજુ તો આટલું બોલ્યો હતો ત્યાં એક સંત્રી વચ્ચે બોલી પડ્યો.

"મારી વાત પૂરી તો કરવા દો." આટલું કહી વિશ્વાએ પોતાની યોજનાનાં અંતિમ ચરણ વિશે જણાવવાનું શરૂ કર્યું.

"આપણે રુદ્રને બંદી ના બનાવી શકીએ પણ એનાં એકાદ મિત્રને તો બનાવી જ શકીએ. સૈનિકોનું એક દળ બનાવી કોઈ ખોટાં બહાના હેઠળ રત્નનગરીની બહાર મોકલો. જેમાં ભોજન બનાવવા રુદ્રના બેમાંથી એક મિત્રને જવાનું જણાવો. બસ, એને રસ્તામાં બંદી બનાવી એની કડક પૂછપરછ કરીશું તો બધું સત્ય બહાર આવી જ જશે. મહારાજ આવે એટલે રુદ્રના એ મિત્ર જોડે એમની મુલાકાત કરાવી દેવાની. આગળ તો પછી મહારાજ શું કરશે એ આપણને ખબર જ છે." કટુ સ્મિત સાથે વિશ્વાએ પોતાની યોજના વિશે પૂર્ણ જાણકારી આપી પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.

"વિશ્વાનું આયોજન ઉત્તમ છે. હું કાલે જ મહારાજને સંદેશો મોકલાવીને આ અંગે માહિતગાર કરું. મહારાજ પ્રત્યુત્તરમાં સંદેશો મોકલાવી પોતાનાં અહીં આવતાં કેટલાં દિવસ થશે એ જણાવે એટલે આપણે યોજનાબદ્ધ રુદ્રનાં બેમાંથી એક મિત્રને સૈનિકો જોડે ભોજન બનાવવા જવાનો આદેશ આપીએ અને એને રસ્તામાં સમય મળે બંદી બનાવી લઈએ..!" પોતાની આ યોજના સફળ થશે એવાં વિશ્વાસ હેઠળ અકીલાનું અટ્ટહાસ્ય ગુપ્તકક્ષમાં ગુંજી ઉઠ્યું.

*********

વધુ આવતાં ભાગમાં

સાત્યકી આગળ શું કરવાનો હતો? અકીલાનું આયોજન સફળ થશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED