રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 26 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 26

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૬

"મેઘના, તે આ શું કરી દીધું?" મેઘનાની પાછળ એનાં કક્ષમાં પ્રવેશેલા રુદ્રએ પૂછ્યું.

"મેં જે કર્યું એ ઉચિત જ છે! એની હિંમત કઈ રીતે થઈ સ્ત્રીઓને નિમ્ન કહેવાની?" મેઘનાનો ક્રોધ એની આંખોમાં ઊભરી આવ્યો હતો.

"તે એને દ્વંદ્વનો પડકાર તો આપી દીધો પણ તમને લાગે છે કે તું સાત્યકીને દ્વંદ્વમાં હરાવી શકશો?"

"એને દ્વંદ્વમાં પરાજિત કરવા કોણ માંગે છે? મારે તો બસ એની જોડે મુકાબલો કરી એ સાબિત કરવું છે કે સ્ત્રીઓ પુરુષો કરતાં સહેજ પણ ઉતરતી નથી."

"સારું, હવે જો તે નક્કી કરી દીધું જ છે તો કાલે જોયું જશે." રુદ્ર મેઘનાને આલિંગનમાં લેતાં બોલ્યો.

"મને વિશ્વાસ છે મારાં ઉપર અને મારાં મહાન ગુરુએ આપેલી શિક્ષા ઉપર કે હું એ સાત્યકીને બરાબરનો પાઠ ભણાવી શકીશ." મેઘના બોલી.

"મહાન ગુરુ અને હું?"

"હા મારા વ્હાલા તું.!"

આ વાર્તાલાપને અંતે રુદ્ર અને મેઘના પુનઃ એકબીજામાં સમાઈ ગયાં.

રાતે જરા, દુર્વા, શતાયુ, ઈશાન અને રુદ્ર નક્કી કર્યાં પ્રમાણે સંગ્રહકક્ષમાં એકઠાં થયાં. જરાએ પાતાળલોકની પોતાની યાત્રા અને ગુરુ ગેબીનાથ તથા રાજા દેવદત્ત જોડે થયેલા વાર્તાલાપ અંગે શબ્દશઃ માહિતી પોતાનાં મિત્રોને આપી. ગુરુજી અને રાજા દેવદત્ત પોતાની પડખે ઊભાં છે એ સાંભળી બધાંનાં ચહેરા ખીલી ઊઠ્યાં.

જરાએ ગુરુ ગેબીનાથ દ્વારા આપેલો શંખ પર રુદ્રને સોંપ્યો અને એનો ઉપયોગ કઈ રીતે કરવો એ વિશેની જાણકારી પણ આપી. રુદ્રએ સામે પક્ષે સાત્યકીના ગુપ્તચર એવાં બૃહદની મૃત્યુ અંગેની વાત પોતાનાં દોસ્તોને કરી. સેનાપતિ અકીલાની સાથે મહેલમાં હવે રુદ્રનો બીજો શત્રુ પણ મોજુદ હતો એ સાંભળી જરા, દુર્વા, શતાયુ અને ઈશાને રુદ્રને સચેત રહેવા જણાવ્યું.

આખરે થોડીઘણી ચર્ચાઓ પછી પાંચેય મિત્રો એકબીજાથી છૂટા પડ્યાં. એ લોકોની જાણ બહાર અંધકારની ચાદર ઓઢે એક માનવાકૃતિ એમની બધી જ વાતો ચૂપચાપ સાંભળી રહી હતી. જે એ લોકોનાં બહાર નીકળ્યાં પહેલાં જ અંધારામાં જ અદ્રશ્ય થઈ ગઈ.

*********

બીજાં પ્રહરની પ્રથમ ઘડીની શરૂઆત થઈ ગઈ હતી. રાજમહેલનાં ઉદ્યાનમાં જ દ્વંદ્વ માટેની તમામ પૂર્વતૈયારી કરી દેવામાં આવી હતી. આ દ્વંદ્વ વિશેની જાણકારી મળતાં અકીલા પણ મેઘનાને આ દ્વંદ્વ વિશે ભૂલી સાત્યકીની માફી માંગવા સમજાવ્યું. આ સાંભળી મેઘના વધુ ક્રોધિત થઈ ગઈ અને એને અકીલાને સાફ સંભળાવી દીધું કે હવે જો આ દ્વંદ્વ અટકાવવું હોય તો સાત્યકી એની જાહેરમાં માફી માંગે.

આખરે આ દ્વંદ્વ રોકવાનો કોઈ વિકલ્પ ના બચતાં નિયત સમયે મેઘના અને સાત્યકી ઉદ્યાનમાં બનાવમાં આવેલાં દ્વંદ્વમેદાનમાં આવી પહોંચ્યાં. રુદ્ર પડછાયો બની મેઘનાની સાથે હાજર હતો. આ દ્વંદ્વ જોવા રાજમહેલનાં તમામ સૈનિકો અને અન્ય વહીવટી લોકો પધારી ચૂક્યાં હતાં. એકવાર મેઘના જે નક્કી કરી લે એ કરીને જ રહે છે એ જાણતાં રાજ્યનાં તમામ લોકો સમજી ગયાં હતાં કે આ દ્વંદ્વને કોઈપણ ભોગે રોકી નહીં શકાય.

"રાજકુમારીજી, હજુ પણ સમય છે. તમે મારી સામે કબૂલાત કરી લો કે સ્ત્રીઓ ક્યારેય પુરુષ સમોવડી ના થઈ શકે, હું તત્કાળ આ દ્વંદ્વ અટકાવી દઈશ." દ્વંદ્વ મેદાનમાં મેઘનાનાં આવતાં જ સાત્યકી કુટુ સ્મિત સાથે બોલ્યો.

"એ તો હું તમને પણ કહું છું કે અત્યારે જાહેરમાં મારી માફી માંગી લો એટલે હું તમને મન મોટું રાખીને માફ કરી દઈશ." કટાક્ષભેર મેઘના બોલી.

"એનો મતલબ એમ જ છે કે તમારે જાહેરમાં પોતાની સાથે સ્ત્રી જાતિની ફજેતી કરાવવાનો શોખ છે." પોતાનાં જોડે આવેલાં પોતાનાં સેવકોને સંભળાય એમ મોટેથી બોલી, સાત્યકી અટ્ટહાસ્ય કરવા લાગ્યો.

"ચલો હવે વાતો પુરી થઈ ગઈ હોય તો પકડો તલવાર અને આવી જાવ દ્વંદ્વમેદાનમાં!" મેઘનાની વાતોમાં આત્મવિશ્વાસની ઝાંખી થતી હતી.

મેઘનાનાં આમ બોલતાં જ સાત્યકીએ પોતાની તલવાર નીકાળી અને મેઘનાની સામે આવીને ઊભો રહી ગયો. રુદ્ર જોડેથી મેળવેલાં જ્ઞાન મુજબ મેઘનાએ પણ પોતાની કદકાઠી અને યોગ્યતા મુજબ જ તલવાર અને ઢાલ પર પસંદગી ઉતારી. મેઘનાએ પ્રથમ દ્વંદ્વમેદાનને શીશ ઝુકાવી નમન કર્યાં અને પછી પોતાની તલવારને.

"દ્વંદ્વનો આરંભ કરવામાં આવે!" ઉદ્દઘોષકની ઘોષણા સાથે જ દ્વંદ્વનો આરંભ થઈ ગયો.

સાત્યકી ઉતાવળમાં હોય એમ એને એક ક્ષણનો વિલંબ કર્યાં વિના મેઘનાની તલવાર હાથમાંથી છટકી જાય એ હેતુથી મેઘનાએ પકડેલી તલવારની મુઠની નજીક પોતાની તલવાર વીંઝવાની કોશિશ કરી. મેઘના એ એક ડગલું પાછળ હટી એની તલવારનો ઘા સરળતાથી પોતાની તલવારની મધ્યમાં ઝીલી લીધો.

જે કુનેહથી મેઘના આ કરવામાં સફળ થઈ હતી એ જોઈ સાત્યકી સમજી ગયો કે મેઘનાએ યુદ્ધકળામાં હમણાં જ તાલીમ મેળવી છે. જ્યારે વાનુરાનાં મેદાનમાં મેઘના જોડે મુલાકાત થઈ ત્યારે સાત્યકીને પોતાનાં માહિતી પ્રદાન કરતાં સ્રોતો જોડેથી જાણવા મળ્યું હતું કે મેઘનાને અગ્નિરાજે ખૂબ જ લાડકોડથી ઉછેરી છે અને ક્યારેય કોઈ શસ્ત્ર એને ઉપાડવા નથી દીધું. પણ જે રીતે મેઘના ઉત્તમ રીતે તલવાર ચલાવી રહી હતી એ જોઈ સાત્યકીએ અનુમાન લગાવ્યું કે હોય ના હોય રુદ્રએ જ એને તાલીમ આપી હોવી જોઈએ.

મેઘનાની સામે અડધી ઘડી સુધી સાત્યકી ખુબજ નિપુણતાથી એક પછી એક તલવારનાં ઘા કરતો રહ્યો જેને મેઘના ખુબજ સરળતાથી વિફળ બનાવતી રહી. મેઘના એક સ્ત્રી હોવાથી થોડા જ સમયમાં થાકી જશે અને પોતે યોગ્ય સમયે એક જોરદાર પ્રહાર વડે એને માત આપવામાં સફળ રહેશે એવી સાત્યકીની ગણતરી ખોટી પડી.

એક ઘડી જેટલો સમય વીતી ગયો. તલવારનાં અથડાવવાની સાથે બંને પ્રતિદ્વંદીઓનો ધ્વનિ આજુબાજુનાં વાતાવરણમાં એક ચોક્કસ સુરતાલ છેડી રહ્યો હોય એવું લાગતું હતું. આટલો સમય એક સ્ત્રી પોતાને ટક્કર આપી શકી એ સાત્યકી માટે અસહ્ય બાબત હતી. હવે મેઘના સામે સહેજ પણ ઢીલ નહીં મુકવાનાં ઈરાદાથી સાત્યકીએ પોતાનાં દરેક પ્રહારની ગતિ અને બળ વધારી દીધું હતું.

રુદ્ર સામે ઊભો રહી મેઘનાને રક્ષણાત્મક નીતિ ચાલુ રાખવાનો સંકેત કરી રહ્યો હતો. વીતતી દરેક પળ સાત્યકી માટે રઘવાટ પેદા કરનારી સાબિત થઈ રહી હતી. બે ત્રણ વખત તો સાત્યકીએ ગજબની યુદ્ધકુશળતાનું પ્રદર્શન કરતાં તલવારને પહેલાં પગની તરફ અને પછી માથાની તરફ ત્વરાથી વીંઝી પણ મેઘના પોતાની ઉમદા તકનીકનું પ્રદર્શન કરી એનો દરેક ઘા વિફળ બનાવવામાં સફળ સાબિત થઈ.

ક્રોધ અને થાક બંને હવે સાત્યકીનાં તન અને મનને ઘેરી વળ્યાં હતાં. દોઢ ઘડીથી પણ વધુ સમયથી ચાલતાં આ દ્વંદ્વમાં પોતે બધી જ તકનીક અપનાવી દીધી છતાં પોતાની સામે ઉભેલી મેઘના પોતાનો દરેક દાવ આસાનીથી વિફળ બનાવવામાં સફળ રહી હતી એ જોઈ સાત્યકીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ચૂક્યો હતો. વધારામાં દ્વંદ્વ જોવા એકઠાં થયેલાં લોકો દ્વારા કરવામાં આવી રહેલો મેઘનાનો જયકાર સાત્યકીના આત્મસમ્માનને ઠેસ પહોંચાડી રહ્યો હતો.

"હવે બહુ થઈ ગયું.!" પોતાની જાતને આટલું કહી સાત્યકીએ હવે મેઘનાને કોઈપણ ભોગે પરાસ્ત કરવાનું મન બનાવી લીધું.

પોતાનાં માથે સવાર થઈ ચૂકેલાં ઝનૂનને હવે યોગ્ય રૂપ આપવા સાત્યકીએ પોતાની તલવાર ઉપરની પકડ વધુ મજબૂત કરી અને પોતાનાં પગ સહેજ પાછા લીધાં. સાત્યકીની દરેક હરકતનું બારીકાઈથી નિરીક્ષણ કરતો રુદ્ર સમજી ચૂક્યો હતો કે સાત્યકી હવે શક્તિશાળી પ્રહાર કરવાનાં મૂડમાં છે. એને તુરંત જ મેઘનાને પ્રથમ ઢાલનો ઉપયોગ કરી એનો ઘા રોકવાનો અને બીજી જ ક્ષણે તલવારનો પ્રથમ ઘા એનાં ખભે અને બીજો ઘા તલવારની મુઠની નજીક કરવાનો સંકેત આપ્યો.

સાત્યકીએ રાની પશુની માફક ત્રાડ નાંખી પોતાની તલવારને ખૂબ જ વેગથી મેઘનાનાં વક્ષસ્થળ તરફ વીંઝી. મેઘના આ પ્રહાર માટે એકદમ સચેત હતી. એને તુરંત જ એક ડગલું જમણી તરફ ખસી પોતાનાં ડાબા હાથમાં પકડેલી ઢાલ વડે એનો પ્રહાર વિફળ બનાવી દીધો. સાત્યકીએ બધી જ શક્તિનો ઉપયોગ કરી આ પ્રહાર કર્યો હોવાથી એને હાથ પાછો લેવામાં જરુર કરતાં ત્રણ-ચાર ક્ષણ વધુ ખર્ચાઈ જવાનું નક્કી હતું.

મેઘનાએ ચપળતાથી આ વચ્ચે મળેલી ક્ષણનો લાભ લઈ સાત્યકીના ખભે તલવારથી ઘસરકો કરી મૂક્યો. હજુ સાત્યકી વધુ કંઈ સમજે એ પહેલાં તો મેઘનાએ પોતાની તમામ શક્તિ દાવે લગાવી પોતાની તલવાર વડે સાત્યકીની તલવારની મુઠની નજીક કસકસાવીને પ્રહાર કર્યો. ખભે થયેલી ઈજાનાં લીધે સાત્યકીની તલવાર પરની પકડ થોડી ઢીલી થઈ ચૂકી હતી એટલે પોતાની તલવારની મુઠ નજીક મેઘનાની તલવારનો પ્રહાર થતાં જ એનાં હાથમાંથી તલવાર છટકીને નીચે પડી ગઈ. સાત્યકી નીચે પડેલી તલવાર ઉઠાવે એ પહેલાં જ મેઘનાની તલવાર એની ગરદન પર આવી પહોંચી.

"રાજકુમારી મેઘનાની જય.. રાજકુમારી મેઘનાની જય.!" આ દ્વંદ્વનો અંત આવી ચુક્યો હતો એ જાણતાં પ્રેક્ષકો બનેલા તમામ લોકોએ મેઘનાનાં જયનાદથી વાતાવરણ ગુંજવી મુક્યું.

મેઘના સામે પોતાનાં આ રીતે પરાજય થશે એવો સ્વપ્નેય વિચાર નહોતો કર્યો એવું સાત્યકીનો ક્રોધ અને શરમથી ઝૂકેલો ચહેરો સાબિત કરી રહ્યો હતો.

"રાજકુમાર સાત્યકી, તમારાં રાજ્યની સ્ત્રીઓ પોતાને પુરુષ સમોવડી નથી ગણતી એનું કારણ છે તમારાં જેવા લોકોની નબળી વિચારધારા. બાકી સ્ત્રીઓ સમય આવે તો પુરુષો કરતાં પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે." ચહેરા પર વિજયસુચક સ્મિત સાથે મેઘનાએ બોલેલાં આ શબ્દો સાત્યકીને તલવારનાં ઘા કરતા પણ વધુ વાગ્યાં હતાં.

*********

દ્વંદ્વમાં મળેલી હાર પછી સાત્યકી માટે એક ક્ષણમાં રત્નનગરીમાં રોકાવવું શક્ય નહોતું. એને તુરંત પોતાનાં જોડે આવેલાં સેવકોને ઈન્દ્રપુર પ્રયાણ કરવા જણાવી દીધું. ઈન્દ્રપુર જવાની તૈયારીઓ ચાલતી હતી ત્યાં સાત્યકીની સાથે આવેલો એક સૈનિક દોડતો-દોડતો સાત્યકીની જોડે આવ્યો.

"રાજકુમાર, એક ખૂબ જ મહત્વના સમાચાર લઈને આવ્યો છું."

"બોલ, શું સમાચાર છે?"

"પરમદિવસે સાંજે રાજકુમારી મેઘનાનો અંગરક્ષક બૃહદનો પીછો કરતાં-કરતાં નગરની બહાર સુધી ગયો હતો.!"

"તને કોને કહી આ વાત?"

"હું આજે જ્યારે નગરની મુલાકાતે ગયો ત્યારે અમુક લોકોને મેં વાત કરતાં સાંભળ્યાં કે ચહેરા પર ધારદાર હથિયારનો ઘસરકો ધરાવતો એક સૈનિક ખૂબ જ ત્વરાથી વિશાખા ગામ તરફ ભાગી રહ્યો હતો. જેની પાછળ રાજકુમારીનો અંગરક્ષક હોવાનું એ લોકોનાં ધ્યાનમાં આવ્યું."

"બૃહદનો પીછો કરવાની નોબત એ અંગરક્ષકને કેમ આવી?"

"એ તો ખબર નથી રાજકુમાર કે એને બૃહદનો પીછો કેમ કરવો પડ્યો પણ નગરની બહાર વિશાખા ગામ તરફ જતાં રસ્તે આવેલી ટેકરી પર કોઈની સળગાવેલી ચિતા મળી આવી. મૃતદેહ તો પૂર્ણતઃ સળગી ચૂક્યો હતો પણ એનાં દેહાશ્મિમાંથી આ વસ્તુ મળી આવી છે."

આટલું કહી એ સૈનિકે સાત્યકીના હાથમાં એક સોનાની વીંટી મૂકી. આ વીંટીને જોતાં જ સાત્યકી ઓળખી ગયો કે આ વીંટી બૃહદની હતી. એ ચિતા બૃહદની જ હતી એ સમજાતાં સાત્યકીનું લોહી લાવાની જેમ ઉકળી ઉઠ્યું. અત્યારે જ રુદ્રની પાસે જઈ બૃહદની મોતનો બદલો લેવાનો વિચાર સાત્યકીને આવ્યો પણ એને તુરંત જ પોતાનાં ક્રોધ પર કાબુ મેળવી લીધો.

સાત્યકીએ મગજ પર જોર આપતાં વિચાર્યું કે રુદ્ર દ્વારા બૃહદનો પીછો થવો અને ત્યારબાદ બૃહદનો મોત થવું આનો અર્થ એ થતો હતો કે બૃહદ રુદ્ર માટે જોખમી બની ચૂક્યો હતો. આ જોખમ એટલે જ ઊભું થયું હતું કે એ રુદ્ર અને મેઘનાનાં સંબંધો વિશે જાણી ગયો હોવો જોઈએ. આ તર્ક કરતાં જ સાત્યકી સમજી ચૂક્યો કે મેઘના રુદ્રના પ્રેમમાં છે. જો આ વાત વધુ આગળ વધશે તો નક્કી પોતાનું પૃથ્વીલોકનાં સમ્રાટ બનવાનું સ્વપ્ન રોળાઈ જશે એ નક્કી છે.

"મારે આ અંગે મહારાજ અગ્નિરાજને જાણ કરવી પડશે.! હવે આગળ જે કરવું હશે એ અગ્નિરાજ જ કરશે." મનોમન આટલું કહી સાત્યકીએ તાત્કાલિક પોતાનાં સૈન્ય તથા સેવકોને પોતાની સાથે ઈન્દ્રપુર તરફ પ્રસ્થાન કરવા આદેશ આપ્યો.

*********

વધુ આવતાં ભાગમાં

સાત્યકી આગળ શું કરવાનો હતો? રુદ્ર અને એનાં મિત્રોની વાતચીત સાંભળનાર વ્યક્તિ કોણ હતો? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)