માનનીય બાપુજી,
આશા કરું છું કે તમે ત્યાં કુશળ મંગળ હસો અને માતા સ્વસ્થ હશે. આજે ૮ વર્ષ ના અબોલા પછી તમારા સાથે વાત કરવાની હિંમત નહોતી રહી. પરંતુ પરમ દહાડે તમારો પત્ર મળતા મન માં તમારી જોડે વાત કરવાની તીવ્ર ઇચ્છાએ આજે મન માં જોશ લાવ્યો.
આજે પણ મને એ દિવસ યાદ છે. ૮ વર્ષ પહેલા જયારે મેં ઘર છોડી ને તમને તરછોડ્યો હતો.તમને કડવા વેણ કહી કહી ને તમને અપમાનીત કર્યો હતો. તે વેણ આજે મારા નેણ માં તીર બનીને ખુંચે છે. માફી પણ માંગવાને હું લાયક નથી રહ્યો એ મારુ માનવું છે. પણ એ વાત ની તો મને હવે જાણ થઇ કે તમે તો મારા વર્તન નો કોઈ દોષ ક્યારેય રાખ્યો જ નથી જયારે મેં તમારો પત્ર વાંચ્યો.
સાચું જ કહ્યું છે જગત માં "પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ક્યારેય ના થાય"
હું આ વાત માનું છું કે માં બાપ આ ધરતી પર પોતાના બાળક ના ભગવાન છે એટલે જ કદાચ આજે તમને કહ્યા વગર મારી ખરાબ પરિસ્થિતી તમે જાણી લીધી. અને પત્ર સાથે ગામડે આવાની ટિકિટ પણ મોકલી દીધી. સરપંચ સાથે વાત કરીને પરવાનગી પણ લઇ લીધી. હજી પણ હું વિચારું છું કે તમને મારી ખરાબ પરિસ્થિતી ની જાણ કેમ થઇ? થઇ તો થઇ પણ એક વિશ્વાસ સાથે આટલી બધી મેહનત પણ કરી નાખી? કેમ જાણી લીધું તમારા મને કે હું તમારા પાસે આવવા ઝંખું છું?
જે ગામડા ને હું અપ્રગતિશીલ સ્થળ, જે ખેતી ના વ્યવસાય ને નૂકશાન અને જે પિતા ને હું અભણ અને મૂર્ખ માનતો રહ્યો એ જ આજે આ કોરોના ની વિકટ મહામારી માં મને પોતાના આલિંગન થી સુરક્ષિત કરવા માંગે છે.
મને વાંચી ને અતિશય આનંદ થયો છે કે તમે નવી નવી પદ્ધતિ ઓ થી ખેતી કરીને ખુબ આગળ વધ્યા. નવા નવા પરીક્ષણો અનોખી વાડિયો નું નિર્માણ કરી આજે એ બધી જમીનો પણ ખરીદી લીધી.અઢળક દોલત કમાવી ને આજે એક સંસ્થા પણ શરુ કરી દીધી, જ્યાં તમે નાના નાના ખેડૂતો ને સહાય અને નવી પદ્ધતિ નું શિક્ષણ આપી એમને આગળ વધવા માં સહાય કરો છો. ખેતી ને ખોખલી અને તમને મૂર્ખ માનનાર હું આજે ..........
મને હમણાં કહેતા જરા પણ શરમ નથી આવી રહી કે હું મૂર્ખ આ બધા ને તરછોડી ને મુંબઈ ની માયા માં અટવાયો છું. હા, ગામડા ને, પિતા ના ઘર ને તરછોડી ને અહીં નામ કમાવાની દોટ માં આજે નામ ગામ અને સાવ અસ્તિત્વ વગર નો હું મુંબઈ ને મધ દરિયે કિનારા વિનાની કાણા વાળી હોળ માં બેઠો છું. જ્યાં કિનારે પહોંચવા ની વાત તો દૂર પણ જીવન વિતાવવું પણ અઘરું બન્યું છે.
સાચું જ કહેતા હતા તમે બાપુ, એ આ નગરી ફકત જોવાને ન સારી છે વસાવાને નહીં. અહીં નો વસવાટ તમને આભ તો આપે છે પણ ધરણી સાથે નો સબંધ તોડી નાખે છે. આખરે આપણે મળવાનું તો માટી માં જ છે.
એમ નથી કે હું અહીં કારકિર્દી બનાવવા માં અસફળ રહ્યો છું. પરંતુ આજે એકલો થઇ ગયો છું. ૨૧ માળ ના આ મકાન માં LOCKDOWN થી પીંજારા માં ફસાયા નો અનુભવ થાય છે. FILM INDUSTRY માં આજે હું નામચીન DIRECTOR અને WRITER તો બની ગયો છું પરંતુ તેમ છતાંય મારા જ જીવન ની કથા અને વ્યથા નો ઉપાય મારી પાસે નથી. CORONA કાળ ના LOCKDOWN ના ચલતે આજે મારી આવક બંદ થઇ ગયી છે. અને મોટા ઘર નું ભારી EMI અને ખર્ચાઓ તો માથે તલવાર ની જેમ લટકે છે.આજે તમારું એ કહેલું સતત મગજ માં ભમ્યા કરે છે કે મુંબઈ માં મટકા ઓછા ને એના ભપકા ભારી છે. એ ભપકા થી હું અંજાઈ ગયેલો.
મારી કારકિર્દી ની સફળતા ની ઉજવણી ઓ માં મેં ક્યારેય તમને યાદ નહોતા કર્યા. કે ક્યારેય મારા અહંકાર ને ચલતે તમને એમાં સામેલ થવા માટે આમન્ત્રણ આપ્યું?. ઘમંડ માં ચૂર હું પોતાની બહેન ના લગ્ન માં પણ નોહોતો આવ્યો. ગામડે આવતા મને નાનમ લાગતી. પરંતુ મેં કદાચ વિચાર્યું પણ નહીં કે આજે આ કોરોના ની વિકટ પરિસ્થિતી માં તમે મને આ રીતના ટેકો આપશો.
પત્ર સાથે આશ્વાસન, આશીર્વાદ સાથે રોકડ રકમ અને ત્યાં આવવા માટે ની ટિકિટ જેથી હું મા ના હાથ નું સરખું જમી શકું અને શાંતી થી રહી શકું. એકલતા ને દૂર મૂકી ને પોતાના ઓ સાથે.
હું તો મારી જાત ને એ લાયક નથી સમજતો.પણ હવે હું આ સોનેરી તક ને ગુમાવા પણ નથી માંગતો. અહીં રહેવું મારા માટે હવે કઠિન છે એમાં કોઈ બીજો મત નહીં. કામવાળી ને હાથે ગોઠવેલું અને સજાવેલું ઘર આજે મને પહેલી જેવું કઠિન અને પરાયું લાગે છે. પ્રભુતા નો તો અહીં કોઈ વાસ જ નથી ફકત સુશોભન ના statue જ છે. જે મને સાચવતા પણ નથી આવડતા. કારકિર્દી ની દોટ માં પોતાનું કામાવેલું ક્યારેય પોતે ભોગવ્યું પણ નથી. પોતાનું જ મોટું મકાન પેહલી વાર શાંતી થી પોતે અત્યારે મેં જોયું છે. અને ખાતરી સાથે કહું છું કે સચવાતું નથી મારાથી. હવે તો lockdown ની આ પરિસ્થિતી માં અહીં કોઈ કાળે કોઈ મદત કરી શકે નહીં એમ છે. આ ક્યારે પૂરું થશે એનો પણ કોઈ અંદાજ નહીં.ખુલ્યા પછી પણ મારો પ્રોજેક્ટ પાછો શરુ થાય એની કોઈ Garantee નહીં. આર્થિક તાણ થી FILMO પર બહુ જ અસર થઇ છે. છેલ્લી ફિલ્મ ની પેમેન્ટ પણ હજી સુધી આવી નથી. પ્રોડ્યૂસર કહે છે કે LOCKDOWN ના કારણે FILM CINEMA માં આવી જ નથી એટલે નુકશાન થઇ ગયું છે.
મારી પીડા કહ્યા વગર સમજનાર ને આમ તો આ વિવરણ ની જરૂર નહોતી જ. પણ હવે પિતા સામે હૃદય છૂટું થવા ઉતાવળે ચડ્યો છે. મળવાની તલપ લાગી છે. પણ પગ શરમ અને ભૂલ ના અહેસાસ ના કારણે આગળ વધી નથી રહ્યા. મન માં પોતાના કુકર્મો ના કીડા ઓ કોડા મારે છે.
હું હવે તમને વધારે દુઃખી કરવા નથી માંગતો. કોરોના ના વિકટ પરિસ્થિતી માં તમે મને ત્યાં તેડાવાની મેહનત ને પણ પાણી ફેરવા નથી માંગતો એટલે તમારા આ પત્ર ને હું તમારો આદેશ માની, આજ્ઞા નું પાલન કરીશ.
ફોન પર વાત કરવાની હમણાં હિમ્મત નહોતી અને ત્યાં નેટવર્ક issue ને કારણે સરખી વાત કરી શકવી એ પણ શક્ય નથી. એટલે આ પત્ર નો માધ્યમ વધારે સારો લાગ્યો.
આ પત્ર તો અબોલા છુટા કરવા અને માફી માંગવા લખું છું. મારુ મન પણ હવે તમારી પાસે આવી જવા મથે છે. તમારો સહારો બનવા માટે સોચે છે.હું મારી મજબૂરી નહીં પણ મારી જરૂરિયાત અને ફરજ માટે ત્યાં આવા માંગુ છું. એટલે જ આ પત્ર લખી રહ્યો છું. તમારા વગર નિરાધાર તો હું હંમેશ જ રહીશ પણ હવે હું તમારો આધાર બની શકું એવા આશીર્વાદ ની યાચના કરું છું.
તમારો નાલાયક પુત્ર