રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 25 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 25

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૫

બૃહદ સાત્યકીનો ગુપ્તચર હતો એ જાણ્યાં બાદ રુદ્રને સમજાઈ ગયું હતું કે હોય ના હોય સાત્યકી અહીં બૃહદના કહેવા ઉપર જ આવ્યો હતો. બૃહદનો અંતિમ સંસ્કાર પૂર્ણ કરી રુદ્ર જ્યારે રાજમહેલ પહોંચ્યો ત્યારે મધરાતનો સમય થઈ ચૂક્યો હતો. રુદ્ર રાજમહેલમાં પ્રવેશતાં જ સીધો જ મેઘનાને મળવા એનાં કક્ષમાં પહોંચી ગયો. રુદ્ર મેઘનાનો અંગરક્ષક હોવાથી મેઘનાનાં કક્ષ બહાર ઊભેલાં સૈનિકોમાંથી કોઈએ એને રોકવાની કોશિશ ના કરી.

રુદ્રના આશ્ચર્ય વચ્ચે મેઘના હજુ પણ જાગતી હતી. રુદ્ર જેવો જ એનાં કક્ષનો દરવાજો બંધ કરી અંદર પ્રવેશ્યો એ સાથે જ મેઘનાએ એને પોતાનાં આલિંગનમાં લઈ લીધો.

"ક્યાં હતો તું? મને તારી બહુ ચિંતા સતાવતી હતી?" રુદ્રનો ચહેરો પોતાની હથેળીઓમાં લઈ બેતહાશા ચુંબન કર્યાં પછી મેઘનાએ લાગણીસભર અવાજે કહ્યું.

રુદ્રએ મેઘનાનો હાથ પકડી એને શાંતિથી પોતાની જોડે પલંગ પર બેસવા કહ્યું અને ત્યારબાદ બૃહદ અને સાત્યકી વિશેનાં સંબંધ વિશે જણાવ્યું. આ વાતની સાબિતીરૂપે રુદ્રએ બૃહદ જોડેથી મળેલી રજતમુદ્રા પણ મેઘનાને બતાવી. આ રજતમુદ્રાને મેઘના જોતાં જ ઓળખી ગઈ કે એ ઈન્દ્રપુરની રાજમુદ્રા છે.

"તો પછી સાત્યકી એ કારણથી અહીં આવ્યો છે કેમકે એને આપણાં બે વચ્ચેનાં સંબંધ વિશે ખબર પડી ચૂકી છે?" મેઘનાનાં અવાજમાં ઉચાટ સાફ વર્તાતો હતો.

"હા પણ અને ના પણ! હું આ વિષયમાં ચોક્કસ તો નથી પણ આવું થયું હોવાની શક્યતાઓ વધુ છે."

"તો હવે આપણે શું કરીશું રુદ્ર?"

"જ્યાં સુધી સાત્યકી અહીં રત્નનગરીમાં રોકાય ત્યાં સુધી આપણે આપણાં સંબંધો ઉપર પૂર્ણવિરામ મૂકી દેવું પડશે. સાત્યકી અહીં હાજર હોય ત્યાં સુધી તમે મારાં માટે રત્નનગરીનાં રાજકુમારી છો અને હું મહારાજ અગ્નિરાજ દ્વારા નિયુક્ત કરવામાં આવેલો આપનો અંગરક્ષક."

"તમારે સાત્યકી જોડે એ રીતે વર્તવું પડશે કે એની ઉપસ્થિતિથી તમને ઝાઝો ફરક નથી પડ્યો. એની જોડે સૌહાર્દભર્યું વર્તન રાખવાનું છે.

"સારું તો હું એવું જ કરીશ પણ..!" હજુપણ મેઘનાનાં મનમાં કંઈક ખચકાટ હોય એવું સાફ વર્તાતું હતું.

"તું ચિંતા ના કર, હું અંગરક્ષક હોવાનાં નાતે તારા પડછાયાની જેમ તારી જોડે જ રહીશ." મેઘનાનાં કપાળ પર પ્રેમભર્યું ચુંબન કરતાં રુદ્ર બોલ્યો.

"સારું તો હું અહીંથી જાઉં છું. શુભરાત્રી!" આટલું કહી રુદ્ર ફટાફટ કક્ષનાં દ્વાર તરફ અગ્રેસર થઈ ગયો. રુદ્રના જતાં જ મેઘના થોડી જ વારમાં ઘસઘસાટ સુઈ ગઈ.

************

પાતાળલોકમાં એકનાં બદલે ચાર દિવસની મહેમાનગતિનો આનંદ માણી જરા પણ પુનઃ રત્નનગરી આવી ચૂક્યો હતો. રુદ્રના જણાવ્યાં અનુસાર એ લોકોએ રાતે એકઠું થવાનું હોવાથી એને પોતાની પાતાળલોકની મુલાકાતનું વિવરણ એ જ સમયે આપવાનું નક્કી કરી લીધું. લાંબી મુસાફરીનાં લીધે થાકી ગયો હોવાથી જરા આવતાવેંત જ રત્નનગરીમાં પોતે ભાડેથી લીધેલાં મકાનમાં જઈને સુઈ ગયો.

રાતે રુદ્રએ જણાવેલી દરેક વાતનું અક્ષરશઃ પાલન કરી રહી હોય એમ મેઘના સવારે સામે ચાલીને સાત્યકીને મળવા ગઈ. રાતે મેઘનાની સુરક્ષામાં હજાર હોવાથી રુદ્ર આ સમયે મેઘના જોડે હાજર નહોતો, પણ એનાં બદલે રુદ્રનો વિશ્વાસુ દુર્વા મેઘનાની જોડે હાજર હતો.

"સુસ્વાગતમ રાજકુમારીજી.!" મેઘનાને પોતાનાં કક્ષમાં આવેલી જોઈ સાત્યકી પોતાનાં સ્થાનેથી ઊભાં થતાં બોલ્યો.

"રાજકુમાર સાત્યકીને રત્નનગરીનું આતિથ્ય પસંદ આવ્યું હશે એવી આશા રાખું છું." મેઘનાએ શાલીન સ્વરે કહ્યું.

"ખૂબ જ ઉમદા હતું આપનું અતિથ્ય, બસ આપની જ ઉણપ હતી." ચહેરા પર મોટાં સ્મિત સાથે સાત્યકીએ કહ્યું.

"આજનો દિવસ તમે રત્નનગરી રાજ્ય અને અમારું અતિથ્ય માણો. તમને વાંધો ના હોય તો આવતીકાલે આપણે બપોરે સાથે ભોજન લઈશું?" મેઘનાએ વિનયપૂર્વક કહ્યું.

"વાંધો અને મને? કોઈ કારણ જ નથી. અવશ્ય કાલે બપોરે સાથે ભોજન લઈએ." મેઘના તરફથી આવા મૈત્રીપૂર્ણ વ્યવહારની અપેક્ષા સાત્યકીએ નહોતી રાખી એ એનાં ચહેરાનાં ભાવ પરથી સ્પષ્ટ હતું.

"તો અત્યારે હું રજા લઉં. કાલે આપની રાહ રહેશે." મેઘનાએ સાત્યકીની સામે સ્મિત વેરતાં કહ્યું અને પછી ત્યાંથી નીકળી પોતાનાં કક્ષ તરફ આગળ વધી.

મેઘનાનાં ત્યાંથી જતાં જ સાત્યકી મનોમન બબડ્યો.

"આ સાલા હરામી બૃહદે નક્કી મનગડત ઉપજાવી કાઢેલો સંદેશો મોકલાવ્યો હોવો જોઈએ. અત્યારે જે રાજકુમારીનો વ્યવહાર છે એ પરથી તો એવું જરાય લાગતું નથી કે એમનાં મનમાં ખોટ હોય. એકવાર બૃહદ હાથમાં આવી જાય તો એની ખેર નથી."

*********

બીજાં દિવસે સાત્યકી જ્યારે મેઘના દ્વારા આપવામાં આવેલાં ભોજ પર પહોંચ્યો તો એ મેઘનાનું રૂપ જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયો. આછા ગુલાબી રંગના પરિધાનમાં મેઘના બાગમાં ખીલેલી કોઈ તાજા ગુલાબની કળીની માફક મનમોહન લાગી રહી હતી. હા એ વાત અલગ હતી કે આ દરમિયાન રુદ્રની હાજરી એને શૂળની જેમ ખટકી જરૂર હતી.

"રાજકુમાર, ખાસ આપનાં માટે મેં રસોઈયાને સૂચન કરી ઉત્તમ પકવાન બનાવ્યાં છે. આશા રાખું છું કે તમને બધું જમવાનું પસંદ આવશે." ચાસણીમાં ડૂબેલા મીઠાં સ્વરે મેઘનાએ કહ્યું.

"એ તો જોતાવેંત જ સમજાઈ ગયું હતું કે તમે આ બધું ખાસ મારાં માટે બનાડાવ્યું છે." મેઘનાને પારો ચડાવતાં સાત્યકીએ કહ્યું.

"તો પછી રાહ શેની જોવો છો. ભોજન ગ્રહણ કરો.!" મેઘનાએ આગ્રહ કરી સાત્યકીને ભરપેટ જમાડયો. મેઘનાનો પોતાની તરફનો આટલો સૌહાર્દપૂર્ણ વ્યવહાર જોઈ સાત્યકીને એવું લાગ્યું કે બૃહદે નક્કી એને ખોટી માહિતી પહોંચાડી હોવી જોઈએ.

મેઘના જોડે વાર્તાલાપ કરતાં-કરતાં સાત્યકીએ પેટભરીને ભોજન આરોગ્યું. જમવાનું પૂર્ણ કર્યાં બાદ સાત્યકીએ મેઘનાની સમક્ષ થોડો સમય ઉદ્યાનમાં જઈને ભ્રમણ કરવાનો પ્રસ્તાવ મૂક્યો. મેઘના બહાનું બનાવીને સાત્યકીના આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવાનું વિચારતી હતી પણ રુદ્રએ ઈશારાથી એને સાત્યકીની વાત માની લેવા કહ્યું. રુદ્રના કહેવાથી મેઘનાએ સાત્યકી સાથે થોડો સમય ઉદ્યાનમાં જવાની હામી ભરી દીધી.

જેવાં મેઘના અને સાત્યકી ઉદ્યાનમાં આવ્યાં એ સાથે જ સાત્યકીએ શક્ય હોય તો અન્ય લોકોને એ બંનેથી દુર રાખવાની વિનંતી કરી. આ અન્ય લોકોમાં રુદ્ર આડકતરી રીતે રુદ્ર પર નિશાનો સધાયો હતો. સાત્યકીને કોઈ શંકા ના જાય એ હેતુથી રુદ્ર ઉદ્યાનની બહાર જ રોકાઈ ગયો.

"બોલો રાજકુમારી, કેવી ચાલી રહી છે આપણાં વિવાહની તૈયારીઓ?" વાતચીતનો પ્રારંભ કરતાં સાત્યકીએ કહ્યું.

એકવાર તો મેઘનાને થયું કે સાફ શબ્દોમાં સાત્યકીને કહી દે કે પોતે એનાં જોડે વિવાહ કરવા નથી માંગતી. પણ આમ કરવામાં પોતાનાં પિતા અગ્નિરાજની શાખને હાનિ પહોંચશે એ વિચારી મેઘનાએ આ વાત મનમાં જ રાખી અને સાત્યકીના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું.

"એ તો હવે મહારાજ અને મહારાણી આવે પછી જ યોગ્ય રીતે શરૂ થશે અને મને નથી લાગતું કે એ લગ્નની નક્કી તિથિ પહેલા આવી શકે. હમણાં જ મહારાજનો સંદેશ હતો કે એમને આવતાં હજુ વધુ સમય લાગી શકે છે."

"કંઈ વાંધો નહીં. આટલાં વર્ષ તમારાં વગર કાપી જ લીધાં છે તો થોડાં મહિના વધે એમાં વાંધો શું?"

"એ તો હવે ભગવાનને જે મંજૂર હશે એ જ થાય. તમારું કે મારું એમાં કંઈ ના ચાલે."

"આમ તો એ સત્ય ખરું પણ સ્ત્રીઓ માટે લગ્ન પછી એનો પતિ જ એનો ભગવાન બની જાય. ખરાં હૃદયથી પોતાનાં પતિની સેવા કરવી એ જ દરેક સ્ત્રીનો પત્નીધર્મ છે."

"તમારાં કહેવાનો અર્થ એમ કે સ્ત્રીઓએ લગ્ન બાદ પોતાની અંગત સ્વતંત્રતા વિશે વિચારવાનું જ નહીં."

"મારાં કહેવાનો અર્થ સીધો આ તો નહોતો જ. છતાં આની આસપાસ હતો એ નક્કી છે. આમ પણ લગ્ન પછી દરેક નિર્ણયો લેવાની સત્તા પુરુષના હાથમાં જ હોય છે."

"તમારાં વિચારો બહુ જુનવાણી પ્રતીત થાય છે રાજકુમાર સાત્યકી!" કટાક્ષભેર મેઘના બોલી.

"મારાં વિચારો જુનવાણી? અરે મેં તો સત્ય જ કહ્યું છે. સ્ત્રીઓ પુરુષોની સરખામણી ક્યારેય કરી શકે એ સંભવ જ નથી."

"જે સમાજમાં શ્રીરામ પહેલાં માં સીતાનું નામ લેવાય ત્યાં તમારાં મોંઢેથી બોલાયેલું કથન અશોભનીય છે." મેઘનાનાં અવાજમાં રોષ ઉતરી આવ્યો હતો. સ્ત્રીઓને પુરુષોની દાસી ગણવી એ મેઘના માટે અસહ્ય વસ્તુ હતી.

"એ ભગવાન હતાં અને આપણે સામાન્ય મનુષ્ય છીએ. એટલે મેં જે કહ્યું એ શબ્દો પર હું કાયમ છું. બાકી તમે જ કહો કે કોઈ પુરુષની માફક કોઈ સ્ત્રી યુદ્ધમાં શસ્ત્ર ચલાવવામાં સમર્થ ખરી?" સાત્યકીને હતું કે એનો આ પ્રશ્ન મેઘનાને નિરુત્તર કરી મુકવા સક્ષમ હતો. પણ એ ભૂલી ગયો હતો કે આ કોઈ સામાન્ય યુવતી નહીં પણ મેઘના હતી.

"સ્ત્રીઓ શસ્ત્ર ચલાવવામાં પણ સમર્થ છે અને પોતાનાં દુશ્મનોને મોતને ઘાટ ઉતારવામાં પણ!" મેઘનાનો અવાજ એટલો ઊંચો હતો કે થોડે દુર ઉભેલો રુદ્ર અને અન્ય સૈનિકો એનાં શબ્દો સાફ-સાફ સાંભળી શક્યાં.

"આટલું બધું અભિમાન સારું નહીં રાજકુમારી."

"આ અભિમાન નથી, સ્વાભિમાન છે. સ્ત્રીઓની ગરિમાનો પ્રશ્ન હોય તો મારી વાત પર અડગ છું કે સ્ત્રીઓ પુરુષોથી સહેજ પણ ઓછી નથી."

"લાગે છે તમને કોઈ સાચો મર્દ મળ્યો નથી?" મૂછમાં હસતાં સાત્યકીએ કહ્યું.

"પોતાની જાત પર તમને વધુ પડતો ઘમંડ હોય એવું પ્રતીત થતું લાગે છે રાજકુમાર.. જો એવું જ હોય તો હું તમને દ્વંદ્વ માટે લલકારું છું." મેઘનાનાં આમ બોલતાં જ સાત્યકી અવાચક થઈ ગયો.

"મજાકની એક હદ હોય રાજકુમારી!"

"હું મજાક નથી કરતી, આવતીકાલે સવારે બીજા પહોરની પ્રથમ ઘડીએ અહીં જ ઉદ્યાનમાં બનેલાં મેદાનમાં આપણી મુલાકાત થશે. આશા છે કે આજનો દિવસ પર્યાપ્ત હશે પૂર્વ તૈયારી માટે!" આટલું કહી મેઘના પોતાનાં કક્ષ તરફ ઝડપભેર અગ્રેસર થઈ.

મેઘનાએ પોતાને સાચેમાં દ્વંદ્વ માટે પડકાર ફેંક્યો હતો કે પછી કોઈ મજાક કરી હતી એ જ સાત્યકીને નહોતું સમજાઈ રહ્યું. એ તો બાધાની માફક પોતાની જગ્યાએ જડવત ઊભો મેઘનાને અને એની પાછળ જતાં અંગરક્ષક વીરા એટલે કે રુદ્રને જોતો રહી ગયો.

**********

વધુ આવતાં ભાગમાં

સાત્યકીના ઓચિંતા આગમનનું શું પરિણામ આવશે? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)