ઘણા લોકો દિવસની શરૂઆત રાશિ-ભવિષ્ય વાંચીને કરતા હોય છે. આજે એ બાબતે મારો નાનકડો અનુભવ શેર કરવો છે. અહીં મારો હેતુ ભારતના સદીઓ પુરાણા અને અમૂલ્ય જ્યોતિષશાસ્ત્ર વિશે ટિપ્પણી કરવાનો જરાય નથી.રાશિફળ વાંચ્યા પછી આપણું માઈન્ડ દિવસ દરમિયાન કેવી રીતે વર્તે છે, એ દર્શાવવાના પ્રયાસો કર્યા છે.
આપણે ન્યૂઝપેપર અથવા ટીવીમાં રાશિ ભવિષ્ય જોઈને આજનો દિવસ કેવો પસાર થવાનો છે તેની અટકળો લગાવતા હોઈએ છીએ. રાશિ-ભવિષ્યમાં આપેલ પાંચ-છ વાક્યોની સલાહ વાંચ્યા પછી બે સંભાવના રહેલ હોય છે. કા'તો દિવસ સારો જશે અથવા દિવસ ખરાબ જશે એવું આપણે માની લેતા હોઈએ. આમ, આખા દિવસનું તારણ કાઢવાનો આધાર રાશિફળમાંના પોઝિટિવ અને નેગેટિવ વાક્યો પર હોય છે.
પહેલા આપણે નેગેટિવ વાક્યો ઉપર ચર્ચા કરીએ...
જેમકે કોઈના રાશિફળમાં લખેલ હોય કે "વાદ-વિવાદથી બચવું..." આ વાંચતા જ આપણું મન એક ધારણા બાંધી લેતું હોય છે, કે આજે વાદ-વિવાદ થવાનો છે પણ મારે તેનાથી બચવાનું છે. આપણું મગજ સતત એ જ વિચારેશે કે મારે આ નથી કરવાનું, પણ દિમાગ બહુત કુતી ચીઝ હૈ જે નથી કરવાનું એ પહેલાં કરશે...સતત ના કરવાના વિચારમાં આપણે ક્યારે વાદ-વિવાદમાં ઉતરી પડીશું એનું આપણને પણ ભાન નહિ રહે અને પછી ખબર પડશે કે મારાથી તો ના થવાનું થઈ ગયું, રાશિ-ભવિષ્ય તો સાચું પડ્યું.
"કોઈનાથી દુઃખી ન થવું" આ વિધાન પણ રાશિફળમાં ઘણીવાર નજરે પડતું હોઈ છે. તેનાથી મનમાં તરત જ ધારણા બધાંતી હોય, કે આજે મને કોઈના દ્વારા દુઃખ પહોંચવાનું છે...આ એક વિચારના ચક્કરમાં આપણે આખો દિવસ ખુશ રહેવાનું ભૂલી જતા હોઈએ છીએ. દિવસ દરમિયાન બધાની વાતને બારીકાઇથી ઓબ્સર્વ કરતા હોઈએ. ઘણીવાર એવું પણ બને કે આપણા સ્નેહીજન કે હિતેચ્છુની દરેક વાત આપણને ના ગમે. તેમનો ઈરાદો આપણને દુઃખી કરવાનો જરાય ના હોય પણ આપણે એવું માની લઈએ અને રાશિફળ સાચું જ છે એવો અનુભવ પણ થાય.
ઘણીવાર રાશિફળમાં લખ્યું હોય, મનમાં ઉચાટ રાખવો નહિ...મતલબ કોઈની વાતનો બોજ દિલ ઉપર લઈને રાયનું પહાડ ના કરવું. સવારના ન્યૂઝપેપરમાં વાંચેલી સલાહ જો યોગ્ય સમયે યાદ આવી જાય તો આપણે કોઈ સાથે ઝઘડતા બચી શકીએ. પરંતુ નેગેટિવ વિચારો અને મનુષ્યનો સ્વભાવ તદ્દન અલગ છે. જેટલા નેગેટિવ વિચારોથી મગજ ભરચક રહેશે. આસપાસ એટલું જ નેગેટિવ વાતાવરણ અનુભવાશે અને રાયનું પહાડ થવાની સંભાવના વધી જશે.
રાશિફળમાં ઘણીવાર બધું જ નેગેટિવ હોય છે જેમ કે આર્થિક સંકટ અનુભવાય, ગૃહવિવાદ ટાળવો, આવક-જાવકનું સંતુલન જાળવવું, તબિયત નરમ-ગરમ જણાય...આગલો દિવસ એકદમ આંનદીત પસાર થયો હોય અને આજનો દિવસ પણ શાંતિથી પસાર થવાનો હોય છતાં આવું રાશિફળ વાંચ્યા પછી સ્વાભાવિક રીતે કોઈ પણ મનુષ્ય થોડીક ચિંતા અનુભવે જ. તબિયત સારી જ હોય છતાં આખો દિવસ ટેન્શનમાં પસાર થવાથી જો થોડી નરમ-ગરમ જણાય તો તેને રાશિફળ સાચું લાગયાનો અહેસાસ થશે.
હવે વાત કરીએ પોઝીટીવ વાક્યોની...
રાશિફળમાં ઘણા બધા પોઝિટિવ વાક્યો પણ હોય છે, જેમકે પ્રિયજન સાથે સારો સમય પસાર થઈ શકે, અંગત સંબંધોમાં મીઠાસ અનુભવાય... આવું રાશિફળ વાંચતા જો પ્રિયજન સાથે નોક્ઝોક થઈ હોય તો પણ વાત કરીને પહેલ કરવાની ઉર્જા મળશે અને સંબંધોના નવા શિખરો સર કર્યાનો અહેસાસ થશે.
ચિંતા હળવી બને, મહેનત રંગ લાવે, આરોગ્ય સુધરે...
આટલું પોઝિટિવ રાશિફળ ખરેખર ચિંતા દૂર કરી શકે અને કોઈ પણ કામ પ્રત્યે આપોઆપ પૂરું કરવાની પ્રેરણા મળશે. આરોગ્ય જો નરમ-ગરમ હશે તો પણ ઠીકઠાક થઈ જશે.
એકવાર આ પ્રયોગ જરૂરથી ટ્રાય કરજો. આખા દિવસનો સારો કે ખરાબ ગમે તેવો અનુભવ કર્યા પછી દિવસના અંતે રાત્રે સૂતી વખતે રાશિફળ વાંચજો અને તેમાંથી કેટલું સત્ય હતું તેની ચકાસણી કરજો. મારા અનુભવ મુજબ રાશિફળમાં આપેલ પાંચ કે છ વિધાનમાંથી માંડ એક કે બે વિધાન જ ખરેખર સાચા છે તેવું લાગશે.
હું અહી રાશિફળ કે જ્યોતિષશાસ્ત્ર તદ્દન ખોટું છે એવું નથી કહેતો. મને તો એ બાબતની જાણકારી પણ નથી. એ તો બહુ ઊંડો અને ખરેખર પ્રખર વિષય છે. સુખ-દુઃખ કે દિવસ સારો જશે કે ખરાબ એનો આધાર ટોટલી આપણા મગજ અને વિચારો ઉપર રહેલો હોય છે. જો આપણે મગજને પોઝિટિવ માઇન્ડસેટ સાથે કન્ટ્રોલ કરતા શીખી જઈએ તો રાશિફળ જોવાની જરૂર જ ક્યાં છે !
Be positive, Stay healthy and All is Well...!
-sK'ink