Hadvo sparsh books and stories free download online pdf in Gujarati

હળવો સ્પર્શ

' હળવો સ્પર્શ '

🥀🥀🥀🥀

આજ પુરા હોસ્પિટલમાં અફરાતફરી મચી ગઇ હતી . નવમા ધોરણમાં ભણતા નીતિશે આજે સ્યુસાઇડ કરવાની કોશિશ કરી હતી .
ત્રણ-ત્રણ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝના માલિક સતીશ શાહનો એકનો એક દીકરો ...
થોડા સમયમાં તો આ સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા . લોકોને તો મસાલો મળી ગયો . ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો .
ચર્ચાઓ કૈક આવી હતી .... ,
' એને વળી શેનું દુઃખ હશે ? ' એ પણ અટલી નાની ઉંમરમાં ?
અઢળક જાહોજલાલીમાં સ્નાન કરી શકે એટલો તો પૈસો હતો .
ખાવું , પીવું , રહેવું , સૂવું બધી જ બાબતમાં એશોઆરામની જિંદગી હતી . ખબર નહિ શુ હશે ...!! '
◆◆◆◆
હોસ્પિટલમાં સ્ટાફની અવરજવર ચાલુ હતી . નીતિશને બચાવવાની કોશિશ સંપૂર્ણપણે ચાલુ હતી .

હોસ્પિટલના વી.આઇ.પી . રૂમમાં ચિંતાગ્રસ્ત માતા-પિતા અને સતીશના ખાસ કહી શકાય એવા બેચાર મિત્રો હાજર હતા .એક મિત્રએ સતીશના ખભે હાથ મુકી આશ્વાસન આપતા બોલ્યો ' સતીશ ધીરજ રાખ બે-ચાર કલાકમાં બધુ ઠીક થઈ જશે . ડૉક્ટર્સની પુરી ટિમ મહેનત કરી રહી છે .

મિત્રનું વાક્ય પૂરું થતા જ સતીશ
તાડુક્યો ' અરે એ તો ઠીક થઈ જ જશે . અત્યારે હું ધારું તો સારામાં સારા ડો.ને ઉભા કરી શકું એમ છુ . પણ સાલ્લુ મારા આ સ્ટેટ્સનું શુ ? ,
લોકો શુ વાત કરશે ? આવુ પગલું ભરતા પહેલા એણે જરાપણ વિચાર ના કર્યો .? મારુ નામ , મારી આબરૂ .... હદ કરી દીધી એણે તો...

હજુ વાક્ય પૂરું થાય એ પહેલાં પત્ની તાડુકી ઉઠી ' બસ હવે બહુ થયું ...એકદમ ચૂપ....
લગ્નના આટલા વર્ષો સુધીનું દબાયેલું મૌન ગરજી ઉઠ્યું , સતીશ સહિત ત્યાં ઉભેલા એના મિત્રો સ્તબ્ધ બની જોઈ રહ્યા .
' દરેક બાબતમાં સ્ટેટ્સ .... સ્ટેટ્સ...
' આરતી ઉતારું તમારા સ્ટેટ્સની ? ' ઘરમાં પણ ડગલે ને પગલે ડિસીપ્લીન , સવારના ઉઠવાથી માંડીને રાતના ક્યાં ટાઈમે સૂવું , કઈ રીતે ઉઠવું , બેસવું , જમવું , કેવું જમવું...શુ જમવું , કેમ બોલવું.... હદ તો તમારા સ્વભાવની થઈ ગઈ છે . મિ. સતીશ શાહ ...
બોલતા બોલતા શ્વાસ ભરાય ગયો એટલે અટકી અને બોલી ... ' પણ રહેવા દો આ બધુ હું કોને કહી રહી છું ? એક ઇન્ડસ્ટ્રીઝના માલિકને કે પછી એક લાગણીવિહીન પિતાને ....
ખેર ... તમને નહિ સમજાય... બોલતા -બોલતા દરવાજાની બહાર નીકળી ગઈ ...વી.આઈ.પી.રૂમની અંદર એક શાંત સન્નાટો છવાઈ ગયો ...

આટલા વર્ષે પોતાની પત્નીનો રોષ ભર્યો ચહેરો જોઈ સતીશ ડઘાઈ ગયો . મિત્રો સામે પોતાની આબરૂની ધજજીયા ઉડી હતી .

નિતીશની મમ્મી રૂમની બહાર નીકળી મનની વરાળને શાંત કરવા ઠંડા પાણીનો ગ્લાસ ગટગટાવી ગઈ... આજ એને પોતાના બોલવા ઉપર કોઈ રંજ નહોતો . પુરી જિંદગી પોતે અને પુત્ર નીતીશ બંને જણાં પતિમહોદયની તાનશાહીમાં જ જીવ્યા હતા .
લાગણી ,પ્રેમ , સંવેદના એ બધુ તો સતિશની સમજની બહાર હતું . એના માટે તો સમાજમાં ફક્ત પોતાનું નામ ચાલતું રહે બસ...
અનાથાશ્રમ , વૃદ્ધાશ્રમ બધી જગ્યાએ લાખોની સહાયતા કરતો , એ પણ ફક્ત નામ માટે...
અમુક સમયે ન્યૂઝપેપરની હેડલાઈનમાં એના ફોટાઓથી ભરેલી જ હોય ...
નીતીશના ભણવા ઉપર પણ કાયમ રોકટોક ચાલુ જ રહેતી . ફેક્ટરીમાંથી થોડી થોડીવારે ફોન આવ્યા જ કરે .. ' સતીશ ભણવા બેઠો ? એના હાથમાં ક્યાં વિષયનું પુસ્તક છે ?

પત્ની અને પુત્રની આસપાસ કાંટાળી વાડ વાવી દીધી હતી .પોતાની રીતે જીવવા કે વિચારવા માટે કોઈ રસ્તો જ નહોતો . માં-દીકરા બંનેનું જીવન અંદરને અંદર રૂંધાય રહ્યું હતું .

નીતિશના ભણતર બાબત સ્કૂલમાંથી શિક્ષકો ફોન કર્યા કરતા . ' મિ. સતીશ તમારો દીકરો દિવસે ને દિવસે ભણવામાં નબળો થતો જાય છે . મંથલી એક્ઝામમાં પણ બે/ત્રણ માર્ક્સ સુધી આવીને અટકી જાય છે .
જેવા સ્કૂલમાંથી ફોન આવે અને સતીશનું ભાષણ શરૂ થઈ જતું .
▪️ ડૉક્ટર્સની અવાજ આવતા જ નિતીશની મમ્મી તંદ્રામાંથી એકદમ જાગૃત થઈ . એ દોડીને એમની તરફ ગઈ .. ' સર શુ થયું ? મારો નીતીશ ઠીક તો થઈ જશે ને ? '

ડોન્ટ વરી મેમ , ' એના શરીરમાં ફેલાયેલું જહર કાઢવામાં અમે સફળ રહ્યા છીએ . પરંતુ અમારે હજુ આઠ-દસ દિવસ અહીં અન્ડર ઓબ્ઝર્વેશન માટે રાખવો પડશે .

' હું એને મળી શકું છું સર... ? '

' હા , હા ચોક્કસ , પણ હમણાં કોઈ સવાલ નહિ કરતા.. '

' જી સર...'
◆◆◆◆
નીતીશ જે સ્કૂલમાં હતો એ સ્કૂલનું નામ શહેરમાં મોખરે હતું . સ્કૂલના પ્રિન્સીપાલનો દીકરો પલાશ એ નીતિશનો ખાસ મિત્ર હતો .બંને બાળગોઠીયા હતા . એક જ ક્લાસ , એક જ બેન્ચમાં બેસવાનું , લંચબોક્સની થતી આપલે ... ,
નિતીશની ગેરહાજરીથી એનુ મન બેચેન રહેતું હતું .પોતાના મિત્રની આ મનોદશાનું કારણ પોતે સમજી ચુક્યો હતો . રોજબરોજની વાતોમાં એના પિતાએ કરેલા આક્ષેપોની ચર્ચા અચૂક નીકળતી જ..

પલાશનો ચહેરો જોઈ પિતા સમજી ગયા હતા . પોતાના દીકરાની બાજુમાં બેસી હાથ ફેરવતા બોલ્યા ...
દીકરા , ' નીતીશને થોડા દિવસમાં સારું થઈ જશે . આવતીકાલે રવિવાર છે , એવું હશે તો કાલે તને મળવા લઈ જઈશ .બીજે દિવસે બાપ દીકરો બંને હોસ્પિટલ પહોંચી ગયા . નિતીશની મમ્મીએ હાથ જોડી નમસ્તે કર્યું ...
પલાશને જોતા જ નીતીશના ચહેરા પર રોનક આવી ગઈ . એના હોઠ પર સ્મિત ફરકી ઉઠ્યું .
નીતિશનો હાથ હાથમાં લેતા સર બોલ્યા ... ચાલ દીકરા હવે સ્કૂલ તારી રાહ જોવે છે . ક્યારથી આવે છે બોલ ?? બોલીને હસવા લાગ્યા ,

સ્કૂલનું નામ પડતા જ નીતીશનો ચહેરો ઝાંખો પડી ગયો . એનો ચહેરો જોતા જ સર બોલ્યા ...
' તને એક વાત કહું દીકરા ?
'તારા કલાસટીચરને તારી કેટલી વેલ્યુ છે એની તને ખબર છે ? ,
તારા સમાચાર સાંભળી સૌથી વધારે દુઃખી થયા હોય તો એ પરાગ સર..
એમનો અકળાઈ ઉઠેલો ચહેરો જોઈને મેં પૂછ્યું હતું ' શુ વાત છે ? તમારી તબિયત તો સારી છે ને ..? ' ,

પરાગ સર પેલા તો ચોંકી ઉઠ્યા અને બોલ્યા ' અરે ના સર... આ તો નીતીશના સમાચારથી મન અકળાઈ ઉઠ્યું છે . ખબર નહિ પણ ભણવામાં એનું ચિત્ત કેમ નથી એ સમજાતું જ નથી . એની નોટબુકનું કામ જુવો તો એકદમ નિટ એન્ડ ક્લીન , સુંદર મજાના મરોડદાર અક્ષરો સાથેનું લખાણ ..એક એક વસ્તુ સમજીને લખતો હોય છે .
પરંતુ જ્યારે કોઈ સવાલ પૂછું ત્યારે એનો ચહેરો અકળાયેલો , ગભરાયેલો જ લાગે છે . માસિક પરીક્ષાઓમાં બસ વિચારતો બેઠો રહેતો હોય છે .
એના વગર તો મને પણ કલાસમાં મન નથી લાગતું . તારા જ ક્લાસ ટીચરને તારા પ્રત્યે કેટલો પ્રેમ છે એની તને ખબર પણ છે ???? '
એવું હોયતો હવેથી પલાશ સાથે ઘેર આવી જજે , તું અને પલાશ બંને સાથે અભ્યાસ કરજો .
ધીમી અવાજમાં થઈ રહેલો સંવાદ નીતીશના પિતાના કાનમાં અથડાય રહ્યો હતો . પોતાના પુત્રની સાવ અડોઅડ બેસી અને માથે હાથ ફેરવતા એ ખરા અર્થમાં તો સ્કૂલના પ્રિન્સિપાલ અને એક મિત્રના પિતા હતા . જેનો પ્રેમાળ હાથ પોતાના દીકરાના માથા પર ફરી રહ્યો હતો .
બંને વચ્ચેનો પ્રેમભર્યો વાર્તાલાપ ચાલતો જોઈ રહ્યો હતો .
શહેરની ટોપ મોસ્ટ સ્કૂલના પ્રિન્સિપાલ હોવા છતાં એમની વાત કરવાની છટ્ટા જોઈ નીતીશના પિતાનું મન ભોઠપ અનુભવવા લાગ્યું .
ઉભા થતી વખતે જતા જતા નીતીશના ગાલ પર પ્રેમાળ ચુંબન કરી બોલ્યા ' ગેટ વેલ સુન માય ડિયર ચાઈલ્ડ '

◆◆◆◆

નીતીશ પુરી રીતે સ્વસ્થ થઈ ઘેર આવી ચુક્યો હતો . સ્કૂલ જવાનો ક્રમ ધીરે ધીરે શરૂ થઈ ગયો .
માસિક પરીક્ષાના માર્ક્સ માં ફેરફાર થવા લાગ્યો . એક , એક નંબર વધવા લાગ્યા . પંદર માંથી બે-ત્રણની જગ્યાએ આઠ , દસ , બાર વધવા લાગ્યા . અંતે વાર્ષિક પરીક્ષા આવી ચૂકી ... અને પછી રિઝલ્ટ ...
આજે તો રિઝલ્ટ લેવા મમ્મીની સાથે પપ્પા પણ હાજર હતા .
નીતીશ પંચોતેર ટકા સાથે પાસ થયો હતો . ચહેરા પર ખુશીની લહેરો દોડી રહી હતી .એ દરમ્યાન કલાસમાં પલાશ પણ હાજર હતો .હરખના આસું સાથે એ પણ નીતિશને ભેટી પડ્યો .
દરેક બાળકને જરૂર હોય છે બસ ,એક હુંફાળા અને હળવા સ્પર્શની , થોડા થોડા સમયાંતરે એમને મોટીવેટ કરવાની ...
નીતીશને મોટીવેટ કરવામાં મુખ્ય ફાળો હતો પલાશ , ક્લાસટીચર પરાગ સર અને પ્રિન્સિપાલ સરનો ...
અને હવે તો નીતીશ અને એના મમ્મીની આસપાસ રહેલી કાંટાળી વાડ પણ હટી ચુકી હતી .
મિ. સતીશ શાહનો અહંકાર બળીને ભસ્મ થઈ ચૂક્યો હતો .
ઇન્ડસ્ટ્રીઝના માલિક તો હતા જ પરંતુ હવે ઘરમાં એક પ્રેમાળ પતિ અને પિતા બની ચુક્યા હતા .
ઘરને સાચા અર્થમાં ઘર બનાવવા માટે બસ જરૂર હોય છે એક લાગણીભર્યા ' હળવા સ્પર્શની '

💞💞💞💞

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED