સમાંતર - ભાગ - ૮ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૮

સમાંતર ભાગ-૮

આપણે આગળના ભાગમાં જોયું કે કેવી ખૂબસૂરત પળો ઝલક અને રાજના દીકરા દેવના જન્મનું નિમિત્ત બને છે અને એજ દેવ આગળ જતા ઝલક અને નૈનેશની મુલાકાતનો નિમિત્ત બને છે. બેચેન નૈનેશ કયા પ્રોમિસના લીધે ઝલકને મેસેજ કરતા અટકી જાય છે અને નૈનેશના નમ્રતા જોડે લગ્નજીવનની શરૂઆતના સંજોગો કેવા હોય છે, હવે આગળ..

*****

રાતના લગભગ 3 વાગી ગયા હોય છે. ઝરમર વરસાદ આવીને અટકી ગયો છે ને વાતાવરણમાં સખત બફારો હોય છે. નૈનેશ રૂમમાં જાય છે, એક વાર ફરી વોટ્સઅપ ખોલે છે અને ઝલકને મેસેજ ટાઈપ કરે છે.

"હાઈ બેસ્ટ ફ્રેન્ડ ફોર એવર..
ઘણો લાંબો રહ્યોને આજનો દિવસ.!? જોને રાતના 3 વાગી ગયા અને હજી પણ દિવસ જ ચાલે છે મારે તો.! શું કરું.!? ઊંઘ જ નથી આવતી.. આખા દિવસમાં કેટલીયે વાર મોબાઈલ હાથમાં લીધો, ક્યારેક તારો મેસેજ આવ્યો છે કે નહીં એ ચેક કરવા તો ક્યારેક તને મેસેજ કરવા. પ્રોમિસ તો આપી દીધું એક અઠવાડિયું વાત નહીં કરવાનું પણ હવે મારા માટે પરિસ્થિતિ અસહ્ય બની રહી છે, માટે સોરી હું આ પ્રોમિસ તોડી રહ્યો છું.! પણ જાણે છે ને તું હું તારી જોડે મારું રુટિન શેર ના કરું તો મને ચેન ના પડે.!
ગુડ નાઈટ..!"

મેસેજ ટાઈપ કર્યા પછી નૈનેશને થોડું સારું લાગ્યું, એ મેસેજ સેન્ડ કરવા જ જતો હોય છે ને એને યાદ આવે છે કે, ઝલકે એને કહ્યું કે, એવી કોઈ અગત્યની વાત હોય તો નોટ્સમાં લખી રાખવી અને અઠવાડિયા પછી એકબીજાને બતાવવી. એ મેસેજ સેન્ડ કર્યા વિના વોટ્સએપમાંથી કોપી કરીને ડિલીટ કરે છે અને ફોનમાં નોટ્સ ઓપન કરીને ત્યાં પેસ્ટ કરે છે. એને મનોમન થોડું હસવું આવી જાય છે કારણ કે એણે ક્યારેય વિચાર્યું નહતું કે આ એપ્લિકેશનનો એ આવો પણ યુઝ કરશે.!

"મિલનમાં લાગતો ટૂંકો સમય જુદાઈમાં લંબાઈ જાય,
આ જ તો લાગણીઓ છે જે સમયમાં માપાઈ જાય."

મનના વિચારો લખી લીધા પછી નૈનેશને થોડો ભાર હળવો થયો હોય એવું લાગે છે અને ફોન સાઈડમાં મૂકીને એ ઊંઘવા પ્રયત્ન કરે છે.

"નૈનેશ ઉઠ તો હવે.. નવ વાગવા આવ્યા." નૈનેશની ચાદર ખેંચતા નમ્રતા લાડમાં બોલી..

"ઓહ.!! આટલું બધું મોડું.!? તેં મને ઉઠાડ્યો કેમ નહીં.!? હવે તો તૈયાર થઈને સીધા ઓફિસ જ જવું પડશે.." નૈનેશ થોડા ઊંઘરેટા અવાજમાં બોલ્યો...

"હું બે વાર આવી હતી તને ઉઠાડવા. પણ તું એકદમ ગાઢ ઊંઘમાં હતો. મન જ ના થયું તને ખલેલ પહોંચાડવાનું. શું થયું.!? તબિયત તો બરાબર છે ને.!? નમ્રતાના અવાજમાં ભારોભાર ચિંતા દેખાતી હતી..

"હમમ.. રાતે ઊંઘ ના આવી બરાબર." જાણે રાતની વાત નમ્રતા જાણે છે કે નહીં એ કળવા પ્રયત્ન કરતો હોય એમ નમ્રતા સામુ જોતા નૈનેશ બને એટલી સહજતાથી બોલ્યો..

"મોડા સુધી રાતે મોબાઇલ મચડયો હશે.! પછી ક્યાંથી આવે જલ્દી ઊંઘ.!" નમ્રતા રોજ જેવી જ એક સ્ત્રી સહજ મોબાઈલની ફરિયાદ કરતા નૈનેશની નજીક જાય છે અને એના કપાળે હાથ મૂકીને એને તાવ તો નથીને એ તપાસે છે. નૈનેશ એનો કપાળે મૂકેલો હાથ પકડી લે છે અને હથેળીમાં ચુંબન કરે છે.

"ઊઠ હવે.! પછી મોડું થશે તો નાસ્તો કર્યા વિના ભાગી જઈશ." ખોટો છણકો કરતાં નમ્રતા બોલે છે અને કોઈ કામ માટે બાલ્કની તરફ જાય છે..

નૈનેશ પથારીમાંથી ઊભા થતા વિચારે છે કે સારું છે નમ્રતાને જાણ નથી થઈ કાલ રાતની નહીં તો એ ચિંતામાં અડધી થઇ જાય અને એના માટે પણ ઉજાગરાનું કારણ આપવું અઘરું પડી જાય. એ બાથરૂમમાં ફ્રેશ થવા જાય છે અને એ વખતે જ નમ્રતા બાલ્કનીમાંથી ખાલી કોફીના ખાલી મગ સાથે રૂમમાં દાખલ થાય છે.

નૈનેશ ફટાફટ તૈયાર થઈને નીચે ડાઇનિંગ ટેબલ પર આવે છે ત્યારે એની કોફી અને નાસ્તો તૈયાર હોય છે. ઘણું મોડું થઈ ગયું હોય છે એટલે મમ્મી પપ્પા અને દીકરી અનન્યા પોતપોતાના રૂટિનમાં લાગી ગયા હોય છે. નમ્રતાએ નૈનેશને કંપની આપવા એની કોફી અને નાસ્તો બાકી રાખ્યા હતા. જાણે આ જ એની નૈનેશને પ્રેમ કરવાની રીત હોય એમ નમ્રતા હમેશાં નૈનેશની નાની નાની રોજિંદી જરૂરિયાતમાં નૈનેશને સાથ આપવા તત્પર જ રહેતી હોય છે.

આમ તો સવારે રસોડામાં કોફીની તપેલી જોતા જ નમ્રતાને ખ્યાલ આવી ગયો હોય છે કે નૈનેશ મોડા સુધી જાગ્યો હશે. પણ નૈનેશે એને એ કહેવાનું ટાળ્યું એ જોઈને એને થોડી નવાઈ લાગી, જોકે થોડા સમયથી ઘણું બધું એવું બની રહ્યું હતું જે અલગ હતું. આમ તો ખાસ એવું મોટું કઈ નહીં પણ નૈનેશમાં એને થોડું પરિવર્તન દેખાયું હતું. ઓફીસ જવાનો સમય થયો હોવાથી સાંજે શાંતિથી વાત કરવાનું વિચારીને એ આ બધી વાતનો ઉલ્લેખ ટાળે છે અને નૈનેશ પણ ઓફિસ જવા નીકળી જાય છે.

"આહટ પણ ક્યાં તારી હવે મને અજાણી લાગે છે.!?
પડછાયો બનીને રહી છું હંમેશા, તારી જોડે ડગ માંડવા.!
તેથી જ તારી વણકહી વાત પણ જાણીતી લાગે છે."

બીજી બાજુ રોજના સમયે જ ઝલકની આંખ ખુલી જાય છે. એ મોબાઈલમાં સમય જુવે છે તો સવારના 6 વાગ્યા હોય છે. ખાલી 3 જ કલાકની ઊંઘના લીધે એને બહુ જ સુસ્તી લાગતી હોય છે તો પણ એ ફટાફટ ઊભી થઈને કામે વળગે છે. અપૂરતી ઊંઘના લીધે ચહેરાનો રંગ ફિક્કો પડ્યો હોવા છતાં ઝલક સવારે સાત વાગે ઘરના બધા જ સભ્ય માટે ડાઇનિંગ ટેબલ પર ચા, કોફી, નાસ્તા ને સ્મિત સાથે હાજર હોય છે.

પતિ રાજનું ટિફિન ભરીને જ્યારે ઝલક રૂમમાં જાય છે ત્યારે રાજ તૈયાર થઈને પલંગ પર પડેલા ફોટાના આલ્બમને એકબાજુ વ્યવસ્થિત ગોઠવતો હોય છે. ઝલકને જોઇને એ સ્મિત આપે છે અને પૂછે છે, "શું થયું.!? ઊંઘી નથી કે રાત્રે શું.!?"

"હમમ... ક્યાંય સુધી ઊંઘ જ નહતી આવતી. પછી થાકીને ઉભી થઈ અને થયું કે અતીતમાં એક લટાર મારી આવું.! જીવી આવું એ પળોને... જીવંત કરી આવું થોડી લાગણીઓને.. અને આલ્બમમાં ફોટા જોઈને એક ડોકિયું કરી આવી એ આપણા સમયમાં.!"

રાજ કઈ પણ બોલ્યા વિના ઝલકને સાંભળી રહ્યો હતો. આમ તો એને થોડા સમયથી ઝલકનું વર્તન થોડું અલગ લાગી રહ્યું હતું. એ ઝલકના શબ્દોને સાંભળીને સમજવાની કોશિશ જ કરતો હોય છે અને ફોન આવે છે. પોતાની બેગ અને ટિફિન લઈને ફોનમાં વાત કરતા કરતા એ ઝલકને ઇશારાથી જ બાય કરીને નીકળી જાય છે.

બધું કામ પતાવીને ઝલક બપોરે આડી પડે છે. ફેસબુક ખોલે છે તો નૈનેશ ઓનલાઇન દેખાય છે. એનું હૃદય એક ધબકાર ચૂકી જાય છે. એક વાર વિચાર આવે છે કે ઑફલાઈન થઈ જાય પણ મન મક્કમ કરીને એ બીજી પોસ્ટ જોવામાં લાગી જાય છે. એક સ્કૂલ ફ્રેન્ડની બર્થ ડે હોય છે તો એને વિશ કરે છે, એક બે રેસિપી ખોલીને જુવે છે પણ એનું મન ના લાગતા એ પાછી ફેસબુકમાંથી ઑફલાઇન થઈ જાય છે અને નોટ્સ ખોલે છે અને લખવા બેસે છે.

"હાઈ bff..
વિચાર્યું હતું કે તારા વિના જીવવાની આદત પાડું અને એની શરૂઆતના ભાગ રૂપે કાલે પ્રોમિસ કર્યા પ્રમાણે મેસેજ તો ના જ કર્યો પણ અહીંયા નોટ્સમાં પણ કંઈ ના લખ્યું. જેથી અઠવાડિયા પછી જ્યારે આપણે વાત કરીએ ત્યારે મારી જોડે બતાવવા માટે કંઈ ના હોય અને તને પણ સરળતા પડે મારો નિર્ણય સ્વીકારવામાં.! પણ આજે જ્યારે ફેસબુક ખોલ્યું અને તને ઓનલાઇન જોયો ને મારો આ સંયમનો બંધ તૂટ્યો.! મને ખબર નથી કે હું આ તને બતાવીશ કે નહીં, પણ હા.. હું લખીશ.!"

આટલું લખતાજ જાણે ઝલકના બેચેન મનને રાહત થઈ જાય છે. કાલ રાતના ઉજાગરાને લીધે હવે એની આંખો ઘેરાવા લાગે છે અને એ ઊંઘી જાય છે.

"શું પડશે મને આદત તારા વિના હવે જીવવાની.!?
ને કદાચ પ્રયત્નથી ધીમે ધીમે પડી પણ જાય.!
તો શું મળશે મને ફરી એજ અસ્સલ 'હું'.!?
કે નવેસરથી આદત પાડવી પડશે એને પણ વિસરવાની.!?"

*****

કેવી રીતે ઝલકનો દીકરો દેવ એના અને નૈનેશની મુલાકાતનું નિમિત્ત બને છે.?
શું નૈનેશ અને ઝલક એમનું પ્રોમિસ પાળી શકશે.?
નમ્રતાના શું પૂછશે નૈનેશને અને નૈનેશ એના શું જવાબ આપશે.?
આ બધું જાણવા વાંચતા રહો સમાંતર..

©શેફાલી શાહ

તમે મને ઈન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

શેફાલી શાહ

જય જીનેન્દ્ર...