આર્યવર્મનની વાત સાંભળીને બધાના ચહેરાનો રંગ ઊડી ગયો. આગળ શું કરવું તે કોઈને સૂઝી રહ્યું નહોતું. આર્યવર્મને રિદ્ધિને જરૂરી દવાઓ આપ્યા પછી બધાને પોતપોતાના રૂમમાં જવા માટે કહ્યું. પછી તે બધાથી પહેલાં લેબમાંથી બહાર નીકળી ગયો. એટલે બધા પોતપોતાના રૂમમાં પહોચી ગયા.
આર્યવર્મન પોતાના રૂમમાં એક ખુરશી બેસીને કાન પર હેડફોન લગાવ્યા અને આંખો બંધ કરીને ગીત સાંભળવા લાગ્યો. થોડીવાર પછી સંધ્યાએ રૂમમાં આવીને આર્યવર્મનને ગીત સાંભળતા જોયો એટલે તે સમજી ગઈ કે રિદ્ધિની કોઈ સમસ્યા મોટી છે તેથી જ આર્યવર્મન આ રીતે અહી ગીત સાંભાળીને કોઈ સમાધાન વિચારી રહ્યો છે. જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ હોય ત્યારે આર્યવર્મન આવું જ વર્તન કરતો હતો.
સંધ્યા આર્યવર્મનની પાસે આવીને તેના ખભા પર હાથ મૂક્યો એટલે આર્યવર્મને તરત તેની આંખો ખોલીને સંધ્યાની સામે જોયું. સંધ્યા બોલી, “શું થયું છે? કેમ આટલો ચિંતિત છે ? મને જણાવ અને તારું મન હળવું કર.” આર્યવર્મને હેડફોન ઉતારીને એકબાજુ પર મૂકીને પોતાની ખુરશીમાં ટ્ટાર થયો.
સંધ્યા બીજી ખુરશી લઈને તેની સામે બેસી ગઈ. આર્યવર્મને કહેવાનું શરૂ કર્યું, “સંધ્યા, જેમકે મે પહેલાં કહ્યું છે તેમ રિદ્ધિને હદયના વાલની તકલીફ છે અને તેને અત્યાર સુધીમાં બે વાર હાર્ટએટેક આવી ચૂક્યા છે. તેના શરીરનું નર્વસસિસ્ટમ ખૂબ જ નબળું પડી ગયું છે. એટલે તેની પાસે વધુ સમય બચ્યો નથી અને તે પ્રેગનેંટ છે.” સંધ્યાને આર્યવર્મનની વાત સમજાઈ નહીં એટલે તે બોલી, “હું તારી પૂરી રીતે સમજી નહીં, તું મને ફરીથી સમજાવીશ.”
આર્યવર્મન પોતાની જગ્યાએ થી ઊભો થઇને “એક મિનિટ” એટલુ બોલીને દરવાજા પાસે જઈને દરવાજો ખોલી નાખ્યો. સંધ્યાએ દરવાજા સામે જોયું તો મેઘના અને ક્રિસ્ટલ ઊભા હતા. આર્યવર્મને તે બંનેને રૂમમાં આવવા માટે કહ્યું એટલે તે બંને રૂમમાં આવીને બેડ પર બેઠા અને આર્યવર્મન પોતાની જગ્યાએ જઈને બેસી ગયો.
સંધ્યાએ જોયું મેઘના અને ક્રિસ્ટલના ચહેરા પર અપરાધભાવ હતો કેમકે તે બંને સંતાઈને તેની અને આર્યવર્મનની વાતો સાંભળી રહ્યા હતાં અને હવે તે પકડાઈ ગયા હતાં. આર્યવર્મન તે વાત પર ધ્યાન આપવાને સંધ્યા સહિત તે ત્રણેયને સમજાવતાં બોલ્યો, “રિદ્ધિનું હાર્ટએટેકના કારણે શરીર ખૂબ જ નબળું પડી ગયું છે. તેના હદયના વાલમાં કાણું પડી ગયું છે અને તે કાણું દરરોજ મોટું થઈ રહ્યું છે. એટલે મારી ગણતરી પ્રમાણે હવે તેની પાસે બે મહિના જેટલો સમય છે ત્યારબાદ તે નહીં બચી શકે.”
આર્યવર્મનની આ વાત સાંભળીને મેઘના અને ક્રિસ્ટલના પગ નીચે જાણે જમીન સરકી ગઈ. તે બંને એકદમ ચૂપ થઈ ગયાં. એટલે સંધ્યાએ આર્યવર્મનને પૂછ્યું, “પણ તેની સારવાર તો થઈ શકશે ને.” આ સાંભળીને આર્યવર્મન ઊભો થઈને બાલ્કની પાસે જઈને દિવાલ પર જોરથી હાથ પછાડીને બોલ્યો, “કાશ એવું શક્ય હોત ખુશી થાત પણ મને ખૂબ જ અફસોસ છે કે એ શક્ય નથી.”
“પણ આવું કેમ આર્ય?” સંધ્યાએ ઊભી થઈને આર્યવર્મન પાસે જઈને પૂછ્યું. “કોઈક તો રસ્તો હશે ને.” મેઘનાએ સંધ્યા સામે જોઈને કહ્યું. આર્યવર્મન આગળ બોલ્યો, “હું રિદ્ધિ ના હદયનું ઓપરેશન કરું તો પણ તે ડિલિવરી સમયે લેબરપેઇન સહન નહીં કરી શકે. તેના માટે સિઝરયેશન કરવું શક્ય નથી અને રાજવર્ધન ના કેલ્ક્યુલેશન પ્રમાણે મારાં અને રિદ્ધિના પેરેન્ટ્સ પાસે એક મહિના જેટલો જ સમય છે. આપણે કઈ પણ કરી લઈએ પણ રિદ્ધિનું બચવું શક્ય નથી.”
“પણ આપણે કઈક તો કરી શકીએ ને?” ક્રિસ્ટલ ઊભી થઈને બોલી. આર્યવર્મન સંધ્યા સામે જોયુ અને બોલ્યો, “સૌથી પહેલાં રિદ્ધિના ગર્ભમાં રહેલાં બાળકને બચાવવું જરૂરી છે કેમકે જો તે બાળક જીવિત રહેશે તો જ આપણ પેરેન્ટ્સને બચાવી શકાશે.”
મેઘનાએ કહ્યું, “પણ ફક્ત બે અથવાડિયાના બાળકને કઈ રીતે બચાવી શકાય? આટલી ઉમરના બાળકનો ડીએનએ ટેસ્ટ કરવો પણ શક્ય નથી.” આર્યવર્મન મેઘના સામે જોઈને બોલ્યો, “શક્ય છે ગર્ભાતંરણ પધ્ધતિ વડે.” આ સાંભળીને મેઘના આશ્ચર્ય પામી. પણ આર્યવર્મન તેના પર ધ્યાન આપ્યા વગર બોલ્યો, “ એક ગર્ભવતી સ્ત્રીના ગર્ભને બીજી સ્ત્રીના ગર્ભમાં દાખલ કરવાની પદ્ધતિને ગર્ભાતંરણ પદ્ધતિ કહે છે.”
“પણ શું આ પદ્ધતિ શક્ય છે?” સંઘ્યાએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું. આર્યવર્મને જવાબ આપતાં કહ્યું, “શક્ય છે, આપણે આ પદ્ધતિનો અમલ કરવા માટે મનાવવી પડશે પણ આપણે એક ડોનરની જરૂર પડશે.”
“કયા પ્રકારનો ડોનર?” ક્રિસ્ટલ બોલી. આર્યવર્મને તેની સામે એક નજર કરીને બહાર તરફ જોતાં બોલ્યો, “ડોનર એટલે એ સ્ત્રી જે રિદ્ધિના ગર્ભને પોતાના ગર્ભાશયમાં દાખલ કરાવવા માટે તૈયાર થાય.” આ સાંભળીને મેઘના અને ક્રિસ્ટલ બંને એકસાથે બોલ્યા, “હું તેના માટે તૈયાર છું.” બંને મુખમાંથી નીકળેલી વાત સાંભળીને આર્યવર્મને એક આંચકા સાથે તેમની સામે જોયુ પછી તે રૂમની બહાર નીકળી ગયો.
આર્યવર્મન સીધો જ લેબમાં ગયો ત્યારે મયુરી પાર્થના શરીર પરથી પાટા છોડી રહી હતી. એટલે આર્યવર્મન સીધો રિદ્ધિ પાસે જઈને બધા મોનિટર ચેક કર્યા. રિદ્ધિનો હાર્ટરેટ, બ્લડપ્રેશર નોર્મલ હતું એ જોઈને આર્યવર્મનને થોડી રાહત થઈ. તે રિદ્ધિ પાસે બેસીને વિચારવા લાગ્યો કે રિદ્ધિને બધી વાત કઈ રીતે કહેશે. થોડીવાર પછી રિદ્ધિએ આંખો ખોલી.
રિદ્ધિએ આર્યવર્મનને પોતાની સામે જોઈને એક ક્ષણ માટે એવું લાગ્યું કે જાણે આર્યવર્ધન તેની સામે બેઠો છે. પણ બીજી ક્ષણે તેને વાસ્તવિકતાનો ખ્યાલ આવતાં રિદ્ધિએ બેઠા થવા માટે પ્રયત્ન કર્યો પણ તે ઊભી થઈ શકી નહીં એટલે આર્યવર્મને તેને બેઠા થવામાં મદદ કરી.
રિદ્ધિએ પોતાની સાથે જોડેલા સાધનોને જોયાં એટલે તે સમજી ગઈ કે તેને કઈ થયું હતું. તે હસીને બોલી, “મને કેમ અહી બાંધી રાખી છે, હજી મારે જવાની થોડીવાર છે. જ્યારે મારું અહીનું કામ પૂરું થઈ જશે એટલે હું તરત મારા આર્ય પાસે જતી રહીશ. માટે મારી વધુ ચિંતા કરીશ નહીં.” આવી ગંભીર વાત રિદ્ધિ હસતાં હસતાં કહી રહી હતી એ જોઈને આર્યવર્મને થોડી હીમત મળી.
આર્યવર્મન ધીરેથી બોલ્યો, “રિદ્ધિ મારે તને એક મહત્વની વાત કહેવાની છે, જો તું સાંભળવા માટે તૈયાર હોય તો.” રિદ્ધિએ હસીને માથું ઝૂકાવીને ઈશારો કર્યો એટલે આર્યવર્મને તેને હદયની તકલીફ, બે મહિના જેટલો સમય, ગર્ભાતંરણની પ્રક્રિયા, ડોનર બનવા માટે મેઘના અને ક્રિસ્ટલની તૈયારી વિષે બધી વાત કરી.
રિદ્ધિએ આર્યવર્મનની બધી વાત શાંતિથી સાંભળી લીધાં પછી પૂછ્યું, “મારી પાસે વધુમાં વધુ કેટલો સમય છે?”
“બે મહિના કે તેનાથી થોડો વધુ.” આર્યવર્મને જવાબ આપતાં કહ્યું. “અને મારી આ હાલત વિષે બધા જાણે છે. ક્રિસ્ટલ અને મેઘના બંને મારા બાળકને ડોનર બનીને પોતાના ગર્ભમાં ધારણ કરવા માટે તૈયાર છે ને.”રિદ્ધિ બોલી.
આર્યવર્મન હકારમાં માથું ઝૂકાવ્યું. ત્યારબાદ થોડીવાર સુધી રિદ્ધિ જાણે કંઇક વિચારતી હોય તેમ કઈ બોલી નહીં. આર્યવર્મન પોતાની જગ્યા પર ઉભો થઈને પાછો જવા માટે ગયો ત્યારે રિદ્ધિએ રોકયો.
રિધ્ધીએ પાર્થ સામે એક નજર કરી. પાર્થ હજી પણ બેહોશીની હાલતમાં હતો. રિદ્ધિ એ આર્યવર્મન સામે જોઇને બોલી , “હું આ ઓપરેશન માટે તૈયાર છું પણ મારી એક શરત છે.”
શું હતી રિદ્ધિની શરત ? મેઘના અને ક્રિસ્ટલમાંથી રિદ્ધિની ડોનર કોણ બનશે ? જાણવા માટે વાંચતાં રહો આર્યરિધ્ધી...