શાંતાબા આમ તો મેઘજીદાદા ને પાટણ પરણીને આવ્યાં ને ત્યારથી પાંચ માં પૂછાતા.સુંદર , સુશીલ , વ્યવહારુ ને જૈન કુળનાં સંસ્કાર ગળથૂથીમાં ઉતરેલાં. મેઘજી દાદા નો પણ પંચ માં ભારે રુઆબ વર્તાતો. સમય જતાં શાંતા બા એ ૪ દિકરી ને ૧ દિકરાને જન્મ આપ્યો.ઘરમાં દિકરીઓ નાં ખૂબ માનપાન.મેઘજીદાદા કોઈ ને સ્હેજે ઓછું નાના આવવા દેતાં.
એમને મન તો ૪ દિકરીઓ એટલે જિંદગી નાં ચાર મજબૂત સહારા હતાં.
છેલ્લે દિકરો જન્મ્યો એટલે જાણે એમને ઘરમાં બધીય ખોટ પૂરી થઈ ગઈ એમ સૌનાં હરખનો પાર ન્હોતો.
મેઘજી દાદા એ દિકરા નું નામ રતન રાખ્યું .
શાંતા બા અને દાદા બંને મહેનત કરી ને સંસાર ને સુખી ને સંસ્કારી બનાવવા ખૂબ મહેનત કરતાં.જૈન કુળમાં મળેલા અવતાર ને સાર્થક કરી જાણ્યું હતું.
જોતજોતામાં ૪ દિકરીઓ પણ સારા ઘરે પરણાવી દીધી.બા દાદા ની ઉંમર પણ થતી ચાલી.પણ આ બધામાં ક્યાંક કોઈ શરતચૂક થઈ ગઈ એ સમજાયું જ નહીં. ઘરની જાણ બહાર રતન ક્યારે આડા રસ્તે ચડી ગયો ઈ ખબર જ નાં પડી.દારુ , જુગાર, મારામારી એનાં રોજ નાં કામ થઈ ગયાં.
કદાચ બંને નાં વધારે લાડે પણ બગાડ્યો હોય.આખા ય પાટણમાં રોફ કરતો ફરતો.
ધૂળેટી નાં દિવસે મેઘજી દાદા રતન નો અફસોસ લઈ ને યમરાજ સાથે ગયાં.પાટણ આખા યે ઈ દાડે શોક મનાવ્યો.
શાંતા બા તો સાવ અવાક જ થઈ ગયાં. દિવસો વીતતા ગયા.રતને તો માઝા મુકી ને ઘર માં જીવવા લાગ્યો.મેઘજીદાદાની મિલકતો , દુકાન ,બાનાં દાગીના ગિરવે મૂકાઈ ગયા. પણ બાએ રણચંડી બની ને ઘર બચાવી લીધું.દાદાનાં ગયા પછી દિકરીઓ એ પણ ઘરનો ઉંબરો મુકી દીધો.
શાંતા બાએ એમની જવાબદારી પર રતન ને કચ્છ ની એક અનાથ છોકરી સાથે રતન ને પરણાવ્યો કે કદાચ ઘર માંડે તો સુધરી જાય.મંજુ સાવ સરળ ને ડાહી વહુ.
શાંતા બા ને મંજુ મજૂરી કરે ને ઘર ચાલે.ને રતનીયો તો એમની કમાણી પણ મારા મારી કરી ને લઈ જાય.વહેતાં સમય સાથે રતન નો ત્રાસ વધતો ગયો ને ઈ ૨ દિકરીનો બાપ પણ બન્યો.
એક દિવસ મંજુ એ શાંતાબાને નવાં સમાચાર આપ્યાં કે એ ત્રીજી વખત માં બનવાની છે...
એ દિવસે સાસુ વહુ બંને ખૂબ રડ્યાં......
કદાચ ત્રીજી દિકરી તો નહીં આવે ને??
બાએ મંજુ ને કહ્યું કે હમણાં આ વાત કોઈ ને કહેતી નહીં.
એકાદ અઠવાડિયું વિચાર્યા પછી બા એ મંજુ ને કહ્યું "હાલ અમદાવાદ , આપણે તપાસ કરાવી આવીયે, છોડી છે કે છોકરો ?"
મંજુ તો ધબકાર જ ચૂકી ગઈ.
"બા, તમે આ શું બોલ્યાં "?તમે તો જીવદયા પ્રેમી, ને તમે જ આ કહો છો"?
"જો, બેટા હવે ૨ ઉપર ત્રીજી દિકરી નથી લાવવી આ ઘરમાં.એને આપણે શું સુખ આપી શકીશું ? જ્યાં આપણે ચારે ય રતન નાં ત્રાસ માં જીવીએ છીએ ત્યાં"??
બીજે દિવસે બંને ચૂપચાપ અમદાવાદ આવે છે.ને નવાં નવાં નીકળેલાં સોનોગ્રાફી મશીન સામે મંજુ ની તપાસ ચાલી રહી છે ને ખૂણામાં ઉભા રહી ને શાંતા બા જોઈ રહ્યા છે.
લેડી ડોક્ટર એ મલકાઈ ને કીધું," મંજુ બેન ,હવે પેંડા ખવડાવો,તમને તો દિકરો જ આવશે."!!!
આ સાંભળી ને શાંતા બા ને વર્ષો પછી મેઘજી દાદા યાદ આવ્યાં. સાસુ વહુ ખૂબ ખુશ થઈ ને પાટણ પાછાં ફર્યાં.બાને એમ હતું કે આજે રાત્રે રતન ને આ ખુશ ખબર આપીશું.
પણ એ રાતે રતન ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઘરે આવ્યો ને બા પાસે ઘરનાં કાગળીયા માંગ્યા.બાને ઘસીને ના પાડી એટલે સાસુ વહુ ને ઢોર માર માર્યો ને જતો રહ્યો.
આખી રાત ચારેય રોતા રહ્યાં.
શાંતાબા થી મંજુ ની ને ૨ દિકરી ઓની હાલત જોવાતી ન્હોતી.આખી રાત એમનાં મનમાં ધમાસાણ મચ્યું. ને અંતે એક પાક્કા નિર્ણય સાથે સવાર પડી.
ત્રણ દિવસ પછી પીધેલા ને તાવે તગતગતાં રતન ને ઘરે લોકો મૂકવા આવ્યાં ને ખાટલે નાંખ્યો.
એ રાતે બાએ મંજુ ને બોલાવી ને કીધું,"લે, આ ફાકી તું પી જા .."
"શેની દવા છે બા આ."?? મંજુ એ પુછ્યું
"આપણું જીવતર ઉજાળવાની"...બા બોલ્યાં
"પણ કેમ બા ? તમારે તો દિકરો જોઈતો હતો ને દિકરો જ આવશે ને..!!!
"હા, પણ મારે બીજો રતન નથી જોઈતો."
સમજદાર મંજુ થોડા માં બધું જ સમજુ ગઈ ને ફાકી પી ગઈ.
થોડીવાર પછી શાંતાબાએ બીજી એક ફાકી રતનને પીવડાવી દીધી.
મંજુ એ પૂછ્યું ," બા આ શેની ફાકી હતી".?
શાંતાબા એ લાંબા નિસાસા સાથે મંજુ ને કહ્યું ," વહુ , કદાચ મારે પણ કસૂવાવડ થઈ ગઈ હોત તો સારું હતું."....સાસુ વહુ ભેટીને આભ ફાટે એટલું અફાટ રડ્યાં...
- ફાલ્ગુની શાહ ©