વિશ્વ પર્યાવરણ દિન
ભવિષ્યમાં પૃથ્વી તૂટેલા,ફાટેલા ભંગાર માલસામાન ભરવાના ડેડસ્ટોક તરીકેની કલ્પના તરંગી તુકકા તરીકે જાણીતા ઓનીલ નામના વૈજ્ઞાનિકે કરી છે..જે આજની ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ જોતા જરાય ખોટી કલ્પના ન કહેવાય! સુખસુવિધા અને ટેકનોલોજી પાછળ પાગલ થયેલો માનવી જો પર્યાવરણને નુકસાન પહોચાડવાનું બંધ નહિ કરે તો ભવિષ્યમાં પૃથ્વી રહેવાલાયક નહિ રહે જેના પરિણામે પૃથ્વી અને ચંદ્ર વચે માનવ વસાહત સ્થપાય તો નવાઈ નહિ !આજે ઉભી થયેલી પર્યાવરણની વિકરાળ સમસ્યા સામે લોકોને જાગૃત કરવા દર વર્ષે ૫ જુન વિશ્વ પર્યાવરણ દિન ઉજવાય છે.
પ્રકૃતિએ તો અત્યંત સુવ્યવસ્થિત અનેક પ્રકારની ભૌતિક,રાસાયણિક,જૈવિક પ્રક્રિયાઓને સુર્યપ્રકાશની ઉષ્માઉર્જાથી અને ધરતીના પોષક દ્રવ્યોથી કુદરતી પર્યાવરણના આંતરસંબંધોથી અવલંબિત રહી,પરસ્પરના અસ્તિત્વને ટકાવી રાખે તેવી અજોડ વ્યવસ્થાપન શક્તિથી સમતોલ પર્યાવરણ રચી આપ્યું છે.પણ વિશ્વમાં અધધ વધતી વસ્તી,વધુ પાક ઉત્પાદન મેળવવા આડેધડ જંતુનાશકોના ઉપયોગથી જમીનની ઘટતી જતી ફળદ્રુપતા,વધુ પાણી અને ખનીજો મેળવવા જમીનનું વધુ ને વધુ ઊંડું ખોદકામ વગેરેથી પર્યાવરણના વિવિધ પ્રદૂષણોને કારણે જલચક્ર,કાર્બનચક્ર,નાઈટ્રોજન ચક્માં વિક્ષેપ એ પર્યાવરણને અસંતુલિત કરવામાં મોટો ફાળો આપે છે. કુદરતે શક્ય તેટલી સહજ અને સરળ રીતે તેનો અમુલ્ય ખજાનો સાવ મફતમાં આપણને ધરી દીધો અને લાખો વર્ષે તૈયાર થયેલ પર્યાવરણ માનવજાતને વગર ભાડે રહેવા આપી દીધું જેની આપણને કિમત નથી.આ બધા પાછળના મુખ્ય કારણો જાણીએ સમજીએ જ છીએ છતાં વ્યક્તિગત ફરજ સમજીને કાર્ય ન કરતા હોવાને લીધે પર્યાવરણનો મહાવિકરાળ પંજો માનવજાતિને દબાવી રહ્યો છે. વસ્તીનિયંત્રણ,પુન:પ્રાપ્ય અપ્રાપ્ય ઉર્જાનો વિવેકપૂર્ણ ઉપયોગ,પુન:પ્રાપ્ય ઉર્જાનો વધુ ને વધુ વપરાશ જેવા અગત્યના મુદા ધ્યાનમાં રાખીશું તો જરૂર પર્યાવરણ બચાવી શકીશું. ખાસ તો “૩ આર” એટલે કે રીડ્યુસ,રિયુઝ,રિસાઈકલ ને રોજીંદી ઘટમાળમાં અપનાવીએ તો જ પર્યાવરણ સુધારણા ઝડપી બનશે અને પૃથ્વીને બચાવી શકીશું.
પૃથ્વી આપણું પનોતું પારણું છે અને પર્યાવરણ સુવાળું ખોયું છે.માનવજાતના અસ્તિત્વનો ,સુખનો,સમૃદ્ધિ એ દરેક તંદુરસ્ત પર્યાવરણ પર નિર્ભર કરે છે.આથી જ કુદરતમાં થતા ફેરફાર વિષે જાણવું અને પર્યાવરણને થતી મોટા પાયે હાનિને રોકવા આજે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો,શિક્ષણકારો,રાજકારણીઓ,ઉધોગપતિઓ કે સમાજસેવકો –ટૂકમાં દરેક નાગરિકે આ અંગે યોગ્ય પગલા લઇ પર્યાવરણ બચાવવા અંગે સહિયારા પ્રયાસ કરવાની તાતી જરૂરિયાત એ આજની માંગ છે.
જો સાચા પર્યાવરણપ્રેમી હો તો .. એક સવેદનશીલ કવિની કવિતા કાને ધારવ જેવી ખરી હો...
“ગામ સીમાડે વેરાન વગડો,મારી આખે ભીનો વીરડો!
લુટતી ધરાથી જાઉં મુંઝાતો,શુલ સમો આ ભોકાતો તડકો!
પૃથ્વી ઉઘાડી પડી બરાડે,કોણે લૂટ્યુ આ લીલું ઓઢણું?
થીગડું કટકો તો લાવું માગી પણ લાવું ક્યાંથી ઉછીનું ઓઢણું??
લે કાન આ લઇ લે આંસુ,પણ દઈ દે પાછું લીલું ઓઢણું!!! “
જેમ દ્રૌપદીએ પોતાના ચિર પૂરવા ભગવાન શ્રીકૃષ્ણને સાદ દીધો હતો એમ મનુંષ્યરૂપી દુ:શાસને પૃથ્વીરૂપી દ્રૌપદીના લીલા ચીર હરી લીધા છે,એ સાદ કરે છે પોતાનું લીલું ઓઢણું બચાવવા.......!!!
પ્રકૃતિને બચાવવી એ આપણા સહુની નૈતિક ફરજ બની રહે છે.અને પ્રકૃતિ શબ્દ આવતા ઘણું બધું યાદ આવી જાય......પર્વતો,નદીઓ,સરોવરો,ઝરણાં,ધોધ,ખીણો,જંગલો,એટલે કે જમીન,પાણી,જંગલો જેવી કુદરતી સંપતિ....ઉચા પર્વતો પરથી જોતા આસપાસના દ્રશ્યો સ્વર્ગ અહી જ છે નો અહેસાસ કરાવે છે.તો નદી.ઝરણાં,દરિયાની તો મજા જ કૈક ઓર છે.જંગલો ખુન્દવાનો આનંદ અનેરો હોય જ.લીલા વૃક્ષો,ફળ-ફૂલથી લચી પડતા ઝાડપાન,તે પર બેઠેલા પશુપંખીઓનો મધુર કલરવ,ખુશ્બુદાર ફૂલો પર હસતા રમતા ભમરા અને રંગબેરંગી પતંગીયાઓનું સંગીત મનને આનંદિત કરી દે છે.વસુધૈવ કુટુમ્બકમ અર્થાત આખી પૃથ્વી એક કુટુંબ છે અને આ કુટુંબની ઘરની છત મસ મોટું આકાશ છે...અનેક રંગોનો નજરો લઇ,રોજ સવારે સાવ મફતમાં અઢળક પ્રકાશ અને ઉષ્મા આપતા સુરજદાદા અને રાતે શીતલ ચાંદની આપતા ચાંદામામા...આખમીચોલી રમતા ટમટમતા તારાઓ મનને અનોખો આનંદ આપે છે.પ્રકૃતિના ખોળે જઈને આપણે જિંદગીની દોડધામ અને સ્ટ્રેસમાંથી મુક્ત થઇ,રીચાર્જ થઇ જઈએ છીએ.તો ચાલો આજે વિશ્વ પર્યાવરણ દિને અત્યારે જ લીલો સંકલ્પ લઈએ :” પ્રકૃતિમાંને ખોળે એક સંત્નની માફક ખેલીએ .. પ્રેમથી,તેને નુકસાન ન થાય તેમ....”