"આર્યા... થોડી મદદની જરૂર છે, આ શર્ટ કાઢવામાં તકલીફ પડે છે."
અનિરુદ્ધથી અવળું ફરીને સોફા પર સૂતેલી આર્યા કશું બોલી નહીં, એનામાં કશો સંચાર પણ થયો નહીં. એને બરાબરનું ખોટું લાગ્યું હતું. એ વાત અનિરુદ્ધ સમજી ગયો.
"આર્યા મેડમ...."
આર્યા ઊભી થઈ, એ અનિરુદ્ધ સામે જોયા વગર જ એને શર્ટ કાઢવામાં મદદ કરવા લાગી. અનિરુદ્ધે જોયું તો એની આંખો લાલ થઈ ગઈ હતી. એકદમ ગોરી ત્વચા પર એનું નાક લાલ થઈને અલગ તરી આવતું હતું.
એ ઊભી થઈ અને ચાલતી થવા જતી હતી ત્યાં અનિરુદ્ધે એનો હાથ પકડ્યો,
"આર્યા, ડોક્ટર કહેતા હતા કે મારો હાથ હવે સારો છે,પણ આજે બહુ દુખાવો થાય છે, કદાચ કોઈએ શ્રાપ આપ્યો હશે. પેઈનકિલર સામે કપબર્ડમાં છે, લાવી આપીશ?"
કદી કોઈથી ના ડરનારો, જેના ગુસ્સાથી બીજા ફફડતા અને સદા તડ ને ફડ કરી દેનાર અનિરુદ્ધ આજે કહ્યાગરી ગાય જેવું વર્તન કરી રહ્યો હતો. પ્રેમ વસ્તુ જ એવી છે ને!
આર્યાએ દવા આપી અને સૂઈ ગઈ, એને વધારે બોલાવવી યોગ્ય ન લાગી. વધુ આવતા અંકે.... એમ સ્વગત બબડીને અનિરુદ્ધ પણ સૂઈ ગયો.
સવારે અનિરુદ્ધની આંખો ખુલ્લી અને એણે તરત પહેલું જ સોફા સામે જોયું. ત્યાં આર્યા ન હતી. એ ફ્રેશ થઈ ને બહાર આવ્યો હતો પણ એ આવી ન હતી. અનિરુદ્ધ રસોડામાં ગયો, ત્યાં પણ એ ન હતી. પછી તો એ ઉતાવળે પગલે આખા બંગલામાં ફરી વળ્યો, પણ ક્યાંય દેખાઈ નહીં.
બહારથી અંદર આવતા પિતાજી દેખાયા, એ પણ ઉઠીને મોર્નિંગ વોક માટે ગયા હતા અને એમણે પણ અનન્યાને જોઈ ન હતી. અનિરુદ્ધે સિક્યુરીટીને પૂછ્યું તો તેમણે આર્યાને વહેલી સવારે બહાર જતાં જોઈ હતી.
અનિરુદ્ધે એનો ફોન બહાર કાઢયો અને કોઈને લગાવી રહ્યો હતો ત્યાં જ એના પપ્પા બોલ્યા,
"હજુ તું ફોન કરે છે? તું જાતે જ શોધવા જા, જ્યાં સુધી આર્યા ના મળે ત્યાં સુધી પાછો આવતો નહીં."
અનિરુદ્ધ જેવો બહાર નીકળ્યો એવી તરત ડ્રાઇવરે ગાડી બહાર કાઢી,
"ગાડી પહેલાં અનાથાશ્રમે લઇ લઉં ને સાહેબ!"
કોઈ દિવસ કશું ન બોલનાર ડ્રાઈવરનો અવાજ સાંભળીને અનિરુદ્ધને નવાઈ લાગી.
"શું વાત છે! એણે તો બહુ જાદુ કર્યો છે ને કાંઈ?"
"માફ કરજો સાહેબ, પણ આર્યામેડમ ખૂબ સારા છે, એ મને ડ્રાઇવર કરતા પણ માણસ વિશેષ સમજે છે. જે રાત્રે તમારી ઉપર હુમલો થયો હતો એ રાત્રે એમણે તમારી પણ ખૂબ કાળજી રાખી હતી. નાના મોઢે મોટી વાત લાગશે, પણ કહ્યા વગર રહેવાતું નથી કે આજના જમાનામાં આવી યુવતીઓ ખૂબ ઓછી હોય છે."
"બહુત જાદુ ચઢ ગયા હૈ બચ્ચે, ગાડી ચલાને પે ધ્યાન દો."
ડ્રાઇવર ના મોઢા પર સ્મિત આવી ગયું.
આર્યા અનાથઆશ્રમમાં ન હતી, માયાબહેન વધુ કંઈ ચિંતા ન કરે એ માટે અનિરુદ્ધે એમને કશું કહ્યું નહીં. અનિરુદ્ધ જેવો અનાથાશ્રમની બહાર નીકળ્યો એવો તુરંત અવની પાછળ દોડતી આવી,
"જી... આર્યા અંહી આવી હતી મમ્મીને મળવા પણ એમને ચિંતા થશે એવું લાગ્યું એટલે એમને મળી નહીં, મને કહેતી હતી કે એ ક્યાંક જઈ રહી છે, ક્યાં એ જાણતી નથી, કદાચ રેલવેમાં જવાની છે."
અનિરુદ્ધ ત્યાંથી સડસડાટ નીકળી ગયો, પોતે ત્યાં પહોંચે એ પહેલા આર્યા ત્યાંથી નીકળી જશે તો એ બીકે અનિરુદ્ધે રસ્તામાંથી જ એ સ્ટેશન પરની રેલવે પોલીસને જાણ કરી. એ રીસાઈ હતી એથી ફોન તો સ્વાભાવિક રીતે લાગતો નહોતો.
આવું કરવાથી ચર્ચાઓ વધશે એ અનિરુદ્ધ જાણતો હતો પરંતુ એને આવું કર્યા સિવાય છૂટકો નહોતો. આર્યા ખરેખર રેલવે સ્ટેશન પર જ હતી. ક્યાં જવું એ એણે નક્કી કરી લીધું હતું. દ્રઢ નિશ્ચય કરીને એ ઊભી હતી, એણે પોલીસને પોતાની તરફ આવતા જોઈ.
આમ પણ હંમેશની જેમ બધા એની સામે જોઈ રહ્યા હતા ત્યાં પોલીસ એની પાસે આવીને ઊભી રહી ,એથી બધાનું ધ્યાન વધારે ખેંચાયું.
"મેડમ... ઉપરથી સૂચના છે, આપ શહેર છોડીને નહીં જઈ શકો. આપને અમારી સાથે આવવું પડશે."
"આદેશ તો કલેક્ટર સાહેબનો જ હશે ને!" આર્યાએ એકદમ કડવા સ્વરે કહ્યું," હું કોઈ આદેશ માનતી નથી, મારા વિરુદ્ધ કશી ફરિયાદ છે?"
"નહીં હોય તો બનતાં વાર નહીં લાગે." અનિરુદ્ધ આવી પહોંચ્યો. આર્યાએ પહેલીવાર એને જે કપડામાં જોયો હતો એ જ, સનગ્લાસ પહેરેલો, બીજી કોઈ યુવતી હોત તો અનિરુદ્ધની સાથે ચાલતી થઈ ગઈ હોય, પણ આ તો આર્યા હતી.
"તમારા સાહેબને કહો કે હું કોઈથી ડરતી નથી, થાય તે કરી લે."
અનિરુદ્ધે પોલીસમેન સામે જોયું અને એ આર્યાને યાદી ગણાવવા લાગ્યો કે કેવા કારણો સબબ પોલીસ એને અટકાવી શકે અને પોલીસ સ્ટેશને લઈ જઈને પૂછપરછ પણ કરી શકે.
પોલીસ, અનિરુદ્ધ અને એના બોડીગાર્ડ.... પ્લેટફોર્મ પર કુતૂહલ વધી રહ્યું હતું.
આર્યાને ગુસ્સો તો ઘણો આવી રહ્યો હતો, પણ એ કંઈ કરી શકે એમ ન હતી. આજુબાજુ ઘણી ભીડ જમા થઇ ગઇ હતી, એ નહોતી ઈચ્છતી કે માણસો બધું સાંભળે. તો એને અનિરુદ્ધ સાથે પાછું પણ જવું ન હતું, પોતાના લીધે અનિરુદ્ધને તકલીફ પડવા દેવા એ ઈચ્છતી ન હતી.
અનિરુદ્ધે ચશ્મા ઉતાર્યા અને આર્યા સામે જોયું,
"જઈશું મેડમ?"
જવાબમાં એ કશું બોલી નહિ, એણે અનિરુદ્ધને કશો જવાબ પણ આપ્યો નહીં. સ્થિર નજરે એ પ્લેટફોર્મ પર ઊભેલી ટ્રેન સામે તાકી રહી.
એની ખૂબ દયનીય પરિસ્થિતિ હોય એમ અનિરુદ્ધ સહેજ પાછો ખસ્યો, "આવી જિદ ન હોય આર્યા... મને હાથે તકલીફ છે, છતાં પણ તું ઈચ્છે છે કે હું તને ઉપાડીને જ ગાડી સુધી લઈ જાઉં? સારું.... તારી ઈચ્છા ને માન..."
અનિરુદ્ધે આર્યાને ઊંચકી, આર્યા સર પ્લીઝ.... સર પ્લીઝ... કહેતી રહી અને અનિરુદ્ધ એને ઉપાડીને ચાલતો થઈ ગયો.
"ભાઈ... કલેકટર જેવા કલેકટર પણ પત્ની સામે વાંકા રહે છે. તો પછી આપણી શું વિસાત?" કહેતા પોલીસવાળા વિખરાયા.
"સર... સર... પ્લીઝ... તમારો હાથ... મને ઉતારી દો." આર્યા કહેતી રહી અને અનિરુદ્ધ છેક ગાડી સુધી પહોંચી ગયો.
"હું ડ્રાઈવિંગ કરીશ." કહીને અનિરુદ્ધે ડ્રાઇવર પાસેથી ચાવી લઈ લીધી.
"હું તારો સર નથી." અનિરુદ્ધે ડ્રાઈવિંગ કરતા કહ્યું.
આર્યા કશું બોલી નહીં, એ ઘેર સુધી ચૂપચાપ બેસી રહી.
આર્યાને આવેલી જોઈ, અનિરુદ્ધના પિતા એકદમ ખુશ થઈ ગયા,
"હવે પછી કોઈ દિવસ આવું કશું કરતી નહીં, બેટા. માંડ કરીને તારા જેવી દિકરી મળી છે, હવે ખોવા ઈચ્છતો નથી."
***
બીજા દિવસે સ્થાનિક અખબારોમાં સમાચાર હતા. 'કલેક્ટર અનિરુદ્ધ ની પ્રેમ કહાની...'અને નીચે અનિરુદ્ધ અને આર્યા નો ફોટો પણ હતો. આ સમાચાર વાંચીને અનાથ આશ્રમની છોકરીઓ હરખાતી હતી તો અનિરુદ્ધના પિતાજી પણ હાથમાં છાપું લઈને મરક મરક હસતા હતા.
ઓફીસે જવા તૈયાર થયેલા અનિરુદ્ધે એમને હસતા જોયા, આર્યા પણ એમની પાસે બેઠી હતી અને બંને ચા પી રહ્યા હતા. આર્યા હજુ પણ મૌન જ હતી. એની ચુપકીદી અનિરુદ્ધને અકળાવતી હતી.
"બંને તૈયારીઓ કરી લેજો, આપણે બે ચાર દિવસમાં રાજસ્થાન જઈએ છીએ. મારી બદલી ત્યાં થાય છે."
આર્યા અચંબિત થઈ ગઈ અને પપ્પાજીના મોં પર અકળ સ્મિત આવી ગયું.
ક્રમશઃ