દેવલી - 12 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

શ્રેણી
શેયર કરો

દેવલી - 12

અર્થી ઉઠી ને ખુદ કંકાવતીને પણ ખબર ના રહી કે તેના હૃદયમાંથી પોતાની હોવા છતાં હંમેશા પારકી માની છે તે દેવલ માટે ક્યાંથી આટલો વિલાપ વહે છે અને આવા વિચારોમાંજ તેને જાણે પોતેજ મીરાણી હોય તેમ મરશિયા રાગમાં વિલાપ છેડયો..

મેં તો મારી છે કળાયેલ ઢેલ,દીકરી દેવલ !
દેવલ રે, દીકરી ! ખમ્મા ખમ્મા તુંને

મારે હાલરડે પડી હડતાળ,દીકરી દેવલ !
દેવલ રે,દીકરી ! ખમ્મા ખમ્મા તુંને !

અમે જાણ્યું દેવલને પરણાવશું,
અને લાખેણા દઈશું દાન;
ઓચિંતાના મરણ આવિયા,
એને સરગેથી ઉતર્યા વેમાન
દીકરી દેવલ ! ખમ્મા ખમ્મા તુંને !

વળી નમે તો ભલે નમે,
તું કાં નમ્ય ઘરની લાજ ?
જેના અરમાન ઉઠી ગિયા,
એને જનમોજનમના સોગ
દેવલ રે દીકરી.. દેવલ...

અને બીજી બાયુંઓ પણ તેનો છેલ્લો સાદ ઝીલતી.... દીકરી દેવલ... ખમ્મા તુને....ત્યાંતો મીરાણીએ ઉપાડ્યું...

ચંદલિયો ઉગ્યો,ઐણ્યો આથમ્યો
ચાંદાને અજવાળે રથ જોડ્યા...
હોંશે હાય, હાયે હાય ....ઓહ દેવલ હાયે હાય..

આયી લીલી લેબળીની છોય રે
આ મરઘો બોલ્યો પરોઢનો
બાપાએ એમનું કુટુંબ જગાડ્યું
કુટુંબને છેલ્લા જવાર રે
અમા મું નઈ આવું ઘરના બારણે રે...
આ મરઘો બોલ્યો પરોઢિયે...
હોંશે બાપા હાયે હાય...

ચંદલિયો ઉગ્યો,ઐણ્યો આથમ્યો
ચાંદાને અજવાળે રથ જોડ્યા...

હોંશે હાય, હાયે હાય ....ઓહ દેવલ હાયે હાય..
આયી લીલી લેબળીની છોય રે
આ મરઘો બોલ્યો પરોઢનો
કાકાએ એમનું કુટુંબ જગાડ્યું
કુટુંબને છેલ્લા જવાર રે
અમા મું નઈ આવું ઘરના બારણે રે...
આ મરઘો બોલ્યો પરોઢિયે...
હોંશે કાકા હાયે હાય...

ચંદલિયો ઉગ્યો,ઐણ્યો આથમ્યો
ચાંદાને અજવાળે રથ જોડ્યા...

હોંશે હાય, હાયે હાય ....ઓહ દેવલ હાયે હાય..
આયી લીલી લેબળીની છોય રે
આ મરઘો બોલ્યો પરોઢનો
વીરા દેવુએ એમનું કુટુંબ જગાડ્યું
કુટુંબને છેલ્લા જવાર રે
અમા મું નઈ આવું ઘરના બારણે રે...
આ મરઘો બોલ્યો પરોઢિયે...
હોંશે વીરા દેવુ હાયે હાય....

ચંદલિયો ઉગ્યો,ઐણ્યો આથમ્યો
ચાંદાને અજવાળે રથ જોડ્યા...

હોંશે હાય, હાયે હાય ....ઓહ દેવલ હાયે હાય..
આયી લીલી લેબળીની છોય રે
આ મરઘો બોલ્યો પરોઢનો
માતાએ એમનું કુટુંબ જગાડ્યું
કુટુંબને છેલ્લા જવાર રે
અમા મું નઈ આવું ઘરના બારણે રે...
આ મરઘો બોલ્યો પરોઢિયે...
હોંશે માતા હાયે હાય.......


દુણીમાં ક્રવ્યાદ જલતો હતો.એક દેહને સાવ ભરખી જનારો તે અગ્નિ હતો.નજીક આવતું સમશાન નીરવ શાંતિ પાથરતું હતું.આટલી શાંતીમાં પણ પરષોતમના કાળજામાં દેવલનો આર્તનાદ ભડકે બળી કુદતો હતો.....

......અચાનક ડાઘુઓના ચરણ થંભી ગયા.આંખો પર દેખાતા સામેના દ્રશ્ય પર વિશ્વાસ કરવો કે આંખો ચોળી દ્રશ્ય ભૂસી નાખવું.પ્રથમ હરોળના પગ થંભી જતા છેલ્લા મનેખ સુધીના ડગ ત્યાંજ સ્થિર થઈ ગયા.હરોળ તૂટતી ગઈ ને નજરે પડેલા દ્રશ્ય પર એક પછી એક આંખો ફરતે આવીને મંડરાવા લાગી.આ સત્ય છે કે ભ્રમ ? દ્રશ્ય છે કે સ્વપ્ન ? વિધિ છે કે કરતૂત ?...
એક એક આંખો દ્રશ્ય જોઈને સ્વને મનોમન પ્રશ્નોની ઝડી વરસાવી રહી હતી.ભીડે મારગ કરતા પરષોતમ દ્રશ્ય સામે આવી ઊભો રહ્યો.સામે એક કુંડાળામાં દેવલની છબી સાથે તેનો સઘળો સામાન પડેલો છે.ને બીજા કુંડાળામાં તેનો માડીજાયો ભાઈ,દેવલનો કાકો ને પોતાની દેવલીને હજીવન કરવાના સપના દેખાડનાર નરોતમ પડ્યો છે.અને ત્રીજું....ત્રીજું કુંડાળું એકદમ અસ્તવ્યસ્ત છે.કોઈએ ભૂંસીને તેને મિટાવવાનો પ્રયત્ન કર્યો હોય તેવું સ્પષ્ટ વર્તાતું હતું.નરોત્તમનો દેહ હતો પણ પ્રાણ નહોતો,શરીર હતું પણ મોહ્ય માંસલ ન્હોતું,રગો હતી પણ રગોને ઢાંકનાર રક્ત ન્હોતું,સાવ શુષ્ક થયેલું બદન હતું.ફુલાયેલા ફુગ્ગામાંથી હવા નીકળી જતાં જે હાલ ફુગ્ગાના થાય તેવો ઘાટ નરોત્તમના દેહનો થયો હતો.વાળી વીંટળીને એકઠું કરવામાં આવે તો એક ખોબામાં સમાઈ જાય તેવું થઈ ગયું હતું.અજાણ્યા તો ક્યારેય ન પિછાણી શકે તેવો રૂની પૂણી સમો,માંસલ વિનાનો સાવ પોચો ચહેરો થઈ ગયો હતો.લીમડાની સળીઓ સમી નસો ઉપસી આવી હતી....ના..ઉપસી નહોતી આવી પણ,શરીરમાં કઈ ના રહેતા તે બહાર દેખાતી હતી.જાણે તેના શરીરમાંથી કોઈએ નળી મુકીને લોહી ખેંચી લીધું હોય તેમ તેની નસોમાંનું રક્ત સાવ સુકાઈ ગયું હતું.હાડપિંજર ઉપર જાણે નરોત્તમ નામના વ્યક્તિનું ચામડું પહેરાવ્યું જાણી લો....પણ,હાલ બધાના મનમાં શંકાનાં વાદળો ઘેરાવા લાગ્યા અને તે વાદળો તો થીજી ગયા પણ,પરષોત્તમના વાદળો તો વરસવાજ લાગ્યા.... હંધાયનીએ શંકાને જાણે તે પોતેજ વરસાવતો હોય તેમ બરાડી ઉઠ્યો...
....રે રે નાલાયક,કજાત તે આ શું કર્યું ? કોઈ નહીં ને મારી દેવલીનેજ તુ ભરખી ગયો ? તારા ખુદના ઘરમાંજ તે ખાતર પડ્યું ? તારો જીવ શાને ચાલ્યો ? તારા પંડનોજ અવતાર ગણીને લાડ લડાવ્યાતા; તે શુ આવા કારસ્તાન કરવાજ ? અરે રે મારા રોયા તું તો ભાઈ-ભાઈના સંબંધો માથે ભવોભવનું કલંક થોપી ગયો ! તારી દીકરી સમીજ ભત્રીજી સંગ જઘન્ય કૃત્ય કરતા ને વાસના ભોગવતા તને કીડા કેમ નો પડ્યા !(?) અરે રે મારા ઠાકર તે મારા જીવતર માથે આ કેવા કાળ લખ્યા છે ? જુગ જુગ લગી યાતનાઓમાં તડપે તેવા લેખ તે આ મનખા દેહમાં કેમ લખ્યા ? દીકરી,ભાઈ ને હવે આ કજાત ભાઈના કરતૂતોનો પોટલો માથે નાખીને તે મને ક્યાં જીવવા લાયક રાખ્યો ? લાશ લઈને ફરતો દેહ હું થઈ ગયો.જીવ છતાં ચ્યાંય જીવ ને જિંદગી ના લાગે તેવો જન્મારો તું મારા પર શીદને મૂકી ગયો ? હે વિધાતા આવા લોહિયાળ જીવતર લખતા તારી લેખીની ક્યાંય થંભી પણ નહીં ? એક એક પળ આવો કારમો ઘડતા હે સર્જનહાર તને ઘડી પોરો ખાવાનોએ વિચાર સુધ્ધા ન આવ્યો ? મારા માથે તે જીવ મૂકીને જમના પડછાયા લખ્યા તેના કરતાં તો જમજ થોપી દીધો હોત તો તારા ભંડારમાં ક્યાં કંઈ મણા રહેવાની હતી ?
અને પરષોતમના આ વિલાપમાંજ ઊભેલા સઘળાં મનેખ માથે દ્રશ્ય જોઈને ઘડી પહેલા જે શંકાના વાદળો બંધાયા હતા તેના ઉત્તર મળી ગયા.હંધાયનાએ મનમાં પ્રથમ દ્રષ્ટિએજ જે શંકા ઉપજી હતી તેજ શંકા પરસોત્તમને પણ ઉપજી હતી અને તેને પોક મૂકીને સત્યતામાં ફેરવી મૂકી...સારું થયું કે આ નાતીલાઓનું કહેવું માનીને મેં દૂણી સંસ્કારની વાત માની..નહીંતર ભોંયદાટ આપવાનો કલંક મારા જીવતર માથે નાખીને તુંતો મને એકેય ભવનો ના રાખત.મેં તો તારી વાતો પર ભરોહો મૂકીને મારા કાળજાના ફરી હજીવન થવાના અભરખા પર મેખ મારી દીધી હતી.મારી તો તે દિ ગજ ગજ છાતી ફૂલી હતી કે "વિધાતાને હરાવીને મારો નરોત્તમ મારૂ કલેજું પાછું લાવશે ! ....પણ,ના હો...મેલા મનેખ ના...તું પામર છે,હતો અને રહેવાનો... વિધાતાને હરાવવાના તારા ઓરતા ક્યારેય હજીવન નહીં થાય.તું કઠપૂતળી છે,હતો અને રહેવાનો ! તું નટ નચૈયો મટીને રંગમંચના જનક બનાવવાનો નિરર્થક પ્રયત્ન કરીને પોતાને ક્યાં લગી લજવતો રહીશ ? એક ખરેલું પાંદડું પણ તારી મેળે હલાવી શકવાની તારામાં ઓકાત નથી ને આખું ઝાડ હજીવન કરવાના અભરખા રાખવા બેઠો છે.મને એમ કે આ ઠાકર ભરખી ગયો છે મારા હૃદયને...પણ, ઠાકર તો ઠાકર છે હો...બધી લીલાઓનો ચિતાર તેજ ઘડીએ આપીને ક્યાંય પડદા પાછળ ઓઝલ થઈ જાય છે.મારોજ સ્વજન ભરખી જાય ત્યાં દેવને શું ડામ દેવા !...
હંધાએ અનુમાન લગાવ્યું કે દેવલીને વશમાં કરીને નરોતમે પોતાની ભૂખ મિટાવી હશે અને પછી તેને વશમાં લાવવી મુશ્કેલ લાગતા તેનું ઢીમ ઢાળી દઈને આ નરાધમે કૃત્ય આચર્યુ હશે....અને પછી તેના આત્માને કેદ કરીને મેલીવિદ્યા કરવા માગતો હશે પણ,આત્મા પર તેની શક્તિઓ,તેના મંત્ર-તંત્ર અને મેલા દાવ ઉલટા પડતાજ તે ક્રોધિત થઈ ગયેલા આત્માનો કોળિયો તે ખુદજ બની ગયો હશે.
નરોતમને ત્યાંજ મૂકીને પરષોતમ થોડાક મનેખ સાથે આગળ વધ્યો.જ્યારે કેટલાકે નરોતમ માટે પણ ત્યાં ને ત્યાં વિધી આરંભ કરી.
કાષ્ઠનો ખડકલો કરેલો હતો.લાકડા હાળમાળ આડા-ઉભા ગોઠવેલા હતા.મૂળમાં ઘાસ પૂરો ને છાણા મુકેલા હતા.ચાર બાજુ દવ આપવા ચાર જગા રાખવામાં આવી હતી.પરષોત્તમે ઓ મારી દેવલીની છેલ્લી પોક દેવલીના કાનમાં મૂકી...દેવાયતના હાથે ક્રવ્યદનું પુજન કરવામાં આવ્યું અને દેવાયતના હાથેજ ચિતા આપવામાં આવી.ભડ ભડ થતી જ્વાળાઓ દેહને વાયુ બનાવી ઊંચે-ઊંચે ઊડતી હતી.ઓગળતા જતા દેહને ધુમાડો બનાવી અગ્નિદેવ પાંચ તત્વોમાં તેને ભેળવી દેવા ચારે-બાજુ ઉંચે-ઊંચે ઉડતા હતા.કડાક થઇને દેવલીના સળગતા દેહ સંગ જોડાયેલા બે હાથમાંથી સાત આંગળીઓ ટપ દઈને નીચે પડી.હંધાયને તાળ મળી ગયો કે દેવલી સાતનો ભોગ લઈને જશે.ઘરડાઓ જોડેથી સાંભળેલ કે ચિતામાં બળતા દેહમાંથી જેટલી આંગળીઓ નીચે પડે એટલી સંખ્યા મુજબ પછી જે તે ગામમાં મરણ થાય અને વર્ષોના વર્ષ વીતી ગયા છતાં આ પ્રણાલી જાણે જે તે દેહનો આત્મા ઉપર રહીને પણ નિભાવતો હોય તેમ સત્ય બનીને રહેતું અને દેવલીની સાત આંગળીઓ પડતાજ બધાના હોઠે તે વાત રમવા લાગી.અને એક ગણતરી તો નરોત્તમની કરી પણ લીધી.
દેહ રાખ થઈ ગયો.આતમ પરમાત્મા થઈ ગયો.દેવલી દેવી થઈ ગઈ.વાયુમાં ક્યાંય ભળીને ગગનમાં ઓઝલ થઈ ગઈ.રાખ બની માટીમાં ભળી ગઈ.અગ્નિ,વાયુ,આકાશ ને માટીમાં વિલિન થઈ ગયેલી દેવલીની અસ્થિઓ જળમાં ભળી જવા ટાઢી પડવા લાગી.
દેવાયતે કોરા ભરેલા ઘડામાં કાણું પાડી,જમણે ખભે મૂકી,પાણીની ધારને ચિતા પર પાડતો પાડતો પરમાત્મા થઈ ગયેલા આત્માની પ્રદક્ષિણા શરૂ કરી....સુજેલી આંખો કેટલું રડી હશે તેનો અંદાજ કાઢવો પણ મુશ્કેલ હતો.દડ... દડ...ધાર ચિતાને શાંત કરે જતી હતી.ચિતાને પીઠ બતાડતા દેવાયતે ઘડો છૂટો મૂકી દીધો...ધડામ દઈને ઘડો પડતાંજ ફૂટી ગયો ને દેવલી સંગનો પહેલો નાતો જાણે સઘળાં સ્વજનથી પૂરો થયો હોય તેમ હંધાય નાવા ભણી રવાના થયા.
સાથે લાવેલા કાચા દૂધથી થોડી અસ્થિઓ ધોઈને માટલામાં વિસર્જનાર્થે કેદ કરવામાં આવી.દેવાયત ને તેના મામાનો દીકરો સમાજના વડીલો સંગ થયેલી ચર્ચા મુજબ સ્મશાનેથી નાવણ પૂરું કરીને સીધાજ હરિદ્વાર અસ્થિ વિસર્જન કરવા જવાના હતા.દેવાયતની ઉદાસીનતા ને દેવલીના મરણનો આઘાત તેના ચહેરા પર સ્પષ્ટ નીતરી આવતો હતો.બહુ રડયો હતો તેય....દેવલ સંગ કરેલી મસ્તી,બંધાયેલી રાખડી અને વર્ષોથી પોટલીમાં સાચવીને રાખેલી એક એક રાખડીની પળ,પરણીને સાસરે વિદાય થાય તે વખતે આપવાની પસલી,મંગળ ફેરા વેળાએ નાંખવાના ફૂલોનો કેદ કરેલો ઢગલો,જીવતર હોમવાની વેળાના કેદ કરેલા સપના,પહેલી ભાઈ-બીજે બહેનને ત્યાં જશે અને બહેનના હાથેથી તેની સાસરીમાં એની રસોઇનો અરમાનોમાં ચાખેલો સ્વાદ....! વગેરે એકપળમાં સપનું બનીનેજ ક્યાંય દૂર દૂર ગગનમાં ફરી ક્યારેય પાછા ના ફરવાની આશા સહ વિદાય થઇ ગયા હતા.રાધા કરતાં પણ વધુ સમય તેનો દેવલી સંગ પસાર થયો હોવાથી તેના પ્રત્યે પોતાને વધુ આત્મીયતા,લગાવ ને માનપાન હતા.મજાક મસ્તી સિવાય ક્યારેય બે સાચું લડ્યા હોય તેવું તેને યાદ નહોતું આવતું......અને દેવલી પણ એકના એક માડીજાય ભાઈની ખુશીમાંજ પોતાની ખુશી ભાળતી અને ભાઈને ક્યારેય કોઈ વાતની ખોટ ન વર્તાય તેનો હરપળ ખ્યાલ રાખતી હતી તેવું તે પોતે પણ સારી પેઠે ક્યાં નહોતો જાણતો !(?) ....અને દેવલીએ પોતે કોલેજકાળ દરમિયાન ભેગા કરેલા રૂપિયામાંથી તેના લગ્નમાં સાચો હીરો બની વીરો મ્હાલે તે માટે નવી ફેશનના જોધપુરી બ્લેક સુટ પોતાની સાથે લઇ જઇને શહેરથી તેની પસંદના ખરીદીને લઈ આપ્યા હતા.તે પછીએ ઘણા રોકડા વધતાં બાપુ કનેથી દેવલી ખુદએ પોતાને કાંઈક લેવું છે તેમ જૂઠું બોલીને થોડા બીજા રોકડા લઈને તે વધેલા રોકડામાં ઉમેરીને સોનાના પેન્ડલ સાથેની સવા તોલાની ચેન ઘડી આપી હતી.શું ન્હોતી કરતી તેની ખુદની ખુશી માટે દેવલી.....
....અને દેવલી તેને બહુ વહાલી હતી તે કોણ કોણ નહોતું જાણતું ? આખો મલકને હંધાય સગાઓ સારી પેઠે જાણતા હતા કે રાધા કરતાં દેવલી તેને બહુ વહાલી હતી.ઘડી પહેલાં રાધા ખુદ પણ તે સારી પેઠે જાણતી હોવાથી બાથે પડીને રડતી વેળાએ તેને કહી રહી હતી કે... દેવું તારી વ્હાલી દેવલી જતી રહી... તારી રક્ષાનો હાચો તાંતણો તારા કરેથી છૂટી ગયો...તારી મસ્તી ભરી જિંદગીનો જીવ.. જીવ તારાથી ભવોભવ વિખૂટો પડી ગયો...હો..મારી દેવલી...
...અસ્થિઓ ધોતા ધોતા દેવાયતની આંખો થોડી થોડી પ્રજ્વલિત પડી રહેલી ચિતાને ઠારવા લાગી.દૂધ ભેળા ભળીને અશ્રુ પણ, અસ્થિઓને ધોતા હતા...
....દેવાયત હજુ કેટલું ધોઇશ ?..અચાનક મામાના દીકરાનો રવ કાને અથડાતા મૂર્છામાં પડું પડું થવા જઈ રહેલા દેવાયતની આંખો આગળથી એક પળમાં સઘળી ઘટનાઓ દેવલીની માફકજ હવામાં વિલીન થઈ ગઈ.
સદાય ખળખળ વહેતી નદીનાં નીર પણ આજે શાંત થઈ ગયા હતા.નદી પોતે પણ રડી હોય તેમ તેના અંદર સમાયેલા જળ રાતાંચોળ દીસતા હતા.પોતાના પંડની હોય તેમ હજુ ગઈકાલેજ પોતાના પટ પરથી હકથી ધુબાકા મારી મારીને પોતાને હલબલાવી મૂકતી દીકરી ના રહેતા તેના પટ પર પણ,સૂનકાર વ્યાપી ગયો હતો.તે પણ પોતાની દીકરીની રાખ બની ઉડતી રાખકણોને પોતાનામાં સમાવી લેતી હતી.અને મનોમન જાણે નદીને વાચા ફૂટી હોય તેમ કહેતી કે....કેટલા અહોભાગ્ય મારા કે મારી દીકરીના કણ કણ મારામાંજ આવી ભીંજાઈ ગયા.....અને ..અને મારા બદનસીબ પણ એટલા કે જે દીકરીને રમવા,મોટી થવા ને હસી-હસીને કુદવા મારા પરનો વિશાળ પાલવ આપ્યો હતો ત્યાંજ તેનો દેહ મેં ઠારી દીધો.....અરે રે... મારા શાંત જળમાં ધુબાકા મારીને પોતાની મસ્તીને મારામાં ભરીને મને પણ, નટખટ ચંચલ કરીને,મારા ચહેરા પર હાસ્યની અસંખ્ય રેખાઓ પળભરમાં છેડી જતી....તેજ દીકરીને રાખને તેણેજ હસી ને ક્યારેક મારામાં રોપેલી રેખાઓમાં સમાવવાનો મારો વારો આવ્યો !...હું આ પળને અભડાવતાં પહેલા સુકાઈ કેમ ના ગઈ ? મારા વિશાળ લલાટ ને ચહેરા પર હાસ્યની છોળો છોડનાર દીકરીની રાખને ભીંજવતા પહેલા મારું હાસ્ય સદાયને માટે ધરામાં કેમ ના ધરબાઈ ગયું ? જે દીકરીએ મારા પટ પર નાનેરા ઘર બનાવીને તેના આયખાના અણમોલ પડાવ નાખ્યા હતા તેની જિંદગીના ઘરને ભડ ભડ સળગાવતા મારો આ પટ વેરાણ કેમ ન થઈ ગયો ?..
અને જાણે નદી પણ પોક મૂકીને કહી રહી હોય કે....હે અલખધણી મારા પર આટલું વીતે છે તો,તેની જનની,તેના જનક,તેના વીરા,તેની બેનડી અને તેના સ્વજનો પર શું વીતતું હશે ?(!) તું આ લીલેરું જીવતર આપીને તેને પળવારમાં વેરાન કરવાનું બંધ કર...! મારા નાથ જે મારા પંડમાં ઉછળી ઉછળીને ડૂબકીઓ મારીને નાહી છે તે તેના બાપ,ભાઈ ને સ્વજનો માથેથી તેને સાવ નાહી નાખવા મારામાં ડૂબકીઓ મરાવવાની હિંમત હું ક્યાંથી લાવું ? જેને મેં નવડાવી હતી તેને લોકો સાવ નાહી નાખે તેવું જળ હું ક્યાંથી લાવું ? હે નાથ તું મનેખ તો મનેખ પણ, આમારા જેવી તારી રચનાઓને પણ બહુ દોજખ ભર્યું જીવતર,પળો ને પડાવ આપે છે......જો આ હવા પણ તને ફૂંકી ફૂંકીને ભાંડી રહી છે કે "જે દીકરીને મેં જીવતરના શ્વાસો આપ્યા હતા તેને ભરખી ગયો તું અને તેના અસ્તિત્વને ઉડાડવાનું કુકર્મ મારા ભાગ્યમાં લખી ગયો....આ બાજુ જો આ અગ્નિની ધખ ધખતી જવાળાઓ પણ તને ધખી રહી છે કે.."જે દીકરીના મંગળ જીવનનો પ્રારંભ ઘડી પહેલા મારા નસીબમાં લખી ગયો હતો તેને પળવારમાં ચકનાચૂર કરીને તે દીકરીનેજ મારામાં બાળવા તું આવા અભાગીયા પાપ કેમ મારા આયખામાં લખી ગયો ? આ ગગન પણ ગુંજી-ગુંજીને તને ગાળો દઈ રહ્યો છે કે.." મારા ખોળેથી દુર કરીને એક માનવ દેહના ખોળે મુકતા તને શરમ ન્હોતી આવી;અને ત્યારે તો મારાથી તે દુઃખ એ દીકરીને એક માતાનાં ખોળામાં કિલકીલાટ કરતી જોઈને વિસરી જવાયું હતું પણ,આજ એજ દીકરીને તે જનનીના ખોળામાંથી ઝૂંટવીને મારા ખોળામાં મૂકી ગયો છે તો,તે જનનીનું દુઃખ હું કેમ કરી વિસરી શકીશ ? અરે પ્રભુ વાંક તમારો હું નથી કાઢતી પણ, તમારી આ માયાથી અજાણ હું અને તારા આ બનાવેલા સઘળાં પિંડ તને ફક્ત પૂછીને વિનવી રહ્યા છીએ.... જો આ ધરતીનો કલ્પાંત...તેનો સાદ સાંભળ... તે માથા પછાડી પછાડીને કેટલું કૂટી રહી છે.તે પણ તને રાવ દે છે કે મારી શેર માટીમાંથી પિંડ બનાવડાવીને તે ઢગલો ખુશીયા મારા ખોળે ઠાલવી હતી પણ,હવે એજ પિંડને માટી બનાવીને તું મારામાં વિસર્જન કરી ગયો તો લ,મારાથી કેમ જીરવાય ? હુંજ એક પિંડનું સર્જન કરું અને ફરી તેજ પિંડનું વિસર્જન તારા નિમિત્તથી કરું...ને આ મલક તો મનેજ ગાઈને ગાઈને કહે છે સાંભળ..."માટીનો દેહ માટીમાં ભળી જવાનો..."આવી આ લીલાઓ રમતા તારું કાળજું કંપતું નથી...અને બુડ બુડ અવાજ આવતા નદી પોતાનો બળાપો ઠાલવતી શાંત થઈ.....દેવલીના બાપ,ભાઈ ને હંધાય સગાઓના માથેથી દેવલીના નામનું પાણી નિતાવરાવીને જાણે વિધિની વક્રતા,સર્જનહારની સૃષ્ટિ અને દેવની લીલા આગળ પોતે પણ વિવશ છતાં ખુશહાલ મનેથી બંધાયેલી હોય તેમ દેવલીનો શોક હંધાયનાએ માથેથી ઉતારીને પોતાનામાં સમાવીને ફરી ખળખળ વહેવા લાગી....
આ બાજુ નરોત્તમનો પરિવાર નરોતમની પણ અંત્યેષ્ટિ કરવા આવ્યો.દેવલીના સ્મશાનીઓ પાછા વળ્યા.બાયુંઓ સાજીયા લેતી હતી.થીજી ગયેલા હૃદયને ધબકાવવા ને આઘાતમાં હૈયું ટાઢું ના પડી જાય એટલે બૈરાઓ છાતી કૂટી-કૂટીને દેવલીના નામનું છેલ્લીવાર રોતા હતા."ઓમ નમો ભગવતે વાસુદેવાય" નું રટણ કરતા-કરતા સ્મશાનથી પરત ફરેલા ઝાંપે આવી પૂગ્યા.લવો વારીને ઝાંપેજ હાથ-પગ ધોવા લાગ્યા,કોગળો કરીને માથા પર પાણી છાંટ લીધી અને દેવલીના મરણને ત્રણ દાડા તો થઈજ ગયા હોવાથી આવતીકાલેજ બેસણું રાખવાનું નક્કી કરવામાં આવ્યું.બે જણ માટલીમાં ઘઉંના લોટનો કુલેરનો લાડુ,જળ ને દક્ષિણા રાખવા ગામ વચ્ચે આવેલા મહાદેવના મંદિરે ગયા.બૈરાંઓ પણ હવે ગામના હવાડે નાવા ગયા હતા.બહારથી આવેલા સગા સંબંધીઓએ રામરામ કરીને પોતાના બૈરાં આવતા વિદાય લીધી.ગામના અને સાવ નજીકના લોકો હજુ બેઠા હતા.બૈરાઓ પણ હવે આવી ગયા હતા.મધ્યાહન થતા પરિવારના લોકો રહ્યા અને બીજાઓએ પણ રામ-રામ; જયશ્રી ક્રષ્ણ કરીને વિદાય લીધી.
રાધા અને તેનો ઘરવાળો સાંજે દેવલીનો બેસણામાં રાખવાનો ફોટો લઈને પાછા આવશે એમ કહીને તેમણે પણ સૌના હારે વિદાય લીધી.ગામમાંથી મૃતકના પરિવારજનો માટેનું ભાણું પાંચ-છ જગ્યાએથી આવી ગયું.પણ, ત્રણ દા'ડાથી ભૂખ્યા પરષોતમને હજુએ કોળિયો મૂકવાનું મન નહોતું થતું.કંકાવતીને પણ આવી વેળાએ પરષોતમને તાણ કરવાનું કે પોતાને પણ ભોજન લેવાનું ઉચિત ન લાગ્યું.આવેલું ભાણું એમજ પડી રહ્યું અને ઢોર-ઢાંખર ને કૂતરોને ખવડાવી દેવામાં આવ્યું.દેવાયત ને તેના મામાનો દીકરો તો મશાનેથીજ બધી વિધી પતાવીને હરિદ્વાર રવાના થયા હતા.
સાંજ પડતા સંધ્યાટાણે રાધાને તેનો ઘરવાળો આવી પહોંચ્યા.પરસોતમના કહેવાથી અને દેવલી બાપુને વધુ વ્હાલી હોવાથી રાધા ખુદ બે ફૂટ મોટો ફોટો કરાવીને લાવી હતી.કંકુ,ચોખા,ઘીનો દીવો,સુખડનો હાર ને છુટ્ટા ફૂલ બધું તે લઈને આવી હતી.પરશોતમે હવે દેવ સામે ફરિયાદો છોડી દીધી હતી અને બસ મનમાં હજુએ દેવલીના મોત માટે નરોતમ એકલો જવાબદાર ના લાગતા એક-એક કડી સુધી પહોંચવાની મનોમન નેમ લીધી.ત્રીજું ભૂંસાયેલું કુંડાળું એ વખતે તો તેના વિચારોમાં બહુ ના આવ્યું પણ,હવે વારેવારે તેના માનસપટ પર તેજ દૃશ્ય અને તેમાંય ખાસ કરીને તે ત્રીજું ભૂંસાયેલું કુંડાળું આવીને તેને કોરી ખાતું હતું.
ના,મારા માડીજાયા વીરને હું ઓળખું છું.તે મેલી વિદ્યા કરી શકે,દેવલીને મારી શકે પણ,તેની દીકરી સમી દેવલી સાથે જઘન્ય કૃત્ય તો નાજ કરી શકે.અને તેનેજ આ સર્વે કર્યું છે તો તેનું આવું ક્રૂર મોત કેમ થાય ? અને તેના વિચારોમાં અચાનક ભંગ પડ્યો....
આકાશ કાળાં વાદળોથી ગોરંભાયું, વિજળીઓનો જાણે વરસાદ થતો હોય તેમ ઝબાઝબ ઝબાઝબ કાળા અંધારાને ચીરતી ડોકિયા કરવા લાગી.વાદળોનો ગડગડાટ શરૂ થયો.જ્યારે દેવલી ફાટી પડી હતી અને જેવું કુદરત રૂઠયું હતું બિલકુલ તેવુંજ વાતાવરણ પળવારમાં ઉમટવા લાગ્યું...
...ગામના બે અલગ અલગ ખોરડે પુરાયેલા બે મનખા દેહમાં લખલખું પ્રસરી ગયું.કંકાવતી અને જીવણાને છઠ્ઠીનું ધાવણ યાદ આવી ગયું.બંનેના ચહેરાની રેખાઓ તંગ થઈ,ડરનો પડછાયો આખા શરીરને વળગી પડ્યો.બંનેને ખ્યાલ આવી ગયો કે દેવલીનો પવિત્ર આત્મા આવી પૂગ્યો છે.આજ ત્રીજો દિવસ છે.તેને પરત આવવાનો સમય આપેલો હોવાથી તે સઘળું બ્રહ્માંડ વિહરીને પરત આવી ગઈ છે.હવે તો તેનામાં બમણી શક્તિ આવી ગઈ હશે.તેનો આત્મા પવિત્ર હશે પણ તે કઈ માયાવી વિદ્યાથી કમ નહીં હોય ! અને તેને કેમ હરાવવી ? તેના આત્માને કોનાં દેહમાં જગા દેવી ? અને તે હવે સઘળું જાણી ગઈ હશે તો આપણા શા હાલ થશે ? આ સઘળાંએ સવાલો કંકાવતી ને જીવણો એકબીજાથી દૂર રહીને પણ,મનોમન સામ-સામે પૂછી રહ્યા હતા.
આખું સ્મશાન દેવલી ખૂંદી વળી.પણ, ક્યાંય તાજો ભોંયદાટ થયેલો નજરે ના આવ્યો.તેની નજર નદી કિનારે તાજા અગ્નિસંસ્કાર થયેલી રાખ પર પડી અને ત્રણ દિવસમાં તેને જે વિદ્યા મેળવી હતી તેના આધારે સઘળું જાણી લેતા તેનાં ગુસ્સાનો પાર ના રહ્યો.તેનો પવિત્ર આત્મા આ માયાવી દુનિયા ને ખુદ પોતાના સ્વજનોથી મળેલા વિશ્વાસઘાતથી પળભરમાં દૃષ્ટ બની ગયો.તેનું રોમ-રોમ કોપાયમાન થતાં ગામ પર એકા-એક ભયંકર ભેંકાર ઉતરી આવ્યો.નરોત્તમ એટલો બધોએ દૃષ્ટ ન્હતો.તેને થોડીક દયા આવતાં દેવલીને બ્રહ્માંડમાં રહીને બીજા અન્ય દૃષ્ટ અને પવિત્ર આત્માઓથી કેમ મિત્રતા કરવી ? શું શીખવું ને કેમ કરી તે વિધિઓને યાદ રાખીને અજમાવી ? તેની ટૂંકી રસમો સમજાવી હતી અને એય થકીજ દેવલીએ આટલા સમય દરમિયાન કેટલીએ પવિત્ર અને દુષ્ટ,જીવતી ને મરેલી,સ્ત્રી-પુરુષ ને અઘોરી આત્માઓથી મિત્રતા કેળવીને કેટલીએ વિદ્યાઓ ને સિદ્ધિઓનું જ્ઞાન મેળવી લીધું હતું.તેમાંની એક વિદ્યા કુદરતી પ્રકોપનો તાડ અમુક લોકો પરજ કેમ કરી વરસાવવો તેની અજમાયશ કરીને ગામ માથે ડરના આફતી વાદળો ખડા કરી દીધા.અને તે એટલું પણ જાણી ગઈ હતી કે નેવું દિવસ સુધી દેહ વિના આત્મા ભટકી શકે છે આથી આ નેવું દિવસ દરમિયાન તેના લાયક કોઈ દેહનું મરણ થતા તે તેમાં તેના અન્ય આત્માલિક સાથીઓની મદદથી પોતાને પુરશે અને ફરી માનવ દેહ ધારણ કરશે.ત્યાં લગી આ સઘળાએ દૃષ્ટોનું કાસળ કાઢવાનો ઉચિત સમય પણ મળી રહેશે....
કંકાવતી....એય કંકાવતી....હવે આપણા પૈદા નાંખશું તોજ આ રમતમાં જીતશું ને જીવીશું.! નહિતર કઈ નહીં થઈ શકે આપણાથી.
ફોન પર જીવણાની વાત સાંભળીને બખોલમાં છુપાયેલું શિયાળ જેમ બોલે તેમ કંકાવતીએ ધીમા સાદે કહ્યું....હા મેં તે માટે રોમિલને રાખ્યોજ છે અને હજુ તો ત્રણ દિ લગી આ આમ,ડરાવશેજ.તેનાથી કંઈ થઈ શકશે નહીં આથી બે દિમાંજ હું રોમિલને અહીં તેડાવી લઉં છું અને....

( આગળ રોમિલનો શો ઉપયોગ કંકાવતી કરે છે ને દેવલીનો આત્મા શુ શુ વિતાવે છે લોકો પર તે જાણવા આવતા રવિવારે વાંચવાનું ચૂકતા નહીં...આ ભાગમાં મરશિયા મારી મમ્મીએ મને લખી આપ્યા છે એટલે મમ્મીનો ખૂબ ખૂબ આભાર...આપના પ્રતિભાવની રાહ જોતો આશુમન સાંઈ યોગી રાવળદેવ)