દેવલી - 11 Ashuman Sai Yogi Ravaldev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દેવલી - 11

માતમનો માંડવો પરષોત્તમના ખોરડે ડુસકા લેવા લાગ્યો.હૈયું ફાટી પડે એવો આક્રંદ ચોમેર પડઘાઈ રહ્યો.દીકરીનું રૂપાળું મુખડું છેલ્લીવાર જોતો પરષોત્તમ દેવલીને બાથ ભરીને વરસી રહ્યો હતો.હૃદયનું આ ઊંડું દર્દ કોણ સમજે કે એક બાપ દીકરીને કેવી વિદાય આપે છે.મીંઢર બાંધ્યા હાથે વિદાય આપવાના ઓરતા જોઈ બેઠેલો બાપ આજે પોતાના કાળજાને બંધ થઈ ગયેલા હૃદય સંગ વિદાય આપી રહ્યો હતો.નાનકડી ફુલપરીસી લાગતી દીકરીને તે ટગર ટગર જોઈ રહ્યો.ઘડીક અવાક થઈ જતો તો વળી પાછો ઘડીક હીબકાં ભરી ભરીને દેવલીને ભીંજવી દેતો.
.... દેવલી ઓ દેવલી આ તારો બાપ કેટલો અભાગીયો છે તું એકવાર જો તો ખરા ! ગઈ કાલની આ વેળાએ તો તને માંડવે બેસાડવા કેટલી દોડધામ કરતો હોત ! અને આજ તને નેવેથીએ નાહી નાખવા ઉતાવળો થયો છું.મારા ઓરતાને ધૂળ કરતો આ કુદરતનો કહેર તો જો,કન્યાદાન જમાઈને આપવાની જગ્યાએ મારા મેખ તો જો કે જમને દઈ બેઠયો.જવું હતું તારે પિયુ સંગ ને આ દેવ જોને દાનવ બનીને તને હણી ગયો.તું સાસરે વિદાય થઈ હોત તો સમી સાંજે કોળિયો મુકતા તું યાદ આવત તો ફોન કરી હમાચાર લઈને જીવને ટાઢક વળોત. પણ,તું એકપળમાં તો એવા મલકમાં વિહરી ગઈ કે જ્યાં નથી કોઈ તાર કે ટપાલ મળે તેવા ઠામ,નથી કોઈ હંદેહો આપી શકે કે લાવી શકે તેવા દેહ કે નથી કોઈ ફોન કે દૂતના ધામ....બસ ત્યાં તો તું તારો આતમ ને આપણી યાદો ! અને અહીં તને યાદ કરી રોજ જીવ ખોતો તારો આ લાચાર બાપ.માંડવો તો રોપેલોજ છે પણ,તેય કાળમુખો તને ભરખવાજ આવ્યો હોય તેમ પોતાનો રાસ બદલી ગયો.ફરકયોતો તને,મને ને સૌને રોતા કરવા અને મિઢોં તને શાંત કરીને ખાલી અમનેજ રડાવી ગયો.અટાણે તો હું તને હસતી કૂદતી જોવાના અભરખા ઠાકર જોડે નથી માંગતો પણ,એટલુંજ માંગુ છું કે હે ઠાકર મારી દીકરીને તું આખો જન્મારો રડાવજે મને કંઈ નહીં દુઃખ લાગે બસ તેને મારો સાદ સૂણી શકે તેવી રાખ....
....પોતાની દુનિયાજ લૂંટાઈ જતા પરસોત્તમ ચીખી-ચીખીને ભગવાનને આરોપોમાં ઘેરીને વિનવણી કરી રહ્યો હતો....
...મારા બાપ તારા ખેલ તો જો...તું કેવો અમ લાચાર મનેખને તારી કઠપૂતળી બનાવી ક્રુરતાથી નચાવે છે....હે દેવ દાતાર ...આ લીલોડો માંડવો સજાવડાવીને દુનિયા સામે હરખના આંસુ હૈયે ઉભરાવી પળભરમાં મરણનું મોં વળાવતા તને જરાય શરમ નો થઈ ? મલક આખાનો બાપ ઉઠીને તને આ એક ખોરડાના બાપ પર શી વીતશે તેનો લગારે વિચાર નો આવ્યો ? ઢોલિયે પોઢવા જઈ રહેલી દીકરીને ઠાઠડીએ નાખતા તારું કાળજુંએ ના દાઝયું ? તું કેવો નઠારો લાલચુ છે હેં ! ...તારે કયા ખોટ હતી આવા પિંડની તે આટલો વહેલો મારા પિંડને ઓગાળી દીધો ! તું અમરપટ લઈને બેઠયો છે આ બધી લીલાઓ કરવા એટલે તને કયાંથી હમજાય અમ મનખા દેહની લાચારી ! તું એકવાર અમ જેવા માટીના દેહનો બાપ બની જો પછી તારી આંખે પૂર ના ઉભરાય તો મને ફટ કહેજે....
.....દીકરી જતા બાપને કઈ ભાન નહોતું રહ્યું.હૈયેથી દેવલીને અળગી કરવા જરાય રાજી ના હોય તેમ પરસોત્તમ અંતિમ વિધિ કરતા ડાઘુઓને ઘુરકી રહ્યો હતો.પોતાના રતનને લોકો ઝુંટવી ના જાય એટલે ભીંસ દઈને દેવલીને છાતી સરસી ચોપી દીધી હતી.પણ,ક્યાં આ રોકયું રોકાવાનું છે તે તેના આ ધમ પછાડથી દેવ પિંગળીને દેવલીને હજીવન કરે.વખત વીતતો જતો જોઈ નાતીલાઓએ પરસોત્તમને સંભારયો...અને દેવલીના દેહને ઓસરીમાં લીંપણ પર સુવડાવી.મીરાણી આવીને બાયું ભેગી ભળી.લવો વળી ગયેલો તે પરસોત્તમથી મુકાતો નહોતો.દોણી બંધાણી અને ઠાઠડીનો શણગાર શરૂ થયો.ચાર નાળિયેર બંધાણા,ઘાસ પથરાણું, નારસારીના દોર બંધાણા,દેવલીને છેલ્લો શણગાર સજાવાયો,દીકરી પાનેતર ઓઢવાની વેળાએજ સદગત થતા પરશોતમે સૌભાગ્યવતી મરણ થતા જેમ વિધિ થાય તેમ કરવા કહ્યું,અને કાનજી હારેજ સંસાર માંડવાની હોવાથી કાનજીના કહેવાથી તેના ઘરે લઈ જઈનેજ દેવલીના દેહને મશાને લઇ જવાનો હતો.એટલે રૂડું પાનેતર ઓઢડાયું,બાયુનું રોકકળ ભલ ભલાનું કાળજું ચીરી નાખતું હતું.ચોંકામાંથી દેહને ઠાઠડીમાં રખાયો.છ પિંડ તૈયાર કરાયા.
1. શવનિમિત્તક (શવની પાસે)
2. પાન્થનિમિત્તક (ઘરની બહાર નીકળવાના દરવાજા પાસે)
3. ખેચરનિમિત્તક (બહાર ચાર રસ્તે મૂકીને લઇ લેવા માટે)
4. ભૂતનિમિત્તક (સ્મશાનના બારણે)
5. સાધકનિમિત્તક (ચિતા પાસે)
6. અસ્થિસંચયનનિમિત્તક (ચિતામાં)

કેવી સુંદર સોહામણી લાગતી હતી.હમણાં જાણે બોલી ઉઠશે તેવું બોલું બોલું કરતું હસમુખું મુખ નિર્જીવ થઈ તુલસી પાન શોભાવતું હતું.ગંગાજળના ટીંપા મુકાના,સફેદ કફનમાં ગોરું મુખડું વીંટાઈ ગયું.આ બધી વિધિ પરષોત્તમ દેવલીને પોતાનો ભાઈ હજીવન કરવાનો હોવાથી ન્હોતો કરાવવા માંગતો પણ,બધાની સમજાવટથી તે સહમત થયો.દર્ભ ને અડદની દાળના પાંચ પૂતળા મુકાણા,બંને બાજુ કેડમાં એક એક,એક લલાટ પર,પગ આગળ ને ડુંટી પર.શ્વેત પુષ્પોથી દેવલીનું મુખડું શોભી રહ્યું,સૂકા છ છાણાને દાહ દેવાયો,કપૂરની સુવાસ ફેલાણી,દર્ભની ઝૂડી લેવાણી,નારાછડીમાં દેહ જાણે પરણવા જતો હોય તેમ વીંટળાયેલો હતો.ડાઘુઓ આગળ આવ્યા,દેવલીના કાનમાં પરશોતમે ઓય મારા હૃદયના ટુકડા....કહીને પોક મૂકી.અર્થીને કાંધ દેવાઈ અને છેલ્લા શબ્દો શરૂ થયા...રામ નામ સત્ય છે....રામ નામ સત્ય છે.... અને કંકાવતીએ પણ,પોક મૂકી... ઓ દેવલ....મારી દેવલી.... મારા રતન....મને એકલી મૂકી જતા તારો જીવ કેમ ચાલ્યો....ઓહ...
ખળખળિયું ખોવાઈ ગ્યું,મનનું માદળીયું
આ શિર પર તે સરિયું,વળીયું વાદળીયું
ખળખળિયું ખોવાઈ ગ્યું,મનનું માદળીયું
આ શિર પર તે સરિયું,વળીયું વાદળીયું
જનની બનીને રડી રહી હોવાનો ઢોંગ કરતી કંકાવતી પણ,હવે તો પડી ભાંગી હતી.એનું ટુકડા ટુકડા થઈને વિખરાતું લાગ્યું,તેના ગળે ડૂસકાંનો ડૂમો વળી ગયો.પણ,તે એ ના સમજી શકી કેમ તેનામાં આટલો વલોપાત જાગી રહ્યોંતો ! શુ તે રડી રહી છે કે કોઈ રડાવી રહ્યું છે તેના વિચારોમાં મોં વાળીને લવો કરે જતી હતી.
કૂતરાં રાડો પાડી રહ્યા,દૂર ઘુવડ પોક મૂકી ધોરા દાડે રડી રહ્યું હતું.બધે સુણકાર પાથરી ગયો હતો.ગામની ખાલીખમ શેરીઓ ડોકિયાં કરી કરીને બાળપણમાં પોતાને ગજવી મુકનાર તે દેવલીને છેલ્લીવાર નેજવા મૂકી જોઈ રહી હતી...

( નોંધ... મિત્રો આ વખતે અચાનક જોબ પર જવાનું થતા આ નોવેલનો ચોપડો ઘરે રહી જતા.તાત્કાલિક આ ભાગ લખેલ છે એટલે વધુ નથી લખી શક્યો.તમારી સાથે ચોક્સ સમયે જોડાઈ રહેવા માટે આ ભાગ લખવો જરૂરી હતો એટલે થોડોક લખ્યો છે. માફ કરજો. આવતા સપ્તાહે વધુ લખીશ... આભાર...)