Rudra ni premkahaani - 2 - 21 books and stories free download online pdf in Gujarati

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 21

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2:

અધ્યાય-૨૧

રુદ્રના શ્વાસ હજુ ચાલુ હતાં પણ કેટલો સમય એનો જવાબ કોઈની જોડે નહોતો? જાણે મેઘના અર્ધપાગલ થઈ ગઈ હોય એમ સેનાપતિ અકીલાને આદેશ આપતાં બોલી કે તાત્કાલિક વીરાને રાજવૈદ્ય જોડે મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે. મેઘનાનો સત્તાવાહી સુર સાંભળી અકીલાએ રુદ્ર અને મેઘનાને તાત્કાલિક રત્નનગરી પહોંચાડવાની સગવડ કરી દીધી.

વીતતી દરેક પળ સાથે રુદ્રના જીવિત રહેવાની શક્યતાઓ ઘટી રહી હતી એ જોઈ મેઘનાની આંખો ઉભરાઈ આવી હતી. જો રુદ્રને કંઈ થયું તો પોતે પોતાનું જીવન ટૂંકાવી દેશે એવો દૃઢ નીર્ધાર મેઘના મનોમન કરી રહી હતી. બે પાણીદાર અશ્વો પર બેસીને રત્નનગરી પહોંચવા સુધીમાં લાગેલો એક ઘડીનો સમય પણ મેઘના મન એક યુગથી વધુ હતો.

"રાજવૈદ્ય જગતેશ્વર, આ વીરા છે. મહારાજ દ્વારા નિયુક્ત કરવામાં આવેલો મારો ખાસ અંગરક્ષક. આને કોઈપણ કરીને બચાવી લો. આ એક રાજકુમારી આદેશ પણ છે અને તમારી આ દીકરીની વિનંતી પણ." રાજવૈદ્યને ફાળવવામાં આવેલાં ખાસ કક્ષમાં પહોંચતાં જ અકીલાને બદલે મેઘનાએ કહ્યું. એનાં અવાજમાં રુદ્ર તરફનો સ્નેહ અને લગાવ વર્તાય રહ્યો હતો.

જગતેશ્વર સાઠ વર્ષની આયુ ધરાવતાં સજ્જન અને ગુણી રાજવૈદ્ય હતાં. માફકસરની ઊંચાઈ અને મધ્યમ બાંધો ધરાવતાં જગતેશ્વરની ગણના પૃથ્વીલોકનાં સૌથી મહાન રાજવૈદ્ય તરીકે થતી હતી. જગતેશ્વરના ચહેરા પર સદાય સ્મિત પથરાયેલું જોવાં મળતું. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની મનોસ્થિતિ પર કાબુ મેળવવાનો ગુણ જગતેશ્વરને એમનાં ક્ષેત્રમાં ખાસ બનાવતો હતો.

પોતાનાં સહાયક પ્રેમવતી અને મનુની મદદથી જગતેશ્વરે તાત્કાલિક રુદ્રને પોતાનાં કક્ષમાં આવેલાં એક લાકડાંની પાટ ઉપર પેટનાં બળે સુવડાવ્યો. મેઘનાને બહાર જ પ્રતીક્ષા કરવાનું કહી જગતેશ્વરે પોતાનો કક્ષ બંધ કરી લીધો. રુદ્રનાં માથાની પાછળની ભાગેથી મોટી માત્રામાં રક્ત વહી ચૂક્યું હતું અને એનાં લીધે ઘાની આસપાસનો ભાગમાં ફેલાયેલું રક્ત જામીને ઘટ્ટ બની ચૂક્યું હતું.

હજુપણ રક્ત એ ઘા માંથી વહેવાનું બંધ થવાનું નામ નહોતું લઈ રહ્યું, રુદ્રના શ્વાસ હવે તૂટવા માંડ્યા હતાં. આટલું બધું રક્ત વહી ગયાં પછી રુદ્રનું બચવું અશક્ય છે એ જગતેશ્વર આ ક્ષેત્રમાં એમનાં ચાલીસ વર્ષનાં અનુભવ પરથી સમજી ચૂક્યાં હતાં. છતાં પોતાનાં ત્યાં આવેલો દર્દી હાર ના માને ત્યાં સુધી પોતે પ્રયાસ કરવાનું નહીં મૂકે એવી મનોમન ગાંઠ વાળીને જગતેશ્વરે પોતાનાં યુવાન સહાયક મનુને રુદ્રના માથે પડેલાં ઘાની આસપાસનાં કેશ દૂર કરવાં આદેશ આપ્યો.

મનુએ તુરંત પોતાનાં ઉપરીનાં આદેશનું પાલન કરી રુદ્રના માથાની પાછળ થયેલાં ઘાની આસપાસનાં કેશ દૂર કરી દીધાં. કેશ દૂર થતાં જ જગતેશ્વરે ઘાને સાફ કરીને જોયો તો તે સ્તબ્ધ થઈ ગયાં. અડધી વેંત જેટલો મોટો ઘા રુદ્રના માથે થયો હતો જેનાં લીધે મસ્તિષ્કની પાછળની બાજુની ખોપરી પણ એમાંથી દેખાઈ રહી હતી. જગતેશ્વરે વધુ સમય વ્યય કર્યા વિનાં મંકોડાની મદદથી રુદ્રનાં ઘા પર ટાંકા લઈ લીધાં.

"પ્રેમવતી, વીંછીનું વિષ ઉમેરી સંજીવની ઓસડ મને આપ. પણ ધ્યાન રાખજે મેં કહ્યું છે એટલી જ વિષની માત્રા એમાં ઉમેરજે."

"ગુરુદેવ વીંછીનું વિષ ઉમેરવાનું પ્રયોજન?" મનુએ આશ્ચર્ય સાથે જગતેશ્વરને સવાલ કર્યો.

"સંજીવની ઓસડથી આનાં ઘા ખૂબ જ ત્વરાથી રૂઝાઈ જશે પણ એ પહેલાં વીંછીનાં વિષની યોગ્ય માત્રાથી આનાં અનિયંત્રિત શ્વાસોશ્વાસ અને હૃદયની ગતિને ધીમું પાડવું જરૂરી છે. આમ કરવાથી એનું શરીર અમુક સમય સુધી ઓછાં પ્રાણવાયુમાં ટકી શકશે. જો ચાર ઘડી બાદ પણ આ જીવિત રહેવામાં સફળ રહેશે તો આપણે પુનઃ સંજીવની ઓસડ અને ચમત્કારી ગાઢું દ્રવ્ય પીવડાવીને એનાં પ્રાણ બચાવી લઈશું." મનુના પ્રશ્નનો જવાબ આપતાં આપતાં જગતેશ્વરે રુદ્રને વીંછીનું વિષ નાંખેલ સંજીવની ઓસડ પીવડાવી લીધું.

"હે ઈશ્વર, હે અશ્વિની કુમારો આજે પ્રથમવાર મારી દીકરી સમાન રાજકુમારીએ મને વિનંતી કરીને કોઈ કાર્ય સોંપ્યું છે, જો મેં જીવનભર કોઈ પાપ ના કર્યું હોય તો આ યુવકને બચાવી લેજે." રુદ્રના માથે થયેલાં ઘા ઉપર મલમ લગાવતાં જગતેશ્વરે કહ્યું.

"મનુ આ યુવકનાં લોહીથી ખરડાયેલાં કુર્તાને દૂર કરી એનાં શરીરને ભીના કપડાથી સાફ કરી દે." જગતેશ્વરના આમ બોલતા જ મનુએ રુદ્રના કુર્તાને નીકાળી દીધો. રુદ્રની છેક પીઠ પર રક્ત જામી ગયું હતું. મનુએ ગરમ પાણી કરી એમાં સુતરાઉ કપડું ડુબાડી રક્તનાં ડાઘ સાફ કરવાનું શરૂ કરી દીધું.

આ દરમિયાન અન્ય બીજી ઓસડ બનાવવામાં મગ્ન જગતેશ્વરનું ધ્યાન રુદ્રની પીઠની નીચે બનેલાં એક નિશાન પર ગયું. આ નિશાન પર નજર પડતાં જ જગતેશ્વર રુદ્રની નજીક આવ્યાં અને ધ્યાનથી એ નિશાનને જોયું. ત્રિશુલ પર વીંટલાયેલાં સર્પનું એ નિશાન જોતાં જ જગતેશ્વર બે ડગલાં પાછળ હટી ગયાં. એમનાં શરીરમાં ઝણઝણાટી ઉત્તપન્ન થઈ. અચરજભરી નજરે જગતેશ્વર ધારીધારીને એ નિશાનને જોઈ રહ્યાં.

"નિમ રાજવી.!" જગતેશ્વરનાં આ શબ્દો દર્શાવી રહ્યાં હતાં કે રુદ્રની ઓળખ એમની આગળ છતી થઈ ચૂકી હતી.

********

એક તરફ જ્યાં રુદ્રની સાચી ઓળખ રત્નનગરીનાં રાજવૈદ્ય જગતેશ્વર આગળ છતી થઈ ચૂકી હતી તો બીજીતરફ રુદ્રની તબિયત અંગેનાં સમાચાર સાંભળવા રાજવૈદ્યનાં કક્ષ આગળ ઊભેલી મેઘના ઉપર રાજા અગ્નિરાજનો સંદેશ લઈને એક સૈનિક આવ્યો હતો.

"રાજકુમારીજી, મહારાજ અગ્નિરાજનો સંદેશ લઈને એક કબૂતર આવ્યું છે." રેશમની દોરી વીંટેલી એક કપડાંનો ટુકડો મેઘનાનાં હાથમાં મૂકતાં એક સૈનિક બોલ્યો.

પોતાનાં પિતાજીએ શું સંદેશ મોકલાવ્યો હતો એ જોવા મેઘનાએ સૈનિક જોડેથી એ સંદેશો લીધો અને એને વાંચવાનું શરૂ કર્યું.

"મેઘના, ત્યાં બધું સકુશળ હશે એવી આશા છે. અમે મગધની સરહદે પહોંચી ચૂક્યાં છીએ પણ આગળ ગંગા નદીમાં પૂરની શક્યતાઓ હોવાથી અમે થોડો સમય રોકાઈ ગયાં છીએ. એ જણાવવા તને આ સંદેશો મોકલાવ્યો હતો કે અમારે રત્નનગરી પાછાં આવતાં વધુ સમય લાગી શકે છે તો તારું ધ્યાન રાખજે. તારી માતા પણ તને ખૂબ યાદ કરે છે."

લખાણ અગ્નિરાજનું જ હતું અને સંદેશાની નીચે રત્નનગરીની રાજમુદ્રાનું ચિહ્નન હતું જે પુરવાર કરતું હતું કે આ સંદેશો અગ્નિરાજ દ્વારા મોકલવામાં આવેલો છે.

"સેનાપતિ અકીલાને જણાવી દેજો કે મહારાજે સંદેશો મોકલાવ્યો છે અને જણાવ્યું છે કે એમને પુનરાગમનમાં સમય લાગશે. સાથે જણાવજો કે સંદેશો રાજકુમારીનાં નામે હતો એટલે એમને સંદેશો પોતાની જોડે જ રાખ્યો છે." સંદેશો લઈને આવેલાં સૈનિકને આદેશ આપતાં મેઘનાએ કહ્યું. મેઘનાનો આદેશ નતમસ્તક થઈને સ્વીકાર્યા બાદ એ સૈનિક ત્યાંથી સેનાપતિ અકીલાનાં કક્ષ તરફ ચાલતો થયો.

એ સૈનિકનાં ત્યાંથી જતાં જ મેઘના પુનઃ રુદ્રની સાથે વિતાવેલી ક્ષણોનાં વિચારોમાં ડૂબી ગઈ. મેઘનાનાં મનમાં અત્યારે સતત એક જ ચિંતા પ્રવર્તમાન હતી કે રુદ્રને કંઈક થઈ ગયું તો એનું શું થશે?

********

રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલાં સૈનિકે એક સંદેશો વહન કરતાં કબૂતરની મદદથી પોતાનાં માલિક માટે સંદેશો મોકલાવ્યો હતો. લાંબું અંતર કાપીને એ કબૂતર આખરે એનાં ગંતવ્ય સ્થાને આવી પહોંચ્યું હતું અને એ સ્થાન હતું રાજા મહેન્દ્રસિંહની રાજધાની ઇન્દ્રપુરમાં આવેલો એમનો રાજમહેલ.

કબૂતરો થકી આવતાં રાજકીય સંદેશાનું ધ્યાન રાખતાં સૈનિકે જેવો જ એ સંદેશો વાંચ્યો એ સાથે જ એ મહેન્દ્રસિંહનાં પુત્ર અને ઈન્દ્રપુરનાં ભાવિ ઉત્તરાધિકારી સાત્યકીનાં કક્ષ તરફ અગ્રેસર થયો. આ ગુપ્ત સંદેશો રાજકુમારનાં નામે હોવાથી એ સૈનિકે એ સંદેશો સીધો સાત્યકીને પહોંચાડવો ઉચિત સમજ્યું.

"રાજકુમાર તમારાં માટે રત્નનગરીથી બૃહદનો સંદેશો છે."

બૃહદનું નામ સાંભળતાં જ સાત્યકીના ભવાં તંગ થઈ ગયાં. કંઈક ખાસ માહિતી પોતાનાં ગુપ્ત સૈનિક બૃહદે મોકલાવી હોવી જોઈએ એવી આશા સાથે સાત્યકીએ સંદેશ ખોલીને મનોમન વાંચવાનું શરૂ કર્યું.

"રાજકુમાર સાત્યકીને એમનાં દાસ બૃહદનાં પ્રણામ,

આપે મને રત્નનગરીમાં રાજકુમારી મેઘનાનાં અંગરક્ષક તરીકે નિમાયેલાં વીરા નામક વ્યક્તિનું ધ્યાન રાખવાનું જે કાર્ય સોંપ્યું છે એ હું પુરી લગનથી નિભાવી રહ્યો છું. તમારું અનુમાન સાચું હોય એવું મને લાગી રહ્યું છે. આ વીરા નામનો વેપારી મને તો બહુ મોટો બહુરૂપિયો લાગે છે. થોડાં સમયથી એનાં અને રાજકુમારી મેઘના વચ્ચેની મૈત્રી વધુ ગાઢ થતી જાય છે. મેં ગયાં સંદેશમાં જણાવ્યાં મુજબ રાજા અગ્નિરાજ અત્યારે માનસરોવરની યાત્રા પર હોવાથી એ ઢોંગીને એની મેલી મુરાદ પુરી કરવાની તક મળી ગઈ હોય એવું લાગે છે.

જે રીતે રાજકુમારી અને એ અંગરક્ષક બંને નજીક આવી રહ્યાં છે એ આગળ જતાં ગંભીર સ્વરૂપ ધારણ કરે એવી મને શંકા છે. તો મહેરબાની કરીને આપ આગળ આપની રીતે આ બાબત પર પૂરતું ધ્યાન આપો એવી આશા. આપનો સેવક બૃહદ."

બૃહદે મોકલેલો સંદેશો વાંચી સાત્યકીની આંખોમાં લોહી ઉભરી આવ્યું. જડબા સખત થઈ ગયાં અને મોંમાંથી અપશબ્દો સરી પડ્યાં. બૃહદે મોકલાવેલા સંદેશને સળગાવી દીધાં બાદ સાત્યકી પોતાની સાથે વાત કરતો હોય એમ સ્વગત બબડ્યો.

"સાત્યકી, વહેલી તકે જો કંઈ કરવામાં નહીં આવે તો સમગ્ર આર્યાવતનાં સમ્રાટ બનવાનું તારું સપનું બસ સપનું જ રહી જશે. પિતાજી મામાનાં ઘરેથી આવે એનાં બીજા દિવસે સવારે જ રત્નનગરી માટે પ્રયાણ કરવું પડશે."

*********

વધુ આવતાં ભાગમાં

રુદ્રનું શું થશે? રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલાં વ્યક્તિએ કોને સંદેશો મોકલાવ્યો હતો? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED