રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 20 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 20

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2

અધ્યાય-૨૦

મેઘનાને પથ્થર પાછળ સુરક્ષિત રાખવાનાં હેતુથી રુદ્રએ પોતાની સામે ઊભેલાં બે ભીમકાય દૈત્યોનો સામનો કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. એક અંગરક્ષકની સાથે રુદ્ર હવે મેઘના માટે એનું સર્વસ્વ બની ચૂક્યો હોવાથી રુદ્ર માટે પોતાનાં જીંદગી દાવ પર મૂકીને મેઘનાનો જીવ બચાવવો પોતાનું પરમ કર્તવ્ય બની ગયું હતું.

હજુ પણ એ બંને દૈત્યો ઘુરકાટ કરતાં રુદ્રની તરફ જોઈ રહ્યાં હતાં. એમની આંખોમાં દેખાતી ક્રૂરતા એ તરફ ઈશારો કરી રહી હતી કે રુદ્રને તેઓ પોતાનો શિકાર માની રહ્યાં છે. પોતાનાં હાથમાં રહેલાં શિયાળનું વધ્યું ઘટ્યું માંસ પોતાનાં મોંઢામાં નાંખ્યા પછી એ બંને દૈત્યોએ પોતાનાં બંને હાથની મુઠ્ઠીઓ વાળી છાતી ઉપર જોરજોરથી મારીને વાતાવરણને થથરાવી મૂક્યું. એમની ચીસો અને ત્રાડ એટલી વિકરાળ હતી કે આજુબાજુ વૃક્ષો પર બેસેલાં પક્ષીઓ ઘબરાઈને ઉડવા લાગ્યાં.

આટલો બધો કોલાહલ સાંભળી મેઘના પણ પથ્થરની આડશમાંથી બહાર આવી અને અવાજની દિશામાં દ્રષ્ટિ ફેંકી. બે ભીમકાય દૈત્યની સામે ઊભેલાં રુદ્રને જોઈ મેઘનાનું શરીર થીજી ગયું. વાનુરાનાં મેદાનમાં પણ રુદ્ર આવાં જ દૈત્યને માત આપી ચૂક્યો હતો પણ અહીં એકસાથે બે દૈત્યનો મુકાબલો કરવો રુદ્ર માટે લોઢાનાં ચણા ચાવવા બરાબર બનશે એવું મેઘનાને લાગી રહ્યું હતું.

"રુદ્ર..!"

મેઘનાનો અવાજ સાંભળી રુદ્રએ પોતાની ગરદન ઘુમાવી મેઘનાની તરફ નજર ફેંકી. અત્યારે વાત કરવામાં સમય વ્યય કરવાનો કોઈ અર્થ નથી એ સમજતાં રુદ્રએ હાથ વડે ત્યાં જ છુપાઈને રહેવાનો ઈશારો કર્યો. રુદ્રની આંખો જોઈને મેઘના એ બાબતે આશ્વસ્થ થઈ ચૂકી હતી કે રુદ્ર આ બંને દૈત્યનો એકલા હાથે મુકાબલો કરવા સક્ષમ છે. પોતાનાં આંખો અને ચહેરાનાં ભાવથી મેઘનાએ રુદ્રને પોતાનું ધ્યાન રાખવા કહ્યું.

"હર હર મહાદેવ.!" એ બંને દૈત્ય પોતાની ઉપર હુમલો કરે એ પહેલાં એમની ઉપર હુમલો કરી એમને ચોંકાવી દેવાની મંછા સાથે રુદ્ર હાથમાં પોતાની તલવાર લઈને એ બંને તરફ વિજળીવેગે આગળ વધ્યો.

પોતાનો શિકાર પોતાની તરફ આ રીતે આગળ વધી રહ્યો હતો એ જોઈ બંને દૈત્યો વિસ્મયમાં મુકાઈ ગયાં. પુનઃ હૈયામાં ફાડ પાડી મુકતી ભયંકર ત્રાડ સાથે એ બંને દૈત્યોએ પહેલાં એકબીજાની તરફ જોયું અને પછી રુદ્રની તરફ ઉતાવળાં ડગલે અગ્રેસર થયાં. એમનાં દરેક ડગલાંની સાથે પગની આસપાસની જમીન ધ્રુજી રહી હતી. જંગલ આખું જાણે આ દ્વંદ્વ જોવામાં વ્યસ્ત હોય એમ ચોતરફ સન્નાટો વ્યાપી ગયો હતો.

"હર હર મહાદેવ!" બંને દૈત્યોની જોડે પહોંચતાં જ રુદ્રએ મહાદેવનાં ગગનભેદી જયનાદ સાથે એક દૈત્યનાં શરીરનો ઉપયોગ કરી, છલાંગ લગાવી બીજાં દૈત્યનાં ખભા ઉપર તલવારથી ઊંડો ઘસરકો કરી દીધો. પોતાની ઉપર થયેલાં આ ઓચિંતા પ્રહારથી એ દૈત્યની દર્દનાક ચીસો વાતાવરણમાં ગુંજી ઉઠી.

બીજો ભીમકાય દૈત્ય રુદ્રની તરફ પાછો ફરે એ પહેલાં તો રુદ્રએ પોતાની તલવારથી એનાં જમણાં પગને રહેંસી નાંખ્યો. તલવારનો ઘા એટલો ઘાતક હતો કે એ દૈત્યનાં પગની ચામડી ચિરાઈને ગઈ અને માંસ બહાર આવી ગયું. ક્ષણવારમાં રુદ્રએ જે રીતે એ બંને ભીમકાય દૈત્યને ઈજાગ્રસ્ત કરી મૂક્યાં હતાં એ જોઈ મેઘનાની ખુશીનો કોઈ પાર નહોતો.

મેઘના ખુશ થઈને તાળીઓ પાડવા લાગી, પણ એની ખુશી વધુ સમય ના ટકી. જે દૈત્યનો ખભો ઈજાગ્રસ્ત હતો એને પોતાનાં બીજાં હાથ વડે રુદ્રને જોરદાર ધક્કો મારીને ભોંયભેગો કરી દીધો. એનાં ધક્કામાં એટલી તાકાત હતી કે રુદ્ર અચંબિત થઈ ગયો. રુદ્રને પેટનાં ભાગે થોડું વાગ્યું પણ એ દર્દને ગણકાર્યા વિનાં રુદ્ર પોતાનાં પગ ઉપર પાછો બેઠો થઈ ગયો.

બંને ઈજા પામેલાં દૈત્યો હવે વધુ ભયાવહ બનીને રુદ્રનો ખેલ તમામ કરવાની ઈચ્છા સાથે એની તરફ અગ્રેસર થયાં. એ બંનેને પોતાની તરફ આવતાં જોઈ રુદ્રએ પોતાનાં કમરબંધમાં ભરાવેલી કટાર પોતાનાં બીજાં હાથમાં પકડીને એ દૈત્યોની તરફ દોટ મૂકી. સૌપ્રથમ રુદ્રએ પગે ઈજાગ્રસ્ત થયેલાં દૈત્યનાં પેટ પર પોતાની કટારનો ઘા કરી દીધો જેથી એ થોડો નીચો નમ્યો, આ જ ક્ષણે એનાં પગનો ઉપયોગ કરી રુદ્રએ બીજાં દૈત્ય પર છલાંગ લગાવી દીધી. એ દૈત્ય પોતાનાં હાથને વચ્ચે લાવીને રુદ્રનો હુમલો ખાળવા ગયો પણ રુદ્રની ગતિ અને સ્ફૂર્તિ આગળ એની એક ના ચાલી.

રુદ્રએ પોતાની તલવારને મજબૂતાઈથી પકડીને શક્ય હોય એટલી ગતિથી એ ભીમકાય દૈત્યની ગરદન પર ચલાવી દીધી. આ પ્રહારમાં રુદ્ર પોતાની સમસ્ત શક્તિનો ઉપયોગ કરી ચૂક્યો હતો. રુદ્રનો આ પ્રહાર એટલો પ્રચંડ હતો કે તલવાર એ દૈત્યની ગરદનમાં અડધે સુધી ઉતરી ગઈ. એની શ્વાસનળી એક ઝાટકે કપાઈ જતાં એ દૈત્ય ગરદન પકડીને જમીન પર ઘૂંટણભેર બેસી ગયો. જોરજોરથી શ્વાસ લેવાની વ્યર્થ કોશિશ કર્યાં બાદ થોડી જ ક્ષણોમાં એ વિશાળ દૈત્ય ઢગલો થઈને જમીન પર ફસડાઈ પડ્યો.

રુદ્રનો આ ઘા એનાં માટે જીવલેણ સાબિત થયો અને એ ભીમકાય જીવનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું. પોતાની આ પ્રારંભીક જીત બાદ રુદ્રએ મેઘનાની તરફ જોઈ સ્મિત વડે એનું અભિવાદન ઝીલ્યું.

પોતાનાં સાથીની આવી દશા જોઈ બીજો દૈત્ય ક્રોધિત થઈ ગયો. પોતાની ઈજાઓ ભૂલીને એ રુદ્રની સામે ધારીધારીને એ રીતે જોવાં લાગ્યો જાણે હમણાં જ રુદ્રને કાચોને કાચો ખાઈ જવાનો કેમ ના હોય! એનો ચહેરો ગુસ્સાથી રાતો થઈ ગયો, નસકોરાં જોરજોરથી ફુલવા અને સંકોચાવા લાગ્યાં.

"આરરરર...હહહહહ....એહહહ." સાક્ષાત યમનો અવતાર બની ગયો હોય એમ એ દૈત્ય રુદ્રનું કામ તમામ કરવાની ઈચ્છા સાથે રુદ્રની તરફ આગળ વધ્યો.

"ક્રોધ, તમારો સૌથી મોટો શત્રુ છે કેમકે એ તમને યોગ્ય વસ્તુ વિચારવા જ નથી દેતો." મનોમન આટલું કહી રુદ્ર એ દૈત્યની તરફ આગળ વધ્યો. મેઘનાનું હૃદય જાણે અચાનક થંભી ગયું. આગળ શું થશે એ જોવાની હિંમત ના હોવાથી એને પોતાનો ચહેરો બીજી તરફ ઘુમાવી લીધો.

જેવું પોતાનાં અને એ દૈત્ય વચ્ચેનું અંતર દસેક ડગલાં વધ્યું ત્યારે રુદ્ર ઘૂંટણભેર સરકીને એનાં સુધી પહોંચ્યો અને પોતાની કટારને એ દૈત્યના પગમાં પડેલાં ઘા માં ઉતારી દીધી. અસીમ દર્દની અનુભૂતિ સાથે એ દૈત્ય નીચે ઝુક્યો. આ ક્ષણનો લાભ લઈ રુદ્રએ ક્ષણનાં છઠ્ઠા ભાગમાં પોતાની તલવાર એનાં હૃદયનાં અંદર ઉતારી દીધી. રુદ્રએ તલવાર બહાર ખેંચી અને પુનઃ હૃદયમાં ઉતારી દીધી.

જેવી રુદ્રએ બીજી વખત પોતાની રક્તરંજીત તકવાર એ દૈત્યનાં હૃદયમાંથી બહાર ખેંચી એ સાથે જ દડદડ કરતું રક્ત જમીન પર પડવા લાગ્યું. થોડી જ ક્ષણોમાં લોહીનું નાનું ખાબોચિયું ભરાઈ ગયું અને એ દૈત્ય એમાં ફસડી પડ્યો. અસહાય હાલતમાં મુકાયેલાં એ દૈત્યએ દયાભરી નજરે રુદ્રની તરફ જોયું. પોતાનો કાળ બનીને આવેલો આ મનુષ્ય કોઈ સામાન્ય વ્યક્તિ નહોતો એવું મૃતપાય હાલતમાં એ દૈત્યને સમજાઈ ચૂક્યું હતું.

થોડો સમય દર્દ અને પીડાથી તડપ્યા બાદ એ દૈત્ય પણ પોતાનાં સાથીની જોડે પહોંચી ગયો હોય એમ એનાં દેહની હલનચલન બંધ થઈ ગઈ. એકલા હાથે આસાનીથી કોઈ જાતની મોટી ઈજા વગર આ બંને દૈત્યોને મોતને ઘાટ ઉતારવાની ખુશી રુદ્રના ચહેરા પર દ્રશ્યમાન થઈ રહી હતી. આ આસાનીથી પોતે આ મોતનાં તાંડવને અંજામ આપ્યો હતો એનો સંતોષ રુદ્રના મુખ પર સ્પષ્ટ વર્તાતો હતો.

પોતાનાં હાથે મરેલાં દૈત્ય પર અપલક નજર નાંખી રુદ્રએ વિજયસુચક સ્મિત વેર્યું અને પથ્થર જોડે ઊભેલી મેઘના તરફ આગળ વધ્યો. રુદ્રની આ વિજય પર મેઘના રુદ્ર કરતાં પણ વધુ માલુમ પડી રહી હતી. મેઘનાને પોતાનાં આલિંગનમાં લઈ એને સુરક્ષાની અનુભૂતિ આપવાં માટે રુદ્ર બેકરાર હતો. રુદ્ર અને મેઘના વચ્ચે માંડ વીસ ડગલાં જેટલું અંતર હતું. રુદ્રનું પણ સંપૂર્ણ ધ્યાન મેઘના પર કેન્દ્રિત હતું. આજુબાજુ શું થઈ રહ્યું હતું એ વાતથી અજાણ રુદ્ર મેઘનાની નજીક પહોંચી ગયો હતો.

અચાનક મેઘનાનું ધ્યાન એ દૈત્ય પર પડ્યું જેને રુદ્રએ છેલ્લે મૃતપાય અવસ્થામાં પહોંચાડ્યો હતો. એ દૈત્ય પોતાની રહી સહી હિંમત એકઠી કરીને ઉભો થયો. એનાં હાથમાં એક લાકડું હતું. ઊંડો શ્વાસ ખેંચી એ દૈત્યએ એ લાકડાંને રુદ્રની તરફ ફેંક્યું. આ જ સમયે મેઘનાને શોધતાં સૈનિકોની ટુકડી ત્યાં આવી પહોંચી હતી. ત્યાં શું થયું એ વાતથી અજાણ અકીલાએ પોતાનાં ધનુષમાંથી એક તીર એ દૈત્ય પર ચલાવી દીધું.

આ બધું એ ગતિમાં બન્યું હતું કે શું કરવું એની કોઈને કંઈ ખબર જ ના રહી.

"વીરા..!" મેઘના રુદ્રને ચેતવે એ પહેલાં તો એ લાકડું રુદ્રના માથાનાં પાછળની બાજુએ જોરથી અથડાયું. એ દૈત્યએ જે બળથી એ લાકડું ફેંક્યું હતું એ બળની અસરનાં લીધે એ લાકડું એક શસ્ત્રનું રૂપ લઈ ચૂક્યું હતું.

પોતાની જાણ બહાર અચાનક થયેલાં આ હુમલાનો રુદ્ર કોઈ જાતનો પ્રતિકાર કરે એ પહેલાં તો એ વજનદાર લાકડું રુદ્રના માથાની પાછળની બાજુ આવીને જોરથી અથડાયું. લાકડાંનાં અથડાતા જ રુદ્રને તમ્મરિયાં આવી ગયાં અને એની આંખોમાં અપાર દર્દ દેખાવા લાગ્યું હતું. એનાં માથાનાં પાછળની બાજુએથી લોહી વહીને એનાં ખભા પર ટપકી પડ્યું.

"મેઘના..મેઘના..મેઘના!" પીડાયુક્ત તૂટતાં, ઘીમાં થતાં અવાજે આટલું કહી રુદ્રએ મેઘનાની આંખોમાં જોયું. ધીરે-ધીરે બધાં અવાજો શાંત થઈ ગયાં, આંખોનાં પોપચાં ઢળી પડ્યાં અને ચારેકોર અંધારું વ્યાપ્ત થઈ ગયું હોય એવાં અનુભવ સાથે રુદ્રએ એક ઊંડો શ્વાસ ભરીને આંખો મીંચી દીધી.

*******

વધુ આવતાં ભાગમાં

રુદ્રનું શું થશે? રુદ્ર અને મેઘના પર ધ્યાન રાખી રહેલાં વ્યક્તિએ કોને સંદેશો મોકલાવ્યો હતો? નિમલોકો સાથે થયેલી અન્યાયી સંધિ આખરે ક્યાં હતી? રુદ્ર અને મેઘના વચ્ચે કેવાં સંજોગોમાં પ્રેમ પાંગરશે? શું રુદ્ર પોતાનાં ધ્યેયને પૂરો કરી શકશે? આગળ જતાં નવાં રહસ્યો અને રોમાંચથી છલોછલ આ નવલકથા તમારાં દિલ-દિમાગ પર છવાઈ જશે.

દોસ્તો આ એક પૌરાણિક કાલ્પનિક નવલકથા છે. જેનો દૂર દૂર સુધી સત્ય સાથે કોઈ સંબંધ નથી. મારાં મનમાં ઉદ્દભવેલા વિચારોને શબ્દોનું રૂપ આપી આપ સૌ માટે કંઈક નવું લખવાની ઈચ્છા સાથે આ નવલકથાનું સર્જન કરેલું છે. આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)