Angarpath-54 books and stories free download online pdf in Gujarati

અંગારપથ. - ૫૪

અંગારપથ.

પ્રકરણ-૫૪.

પ્રવીણ પીઠડીયા.

ગોવાની સોનેરી ધરતી ઉપર અંધકારનું સામ્રાજ્ય ફેલાવું શરૂ થયું હતું અને લાઈટો ઝગમગવી શરૂ થઇ હતી. સાંજનો અસહ્ય બફારો હળવી ગતીથી આહલાદકભરી ઠંડકમાં પરીવર્તિત થઇ રહ્યો હતો. દરિયાની સપાટી ઉપરથી વહેતી ખારાશ છવાયેલી હવાઓમાં ધીરે-ધીરે રાતની મદહોશી ભળવી શરૂ થઇ હતી. ગોવાનું યૌવનધન અંગડાઇ લઈને રાતને આવકારવા સજ્જ થતું હતું. એવા સમયે લિસ્સા સરપટ રસ્તા ઉપર ભયાનક વેગે દોડતી એમ્બ્યુલન્સ સરકારી હોસ્પિટલ તરફ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં ગોવાનો સર્વ શક્તિમાન વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો હતો. એ ડગ્લાસ હતો. તેની સાથે અભિમન્યુ હતો. તેની હાલત પણ નાજૂક હતી છતાં એ સર્વાઈવ કરી જવાનો હતો કારણ કે તે બહું સખત જીવ હતો. એટલી આસાનીથી તે મરવાનો નહોતો. છેલ્લા શ્વાસ સુધી લડવું એ તેની ફીતરતમાં વણાયેલું હતું.

લોબોની ઓળખાણ ખરા સમયે કામ આવી હતી. તેણે ડો. ગુપ્તાને ફોન કર્યો હતો એટલે ડો.ગુપ્તાએ જડબેસલાક વ્યવસ્થા ગોઠવી રાખી હતી. ડગ્લાસને લઈ આવનાર એમ્બ્યૂલન્સને હોસ્પિટલનાં પાછલાં ગેટથી અંદર લેવામાં આવી ત્યારે ઓલમોસ્ટ રાતનો એક વાગી ચૂકયો હતો. ડો. ગુપ્તાનાં વિશ્વાસું માણસોએ ડગ્લાસ અને અભિમન્યુને સ્ટ્રેચરમાં સુવરાવી સ્પેશ્યલ વોર્ડમાં ફાળવાયેલાં અલાયદા કમરામાં લીધા અને એ ખબર લોબોને પહોંચાડવા માટે એક માણસ દોડાવવામાં આવ્યો. એ દરમ્યાન ડગ્લાસ અને અભિમન્યુની સારવારની જીમ્મેદારી ખુદ ગુપ્તાએ ઉપાડી હતી. તે એક અચ્છો ડોકટર હતો. ડગ્લાસની કંડીશન જોઈને જ તે ચોંકી ઉઠયો હતો. તેની કેરીયરમાં ભયંકરથી પણ ભયંકર હાલતમાં ઘવાયેલા પેશન્ટોને તેણે જોયા હતા. છતાં અત્યારે ડગ્લાસ સામું જોતા તેને ધ્રૂજારી વછૂટતી હતી. કોઈને આટલી બેરહમીથી, સફાઈથી અને ચોકસાઇથી મારવામાં આવ્યો હોય એવું તેની સમગ્ર કારકિર્દી દરમ્યાન ધ્યાનમાં આવ્યું નહોતું. અનાયાસે જ તેને ડગ્લાસ પ્રત્યે અનુકંપા જન્મી અને સાથોસાથ અભિમન્યુની મનોમન પ્રસંશા થઇ ગઇ. તાત્કાલીક ધોરણે એ બન્નેને ઓપરેશન થીએટરમાં લેવામાં આવ્યાં અને તેમની સારવાર શરૂ થઈ.

@@@

“સર, એ લોકો આવી ગયા છે.” ડો.ગુપ્તાએ મોકલાવેલ સંદેશો લઇને આવેલા માણસે લોબોનાં સિક્યુરિટી ગાર્ડને સંદેશો આપ્યો હતો અને એ ગાર્ડે લોબોનાં કમરામાં આવીને જણાવ્યું. ચારું હજું કમરામાં જ હતી. તેનું હદય એ સાંભળીને એક ધબકારો ચૂકી ગયું. તે ક્યારની અભિમન્યુને ઝંખી રહી હતી. લોબોએ જ્યારથી જણાવ્યું હતું કે અભિમન્યુ અહી આવી રહ્યો છે ત્યારથી તેનું સમગ્ર અસ્તિત્વ તેની જ રાહ જોઈ રહ્યું હતું.

“ઓહ, ગ્રેટ…!” બોલો બોલી ઉઠયો અને તેણે દરવાજા તરફ જોયું. તેને એમ કે અભિમન્યુ સાથે આવ્યો હશે. ગાર્ડ એ સમજ્યો.

“સોરી સર, પણ તેમને ઓપરેશન થીએટરમાં લઈ જવામાં આવ્યાં છે.” તેણે ચોખવટ કરી.

“ઓપરેશન થીએટરમાં લઈ જવાયાં છે? વોટ ડુ યુ મીન? શું થયું તેને?” ચારું રીતસરની ગાર્ડ તરફ ધસી ગઇ. તેના જીગરમાં ફાળ પડી અને અમંગળ આશંકાઓથી હદય ફફડી ઉઠયું. અભિમન્યુ ઘાયલ થયો હોય કે કોઈ મુસીબતમાં ફસાયો હોય એ સમાચારે તેના મન ઉપર વજ્રાઘાત કર્યો. તે ખુબ જ ટૂંકા સમયમાં અભિની ઘણી નજીક આવી ગઇ હતી અને તેના માટે દિલમાં લાગણીઓ જન્મી હતી.

“એ તો મને નથી ખબર, એક માણસ ખબર લઈને આવ્યો છે.” ગાર્ડે કહ્યું.

“ક્યાં છે એ?” ચારું બહાર તરફ ધસી ગઇ. ત્યાં એક વ્યક્તિ ઉભો હતો. “અભિ ક્યાં છે? મને તેની પાસે લઈ જા.” એક અજાણ્યાં આદમી સામે તે લગભગ કરગરી ઉઠી. તેની આંખોમાં ઝાકળ ઉભરી આવ્યું. તેને લાગ્યું કે હમણાં તે રડી પડશે.

“આવો મારી સાથે.” એ વ્યક્તિ બોલ્યો અને કોરીડોરમાં આગળ વધ્યો. ચારું તેની પાછળ ખેંચાઈ.

“સર, મારે શું કરવાનું છે?” ચારુનાં બહાર નિકળ્યાં પછી ગાર્ડે લોબોને પૂછયું.

“તું જા, થોડીવારમાં બોલાવું તને.”

ગાર્ડ બહાર નિકળ્યો. લોબો એકલો પડયો અને ફરી વિચારે ચડી ગયો. તેના ધારવાં કરતાં પરિસ્થિતિ ઘણી ગંભીર હતી. અભિમન્યુ શું કારનામાં કરીને આવ્યો છે એ તેને ખબર નહોતી. પહેલા એ જાણવું જરૂરી હતું. એ પછી જ કોઈ નિર્ણય લઈ શકાય તેમ હતું. તેણે ચારુંને એટલે જ પહેલા જવા દીધી હતી. ચારુંની આંખોમાં અભિમન્યુ પ્રત્યેનો સ્નેહ તેણે જોયો હતો એટલે પહેલા તેમની મુલાકાત જરૂરી હતી. એનાથી કદાચ અભિમન્યુ થોડો શાંત પડે.

ખરું પુછો તો તે ખુદ અત્યારે ભયંકર મુંઝવણમાં હતો. ખરા સમયે જ તે ઘાયલ થઇને બેડ ઉપર પડયો હતો એની ઝુંઝલાહટ સ્પષ્ટ તેના ચહેરા ઉપર નજરે ચડતી હતી. તેમાં ચારુંએ અચાનક ટપકી પડીને બોમ્બ ફોડયો હતો જેની ગરમ આંચમાં હજું સુધી તે અનુભવી રહ્યો હતો. એટલું બાકી હોય એમ અભિમન્યુ ડગ્લાસને લઈને હોસ્પિટલમાં આવ્યો એ બનાવ આગમાં ઘી હોમવા બરાબર હતો. અને વળી ઉપરથી આ બધી મુસીબતોને હેન્ડલ કરી શકે એવી વ્યક્તિ… એટલે કે તેના બોસ સુશીલ દેસાઈનો કોઈ પત્તો નહોતો. આખરે એ ક્યાં હતાં? તેણે ફરીથી બોસને ફોન લગાવ્યો. આ વખતે પણ તે નિરાશ થયો. “વોટ ધ હેલ…!” બેડ ઉપર ફોનનો ઘા કર્યો તેણે અને આંખો બંધ કરીને પથારીમાં લંબાવી દીધું. ખરેખર તો તેના હાથમાં કંઇ નહોતું. હોસ્પિટલનાં બેડમાંથી ઉઠયાં વગર તે કશું કરી શકે તેમ નહોતો અને ડો. ગુપ્તા હરગિઝ એવી અનુમતી આપવાનો નહોતો એની તેને ખબર હતી. તે આવનારા સમયની પ્રતિક્ષા કરવા લાગ્યો.

@@@

અભિ અને ડગ્લાસને ઓપરેશન થિએટરમાં લેવામાં આવ્યાં હતા. તે બન્નેની હાલત એટલી ભયાનક હતી કે ડો. ગુપ્તાને સંદેહ થતો હતો કે તેઓ બચશે કે નહી! તેમણે સમય બગાડયા વગર પોતાનું કામ શરૂ કર્યું હતું. સૌથી પહેલા તેમણે ડગ્લાસની પ્રાથમિક સારવાર કરી અને તેને નર્સને હવાલે કરીને અભિમન્યુ તરફ વળ્યો. પરંતુ અભિમન્યુ ચાલું સારવારે સ્ટ્રેચર ઉપરથી ઉભો થઇ ગયો હતો.

“અરે… અરે… સર!” તેની સારવારમાં પરોવાયેલી નર્સ આશ્વર્ય પામીને તેને અટકાવવા ગઈ પરંતુ અભિએ તેની તરફ ધ્યાન આપ્યું નહી. ડો. ગુપ્તાએ હાથનો ઈશારો કરીને નર્સને ખામોશ રહેવા જણાવ્યું.

“ડોકટર, અત્યારે આ બધું જરૂરી નથી. મારે હજું ઘણા અગત્યનાં કામ પતાવવાનાં છે અને મારી પાસે એટલો સમય નથી કે હું અહી પડયો રહું. તમે ખાલી પ્રાથમિક સારવાર આપો બાકી આપણે નિરાંતે મળીશું ત્યારે તમારે જેટલો સમય મને અહી રાખવો હોય એટલો રાખજો.” અભિમન્યુ બોલ્યો. તેની પાસે ખરેખર સમય નહોતો. રક્ષાનાં ગુનેહગાર કોણ છે એ રહસ્ય હવે તેના દિમાગ ઉપર હાવી થઇ ચૂક્યું હતું. જો એ પહેલી તે સુલઝાવી નહી શકે તો ચોક્કસ પાગલ થઇ જવાનો છે એવી દહેશત તેના દિલમાં જન્મી હતી. જો ડગ્લાસ એ વ્યક્તિ નહોતો તો બીજું કોણ હતું?

“બટ…” ડો.ગુપ્તા કંઈક કહેવા ગયા પરંતુ પછી તેઓ અટકયા. “વેઈટ ફોર અ મિનિટ.” તેમણે તુરંત લોબોને ફોન લગાવ્યો. એ દરમ્યાન અભિ ઓપરેશન થિએટરમાંથી બહાર નિકળી ગયો હતો. ડો. ગુપ્તા આભા બનીને લાચાર નજરે તેને જતો જોઈ રહ્યાં.

“અરે યાર, કોણ છે આ? તેની હાલત જોઈ છે? છતાં એ બહાર ભાગી ગયો. તારા કહેવા પ્રમાણે બધી સગવડતાં કરી દીધી છે પણ હવે તું મને દોષ દેતો નહી. આઇ કાન્ટ હેલ્પ એનીમોર. એ મરી જશે.” ડો.ગુપ્તા લોબો ઉપર ઉકળી ઉઠયો. આઉટ ઓફ વે જઈને તે લોબોની મદદ કરી રહ્યો હતો એટલે કશુંક ગંભીર બને તો જવાબદારી સીધી તેની ઉપર આવે એટલે તે ગભરાતો હતો.

“ડોકટર, એ વ્યક્તિ ખરેખર પાગલ છે. તમે એની હિસ્ટ્રી જાણતાં નથી એટલે આમ કહો છો. એની થાય એટલી મરમ્મત કરો બાકીનું એ એની રીતે ફોડી લેશે. અને વિશ્વાસ રાખજો… એમ એટલી જલ્દી નહી મરે એ.” લોબો ન ચાહવા છતાં મુસ્કુરાઈ ઉઠયો. તે તેના દોસ્તને બહું સારી રીતે ઓળખતો હતો.

“અરે પણ એ મરી જશે. જો હું ચોખ્ખું કહું છું કે પછી મારી કોઈ જવાબદારી રહેશે નહી.”

“ઓકે ડોકટર. તમે ફ્રી છો. તેને કંઈ થાય તો બેજીઝક તમે મારું નામ આપી દેજો.” લોબોએ ડોકટરને ધરપત આપી. તે જાણતો જ હતો કે આ મામલામાં કોઈની જવાબદારી ફિક્ષ થવાની નહોતી. તેણે ફોન કટ કર્યો અને લાંબો નિશ્વાસ નાંખ્યો.

ડો. ગુપ્તા ભારે આઘાતથી ફોનને તાકી રહ્યો. તેને વિશ્વાસ થતો નહોતો કે લોબો આવું કંઈક કહેશે. પણ તે સમજદાર માણસ હતો. સરકારી ખાતામાં કેવા-કેવા કાંડ થતા હોય છે એ ભલી ભાંતી જાણતો હતો. તે એમાં પડવાં માંગતો નહોતો એટલે બધું છોડીને કામે વળગ્યો.

@@@

અભિમન્યુ ખૂલ્લા ડિલે જ બહાર નિકળ્યો. ડોકટરે જે થોડુઘણું ડ્રેસિંગ તેના શરીર ઉપર કર્યું હતું એમા તે વિચિત્ર દેખાતો હતો. આમન્ડાની ચાકુથી થયેલો આડો ઘા તેણે લાલ જનોઈ ધારણ કરી હોય એવો દેખાતો હતો. ઉતરી ગયેલો ખભો અને ભાંગેલું જડબું સખ્ખત દર્દ કરતું હતું. શરીરનું એક એક અંગ ભયંકર રીતે બળવો પોકારતું હતું. જમીન ઉપર પગ મૂકતાં શરીરને ઝટકા લાગતાં હતા છતાં એ બધું અવગણીને તે ઓપરેશન થિએટરની બહાર નિકળી આવ્યો હતો. બરાબર એ સમયે જ ચારું અંદર દાખલ થઇ. તેણે અભિને જોયો. અભિએ ચારુંને જોઈ. તેમની નજરો આપસમાં મળી. ચારુની આંખોમાં આપમેળે આસું ઉભરાતા હતા. તેના હૈયામાં અજીબ સંવેદનો ઉમડતાં હતા. જાણે જન્મોજન્મનો વિરહ હોય અને અભિમન્યુ એકાએક જ તેની સામે આવ્યો હોય એમ તેનું જીગર વલોવાયું. તે દોડી… અને ધસમસતી... કોઈ ગાંડીતૂર વહેતી નદીની જેમ આવીને આભિમન્યુને ગળે વળગી પડી.

“અરે… અરે… પણ… ચારું…!! “ ચારુનાં ધક્કાથી અભિનાં પગ આપોઆપ પાછળ ધકેલાયા હતા. તેણે બન્ને હાથ ફેલાવીને ચારુને પોતાની બાહોમાં સમાવી લીધી. એ ક્ષણ અનન્ય હતી. હોસ્પિટલનો એ કમરો ઘડીભર માટે સ્તબ્ધતામાં સરી પડયો હતો અને ચારેકોર ખોમાશી છવાઇ ગઇ.

“ઓહ અભી… ક્યાં હતો તું?” ચારુની નાભીમાંથી શબ્દો સર્યા. અભિમન્યુનો સ્પર્શ થતાં જ ચારુનાં દિલમાં અજબ ઠંડક વળી હતી. ઘડીભર માટે તે ભૂલી ગઇ હતી કે તેઓ ક્યાં ઉભા છે અને કેવી હાલતમાં છે! ક્ષણો વિતતી ચાલી. અભિમન્યુ માટે પણ આ અહેસાસ નવો હતો. તેના જેવા રુક્ષ માણસે આજ સુધી દુશ્મની, ગન, તોપ, ટેન્ક અને ખૂન-ખરાબાની જ અનુભૂતી કરી હતી. સુવાંળપ કોને કહેવાય, દિલમાં ઉભરતી લાગણીઓ શું હોય છે, કોઈ સ્ત્રીનાં સ્પર્શનો અહેસાસ કેવા આહલાદક હોય છે એ બધું ખરેખર તેના માટે નવું હતું. જો અન્ય કોઈ સમય હોત તો ચોક્કસ તેણે ચારુનું સાનિધ્ય માણ્યું હોત પરંતુ અત્યારે પરિસ્થિતિ ઘણી અલગ હતી. એક-એક મિનિટ કિંમતી હતી એટલે ન ચાહવા છતાં તેણે ચારુને પોતાનાથી અળગી કરી.

“ઓહ સોરી…!” ચારુનો ચહેરો લાલ થઇ ઉઠયો. કમરામાં બીજા પણ લોકો હતા એ વિસરીને તે અભિને વળગી પડી હતી એનો ક્ષોભ તેના બેહદ રૂપાળા ચહેરા ઉપર છવાયો.

“લોબો ક્યાં છે?” અભિમન્યુએ પૂછયું.

“અહીં જ છે, ચાલ મારી સાથે.” ચારુ બોલી.

તેઓ બહાર નિકળ્યાં ત્યારે રાતનાં ત્રણ વાગવા આવ્યાં હતા. તેમને ખબર નહોતી કે આવતીકાલનો દિવસ તેમના માટે બહું ભારે વિતવાનો છે. અત્યારે તો તેમની મંઝિલ લોબોને જ્યાં રખાયો હતો એ કમરો હતી. એ કમરાની અંદર જે થવાનું હતું તે આ કહાનીને સમગ્રતહઃ ઉંધે માથે પલટાવી દેવાની હતી.

(ક્રમશઃ)

આપને આ કહાની કેવી લાગે છે? પ્લિઝ કોમેન્ટ જરૂર કરજો.

તમે મને પર્સનલમાં વોટ્સએપ પણ કરી શકો છો- ૯૦૯૯૨૭૮૨૭૮ પર.

શું તમે….

નો રીટર્ન.. નો રીટર્ન-૨.. નસીબ.. અંજામ.. નગર.. આંધી. આ નવલકથાઓ વાંચી છે? નહીં, તો રાહ કોની જૂઓ છો? આ તમામ જબરજસ્ત સસ્પેન્સ થ્રિલર નવલકથાઓ તમને કોઇ અલગ જ દુનિયામાં લઇ જશે.

તો જલ્દી ડાઉનલોડ કરો અને રહસ્યનાં મહાસાગરમાં ડૂબી જાઓ.

અને હાં, આ તમામ નવલકથાઓ પુસ્તક તરીકે પણ ઉપલબ્ધ છે. આ નવલકથાઓને આપની પર્સનલ લાઇબ્રેરીમાં વસાવજો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED